દક્ષિણાયન/રામેશ્વરમ્: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading|રામેશ્વરમ્}} {{Poem2Open}} રાવણ બ્રાહ્મણ હતો. તેનો વધ કરવાથી રામચંદ્રને બ્રહ્મહત્યા ચોંટી. એ પાપમાંથી છૂટવા પુરોહિતોએ અહીં જગતના ઈશ્વર શિવની સ્થાપના કરવા કહ્યું. હનુમાન શિવલિંગ લ...") |
No edit summary |
||
| Line 47: | Line 47: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધનુષકોડિ | ||
|next = ત્રિચિનાપલ્લી | |next = ત્રિચિનાપલ્લી | ||
}} | }} | ||
Latest revision as of 17:12, 24 June 2025
રાવણ બ્રાહ્મણ હતો. તેનો વધ કરવાથી રામચંદ્રને બ્રહ્મહત્યા ચોંટી. એ પાપમાંથી છૂટવા પુરોહિતોએ અહીં જગતના ઈશ્વર શિવની સ્થાપના કરવા કહ્યું. હનુમાન શિવલિંગ લેવા નર્મદા પહોંચ્યા. અહીં ઈશ્વરની સ્થાપનાનું મુહૂર્ત નજીક આવી પહોંચ્યું છતાં હજી હનુમાન દેખાતા નથી. આ મુહૂર્ત વીતે તો બીજું મળે તેમ નથી. ચિંતાતુર નયનેય રામચંદ્ર ઉત્તર દિશામાં જોવા લાગ્યા. પુરોહિતોએ કહ્યું, ‘રાજન! વાટ જોશો ના. દેવની સ્થાપના કરી લેવી જ જોઈએ.’ રામચંદ્રે સ્વહસ્તે રેતીમાંથી લિંગનો આકાર રચ્યો. મંત્રોચ્ચારપૂર્વક દેવને સ્થાપ્યા. એ આ રામેશ્વર. રામચંદ્રના સ્વહસ્તે થયેલાં અનેક કાર્યનો કોઈ કહેવાતો અવશેષ હોય તો આ છે. આજે અયોધ્યામાં એમનું ઘર નથી રહ્યું, વિશ્વામિત્ર પાસે જયાં ભણતા તે નિશાળ નથી રહી, જે દંડકારણ્યમાં એમણે વનવાસ કર્યો તે વન નથી રહ્યું અને જે રાવણને એમણે મારી નાખ્યો તે રાવણ પણ નથી રહ્યો! વારુ. રામે ઈશ્વરની સ્થાપના કરી પોતાને પાપમુક્ત કર્યા, પણ ઘટના ત્યાંથી જ અટકી નહિ. હનુમાન થોડી વારમાં મંગાવેલું શિવલિંગ લઈને આવ્યા અને જુએ છે તો અહીં બધું ટાઢું થઈ ગયેલું લાગ્યું. ‘આ શું?’‘શું શું?’‘મહાદેવ સ્થપાઈ ગયા?’ ‘ક્યાંથી? શેનાથી?’ ‘તમે મોડા પડો માટે કંઈ મુહૂર્ત જવા દેવાય? શ્રી રામચંદ્રને છેવટે રેતીમાંથી લિંગ બનાવી ચલાવી લેવું પડ્યું!’હનુમાનનું હૃદય બેસી ગયું. ‘હું હજારો ગાઉ દોડતો ગયો અને આવ્યો તે એટલા માટે? શ્રી રામચંદ્રના હાથે સ્થપાનાર શિવલિંગ હું હનુમાન લાવ્યો હતો એમ હવે કોણ કહેશે? તેના હૃદયમાં વિષાદ અને ઉદ્વેગ ઊકળવા લાગ્યા. અંતર્યામી રામચંદ્રે હનુમાનનું દુ: ખ જાણ્યું. હાથમાં લિંગ પકડીને મૂઢ બની ઊભા રહી ગયેલા હનુમાનના હાથમાંથી લિંગ લેતાં લેતાં તેઓ બોલ્યા, “વત્સ! નાખુશ ન થા. મુહૂર્ત તો જાળવવું જ પડે ને? લે, તારું લાવેલું! જ લિંગ પણ સ્થાપી દઈએ.’