અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/સર્જક કલ્પનાનો યક્ષપ્રશ્ન: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 69: Line 69:
|previous =  વીહલા, સુન્દરકાંડ વાંચીને થાકી ગયા
|previous =  વીહલા, સુન્દરકાંડ વાંચીને થાકી ગયા
|next = ગૃહત્યાગને અનુસરતો કરુણ ગીત–રાગ!
|next = ગૃહત્યાગને અનુસરતો કરુણ ગીત–રાગ!
}
}}

Latest revision as of 02:50, 24 October 2025

સર્જક કલ્પનાનો યક્ષપ્રશ્ન

રાધેશ્યામ શર્મા

સદ્ગત પિતા માટે
કિશોરસિંહ સોલંકી

આ અંદર અંદર શું છે?

‘અંદર’ રચના કવિના આંતરફલક(inscape)નો સ્પષ્ટ સંકેત આપે છે. કેવી રીતે?

ગેરાર્ડ મૅન્લી હૉપકિન્સે વસ્તુ સાથે આંતરફલકની વાત કરી હતી, પણ સાથોસાથ વૈયક્તિક અનુભૂતિનો ઇશારો પણ ભૂલ્યા નથી:

Inscape refers to the ‘individually–distinctive’ inner structure or underlying pattern of a thing.

વિશિષ્ટ વૈયક્તિક ‘આંતરિક માળખું’ પદાર્થ કરતાં વ્યક્તિનું હોય અને તે ‘અંદર કી બાત’ દર્શાવતી કૃતિનું મૂળભૂત ભાવરૂપ છે.

પ્રથમ અને અંતિમ પદ આ–૧ ‘અંદર’ – રચનાને શુદ્ધ જિજ્ઞાસા–પ્રશ્નથી સાંકળે છે: આ અંદર અંદર શું છે? આવી ‘અંદર ૭’ રચનાઓ છે. અને સાતમી અંતિમ રચના પણ પ્રશ્નાર્થમાં પરિણમી છે. ‘અંદરનાં કમાડ ન ખૂલે એવું નક્કી હોય ખરું?’ તાત્પર્ય કે કશું જ નિશ્ચિત નથી, નિર્ણાયક નથી.’

પરંતુ મહત્ત્વ – અંદર જે કાંઈ છે એમાં કવિની વેદના તથા સંવેદનાના વૈભવનું છે. અંતરસ્થ વેદનાનો વહીવંચો અહીં આબાદ ઊઘડ્યો છે. એનો વાચક સર્જક નાયક તો હોય પણ ભાવને શરીક કરવાની ક્ષમતાયે છે.

અણીદાર તડકાની શૂળ અંદર અંદર ભોંકાય તેથી તો અંદર ઊંડે તિરાડો પડી છે. કહો કે ચેતનાના ખેતર પર તિરાડોનાં તીડ પડ્યાં છે! કોઈ માઇક્રોસ્કોપ આ દર્દના જખ્મ દર્શાવવાને શક્તિમાન નથી.

પ્રેમદીવાની મીરાંએ ગાયેલું ‘મેરા દર્દ ન જાને કોઈ’ એ રીતભાતે અહીં ‘૪”થી રચનામાં અફસોસ ગૂંથાયો છે: ‘મારાં લખાયેલાં બધાં જ પ્રેમકાવ્યો ખોવાઈ ગયાં છે મારી અંદર. સમુદ્રના કિનારાની, રેતમાં લખાયેલા શબ્દો ભરતીમાં ગરકાવ થઈ ગયા છે અંદર…’


‘કોઈ બૈદ કો બુલાવો’ જેવો પુકાર અહીં જાણે સં–ભળાશેઃ
કોઈ હકીમ બોલાવો / અંદર નસ્તર મુકાવો’

અંતઃસ્તલના પાતાળનો શિયાળો એની યથાર્થતામાં ગ્રહી નાયકનો ઉપચાર માટેનો આર્તનાદ સુરેખ ભાષાકર્મથી મંડિત છે:

અંદરના તળિયેથી
ઝમતો શિયાળો
અંદર ઊંઝણ ઉજાવો
અંદર દિવેલ પુરાવો

હકીમને બોલાવવાની બૂમની પીડા ભેળો તળિયાનો શિયાળો (Winter of discontent) અંદની ઘાવને દિવેલ વડે ઉજાવાની અરજ ગુજારે છે. (‘ઊંઝણ’ નહીં ‘ઊંજણ’ શબ્દ જોડણીકોશમાં છે.),

તડકાની શૂળમાં ઉનાળો, પછી દર્શાવ્યો શિયાળો, પછી આવ્યો વગડો’ આ પદમાં – ‘અંદર વગડો વાગે.’ વગડો સાથે તડકો એની શૂળ સમેત ફરી વાગે છે. ઓછામાં પૂરું ‘હરતાં–ફરતાં’ અંદર અંદર એર આભડે!’

દુઃખના ડુંગરા અને દરિયા બેસુમાર છે. અંદરની આલમમાં. વગડામાં ઊભો દાભ–દર્ભ–વાગે અને ખાંગા થનાર મેઘના સંકેત ‘ગગડે આખું આભ’ કથી કવિતાના વહેણને અભિનયવળાંક દીધો આ પંક્તિમાં:

અંદર ચોમાસું તરસે મરે
અંદર વીરડા ગળાવો
અંદર પાણી છલકાવો
અંદર દરિયો બેઠો છે ચૂપ!
તેથી પૂછું છું તમનેઃ
આ અંદર અંદર શું છે?

ઋતુઓ ત્રાસવાદી પુરવાર થઈ છે, ચોમાસું પણ તરસે મરે છે. કેમ કે અંદર દરિયો ચૂપ બેઠો છે! (આ પંક્તિ માટે કિશોરસિંહને સલામ.)

બોલાવો–મુકાવો, ઉજાવો–પુરાવો, દાભ–આભ જેવા પ્રાસથી શોભતી આ લાંબી કવિતામાં એક અવિશ્લેષ્ય ગતિશીલ કલ્પના (Kinetic image) ચિરસ્મરણીય છે:

રામણ દીવડાની વાટ
પવનની આંગળી પકડીને
નાચતી–કૂદતી
ઓકળીયાણું આંગણું લઈને
ચાલવા માંડે છે…

અને આપણે પણ કવિશ્રી સોલંકીની સાથે આપણા ઘરમાંથી બહાર નીકળી જઈ અનુભવીએ છીએ આ પંક્તિનો મર્મ: ત્યારે એકાએક ઢોળાઈ જાય છે સૂરજ રેલમછેલ મારી અંદર!

(રચનાને રસ્તે)