યુરોપ-અનુભવ/વિનસનો જન્મ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 117: | Line 117: | ||
કવિ ડાન્ટે કાલિદાસની જેમ એમની કવિતામાં આવતા ઉપમા અલંકારથી તેઓ કવિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. એ ઉપમા ગમે તેટલી ઉત્તમ કેમ ન હોય, પણ અત્યારે તો ડાન્ટેના ફ્લૉરેન્સ નગરમાં જ તપેલીની આસપાસ કૂંડાળું વળીને બેસી ગયેલાં અમારે માટે તો આ ક્ષણે વરાળ નીકળતી આ ગરમ ગરમ ‘ઉપમા’ જ સર્વશ્રેષ્ઠ હતી! | કવિ ડાન્ટે કાલિદાસની જેમ એમની કવિતામાં આવતા ઉપમા અલંકારથી તેઓ કવિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. એ ઉપમા ગમે તેટલી ઉત્તમ કેમ ન હોય, પણ અત્યારે તો ડાન્ટેના ફ્લૉરેન્સ નગરમાં જ તપેલીની આસપાસ કૂંડાળું વળીને બેસી ગયેલાં અમારે માટે તો આ ક્ષણે વરાળ નીકળતી આ ગરમ ગરમ ‘ઉપમા’ જ સર્વશ્રેષ્ઠ હતી! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[યુરોપ-અનુભવ/રોમ રોમમાં રોમાં|રોમ રોમમાં રોમાં]] | |||
|next = [[યુરોપ-અનુભવ/કેટલો ભવ્ય છે મનુષ્ય!|કેટલો ભવ્ય છે મનુષ્ય!]] | |||
}} |
Latest revision as of 11:30, 7 September 2021
ફ્લૉરન્સે તો મન મોહી લીધું.
તડકાથી ઉજ્જ્વળ દિવસ. આવે દિવસે આટલા બધા સુંદર ચહેરા જોઈ પ્રસન્નતા ન થાય? ફ્લારેન્ટાઇન સૌંદર્ય પ્રતિ આકર્ષણ થવાનાં કારણોમાં ચેતનામાં દૃઢ થયેલી કેટલીક પૂર્વધારણાઓ પણ હોય. કલકત્તા પહેલી વાર જવાનું થયું ત્યારે રેલગાડીની બારી બહાર જે ગામ દેખાવા માંડ્યાં તેમાં ઘરના આંગણામાં કેળ અને એક નાનકડું પુકર જોવા ઇચ્છતા હતા, પુકરમાંથી જળ ભરી કાખે કલશી લઈને જતી શરતચંદ્રની કોઈ ‘નારી’ દેખાય છે — શરતચંદ્રની વાર્તાઓ, નવલકથાઓ વાંચી વાંચી એમનાં પૃષ્ઠો પરથી એ નારીઓને શેરીઓમાં રસ્તાઓમાં શોધતા હતા. મુગ્ધ મનને ખબર નહિ કે બધું બદલાઈ ગયું છે અને વળી શરતની નારી એ તો લેખકની કલ્પના જ ને!
ફ્લૉરેન્સમાં અમને કવિ ડાન્ટેની બિયાટ્રીસની ક્યાંક કોઈક ફ્લારેન્ટાઇન કિશોરીમાં ઝાંખી મળી જાય એવા મુગ્ધ મનોવ્યાપારમાં સુંદર સ્વસ્થ ગોરા મુખડા તરફ તાકીને જોવામાં પણ ક્ષોભ થતો નહોતો. એક કિશોરીના ચહેરા પર નજર સ્થિર થાય ન થાય, ત્યાં નીચે રહેલો હાથ હોઠ સુધી લાવી એ બિન્ધાસ્ત રીતે સિગારેટનો ધુમાડો કાઢવા લાગી. ડાન્ટેનો સમય ક્યાંથી લાવવો? સડકના એક ખૂણે બૉયકટ કેશમાં શોભતી વયસંધિની અવસ્થાએ પહોંચેલી એ કિશોરીનું મોં યાદ રહી ગયું છે.
અમને કોણ જાણે કેમ ફ્લૉરેન્સની સડકો પર ચાલવાની બહુ મઝા પડતી હતી. આજે વહેલાં અમે ફ્લૉરેન્સના વિશ્વવિખ્યાત યુફીઝી મ્યુઝિયમની દિશામાં જતાં હતાં. પણ આ નગરમાં તો ‘ચરણ મૂકું ત્યાં કાશી’ એવું લાગતું હતું. પરંતુ મ્યુઝિયમ બંધ થાય તે પહેલાં, ત્યાં પહોંચી જવું હતું. ગીઓત્તીનો, ફિલિપ્પો એવાં કેટલાં મ્યુઝિયમ, કેટલા મહેલો, કેટલી દર્શનીય ઇમારતો! લિમ્પિ, સાન્દ્રો બોતીચેલી, લિયોનાર્ડો વિન્ચી, માઈકલ ઍન્જેલો, ઍન્ડ્રિયા ડેલ સાર્ટો, રફાયેલ, રેમ્બ્રાં, ગોયા – આ બધા મહાન કલાકારોની કૃતિઓ જોવા ઉત્સુક હતાં. રોમના સિસ્ટાઇન ચૅપલના મ્યુઝિયમને જોયા પછી, એની ઉત્સુકતાની તીવ્રતા અવશ્ય, જરા ઓછી થઈ હતી એ ખરું.
