દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/બાળલીલા: Difference between revisions
(+૧) |
m (Meghdhanu moved page User:Meghdhanu/Sandbox/દિલીપ ઝવેરીની ચૂંટેલી કવિતા/બાળલીલા to દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/બાળલીલા without leaving a redirect: દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો) |
(No difference)
| |
Latest revision as of 02:26, 7 May 2025
જ્યારે જ્યારે લાગે કે હવે શું કરવું
ત્યારે એ મૂંઝવણમાં રસ્તો કાઢવા ભગવાન બાળકોની પાસે જાય છે
એમની સાથે બેસી
એમને ધ્યાનથી જુએ છે અને સલાહ પૂછે છે
બાળકોનું તો કાંઈ નક્કી નહીં
કાં તો રમતાં રહે કાં તો ભાગી જાય
ક્યારેક સાથે બેસીને વાતો કરે
કાગળની હોડીને ગટરનાં પાણીમાં તરતી મૂકે કે
કાગળનાં તીર માસ્તર પર ફેંકે
બધું ય એમને તો સરખું
માથે હેલ્મેટ અને ખભે બખ્તર ચડાવી દડાની પછવાડે દોડે
કોઈ કીડીને પકડી એના ટાંટિયા તોડી પછી કેમ ચાલે છે તે જુએ
ઘાસમાં ઢંકાયેલાં ઈંડાં ગોતી તોડે અંદર જર્દી છે કે નહીં
કોઈ નવા ચશ્મિસ નિશાળિયાને સાન કરી એના દફતરનો ભાર
તફડાવી લે
કોઈ પેન્સિલને ચાવી જાય કાગળિયાં કોરાં રાખવા
સોટીના એક ઝાટકે ફૂલોને ખેરવી પડેલી પાંદડીઓની પરખ-ગણતરી
કરે
કેટલાક ડાહ્યા હોય એટલે પોતાના મોટા થવાનાં સપનાંની વાતો કરે
પોતાના દેશનો ઝંડો આખી દુનિયામાં ફરકાવવાને
કોઈ હોળીમાં બધાં જ રંગીન પતાસાં કબજે કરવાની વાત કરે
કેટલાક બ્રેક વિનાની સાઈકલના હેન્ડલ પરથી હાથ હટાવી ધડડધૂમ
સવારી કરે
કેટલાક દરવાજા વાસી પોતાની બેનપણી ભેગા ગોળપાપડી ફિનિશ કરે
કેટલાકને સપનાં પોતાની ટોપલીને બધા ય તારાથી ભરી દેવાનાં
કેટલાકને સપનાં રાણીબાગનાં બધાં ય પંખીને ઉડાડી દેવાનાં
કેટલાકને ઓથાર દૈતના
અને કેટલાકને સપનાં સમંદર પર તર્યા કરવાનાં
હવે તમને ખબર પડશે કે કેમ મૂંગાં બહેરાં બાંડાં બાળક જન્મે છે
વેગળી બુદ્ધિનાં દરિદ્રી આંધળાં
હવે તમને જાણ થશે કેમ પૂર, ઝંઝાવાત, દુકાળ કે ધરતીકંપ થાય છે
હવે તમને વિચાર આવશે કે હરણને મારતો વાઘ અને ઘાસને
ખેંચીતાણી ચાવી જતું હરણ
એક જ છે
હવે તમને ધ્યાનમાં આવશે કે યુદ્ધ કેમ અટકતાં નથી
હવે તમે કલ્પી શકશો કે બિગ બેન્ગ અને કૃષ્ણરંધ્ર એકમેકની સાથે
કેમ ક્રીડા કરે છે
હવે તમને સમજાશે કે દુનિયા કેમ સમજાતી નથી
હવે તમારા મનમાં પ્રકાશ થશે કે ભગવાનને ન્યાય, માફી એવી ફાલતૂ
વાતો
જે તમારા ભેજામાં ભેગી થઈ છે તેની જરા ય પડી નથી
એકાગ્રપણે ભગવાન બાળકોની જેમ જ વર્તે છે
બાળકોને પોતાની ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય છે
અને પોતે જેવાં છે તેવાં જ મોટાપણામાં ય રહેશે
અને વળી, મોટાં ભાગનાં બાળકો પોતાની પથારી પલાળતાં હોય છે