બોલે ઝીણા મોર/પીટર બ્રુક અને હું: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પીટર બ્રુક અને હું| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} સવારથી જ આકાશ ગોરં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 228: | Line 228: | ||
‘એ તારી જ કથા છે, તારી જાતિની.’ એટલે કે ભારતની કથા મહાભારતકથા. લાગે છે કે તે કિશોર તે હું, મારો પુત્ર, એનો પુત્ર, એનો… | ‘એ તારી જ કથા છે, તારી જાતિની.’ એટલે કે ભારતની કથા મહાભારતકથા. લાગે છે કે તે કિશોર તે હું, મારો પુત્ર, એનો પુત્ર, એનો… | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[બોલે ઝીણા મોર/વૈષ્ણવજન|વૈષ્ણવજન]] | |||
|next = [[બોલે ઝીણા મોર/અન્તર્જલી જાત્રા|અન્તર્જલી જાત્રા]] | |||
}} |
Latest revision as of 09:16, 17 September 2021
ભોળાભાઈ પટેલ
સવારથી જ આકાશ ગોરંભાયેલું છે. ફાગણના આકાશમાં વાદળ, આને જ કહે છે દુર્દિન. કમોસમનાં વાદળ કે વર્ષા એટલે દુર્દિન. પણ એક રીતે આ દુર્દિન મારા મનની સ્થિતિને અનુકૂળ છે. બારીમાંથી જોઉં છું. વાદળો નીચે આકાશમાં સમડીઓ તરે છે અને નીચે રાજમાર્ગ પરથી અવરજવર કરતાં વાહનોના ભીંજાઈ ગયેલા અવાજને ઠંડો પવન વહાવી લાવે છે. બધું ગતિમાં છે, અને છતાં લાગે છે, બધું થંભી ગયું છે.
મારા મનની સ્થિતિનો આ પ્રક્ષેપ છે, એમ બીજી ક્ષણે લાગે છે. જગત તો ગતિમાં છે અને બધું રાબેતા મુજબ ચાલે છે. પરંતુ મને કેમ લાગે છે – કેમ બધું થંભી ગયું છે!
મેં પીટર બ્રુકનું મહાભારત જોયું છે, કાલે. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનના પ્રેક્ષાગારમાં સવારના નવ વાગ્યાથી બપોરના સવા ત્રણ વાગ્યા સુધી સળંગ. વચ્ચેના થોડા અલ્પવિરામો બાદ કરતાં બરાબર છ કલાકની ફિલ્મ. આ મહાકાવ્યાત્મક ફિલ્મનો એવો પ્રભાવ પડ્યો કે ઇન્સ્ટિટ્યૂટથી છેક ઘેર સુધી શ્રી બકુલ ત્રિપાઠીના સ્કૂટર પર જતાં અમે બંનેએ આખે રસ્તે લગભગ ચૂપ રહી પરસ્પરના મૌનનો આદર કર્યો. મને થયું, એમના મનમાં પણ કશુંક જબરદસ્ત ચાલી રહ્યું હોવું જોઈએ – નહિતર બકુલ ત્રિપાઠી અને ચૂપ?
કવિ નિરંજન ભગતની જોડાજોડ હું બેઠો હતો. વચ્ચે થોડાક શબ્દોની અમે આપલે કરતાં એમની જોડે બેઠેલા શ્રી પ્રફુલ્લ અનુભાઈ એક અલ્પવિરામમાં બોલ્યા કે હું આવ્યો હતો કલાક દોઢ કલાક માત્ર બેસવા અને પછી બરાબર સવાત્રણ સુધી – છ કલાક બેઠા જ.
પીટર બ્રુકનું મહાભારત? હા પીટર બ્રુકનું. વ્યાસના આ સાર્વભૌમ મહાકાવ્યનું પીટર બ્રુકે જે અર્થઘટન કર્યું અને પ્રથમ એનું નાટક અને પછી આ ફિલ્મ તૈયાર કરી આપણી સામે તે પ્રસ્તુત કર્યું એટલે એનું મહાભારત કહું છું. ઘણા એને વ્યાસનું મહાભારત કહેવા હરગિજ તૈયાર નહિ થાય – નાટક કે ફિલ્મ જોયા પછી તો નહિ જ. પરંતુ એ તો ભારે વિવાદનો વિષય છે.