અને રામચંદ્રે રામલિંગ પાસે હનુમાનલિંગ સ્થાપ્યું. હનુમાનને લાગ્યું પોતે છેતરાયા છે અને પોતાને મનાવવાના આ રામચંદ્રના પ્રપંચ છે. તે ગુસ્સે થયા. રામચંદ્રે સ્થાપેલું લિંગ રહેવું જ ન જોઈએ એમ મનમાં નક્કી કરી રેતીના લિંગને ઉખેડવા તે ધસ્યા; પણ એ રેતી વજ્ર કરતાંય કઠણ નીવડી. લિંગમાંથી એક કણ પણ ન ખર્યો. પણ ગમે તેવો તોય હાથ હનુમાનનો. લિંગ પર ઉઝરડા પડી ગયા. આજે પણ એ રહ્યા. અહંકાર ગમે તેવા ભદ્ર હૃદયને પણ કેવો પછાડે છે તે સસ્મિત વદને રામ નિહાળી રહ્યા અને કૃપાકટાક્ષ કરતાં બોલ્યા: ‘હનુમાન! થયું હવે. જા, તારા લિંગની હંમેશાં પહેલી પૂજા થશે; પછી મારાની.’મામલો શાંત પડ્યો અને અહીંથી આખું લાવલશ્કર અયોધ્યા જવા ઊપડ્યું. થોડેક ગયા ને રામચંદ્રને કંઈક યાદ આવ્યું. તે પાછા ફર્યા અને ધનુષ પર બાણ સાંધ્યું. આ પુલને પણ તોડી નાખવો જોઈએ; નહિ તો કોઈ પાછું અહીં આવીને ઉપદ્રવ કરશે. સેતુનો તેમણે નાશ કર્યો. તે પછી પગની મોજડીમાં ભરાઈ ગયેલી અહીંની રેતી ખંખેરતા રામચંદ્ર વિમાનારૂઢ થયા અને ગયા તે ગયા. આજે રામેશ્વર હિંદનું પવિત્રતમ તીર્થ છે. હિંદના દક્ષિણ છેડે આવેલું છતાં ઉત્તરવાસીનેય તે છેક નજીક હોય તેમ લાગે છે. ગંગોત્રીનાં પાણી માણસની ભક્તિ પર આરૂઢ થઈ અહીં રામેશ્વર ઉપર અભિષેકાય છે. હિંદની ઉત્તરે અને દક્ષિણે શિવ જ બેઠા છે. એમની જટામાંથી ઝરતી જાહ્નવીને એમણે પોતાની પાછળ પાછળ ઠીક ફેરવી છે. તે વખતના યંત્ર વિનાના જમાનામાં પણ ગંગોત્રીથી ગંગાજળની કાવડ લઈ પગપાળા રામેશ્વર પહોંચનાર હતા. ચાર ધામ કરનારને માટે જીવનમાં તે પછી કશું મેળવવાનું બાકી રહેતું નહોતું. જીવનસાફલ્યનો એ પ્રકાર આજે પણ કામયાબ બનતો હોય તો કેવું સારું! કાંઈ વાંધો નહિ. આજે પણ આખા હિંદમાંથી અહીં બધા પ્રાંતના લોકો ઊતરતા રહે છે. વર્ષમાં ક્યારેય પણ જુઓ, યાત્રીઓની ધારા ચાલુ જ હોય. છે અને પુણ્યલાભ તથા દાનલાભનો વ્યાપાર અપ્રતિહત વહ્યાં કરે છે. રામેશ્વરના પંડાઓની દગલબાજી સામે અમને ચેતવણી મળી હતી. ઠેઠ પામવનથી કેટલાક પંડા અમારી સાથે થયા. શુદ્ધ ગુજરાતીમાં છાપેલી પત્રિકા અમારા હાથમાં આપી અને પોતાના મહેમાન બનવા અમને નોતરવા લાગ્યા. ‘ભગવાનદાસ બાગલાની ધર્મશાળામાં જ અમે જઈશું.’એ જવાબે એ લોકો ચુપ થઈ ગયા. એક મારવાડી શ્રીમંત ભગવાનદાસ બાગલાની ધર્મશાળાને જામનગરના વતની પુરુષોત્તમ મહારાજે શુદ્ધ ગુજરાતી ગૃહ બનાવી રાખ્યું છે. ગુજરાતનું મોકળું આતિથ્ય, ગુજરાતની નિરાંત, ગુજરાતી ભાષા અને ગુજરાતી ખોરાક એટલાં વાનાંથી એટલે દૂર પણ આ સેવાભાવી મહારાજે ગુજરાતને હૂબહૂ ઉપજાવ્યું છે. બધા યાત્રીઓનું અહીં કંઈ પણ બદલાની લાલચ વિના આતિથ્ય થાય છે અને અહીંના ગોરોના છળપ્રપંચોમાંથી પણ સહેલાઈથી ઊગરી જવાય છે. આગલા દિવસની મદુરાની રખડપટ્ટી, રાતે ગાડીની ધમાલ અને સવારે ધનુષકોડની રેતીમાં સાત માઈલની મજલ; આ બધાનો થાક કેટલો બધો ભેગો થયો હશે એની તો