કોડિયાં/ કોડિયાં-1957 (કૃતિ): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 4,404: Line 4,404:
20-2-’28</Poem>
20-2-’28</Poem>
<Poem>
<Poem>


'''<big>હું જો પંખી હોત</big>'''
'''<big>હું જો પંખી હોત</big>'''

Latest revision as of 10:42, 2 September 2021

કોડિયાં-1957 (કૃતિ)

આઠમું દિલ્હી


દિલ્હી દૂર નથી.
કો શૂર તણીય જરૂર નથી, મગદૂર નથી દિલ્હી ચઢવાને.
જીતનારના મ્હેલ વસે જેને જીત્યા’તા.
કર લેનારા કબરો નીચે;
કર દેનારા રાજ્ય કરે, ને વીંચે
આંખ ક્ષમાની; ભૂલી જે વર્ષો વીત્યાં’તાં.
દિલ્હી દૂર હતું, હા, દૂર હતું એક’દા.
દિલ્હી નૂર હતું કો ક્રૂર તણું ને, હા,
ચણાવનારના નામ થકી મશહૂર હતું. પણ આ
વૃંદ-વાંસળી વાગી આજે જમનાજીને તીર
ચણનારા હાથો પર સંગીત રચી સુધીર.
સંગેમરમર જાળી જોતાં જાગી ઊઠે સ્પંદ,
ઊભરાવ્યા જે આંગળીઓએ પાણામાંથી છંદ.
જો, ફાટ્યું ત્યાં ગુંબજ શિવ!
છટક્યો ઈંડામાંથી જીવ!
સાચું! ભવ્ય હશે ખંડેરો કો’દી આ જ
જતન કરી ચણીએ સાચવવા અદકું પ્રાપ્ત સ્વરાજ.
ભવિષ્યની કોદાળી જ્યારે નમશે
—- નવી પેઢીઓ રટશે કે અવગણશે —-
એક ચરુનો નકી થશે ટંકાર.
રૂપિયા, પૈસા નયા નીકળશે;
ભાતભાતના સિક્કા મળશે;
નહિ જડશે તાજની છાપ;
કોસી નાથવા કાજે મૂકી મોટે પેટે કાપ.

થર પર થર ખડકાયા.
સાત વંશ તો સાત પ્રકરણે છે સપડાયા.
મહાગ્રંથ ઇતિહાસ તણો ને કોરા છે અધ્યાય.
સાત સલ્તનતો લથડી, નવને ભવિષ્ય ના દેખાય.
લૂ-ધક્કેલ્યાં પડ્યાં હાડકાં, મસ્તકહીન મિનાર.
મ્હેલાતોમાં મ્હેક માત્ર જ્યાં સૂતાં નર ને નાર.
અહીં પડ્યા ઇતિહાસ, અને ઇતિહાસી બન્ધન
વિદારવાના યત્ન. અહીં છે થનગન
અશ્વ હજાર તણાં ડગલાં જે સૂતાં ધરણી-મન.
ડુંગરનાં ધણ દોડી, ઊભરી કદમ અહીં અટકાવે.
ધરણી પડી સપાટ અહીં જ્યાં યવનો આવે.
દેશ રક્ષવા કાજ મોરચા પ્રથમ રચાતા
અહીં. ચાંદનીચોકે જાતાં.
સ્વર્ણ, સુંદરી મદિરા તરસ્યાં સો સો લશ્કર.
લોહીનાં પુષ્કર.
અહીં થઈ લડાઈ પુત્ર, પરદેશી વચ્ચે.
અસત્યને પણ આ સ્થળમાં ઊથલાવ્યું સચ્ચે.

કુરુક્ષેત્ર છે અહીં, પાણીપત પણ છે પાસે.
અહીંથી ભાગ્યા કૃષ્ણ ગોપી ગોપી કંકાસે.
સ્વર્ગ અહીં છે! એમ કવિવર ધૂણતા ત્રણ ત્રણ વાર.
કળશ અહીં ભારતને ચડિયો; અહીં થયું હિન્દ ખુવાર.
અહીં મર્યા ગાંધી કે જેનાથી જીવે ભારતવર્ષ.
મુક્તિ મળી તો આગળ ધપવું એશિયાઈ ઉત્કર્ષ.
ગઈ કાલ તણી ધૂળ ઊડે, જામે.
ખાત હાડનું ખાઈ ખડ શક્તિ પામે.
નીલ ગાલીચો ન્હાનો રણમાં!
ભારત-દર્શન એક જ કણમાં!
ભૂત-ખભા પર ચડી ભાવિ ડોકિયાં કરતું.
મૂવું હતું તે કુતૂબ કૂદી બે વારા મરતું.