પરંતુ, મિલાનમાં જેમ લિયોનાર્ડો વિન્ચીનું લાસ્ટ ‘સપર’– ‘છેલ્લું ભોજન’ ચિત્ર, જે અમે જોયું નહિ કે જોવા રોકાયાં નહિ; (ભાગ્યમાં નહિ, બીજું શું?) પણ અહીં યુફીઝીમાં સાન્દ્રો બોતીચેલીનું ચિત્ર – ‘નાસચિતા દી વેન્રે’– ‘બર્થ ઑફ વિનસ’– ‘વિનસનો જન્મ’ દુનિયાભરના કલાપ્રેમીઓને ખેંચી લાવે છે.
બોતીચેલીની વિનસ.
બોતીચેલીની વિનસને જોવા હું અધીર હતો.
યુફીઝી મ્યુઝિયમના બહારના ચૉકમાં અવસ્થિત શિલ્પમૂર્તિઓ પર દૃષ્ટિક્ષેપ કરી તરત ટિકિટો લઈ મ્યુઝિયમમાં જ પ્રવેશ કર્યો. જેવાં પગથિયાં ચઢી ઉપર ગયાં કે એક પ્રદીર્ઘ કૉરિડોર. કૉરિડોરમાં બન્ને બાજુએ જાણે યાત્રીમાત્રના સ્વાગતમાં હોય તેમ શતાબ્દીઓ — પ્રાચીન ગ્રીક રોમન શિલ્પો.
કદાચ શિલ્પો ઉતાવળમાં જોયાં હોય કે કેમ, છતાં અમને કેટલાંક પ્રસિદ્ધ ચિત્રો પ્રભાવિત કરી ગયાં. અમારી જેમ ઘણાબધા પ્રવાસીઓ કૉરિડોરમાં બન્ને બાજુ નજર નાખતા ચિત્રોના ઓરડાઓ ભણી જતા.
ચિત્રોના ઓરડાઓમાં સૌપ્રથમ તો તેરમી સદીનાં ઇટાલિયન ચિત્રો છે. આ ચિત્રો અગાઉની બાયઝેન્ટાઇન નામે પ્રચલિત કલાશૈલીથી વિચ્છેદ સાધી હવે પછી આવનાર રેનેસાં યુગની શૈલીનાં પ્રસ્ફુટનો રૂપે છે, જેણે પરવર્તી અનેક ચિત્રકારોને પ્રભાવિત કર્યા તે રેનેસાંનાં અગ્રદૂત કલાકાર ગિઓત્તિનોનું ‘સિંહાસનસ્થ મેડોના’ એ ચિત્ર પ્રવેશદ્વારની સામે જ છે.
એવું સ્મરણમાં રહી જાય એવું ચિત્ર સિમોની માર્તિનીનું ‘અનન્શિએશન’ – ‘વધામણી’. (દેવદૂત ગાબ્રિયેલ કુમારી મરિયમને કહે છે કે ઈશુ તારે પેટે અવતાર લેશે – એ પ્રસંગની અદ્ભુત ક્ષણો: આ વિષય યુરોપના કલાકારોને અતિપ્રિય રહ્યો છે.). ગિઓત્તિનોનું ‘લા પિયેતા’ (મૃત ઈશુને ક્રૉસ ઉપરથી ઉતારે છે એ પ્રસંગની, અગાઉ માઇકેલ ઍન્જેલોના એક શિલ્પ લા પિયેતાની વાત કરી છે.) ફ્રા લિપ્પો લિથ્વિનાં પણ ઘણાં નાનાંમોટાં ચિત્રોની પૅનલ છે. ઘણાં ચિત્રોમાં બાઇબલના પ્રસંગો છે. કળા પર ધર્મનો કેટલો પ્રભાવ છે એનું આ નિદર્શન છે.
પણ, મધ્યકાળની એ ધાર્મિક દૃષ્ટિ અને એનાથી પ્રભાવિત કલાકારોની જીવનદૃષ્ટિમાં હવે પાયાનું પરિવર્તન આવતું હતું. ચૌદમી સદીમાં ઇટાલિયનોએ બે શોધ કરી : એક તો કોસ્ટન્ટિનોપલના પતન પછી પ્રાચીન ગ્રીક રોમની કળા અને સંસ્કૃતિની શોધ; અને બીજી શોધ તે પોતાની જાતની. એને પરિણામે વિદ્વત્તા, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકળામાં એક અદ્ભુત જુવાળ આવ્યો. દુનિયાને આજે પણ એનું આશ્ચર્ય છે. એ નવું આંદોલન તે રેનેસાં — પુનર્જન્મ કે પુનર્જાગરણ. તે જાગરણ તે આ પ્રાચીન સૌંદર્યમૂલક કલાદૃષ્ટિ અને સ્વ-ની શોધ. ધર્મને સ્થાને માનવ કેન્દ્રમાં સ્થાપિત થયો. ઈશ્વરના અસ્તિત્વના સ્વીકાર સાથે પણ જીવનના આનંદનો, સૌંદર્યનો મહિમા થયો. ફ્લૉરેન્સ હતું આ મહાન આંદોલનનું કેન્દ્ર. બોતીચેલીની વિનસ આગળ આવીને જેવાં ઊભાં કે રેનેસાંનાં એ સ્પંદનો ચેતનાને ઝંકૃત કરી રહ્યાં.