મહારાજે આપેલાં પૂરી, સરગવાનું શાક અને દાળભાત ખાધા પછી જે ત્રણચાર કલાક ઘસઘસાટ ઘોર્યો ત્યારે જ ખબર પડી. સાંજને વખતે અમે દર્શનાર્થે નીકળ્યાં. લગભગ એક જ બજારના આ ગામમાં રામેશ્વરનું મંદિર જ સૌથી મોટું મકાન છે. મંદિરની આજુબાજુ જ ગામનો વેપારધંધો અને બીજી પ્રવૃત્તિઓ ઊગેલી છે. રામેશ્વર એટલે થોડીક દુકાનો, થોડાક પંડાઓ અને થોડીક છતાં સારી એવી ધર્મશાળાઓ અને આખા ગામને પોતાનામાં સમાવી લે તેટલું વિશાળ અને ભવ્ય મંદિર. મંદિરનો રસ્તો જરાકે શોધવો પડે તેમ નથી. ઊંચું ગોપુરમ્ તમને તરત જ આંગળી હલાવી પોતાની કને બોલાવી લે છે. અહીં પણ ચાર મુખ્ય ગોપુરમ્ છે. મદુરાના ગોપુરમ્ની પ્રતિમાસમૃદ્ધિની તોલે આવે એવી ખીચોખીચ પ્રતિમાઓ તેના પર નથી. તેના નવ સાદા માળ નાના નાના સ્તંભોની સુંદરતા ધારણ કરતા આકાશમાં નવ કળશની હારમાં વિરામે છે; પણ એની સાદાઈમાંથી ગોપુરમ્ શિલ્પ તરીકેની કુશળ આયોજના વધારે સ્પષ્ટ તરી આવે છે. ગોપુરમ્ એટલે જ વિરાટ સર્જન; એ જૂનું હોય કે નવું, સાદું હોય કે અલંકૃત; પણ એની ભવ્યતા ક્યાંયે છૂપી નથી રહેતી. પણ આ સાદાઈનો બદલો રામેશ્વર મહાદેવના ગર્ભાગારના શિખરે – વિમાને વાળી દીધો છે. એ નાના શિખરના પૃષ્ઠ ઉપર પણ કોઈ અદ્ભુત સુરેખતા અને ઝીણવટથી કથાપ્રસંગો શિલ્પમાં ઉતાર્યા છે. ગરુડો અને હાથીઓ, અશ્વો અને વૃષભો અને સ્વર્ગના દેવો અને પરમેશ્વરનાં કુટુંબીઓ ત્યાં દૈવી સુંદરતાથી બેઠાં છે. ગોપુરમ્ કરતાં આ શિખરને ફરતે ગોઠવેલી આ પ્રતિમાસૃષ્ટિની રચના જુદી પડે છે. શિખરનો સમચોરસ આકાર આ મનોહર પ્રતિમાઓ માટે જુદી જ જાતની ભૂમિકા બને છે. આખા દક્ષિણમાં આમ પ્રતિમાઓ વડે સુંદર બનેલું હોય એવું બીજું એકે શિખર નથી. મીનાક્ષીના મંદિરનું વર્ણન આપતાં મેં રામેશ્વરના મંદિરને રામાયણની સાથે સરખાવ્યું હતું. રામાયણમાં જે શાંતિ અને સૌમ્યતા સાથે વિશાળતા છે તે અહીં છે. મદુરાની વેપારની ધમાલ અહીં નથી; મદુરાનો કોલાહલ પણ અહીં નથી; દંડકારણ્યની શાંતિમાં જે એકલતાથી રામ, સીતા અને લક્ષ્મણ વિચરતાં હતાં તે એકલતા અહીં અનુભવવાની મળે છે. રામેશ્વરમ્ના મંદિરની સૌથી ભવ્ય રમણીય વસ્તુ છે તેના પ્રલંબ પ્રદક્ષિણાપથો. વીસેક ફૂટ પહોળા રસ્તાની બે બાજુ પાંચ ફૂટના ઓટલા ઉપર ઊભા રહીને બેય બાજુથી પોતાના હાથને ઊંચા કરી સહેજ નમાવી રસ્તા પર કમાન રચતા થાંભલાઓની લાંબી લાંબી શાંત વીથિઓ જે પ્રગલ્ભ રમણીયતા ઊભી કરે છે તે નથી મદુરામાં, નથી શ્રીરંગમાં કે નથી કાજીવરમાં પ્રત્યેક થાંભલાને અલગ અલગ લેતાં તે ખાસ આકર્ષક નહિ નીવડે. જે મજા છે તે તેમના સામુદાયિક વિન્યાસની. ગણિતીઓએ ગર્ભાગારની ચાર દિશામાં ઘૂમતી આ વીથિઓની લંબાઈ ૪૦૦૦ ફૂટ માપી કાઢી છે. એક વીથિની