પણ એક જબરદસ્ત વાત તો એ સિદ્ધ થઈ છે કે આપણે વ્યાસના મહાભારતને સાર્વભૌમ (યુનિવર્સલ) મહાકાવ્ય કહીએ છીએ, તે સાચે જ સાર્વભૌમ – સારા વિશ્વનું કાવ્ય છે. એટલા માટે નહિ કે પીટર બ્રુકે પોતાના નાટક માટે જે અભિનેતા અને અભિનેત્રીઓ પસંદ કર્યો, તે પાંચ ખંડમાંથી પસંદ કર્યા છે. એ રીતે પણ સાચે જ એને સમગ્ર માનવજાતિનું મહાકાવ્ય બનાવી દીધું છે. ભારતીય કલ્પનાને જરૂર આઘાત લાગે છે, કારણ કે આપણાં દેવ-દેવીઓ અને પૌરાણિક પાત્રોની કલ્પના રાજા રવિવર્માનાં ચિત્રોથી ઘણીબધી આબદ્ધ છે. દેવદેવીઓ, રાજામહારાજાઓ રાજમુકુટ કે રાજસિંહાસન વિનાના કલ્પી શકાય? મોરમુકુટ વિનાના કૃષ્ણ? અસંભવ. પણ પીટર બ્રુકે એવા કૃષ્ણની કલ્પના કરી કે મુકુટ હોય નહિ. કૌરવો, પાંડવો, ધૃતરાષ્ટ્ર, પાંડુ, અન્ય રાજવી ચરિત્રો – બધાં ભારતીય વેશમાં પણ ભવ્ય સાદગીવાળાં. રાણીઓ અવશ્ય અલંકૃતા છે, ગાંધારી, દ્રૌપદી – પાલખીમાં બેસીને પ્રવેશતી ગાંધારીનો ઠાઠ તો રાજકુમારીનો જ. એક આખા તાકાનો તો એના ઘાઘરાનો ઘેર હશે. પણ સમગ્રપણે ભવ્ય સાદગી આ ફિલમના નિર્માણની વિશેષતા છે. ઓછામાં ઓછી વસ્તુઓ-સામગ્રીથી વધારેમાં વધારે પ્રભાવ નિષ્પન્ન કરવામાં આવ્યો છે. ક્યાંય કોઈ ભપકાભર્યા રાજદરબાર કે રાજસિંહાસનો નથી. ઘર છે, ગાદીઓ છે. વધારેમાં વધારે ઉપયોગ દીપકોનો છે. ફિલ્મના આરંભથી દીવાઓનો જે ઉપયોગ છે, તે ભારતીય સુવાસથી ફિલ્મને ભરી દે છે.
પીટર બ્રુકે સેટિંગની મોહક માયાજાળ ગૂંથવાને બદલે માણસો અને એમના અભિનયને કેન્દ્રમાં રાખ્યાં છે. આચાર્યોને મતે મહાભારતનો મુખ્ય રસ તે શાંતરસ. પીટર બ્રુકના સમગ્ર નિર્માણમાં એક જેને આપણે અંગ્રેજીમાં કહીએ ‘સબડ્યૂડ’ – સૌમ્ય ટોન છે, ઉગ્રોગ્ર આવેશ, આવેગની ક્ષણો નથી આવતી એમ નહિ; પણ સમગ્રપણે સૌમ્ય, શાંત. ભગતસાહેબે કહ્યું તેમ ગ્રીક ભજવણીની રીતિ જાણે અપનાવી છે, જેમાં પ્રેક્ષકોની કલ્પનાનું પણ બને એટલું અવલંબન લેવાયું હોય. બધું માંડીને કહેવું, બધું બતાવીને સમજાવવું એમ નહિ. પ્રેક્ષકોની સમજદારીમાં વિશ્વાસ રાખવામાં આવ્યો છે. એટલે માત્ર દૃશ્ય રૂપ જ નહિ. કાવ્યનું શ્રાવ્ય રૂપ પણ કામે લગાડાયું છે.
પીટર બ્રુકના મહાભારત વિષે સૌથી મોટામાં મોટો જે વાંધો લેવાયો છે, તે અગાઉ જેનો ગુણાત્મક પક્ષ તરીકે નિર્દેશ કર્યો તે પાંચે ખંડમાંથી લેવાયેલાં નટનટીઓ અંગેનો છે. ભીખ (સોટીગુઈ કોઉયાતે) અને ભીમ (મામદાઉ દિઓયુપે)નો રોલ, કુન્તી (મિરિયમ ગોલ્ડસ્મિથ)નો રોલ હબસી નટનટીઓ કરતાં હોય, એ આપણું ભારતીય હિન્દુ મન કેમ કરી સ્વીકારી શકતું નથી, અથવા તો સ્વીકારવા માટે જાત સાથે જ ભારે મથામણ કરવી પડે છે. દ્રોણનો પાઠ જાપાની નટ (યોશી ઓઇડા) કરતા હોય, કૃષ્ણનો પાઠ (બ્રુસ માયર્સ) પાંડવો-કૌરવોના પાઠ, ગાંધારીનો (હેલન પાતારોત) પાઠ યુરોપિયન નટનટીઓ કરે – ગળે ઊતરતાં વાર લાગે. યુધિષ્ઠિર (આન્દ્રેઝેજ એવેરયુવોન) કે કૃષ્ણની ભૂરી આંખો? દ્રૌપદીના પાઠમાં મલ્લિકા સારાભાઈ આવે, ત્યારે આપણો શ્વાસ હેઠો બેસે.
પણ આ તો શરૂમાં જ. મેં પહેલાં પીટર બ્રુકના આ મહાભારતના થોડા ટુકડા જોયેલા, અને પ્રામાણિકપણે કહું તો પ્રભાવિત નહિ થવાયેલું. પણ એ ટુકડા જ જોયા અને તે ટીવી સ્ક્રીન પર એનો દોષ ઓછો નહોતો. આખું સળંગ છ કલાકનું ચિત્ર જોયા પછી એક ‘રસિક’ ભોક્તા તરીકે કહી શકીશ કે નટનટીઓનો એવો તો સૂક્ષ્મ સાંકેતિક ભાવવાહી અભિનય સમગ્ર ફિલ્મમાં છે કે એમની રાષ્ટ્રીયતા તો ઓગળી જ જાય છે, એ માત્ર બની રહે છે મહાભારતનાં કુશીલવોચરિત્રો.
