સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચન્દ્રકાન્ત મહેતા/ભમીએ ગુજરાતે: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} ચાલો ત્યારે ઊપડીએ, ભમવા ગુજરાતે — ન ધોરી રસ્તે, ન રેલવેને...") |
(No difference)
|
Latest revision as of 07:08, 29 May 2021
ચાલો ત્યારે ઊપડીએ, ભમવા ગુજરાતે — ન ધોરી રસ્તે, ન રેલવેને પાટે. ક્યાંથી શરૂ કરીશું, કહું? આપણે દક્ષિણથી ઉત્તર દિશા તરફ ઊપડીએ. આગગાડીમાં નીકળીએ તો દહાણુથી આબુ પહોંચતાં સોળ કલાક. પણ આપણે લાંબી મજલ કરીશું, રાત પડે ત્યાં વાસો કરીશું, અને સવાર પડયે આગળ હીંડીશું. પાંચસો ફૂટ ઊંચી ડુંગરી ઉપર આપણે ઊભા રહીએ, તો દખ્ખણ ગુજરાતનો રળિયામણો પ્રદેશ દેખાશે. આ ડુંગરી તે પારનેરાની ડુંગરી, અને નજીકમાં વહેતી નદી તે પાર નદી. સહ્યાદ્રિની ગહ્વરો વટાવી એ અહીં આવી સાગરને મળવા. પશ્ચિમે ઘૂઘવતો અરબી સમુદ્ર; ડુંગર ઉપર કિલ્લો, અને કિલ્લામાં બુરજો ને વચગાળે ટાંકાં. દૂર દક્ષિણમાં દેખાય તે દમ્મણગંગા. એને કાંઠે દમ્મણ ગામ, કવિ ખબરદારનું એ ધામ. અને ડાબે હાથે ધરમપુર; ત્યાંથી નાસિક-ત્રાંબકની જાત્રાએ જવું હોય તો પગરસ્તે જવાય. પગરસ્તે જ્યાં જવું હોય ત્યાં જવાય. ગામેગામ એવી કેડીઓ પડેલી જ હોય છે. ડુંગરીની ઉત્તરે ઔરગંગા, દક્ષિણે પારગંગા, અને દૂર દૂર નજર કરો તો ઝાંખી દેખાય છે એ કોલક નદી. પારનેરાની ડુંગરી ઊતરી વલસાડ થઈ ચાલવા માંડીએ તો તદ્દન ઢૂંકડે તીથલ; દરિયાકાંઠે હવા ખાવાનું સ્થળ. પણ આપણે ઔરગંગા અને નાનકડી વાંકી નદીની વચ્ચે થઈને જઈશું. અહીં ધમડાચી એક જોવા જેવું ગામ છે. અહીંની આંબાવાડીઓ જોતાં થાક જ નહીં લાગે. પણ અહીં નહીં, આગળ અમલસાડ પાસે અમરલોક રમવા આવે એવી સ્વચ્છ આમ્રકુંજો. અસંખ્ય જાતની કેરીઓ; એનાં નામો યાદ રાખતાં થાકીએ. પણ આ પાણીભર્યો મુલક — કેરી તો શું પણ ઠેકઠેકાણે શેરડી, સૂરણ, રતાળુ, કેળાં અને લીલોતરી શાકભાજીનો પાર જ નહીં. ખરેરા અને કાવેરી બે નદીઓ મળે છે એની સાથે કંઈક વોંકળાઓ પોતાનાં હાથ-આંગળાં લંબાવી જમીનને ફળદ્રુપ કરે છે. પૂર્વમાં પડવેલ તો કેવડાથી મઘમઘી રહે છે, એવડું મોટું કેવડાનું વન! એની સુગંધ પાથરતો અહીંથી એ છેક સુરત સુધી જાય છે. આ બાજુ આ ગામનું નામ જ આમ્રધરા — એ પણ કેરી માટે પ્રખ્યાત, કેરીની ધરતી. ક્યાંક ક્યાંક ગામોનાં નામો