એક છેડેથી બીજે છેડે પહોંચતાં લાગે કે આ તો પૂરી જ નહિ થાય. આમતેમ નજર નાખતાં તમે ચાલવા લાગો, પ્રચંડ સૈનિકોના જેવા હોશિયાર બની ઊભેલા તોતિંગ થાંભલા તમારી પાસેથી પસાર થતા જાય અને થાંભલાઓની પાછળના વિશાળ ઓટલાનો ખાલી અવકાશ તમને કેટલીય અનંતતાનું સૂચન આપતો જાય. મંદિર મદુરા જેટલું જ વિશાળ કહેવાય; પણ મદુરાની અંદર જે જીવતી પ્રવૃત્તિઓ છે તે અહીં નથી. અહીંની વિશાળતા મંદિરને પણ ભારે થઈ પડી છે. મંદિરના કેટલાક ભાગ તદ્દન હવડ છે, કેટલાક ભાગ ભાંગી પણ ગયા છે અથવા ચણતાં અધૂરા રહ્યા હોય તેવા પણ લાગે છે. આ હવડ અને ખંડિયેર ભાગો મંદિરમાં એક જુદું જ અસામાન્ય વાતાવરણ ઉપજાવે છે. અહીં જે કંઈ થોડુંઘણું શિલ્પ છે તે મંદિરની પૂર્વવીથિમાં છે. પથ્થરની પ્રતિમાઓને રંગ લગાવી બદસૂરત કરી નાખી છે. મદુરામાં કલિપુરુષની મૂર્તિ છે; તેમાં પુરુષ પર સ્ત્રીને સવાર બનાવી છે. અહીં સત્ પુરુષની મૂર્તિ છે; એમાં સ્ત્રી ૫૨ પુરુષને સવાર બનાવ્યો છે. બંનેમાં કયું હીનતર છે? બંને? આટલામાંની એકે પ્રતિમામાં ઊંચી કળા કે સૌંદર્ય ન દેખાયું. દેવાભિમુખ માર્ગે જતાં રસ્તામાં આવતો બૃહત્કાય ઉપવિષ્ટ નંદી ધ્યાન ખેંચે છે. બેંગલોર અને ચામુંડી હિલના નંદી જેવી જ આની કાયા પ્રચંડ છે. પ્રત્યેક શિવમંદિરમાં શિવસમ્મુખ જે નંદી હોય છે તે બેઠેલો જ કેમ હોય છે? ત્રિકાળની પણ પર રહેતા એવા ઈશ્વરની સન્મુખ ક્યાં લગી ઊભા રહેવું એમ માની બેસી ગયો હશે? અથવા ઊભેલા વૃષભનું શિલ્પ બહુ સુંદર ન લાગે? મદુરામાં સુંદરેશ્વરની સામેના મંડપના સ્તંભ ઉપર ઊભેલા નંદી પર શિવપાર્વતી આરૂઢ બનેલાં હતાં. અહીં પણ એક નાના વાછરડા જેટલી નંદીની ઊભી પ્રતિમા શિવની ઉત્સવમૂર્તિ માટે વપરાતી જોઈ. પણ ગમે તેમ હો; બેઠેલો નંદી ભક્તિની અચળ સ્થિરતાનું તો યોગ્ય પ્રતીક છે જ. રામેશ્વર અને પાર્વતીનાં જુદાં જુદાં મંદિરો છે. અહીં દેવ મદુરા જેટલા દુર્ગમ નથી. મદુરા કરતાં અહીં વાતાવરણ વધારે ઉદાર છે. આખા હિંદની તમામ જાતિઓ અહીં આવતી હોઈ સંકુચિતતા આપોઆપ ઓસરી જાય છે. મદુરામાં મારી સાથે આવેલો ઘરનો નોકર પણ શૂદ્ર હોવાથી દેવના ગર્ભાગારમાં જઈ શકતો નહોતો, જયારે અહીં કોઈ પણ શૂદ્ર તે ધારે તો મંદિરમાં આવી શકે તેમ છે. પાર્વતીના મંદિર પાસેના મંડપમાં સપ્ત કન્યા, અષ્ટ લક્ષ્મીઓ અને નવ શક્તિઓ પણ નિવાસ કરે છે. તેમનાં દર્શન પણ દેવ જેટલાં પાવનકારી છે. રામેશ્વરને ગંગાજળ ચડાવવાનું અપાર પુણ્ય તો અહીં જ મેળવી શકાય છે. હવે ખભે કાવડ લઈ ગંગોત્રીથી અહીં આવનાર તો કોઈ રહ્યું નથી લાગતું; પણ હોય તોય આજના રેકર્ડોના જમાનામાં એ રેકર્ડનો કોઈ ઉલ્લેખ કરતું લાગતું નથી. પણ તેથી ગંગાજળ ચડાવવાની પુણ્યવૃત્તિ મટી ગઈ છે એમ નથી. અહીં ભક્ત આવે તે પહેલાં ગંગાજળ આવી ચૂકેલું હોય છે. પંડાઓ કહે છે, ‘અમારી પાસે ગંગાજળ છે. અમે યાત્રીઓ માટે ખાસ લઈ આવ્યા છીએ. લો, દસ રૂપિયા આપો. તમારી તકલીફ મટી જશે અને પુણ્યલાભ તો થશે જ.’