મુંબઈમાં રાજેન્દ્ર શાહની લિપિની પ્રિન્ટરીમાં સુરેશ જોષીને કંઠે રાઇનેર મારિયા રિલ્કેનું કાવ્ય ‘વિનસનો જન્મ’ — The Birth of Venus સાંભળ્યું હતું, તેમાં વિનસના બે ઢીંચણને બે ચંદ્રની ઉપમા આપી છે તે યાદ રહી ગયેલી છે.
આ વિનસની સાથે આપણું પૌરાણિક પાત્ર ઉર્વશી મૂકી શકાય. ઉર્વશી પણ સમુદ્રજન્મા છે. રવીન્દ્રનાથના ‘ઉર્વશી’ કાવ્યમાં ઉર્વશી સનાતન રૂપસૌંદર્યનું પ્રતીક છે. એ કવિતામાં રવીન્દ્રનાથે કહ્યું છે કે, ઉર્વશી માતા નથી, કન્યા નથી, વધુ નથી, એ માત્ર રૂપસી છે. એને કોઈ શૈશવ નથી. ગૃહિણીની જેમ એ ગાયોની કોઢમાં કદી પાલવ ઓઢી દીવો પેટાવતી નથી, કે નથી મધુરજનીએ વાસરશય્યામાં છાતીમાં કંપ લઈ નમ્ર નેત્રપાતે પ્રવેશ કરતી. એ જે દિવસે જન્મી તે દિવસે જ પૂર્ણ પ્રસ્ફુટિત નારી રૂપે પ્રકટી. આ ઉર્વશી પ્રથમ વેદમાં દેખાય છે. પછી કવિ કાલિદાસે એને પોતાના એક નાટકની નાયિકા બનાવી. વિનસ ઉર્વશીની સહોદરા છે, પણ વિનસ ભાગ્યશાળી છે.
સમગ્ર પશ્ચિમની પ્રાચીન-મધ્યકાલીન કળાની પરંપરામાં વિનસ એ સૌથી પ્રિય વિષય રહ્યો છે. ખ્રિસ્તી કલાકારોએ પણ મેડોના પછી બીજી કોઈ એક નારીને વિશેષ ચીતરી હોય તો તે છે વિનસ.
વિનસનું ગ્રીક નામ આક્રોડાઇટ છે, પણ, લૅટિન વિનસ નામ જ વધારે પ્રચલિત છે. કવિ હોમરના નામે મળતી એક કવિતામાં વિનસના જન્મનું વર્ણન છે, જેમાં સદ્યજન્મા વિનસ એજિયન સાગરના કાંઠે પવન-દેવતાઓથી હળવી ફૂંકની લહેરીઓ દ્વારા લવાય છે. સાગરકાંઠે હૂર (પરી) એના નગ્નકાંતિ તુષારશુભ્ર દેહને ઢાંકવા તારાંકિત વસ્ત્ર લઈને ઊભી છે. વિનસને પગલે પગલે ધરતી પરના ઘાસમાં અસંખ્ય ફૂલ પ્રકટે છે એવી કવિકલ્પના છે.
એક પ્રાચીન – ઈ. સ. પૂર્વેના ચોથી સદીના – ગ્રીક ચિત્રકાર આપેલસે હોમરના આ વર્ણનને ચિત્રમાં આલેખ્યું. – ‘આફ્રોડાઇટ રાઇઝિંગ ફ્રૉમ ધ સી’. સમ્રાટ ઑગસ્ટસ આ ચિત્ર રોમ લાવ્યા અને ફૉરમના પ્રદર્શનમાં રાખ્યું.
આપેલસના આ ચિત્રે અનેકને પ્રેરણા આપી અને એની ઘણી અનુકૃતિઓ થઈ. એનાં ઘણાં શિલ્પો કંડારાયાં. આવું એક શિલ્પ ફ્લૉરેન્સમાં હતું અને આજે પણ છે. એને ‘મેડિસિ વિનસ’ કહે છે.
પંદરમી સદીમાં બોતીચેલી જ્યારે એમના આ પ્રસિદ્ધ ચિત્ર ‘વિનસનો જન્મ’ પર કામ કરવા તૈયાર થયા ત્યારે કળામાં વિનસની પરંપરા હતી.
જોકે બોતીચેલીની વિનસને સમજવા માટે આ ઉપરાંત, એ વખતના ફ્લૉરેન્સના કલાઆંદોલનોની આબોહવા જાણવી જરૂરી છે. પ્રાચીન પ્રશિષ્ટ કળાકૃતિઓ અને સ્વની શોધ સાથે ૧૫મી અને ૧૬મી સદીમાં ફ્લૉરેન્સનો બૌદ્ધિક સમાજ ગ્રીક ફિલૉસોફર પ્લેટોના વિચારોથી પ્રભાવિત હતો. એના સભ્યો ફ્લૉરેન્ટાઇન એકૅડેમી અથવા પ્લેટૉનિક એકૅડેમીના સભ્યો હતા. ફ્લૉરેન્સના નગરજીવનમાં એ વખતે શાસક મેડિસિ પરિવાર એ બૌદ્ધિકોનું કેન્દ્ર હતો
એ વખતના ફ્લૉરેન્સમાં સૌંદર્યની — રૂપની એક વિશિષ્ટ વિભાવના હતી. એ સભ્યો માનતા કે સૌંદર્યની ઝંખના એ પરમતત્ત્વ – ‘ડિવાઇન’ સાથે જોડાવાની ઝંખના છે. એટલે સૌંદર્યની અભીપ્સા પણ એક પ્રકારની ધાર્મિક સંવેદના છે. ફલૉરેન્ટાઇનો માનતા કે જ્યાં જ્યાં સૌંદર્ય જોવા મળે છે, ત્યાં ત્યાં પ્રેમની ઉદ્ભૂતિ થાય છે.
