અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુવીર ચૌધરી/રાજસ્થાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|રાજસ્થાન |રઘુવીર ચૌધરી}} <poem> વગડે વગડે ઝાડ ટચૂકડાં ક્યાંક હ...")
(No difference)

Revision as of 10:20, 14 July 2021


રાજસ્થાન

રઘુવીર ચૌધરી

વગડે વગડે ઝાડ ટચૂકડાં
ક્યાંક હોય તે પાન વિનાનાં ઝૂરે,
ડુંગર ડુંગર ભૂરા કોરા
ઝરણ વિનાનાં પથ્થરિયાં મેદાન,
વસેલાં ખૂણેખાંચરે ગામ.
સૂર્યના ખુલ્લા એ આકાશ મહીં
નિજ છબી વિનાનું ફ્રેમ નીરખતું
જુગ જુગનો નિર્વેદ જીરવતું,
પ્રશ્ન વિનાનું ચિત્ત હોય ત્યમ
નિયત શાન્તિમાં પ્રસર્યું રાજસ્થાન.
ઊંટનાં સ્તબ્ધ રૂંવાં-શું ઘાસ,
ઘાસ પર વરસી આવે રેત,
રેતનો રંગ ઊંટની પીઠ ઉપર
ને આંખોમાં પણ ફરકે એવો.
હરતાં ફરતાં જરાક અમથા કાન માંડતાં
મરુભોમનો શોક સાંભળી શકો તમે પણ.
માણસના ચહેરા પર જાણે
ઊંડી લુખ્ખી રેખાઓમાં
એકમાત્ર ભૂતકાળ વિકસતો,
નથી હવે ઇતિહાસ એમના હાથે…
બધો પરાજય ખંડિયેરના કણકણમાં ઊપસેલો દેખો.
મીરાંબાઈએ છોડેલા મંદિરની વચ્ચે
જ્યોત વિનાનું બળે કોડિયું,
દેશ દેશના મૃગજળ જેવી કોક પદ્મિની
જૌહરની જ્વાળાઓમાં સૌભાગ્ય સાચવે.
મારા ગામે ભાગોળે બેઠેલા
ધીરે હુક્કો પીતા વૃદ્ધો કાજે,
પૂજાપાનો થાળ લઈને જતી કન્યકા કાજે આજે
ઊંટ તણી પીઠે લાદીને લાવી શકતો નથી હું રાજસ્થાન.
હવે આ આંખ મહીં એ ટકે એટલું સાચું.
(તમસા, પૃ. ૧૪-૧૫)