પીટર બ્રુકનું મહાભારત કોઈ પણ સિદ્ધ કલાકૃતિની જેમ અલૌકિક અનુભવ બને છે.
આપણને આશ્ચર્ય થશે કે મહાભારતનો ‘સ્પિરિટ’ જાળવવા પીટર બ્રુક જેવા વિદેશીને કેટલી મહેનત પડી હશે. આ કંઈ ત્રિઅંકી, પાંચઅંકી નાટક નથી, આ તો છે મહાભારત. એમાંથી પહેલાં તો તૈયાર કરવાનું નાટ્યરૂપ. એ નાટ્યરૂપ આપ્યું છે ઝાઁ કલોદ કારિએએ, ફ્રેંચમાં. એ પહેલાં પીટર બ્રુક અને કારિએએ સંસ્કૃતના ફ્રેંચ વિદ્વાન ફિલિપ લાવાસ્ટિન પાસે મહિનાઓ સુધી ચર્ચા કરી હતી. પછી એ નાટ્યરૂપ અંગ્રેજીમાં સ્વયં પીટર બ્રુકે કર્યું છે. મહાકાવ્યમાંથી મહાનાટ્ય, જે સત્યવતી શાંતનુથી શરૂ થઈ, અઢારે પર્વોને ગૂંથતું યુધિષ્ઠરના સ્વર્ગારોહણ પર્વ સુધી પહોંચતું હોય.
ફિલ્મ શરૂ થતાં જ આખા સ્ક્રીન ઉપર મહાજ્વાળાઓની લાલ લપટોની પશ્ચાત્ભૂમાં સંભળાય છે રવીન્દ્રનાથનું ગાન – ‘અંતર મમ બિકસિત કરો અંતરતર હે…’ રવીન્દ્રનાથ વ્યાસના જ ઉત્તરાધિકારી છે, એ તો બરાબર, પણ એમનું આ ગાન જાણે સમગ્ર મહાભારતની ઘટનાઓમાંથી ગુજરનારની ચૈતસિક પ્રક્રિયાનું ગાન બની રહે છે, માત્ર પાંડવો-કૌરવોની જ નહિ. ‘હે અંતરતર, અંતરને વિકસિત કરો’ એવી સૌ પ્રેક્ષકોની પણ પ્રાર્થના બની રહે છે.
છેલ્લે ફિલ્મમાં સ્વર્ગમાં સ્થિર થતા યુધિષ્ઠિરના સ્ક્રીનવ્યાપી ક્લોઝ-અપ સાથે નટનટીઓ-દિગ્દર્શકો-સહાયકોની ઊતરતી જતી યાદીની પશ્ચાત્ભૂમાં ગવાતો મંત્ર – ‘શ્રૂણ્વન્તુ વિશ્વ અમૃતસ્ય પુત્રાઃ’ની અંતિમ પંક્તિ – નાન્યઃ પંથોઃ વિદ્યતે અયનાય – આ જ માર્ગ છે, આ સિવાય બીજો માર્ગ નથી, પ્રેક્ષકોના કાનોમાં ગુંજી રહે છે. આ જ માર્ગ છે, આ જ માર્ગ છે, બીજો માર્ગ નથી. એક જુદા અર્થમાં પ્રેક્ષકોની પણ પ્રાર્થના ‘અંતર મમ વિકસિત કરો’ ચરિતાર્થ થતી અનુભવાય છે. સદીઓ પૂર્વેની મહાભારત જેવી એક રચનાના આધુનિક યુગની જ જાણે એક મહાન રચના તરીકે હું પામું છું – નેશનલ ઇન્સ્ટિટ્યૂટના પ્રેક્ષાગારમાં સવારના નવ વાગ્યે પ્રવેશનાર અને બપોરના ત્રણ-વીસે બહાર નીકળનાર હું જાણે એનો એ નથી.
અઘરું છે એ કહેવું કે શું થતું હતું અને થાય છે, મનને.
આ મહાભારત નાનપણથી સાંભળતો આવ્યો છું, જોતો આવ્યો છું, વાંચતો આવ્યો છું. આ કેટલી બધી સમકાલીન મહાકથા છે! મહાભારત નહિ, મહાવિશ્વ છે, જાણે પ્રચંડ ઝંઝાવાતમાં સમુદ્રમાં મહાભયંકર તોફાનમાં એક વહાણ સપડાઈ જાય છે, ઊંચકાય છે, અફળાય છે, આવર્તમાં ફસાય છે, ઉપર આવે છે, શઢના લીરેલીરા થાય છે, પાટિયે પાટિયાં હચમચી જાય છે. બધું ડૂબી જાય છે. પછી ઝંઝા શમી જાય છે. પાણી સ્થિર થાય છે. એ સ્થિર પાણી પર તરે છે શઢનો કોઈ શ્વેત વસ્ત્રખંડ. કુરુવંશનું એ કુટુંબ એ જાણે જહાજ છે, પ્રચંડ ઝંઝામાં સપડાય છે, બધું ડૂબી જાય છે. યુદ્ધ પછી હેમાળો ચઢીને સ્વર્ગમાં ઊભેલા છે એકમાત્ર યુધિષ્ઠિર – પેલો શ્વેત વસ્ત્રખંડ.