એ પ્રેમનું સ્વાગત થવું જોઈએ, કેમ કે, તે વ્યક્તિને ઈશ્વર ભણી લઈ જાય છે. પ્રેમ અને સૌંદર્યનો આ સિદ્ધાંત ઇટાલિયનોમાં એટલો લોકપ્રિય હતો કે તેઓ બધા જ પ્રકારના સૌંદર્ય તરફ આદર પ્રકટ કરતા. પણ આ બધા સૌંદર્યોમાંય નારીસૌંદર્ય પ્રધાન હતું. સુંદરી નારી એટલે આત્માની શાશ્વતી માટેની ઝંખનાનું પ્રતીક, દિવ્ય તત્ત્વથી થયેલા મનુષ્યના વિચ્છેદની વ્યથાનું પ્રતીક.
આ ફ્લૉરેન્સમાં એ દિવસોમાં એક ષોડશી નામે સિમોનેત્તા કાત્તાનિયો જીનોવોથી નવવધૂ બનીને આવી. ફ્લૉરેન્સની એ સૌંદર્ય સમ્રાજ્ઞી બની ગઈ. મેડિસિ પરિવારના જીઉલિયાનોની એ મિત્ર બની. અનેક બૌદ્ધિકો સિમોનેત્તાના રૂપના પ્રશંસકો હતા. સિમોનેત્તા એટલે પ્રેમ અને સૌંદર્યનું જીવતુંજાગતું પ્રતીક. સિમોનેત્તા એટલે શુદ્ધ સૌંદર્યની પરિભાષા.
યુવાન વયે સિમોનેત્તાનું જ્યારે અવસાન થયું ત્યારે, સૌંદર્યને જીવનનું શ્રેષ્ઠ મૂલ્ય ગણનાર ફ્લૉરેન્સની ગલીઓમાં સૌએ આંસુ સાર્યાં હતાં.
બોતીચલીની વિનસ એ જ આ સુંદરી સિમોનેત્તા. એના ચિત્રનું મૉડેલ કદાચ સિમોનેત્તા હતી.
પરંતુ, ‘વિનસનો જન્મ’ ચિત્ર સામે આવીને જેવો ઊભો કે આ બધું ‘જ્ઞાન’ અદૃશ્ય થઈ ગયું. સમુદ્રકાંઠે પવનદેવતાની ફૂંકોથી હળવે હળવે સરી આવી છે તે સદ્યજાતા નગ્નકાન્તિ પૂર્ણસ્ફુટિતા વિનસ છે અને હું છું. જોઉં છું. જોઉં છું. જોઉં છું. — નખથી શિખાપર્યંત, શિખાથી નખપર્યંત. નખશિખ નગ્નસુંદરી!
ચિત્રસમીક્ષક હોત તો ચિત્રકલાની પરિભાષામાં વાત કરત. કવિ હોત તો નખશિખ કાવ્ય લખત. પણ મારે ફક્ત પેરાફ્રેજનો જ આશ્રય લેવો પડ્યો.
સાગરકાંઠે આવી, છીપમાં વિનસ ઊભી છે, ગુલાબોની વૃષ્ટિ થઈ રહી છે, જળલહરીઓનાં હળવાં કંપન છે, એક બાજુ બે પવનદેવતા છે, જેઓ પોતાની ફૂંકની લહરીઓથી એને સમુદ્રકાંઠે વહાવતા લઈ આવ્યા છે, એમનાં અંચલ પવનમાં અધ્ધર ઊડી રહ્યાં છે. બીજી બાજુ હુર કાંઠે તારામંડિત વસ્ત્ર ઓઢાડવા તત્પર છે.
વિનસે એક હાથે પોતાની એક છાતી ઢાંકી છે, નીચે લંબાયેલા બીજા હાથમાં એના લાંબા સોનેરીવાળાનું એક ગૂંછળું એ હાથ પર ઝૂલતું રમ્ય રીતે ઢળતા યોનિદેશને ઢાંકતું છેક ઢીંચણ સુધી પહોંચવામાં છે. થોડાં ગૂંછળાં પવનમાં ઊડી રહ્યાં છે. ડોક લાંબી એક બાજુ નમેલી છે, જ્યાં સોનેરી વાળનું એક ગૂંછળું વીંટળાયું છે.
એની નાભિ, એનું પેટ, કમરનો લાંક, એની સાથળો, બે ઢીંચણ, (રિલ્કેએ જેને ચંદ્રની ઉપમા આપી છે) વિનસ સાચે છે કાંચનજંઘા. એક પગ ધરતી પર ધરવા સહેજ ઊંચકાયો છે. સ્થિતિ અને ગતિ વચ્ચેની આ મુદ્રા છે. પગના અંગૂઠાના નખ સુધી મારી નજર જાય છે તેમ વળી પાછી એ જ માર્ગ ઉપર ચઢતી જાય છે, શિખા પર્યંત – નખશિખ.
વિનસની આંખોમાં હળવો વિષાદ છે, કોઈને એમાં sad innocence દેખાય છે. હું ચિત્રની નજીક જાઉં છું. તેમ ચિત્રથી દૂર જાઉં છું. નજીક કે દૂર એ વિષાદભરી આંખોથી જોયા કરે છે. હવે સામે મૂકેલી બેઠક ઉપર બેસી ચિત્રને જોઉં છું. એક ગાઇડ ફ્રેન્ચમાં દર્શકોના એક વૃન્દને ચિત્રની ખૂબીઓ સમજાવી રહી છે. શું કહેતી હશે એ?
