કાંચનજંઘા/માનસ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માનસ|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} ઉત્તરમાં છે. પૂર્વી હિમાલયની ગાઢ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 150: | Line 150: | ||
જંગલના અંધારામાં અમારી જીપ દોડવા લાગી. હું અને સુનીલ એકબીજાના મૌનનો આદર કરતા હતા. | જંગલના અંધારામાં અમારી જીપ દોડવા લાગી. હું અને સુનીલ એકબીજાના મૌનનો આદર કરતા હતા. | ||
{{Right|માનસ, બરપેટા રોડ}} | {{Right|માનસ, બરપેટા રોડ}}<br> | ||
{{Right|અસમ}} | {{Right|અસમ}}<br> | ||
{{Right|૨૮,૨૯-૧૦-૮૩}} | {{Right|૨૮,૨૯-૧૦-૮૩}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = સૌન્દર્યપ્રણાશ | |||
|next = ઘર | |||
}} |
Latest revision as of 05:26, 18 September 2021
ભોળાભાઈ પટેલ
ઉત્તરમાં છે. પૂર્વી હિમાલયની ગાઢ વનરાજીથી આચ્છાદિત નાતિઉચ્ચ લીલીછમ ગિરિમાળા, એની ઉપર એને અડી જતું લાગતું ભૂરું સ્વચ્છ આકાશ, નીચે ઉપત્યકા એટલે અરણ્ય અને એ અરણ્યની વચ્ચે શિલામય શૈય્યા પર વહી જતી ખરસ્રોતા માનસ.
લંબાયેલી વર્ષા પછી શરદના દિવસો છે. સ્નિગ્ધ તડકો આકાશના ભૂરા અને વનરાજીના લીલારંગને ઉજ્જ્વળ બનાવે છે. ચઢતી બપોરની સ્તબ્ધતાનો ભંગ કરે છે, ક્યાંક બોલી ઊઠતું કોઈક અજાણ્યું પંખી. માનસનો ખરખર અવાજ તો સ્તબ્ધતાને ઘનત્વ આપે છે.
માનસનાં નીતર્યાં પાણી તડકામાં ચમકે છે અને વચ્ચે માથું કાઢી બેઠેલા પથ્થરો સાથે અથડાઈ ફીણ ફીણ થઈ થોડે સુધી ફીણનો પ્રવાહ બની જાય છે. જરા આગળ જતાં એ વેગભર્યો પ્રવાહ બની જાય છે. એ પ્રવાહ બે વેણીમાં વિભક્ત થઈ વહેવા લાગે છે – એક વેણી આ પેલી દૂર થતી જાય છે, વિપુલ જલભાર લઈ અને ક્ષીણવપુ બીજી આ એકદમ નજીક થઈ વહી જાય છે. અહીંથી આ જરા નીચે ઊતરું તો ત્યાં સુધી પહોંચી જાઉં, પણ મને તો પેલો જરા દૂર સરી જતો અરણ્યાનીમાં ખોવાઈ જતો પ્રવાહ બોલાવે છે… આવ રે આવ.
આકાશ, પહાડ, અરણ્ય નદીના ભરપૂર સૌંદર્ય વચ્ચે વ્યગ્ર-ઉદગ્ર બની જવાય છે. નદીની ધારે ટેકરી પર આવેલા જનવિરલ ટુરિસ્ટ બંગલાની બાલ્કનીમાં મૂકેલી ખુરશી પર બેઠેલો હું માથું ધુણાવી ઊભો થઈ જાઉં છું. પણ જડાયેલી નજર જડાયેલી જ રહે છે. આ તમામ પર એટલે કે આકાશ, પહાડ, અરણ્ય અને નદી પર.
અવશ્ય, સંમોહનની ક્ષણોમાંથી બહાર આવી જાઉં છું.
આ પણ માનસ – માનસ સરોવર માનસરોવર નહિ, માનસ નદી છે. આ માનસ પણ લગભગ નિર્જન સૌન્દર્ય વચ્ચે વહે છે. પેલું માનસ તિબેટમાં એટલે કે ચીનમાં. અને આ માનસ પણ ભુતાનમાં. ભારત અને ભુતાન વચ્ચેની પ્રાકૃતિક સીમારેખા. અહીંથી નદીની ધાર સુધી પહોંચો ત્યાં સુધી ભારત. નદીના પ્રવાહમાં પગ મૂકો એટલે ભુતાનની સીમમાં. આ વહેતી નદી, નદી પારનું પહાડ પર ચઢતું જતું અરણ્ય અને પહાડોની આ સામેની શ્રેણી પણ ભુતાનમાં. પરંતુ સૌન્દર્ય પર રાષ્ટ્રીય સીમાઓનો ઓછો અંકુશ હોય છે?
ઊલટાનું, ભુતાનના નામથી એને થોડો ‘એક્ઝોટિક’ સ્પર્શ મળે છે. થોડી રહસ્યમયતાનો પુટ ચઢે છે.