ભાવિકો ગંગાજળ લે; પછી ભલે અહીંના કૂવાનું પાણી હોય! એ ભય સામે મંદિરના વ્યવસ્થાપકોએ ખરી ખાતરીનું ગંગાજળ મંદિરમાંથી જ મેળવી આપવાની સગવડ કરી રાખી છે. સમુદ્રસ્નાન તો અહીં છે જ. જોકે ધનુષકોડિ જેવો મઝાનો દરિયો અહીં નથી. અહીંનો ઘાટ ગંદો હતો. પણ સમુદ્રસ્નાન ઉપરાંત રામેશ્વરના મંદિરમાં જ પૃથ્વી પરનાં તમામ તીર્થો આવીને વસ્યાં છે. કેટલાંક તીર્થ મોટા કુંડ રૂપે છે, કેટલાંક કૂવા રૂપે છે, કેટલાંક સાવ નાનાં ટાંકાં રૂપે છે. કોઈ પણ ખરો ભાવિક આ સર્વ તીર્થોનો લાભ લેવાનું ચૂકતો નથી. અમારી સાથે ધર્મશાળામાંથી નીકળેલા લોકોએ દોરી અને લોટો પોતાની સાથે લીધો ત્યારે મને નવાઈ થઈ હતી. એ દોરીલોટો હતાં મંદિરમાંનાં તીર્થરૂપ કૂવાઓમાંથી પાણી ખેંચી ખેંચીને સ્નાન કરવા માટે. તીર્થે તીર્થે ફરવાનું અને એક એક લોટો પાણી શરીર પર રેડતા જવાનું. આખું શરીર અનેક વાર પલાળવાની જિગર ન હોય તો માથા પર ટીપું ચડાવી લો તોય ચાલે! ધર્મમાં જેટલી સગવડ છે તેટલી જગતના બીજા એકે ક્ષેત્રમાં દેખાતી નથી. આજે પૂર્ણિમા હતી. દત્તગુરુની જયંતી હતી. બીજા ચારેક તહેવારોનો પણ ભેટો થઈ જતો હતો. લક્ષદીપ પ્રગટવાના હતા. રાત્રે ફરીથી મંદિરમાં ગયો. લોકોએ પોતાનાં આંગણાં સાથિયાઓથી શણગાર્યાં હતાં. જાપાની કાગળનાં ફાનસો બારણે લટકતાં હતાં અને કેશની વેણી પર અક્કડ પૂઠામાં ગૂંથેલી ફૂલની લાંબી વેણી પહેરીને કસૂંબલ સાડીઓમાં શોભતી નગરની કન્યાઓ રમતી હતી. મંદિરમાં રોશનીનો ઝગમગાટ એટલો બધો નહોતો. સામાન્ય રીતે તો વીજળીના દીવા જ આ ઊંચા પ્રદક્ષિણા-માર્ગોને આછા અજવાળી રહ્યા હતા. મંદિરના પૂર્વ ભાગમાં વિશેષ પ્રવૃત્તિ દેખાતી હતી. પ્રત્યેક મંદિરમાં દેવોની પ્રાણપ્રતિષ્ઠિત મૂર્તિ ઉપરાંત બીજી ભોગમૂર્તિ યા ઉત્સવમૂર્તિ પણ હોય છે. જ્યારે જ્યારે દેવ મંદિરની બહાર નીકળે છે ત્યારે આ ભોગમૂર્તિને આશ્રયે નીકળે છે. આ સોનાચાંદીની મૂર્તિઓ પણ પૂરા ઠાઠથી રહેતી હોય છે. દેવના નિવાસગૃહ પાસે વિધિપૂર્વક વૈતાલિકો સંગીત કરે છે. પૂજારીઓ તેમની આરતી ઉતારે છે, દેવને જગાડે છે અને પછી તેમનાં વાહન પર તેમને આરૂઢ કરે છે. હું ગયો ત્યારે એક દેવનું ઉદ્બોધન થઈ રહ્યું. શરણાઈ મીઠા સૂરે લૂંટાતી હતી અને ઢોલકવાળો લહેરથી તાનમાં આવીને ધૂન મચાવતો હતો. આ સંગીતવૃંદમાં સામાન્ય રીતે ત્રણ જણ હોય છે. એક ઢોલક વગાડનાર અને બે શરણાઈવાળા. તેમાં યે એક જણ માત્ર સૂર જ આપે અને બીજો શરણાઈ પર ભિન્ન ભિન્ન રાગની રચના