ચિત્ર આગળથી હટવાની ઇચ્છા થતી નથી, પણ સૌંદર્યની ચરમ અનુભૂતિની ક્ષણો લાંબો સમય જિરવાતી નથી. આ ચિત્રમાં કંઈક એવું છે, જેથી એને માત્ર એસ્થેટિક દૃષ્ટિથી – સૌંદર્યમૂલક દૃષ્ટિથી જ જોઈ શકતા નથી, તેમાં ઇન્દ્રિયોનો દાબ પડે છે. ખજુરાહો, કોણાર્ક અને સાંચીમાં શાલભંજિકાઓ અને યક્ષીઓની નગ્ન મૂર્તિઓ જોઈ છે, આલિંગનબદ્ધ મિથુનો પણ. છતાં ભારતીય કલાકારો અને પાશ્ચાત્ય કલાકારોની દૃષ્ટિભંગીમાં અંતર અનુભવું છું… હવે ક્યાં સુધી? ક્ષણે ક્ષણે યન્નવતામુપૈતિ વિનસ ઉપરથી નજર માંડ હટાવું છું.
ચિત્ર-ગૅલેરીઓમાં આગળ વધીએ છીએ.
ફરી વિનસ (અને મેડોના પણ) આવી. ઘણીબધી. એમાં કલાકાર તિઝિયાનોની ‘ઉરબીનોની વિનસ’, બીજી એક વિનસ છે… ‘વિનસ અને કામદેવ’ ચિત્રમાં. અદ્ભુત! એનાં ભરપૂર જઘન જોતાં દિદારગંજની યક્ષી યાદ આવી…
યુફીઝી મ્યુઝિયમમાં મહાન કલાકારોની દુનિયામાં એવાં ખોવાઈ જવાય કે સ્થળકાળનું ભાન રહે નહિ. એકાધિક વાર નજ૨ કલાકારોની દુનિયા બહાર કાચની બારીઓમાંથી ફ્લૉરેન્સનગરનાં ઊંચાં લાલ છાપરાંવાળાં મકાનો પર જઈ પડતી, અને દેખાય આર્નો — આર્નોમાં વહેતી હોડી. ફ્લૉરેન્સ વચ્ચે થઈને વહે છે આર્નો. આર્નો પરનો પેલો પ્રસિદ્ધ પુલ પોન્તેવેચિયોય દેખાય. યુફીઝીની બારીમાંથી દેખાતો એ પણ એક સીટીસ્કેપ – નગરચિત્રણા.
યુફીઝી ગૅલેરીનાં જે કેટલાંક ચિત્રો પ્રભાવિત કરી ગયાં તેમાં બોતીચેલીનું જ બીજું ચિત્ર ‘એલેગરી ઑફ સ્પ્રિંગ’ (વસંતનું રૂપક) છે. એમાં પણ કેન્દ્રમાં તો વિનસ છે. પરંતુ રેનેસાં કલાશૈલીનું આગમન એમાં જોઈ શકાય છે. લિયોનાર્ડ વિન્ચીનું ‘અનશિયેસન’ — ‘વધામણી’ તો અદ્ભુત. બાઇબલનો પ્રસંગ.
ઈશ્વરે દેવદૂત ગાબ્રિયેલને ગાલીલ પ્રાંતના નાસરેથ નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો. કન્યાનું નામ મરિયમ હતું. તેના વિવાહ યોસેફ સાથે થયા હતા. દેવદૂતે તેની પાસે જઈને કહ્યું : ‘પ્રણામ. તારી ઉપર પ્રભુની કૃપા ઊતરી છે. પ્રભુ તારી સાથે છે.’ આ સાંભળી મરિયમને ક્ષોભ થયો. દેવદૂતે કહ્યું : ‘ગભરાઈશ નહિ, મરિયમ, કારણ, ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. જો, તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે. એનું નામ તું ઈશુ રાખજે. એ મહાન થશે અને પરમાત્માનો પુત્ર કહેવાશે.’
મરિયમે દેવદૂતને કહ્યું : ‘એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી.’
દેવદૂતે જવાબ આપ્યો : ‘પવિત્ર આત્મા તારા ઉપર ઊતરશે અને પરાત્પરનો પ્રભાવ તને છાઈ દેશે અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ‘ઈશ્વરપુત્ર’ કહેવાશે.’
વિન્ચીના ‘વધામણી’ ચિત્રમાં આ ક્ષણો છે. દેવદૂતની વાણીથી આશ્ચર્ય પામેલી મરિયમના નિર્દોષ કુંવારા ચહેરા પર જે સંચારી ભાવો આલેખાયા છે તેમાં કલાકારની સર્જકતા રહેલી છે. આ ક્ષણોનું આલેખન બોતીચેલીએ પણ કર્યું છે. બીજા અનેક કલાકારો આ ક્ષણો દોરવા પ્રેરાયા છે. દરેકની મરિયમ જુદી.
