સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચન્દ્રકાન્ત મહેતા/કાયર: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} ‘જાલિમ જીત’ : એક આફ્રિકન નવલકથા, ૧૯૫૧માં લખાયેલી : લેખક પ...") |
(No difference)
|
Latest revision as of 07:05, 29 May 2021
‘જાલિમ જીત’ : એક આફ્રિકન નવલકથા, ૧૯૫૧માં લખાયેલી : લેખક પીટર અબ્રાહમ્સ. કથાનો નાયક છે રાજા મીઝીલીકાઝી. રાજ્યના કર-વસૂલાતના બે અધિકારીઓને કુનાના ગામના લોકોએ મારી નાખ્યા, એટલે ગામનો એક રહેવાસી રાજાને એ વાતની જાણ કરવા દોડયો. જઈને એણે વાત કરી ત્યારે એના શરીરે પરસેવાના રેલા ચાલ્યા. કચેરીમાં સૌ એ સાંભળીને સ્તબ્ધ બની ગયા. રાજા પણ મૌન ધારીને બેઠો રહ્યો. થોડીક ક્ષણો પસાર થઈ તે યુગ જેવડી લાગી. પછી રાજાએ ત્રડ નાખી : “કેમ કોઈ કાંઈ બોલતું નથી? આવા હત્યારા ગામલોકો માટે કોઈને કશું કહેવાનું નથી શું?” “અમારા સરદાર મીઝીલીકાઝી ઘણું જીવો!” “તાજા જન્મેલાં બકરીનાં બચ્ચાં જેવાં તમારાં મોં સિવાઈ ગયાં છે કે?” આખરે એક જણ હિંમત કરીને બોલ્યો : “આ કાસદની નસોમાં લોહી નહીં પણ નકરું પાણી વહે છે.” સાંભળીને થોડાક જણ હસ્યા. કાસદ ધ્રૂજી રહ્યો હતો. “ખામોશ!.... બોલ કાસદ, તારે શું કહેવું છે?” સુકાતા જતા એના કંઠમાંથી માંડ માંડ શબ્દો નીકળ્યા : “હાથીદળના મહારાજા, સિંહોના સરદાર ઓ મહાનુભાવ, અમારા માલિક મીઝીલીકાઝી! આપણા રાજ્યના અધિકારીઓની મારા ગામના લોકોને હાથે થતી હત્યા મેં મારી સગી આંખે જોઈ! એમનો રાજદ્રોહ જોઈને હું હેબતાઈ ગયો. એટલે એ હકીકત જણાવવા હું દોડતે પગે અહીં આવ્યો...” “તેં તારી સગી આંખે એ જોયેલું?” “હા, નામદાર.” “તું નાચીઝ! એમનાથી કેટલો દૂર હતો?” “બહુ પાસે જ હતો, મારા સરદાર!” “તું પામર! એમના બોલ સાંભળી શકતો હતો?” “જી, અન્નદાતા!” “મારા અફસરોને તું બરાબર ઓળખતો હતો? હત્યારાઓ પ્રત્યે એમનો શો વર્તાવ હતો?” “તેઓ બન્ને સામા થતા હતા, હત્યારાઓને ધિક્કારતા હતા.” “અને તું ત્યારે શું કરતો હતો?” “સામે ઘણા માણસો હતા. હું એકલો હતો, નામદાર!” “તેં મોઢેથી પણ તારો રોષ પ્રગટ કર્યો હતો?” “ના, મારા માલિક!” “મને પણ સાથે મારી નાખો — એવું તેં કહ્યું હતું ખરું?” “ના, મારા સરદાર!” “તેં લડવાની તૈયારી બતાવી હતી?” “ન-ન-ના-ના, નામદાર!” “અને તું મને આ કહેવા અહીં આવ્યો?” “હા, મારા સાહેબ!” “અને તને મારી બીક લાગે છે કે ગુસ્સામાં હું કાંઈક કરી બેસીશ?” “હા, મારા સરતાજ!” “ઠીક, તો તારી શી મરજી છે?” “મારી ભૂલ મને સમજાવા લાગી છે, નામદાર! આપના લશ્કરમાં એક નાનામાં નાની નોકરી મને આપો. કુનાના ગામની વસતીને ધડો બેસાડવા જે ફોજ હવે મોકલાય, તેમાં શામેલ કરીને મને ત્યાં મોકલો. જીવું ત્યાં લગી હું આપની ચાકરી કરું, એવો મને હુકમ ફરમાવો અને મારા હાકેમ દરિયાવદિલ છે એવું કહેવાની મને તક આપો!” “ઠીક, તો તને દલીલબાજી સારી આવડતી લાગે છે. તું પરણેલો છો?” “જી, હજૂર.” “કદાચ તારાં માબાપ પણ ત્યાં જ રહેતાં હશે?” “જી હા, કુનાના ગામમાં જ બધાં રહે છે, મહારાજ!” “તેં તારી પ્રજાનો, તારાં ભાઈભાંડુનો, તારી વહુનો, તારા કુટુંબકબીલાનો દ્રોહ કર્યો છે!” “હું આપનો ગુલામ છું, મારા સરદાર!” મીઝીલીકાઝીની આંખો લાલઘૂમ બની, એની કાયા થરથરવા લાગી, હાથ ઊંચો થયો અને અવાજ ગર્જી ઊઠ્યો : “ચૂપ રહે, કુત્તા! જુઠ્ઠા! તું તારા સરદારનો ગુલામ નથી, તું મારો ચાકર નથી, સેવક નથી, તું મારી રૈયત પણ નથી.” બોલતો બોલતો મહાકાય મીઝીલીકાઝી કાસદ ભણી ગયો. કાસદ એના પગમાં ઢળી પડ્યો. તેની દરકાર કર્યા વિના રાજાએ ત્રડ નાખી. એની આંખમાં ભડકા થયા : “આજે તેં તારા સરદારને, તારા જાતભાઈઓને દગો દીધો છે. તું બીકણ, ડરપોક અને બાયલો છે. તારાં બાળકોને, તારી માને, તારા બાપને તેં દગો દીધો છે. જે માતાએ તને ઉછેર્યો, તેને જ તું બેવફા નીવડયો છે. તું જીવતો રહે તો કાલે તું મને દગો દેવાનો. પેલા દુષ્ટ હરામખોરો સામે એક હરફ સુધ્ધાં તારાથી ન ઉચ્ચારાયો, ફૂંફાડો સરખો ન મરાયો, એક અવાજ સરખો ન કઢાયો! તારા જાતભાઈઓને મરતાં દેખી તું કાંઈ કરતાં કાંઈ ન કરી શક્યો! નાપાક, બાયલા, કાયર, ભીરુ, નપુંસક, ભાગેડુ, કુત્તા! હઠ, દૂર થા! અરે, કોણ છે હાજર? લઈ જાઓ એને! બાંધીને નાખો કેદમાં. કાયર, ભીરુ, ડરપોક, પામર માણસોની મારા રાજ્યમાં કોઈ જરૂર નથી.” [‘સંસ્કૃતિ’ માસિક : ૧૯૬૪]