મંગલમ્/સોનાનાવડી…: Difference between revisions
(+1) |
(No difference)
|
Latest revision as of 03:02, 1 February 2025
ગાજે ગગને મેહુલિયો રે, વાજે વરસાદ-ઝડી,
નદી-પૂર ઘૂઘવિયાં રે, કાંઠે બેઠી એકલડી;
મ્હારા ન્હાના ખેતરને રે, શેઢે હું તો એકલડી.
મ્હેં તો ધાન વાઢી ઢગલા કરિયા,
ડૂંડાં ગાંસડી-ગાંસડીએ ભરિયાં;
ત્યાં તો વાદળ ઘોર તૂટી પડિયાં,
ભીંજું ઓથ વિનાની રે, અંગે અંગ ટાઢ ચડી,
મ્હારા ન્હાના ખેતરને રે, શેઢે હું તો એકલડી,
સ્હામે કાંઠે દેખાય રે, વ્હાલું મારું ગામડિયું;
ગોવાલણ-શી વાદળિયે રે, વીંટ્યું જાણે ગોકળિયું!
મ્હારે ચૌદિશ પાણીડાં નાચી રહ્યાં,
આખી સીમેથી લોક અલોપ થયાં;
દિનાનાથ રવિ પણ આથમિયા.
ગાંડી ગોરજ-ટાણે રે, નદી અંકલાશ ચડી,
એને ઉજ્જડ આરે રે, ઊભી હું તો એકલડી
મ્હારા ન્હાના ખેતરને રે, શેઢે હું તો એકલડી.
પેલી નૌકાનો નાવિક રે આવે ગાતો કોણ હશે?
મારા દિલડાનો માલિક રે જૂનો જાણે બંધુ દીસે.
એની વાવ ફૂલ્યે શઢ સંચરતી,
એની પંખી-શી ડોલણહાર ગતિ,
નવ વાંકીચૂકી એની દૃષ્ટિ થતી,
આવે મારગ કરતી ૨ે પ્રચંડ તરંગ વિશે
હું તો દૂરેથી જોતી રે જૂનો જાણે બંધુ દીસે
પેલી નૌકાનો નાવિક રે આવે ગાતો કોણ હશે?
કિયા દૂર વિદેશે રે નાવિક તારાં ગામતરાં?
તારી નાવ થંભાવીને આંહી પલ એક જરા
તારી જ્યાં ખુશી ત્યાં તું જજે સુખથી,
મારાં ધાન દઉં તુને વ્હાલપથી,
તુંને ફાવે ત્યાં વા૫૨જે હો પથી,
મારી લ્હાણી લેતો જા રે મોઢું મલકાવી જરા,
મારી પાસ થાતો જા રે આંહીં પલ એક જરા.
કિયા દૂર વિદેશે રે નાવિક તારાં ગામતરાં?
લે લે ભારા ને ભારા રે છલોછલ નાવલડી,
બાકી છે? વ્હાલા મારા રે હતું તે સૌ દીધ ભરી,
મારી જૂની પછેડી ને દાતરડી,
મારાં ભાતની દોણી ને તાંસળડી,
તને આપી ચૂકી સર્વ વીણી વીણી
રહ્યું લેશ ન બાકી રે, રહ્યું નવ કંઈયે પડી,
રહી હું જ એકાકી રે, આવું તારી નાવે ચડી,
લે લે ભારા ને ભારા રે છલોછલ નાવલડી.
હું તો ચડવાને ચાલી રે નાવિક નીચું જોઈ રહે,
ન તસુ પણ ખાલી રે નૌકા નહીં ભાર સહે,
મારી સંપત વ્હાલી રે શગોશગ માઈ રહે.
નાની નાવ ને નાવિક પંથે પળ્યાં,
ગગને દળ-વાદળ ઘેરી વળ્યાં,
આખી રાત આકાશેથી આંસુ ગળ્યાં,
સૂની સરિતાને તીરે રે રાખી મુને એકલડી,
મારી સંપત લઈને રે ચાલી સોના-નાવલડી,
મારા નાના ખેતરને રે શેઢે હું તો એકલડી.
— ઝવેરચંદ મેઘાણી