આ મરિયમ, તે મેડોના – વર્જિન – કુમારિકા. માત્ર મેડોનાનાં કેટલાં બધાં ચિત્રો? પછી ગ્રાબિયેલ અને મેડોના, પછી મેડોના અને શિશુ. ધર્મચેતના અને સૌંદર્યબોધ બંને અદ્ભુત રીતે ભળી ગયાં છે આ સૌ ચિત્રોમાં. એટલાં બધાં ચિત્રો કે ઉતાવળે જોનાર અને કળા વિષે સામાન્યજનની જ સમજણ ધરાવનાર આપણા જેવા પ્રેક્ષકોને તો બધાં ચિત્રો એકસરખાં લાગે. પણ વિન્ચીની મેડોના જુદી અને રફાયલની ‘મેડોના ઑફ ધ ગ્રાન્ડ ડ્યુક’ની મેડોના જુદી જ હોય ને? ઍન્ડ્રિયા ડેલ સાર્ટોની મેડોના(મેડોના દેલ આર્વી)નું તો મોં જ બહુ સુંદર. આ બધા કલાકારોની મેડોના — આમ જોઈએ તો એટલે કે ધાર્મિક દૃષ્ટિએ જોઈએ તો – દિવ્ય અને આમ જોઈએ તો દુન્યવીમર્ત્ય. કલાકારોએ તો કોઈ મર્ત્ય કુમારિકાનો ચહેરો ચીતર્યો છે, એ રીતે. એટલે જેમ વિનસ તેમ મેડોનાનાં ચિત્રો આદર્શીભૂત અને ઠંડાં નહિ, પણ ઉષ્મ લાગે છે. ઍન્ડ્રિયા ડેલ સાર્ટોની મેડોનાના ચહેરા પરથી નજર હટે નહિ જલદી. વળી પાછી વિનસ તો આવે. ‘વિનસ અને કામદેવતા’ ચિત્ર જોઈ કાલિદાસના કુમારસંભવનો પ્રસંગ યાદ આવે. તિઝિયાનોની વિનસ પગ પર પગ ચઢાવી નગ્ન સૂતી છે. એક હાથમાં પુષ્પ છે, પણ ‘વિનસ અને કામદેવતા’ની વિનસ જરા ઘૂલદેહા લાગે છે. કામદેવ-ક્યુપિડ નાનો બાળક છે. નગ્ન વિનસનાં નાતિપરિસ્ફુટ સ્તનો કાઠિન્ય ધરાવતાં લાગે છે. ક્યુપિડે એને ખભે હાથ મૂક્યો છે, એ ક્યુપિડ તરફ જોઈ રહી છે. ક્યુપિડનાં બાણ – તરકસ પડ્યાં છે. વિનસની ત્રિવલી કાલિદાસની પાર્વતીની ત્રિવલીનું સ્મરણ કરાવે. પૃથુલજઘના આ વિનસ પણ અદ્ભુત!
અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત! હવે વધારે વાર આ શબ્દ પ્રયોજીશ તો એનો અર્થ ખોઈ બેસશે. બસ કરું, ૪૫ ઓરડામાં પથરાયેલા આ સૌંદર્યલોકનું વર્ણન પૂરું નહિ થાય, હારીને છોડી દઉં છું.
દીપ્તિ, રૂપા બૉમ્બિનો-શિશુ જુએ અને હસે.
મ્યુઝિયમની બહાર આવ્યાં. અહીં બહાર ખુલ્લો ચૉક છે – પિઆઝા દેલા સિન્નોરિયા એટલે ફ્લૉરેન્સનું એક જમાનાનું રાજકીય ઘટનાઓનું કેન્દ્ર. દુનિયાના સૌથી સુંદર ગણાતા ચૉકમાં એની ગણતરી થાય. ચૉકમાં નેપચ્યૂનનો ફુવારો ધ્યાન ખેંચી રહ્યો. મેડુસાનું રક્ત ટપકતું છિન્ન મસ્તક હાથમાં લઈ ઊભેલા પર્સિઉસ અને ‘ધ રેપ ઑફ ધ સેવાઇન વિમેન’નાં શિલ્પો તો પાસે જઈને જોયાં. સાંજ પડવા આવી હતી. નગર રમણીય લાગતું હતું, આ ચૉકમાંથી જોતાં જોતાં. પછી તો મારું મન તો એ વાતમાત્રથી રોમાંચિત થઈ રહ્યું હતું કે, અમે વિશ્વના એક મહાન કવિના ઘર ભણી જઈ રહ્યાં છીએ. કવિ ડાન્ટે ‘ડિવાઇન કૉમેડી’ના કવિ ડાન્ટે. પેલા બિયાટ્રીસવાળા કવિ ડાન્ટે. રસ્તાનું નામ જ વીયા ડાન્ટે અલીગીરી. જેવાં ડાન્ટેના ઘર પાસે પહોંચ્યાં, ટાવરમાં ટકોરા પડ્યા. દીપ્તિએ કહ્યું : ‘છના ડંકા થયા.’
