રામચન્દ્ર પટેલની કવિતા/ઉજમણું: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 02:57, 10 March 2025
ઉજમણું
આવે ફરી તું ઘર-આંગણ તો સજાવું
ભાગોળ તોરણ, રચું ગજમાંડવો, બધે
છંટાવું ગંગાજળ... જાજમ રેશમી, વળી
વ્હેતો કરી મલય... છાયલ છાંય પાથરું,
ઊડે ગુલાલ સઘળે, વગડાઉં વાજાં,
નાચું ઉમંગભર તો બધું ગામ નાચે.
આ ભાંભરે ગવરી ગાય, તને ન સાંભરે.
દોહેલ દૂધ પડ્યું દેગડીમાં થતું દહીં–
ચૂલા પરે નવીનવી કથરોટ કોરી.
તું રોટલા ઘડતી ચન્દ્ર ઝગે હથેળિયે!
લે હેંડ... લીંપણની આંકળીબદ્ધ મ્હેક
આપું ; ન શું સુણવી મોરની મેઘ ગ્હેક?
જો એકલો ઉજમણું કરું... હોય સાથે,
તો વાહ! ઉત્સવ બને શું, તું જ હાથે.