અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/રાણી સોનાંદેનું મરશિયું: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રાણી સોનાંદેનું મરશિયું|રમેશ પારેખ}} <poem> તમને મારા લોહીમા...") |
(No difference)
|
Revision as of 09:58, 15 July 2021
રમેશ પારેખ
તમને
મારા લોહીમાં લીલું રમતા ઝામણ નાગ,
વળાવું તમને...
મારી મેડિયું તમે ઊતરો
મારું ફળિયું તમે ઊતરો
મારી શેરીયું તમે ઊતરો
મારી દામણીના, ખમકાર!
હો મારી ચૂડીયુંના ખમકાર!
હો મારા અળતાના ખમકાર!
હો ખાલી વળતાના ખમકાર!
છાતીના મોરને લેતા જાવ
છાતીના મોરને લેતા જાવ
રે, ભોરિંગ જાવ
રે, ભોરિંગ જાવ...
તમારા રાફડા હવે પૂરમાં ડૂબે
રાફડા તમે ડૂબતા મૂકી પૂરમાં ભોરિંગ, જાવ...
રે તમે નાગમતીમાં રમતા
તમે હાથમતીમાં રમતા
મારી શેરીએ લીલું રમતા
મારા ફળિયે લીલું રમતા
મારી મેડીએ લીલું રમતા
મારા લોહીમાં લીલું રમતા તમે રમતા
હવે રમશે
કાળુંઝેર અંધારું
સાવ ઉઘાડા રાફડા હડોહડ કડાકા મારશે કાલે આંખમાં
કાલે
સાવ રે નીંભર પોપચાં હડોહડ કડાકા મારશે
ધડૂસ
હાય રે, મારા લોહીમાં લીલું રમતા ઝામણ નાગ,
વળાવું તમને
હાલરહિંચકે ખાલી ચડશે
તોરણચાકળે ખાલી ચડશે
રામણદીવડે ખાલી ચડશે
મારે આભલે ખાલી ચડશે
હાલરહિંચકે ખાલી ચડશે તારી
પછશે કડાં
પૂછશે ભીંતો
પૂછશે મેડી
ઢોલિયા સીસમસાગના મને પૂછશે
ચંદણચોકમાં ઘેરી પૂછશે
વેરી,
મારગે મને પૂછશે
લીલાં ઝાડવાં ખેતર સીમ કે પાણીશેરડા
વાવડ પૂછશે
ધડૂસ
પૂછશે
ધડૂસ
પૂછશે
ધડૂસ
કેડીએ મારા ધ્રસકી જાશે પગ
ને રગેરગ માલીપા કાચની જેવું તૂટશે
પછી
ઘરથી ખેતર
ઘરથી ખેતર
ઘરથી ખેતર
ઘરથી ખેતર
ઘરથી ખેતર કેડીઓ ક્યાંથી ખૂટશે
ભોરિંગ કેડીઓ ક્યાંથી ખૂટશે
મારી કેડીઓ કે’દી ખૂટશે
મારી આંખના ઢોળાવ ઊતરો
મારા લોહીના ઢોળાવ ઊતરો
મારા જીવના ઢોળાવ ઊતરો
મારા જીવમાં લીલું રમતા ઝામણ નાગ,
વળાવું તમને
મારા જીવમાં લીલું રમતા ઝામણ નાગ,
વળાવું તમને
ધડૂસ...
તમને
ધડૂસ...
તમને
ધડૂસ...
ધડૂસ...
ધડૂસ...
ધડૂસ...
૧૫-૫-’૭૦/શુક્ર