આપણા દેશમાં મહેલો, મંદિરો, મસ્જિદો અને મકબરાઓ તો બહુ જોયા છે, પણ કોઈ કવિનું ઘર? પ્રાચીન મધ્યકાલીન કવિનું ઘર? બદરિકાશ્રમમાં વ્યાસે જ્યાં મહાભારત રચ્યું તે ગુફા બતાવાય છે. ઉજ્જયિનીમાં કાલિદાસ ક્યાં રહેતા હશે? એમની પ્રિય શિપ્રા નદી તો છે, એને જ કિનારે ક્યાંક વિજનમાં એમનું ઘર હોવું જોઈએ. આપણા નરસિંહ મહેતા જૂનાગઢમાં જે ઘરમાં રહેતા હોય તે ઘર તો હોય જ શાનું? એ કવિનું ઘર એટલું મજબૂત ઈંટ-પથ્થરનું ક્યાંથી હોય? એ સુદામાની ઝૂંપડીને કોઈ શ્રીકૃષ્ણ નામના મિત્રે મહેલમાં ઓછી ફેરવી દીધી હોય? અમદાવાદમાં ‘અખાજીના ઓરડા’ છે. ખબર છે? કવિ ન્હાનાલાલનું ઘર? આખા અમદાવાદમાં આપણે એક કવિની પ્રતિમા મૂકી હતી તેય આજે ક્યાં છે? ફ્લૉરેન્સમાં ડાન્ટેની ગલીમાં પ્રવેશતાં ડાન્ટેની પ્રતિમા ‘અલ ડિવિનો પોએટા’ – દેવતાઈ કવિની છે. પથ્થરો જડેલી શેરીમાં અમે ચાલતાં હતાં ત્યાં અમે સામેથી આવતા કોઈ સજ્જનને ડાન્ટેના ઘર વિષે પૂછ્યું. એમણે દિશા બતાવી. અમે કહ્યું :- ‘થૅંક્યુ.’ એમણે કહ્યું : ‘નમસ્તે….’ ડાન્ટેની ગલીમાં આપણી ભાષામાં અભિવાદન!
આનંદ સાથે આશ્ચર્ય. અમારા ચહેરા હસી રહ્યા. આ ગલીમાં કવિ ડાન્ટે ચાલ્યા હશે. એમનું ઘર આજે આ નગરે સાચવી રાખ્યું છે, પણ આ જ નગરે આ મહાન કવિને દેશવટો આપેલો! આજે તો નગરની ગલીઓમાં અનેક સ્થળે પોસ્ટરો પણ જોયાં :- ‘વેનર્દી દી ડાન્ટે’, ‘સેન્ટ્રો કુલ્તુરાલે ડાન્ટેસ્કો’. (એટલે કે ડાન્ટે સાંસ્કૃતિક કેન્દ્ર.)
ડાન્ટેનું ઘર આવી ગયું. પણ આજે જે આખી ઇમારત છે તે કદાચ ડાન્ટેનું જૂનું ઘર નથી. અમે ઘરમાં પ્રવેશ કર્યો. પહેલા સ્મર્યા કવિ ઉમાશંકરને. પછી કવિ નિરંજન ભગતને, મિત્ર ધીરુ પરીખ યાદ આવે, જેમણે ગુજરાતીમાં આ કવિ ઉપર ચોપડી કરી છે. તે સાથે યાદ આવ્યા ભાષાભવનમાં અંગ્રેજીના અધ્યાપક રંગનાથ મલગી. તેઓ તો ડાન્ટેના આજીવન અભ્યાસી છે. ઇટાલિયનમાં જ ડાન્ટે વાંચે.
ઘરમાં કેટલીક જૂની ચીજો જાળવી રાખી છે. ડિવાઇન કૉમેડીની જુદી જુદી ચિત્રિત – મુદ્રિત પ્રતો છે. કવિના જૂના ઘરમાં જીને થઈને નીચે જવાતું હતું. આ સ્થળ, જ્યાં કવિનો શબ્દ ફૂટ્યો હતો. એક તીર્થયાત્રા થઈ.
નાનકડા ચૉકમાં કબૂતરો હતાં. એક શાકભાજીની દુકાનમાં કાકડી, ચોળાફળી, ડુંગળી, બહુ તાજાં જાંબલી રીંગણ. ભાવ પૂછી જોયા. ગલીઓમાં ચાલતાં ચાલ્યાં. આભૂષણોની દુકાનો આવા પ્રવાસી નગરમાં બહુ હોય. અહીં પણ નિગ્રો ફેરિયા બ્રાઉન પર્સ વેચતા હતા.
અમને અનુમાન તો હતું અને તે ખરું પડ્યું. ફ્લૉરેન્સના વિશાળ ડુઓમો કેથિડ્રલે સાન્તા મારિયા દેલ ફિઓરેએ પહોંચ્યાં ત્યારે તે બંધ થઈ ગયું હતું. આમેય, અમે કાલે એ જોવાનાં છીએ. પણ કેથિડ્રલના સ્થાપત્યે આ ઢળતી સાંજે પ્રભાવિત કર્યાં. અમે ચર્ચના બંધ પ્રવેશદ્વારો આગળના ખુલ્લા ભાગમાં અનેક બીજા મુસાફરો સાથે નિરાંતે બેઠાં.
અસ્તમિત તડકો એ પ્રવેશદ્વારો પર આલેખેલા ઈશુના જીવનપ્રસંગો પર પડતો હતો તે રૂડું લાગ્યું. સામે માર્ગ પર બસો દોડતી હતી, બગીઓ દોડતી હતી, સ્કૂટર અને લ્યુના દોડતાં હતાં. મોટરગાડીઓ દોડતી હતી. કેસરી રંગની બસો દોડતી હતી. છતાં ધમાલ વરતાતી નહોતી. ફ્લૉરેન્ટાઇનોની અવરજવર હતી. હું નગરને આંખમાં ભરવા મથું છું. થોડી વાર પછી અમે બૅપ્ટિસ્ટ્રી તરફ જઈએ છીએ.