મથનગુરી ટુરિસ્ટ લોજ બરાબર બે દેશોની સરહદ પર છે. આ બાજુ ભારત એટલે કે અસમ. અસમમાં સૌન્દર્યનાં અનેક સ્થાન છે. તેમાં એક આ માનસ. માનસ નામ આ લગભગ ચારસો ચોરસ કિલોમીટરના અરણ્યને પણ મળ્યું છે. માનસને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે. વન્ય પ્રાણીઓને અહીં ‘અભય’ છે અને આ વન્ય પ્રાણીઓમાંય વાઘની વિશેષ હિફાજત થાય છે. આ આખા વિસ્તારને ‘વાઘ પરિયોજના’ નીચે આવરી લેવામાં આવ્યો છે.
અહીં હું આગંતુક છું. પ્રવાસીમાત્ર આગંતુક છે. અરે, મનુષ્યમાત્ર આગંતુક છે. અહીં પહેલો અધિકાર છે. અહીંની અધિવાસી વન્ય સૃષ્ટિનો. મનુષ્ય પોતે એ વાત સ્વીકારી છે એટલે એણે અરણ્યના પ્રવેશદ્વારે એવું લખીને સૌને યાદ આપી છે. અહીં આપણે બહુ બહુ તો બીજા કે ત્રીજા વર્ગના નાગરિકો.
માણસ વાઘથી બીવે છે કે વાઘ માણસથી બીવે છે? કદાચ બીવાનું કારણ વાઘને છે. કેમ કે વાઘની આખી જાતિ ધરતી પરથી મરી જવાની સ્થિતિમાં આવીને ઊભી રહી ગઈ છે. પણ નાનપણથી જે મન પર સંસ્કાર પડ્યા છે તે તો વાઘ એટલે ભીતિના.
સાપ સુંદર છે, વાઘ સુંદર છે, પણ એમની સાથે ભીતિ એવી જડાઈ ગઈ છે કે એમનાં સૌન્દર્ય જોઈ શકતા નથી. એમને જોતાં જ શરીરમાંથી ભયની થરથરાટી પસાર થઈ જાય.
માનસ વાઘનું અભયારણ્ય છે. શું અહીં વાઘ જોવા મળશે? નજર દૂર દૂર સુધી વિસ્તારી કલ્પના કરી કે ક્યાંક વાઘ સંતાતો બેઠો હશે. કદાચ વાઘ જોવા મળે ન મળે, જંગલી હાથીઓ તો જોવા મળશે, કદાચ એકશૃંગી ગેંડો દેખાઈ જાય, કદાચ વન્ય મહિષીઓ અને હરણાં તો ખરાં જ.
પણ એ માટે તો અરણ્યની મોઝાર જવું પડશે. પ્રોજેક્ટ ટાઇગરના ફિલ્ડ ડિરેક્ટર શ્રી સંજય દેવરાયે અમારે માટે બધી વ્યવસ્થા કરી છે. આજે સવારે તો સંજય દેવરાયનું નામ પણ સાંભળ્યું નહોતું. તેઓ આટલા આત્મીય કેવી રીતે બની ગયા? હું વિમાસું છું, આશ્ચર્ય અનુભવું છું.
વહેલી સવારે હું અને સુનીલ અસમના બરપેટા રોડ સ્ટેશને ઊતર્યા હતા. મારે માટે તો ગાડીમાં સતત ચોથી રાત્રિ પછીનું સવાર હતું. સ્ટેશને ઊતર્યા ત્યારે બે વિચાર મનમાં હતા. બરપેટાના પ્રસિદ્ધ વૈષ્ણવસત્રના દર્શને જવું કે માનસ જવું? અસમ શરૂ થઈ ગયું હતું. સુનીલ તો અસમના વતની. સ્ટેશન છોડી બરપેટા રોડ ગામમાં પ્રવેશ્યા. એક છાપરાવાળી હોટલના પહેલા ગ્રાહક તરીકે સત્કાર પામી, ચા પીધી, નાસ્તો કર્યો. ૧૯૭૯માં પહેલી વાર અસમ આવ્યો ત્યારે એકલો હતો. આ બીજી વારની યાત્રામાં સુનીલ સાથે છે. પહેલી વાર આવ્યો ત્યારે અસમનું આંદોલન, વિદેશી નાગરિકોના પ્રશ્ને શરૂ જ નહોતું થયું – આ વખતે આવ્યો છું ત્યારે બ્રહ્મપુત્રમાં ઘણાં પાણી વહી ગયાં છે. ઘણાં એટલે ઘણાં. બ્રહ્મપુત્રની ખીણ ઊકળતો ચરુ છે અત્યારે. અહીં બરપેટા અતિ સંવેદનશીલ વિસ્તાર છે. અહીં અસમવાસીઓને સંભાળીને રહેવું પડે એવી સ્થિતિ છે. સુનીલ થોડોક સચેત હતો.