ગંગાએ કાશીને આપ્યું એક અનુપ મહત્ત્વ.
દિલ્હીએ જમનામાં વેર્યાં ગંગાનાં સૌ તત્ત્વ.
જાત્રાનું સ્થળ સર્વશ્રેષ્ઠ આ, આવે વીર ચતુર;
વેપારીનાં આવે ઘોડા-પૂર;
અને કાશ્મીરી નૂર;
મીર દેશના દૂર.
સર્વવ્યાપ્ત સરકાર બિરાજે, કવિને કરતી ભાટ;
જંગલ છોડી દિલ્હી-કાંઠે યોગી માંડે હાટ;
પદવી છે, પહેરામણ છે, છે બિલ્લાં એક અનેક;
રાજ્યસભા છે, લોકસભા છે, ને જાવું જો છેક,
રચજો કવિતા, લખજો નાટક, કરજો રાજ્યપ્રચાર!
નવ દિલ્હીના આકાર!
ભવિષ્યની કોદાળી જ્યારે નમશે
—- નવી પેઢીઓ રટશે કે અવગણશે
જો ત્યાં સુધીમાં વિશ્વ નહિ શૂનકાર —-
એક ચરુનો નકી થશે ટંકાર.
રૂપિયા, પૈસા નયા નીકળશે;
ભાતભાતની મ્હોરો મળશે;
નહિ જડશે તાજની છાપ.
જડશે ચંદ્રક એક અનેક;
નહિ જડશે શુદ્ધ વિવેક!


એડન

જરા ચરણ ટેકવું, સ્મરણ-સંહિતા વાજતી:
નવેનવ દ્વીપે હતી અરબ-ઘોષણા ગાજતી:
કુરાન-કલમા પઢી, હય પરે ચઢી, કૂચતા
અસંખ્ય નરવીર, ધર્મવીર હાલકે ઝૂઝતા:

અને ચરણ આ પડ્યા વરદ, દિવ્ય, પૈગમ્બરી!
મશાલ ધરી આંખમાં, ઉચરતા ખુદાની તુરી;
ઝનૂની જનલોકના હૃદયપ્હાણમાં સંસ્કૃતિ
તણું ઝરણ પ્રેરતા! — અહીં રમે બધે આ કૃતિ!

અહીં પુરવ-સંહિદ્વાર! શતલોક રાખી જમા
મથે વિફર નાથવા પુરવ-કેશરી, કારમા
રચી છલન, દાવપેચ! પણ આવશે કો’ સમા
જદિ સકળ જાગશું! ગરજશુંય આ દ્વારમાં.

અમેય પરદેશીના ચેણદાસ આજે ખરા!
કરીશું કદી ઘેર તો ધરણીમાતા — વિશ્વંભરા!


અરબી રણ

ક્ષિતિજ પણ રેતની! ઢગ પરે ઢગો વિસ્તર્યા;
કરાલતમ ભૂખરા ખડક તો કરે દાંતિયાં!
દિશા સકળ ભેદતી ગરમ લૂય ખાવા ધસે;
કશેય નવ ઝાંખરું—તનખલું ન લીલું લસે!
વિરાટ સૃજી વિશ્વની નીલમ વાડી, થાકી જરા,
પ્રજાપતિ મુખેથી એક ધગતો નિસાસો સર્યો.
અને અહીં હજાર ગાઉ તક ઝાળતો એ ઝર્યો;
ક્યહીં રચત રેતીના ઢગ, ક્યહીં સૂકા ડુંગરા!
બધે નજર વિસ્તરે! અતૂટ ચક્રવાલો ચહુ
નથી નજર ભાંગવા કશું વિવિધ કે કૈં નવું!
વિરાટ નભટોપને સકળ કોરમાં આવરી
સપાટ પૃથિવી પડી સુકલ છાતી ખુલ્લી કરી!
ત્યહીં જનમ ‘એક માત્ર વિભુ!’ કલ્પનાનો થતો!
—- ‘કરાલ નિજ લોચને સકલ લોકને નાથતો!’


