યુરોપ-અનુભવ/યુંગફ્રાઉ અર્થાત્ કુંવારી કન્યા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|યુંગફ્રાઉ અર્થાત્ કુંવારી કન્યા}} {{Poem2Open}} સ્વિટ્ઝર્લૅન્ડમ...")
 
No edit summary
 
Line 25: Line 25:
હવે વાદળ અને ધુમ્મસ વચ્ચે વચ્ચે ખીણમાંથી ઊભરાવા લાગ્યાં હતાં. હજુ હિમપ્રાસાદ – આઇસપૅલેસ જોવાનો હતો. બરફમાંથી કોતરી કાઢેલા ઓરડા. પણ અહીં લપસણા બરફ પર જવાનું માંડી વાળ્યું! પાછા વળવાનો સમય થયો હતો. પણ યુંગફ્રાઉ– કુંવારી કન્યા-નું સાન્નિધ્ય છોડવાની ઇચ્છા થાય તો ને! થોડી વાર અનંત સ્વરૂપનાં જાણે દર્શન કરતાં હોઈએ તેમ જોયા કર્યું. પછી યુંગફ્રાઉની વિદાય લીધી.
હવે વાદળ અને ધુમ્મસ વચ્ચે વચ્ચે ખીણમાંથી ઊભરાવા લાગ્યાં હતાં. હજુ હિમપ્રાસાદ – આઇસપૅલેસ જોવાનો હતો. બરફમાંથી કોતરી કાઢેલા ઓરડા. પણ અહીં લપસણા બરફ પર જવાનું માંડી વાળ્યું! પાછા વળવાનો સમય થયો હતો. પણ યુંગફ્રાઉ– કુંવારી કન્યા-નું સાન્નિધ્ય છોડવાની ઇચ્છા થાય તો ને! થોડી વાર અનંત સ્વરૂપનાં જાણે દર્શન કરતાં હોઈએ તેમ જોયા કર્યું. પછી યુંગફ્રાઉની વિદાય લીધી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[યુરોપ-અનુભવ/બરફના પહાડનું સાચું પડતું સપનું|બરફના પહાડનું સાચું પડતું સપનું]]
|next = [[યુરોપ-અનુભવ/થુન-લુઝેર્ન-ઝુરિક-જિનીવા|થુન-લુઝેર્ન-ઝુરિક-જિનીવા]]
}}

Latest revision as of 11:32, 7 September 2021

યુંગફ્રાઉ અર્થાત્ કુંવારી કન્યા

સ્વિટ્ઝર્લૅન્ડમાં આવીને આલ્પ્સ પર્વતના યુંગફ્રાઉ શિખરમાળાનું જો દર્શન થાય, તો સમજવું કે પ્રાકૃતિક સુષમા ધરાવતા આ દેશમાં આવવું સાર્થક થયું. ઘણા પ્રવાસીઓ આ દેશની યાત્રાએ આવે છે, પણ બધાંના ભાગ્યમાં તડાકાવાળો દિવસ ન પણ હોય. અમને પણ ડર તો હતો જ. પરંતુ સ્પિએઝથી નીકળ્યા ત્યારથી જ ખુલ્લો દિવસ હતો. થુનર સરોવરને કાંઠે આવીને ઊભાં કે થોડી વારમાં ઇન્ટરલાકન જતી બોટ આવી.

ઇન્ટરલાકન એટલે બે સરોવરોને જોડતું શહેર. એક બાજુ થુનર સે અને બીજી તરફ બ્રિન્ઝ સે. વચ્ચે ઇન્ટરલાકન. (સે એટલે સરોવર). ઇન્ટરલાકનનું નામ સૌથી પહેલું મુનશીની આત્મકથા ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’માં વાંચેલું ત્યારે કલ્પના પણ નહોતી કે, એ સુંદર નાનકડા નગરમાં જવાનું મળશે. મુનશીની આત્મકથામાં આવતા ઇન્ટરલાકનની વાત મેં કાલે પ્રો. બાખને કરેલી તો એ ઇતિહાસજ્ઞ અધ્યાપકે પ્રતિભાવ આપ્યો હતો કે, બ્રિટિશ લોકોને ઇન્ટરલાકન ગમતું. એટલે સંભવ છે કે, એ વખતે બ્રિટિશ કૉલોનીના લોકોને પણ ઇન્ટરલૉકન આવવાનું ગમે!