અમે માનસ જવાનો વિચાર કર્યો. પણ કેવી રીતે જવું? માનસ બરપેટા રોડથી જવાય એ ખરું પણ અહીંથી લગભગ ૪૦-૪૫ કિલોમીટર. ત્યાં જવા માટે જંગલખાતાના અધિકારીની અનુમતિ લેવી પડે. જંગલખાતાના અધિકારી ક્યાં મળશે? છેવટે જંગલખાતાના અધિકારીને બદલે અમે આવી ઊભા માનસના પ્રોજેક્ટ ટાઇગરના ફિલ્ડ ડિરેક્ટર શ્રી સંજય દેવરાયના નિવાસે.
હજી તો સવારના સાડા સાત હતા, એટલે ભારોભાર સંકોચ હતો. સંકોચ એમના નિવાસે જવાનો હતો. પણ ઑફિસ તો ખૂલે ૧૦ વાગ્યે. અમને કોઈએ કહ્યું કે પહેલાં તેમની અનુમતિ મળી જાય, પછી બીજી વ્યવસ્થા થઈ શકશે. અમે પણ ખરા. રિક્ષા એમના ઘર આગળ જ ઊભી રાખી.
દીવાનખાનું જંગલખાતાના અધિકારીનું લાગે. હાથીના પગ સ્ટફ કરીને બેસવાનાં સ્ટૂલ હતાં, કાળિયેરનાં શીંગડાં ઊલટાવીને બનાવેલું ટી ટેબલ હતું. પણ તે સાથે દીવાલો પરના સુશોભનમાં એક રમ્ય પરિષ્કૃત રુચિ દેખાતી હતી.
થોડી વારમાં શ્રી દેવરાય પ્રવેશ્યા. અમે નમસ્કાર કરી અમારા આવવાનું પ્રયોજન જણાવ્યું. નિર્લિપ્તભાવે તેમણે કહ્યું – ક્યારે જવું છે? કેટલા દિવસ માટે? જવાના વાહનનું શું કરશો? અહીંથી ૪૫ કિલોમીટર જવું પડશે. ટુરિસ્ટ બંગલામાં રહેવાની અનુમતિ તો લખી દઉં છું. કહી એક ફોર્મ કાઢી, અમારું નામ-સરનામું પૂછ્યું.
એમને ખબર પડી, અમે શાંતિનિકેતનથી આવીએ છીએ. મારું વતન છે ગુજરાત. સુનીલનું શિવસાગર. બંને અધ્યાપકો છીએ. પોતાની ભાષામાં થોડું થોડું લખીએ છીએ, એ પણ અમે જણાવ્યું. એમને અમારામાં રસ પડ્યો. નિર્લિપ્તતા ચાલી ગઈ. વાતે ચઢ્યા. પત્નીને બૂમ પાડી – ‘મંજુ’. તેમનાં પત્ની બહાર આવ્યાં. કહે, ‘આ મિત્રો શાંતિનિકેતનમાંથી આવ્યા છે.’
મંજુદી હતાં શાંતિનિકેતનનાં છાત્રી.
પછી તો અમને વિશેષ સત્કાર અને સદ્ભાવ મળે એમાં નવાઈ શી? ભરપૂર નાસ્તો અને સાથે શ્રી સ્નેહસિક્ત વાતો. ઘરના સુશોભનનું રહસ્ય પણ સમજાયું. શ્રી દેવરાયે કહ્યું કે માનસમાં કશું જમવાનું નહિ મળે. ચા પણ નહિ. અહીંથી બધું સીધુંસામગ્રી લઈને જવું પડશે. ત્યાં બંગલામાં ખાનાસામા છે, તે ખાવાનું તૈયાર કરી દેશે. તમે એ બધું લઈ આવો, દરમિયાન જોઉં, હું કોઈ વાહનની વ્યવસ્થા ગોઠવી શકું છું કે નહિ.
બરપેટા રોડમાં મંજુદીએ આપેલા થેલા લઈ અમે ખરીદવા નીકળ્યા. મોદીની દુકાને બેસી બે દિવસના ચાર ટંકની ખાદ્યસામગ્રીની ખરીદી કરી. શાકભાજી ખરીદ્યાં. અન્ય જરૂરી સામગ્રી પણ. ફરી તેમને ત્યાં. શ્રી દેવરાય અમને તેમની ઑફિસે લઈ ગયા, તેમની મોટરગાડીમાં..
ઑફિસમાં તેમણે બધી વિગતો આપી. માનસનો આખો નકશો બતાવ્યો અને પ્રોજેક્ટ ટાઇગર વિશે વાતો કરવામાં ડૂબી ગયા. વાઘ સાથે એમની પ્રીતિ પુરાણી હતી. ધીરે ધીરે અમારી સાથે માનસનું અભયારણ્ય, માનસ નદી, અભયારણ્યમાંના વાઘ, હાથી, ગેંડા, હરણ, અરણ્ય બધું જીવતુંજાગતું થઈ ગયું – જોકે બેઠા હતા માત્ર ટેબલ પર નકશો પાથરી.
બરપેટા રોડથી મટનગુરી ફોરેસ્ટ બીટ ૨૦ કિલોમીટર અને ત્યાંથી અરણ્ય વચ્ચેથી પસાર થતાં રસ્તાના લગભગ બીજા ૨૦-૨૫ કિલોમીટર પછી ફોરેસ્ટ બંગલો આવે. અમારા આશ્ચર્ય વચ્ચે તેમણે પોતાના ડ્રાઇવરને કહ્યું કે આ બંને મિત્રોને ફોરેસ્ટ બીટ સુધી મૂકી આવો. ત્યાંથી જંગલખાતાની જીપ લઈ જશે.
