સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુલાબદાસ બ્રોકર/પત્નીને મશીન નથી બનાવવી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} મોહનલાલ મહેતા ‘સોપાન’ મારા પરમ મિત્રા. અઠવાડિયામાં બે-ત્...")
 
(No difference)

Latest revision as of 06:00, 29 May 2021

          મોહનલાલ મહેતા ‘સોપાન’ મારા પરમ મિત્રા. અઠવાડિયામાં બે-ત્રણ વાર એમને ન મળું તો મને ચેન ન પડે. ‘સોપાન’ને પોતાને ઘેર ભોજન મજલિસો રાખવાનું ખૂબ ગમે. દર રવિવારે એમને ત્યાં એક નહિ તો બીજા, થોડા મિત્રો ભોજન માટે આવ્યા જ હોય. અનેક ક્ષેત્રના એ સજ્જનો એવી એવી આનંદભરી વાતો કરે કે સમય ક્યાં ઊડી જાય તેની ખબર પણ ન પડે. અને પાછી ભોજનની કુશળતા તો ‘સોપાન’નાં પત્ની લાભુબહેનની જ. એવું સરસ સરસ જમાડે, અને એવા ભાવથી કે ઉદર તો સંતૃપ્ત થાય જ, પણ હૃદય પણ એટલી જ સંતૃપ્તિ પામે. વર્ષો સુધી આ ક્રમ ચાલ્યો. અમે બધા પછી એટલા જુવાન નહોતા રહ્યા, પણ આ ક્રમમાં કશો ફરક ન પડ્યો. ‘સોપાન’નો એટલો જ આનંદ અને લાભુબહેનની ભાવભરી ભોજન-સામગ્રી અમે મિત્રો માણતા રહ્યા. તેમાં એક દિવસ કંઈક મોડું કે એવું કંઈક થયું હશે, અને ‘સોપાન’ જરા ઉતાવળા થયા. લાભુબહેને તેનો યોગ્ય વિનયભર્યો જવાબ આપ્યો. મેં એ બધું સાંભળ્યું, પણ ન સાંભળ્યું હોય તેવો દેખાવ કર્યો. પછી ‘સોપાન’ જરા આઘાપાછા થયા અને લાભુબહેન મને મળ્યાં કે તરત તેમણે હસવા જેવું મોં કરીને મને કહ્યું : “ગુલાબદાસભાઈ, તમારા મિત્રા મને હજી પચીસ વરસની જ માનતા લાગે છે!” ને એ ચાલતાં થયાં પોતાને કામે. પણ એ વાક્ય હજી મારા હૃદયમાં એવું ને એવું સચવાઈ રહ્યું છે. આપણે બધા આપણી પત્નીઓને સદાય એ પચીસ વર્ષની જ હોય એવી જાતના કામની અપેક્ષા એમની પાસેથી નથી રાખતા? હું પણ એ બધા જમાનામાં યૌવન પછી પ્રૌઢત્વ પામ્યા પછીયે મારે ઘેર ઘણાબધા મિત્રોને વારંવાર ભોજન માટે નોતરતો હતો અને મારી પત્ની હોંશે હોંશે બધાંને જમાડતી હતી. ન કરતી ફરિયાદ કે ન બતાવતી કંટાળો. ને મને કોઈ દિવસ એના વિશે તો કશો ખ્યાલ જ નહોતો આવતો. પણ લાભુબહેને કહેલું વાક્ય યાદ આવતાં મને થતું કે એકલા ‘સોપાન’ જ નહિ, હું પણ મારી પત્ની જાણે નિરંતર પચીસ વર્ષની જ રહી હોય એવું માનતો હતો. ને મન વિચારે ચઢી જતું. આપણે આપણી પત્નીઓ પાસે કેટલી મોટી અપેક્ષાઓ રાખીએ છીએ? અને એમનો એક માત્ર, ગુનો કહેવો હોય તો ગુનો કહો, કે સાલસતા કહેવી હોય તો સાલસતા કહો, પણ એક માત્ર સ્વભાવ કદી ફરિયાદ કરવાનો હોતો નથી; એટલે આપણે આ એક બાબતમાં તેને માણસ નહિ પણ મશીન જ માનતા હોઈએ તેમ વર્તીએ છીએ. ખ્યાલ જ નથી આવતો આપણને કે એનું શરીર પણ માણસનું શરીર છે, ને એ પણ થાકતું હોય, આરામ માગતું હોય, તેને ધારી ઝડપથી કામ ન કરવા દેતું હોય! આવા વિચારો જોર કરતા ગયા એટલે મારા મનમાં એક નિર્ધાર થઈ ગયો કે આ બધું જોયા, સાંભળ્યા, સમજ્યા પછી મારે મારી પત્નીને આવી મશીન જેવી નથી જ બનાવી દેવી. એટલે એ પછી એ રીતની મોજ ખાતર નોતરેલા મહેમાનોની સંખ્યા મેં ઓછી કરી નાખી. કોઈકને ખરાબ લાગશે એ ભાવ પણ મનમાંથી કાઢી નાખ્યો, કેમ કે એ કોઈકને ખાતર, આ કોઈકને, જેને મારી પત્ની થવાનું નસીબમાં લખાયું હતું તેને, મારે હેરાન પરેશાન થવા દેવી, એ કંઈ વાંધો ન લે એથી? [‘મુંબઈ સમાચાર’ દૈનિક : ૧૯૯૪]