ઉપજાવે. પૂરતી વિવિધતા અને માધુર્યથી શરણાઈ વાગતી હતી; પણ જે તલ્લીનતા અને ઉદ્રેકથી ઢોલક વાગતું હતું તે તો અપૂર્વ હતું. કદાચ ઢોલક વગાડનારને હાથની ગતિના કારણે અંગને વધારે તંગ કરવું પડતું હશે. એમનાં કાળાં શરીર અને સાવ જડ જેવા લાગતા ચહેરા જોઈને આટલી કળા એ શરીરની અંદર વસી શકે તે અનુભવ સિવાય માનવું શક્ય નહોતું; પણ એ તો અનુભવ્યું. બીજે દિવસે સાંભળ્યું કે રાત્રે એક વાગ્યે દેવદાસીનું નૃત્ય પણ અહીં થયું હતું. એમાં અહીંના સંગીત અને નૃત્ય બંને વિશેષરૂપે જોઈ શકાત; પરંતુ એ ખબર આગળથી મળી હોત તોપણ ઉજાગરો કરવા જેટલી શક્તિ હું બતાવી શકત કે કેમ તેની શંકા જ હતી. એક દેવગૃહથી બીજે સંગીતમંડળી જતી, આરતી થતી અને સંગીતની ધૂન મચતી. મોટા મંડપમાં દેવોનાં વાહનો તૈયાર ખડાં હતાં. સુવર્ણવર્ણી નંદી, ચાંદીનો સિંહ અને હું ધારું છું કે નિકલના મોર અને ઉંદર પોતપોતાના અધિદેવોની પ્રતીક્ષા કરી રહ્યા હતા. ચાર ચાર પૂજારીઓની ખાંધે ચડી દેવો ક્રમશઃ આવવા લાગ્યા. ગણેશ, કાર્તિકેય, પાર્વતી અને મહાદેવ. સૌમાં મહાદેવનો આડંબર ઉત્તમ હતો. મૂર્તિઓ ખાસી વજનદાર હશે એમ પૂજારીઓનાં શ્રમખિન્ન શરીર પરથી જણાતું હતું. લોકોનું ટોળું ભેગું થવા લાગ્યું હતું. બહાર ચોગાનમાં ઊંચી ગોળાકાર, તાડછાંની હોળી ખડકવામાં આવી હતી. લોકોની અવરજવર વધી હતી. બેત્રણ સંગીતમંડળીઓ ભેગી થઈ હતી. દેવોને વાહન પર સુખરૂપ આરૂઢ થયેલા જોઈને હું ઉતારા તરફ વળ્યો. પારાવાર થાક લાગ્યો હતો અને મોહિની જેવા કોઈ અજબ આકર્ષણપૂર્વક ઊંઘ આવી રહી હતી. સવારે ઊઠીને અમે અહીંથી ઉત્તરમાં દોઢેક માઈલ પર આવેલો રામઝરૂખો જોવા નીકળ્યાં. લુખ્ખી રેતીનો રસ્તો ચાલવામાં ઠીક જહેમત આપતો હતો. તેમાંય ઢાળ ચડવાના આવતા ત્યારે અકળામણ પણ થતી. ગામની ભાગોળમાં થોડીક પપૈયાંની અને બીજાં ફળઝાડોની વાડીઓ હતી; પણ પછી તો અહીંનો વનસ્પતિરાજ, મહાતરુવર બાવળ જ અમારો સાથી રહ્યો. રસ્તામાંની રેતી ઉપરાંત એના કાંટાએ પણ અમને ઠીક ચિંતામગ્ન રાખ્યાં. એ રસ્તામાં પણ કેટલાંક તીર્થો આવી ગયાં. હજી સવાર થતું હતું. સૂર્ય ઊગીને વાદળો પાછળ જ હજી બેઠો હતો. રસ્તે કોઈ જતું-આવતું નહોતું. રસ્તાની પડખે કોક જીર્ણ દેવાલયો આવી જતાં. બેત્રણ નાની ઝૂંપડીઓમાં કોક છોકરાં કે કોક ડોસીઓ કદી દેખાતી હતી. એક પાણી ભરવા જતી ડોસીએ અમને જોયાં કે તરત ઘડો નીચે મૂકી દઈ ભિક્ષાની મુદ્રા ધારણ કરી લીધી! એક રેતીના ઊંચા ઢોળાવની ટોચે રામઝરૂખો આવ્યો છે. ઢોળાવની પાસે કેટલાંક છોકરાં રમતાં હતાં. નાના હતા ત્યારે રેતીમાં રમવાની કેટલી મઝા આવતી હતી! આટલી બધી રેતી તે વેળા મળી હોત તો સ્વર્ગ દૂર ન રહ્યું હોત. અમે રેતીમાં બેઠાં. પણ અફસોસ, એની સાથે રમવાની