પહાડોની વચ્ચે માઈલો લાંબું થુનર સરોવર સુંદર લાગે છે. એવું લાગે કે, પર્વતોની કમર ફરતાં સરોવરનાં પાણી છે. દીપ્તિ, રૂપા, નિરુપમા અને અનિલાબહેન બોટમાં બેસી આ સૌંદર્યનું પાન કરી પ્રસન્ન છે. બોટમાં બીજાં યાત્રીઓ પણ છે. આ લીલીછમ પર્વતશ્રેણી, આ સ્વચ્છ જલનું નીલ-સરોવર અને એ પર સરકતી જતી આ બોટ! પર્વતધારે એક ઘર હતું. મેં કહ્યું : દરેક જણ પોતાનો ઓરડો પસંદ કરી લે. દીપ્તિ કહેઃ મારે તો આખું ઘર જોઈએ.

ઇન્ટરલાકન પહોંચવા આવ્યાં કે હિમાચ્છાદિત પર્વતશિખર બોટમાંથી જ દેખાયું. અહો, એ જ યુંગફ્રાઉ. યુંગફ્રાઉ એટલે જુવાન સ્ત્રી, અહીંની પરિભાષામાં કુમારિકા. શરમાયા વિના કે વાદળનો ઘૂંઘટ ઢાંક્યા વિના પ્રસન્ન રૂપનાં દર્શન કરાવતું. આ શિખર હતું શ્વેત શ્વેત.

ત્યાં જવા અમારે ઇન્ટરલાકન-પૂર્વમાંથી ગાડી લેવી પડશે. ગાડીનો સમય થવામાં હતો. ઇન્ફોર્મેશન કાઉન્ટર ઉપર તપાસ કરી. યુંગફ્રાઉ સુધી જઈ આવવાના દરેક જણ દીઠ ૯૫ સ્વિસ ફ્રાન્ક એટલે લગભગ ૧૨૦૦ રૂપિયા! પણ અમે સૌ યુગફ્રાઉ જવા આતુર હતાં. એટલે ઝટપટ રૂપિયા એટલે કે ફ્રાન્ક ખર્ચી ટિકિટો લઈ ગાડીમાં બેસી ગયાં.

યુગદ્દાઉ જવા ઉપર ચઢતી ગાડીઓની ખાસ વ્યવસ્થા છે. બે સ્થળે ગાડી બદલવી પડે છે. ગાડીમાંથી ક્યારેક યુંગફ્રાઉનું દર્શન થાય, ક્યારેક એ બીજા લીલા પર્વતો પાછળ અદૃશ્ય થઈ જાય. મને તો હિમાલયની ગિરિમાળાઓ યાદ આવતી હતી. અમે ગાડી બદલી. હવે ત્રણ ડબ્બાની નાની, પીળા રંગની, લીલા પટ્ટાની. લાકડાની સીટોની સુંદર ગાડી ધીમે ધીમે ઉપર ચઢતી હતી. શિખરોની ઊંચાઈએથી સ્વચ્છ પાણીનાં ઝરણાં વહેતાં હોય, વચ્ચે વચ્ચે પર્વતીય ગામ આવે. ક્યારેક તો ગાડીના ડબ્બા બહાર હાથ લંબાવીએ તો ઝરણાંની શીકરોનો ઠંડો સ્પર્શ થાય એટલાં નજીક એ લાગે.