આભાર માનવાના શબ્દો અમારી પાસે નહોતા. કહે, ના. તમે લેખકો છો. તમે લખશો એટલે અમારા માટે, વન્ય જીવન માટે કેટલી બધી ગુડવિલ ઊભી થશે? ત્યાં દૂર ગુજરાતના લોકો પણ માનસ વિશે જાણશે.
એમની મોટરગાડી બરપેટા રોડ સ્ટેશન વટાવી ઉત્તરભણી દોડવા લાગી. થોડી વારમાં ચાના બગીચા શરૂ થઈ ગયા. ચાના બગીચાનું પેલું પરિચિત દૃશ્ય બરડે ટોપલી રાખી ચાનાં પાંદડાં વીણતી સ્ત્રીઓનું દૃશ્ય દેખાયું. થોડી વારમાં અમે જંગલના પ્રવેશદ્વારે આવી ગયા.
જેવા પ્રવેશદ્વાર પાસેની ઑફિસે પહોંચ્યા કે જીપ તૈયાર ઊભી હતી. શ્રી દેવરાયે વાયરલેસથી સંદેશો આપી દીધો હતો.
હવે અમે અભયારણ્યમાં પ્રવેશ કર્યો હતો. જીપ પથ્થર પાથરેલા રસ્તા પર વેગથી જતી હતી. ઊછળતા પથ્થર જીપ સાથે ટકરાઈ વિચિત્ર અવાજોની સૃષ્ટિ કરતા હતા, પણ એ તરફ તો ભાગ્યે જ ધ્યાન હતું – ધ્યાન હતું અમારું તો રસ્તાની આસપાસના બે માથોડાં ઊંચા ઘાસ પર, અને તેમાં રહેલ કોક વન્યપ્રાણીની અપેક્ષામાં. આ ઘાસને હાથીઘાસ કહેવામાં પણ અલ્પોક્તિ થશે, કેમ કે હાથી પણ તેમાં ન દેખાય એટલું ઊંચું. વર્ષા હમણાં જ વીતી હતી એટલે ઘાસ બરાબર પુષ્ટ હતું. એ ઘાસ એક જાતની કાશ જાતિનું જ લાગ્યું. દૂર-સુદૂર ઘાસનો સમુદ્ર લહેરાતો હતો. જંગલનો વિસ્તાર શરૂ થઈ ગયો હતો. જંગલ એટલે ગીચ વૃક્ષો, વેલીઓ વગેરે દેખાવા લાગ્યાં. નજર સામે દૂર પર્વતશ્રેણી દેખાતી હતી. જંગલ વચ્ચે ચોમાસાની નદીઓ હવે અલ્પતોયા થઈ પસાર થતી હતી. આવી નદીઓને કાંઠે અંધારું થયે વન્યપ્રાણીઓ પાણી પીવા આવતાં હશે. સાંજે-સવારે હરણ તેમાં પોતાનું પ્રતિબિંબ જોતાં પાણી પીતાં હશે. પણ અત્યારે તો આ જીપની પથ્થર સાથેની ટકરાહટમાં નજીક હોય તોયે દૂર ભાગી જાય.
ત્યાં રસ્તાની ધારે એકાએક બે હાથી નજરે પડી ગયા. હાથીએ જીપનો અવાજ ધ્યાનમાં લીધો હોય એમ લાગ્યું નહિ. એટલે થયું કે આ જંગલી હાથી (બનરિયા) હાથી તો નહિ જ. માનસનાં જંગલોમાં જંગલી હાથીઓ અનેક છે.
ઘાસનો વિસ્તાર તો ક્યારનોય પૂરો થઈ ગયો હતો. માત્ર ઊંચાં વૃક્ષો… પણ વૃક્ષની નીચે નજર ઊતરે તો દેખાય કે વેલીઓથી વીંટળાયેલા છે. જમીન પર અનેક નાનામોટા છોડવા ઊગી નીકળ્યા છે. તળજમીન ભાગ્યે જ દેખાય.
જીપે વળાંક લીધો. થોડાં સાઇનબોર્ડ દેખાયાં, પતરાનાં છાપરાં દેખાયાં અને જીપ એક ટેકરી પરના રસ્તે ચઢી એક બે માળની ઇમારત આગળ આવી ઊભી ગઈ. આ જ અપર બંગલો-જીપ ઊભી રહી એટલામાં ખાનસામો આવી ઊભો. અહીં પણ અમારા આવવાના સમાચાર પહોંચી ગયા હતા. અપર બંગલાના પહેલે માળે અમને સુસજ્જિત ઓરડો ખોલી આપવામાં આવ્યો.