આવડત રહી નહોતી. જીવનમાંથી કેટલો બધો રસ ચાલી ગયો હતો! રામઝરૂખાને ફરતાં આવેલાં ચોરસ પગથિયાં ચડી અમે ઉપર ગયાં. પગથિયાં જીર્ણ હતાં. મંદિરનાં બારણાં જીર્ણ હતાં. રામઝરૂખો બંધ હતો. લાગ્યું કે મંદિર પણ કોક અણઘડ સલાટનાં ઘડેલાં પગલાં હશે. એ બંધ મંદિરના ઓટલા ઉપર ઊભી મેં આજુબાજુ નજર ફેંકી. આમ પૂર્વમાં સમુદ્રના આછા ભણકારા આ બાજુએ રેતી અને તેમાં લીલા બાવળ; વાદળી, રતૂમડા આકાશમાં ઢંકાયેલો સૂર્ય અને એ સૌને વ્યાપતી વિરાટ શાંતિ એ સહુનો આસ્વાદ અનેરો હતો. મલબારની લીલીકુંજાર વનશ્રી કે કન્યાકુમારીની ઝળહળતી સાગરસપાટી કે નીલગિરિની ઉગ્ર અને મનોરમ કેડીઓ, એમાંનું અહીં કંઈ નહોતું. પણ આ નીરવતા, નિર્જનતા અને નિઃશ્રીકતા એક મધુરો, હૃદયને નિચોવી લેતો હોય તેવો, કરુણકૃતિને અંતે અનુભવીએ છીએ તેવો આસ્વાદ આપી રહ્યાં હતાં. જીવનમાંથી જાણે કોઈ સૌ ઝંખનાને, સૌ તલસાટને ખેંચી જતું હોય અને કોક નવા અનુભવ તરફ લઈ જતું ન હોય! લાંબો વખત આવી સ્થિતિ સહન કરવી કઠણ થઈ પડે. હું બે ક્ષણ પવનના આછા સુસવાટને તથા સાગરના ગર્જનને સાંભળી રહ્યો. એક ધોબી કપડાંની ગાંસડી લઈ આ ઢોળાવને વટીને આગળ જતો દેખાયો. એ પણ કેટલો શાંત હતો! એના પગના અવાજને પણ રેતી ચૂસી લેતી હતી. અમે ઉતારે આવ્યાં. જવાની તૈયારી કરવાની જરૂર હતી. પુરુષોત્તમ મહારાજ સેવામાં હાજર જ હતા. એમની ભાવિકતાને વર્ણવવાને એક આખો લેખ જોઈએ. તેઓ અહીં સેવાપરાયણ જીવન ગાળે છે. ધર્મશાળાને અંગે થોડી જમીન અને વાડી છે તેનો વહીવટ કરે છે અને યાત્રીઓની સગવડો સાચવે છે. ભગવાનદાસ બાગલાના ટ્રસ્ટને જાળવે છે. રોજ સાંજે અહીંના ભિક્ષુકોને જમાડે છે. એમણે રામેશ્વરમાં ચાલતી પંડાઓની દગાખોરીનો ચોપડો ઉકેલ્યો. એ દગાખોરીને ઉઘાડી પાડવાના તે યથાશક્તિ પ્રયત્ન કરે છે. બધું બયાન કરી મને કહે, ‘તમે લેખક છો. છાપામાં કંઈ લખજો.’ ખરી વાત છે. આપણાં તીર્થધામોના પ્રત્યેક સ્થળનો મહિમા સ્વર્ગ કરતાં વધી જાય છે અને પ્રત્યેક તીર્થમાં સંચિત થતા પુણ્ય કરતાં ત્યાં પ્રવર્તી રહેલો અનાચાર પણ નરક કરતાં વધી જાય છે. એ અનાચાર આપણી ધાર્મિક પ્રવૃત્તિઓની કાળી આર્થિક બાજુ છે. બેશક, પાપ ધોવા અહીં આવતા યાત્રીઓનું પાપ તીર્થધામમાં ભેગું થાય તે તો બરાબર છે; એટલા માટે તો તીર્થદેવતાઓ કાળા થઈ જાય છે. એ પાપનો ભાર દેવો ભલે ઉપાડે; પણ આપણે માણસોએ એ પાપનો ભાર શા માટે વહોરવો જોઈએ? કોઈ સુજ્ઞ કહી ગયો છે કે अन्यक्षेत्रे कृतं पापं तीर्थक्षेत्रे विनश्यति। तीर्थक्षेत्रे कृतं पापं वज्रलेपो भविष्यति ॥ તીર્થમાં પાપ કરનાર આ લોકોના પર કયું વજ્ર પડવાનું છે? એ વજ્રધારી ઇંદ્રને, વૃત્રના હણનારને કોણ ક્યારે ઉદ્બોધશે? અમારી સાથે ધર્મશાળામાં એક ગુજરાતી ભાઈ હતા. રસ્તામાં એક સાથી તેમને મળ્યા. ખૂબ દોસ્તી થઈ. ધનુષકોડિમાં તેને પોતાની વસ્તુઓ સોંપી પોતે સ્નાન કરવા સાગરમાં પેઠા અને નીકળ્યા ત્યારે પેલા તીર્થબંધુ તેમની ત્રણસોએકની માયાને લઈને પલાયન થઈ ગયા હતા. બંને ભાઈની યાત્રા સફળ થઈ ગઈ! એક જણ જગતમાં રહેલી માયામાંથી છૂટ્યો અને બીજાને તો ચોખ્ખો તીર્થગમનનો પુણ્યલાભ થયો! બંને મોક્ષને રસ્તે. અહીં જામેલા પંડાની બાજીઓ વધારે વ્યવસ્થિત અને બુદ્ધિપૂર્વકની હોય છે. ખાસ માતેલા શિકારની શોધમાં તેઓ સદા જાગૃત રહે છે. હિંદના ગમે તે ભાગમાંથી કોઈ ધનિક નીકળે તો તેની સાથે આ લોકોના સ્થાનિક દલાલો લાગુ થઈ જાય છે અને અહીંના ચોક્કસ માણસોના હાથમાં તેમને લઈ આવે છે. તે ધનિકો કને સાડા એકવીસ, એકાવન, સવાસો કે સવા હજાર રૂપિયા સુધીના નાળિયેરના અટકા દેવોને ચડાવડાવે છે અને બધું દ્રવ્ય હજમ કરી જાય છે. વેપારમાં કુશળ મારવાડીઓ, ધનિક વિધવાઓ તથા એવા બીજા પુણ્યાર્થી તવંગરો અહીં ખાસી રીતે મૂંડાય છે. જબાનની સિફત અને યોજનાશક્તિની કાબેલિયતથી આ પંડાઓ કોઈની ચેતવણીને લીધે છટકી જતો કે છટકેલો શિકાર પણ પાછો પકડે જ છે. આ અર્થસાધકોના નૈતિક અનાચારો પણ એટલા જ ઉગ્ર હોય છે. આપણે યાત્રાળુઓને આટલું જ કહીએ કે અહીં તમારી પુણ્યની કોથળીને તમે બેદરકારીથી રાખશો તો ચાલશે; પણ તમારી પૈસાની કોથળી તરફ બેપરવા રહ્યા તો માર્યા ગયા જાણજો. સારું છે કે કેટલાક મંદિરોના વ્યવસ્થાપકો યાત્રીઓને ખિસ્સાંપાકીટ સંભાળવા ચેતવે છે. ભાઈ! આ જગતમાં મંદિરમાં કે સ્વર્ગમાં જાળવવાની ખાસ વસ્તુ જ એ છે. તમારા આત્માનું શું થાય છે કે થશે તેની કોને પડી છે? કાંજીવરમાં વરદરાજના મંદિરમાં પૂજારીની વિનંતી છતાં દેવને મેં દક્ષિણા ન નાખી અને ‘ભગવાનને પૈસાની શી જરૂર છે વળી?’એમ કહ્યું ત્યારે વિષ્ણુના એ પૂજારીએ મને અભક્તને કેવી સરસ ગાળ આપી હતી!... થોડા જ વખતમાં જેમની સાથે માયા બંધાઈ ગઈ એવા મહારાજની વિદાય લઈ અમે રામેશ્વર છોડ્યું. રાતે ઊંઘમાં વટાવેલો પામવનની ખાડી પરનો પુલ રસથી ઓળંગ્યો. સવાએક માઈલ લાંબી ખાડીને બાંધતો પુલ મઝાનું દૃશ્ય છે. આવતી-જતી સ્ટીમરોને માટે પુલને વચ્ચેથી ઊંચો કરી શકાય તેવી યોજના છે. હિંદમાં કદાચ આવો એક જ પુલ છે. પુલની પાસે ઉત્તરમાં પાણીની સપાટી સુધી આવેલી હારબંધ વિશાળ શિલાઓ ધ્યાન ખેંચતી હતી. રામચંદ્રે બાંધેલો પુલ આ છે એમ વિચારતાં પણ કેટલાકને વાંધો નથી આવતો. સમુદ્રનાં પાણી વિશાળ નદી પેઠે દક્ષિણમાં વહી રહ્યાં હતાં. કહે છે, છ મહિના પાણી આમ દક્ષિણમાં અને છ મહિના તેમ ઉત્તરમાં વહે છે. રામના નામથી પુનિત થયેલા રામેશ્વર બેટને અમે પાછળ મૂક્યો અને ત્રિચિનાપલ્લી તરફ ઉત્તરમાં ચાલ્યાં.