અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/શબ્દની સ્ફૂર્તિની કવિતા: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|શબ્દની સ્ફૂર્તિની કવિતા|જગદીશ જોષી}} | {{Heading|શબ્દની સ્ફૂર્તિની કવિતા|જગદીશ જોષી}} | ||
{{center|'''સૂરજ આ અમથું'''<br>'''લાભશંકર ઠાકર''}} | {{center|'''સૂરજ આ અમથું'''<br>'''લાભશંકર ઠાકર'''}} | ||
{{center|'''<poem>સૂરજ આ અમથું ઊગ્યો ને અમથું ખીલ્યું ફૂલ…સમજ્યા.</poem>'''}} | {{center|'''<poem>સૂરજ આ અમથું ઊગ્યો ને અમથું ખીલ્યું ફૂલ…સમજ્યા.</poem>'''}} | ||
Revision as of 12:16, 22 June 2025
જગદીશ જોષી
સૂરજ આ અમથું
લાભશંકર ઠાકર
સૂરજ આ અમથું ઊગ્યો ને અમથું ખીલ્યું ફૂલ…સમજ્યા.
સમાજશાસ્ત્રીઓ એમ કહેતા આવ્યા છે કે ભીતરનો કોઈ સ્વ-અર્થ ન હોય ત્યાં સુધી મા’સ પ્રવૃત્તિ માટે પ્રેરાય નહીં. દરેક પ્રવૃત્તિને જરા ખણશો, ખોતરશો તો કોઈક કારણ હાથે ચડવાનું. પણ કલા એ તો માત્ર નિર્હેતુક લીલાની પ્રવૃત્તિ છે. માત્ર क्रीडनार्थ છે એવું આપણને ઠસાવવામાં આવ્યું છે. ‘નિરુદ્દેશે’ કે ‘હું તો બસ ફરવા આવ્યો છું!’ કે પેટ્રિક કાવાનાઘની જેમ ‘My purpose in life is that I have no purpose–’ આવી સીધી રીતે આજનો કવિ વાત નહીં કરે.
લાભશંકરે આ કાવ્યનો પ્રારંભ પ્રકૃતિથી કર્યો છે. પ્રકૃતિમાં યોજના હોય, પ્રયોજન નહીં. પણ મનુષ્યમાં પ્રયોજન વિના કોઈ પ્રવૃત્તિ જ નથી. વૃત્તિના ભેદના આ બે અંતિમોને ઠસાવીને ઉપસાવવા માટે ‘સમજ્યા’ શબ્દને કવિ કાકુથી એવી રીતે પ્રયોજે છે કે જાણે આ વાત છે અને છતાં નથી.
સૂરજના ઊગવામાં, ફૂલના ખીલવામાં કે ઝાકળનાં ટીપાંના અસ્તિત્વમાં કે પંખીના ઊડવામાં — બોલવામાં જે નિર્હેતુકતા છે તે માનવપ્રવૃત્તિમાં છે ખરી? અને જો કોઈ એમ કહે તોપણ એ વાત ભોળા ભાવે માની લેવા જેવી નથી. એમ કવિ ફરી ફરીને આપણને કહેવા માગે છે.
કોઈ પણ વસ્તુનો નિતાન્ત સાક્ષાત્કાર પણ મનુષ્ય કરી શકતો નથી. નરી એકલતાનું વરદાન પણ એને ક્યાં છે? એકલતા ‘જેવું’ – નિર્ભેળ એકલતા પણ નહીં. કવિ પૂરતા સજાગ છે અને એટલે જ આ શબ્દો, આ અર્થ-અનર્થ, અરે, ખુદ કવિતાપ્રવૃત્તિ માટે જ્યારે તેઓ વિચારે છે ત્યારે ‘તેમ છતાં આ અમથું ના કંઈ,’ એવી પ્રતીતિ તેમને થાય છે અને તરત જ ‘અમથો થતો સવાલ’ એમ કહીને વાતની કોર વાળી લે છે. આવી પ્રવૃત્તિમાં પણ ઊંચા-નીચા, ઉત્તમ-મધ્યમ, નાના-મોટાના ખ્યાલોનું ગણિત ‘ફરકી’ જાય છે ત્યારે મનુષ્યને મળેલો સંવેદનતંત્રનો કોરો કાગળ પણ ઓચિંતો ડૂચો થઈ જાય છે અને ઘોંઘાટમાં ક્યાંક ખોવાઈ જાય છે. મનુષ્ય ‘જે કંઈ’ થોડુંઘણું સમજ્યો છે એમ પોતે માને છે એના માટે પોતે તંત બાંધી બેસે છે અને તંતીલી વૃત્તિ-પ્રવૃત્તિની તાણતૂસમાં સમજણની બારાખડી ભૂંસાઈ જતી હોય છે.
લાભશંકરનું આ કાવ્ય કવિ વિશેની કવિતા છે, કવિતા વિશેની કવિતા છે. કવિતા લખતાં લખતાં વણસી જતી કલમની પણ આ કવિતા છે. આપણે ત્યાં ઠાકોર, ઉમાશંકર, નિરંજન વગેરે કવિઓએ કવિતાની પ્રક્રિયા વિશે કાવ્યાત્મક કૃતિઓ આપી છે. લાભશંકરની આ કૃતિ ‘અમથું અમથું’ અને ‘સમજ્યા’ કહી કહીને પણ સાવ અમથી નહીં એવી કવિતાની હસ્તીની વાત કરી જાય છે.
આ કૃતિ સરળ લાગે છે પણ એ ગહનતાની નીપજ છે. પંક્તિઓની સફાઈ છે તે બૌદ્ધિકતા કરતાં પણ લયની ઊંડી સૂઝને વધુ આભારી છે.
અદ્યતન કવિઓમાં જેને major poet કહી શકીએ એવા આ કવિ કવિકર્મ માટે કેટલા સજાગ છે! શબ્દને અનેક રીતે અને ઉત્તમ સ્વરૂપે પામવા મથતા કવિ અન્યત્ર કહે છે ‘(શબ્દનો) કયા ઍંગલથી ફોટો પાડું?’ ભાષાને વળગેલા મેદનું નિરસન કરીને (કે વસ્ત્રગાળ ચૂરણ કરીને!) કવિને તો રસ છે શબ્દસ્ફૂર્તિ સિદ્ધ કરવામાં.
‘શબ્દ વિના હું દીન’ કહેનાર કવિ શબ્દસ્મૃદ્ધિને કેવી સમૃદ્ધ રીતે લયમાં રજૂ કરી શક્યા છે! (એકાંતની સભા)
૧૭–૨–’૭૫
(એકાંતની સભા)