ખાનસામાનું નામ અબ્દુલ અમીન. ઓછાબોલો લાગ્યો. તેને સીધુંસામાન પધરાવી કહ્યું, હમણાં ચા, પછી ભોજન. સામાન લઈ એ ચાલ્યો ગયો, અને હાથપગ ધોઈ સ્વસ્થ થઈ, બંગલાની ઉત્તરાભિમુખ ગૅલેરીમાં આવીને ઊભો – અને આ અદ્ભુત સંમોહક દૃશ્ય…
અહીંથી હવે ખસવાનું કેવું? આ એક ક્ષણ માટે કંઈ કેટલીય પ્રતીક્ષાની ક્ષણો વિતાવી શકાય. એકસ્ટસીની ક્ષણો જીવનમાં આવી ઓછી જ આવતી હોય છે! એ ક્ષણોએ જ જીવતા હોઈએ છીએ. બાકીની ક્ષણો આ ક્ષણો માટેનો અંતરાલમાત્ર લાગે.
આહ! અહીં માત્ર શેક્સપિયરના શબ્દો જ કામે લાગશેઃ
વન્ડરફુલ! વન્ડરફુલ! ઍન્ડ યેટ વન્ડરફુલ!
માઘ મહિનાનો કૃષ્ણપક્ષ ચાલે છે, ચંદ્ર મોડો બહાર આવ્યો છે. તડકામાં ચમકતો માનસનો પ્રવાહ આછી ચાંદનીમાં માયાલોકની અનુભૂતિ કરાવે છે. નદીના મુખરિત અવાજ સાથે અરણ્યનાં વૃક્ષોમાંથી વેગથી પસાર થતાં પવનનો અવાજ ભળી ગયો છે. આવામાં વાઘની ગર્જના ક્યાં સંભળાય? કદાચ કોઈ હરણ પર તરાપ મારી હશે, કદાચ કોઈ વાઘ આ દિશામાં આવતો હોય.. પેલા ગહન અરણ્યમાં અત્યારે કેવી હલચલ હશે?
એ અરણ્યમાં આજે જ નમતી બપોરે હાથી પર બેસીને પ્રવેશ કર્યો હતો. બપોરના જમ્યા પછી જ્યારે પથરાળ નદીના ભાઠામાં ફરતા હતા ત્યારે એક હાથીને નદીમાં આડો પાડી એક મહાવત સ્નાન કરાવતો હતો. એ જ હાથી પર અમારે સવારી કરવાની હતી. હાથી પર ચઢવા માટે ખાસ સ્ટૅન્ડ બનાવવામાં આવ્યું હતું. સુનીલ અને હું સવાર થયા.
થોડી વારમાં તો હાથી અમને જંગલ વચ્ચે લઈ જતો હતો. પેલો તડકો ઉપર વૃક્ષોની ટોચો પર જ ઝિલાઈ રહેતો લાગ્યો. અમે છાયાઘન અરણ્યમાંથી પસાર થતા હતા. વૃક્ષો, વેલીઓ અને ઘાસ. ઘાસ માટે તો આ અરણ્ય પ્રસિદ્ધ છે. હાથી તો ખરો જ, એના પર બેઠેલા અમે પણ એ ઘાસમાં બહારથી ન દેખાઈએ, અમે કૌતુકથી બેઠા હતા. કદાચ વાઘ જોવા મળશે, એકશૃંગી ગેંડો જોવા મળશે… પણ શરૂઆતમાં જેનાં દર્શન થયાં તે તો અસમની પ્રસિદ્ધ મહિષીઓ – વન્ય મહિષીઓનાં દલ. પુષ્ટ કાળી કાયા, મોટાં શીંગડાં – અમને જોતાં જ અરણ્યના ઊંડાણમાં ભાગી ગઈ.
જંગલ વચ્ચે માનસ જુદી જ લાગતી હતી. એને કાંઠે હરણનાં ઝુંડ જોયાં. શાકુન્તલનાં હરણનું સ્મરણ થાય. એ નિર્દોષ ચમત્કૃત નેત્ર એ જ રીતે દોડી જતાં પાછળ વળતી તેમની નજર… અમારો હાથી નદીકાંઠે ઊતર્યો, નદી પાર કરી અમે હવે અરણ્યના બીજાં ભાગમાં હતા. કાંઠાની ભીની માટીમાં ગેંડાનાં પગલાંની ઊંડી છાપ મહાવતે બતાવી. પણ ગેંડો ક્યાં? કાઝિરંગાના અભયારણ્યમાં તો ગેંડાનાં દર્શન થવાનાં, પણ અહીં? આ માનસને એકાન્ત તટે?
અહીં તડકામાં ફરી દર્શન થયાં. નદીકાંઠે કાશ ખીલેલાં હતાં. ‘કાંશાંશુંક’ શારદલક્ષ્મીનું દર્શન મુગ્ધકર હતું. ફરી વાર મહિષીઓનાં, હરણોનાં દર્શન, પણ વાઘ? વાઘ એ તો બહુ શરમાળ પ્રાણી છે. એ ભાગ્યે જ નજરે પડશે, એમ પ્રોજેક્ટ ટાઇગરના ડિરેક્ટરે કહ્યું હતું. અમે હાથી પર હતા એટલે વાઘ જોવાની ઇચ્છા કરતા હતા, નીચે જંગલમાં ચાલતા હોત તો? એવો વિચાર ભયની થરથરાટી જ ઉપજાવે. .
