હયાતી/૫૭. જાણી બૂઝીને: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 06:20, 13 April 2025


૫૭. જાણી બૂઝીને

જાણી બૂઝીને અમે અળગાં ચાલ્યાં
ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે,
સાવ રે સફાળા તમે ચોંકી ઊઠ્યા
ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે!

આટલા અબોલા પછી આવો સવાલ
કહો કેમ કરી ઊતરવું પાનું,
મૂંગા રહીએ તો તમે કારણ માનો, ને
હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું,
હું તો બોલીશ, છતાં માનશો તમે, કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે!

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ
થઈ ચાલતી દીવાલ થકી ઈંટો,
ભર રે ચોમાસે હવે છાપરાં વિનાનો
કેમ કોરો રહે સ્મરણોનો વીંટો,
દુનિયાની વાત મૂકો, માનશો તમે, કે
હજી આપણી વચાળે જરા પ્રેમ છે!

૧૪–૬–૧૯૭૧