કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૮. વતન એટલે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૮. વતન એટલે|ઉશનસ્}} <poem> વતન એટલે છેવટે તો એક છાંયડી; છાંયડીન...") |
(No difference)
|
Revision as of 10:23, 14 July 2021
૩૮. વતન એટલે
ઉશનસ્
વતન એટલે છેવટે તો એક છાંયડી;
છાંયડીને બાનો ચહેરોઃ
વતનને બાનો ચહેરો;
ઘર એટલે તુલસીનું માંજેરવાળું કૂંડું,
કૂંડામાં સાંજનો દીવો,
દીવો એટલે શીળી આભા,
આભાને બાનો ચહેરો,
ઘરને બાનો ચહેરો;
પર્વ એટલે બાના હાથનો સાથિયો,
સાથિયો એટલે
ઊમરા આગળના કંકુના મોટા ચાંલ્લા,
ચાંલ્લો એટલે બાના ભાલનું અખંડસૌભાગ્ય,
ચાંલ્લાને બાનો ચહેરો,
પર્વ એટલે બાનો ચહેરો;
દિવાળી એટલે દેવનું ઘર,
દેવના ઘરમાં ચાળણી-ઢાંક્યો અખંડ દીપ,
અખંડ દીપને બાનો ચહેરો,
દિવાળીને બાનો ચહેરો,
સમય એટલે ભીની નીકવાળી ગલી,
ગલી એટલે વીતેલા બાળપણના ઓઘરાળા,
ઓઘરાળામાં બાનો ચહેરો,
સમયને બાનો ચહેરો;
વતનને બાનો ચહેરો.
૬-૧૧-૭૧
(સમસ્ત કવિતા, પૃ. ૪૭૩)