સાગરસમ્રાટ/છેવટ: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading|૨૮. છેવટ}} {{Poem2Open}} અમારી આ વિચિત્ર મુસાફરી પૂરી થઈ. રાત્રે શું બન્યું તેની મને કશી ખબર નથી. અમે એ વમળમાંથી કઈ રીતે નીકળ્યા તેની હજુ પણ મને ખબર નથી પડી. જ્યારે હું ભાનમાં આવ્યો, ત્ય...") |
(No difference)
|
Latest revision as of 17:07, 9 June 2025
અમારી આ વિચિત્ર મુસાફરી પૂરી થઈ. રાત્રે શું બન્યું તેની મને કશી ખબર નથી. અમે એ વમળમાંથી કઈ રીતે નીકળ્યા તેની હજુ પણ મને ખબર નથી પડી. જ્યારે હું ભાનમાં આવ્યો, ત્યારે એક માછીમારના ઝૂંપડામાં સૂતો હતો. મારા બંને મિત્રો મારા હાથપગ દાબતા હતા. હું તેમને ભેટી પડ્યો.
અમે લોફોડાનને બેટ ઉપર હતા. ફાન્સ જવા માટે મહિનામાં બે વાર એક સ્ટીમર અહીંથી પસાર થાય છે. તે સ્ટીમર આવે ત્યાં સુધી અમારે રોકાવું પડ્યું.
મારી વાત પણ હું અહીં પૂરી કરું છું. આ વાર્તા આખી સાચી છે. હું એક પણ વાત અંદરથી ભૂલી નથી ગયો; તેમ મેં એકે બનાવ છોડી પણ નથી દીધો. સમુદ્રના ગર્ભમાં રહેતી અપાર સમૃદ્ધિનો એક ભાગ જે મેં જોયો, તેનું આ આખું વર્ણન છે.
મને કદાચ તમે સાચો નહિ માનો. શી ખબર! અને ન માનો તો કંઈ નહિ; પણ એટલું તે હું કહું છું કે લગભગ દસ મહિનામાં સમુદ્રની અંદર ૬૦,૦૦૦ માઈલ સુધી હું ફર્યો છું, એટલે મને તે વિશે બોલવાને તો પૂરો અધિકાર છે.
પણ નૉટિલસનું શું થયું એમ કદાચ તમે પૂછશે. તે પેલા વમળમાં નાશ પામ્યું? કૅપ્ટન નેમો હજુ જીવતો હશે? કૅપ્ટન નેમોની પોતાની લખેલી ‘આત્મકથા’ દુનિયામાં કોઈને હાથ લાગશે? કૅપ્ટન નેમો ક્યા દેશને હતો એની કંઈ ખબર પડશે? મને આશા છે કે મળશે. મને તો એમ પણ આશા છે કે કૅપ્ટન નેમો આ વમળમાંથી પોતાના વહાણને બચાવીને હજુ દરિયાને અગાધ તળિયે ઘૂમતો હશે, અને વિશાળ સાગર ઉપર પોતાનું અખંડ સામ્રાજ્ય ભોગવતા હશે. તે જેટલો અગમ્ય-રહસ્યપૂર્ણ છે, એટલો જ તે ભવ્ય છે; તે જેટલો ક્રૂર છે, એટલો જ તે સુકોમળ છે : મહાસાગરનો જાણે કોઈ ભવ્ય સમ્રાટ!