માલ્ટા ટાપુ

તને ઝડપવા ઝૂકેલ સહુ બાઝ શા દેશ, ને
તને જકડવા રચેલ સહુ પાશવી વેશ; ને
વહેલ નદીઓ રુધિર તણી, દંગ થાતાં ખડાં
ધડો, વિકલ મસ્તકો શરીરનાં; — તને નાથવા!

સુવર્ણ-ઇતિહાસના ઊગમથી તને લક્ષ લૈ
સહસ્ર-શઢ કાફલા ઊતરતા, વળી ભાગતા;
કદીક તુરકો, કદી જરમનો અને ફ્રેન્ચ કૈં!
અને સકળ પાછળે બ્રિટનનાંય થાણાં થતાં!

ભૂમધ્ય જલસાગરે શરીર આપીને આ રૂડું
લખેલ વિધિએ કપાળ તવ ભાગ્ય ઊંધું — કૂડું!
સહુ જલધિબાલરાષ્ટ્ર તણી કૂંચી તું! — હાથમાં
લઈ જગત લૂંટવા, ડળક ડોળ સૌ રાષ્ટ્રના!

રુધિર થકી મેળવ્યું, રુધિરથી પડે રક્ષવું!
હજાર મનવાર આ અહીં ખડી રટે, ભક્ષવું!


ગીઝાના પિરામિડો
0

પૃથ્વી તણી પથ્થર-કાય તોડી
મહાનદો સ્નિગ્ધ કરે વસુંધરા.
રુધિરના રાગ-વિષાદ છોડી
બની રહે પ્રાણ તણી પયોધરા.

તીરેતીરે આથડતા પ્રવાસી
આવી, વસી, ઠામ કરી ઠરંતા.
શરીરની ભૂખ જતાં વિકાસી
ઊંડું ઊંડાં અંતરમાં તરંતા.

અને અહીં સંભવ સંસ્કૃતિના
વિકાસ તો માનસ-વ્યાપૃતિના,
વિરાટ કો આરસની કૃતિના,
પ્રકંપ ત્યાં થાય શ્રુતિ-સ્મૃતિના!

પૃથ્વી તણા તપ્ત પ્રચંડ અંગે
મહાનદો તો લચતાં પયોધરો.
ધાવી લઈ સંસ્કૃતિ-બાળ, રંગે
વિકાસતું સર્જનનાં પડો-થરો!

ફર્યો હતો સિન્ધુ તણા કિનારે,
પુરાણથીએય પુરાણ સંસ્કૃતિ
દ્રવિડીની, સર્જનની સવારે,
ખીલી હતી; — તેની સ્મરંત વિસ્મૃતિ!

આર્યો તણી સંસ્કૃતિ-માત ભવ્ય,
કાલંદીિ ને ગંગની છાતીઓ પે
ચડ્યો હતો બાલક હું, સ્મૃતવ્ય
સ્મરી, ભરી અંતરચક્ષુઓ બે!

જીવિતનો ધન્ય ઊગ્યો સવિતા!
ત્રીજી મહાસંસ્કૃતિ-માત દર્શી!
ઈજિપ્તની ઊછળતી શી ગીતા
સમી દીઠી નાઈલ: ક્રાન્તદર્શી
નથી; છતાં ભૂત-ભવિષ્યનાં સહુ
ભેદી પડો, દર્શન અંતરે લહું!

કાંઠે જમા દંગલ રેતી કેરાં;
— પરે વળી પથ્થર દંગલો ભરી,
— આકાશનો ઘુમ્મટ ઘેરવા કરી! —
કર્યા ઊભા ભવ્ય, મહા, વડેરા
ગીઝા તણા ચાર પિરામિડો! — તૂટ્યા!
આશ્ચર્ય તો પૃથ્વી તણાં ન ફૂટ્યાં!

અને નીચે શાશ્વત સોણલામાં
સરી જવા, માનવ કોઈ સૂતાં;
મૃત્યુ તણી જીવતી કો’ કલામાં
ભળી જવા, જીવન છોડી જૂઠાં!