બહાર આવ્યા પછી થોડી વારમાં તો આ ઇન્સ્ટિટ્યૂટ સામેનો ટાગોર હૉલ, મ્યૂઝિયમ, વાહનોથી ભરચક પાલડી તરફ જતા માર્ગ, લોકો – બધાં અવાસ્તવિક લાગતાં હતાં. બકુલભાઈ યંત્રવત્ સ્કૂટર શરૂ કરે છે, હું યંત્રવત્ બેસું છું. ‘ઠીક’ થતાં જરા વાર લાગી.
કાલે સાંજે, રાત્રે સૂવા જતાં, આજે સવારમાં ઊઠ્યા પછી પીટર બ્રુકના મહાભારતનાં દૃશ્યો નજર સામે આવે છે. આકાશમાં વાદળ છે, દુર્દિન. મારા મૂડનો પ્રતિઘોષ છે, એટલે થાય છે કે જરા એની એ વાત કરું. પીટર બ્રુકે જે રીતે આ કથા પ્રસ્તુત કરી છે, તે અત્યંત કાવ્યાત્મક છે. ‘અંતર મમ વિકસિત કરો’ – એ પંક્તિઓના ગુંજરણ વચ્ચે એક કિશોર આવે છે, ખંડમાં દીવીઓમાં દીવા પ્રકટે છે, કેટલીક દીવીઓ લટકી રહી છે. એક બાજુ ગણપતિ છે, ખાટલો છે. કિશોર ગણપતિની સૂંઢને હલાવે છે. ચંદન-અબીલને ચપટીમાં લે છે. પછી જાણે જૂના ખંડોમાં ભમે છે. ત્યાં એક સ્થળે તાપણી બળે છે. એક વૃદ્ધ ત્યાં બેઠા છે. આ કિશોર ત્યાં જાય છે. પેલા વૃદ્ધ પૂછે છે :
‘તને લખતાં આવડે છે? હું એક મહાકાવ્યની રચના કરી રહ્યો છું. એનો લખનાર જોઈએ.’
કિશોર પૂછે છે :
‘તમારું નામ શું?’
‘વ્યાસ.’
‘શાને વિષે છે, તમારું કાવ્ય?’
‘એ તારે વિષે છે, તારી જાતિનું એ મહાકાવ્ય છે. એ સમગ્ર માનવજાતિના પરિવારનો ઇતિહાસ છે.’
ત્યાં ગણપતિનો પ્રવેશ થાય છે. વ્યાસ ગણપતિને કહે છે કે હું કાવ્યેતિહાસ લખી રહ્યો છું. લખનાર જોઈએ. ગણપતિ ચોપડો લઈને આવી જાય છે.
‘તમારી સેવામાં હાજર છું.’
એક ચિત્ર રચાઈ જાય છે. વ્યાસ, લખવા બેઠેલા ગણપતિ અને પેલો કિશોર. પણ પાછા વ્યાસ મૂંઝાય છે. કહે છે–
‘…ક્યાંથી શરૂ કરું, સમજણ પડતી નથી.’
ગણપતિ કહે છે :
‘તમારાથી જ શરૂ કેમ નથી કરતા?’
પછી વ્યાસ શરૂ કરે છે કથા – મત્સ્યગંધા સત્યવતીથી. ત્યાં સાચે જ સત્યવતી અને પારાશર મુનિનું એક દૃશ્ય પ્રકટ થાય. સત્યવતીને જોઈ પારાશર એના પ્રેમની માગણી કરે છે. એક સુંદર પ્રતિબિંબ બંનેના ચહેરાને એકસાથે નદીના સ્વચ્છ પાણીમાં પડતું બતાવ્યું છે.
પછી વ્યાસ કહે છે : ‘એમને એક પુત્ર થાય છે.
–તે પુત્ર તે હું.’
શરૂઆતનાં દૃશ્યોમાં ભીષ્મ, અંબા-અંબાલિકા-અંબિકાને હરી લાવે છે એ છે. અંબા ફિલ્મના આરંભમાં છે, મધ્યે પણ છે અને અંતે પણ આવે છે. એક પ્રભાવ આપણા ચિત્ત પર મૂકી જાય છે. અંબા એકદમ અલંકૃતા છે. એને કાને લટકતાં લાંબાં કર્ણફૂલો, કંઠાભરણ એને સાચે જ રાજકુમારી બનાવે છે. ભીષ્મ પાસેથી પોતાના શલ્ય માટેના પ્રેમનો એકરાર કરી ભીષ્મની અનુમતિ મળતાં એ શલ્ય પાસે જાય છે. એક સુંદર દૃશ્ય. અંબાના હરણથી દુઃખી એકાકી શલ્ય નદીકિનારે છે :
‘કોણ છે?’
‘હું અંબા, ભીષ્મે મને મુક્ત કરી છે.’
‘પાછી એની પાસે જતી રહે, મારે ન જોઈએ.’
