કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૧. વગડા વચ્ચે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧. વગડા વચ્ચે|– જયન્ત પાઠક}} <poem> વગડા વચ્ચે તલાવડી ને તલાવડી...") |
(No difference)
|
Revision as of 11:46, 10 July 2021
૨૧. વગડા વચ્ચે
– જયન્ત પાઠક
વગડા વચ્ચે તલાવડી ને તલાવડીમાં ફૂલ
ફૂલમાં ફોરમ થૈને પોઢો તમે ભલાજી —
એક કરી લો ભૂલ!
ઉપર ઝૂક્યાં ઝાડ ભલાજી લ્હેર લ્હેરમાં ડોલે,
ભીતર ભીના પ્હાડ, પ્હાડમાં લીલી કોયલ બોલે;
તમે પ્હાડમાં સૂરજ થૈને ઊગો ભલાજી—
એક કરી લો ભૂલ!
સળવળ સળવળ તલાવડીમાં રમે રાતની પરી
પાંખો હેઠળ ચાંદ લઈને તરે ચાંદની નરી
ચાંદ થઈને ઊંચી-નીચી સળવળ સળવળ
થતી છાતીએ સરી ભલાજી—
એક કરી લો ભૂલ!
ચારે કાંઠે તલાવડીના લીલું લીલું ઘાસ,
ભીના ભીના પાથરણામાં ભીની માટીની વાસ;
માટી થૈને ભરી દિયો મઘમઘથી
મારા શ્વાસ ભલાજી—
એક કરી લો ભૂલ!
(બૃહદ છંદોલય, પૃ. ૧૨)