જાગી જશે! અંદર સોણલે પડ્યું!
બ્હીને! — કર્યો મંદ ત્વરિત ઊંટિયો.
ને આંખથી અશ્રુ ઊનું નીચે દડ્યું,
પ્રતપ્ત રેતી મહીં એ ગયું ગળી.

આ સૂર્યનો ધોમ પ્રચંડ તાપ
ભેદી શકે પથ્થર-દંગ કેમ?
મસ્તીભરી નાઈલના પ્રલાપ
પૂછી શકે અંદરના ન ક્ષેમ?

ત્યજી દઈ જીવન જૂઠડાં આ,
મૃત્યુ તણું જીવન જીવવાને
સૂતેલ જે અંદર, તે મડાં ના,
— જીવી રહ્યાં જીવતદાન દાને!

સોનારૂપા ઓપી સહસ્ર ભારે
રચી હતી ભવ્ય, વિરાટ શય્યા!
સમૃદ્ધિ રાખી સઘળા પ્રકારે,
ત્યજ્યા હતા પ્રાણ તણા બપૈયા!

સુવાસને સંઘરવા સજાનો.
પ્રદીપવા ખંડ દીવી સુવર્ણની.
અંગાંગને સાજવવા ખજાનો
સામગ્રી ત્યાં સાથ તમામ વર્ણની.

જીવિતનો સાગર પાર પામવા
સાથે લઈ હોડી અને હલેસાં
સૂતેલ, તેને મૃત કેમ માનવાં?
હશું નહીં આપણ સૌ મરેલાં?
— ખરે મને તોય અદમ્ય શંકા!
બાજી રહે છાતી મહીંય ડંકા!

નહીં! અહીં તો સઘળાં નગારાં
પડ્યાં દીસે, ગૌરવગાન પીટવા
મિથ્યાભિમાની નરપુંગવોનાં;
— ત્રિકાલના કર્ણ વિદારવા મહા!

‘અમાપ છે શક્તિ અમારી’ એવી
ચણી દીધી તો નહીં હોય ઘોષણા?
હસી રહી હોય ન દૈવદેવી
પછાડીને પથ્થરપ્હાણ તો ઘણા?

મહાન કો’ રાજવીનું, મહાન
સામ્રાજ્યનું કોઈ વિરાટ સોણલું
ઠરી ગયું; તે નહિ હોય થાન?
— ભવિષ્યના વારસે મહામૂલું?

મનેય આજે બળતા બપોરે
જાગી રહે ભીષણ એક એષણા:
બનું કદી રાજવી દૈવ-જોરે!
પિરામિડો હુંય ચણાવું સો-ગણા!
— ઊંચાઊંચા આથીય અભ્રભેદી!
અને રચું અંદર એક વેદી!

સ્મશાનથી સૌ પરમાણ ગોતી
ભેગું કરું માતનું દેહ-મોતી!
સોના તણી સાત સુવર્ણપેટી
મહીં દઉં એ દવલું લપેટી!
અને પછી હું બનીને પ્રતિમા
રક્ષી રહું વેદીની સર્વ સીમા!

ધીમે પળું હું નમણી નિશામાં!
જ્યાં ઊંટની દોરવણી! — દિશામાં!


મોના લિસાનું સ્મિત

કહું કદીક: ગૂઢ મર્મ સ્મિતનો લિસા! મેં ગ્રહ્યો!
—વિવેચક હજારને જીવન વેડફ્યે ના મળ્યો!
સહુ ભમ્રર ભાંગશે વિકલ: બેસ, ડાહ્યો થયો :!
જરાક લવતાં શીખ્યો, જરીક પાંગર્યો, ત્યાં છળ્યો!
છતાંય વદું: લુવ્રને જીવન આપતાં હાસ્યની
પ્રતિચ્છવિ પડી હૃદે, જગ ચળાવતા લાસ્યની!
અજેય સ્મિત આ દીધું નહિ હતું તને વિન્ચીએ!
—- ન જે રચી શકાય હાસ્ય ખુદ વિશ્વકર્માથીએ! —

જગે સ્વરૂપ વેરવા, અનુપ મૂર્તિ સર્જાવવા,
અકારણ તને હતી કદીક ચીતરી વ્યાપવા.
પરંતુ શત લોક ચારુ તુજ લોચનો પેખતાં,
કદી ઝઘડતાં, કદીક છળતાંય, ગાંડાં થતાં!