અંબા ભીષ્મ પાસે પાછી જાય છે. એ પણ એનો ઇન્કાર કરે છે. પછી અંબા કહે છે :
‘હું તારું મૃત્યુ બનીને આવીશ.’ ભીષ્મ કહે છે, ‘મને કોઈ મારી શકે એમ નથી.’
પણ પ્રતિશોધ લેવા તૈયાર થયેલી અંબા અનેક વર્ષો પછી એક વખત વનનગર રઝળતી વનવાસ દરમિયાન ભીમની પાસે જાય છે. ભીમને કહે છે, ‘તું દુનિયાનો સૌથી બળવાન પુરુષ છે. તું ભીષ્મનો વધ કર.’
ભીમ એને જુએ છે. અંબા એવી જ રૂપવતી લાગે છે. એ કહે છે, ‘વેરના અગ્નિએ મારા યૌવનને ટકાવી રાખ્યું છે.’
છેલ્લે એ આવે છે, શિખંડી રૂપે. એ પહેલાં એક દૃશ્યમાં એની અતૃપ્ત ઇચ્છા લઈને થતા મૃત્યુની ઘોષણાના દૃશ્ય રૂપે આવે છે, પ્રેત રૂપે. ‘તીર ચલાવ, અંબા–’ ભીષ્મ કહે છે. ત્યારે શિખંડી કહે છે: ‘એ મને શા માટે અંબા કહે છે?’ પૂર્વાવતાર એ ભૂલી ગયેલ છે.
ફિલ્મમાં ગણપતિ માત્ર લહિયા નથી. વચ્ચે વચ્ચે એ અને પેલો કિશોર વ્યાસને પ્રશ્ન કરતા રહે છે. વ્યાસ વિચિત્રવીર્યના મૃત્યુની વાત કરે છે કે ગણપતિ લખતાં લખતાં એકદમ ચોપડો બંધ કરે છે. ‘સંતતિ વિના હવે કથા આગળ કેવી રીતે ચાલવાની?’
નિયોગનું દૃશ્ય વાસ્તવિક રીતે આલેખાયું છે. વ્યાસને રીતસર અંબાલિકા, અંબિકા સાથે સૂતા બતાવ્યા છે. પાંડુ અને ધૃતરાષ્ટ્રનો જન્મ. દૃશ્યો પછી દૃશ્યો આવતાં જાય : પાંડુ, માદ્રી અને કુન્તી. આ કુન્તી શ્યામાંગી છે, મિરિયમ ગોલ્ડસ્મિથ. એના મોટા હોઠ પહેલાં તો ભારતીય મનમાં પ્રતિક્રિયા જગાવે; પણ એની આંખો, કરુણસ્યમૂર્તિ જાણે. આખી ફિલ્મમાં કુન્તીની એ કરુણામૂર્તિ ભૂલી શકાતી નથી. પાંડુને શાપ મળ્યા પછી ત્રણે જણ અરણ્યવાસ સ્વીકારે છે. અરણ્યની ગુફાનું દૃશ્ય ચિત્રાત્મક છે. એ વખતે કુન્તી પુત્રોત્પત્તિના મંત્રનો પ્રયોગ કરી જુએ છે, અને કર્ણનો જન્મ થાય છે. એકાન્ત નદીમાં તરતી ટોપલી. પછી તો જેફરી કિસને કર્ણનો પાઠ અદ્ભુત કર્યો છે. પાંડુની સંમતિથી પછી પુત્રોત્પત્તિના મંત્રોથી યુધિષ્ઠિર આદિના જન્મનું આખું દૃશ્ય પ્રભાવક છે – પછી વ્યાસને પેલો કિશોર વચ્ચે પૂછે છેઃ
‘મારી નસોમાં પણ આ જ વંશનું લોહી વહે છે?’
‘કથા તો એમ કહે છે.’
ત્યાં એક એક ઢોલ શરણાઈ અને જાણે લોકોત્સવ હોય એમ એક સ્ત્રી-પુરુષોનું ટોળું નર્તન્તું આવે છે. એક પાલખીમાંથી ઊતરે છે ગાંધારી (હેલન પાતારોત) જરા તિબેટી ચહેરો છે, પણ સુંદર. પછી એની સખી એને કહે છેઃ
‘રાજકુમારી! તને છેતરવામાં આવી છે. તારો પતિ તો અંધ છે. એની આંખોમાં તેજ નથી.’
‘આ મારાં સુંદર વસ્ત્રો, મારું રૂપ…મારો પતિ મને કદી નહિ જુએ?’
‘મારો ઘુંઘટપટ આપો; હું મારી આંખે પાટા બાંધી દઉં છું. હવે હું કદી નહિ ખોલું. મને મારા પતિ પાસે લઈ ચાલો.’
ગાંધારી ચાલે છે. એક તાકાનો તો એના ઘાઘરાનો ઘેર છે.
ગાંધારીને જ્યારે ખબર પડે છે કે કુન્તીને પુત્ર થયા છે, ત્યારે તે પોતાના ગર્ભથી મોટા થયેલા પેટ પર પ્રહાર કરવાનું દાસીને કહે છે. આપણી નજરોને આ દૃશ્ય ગ્રોટેસ્ક – બિહામણું લાગે છે. ગર્ભમાંથી બહાર આવતા ગોળાના સો ટુકડા કરવાનું વ્યાસ આવીને કહે છે. દુર્યોધનનો જન્મ સાચે જ નાટ્યાત્મક છે. વેર, ધિક્કારને સાથે લઈને જાણે જન્મ્યો છે. શિયાળવાંના અવાજો સાથે.
