સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/માંદા પડવાની સાધના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો દાક્તરને...")
 
(No difference)

Latest revision as of 04:38, 29 May 2021

          એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો દાક્તરને સજા કરતા. સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય. માણસો પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે. ખાટલામાં પડેલું જુવાન શરીર એ તો અપમાનો અસહ્ય બની ગયા પછી શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂનભંગ છે. હૃદયરોગનો હુમલો કાંઈ મફતમાં નથી મળતો, એ માટે વરસો સુધી મથવું પડે છે; શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઑફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે અને ગમે તે સમયે, ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે. રોગ થાય તે માટે સુખી લોકો જે સાધના કરે તેને બેઠાડુપણું કહેવામાં આવે છે. આવા સાધકોની સંખ્યા આપણા દેશમાં ઓછી નથી. હૉસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? ઘણાખરા ખાટલા ખાલી પડ્યા રહે, એ જ તો હૉસ્પિટલની ખરી શોભા ગણાય. ઓ.પી.ડી.માં કીડિયારું ઊભરાય, એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડાં— ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે, એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. ડૉક્ટરને તાવની ફરિયાદ કરનારા દર્દીઓને કાને આજકાલ બે શબ્દો અચૂક પડે છે : ‘વાઈરલ ઇન્ફેક્શન.’ ડૉક્ટરને કાંઈ જ ન સમજાય ત્યારે આ બે શબ્દો એની મદદે આવે છે. ડૉક્ટરોનો એમાં વાંક નથી. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગળું હોય, ત્યાં ઢગલાબંધ વસતિમાં જથ્થાબંધ મહામારી હોવાની જ.