અને તુજ કપોલમાં કરચલી ઊઠી પાતળી,
જરીક ઊપસેલ તે અધરનીય રેષા ઢળી.
અસંખ્ય જનની સહી ઉર વિદારતી મૂર્ખતા,
જરાક કરુણાર્દ્ર ચક્ષુ અવહેલનાયે ઢળી!

ઠરેલ તુજ ચીતરેલ મુખ તેમ મર્મે હસ્યું!
કપોત તુજ છાતીનું જરીક ઊછળીને લસ્યું!
પ્રદીપશિખ પાતળાં વિકલતા વળ્યાં આંગળાં!
સહસ્રશત વાળની વિકિરતીય સોળે કળા!

નહિ સ્વપનમાંય ખ્યાલ સ્મિતનો લિઓનાર્દને!
કહો, ક્યમ વિવેચકોય તણી પાસ ખુલ્લો બને?
વિશાળ તવ લોચનો નીરખી માનવી પામરો,
જરીક હસતાં રડી રચત ફિલસૂફીના થરો!

અને તુજ સ્વરૂપના ચીતરનારના માનસે
મનુષ્ય-દિલદીનતા હસતું હાસ્ય કેવું હશે!


દ્વિધા

પણે ઊભરતા મહઉદધિ અશ્વપીઠે ચડી,
અપાર પૃથિવી તણા સકળ પાર લેવા લડી:
ઊડી ગગન ફૂંકફૂંક નભદીપ હોલાવવા:
સરું વિતલ નાગપુત્રી વરમાળધારી થવા:
અને અહીં ખળંત આ ઝરણ, ને ઊભા ડુંગરા,
વચાળ નવપલ્લવે લચિત ઝૂંપડી, સુંદરા
પ્રતિક્ષણ પ્રતીક્ષતી-નીતરતી પીળાં પોપચે;
મૂકી સકળ કૂચવું! હૃદય જુદ્ધ ભારી મચે!
અજંપ મુજ અંગમાં; હૃદય રાગભારે ભર્યું;
જ્વલંત મુજ ભાવનારુધિર ક્યાંક થોડું ઠર્યું;
અપ્રાપ્ય સહુ પામવું: નહિય મેળવ્યું છોડવું,
વિરાટ હૃદયી થવું!-સકળ વિશ્વ જેમાં જડ્યું.
ઊઠીશ પુલકી કદીક જગ મૃત્યુનાં ખોળવા!
વિષાદ પણ વ્યાપશે જીવનવિશ્વ છોડી જવા!
સમાન્તર સુરેખ બે

સમાન્તર સુરેખ બે ઉભય આપણે વીંધતાં
જશું જીવન આપણું: સકલ પૃથ્વી પે મૂકતાં
જશું ચરણચિહ્નની અતૂટ વાધતી વીથિકા,
વિજોગ મહીંયે સમી ગ્રથિત પ્રેમની લિપિકા:

સમાન્તર સુરેખ બે ઉભય એકમેકાકુલા
હું-તું સદય દોડશું વર, વિરાટ રુદ્રં, મહા,
અપ્રાપ્ય સમ પામવા મહદ કાલના અન્તને:
અનન્ત કદી અન્તમાં વિલીન થયા શ્રદ્ધા મને!

સમાન્તર સુરેખ બે ઉભય વેગળીવેગળી;
છતાંય પથ, લક્ષ્ય ને તલપ એક: સાથે મળી
અસ્પૃશ્ય સ્પર્શે અડી સકળ જંદિગી બેકલાં
રહી જગત ઝૂઝશું ઉભય એકલાંએકલાં.

સમાન્તર સુરેખ બે અખિલ કાલગંગાતટે
કદી નવ મળે, અડેય નહિ; તોય સારી વદે
પ્રમા ગણિતશાસ્ત્ર : એય મળતી અનન્તે નકી!
ખરે? ઊગમ એક: ને અગમ ભાવિ; આશા થતી!