હવે ખરેખરી સાંજ પડી ગઈ હતી. જંગલ વચ્ચે એક અનિર્વચનીય સ્તબ્ધતા હતી. માત્ર હાથીના ચાલવાને લીધે સૂકાં પાંદડાંનો કે ઉપર અડી જતી ડાળીઓના ઘસાવાનો અવાજ હતો. જંગલનું રૂપ બદલાતું જતું હતું – આખું જંગલ જાણે હવે ખૂંખાર શિકારી જાનવર બનવા જતું હતું.
ફરી નદીકાંઠે. એનો રમ્ય વળાંક અને પર્વતોની હારમાળા ઉપર નિર્મેઘ આકાશ. હાથી – ના, હાથણી, એનું નામ રત્નમાલા. નદીને કાંઠે કાંઠે જતી હતી. ભુતાનની સીમામાં અમે હતા. માનસનો પ્રવાહ ભુતાનની સીમામાં છે. કાલે ભુતાનના અરણ્ય વિસ્તારમાં જવાનું છે.
રત્નમાલા ફોરેસ્ટ બંગલા પાસે આવી પહોંચી ત્યારે માનસનાં જલ પર આથમતા સૂરજે લાલ આભા પાથરી હતી.
સાંજ, પવન, નદી, પર્વતો, વૃક્ષો, આકાશ, અમે અને છતાંય નિર્જનતા! ધીરે ધીરે તેની સાથે અંધકાર ભળી ગયો – અરણ્યનો આદિમ અંધકાર..
એ આદિમ અંધકારમાં પુરાણા જંગલ વચ્ચેથી પસાર થતા પવનનો આદિમ અવાજ. એ અવાજ વધતો ગયો. સમુદ્રની ગર્જનાઓ સાથે એને સરખાવી શકાય. સમુદ્ર નહોતો પણ માનસ હવે ઘૂઘવતી હતી.
આજે મોડી રાત સુધી જાગી અરણ્યની રાત્રિનો સ્પંદ અનુભવવો હતો. અમને થતું હતું કે આ અરણ્યમાં અમે બંને જણ રહી ગયા છીએ. અમે નક્કી કર્યું હતું – ચંદ્ર બહાર આવે અને ચાંદનીમાં અરણ્ય રસાઈ જાય, પછી જ સૂવું.
ટુરિસ્ટ બંગલાના ઝરૂખામાં બેસી અંધારામાં વહી જતી માનસ તરફ જોઈ રહ્યા હતા. વચ્ચે વચ્ચે અમે થોડાક શબ્દોની આપ-લે કરી અમારા મનના અરણ્યમાં ખોવાઈ જતા હતા, ત્યાં પણ કોઈ ‘માનસ’ વહેતી હતી.
આકાશ એકદમ હીરેમઢ્યું. ત્યાં પર્વતોની દિશામાં ક્ષીણ ચંદ્રાલોકનો આભાસ થયો. હવે ચંદ્ર બહાર આવ્યો છે, પહાડની ચુડા ઉપર, નીચે માનસનું રમ્ય ભીષણ રૂપ પ્રકટી ઊહ્યું છે. પથ્થરો પરથી વહેતો એનો પ્રવાહ ચાંદનીમાં ચમકે છે. હવેની ક્ષણો વળી અનિર્વચનીય.
સવારના લગભગ પાંચ વાગ્યે જ માનસના સમગ્ર વિસ્તાર પર પ્રભાતનો ઉજાસ પથરાવો શરૂ થઈ ગયો હતો. પરંતુ તડકો તો સૌપ્રથમ પથરાયો પશ્ચિમ તરફની પહાડી અરણ્યાની પર, પછી ઉત્તર તરફનાં ગિરિશૃંગો ચમકવા લાગ્યાં. પૂર્વ તરફના સામેના પહાડનો સાનુપ્રદેશ છાયામાં હતો, પણ નીચે વહી જતી માનસના ખુલ્લા પટ પર તડકો રેલાવો શરૂ થયો.
અમે ફરી બાલ્કનીમાં આવીને બેસીએ છીએ. સવારમાં આખુંય પરિદૃશ્ય પ્રસન્ન પ્રસન્ન કરી દે છે. આખી રાત સમસ્ત જંગલનાં વૃક્ષોને જગાડતો રહેલો પવન અત્યારે થોડો ક્લાન્ત લાગવા છતાં આ સવારમાં અમને તાજગી આપી જાય છે. બાલ્કનીમાં બેઠાં બેઠાં આ બધું જોતાં જોતાં ચા પીવાનો ભરપૂર આનંદ છે.