ફરી પાછી ગાડી બદલી. અમે ખાસ્સી ઊંચાઈએ પહોંચ્યાં હતાં. યુંગફ્રાઉ ૧૧૩૩૩ ફૂટની ઊંચાઈએ છે. એટલે આપણા હિમાલયનાં શિખરોની સરખામણીમાં તો બહુ ઊંચું ન જ કહેવાય – પણ અહીં સતત બરફ છવાયેલો રહે છે. ગાડીમાં દેશદેશનાં યાત્રીઓ છે. એમાં સૌથી વધારે જાપાનના લોકો છે. કેમેરા હાથમાં લઈ ક્લિક ક્લિક કર્યા જ કરે. પ્રોફેસર બાખે આ જાપાની પ્રવાસીઓ વિષે જોક કરેલી: ‘ગાઢ ધુમ્મસમાં પણ એ ક્લિક કરતા હોય!’

એક વાર દાર્જીલિંગમાં કાંચનજંઘાની પર્વતશ્રેણી જોવા કેટલા બધા દિવસ રોકાયો હતો? પણ વાદળ અને ધુમ્મસ હટે જ નહિ. યુંગફ્રાઉની શિખરમાળા આજે ખુલ્લી રહી હતી. અમે છેક ઉપર પહોંચી ગયાં. ગાડી ઊભી રહી. અહીંથી હવે એકદમ નજીકથી યુંગફ્રાઉનું દર્શન થશે!

યુરોપના સૌથી ઊંચાઈવાળા સ્ટેશને ઊતરી, અંદરના ટનલ જેવા એક માર્ગે અમે ચાલ્યાં. બીજાં અનેક યાત્રીઓ પણ ઉત્સુકતાથી ચાલી રહ્યાં હતાં. માર્ગ પૂરો થતાં જ જોયું : વિશાળ વિરાટ દૃશ્ય! ચોતરફ બરફ જ બરફ. ભૂરું આકાશ એકદમ નજીક આવી ગયું છે. બરફનાં શિખરો એ ભૂરા આકાશ નીચે સ્તબ્ધતાનું સૌંદર્ય વેરી રહ્યાં છે. અમે બરફ પર ચાલવા માંડ્યું. તડકો હોવાથી આટલી ઊંચાઈએ પણ આ બરફાની વિસ્તારમાં ઠંડી લાગતી નહોતી.

અહીંથી ખસવાની ઇચ્છા નહોતી. પણ હજુય ઊંચાઈએ જવા લિફટની વ્યવસ્થા હતી. તેમાં બેસી છેક ઉપર પહોંચ્યાં. તો બરાબર નજીકમાં જ ત્રણ શિખર દેખાયાં. સૌથી ઊંચું યુંગફ્રાઉ અને બાજુમાં આઇગર અને મંક. મંક એટલે તો સાધુ. કુંવારી કન્યા પાસે સાધુ કેવી રીતે ઊભો છે? એ વિષે અનેક વિનોદ ત્યાં પ્રચલિત છે. શ્વેત રંગની અહીં જાણે ચરમસીમા હતી. મને કવિ કાલિદાસ અને રવિ ઠાકુર યાદ આવ્યા. એમણે આ સૌંદર્યમંડિત ગિરિમાળા જોઈ હોત તો! કવિ ઉમાશંકર તો આ યુંગફ્રાઉનાં દર્શને આવી ગયા હતા!

હવે વાદળ અને ધુમ્મસ વચ્ચે વચ્ચે ખીણમાંથી ઊભરાવા લાગ્યાં હતાં. હજુ હિમપ્રાસાદ – આઇસપૅલેસ જોવાનો હતો. બરફમાંથી કોતરી કાઢેલા ઓરડા. પણ અહીં લપસણા બરફ પર જવાનું માંડી વાળ્યું! પાછા વળવાનો સમય થયો હતો. પણ યુંગફ્રાઉ– કુંવારી કન્યા-નું સાન્નિધ્ય છોડવાની ઇચ્છા થાય તો ને! થોડી વાર અનંત સ્વરૂપનાં જાણે દર્શન કરતાં હોઈએ તેમ જોયા કર્યું. પછી યુંગફ્રાઉની વિદાય લીધી.