તો એવાં સરસ આવ્યાં જાય છે, કે આપણે નોંધતાં થાકીએ! ચાલો પૂર્વે, અજમલગઢનો ડુંગર ચડવા. ઉપરથી આખો વિસ્તાર બહુ સુંદર દેખાશે. અને પેલી પાર જઈશું તો ડાંગનું વન, એટલે કે દંડકારણ્ય. એની શોભા, ઝાડનાં ઝુંડ, વનરાઈઓ, ઠંડી મીઠી હવા — એ તો અનુભવે તે જ જાણે. હવે પશ્ચિમે, ગણદેવીનો મીઠો ગોળ ખાવા. કાવેરી અને અંબિકા નદીની વચ્ચે, જાતજાતની લીલી ધરતી જોતાં જોતાં, ખેરગામમાં ફળફળાદિનો ઢગલો મળશે તે ખાશું, પાસેની બે ડુંગરીઓ પણ ચડીશું : એક છે તે રાતા પથ્થરની, બીજી કાળા પથ્થરની — એટલી ખૂબી જોવા જેવી છે. પેલું દૂર દેખાય એ ધમડાછા. ગજબનું ગામ. આ બાજુ કોઈ જાડી વ્યક્તિ જોવા મળે, નર કે નારી, તો તરત એને ઉપમા આપવામાં આવે : ધમડાછાની કેરી જેવી — મુખ્યત્વે નારીને. અહીંની કેરી ભારેની દળદાર, ખાસ્સી ભરાઉ, મોટી, મુરબ્બામાં કામ લાગે એવી. અહીં એક ગામ બીગરી — ત્યાં અંબિકા, કાવેરી, મેહરા, ત્રાણ નદીઓ મળે. અને અહીં અરબી સમુદ્ર ઘૂમવા વહાણો બંધાય. જુઓ, ચારેકોર લક્કડકામ, સુથારો, માછીમારો અને વહાણવટીઓ — આ બધો પ્રદેશ જ વહાણખેડુઓનો. નદીના વળાંક — એના પૂરેપૂરા લાભ ઉઠાવાયા હતા. અહીં બિલીમોરામાં [ઇંગ્લંડના નૌકાસેનાની] નેલ્સનનું ‘વિક્ટરી’ જહાજ બંધાયું હતું, એવો એક સંશોધકનો દાવો છે. એ બંગાળી ગૃહસ્થે એ સંબંધમાં પુસ્તક પણ લખ્યું છે. એ ગમે તે હોય, પણ અહીં અડીખમ વહાણો બંધાતાં. આ હજી ભાંગ્યું ભાંગ્યું તોયે ભરુચ. જુઓ આ વહાણોનાં સમારકામ. આગે બઢો. દરિયાકિનારે... આ એ જ દાંડી.. દાંડીકૂચ... મહાત્માજીએ ૧૯૩૦ના એપ્રિલ મહિનામાં અહીં મીઠું પકાવવાનો સત્યાગ્રહ કર્યો. અમદાવાદથી પગપાળા આવ્યા અહીં, અને જેલમાં જઈ બેઠા. અહીં જે લાઠીઓ ઊછળી છે, સત્યાગ્રહીઓએ જુલમ સહ્યા છે, એ વાત સાંભળતાં કમકમાં આવે. આ દાંડી, અને પણે ધરાસણા. આ વિશાળ અરબી સમુદ્ર. રાતવાસો આજે અહીં જ કરીશું. પણ પથારીમાં નહીં — અહીં એક પુણ્યશ્લોક સંતનાં સ્મરણોમાં જાગરણ ન કરીએ, તો ક્યાં કરીશું? નજીકમાં ધરાસણા, પણે કરાડી : સત્યાગ્રહની લડતનાં પંકાયેલાં થાણાં. પેલી બાજુ બે-અઢી હજાર વર્ષનું જૂનું ગામ નવસારિકા. અહીં લોકમાતાની લીલાલહેર છે. ઔરંગા જોઈ. અંબિકા ઊતરી આવ્યા. આગળ ઉપર પૂર્ણા અને મીંઢોળા... કેવાં સુંદર નદીઓનાં નામ છે, અને કેવો લીલોછમ પ્રદેશ છે!
[‘ભમીએ ગુજરાતે’ પુસ્તક]