અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ દેસાઈ/અંધારું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અંધારું|મણિલાલ દેસાઈ}} <poem> અંધારું પીળું આકાશ નહીં બાલમા અ...")
(No difference)

Revision as of 05:00, 15 July 2021


અંધારું

મણિલાલ દેસાઈ

અંધારું પીળું આકાશ નહીં બાલમા
અંધારું લોલ લાલ સુંવાળું ફૂલ.
અંધારું બાવળનું ફૂલ નહીં બાલમા
અંધારું સુંવાળી સમણાંની શૂલ.
અંધારું આંખોમાં આંજ્યું અંજાય
એને ઘૂમટામાં સાંત્યું સંતાય મારા બાલમા.
અંધારું પીળું આકાશ નહીં બાલમા
અંધારું લોલ લાલ સુંવાળું ફૂલ.

અંધારું ચમકે જો આંખ મહીં મધરાતે
અંધારું મલકે જે હોઠ મહીં મધરાતે
અંધારું કાળું ગુલાબ મારા બાલમા
અંધારું આપેલો કોલ મારા બાલમા.
અંધારું બાવળનું ફૂલ નહીં બાલમા
અંધારું સુંવાળી સમણાંની શૂલ.

અંધારું કોયલનું ટોળું નહીં બાલમા
અંધારું સોનાનો સુંવાળો સૂર
અંધારું કૂતરાનું ભસવું નહીં બાલમા
અંધારું મૌન તણું ધસમસતું પૂર.
અંધારું માગો તો આપ્યું અપાય
એને ભાંગો તો ભાંગ્યું ભંગાય મારા બાલમા.
અંધારું પીળું આકાશ નહીં બાલમા
અંધારું કાળું ગુલાબ મારા બાલમા.
લીમડામાં સૂસવતું ઝૂલે તે અંધારું
સુગરીના માળામાં લટકે તે અંધારું
અંધારું ફૂલોની છાબ મારા બાલમા
અંધારું પાળેલો બોલ મારા બાલમા.
અંધારું બાવળનું ફૂલ નહીં બાલમા
અંધારું સુંવાળી સમણાંની શૂલ.

અંધારું અટવાતું તારા આશ્લેષમાં
અંધારું ગૂંચવાતું છૂટેલા કેશમાં
અંધારું આપણો આ સંગ નહીં બાલમા
અંધારું વિરહવેરાન મારા બાલમા.
અંધારું! સૂરજ-શું ઊગે નહીં બાલમા
અંધારું લૂંટાયું ચેન મારા બાલમા.
અંધારું પીળું આકાશ નહીં બાલમા
અંધારું લોલ લાલ સુંવાળું ફૂલ.
અંધારું બાવળનું ફૂલ નહીં બાલમા
અંધારું સુંવાળી સમણાંની શૂલ.
(રાનેરી, ૧૯૬૮, પૃ. ૪૪-૪૫)