માદ્રી-પાંડુનું અંતિમ સહશયનનું દૃશ્ય પણ કોમળ-કરુણ. પાંડુના મૃત્યુ પછી કુન્તી માદ્રીને કહે છે, ‘તેં એના મોઢાને કામોદ્દીપ્ત જોયું છે. તું ભાગ્યશાળી છે.’ પીટર બ્રુકે આવી સૂક્ષ્મ મહાભારતની મૂળ વિગતોની પણ નોંધ લીધી છે.
દ્રોણનો પ્રવેશ કાળાં કપડાંમાં પાંડવો-કૌરવોના કલહ વચ્ચે થાય છે. ઓશી ઓઈડા જાપાની નટ દ્રોણનો પાઠ કરે છે. ઝેન સાધુ જેવા લાગતા આ ગુરુ ઉપર તોફાની ભીમ હુમલો કરવા જાય છે, પણ કરાટે જેવા એક દાવથી દ્રોણ એને ધૂળ ચાટતો કરી દે છે. પછી તો ગુરુ તરીકે વિદ્યાઓ, ખાસ તો ધનુર્વિદ્યા શીખવવાનાં દૃશ્યો છે.
બાણપરીક્ષા અને પછી કર્ણનો પ્રવેશ. એનાં માબાપનું નામ પૂછવામાં આવતાં કુંતીનો અભિનય લક્ષ્ય કર્યા સિવાય રહેવાતો નથી. કર્ણનું મોં પડી જાય છે. એ કહે છે : ‘હું સૂતપુત્ર છું.’ (આઇ ઍમ અ ડ્રાઇવર્સ સન.) એ વખતે જ કર્ણ પ્રતિજ્ઞા કરી અર્જુનને કહે છે : ‘હું તારો વધ કરીને રહીશ.’ મત્સ્યવેધનું દૃશ્ય બતાવ્યું નથી, પણ દ્રૌપદી (મલ્લિકા સારાભાઈ)ને લઈ અર્જુન આવે છે, ત્યારે પાંચે ભાઈ એને જોઈને જ એના પ્રેમમાં પડી જતા બતાવ્યા છે. દ્રૌપદી કુન્તીને પ્રણામ કરે છે. યુધિષ્ઠિર બોલે છે :
‘હું એને ચાહું છું.’
‘હું એને ચાહું છું.’ – ભીમ કહે છે.
‘હું પણ.’ – નકુલ કહે છે.
‘હું પણ એને ચાહું છું.’ – સહદેવ કહે છે.
‘આપણે બધા એને ચાહીએ છીએ.’ – બધા સાથે કહે છે. પછી બધાને દ્રૌપદી પરણે છે – દૃશ્ય :
દ્રૌપદીના લંબાવેલા હાથમાં યુધિષ્ઠિર હાથ મૂકે છે. એ ઉપર ભીમ હાથ મૂકે છે, એ ઉપર અર્જુન, એ ઉપર નકુલ, એ ઉપર સહદેવ અને પછી એ ઉપર દ્રૌપદી પોતાનો બીજો હાથ મૂકે છે. પરિણયનું અદ્ભુત દૃશ્ય.
પીટર બ્રુકના મહાભારતમાં હવે પછી કૃષ્ણનો પ્રવેશ થાય છે. પશ્ચાત્ ભૂમાંથી કૃષ્ણ (બ્રૂસ માયર્સ)ની વાંસળીના સૂર વહી આવે છે. કૃષ્ણ પ્રવેશ કરે છે. માથે મુકુટ નથી. એને જોઈ વ્યાસ પેલા છોકરાને કહે છે, ‘એના ક્રિયાકલાપ અતિ ઝીણા હોય છે.’
પાંચ પાંડવો, દ્રૌપદી અને કૃષ્ણ. પછી કૃષ્ણ અંધ ધૃતરાષ્ટ્ર (રિસઝાર્ડ ચિએસ્લાક-પોલેન્ડવાસી) પાસે જઈ પાંડવોના હક્કની માગણી કરે છે. ધૃતરાષ્ટ્ર નછૂટકે ઇન્દ્રપ્રસ્થ પાંડવોને આપે છે. ભીમ ઇન્દ્રપ્રસ્થનો ઉજ્જડ વિસ્તાર લેવા ના પાડે છે. યુધિષ્ઠિર સ્વીકારે છે. પછી નવી નગરીની સ્થાપના અને મયદાનવની સભાનું દૃશ્ય. દુર્યોધન પર પેલા જળ-સ્થળની ભ્રમણાના દૃશ્યપ્રસંગે દ્રૌપદી ખડખડાટ હસે છે. ‘અંધ, જેના પિતા પણ અંધ.’
હવે શકુનિ (ટુનસેલ કુર્ટિઝ-તુક)નો થાય છે તખતા પર પ્રવેશ. ઘડીભર તો થયું કે શેક્સપિયરના ‘ઑથેલો’ નાટકમાંથી મૂર્તિમંત દુરિત જેવો ઇયાગો તો નથી ઊતરી આવ્યો? એના એક હાથમાં હંમેશાં ‘ફૂલ’ હોય છે!
