બાળ કાવ્ય સંપદા/પગલાં: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:56, 13 February 2025

પગલાં

લેખક : સુન્દરમ્
(1908-1991)

દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊંચી અટૂલી અમે બાંધી જી રે,
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે.

પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનાનું એક પાડજો જી રે,
પગલામાં નવલખ તારાની ભાત ને,
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.

બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું આકાશી એક પાડજો જી રે,
પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.

ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે.
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.

ધીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી રે.
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.