ગુજરાતી સૉનેટકાવ્યો/તમે ગયાં: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
 
(No difference)

Latest revision as of 02:37, 10 January 2025

૧૧૧. તમે ગયાં

મણિલાલ હ. પટેલ

મને આવા સૂના નગર વચ છોડી પ્રિય તમે
ગયાં! ને પાછો હું પરિચય વિનાનો થઈ ગયો!
રવેશો, પારેવાં, ફડફડ થતી પાંખ, તડકો,
ઉઘાડી બારી ને દૂર લટકતું આભ કટકો
નથી સંધાતું કૈં; ઘરની ચીજ લાગે ઘૂરકતી.
મને મુઠ્ઠીમાં લૈ અમથું અમથું જાઉં ફરવા
‘મને આ રસ્તાઓ’ સૂનમૂન મૂકીને વહી જતા
– વળું પાછો, ખૂંચે ‘ઘર’ વગરનો માઢ મનમાં.

વળ્યા ચોમાસાની મધરજની ને મેઘ ચઢતા
અચિંત્યો જાગું છું, સહજ તમને વાત કરવા –
વળું, ત્યાં તો આ શું? ઘર... નગર... ના કૈં પણ નથી?
જરી પાણી પીને તુજ વસનને સ્હેજ અડકું :
સ્તનો જાણે સ્પર્શ્યા, ચમકી ઊઠતો; – મેઘ વરસે
હવે અંગૂલિમાં લય-તરસનો નાગ તરસે.
૧૯૭૫