પછી ગોઠવાય છે દ્યૂતક્રીડા. કૃષ્ણ ભીષ્મને કહે છે ઃ તમે આડે ન આવશો. વિનાશ નજીક આવી રહ્યો છે. ધર્મની સ્થાપના કરવાની છે. (આખી ફિલ્મમાં ધર્મ’ શબ્દ મૂળ ધર્મ તરીકે જ બોલાય છે.) દ્યૂતક્રીડાનું દૃશ્ય બરાબર ભજવાય છે. સભાપર્વમાં અઢાર અઢાર વખત પાસાં ફેંકાય છે અને એ દરેક વખતે ‘જિતમ્ ઇત્યેવ શકુનિઃ યુધિષ્ઠિરમ્ અભાષત’ – આ હું જીત્યો – એ વાક્ય અઢાર વખત શકુનિ યુધિષ્ઠિરને કહે છે. અહીં અંગ્રેજીમાં વારંવાર સંભળાય છે, ‘આઇ હૅવ વન, આઇ હૅવ વન, આઇ હૅવ વન.’
દ્રૌપદી-વસ્ત્રાહરણનું દૃશ્ય પ્રભાવક છે. દ્રૌપદીની ગોવિંદને પ્રાર્થના સંસ્કૃતમાં છે. ભીમની પ્રતિજ્ઞા અને પછી પાંડવોની દ્રૌપદી સહ મુક્તિ અને ફરી દ્યૂત અને વનવાસ. ધૃતરાષ્ટ્ર પૂછે છે : ‘પાંડવો કેવા હાવભાવ સાથે વનમાં જતા હતા?’
વ્યાસ વર્ણન કરે છે એટલું જ નહિ, એ દરેકના વર્તનનું મહાભારત પ્રમાણે અર્થઘટન કરે છે.
એ વખતે ગવાય છે – અંતર મમ વિકસિત કરો…
વનવાસનાં દૃશ્યો પણ પ્રભાવક છે. દ્રૌપદી ભીમ-યુધિષ્ઠિરને કડવાં વેણ સંભળાવે છે. યુધિષ્ઠિર તો ક્ષમા અને તિતિક્ષાની જ વાત કરે છે. કહે છે – ‘એ મારો ધર્મ છે.’ ભીમનો ક્રોધ માતો નથી. એક મજબૂત લાઠીને ઢીંચણ પર રાખી ક્રોધને બીજે વળવા બે ટુકડા કરી નાખે છે. હિડિંબાનો પ્રસંગ બ્રુકમાં અહીં આવે છે.
હસ્તિનાપુરમાં કૌરવો અને કર્ણ અગ્નિપથ રચી અત્યારે અર્જુન શું કરે છે, તે જોવા પ્રયત્ન કરે છે. અગ્નિના ઘેરામાં ઊભેલા દુર્યોધન, દુઃશાસન અને કર્ણને, અર્જુન શિવ પાસેથી પાશુપત અસ્ત્ર મેળવે છે, તે દૃશ્ય દેખાય છે. કિરાતાર્જુનીય પ્રસંગ પછી અર્જુન-ઉર્વશી (તામસીર નિસાને) પ્રસંગ. એક દીવો લઈ આકાશમાંથી ઊતરી આવે છે ઉર્વશી – શામળેવાન પણ સુંદરી. બ્લેક વિનસ જાણે.
‘આપણે પ્રેમ કરીએ, તું ના ન પાડતો.’ – ઉર્વશી.
‘હું પણ તમને ચાહું છું.’ – અર્જુન.
બંનેનાં મોં નજીક આવે છે.
‘પણ હું તમારો મા તરીકે આદર કરું છું.’ – અર્જુન.
‘તું સ્ત્રી જેવો બની જઈશ.’ – ઉર્વશી.
કર્ણ-પરશુરામ પ્રસંગ અહીં આવે છે. કુહાડી સાથે પરશુરામ પ્રભાવી છે. પછી યક્ષ-પ્રશ્ન. પીટર બ્રુકમાં થોડા પ્રશ્નો છે પણ જે રીતે પ્રશ્ન-ઉત્તર છે, તે યાદ રહી જાય :
‘પવનથી વેગીલું શું?’
‘વિચાર.’
‘પૃથ્વીને કોણ ઢાંકી શકે?’
‘અંધકાર.’
‘કોણ સંખ્યામાં વધારે છે? મરેલા કે જીવતા?’
‘જીવતા – કેમ કે મરેલાની તો હસ્તી નથી.’
‘અવકાશનું ઉદાહરણ આપ?’
‘જોડાયેલા મારા બે હાથ.’
‘શોકનું ઉદાહરણ?
‘અજ્ઞાન.’
‘ઝેરનું?
‘વાસના.’
‘વિજયનું ઉદાહરણ?’
‘પરાજય.’
‘દુનિયામાં અભિશાપરૂપ શું?’
‘પ્રેમ.’
‘તારી જાતને વિરોધી શું?’
‘મારી જાત.’
‘સૌ માટે અનિવાર્ય શું છે?’
‘સુખ.’
‘સૌથી મોટું આશ્ચર્ય શું છે?’