ચાની સાથે ખાનસામો અમારી સામે વિઝિટર્સ બુક મૂકી ગયો છે. અમે પાનાં ઉથલાવીએ છીએ. અહો, કેટલા દેશવિદેશના યાત્રીઓએ માનસની પોતાની મુલાકાતના પ્રત્યાઘાત પાડ્યા છે! બધાં અહીંના સૌન્દર્યથી મુગ્ધ થયા છે, પરંતુ બધાએ લગભગ નોંધ કરી છે, વાઘ જોવા મળ્યો નહિ! (વન્યબિડાલ વાઇલ્ડ કૅટ્સની શ્રેણીમાં તો વાઘ આવે છે.) આટલો બધો શરમાળ હશે! એક યાત્રિકે નોંધ કરી છે કે રાત્રે જે થોડા કલાક વીજળી માટે જનરેટર સેટ ચલાવીને ઘોંઘાટ કરવામાં આવે છે, તે બંધ કરવો. ખરી વાત છે. માનસના ઘુઘવાટ વચ્ચે જનરેટરનો અવાજ કેવો બેતાલો લાગે? પણ એ તો થોડા જ કલાક, પછી તો માત્ર ફાનસનું અજવાળું જ રહે છે.
જાતજાતના હસ્તાક્ષરોમાં જાતજાતના અભિપ્રાય. હમણાં થોડા વખતથી અસમના આંદોલનને લીધે માનસના મુલાકાતીઓમાં ઓટ આવી ગઈ છે. નેલી હત્યાકાંડની વાત તો હજી ભીની છે. વિઝિટર્સ બુકમાં અમારે પણ લખવું પડશે. શું લખશું? મનમાં થયું તે બધું ઓછું લખાય છે?
સવારના સાત. હવે સામે ભુતાનના વિસ્તારના અરણ્યમાં જવા માનસ પાર કરવા અમે આવીને હોડીમાં બેઠાં છીએ. માનસનાં બિલોરી કાચ જેવાં પાણીમાં હાથ બોળી શૈત્યનો અનુભવ કરીએ છીએ. પવન હજી જોરથી ફૂંકાય છે એટલે થોડી ઠંડીય લાગે છે. ખેયાઘાટ (જ્યાં હોડીઓ બંધાય, જ્યાંથી ઊપડે) આગળ માનસનો પ્રવાહ જોરદાર છે. નદીના ભાઠા પરના પથરા તડકામાં તગતગે છે. પણ નદીના આ બાજુના પ્રવાહ પર હજી પૂર્વના પહાડોનો પડછાયો છે. આ કાંઠે કાશ પણ ભરપૂર ખીલ્યાં છે.
હવે નાવ પ્રવાહની ઉપરવાસ જઈ રહી છે. યાત્રી છીએ હું અને સુનીલમાત્ર. છાયાચ્છન્ન પ્રવાહમાં ધારે ધારે નાવ જઈ રહી છે. ધીરે ધીરે પ્રવાહની મધ્યમાં આવે છે. અમે તડકાનો અભિષેક ઝીલી ઉષ્મા અનુભવીએ છીએ. નદીના વળાંક પર નવો સૌન્દર્યલોક પ્રગટે છે. સુનીલ છે અને છતાં હું ગણગણું છુંઃ
કોને કહું છું એકલો રૂપની રંગત બધી જોઈ રહું છું એકલો…
સામે કિનારે જઈ હોડી ઊભી રહી. એક નાવિક અમારી સાથે ભુતાન બાજુના જંગલમાં ઊતર્યો. એકાએક પંખીઓનું વૃંદગાન સંભળાવા લાગ્યું. આ બધાં અત્યાર સુધી ક્યાં હતાં? અહીં કદાચ ઘણાં પુરાણાં ઝાડ છે. એ ઝાડની ટોચો પવન સાથે ઝૂઝી રહી હતી. ત્યાં એક સૂકા ઝાડની ડાળી ઉપર ગોલ્ડન લેંગુર જોયું. તડકામાં તેની છાતીનો સોનેરી રંગ, એટલે જ નામ હશે. નાવિકે અગરુનાં વૃક્ષો બતાવ્યાં.
ચાલતાં ચાલતાં એક ઝમકદાર ઇમારત દેખાઈ. એ હતી ભુતાન રૉયલ કોટેજ. કોટેજના વરંડામાં ગોરી ગોરી ભુટિયા કન્યા બરબસ ધ્યાન ખેંચતી હતી. કોટેજના પ્રાંગણમાં થઈ જેવા તેની પછવાડે આવી ઊભા કે રમ્યરૂપા માનસ!
અહીં પ્રવાહ એકદમ પૂર્વપશ્ચિમ હતો, ત્યાંથી પછી એકદમ વળી જતો હતો દક્ષિણ તરફ વળાંકવાળા ભાગમાં નદીની અને પહાડોની શોભા ચિત્રાત્મક હતી!
શું નદી કે શું નારી! વળાંકોમાં તેમના નમનીય રૂપનો આવિર્ભાવ સહજ થતો હોય છે. આ રોયલ કોટેજ, આ વળાંક લેતી નદી, નદીમાં પ્રતિબિંબ પાડતા લીલાછમ પહાડો – બધું ચિત્રાત્મક લાગે. ઢાળ ઉપર બે એકસરખાં નાહરનાં સુંદર ઝાડ. અસમનાં બિહુગીતોમાં જે નાહરના વારે વારે ઉલ્લેખ આવે છે, તે આ, અસમિયા નારીને પ્રિય નાહર.