ચર્ચની પૂર્વ દિશામાં અષ્ટકોણી બૅપ્ટિસ્ટ્રી એના દરવાજાઓને લીધે બહુ મશહૂર છે. આમ તો ખ્રિસ્તી ધર્મની દીક્ષા માટેની વિધિનું એ થાનક છે. સાન્તામારિયા પહેલાંનું, ૧૧મી સદીનું, રોમાનેસ્ક સ્થાપત્યશૈલીનું. ૧૧મી થી ૧૩મી સદી સુધી જે વિશિષ્ટ પ્રકારનાં દેવળો – મકાનો બંધાયાં તે રોમાનેસ્ક કળાશૈલી તરીકે ઓળખાય છે. ઑપ્ટિસ્ટ્રીના બંધ દરવાજે પણ દર્શકો તો ઊભાં હતાં. ભલે બૅપ્ટિસ્ટ્રી અગિયારમી સદીની હોય, પણ આ દરવાજાઓ તો વારંવાર બનતા રહ્યા છે. ક્યારેક તો એને માટે સ્પર્ધાઓ યોજાતી. ૧૪૦૧માં થયેલી આવી એક સ્પર્ધામાં કલાકાર લૉરેન્ઝો ધીબતીએ કેટલાંક દ્વાર બનાવ્યાં છે. પૂર્વ દિશાના દરવાજા પર તો ધીબતીએ ૨૭ વર્ષ સુધી કામ કર્યું છે! દરેક બારણાને પાંચ-પાંચ એમ મળી ૧૦ પૅનલ પર કાંસામાં ઓલ્ડ ટેસ્ટામેન્ટના પ્રસંગો ઉપસાવવામાં આવ્યા છે. આને માઇકેલ ઍન્જેલો જેવા કલાકારે ‘સ્વર્ગનો દરવાજો’ કહ્યો.
જરા નજીક જઈને જોવા પડે. પહેલી પૅનલમાં આદમ અને ઈવનું સર્જન, પ્રથમ પાપ અને ઈડન ગાર્ડનમાંથી પતન. સામેની પેનલમાં એબલ અને કેન(આદમ–ઈવનાં સંતાન)નો શ્રમ, ભાઈ દ્વારા ભાઈની હત્યા અને ઈશ્વરે આપેલા ઠપકાનો પ્રસંગ. પછી પ્રલય અને નોહાની વાત — એમ ચાલે છે. મોઝિઝ, ડેવિડ અને ગોલિયાથ અને રાજા સોલોમન અને શેબાના પ્રસંગો આ પૅનલોમાં છે.
વળી, પાછાં અમે આવી કેથિડ્રલના ખુલ્લા આંગણામાં બેઠાં. બીજા પણ ઘણા પ્રવાસીઓ આખા દિવસના રઝળપાટ પછી નિરાંતે પગ લંબાવી વિશ્રામ કરતાં હતાં. કંઈક ખાતાંપીતાં હતાં. અમે પણ જોડાયાં.
ત્યાં એક નાની બાળકી રમતી હતી. બાજુમાં એનાં માબાપ બેઠાં હતાં. રૂપાની એની સાથે ગોઠડી જામી ગઈ. દીપ્તિ-નિરુપમાને એમનાં સંતાનો યાદ આવ્યાં. બાળકીનું નામ પૂછ્યું, તો કેરોલીના. દિવસ દરમિયાન ચિત્રોશિલ્પો જોયા પછી આ હસતી-રમતી-દોડતી કેરોલીનાની બાળ-લીલાઓમાં બધાં થોડી વાર તો જાણે ખોવાઈ ગયાં.
પછી અમે ઊઠ્યાં. હવે તો અમારા ઉતારા ભણી. ઇટલીનો આઇસક્રીમ બહુ વખણાય. જાતજાતના આઇસક્રીમની દુકાનો. ચાલતાં ચાલતાં સ્ટેશનને માર્ગે. પેન્સિઓનની માલકણ ભલી હતી. એનું ઘર અને પેન્સિઓ એક જ. નિરુપમાએ એને કહ્યું કે, અમને તમારા રસોડાનો થોડી વાર ઉપયોગ કરવા દો. એણે નમ્રતાથી ના કહી, પણ અમને કંઈક જરૂર હોય તો તે પૂરી પાડવા તત્પરતા બતાવી. ઇન્સ્ટન્ટ ઉપમા બનાવવાની સામગ્રી અમારી પાસે હતી. અમારે ઊકળતું પાણી જોઈએ. આખા દિવસના થાક પછી ફુવારાના સ્નાનનો આનંદ લીધો. ત્યાં થોડી વાર પછી એક મોટા ઢાંકેલા વાસણમાં ‘હૉટ હૉટ હૉટ વૉટર’ (એના શબ્દો) લઈને હસતી માલકણ આવી. અમારી ઇન્સ્ટન્ટ ઉપમા તૈયાર. બીજી પૂરક ખાદ્ય સામગ્રી પણ અમારી પાસે હતી.
કવિ ડાન્ટે કાલિદાસની જેમ એમની કવિતામાં આવતા ઉપમા અલંકારથી તેઓ કવિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. એ ઉપમા ગમે તેટલી ઉત્તમ કેમ ન હોય, પણ અત્યારે તો ડાન્ટેના ફ્લૉરેન્સ નગરમાં જ તપેલીની આસપાસ કૂંડાળું વળીને બેસી ગયેલાં અમારે માટે તો આ ક્ષણે વરાળ નીકળતી આ ગરમ ગરમ ‘ઉપમા’ જ સર્વશ્રેષ્ઠ હતી!