‘મૃત્યુ દરરોજ માણસોને ગ્રસી જાય છે અને છતાં આપણે માનીએ છીએ કે આપણે અમર છીએ. આ મોટામાં મોટું આશ્ચર્ય છે.’
પિતા-ધર્મની પરીક્ષામાં યુધિષ્ઠિર પાસ.
પછી અજ્ઞાતવાસ. કીચકવધનો પ્રસંગ. કીચક, વાંસના ઝુરમુટ પાસેના કીચકના પ્રવેશથી પ્રભાવક. કીચક એટલે વાંસ.
ઘણા બધા પ્રસંગો, વચ્ચે વ્યાસ, પેલો કિશોર અને કૃષ્ણ – એમનો વાર્તાલાપ ચાલે. પછી યુદ્ધની તૈયારી. કર્ણ-કૃષ્ણ, કર્ણ-કુન્તી પ્રસંગો પણ હૃદયસ્પર્શી. કુરુક્ષેત્ર. યુદ્ધપૂર્વેનું એક દૃશ્ય. એક ઘડામાંથી મંત્રપૂત પાણી એક પાત્રમાં દ્રોણ રેડે છે, એ પાત્ર મોઢે માંડી યુધિષ્ઠિર પીએ છે, દુર્યોધન પીએ છે, અને પછી દ્રોણ ભોંયે અફાળી એ પાત્રના ટુકડે ટુકડા કરે છે. જાણે કુરુકુલની અંત્યેષ્ટિક્રિયા – ઘટતર્પણ.
પછી યુદ્ધ.
ભગવદ્ગીતા-પ્રસંગ, શરશય્યાનો પ્રસંગ, અભિમન્યુવધ તથા ઘટોત્કચવધનો તથા દ્રોણવધનો પ્રસંગ અદ્ભુત અભિનયકલાથી ભજવાયા છે. અભિમન્યુ (નોલન હેમિંગ્જ)નો કોમળ કિશોર ચહેરો નજર સામેથી ખસતો નથી. ચક્રવ્યૂહની યોજના પીટર બ્રુકે કલ્પનાશીલતાથી કરી છે. છેલ્લા કોઠામાં અભિમન્યુનું યુદ્ધ અને પછી સાત મહારથીઓના એના દેહમાં પ્રવેશતા સાત ભાલાઓથી એની અંતિમ ચીસ ‘ફાદર’ – રોગતાં ઊભાં કરી દે છે.
અશ્વત્થામાના મૃત્યુના સમાચાર પછી શસ્ત્રો મૂકી દઈ દ્રોણ લાલ દ્રવ્ય (કે લોહી)નો ઘટ પોતાના શરીર પર ઊંધો વાળે છે, તે દૃશ્ય પણ અવિસ્મરણીય.
દુઃશાસનવધનો પ્રસંગ બીભત્સરસ રેલાવે છે. ભીમ – મામદાઉ દિઓઉમે — મૂળે કાળો અને તેમાંય રક્તપાન કરે, ત્યારે દેખાતું એનું મોઢું!
ખુલ્લા લાંબા વાળ સાથે દ્રૌપદી (મલ્લિકા) આવે છે. દુઃશાસનની છાતીમાંથી લોહી વહી રહ્યું છે. ત્યાં બેસી એક ઝાટકે પોતાના ખુલ્લા કેશ દુઃશાસનની છાતી પર વહેતા લોહીમાં પાથરી દે છે. માથા ઉપર થઈને એક ઝાટકે આગળ ઊછળી આવતા કેશનું દૃશ્ય – એ અભિનય નજર સામે આવ્યા કરે છે.
એવો જ દુર્યોધનવધનો પ્રસંગ.
પણ હવે અહીં બસ કરું, મારી વ્યાસશૈલી. વ્યાસશૈલી એટલે જરા વાત બહેલાવીને કહેવી. યુદ્ધને પણ પીટર બ્રુકે બરાબર રજૂ કર્યું છે. છેલ્લે છે સ્વર્ગારોહણ પ્રસંગ. એમાં સ્વર્ગમાં ચઢવા-ઊતરવા નિસરણીનો પ્રયોગ કળી શકાતો નથી. પણ એક સમ ઉપર આવી ઘટનાચક્ર પૂરું થાય છે. યુધિષ્ઠિરને સમજાય છે કે હવે અહીં કૌરવો પ્રત્યેનો વિદ્વેષ ભૂલવો જોઈએ. સમદષ્ટિ એ જ માર્ગ છે.
‘આ જ માર્ગ છે, આ સિવાય બીજો માર્ગ નથી’ એ મંત્રોચ્ચાર સાથે, વ્યાસકથાનું પીટર બ્રુકે કરેલું આ દર્શન પ્રભાવક બની રહે છે.
આખી મહાકથા પૂરી થાય છે, ત્યારે પોતે કથેલી અને ગણપતિએ લખેલી એ કથાની પોથી પેલા કિશોરના હાથમાં આપતાં વ્યાસ કહે છે :
‘એ તારી જ કથા છે, તારી જાતિની.’ એટલે કે ભારતની કથા મહાભારતકથા. લાગે છે કે તે કિશોર તે હું, મારો પુત્ર, એનો પુત્ર, એનો…