પગથિયાં નદી સુધી જતાં હતાં. અમે એ સાંકડાં પગથિયાં ઊતરી નદીકિનારે ગયાં. પહાડો વચ્ચે પથ્થરિયા પટ પર વહેતી માનસ. સ્નાન કરવાની ઇચ્છા થઈ આવી. નદીમાં ડૂબકી માર્યા વિના નદીને પૂરેપૂરી કેમ પમાય? પાણી તો જાણે ઓગળીને વહી આવતો બરફ. પણ એક ડૂબકી લગાવતાં જ ગરમી પ્રકટી. પછી તો સ્નાનની જે મઝા માણી છે!
અહીંનાં થોડાં દૃશ્યો કૅમેરામાં ઝડપ્યાં. પછી નદીને કાંઠે કાંઠે પથ્થરોમાં ચાલતાં ચાલતાં વળાંક પછીના કિનારે જ્યાં અમારી બોટ હતી તે તરફ જવા લાગ્યા. પથ્થરોના સ્નેહથી લપસવાનું થતું હતું. અને એક વાર લપસીને તો અર્ધસિક્ત થઈ જવાયું. બોટ સુધી પહોંચ્યા. વળી માનસના પ્રવાહમાં.
બપોરનું ભોજન લઈને બેઠા છીએ. ભોજન પણ અહીં બાલ્કનીમાં જ લીધું છે. અત્યારે બપોરના બે થયા છે. પવન બિલકુલ પડી ગયો છે. આખી રાત અને સવારે જે વૃક્ષો આમૂલ હચમચી ઊઠતાં હતાં, તે વૃક્ષોનાં પાન સુધ્ધાં સ્તબ્ધ છે. સ્તબ્ધતામાં હવે તમરાના સ્વર અને માનસનાં પાણીનો કલરવ સંભળાય છે. હજુ ક્યાંક એક કૂકડો બોલી રહ્યો છે. સામેના પર્વતો પર ધુમ્મસનો મલમલી અંચળો છે.
માનસનું ખરું સૌન્દર્ય તો હેઠવાસમાં નૌકાવિહાર છે, પરંતુ રાત્રે તો બરપેટા રોડ ઉપર પાછા જવાનું વિચાર્યું છે. એવી વ્યવસ્થા વિચારી કે અમે હોડીમાં બેસીને માનસના અરણ્ય વચ્ચે કેટલાક કિલોમીટર સુધી જઈએ. ત્યાંથી પ્રોજેક્ટ ટાઇગરની જીપ અમને પછી બરપેટા રોડ સુધી પહોંચાડી જાય.
પણ અમે વિચાર ફેરવ્યો. હેઠવાસમાં થોડે સુધી જઈ પાછા અહીં આવી જવું અને ટુરિસ્ટ બંગલાની બાલ્કનીમાં બેસી સાંજ ગાળવી..
અમને માનસનું આ જંગલ ચઢતું જાય છે. વધારે નશો ખતરનાક તો નહિ નીવડે ને? બાલ્કનીમાંથી નીચે જોતાં લાલ ઈક્ઝોરાનાં ફૂલોની આસપાસ કાળા-પીળા રંગનાં પતંગિયાં ઊડાઊડ કરે છે. લાલ, પીળો અને કાળો ત્રણેય રંગ સ્પંદિત છે. અનુનય કરતાં હોય તેમ પતંગિયાં ઊડી ઊડી પ્રદક્ષિણા કરી એ જ લાલ ફૂલના ગુચ્છ પર બેસે છે. માનસનો ફંટાયેલો પ્રવાહ તડકામાં ચમકે છે.
ફરી માનસના પ્રવાહમાં. જંગલની મોઝાર. જરા આગળ જતાં વન્ય મહિષીઓનાં અને હરણનાં દર્શન, વનરિયા હાથી તો નદીપારનાં જંગલોમાં મળી જાય. આ સાંજે નદીતટે પણ ઊતરી આવે. પણ એ ન ઊતરી આવે તેમાં જ અમારી તો સલામતી હતી. પાછા વળતાં વળતાં સૂર્યાસ્ત થઈ ગયો.
હવે આ રાત્રિની વેળાએ ૨૦ કિલોમીટર જંગલનો માર્ગ કાપીને પાછા બરપેટા રોડ પર જવું કે ન જવું? સામાન્ય યાત્રીઓને અનુમતિ નથી મળતી, પણ પ્રોજેક્ટ ટાઇગરના ડિરેક્ટરના અમે અતિથિ હતા! ખાનસામા અબ્દુલ અમીને શ્રી દેવરાય સાથે વાયરલેસથી વાત કરી. ભલે આવે.
જંગલના અંધારામાં અમારી જીપ દોડવા લાગી. હું અને સુનીલ એકબીજાના મૌનનો આદર કરતા હતા.
માનસ, બરપેટા રોડ
અસમ
૨૮,૨૯-૧૦-૮૩