અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત ટોપીવાળા/અલંગ (જહાજવાડો): Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અલંગ (જહાજવાડો)|ચન્દ્રકાન્ત ટોપીવાળા}} <poem> જહાજો ક્યાં ક્ય...") |
(No difference)
|
Revision as of 10:09, 13 July 2021
ચન્દ્રકાન્ત ટોપીવાળા
જહાજો ક્યાં ક્યાંથી જરઠ ઘરડાં જીર્ણ આવી ઊભેલાં
વીતેલી વેળાનાં જલ છબછબે છીછરા કાદવોમાં
ધ્રૂજે વાંકીચૂકી વિકળ છબીઓ, મ્લાન આ ધૂંધળાશે
હવા ડ્હોળાયેલી કરચલીભર્યાં વાદળો સાવ ફિક્કાં,
પીંખાયેલું રૂ કે ગલ રખડતાં એકલાં આમતેમ?
ઊડે કોરા રેતીકણ? નહિ, ક્ષણો કાળને હાથ ચૂર્ણ!
જહાજો સંભારે સભર દરિયે પ્હેલવહેલા વહેલા
વિલાસોને, મોજે છલકી ઊઠતાં વૈભવો ને મજાને,
નવા રંગે રંગ્યા ચક ચક થતાં માળ ને કૈંક સીડીઓ
ધજાઓ લહેરાતી અરુપરુ ઊભી કેબિનોની કતારો
પુલો ને રેસ્તુરાં ધમધમત થિયેટરો કૉફીબારો
સુરા ને સૂરોની રમઝટ, ઝૂમે ટ્વિસ્ટ ને ઝૅઝનાદો.
જહાજો સ્વપ્નોની તૂટેલી નીરખે ભવ્ય જાહોજલાલી!
હથોડા ટિપાતા ધસમસ ધસી આવતો ક્રેઇનફાંસો
ઘૂમે રાતી ચારેગમ અગનને ઓકતી ગૅસજ્વાલા
ઊંડું કાપે પાડે ધડધડૂસ કૈં પાટની પાટ ભોંયે
ઉશેટે ડાચાથી ડગડગત બુલ્ડોઝરો જે મળ્યું તે
ટ્રકો તોડ્યું ફોડ્યું સઘળું હડપે ઘૂરકે જાય આવે!
જહાજો ક્યાં? ક્યાં છે ક્ષિતિજ ભરી દેતી જહાજોની હસ્તી?
અહીં ભંગારોના ઢગ ઢગ ઊભા થાય ધીમેક ખાલી
ધગે ભઠ્ઠા વેરે અસહ તણખા અગ્નિના ભાંડ ભાંડે
નથી લાવા જેવો રસ ખદબદે ઊકળે લાલચોળ
નીકોમાં રેડાતા વહી વહી ઠરી બ્હાર ઠેલાઈ ત્યાં તો
નવી તાજ્જેતાજી ચક ચક જુઓ આવતી સ્ટીલ-પ્લેટો!
જહાજો! યાત્રાઓ અગણિત તમે દીધી છે જોજનોની
હજારો યાત્રીને, નિત નિત નવાં બંદરો દાખવ્યાં છે!
અજાણ્યાં દૃશ્યોને નિકટ ધરીને દૂર કીધાં અદૃશ્ય
તરંગોની છોળે લખલૂટ કરાવી તમે સ્હેલગાહો!
તમે યાત્રા આજે ખુદ શરૂ કરી, જીર્ણતાને વટાવી
વટાવી ભંગારો ચક ચક નવા બંદરે નાંગર્યાં છો!
(ગુજરાતી કવિતાચયન: ૧૯૯૪, ૧૯૯૬,
સંપા, હરિકૃષ્ણ પાઠક, પૃ. ૩૬-૩૭)