અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/લાવ જરા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|લાવ જરા|રાજેન્દ્ર શુક્લ}} <poem> અમથું રે અડકાડ્યું જીરણ દ્વા...")
(No difference)

Revision as of 09:44, 17 July 2021


લાવ જરા

રાજેન્દ્ર શુક્લ

અમથું રે અડકાડ્યું જીરણ દ્વાર
એકલું કદી વળગતું મૂંગી વાતે —
‘તમે અમારી અંધ આંખની ઉઘાડ-બીડ
ને તમે હવે તો માત્ર હવાની હલચલ…’

પણ પછીતની ભીંતો સંગાથે
કાયા ઘસતો
અધમધરાતે
રોજ રણકતો
દખણાદો અંધાર;
ધ્રૂજતાં નેવાં ને નળિયાં,
મોભ ધ્રૂજતો રોજ,
અાછું આછું અંગ ધ્રૂજતાં
વૃદ્ધ કેસરી
આંખ ઊંચકી સ્હેજ ઘૂરકતો,
તો ઓકળિયાળા લીંપણજુગની
પોપડીઓ ખરતી ખરતી
આંખોની ઝાંખપમાં ખોવાતી,
ને ખરી ગયેલી પાંપણમાં
આછેરું પ્રોવાતું
કોઈ વણવીંધેલી પળનું પાણી…

‘પણ પછીતની ભીંતો તો પડવાની,
પછીતની ભીંતો તો પડવાની,
તો ક્યાંથી રે જડવાની પાછી
પછીતની ભીંતોની ભાત્ય?
તો લાવ જરા ચકમક ઝગવું
બે ઘૂંટ ખેંચી લઉં હુક્કાના છેલ્લેરા,
ને સાવ પછી બ્હારો નીકળી જઉં,
પછીતની ઓકળિયાળી ભીંતોને
અડકી લઉં લાવ જરા…
(કોમલ રિષભ, પૃ. ૨૮-૨૯)