અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યૉસેફ મેકવાન/હવાતિયાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હવાતિયાં|યૉસેફ મેકવાન}} <poem> હવામાં બાકોરું પાડતી ધજાને ખા...")
(No difference)

Revision as of 11:59, 15 July 2021


હવાતિયાં

યૉસેફ મેકવાન

હવામાં બાકોરું પાડતી ધજાને
ખાલીપાની ખાટલીમાં પડ્યો પડ્યો
જોયા કરું છું...
દર્પણમાં જોતો હોઉં એમ
પાસે ઊભેલા વૃક્ષનાં લીલાં પર્ણોમાં
ખડખડાટ હસે છે માછલીઓ...
અસમંજસમાં પડેલી બપોરની ચામડી પરના
ગીતના ઉઝરડામાંથી
ઝમતા તડકે ગામ જંપી ગયું છે.
ચોમેરથી ઊભરાતી નિસ્તબ્ધતા વચ્ચે
કોઈ પંખી
ટહુકાનો ગલ નાખી
મને
અચાનક
બહાર ખેંચી કાઢે છે.
સૂના ઘરનાં નેવાં
તાક્યા કરે છે ટગી ટગી...
યાદ પિયાકી આને લગી
જે હતી વાત હાથ વગી
એને કરડી ગઈ કાળી કૂતરી રાત —
ત્યારથી મારી અંદરના અજવાળાંને
પડ્યું છે અંધારાનું ઘારું!
એમ ધારું તો કદાચ
હું જ છું એમ ધજા...
જોયા કરું છું એને હવાતિયાં મારતી...
દર્પણમાં જોતો હોઉં એમ...