મૂકી તુરગ મોકળા પવન-પાણી-પન્થા હવે
સખી! જીવનદેવતા! ઉભય દોડશું આ ભવે
કૂદંત પુરપાટ, વક્ષસ્થળ ફાટ, સાથે - જુદાં,
ઊગ્યાં ત્યમ અલોપવા પ્રણયએકમે,
અનન્ત મહીં જાગવા ઉભયમાં! — સૂતેલાં જુદાં!

અને જીવન વીંધતી સરિતના સમા તીર બે
અસ્પૃષ્ટ — અતિસ્પૃષ્ટ, એક પથ-પાન્થ, યાત્રી બની,
પ્રવાહ સદસાધના, સ્વપનસિદ્ધિનો તો કરી,
અનન્ત ધરી લક્ષમાં જીવનશું — સખી, કોલ દે!
10-10-’33


પુરુષ અડતો સ્ત્રીને

અમે જઈ ઊભાં ઊંચે લળતી નાળિયેરી તળે,
સમુદ્ર મરજાદ શી નીલમ વેલ લૂમે વળે
નીચે પગ કને: તિમિર તણી પાંખ માંહી જરી
લપાઈ સુણતા પણે મુખર સાગરી ખંજરી.

પુરુષ અડતો સ્ત્રીને પ્રથમ વાર, ને સ્ત્રીય તે
વ્રીડા પ્રથમ ચુંબને ધરત; ને ઉન્હી સંગતે
સમુદ્ર, તરુ, વેલીઓ, સમીર ને દીવા દૂરના,
ત્રિલોક ગળતું મિષે ઉભય નેહના નૂરમાં.

જરીક થડકી ઊઠી હું અણચંતિવ્યા પ્રશ્નથી:
પ્રિયા! પ્રિયતમા! કહે, ક્યમ તું આટલાં વર્ષથી
હતી વરી ચૂકી છતાંય મુજથી રહી વેગળી?
તમેય... હુંય ઉચ્ચરી, ક્યમ ન વાંસળી સાંભળી?

અમે વરસ વેડફ્યાં ઉભય પ્રીતની શંકમાં.
કદી ન અળગાં થશું! જીવશું એકડા અંકમાં!


સુકાન પર ટેકવી

સુકાન પર ટેકવી સબળ વક્ષ, ને હાથની
પડાળ કરી આંખને, કમરથીય નીચે નમી,
પ્રિયે! નિરખતો હતો ધરણી-પ્રાન્ત ઊભી તને;
હતી અમૂલ બે ઘડી જલધિ પાર જાવા મને.

અને ત્યહીં દીઠી ઢળેલ તવ પોપચે તોરણે
રચી નીતરતી સુધાંશુ સમ મૌક્તિકો પાંપણે,
સરી ગયુંય એક અશ્રુ મુજ નેનથી કારમું,
મહાન, દવલું, ઊનું, અમુલ પ્રેમના સારનું.

સહસ્ત્રશત જોજનો જલધિના વચે ઘૂઘવે;
અને જલધિ આ મહાન નીરખી વ્રીડા સંભવે;
હશેય અવડું, મહાન, દવલું, ઊનું આંસુડું!
રડેલ ચખનું હશેય વળી કેવું હૈયું વડું!

મહાન જ્યમ સર્જનો મહદ તેમ તેની વ્યથા!
સખીરી ! મુજ — તાહરી ટચુકડીય વ્હીલી કથા!
15-5-’34


ઘરજાત્રા

પાર કર્યો પહેલો મહેરામણ
          અમુક્ત માનસ નીતરવા;
ઘર લથડેલો નીચો ઝંડો
          પર ઓથે ઊંચો કરવા.
ફૂલ મળ્યાં, આશ્વાસન પામ્યો,
          ના એકલ હું, સમજાયું;
લડાઈ સૌની જુદી જુદી,
          એક થતાં સત રોપાયું.
અખબારો આહ્લેક પુકારે,
          બીજો સમદર વીતી આવ!
દોડધામની દુનિયામાં તું
          અનહત હિન્દી ઢોલ બજાવ!
દુશ્મનના ધડાકારા વચ્ચે
          અહીં તહીં ગયા સાચા સૂર;
રોજિંદી એ કલમે મારા
          ના ઊતર્યાં હૈયાનાં પૂર.
ત્રીજે ટેકે રચ્યાં પુસ્તકો
          અર્થશાસ્ત્ર ઇતિહાસ ભરી;
ચોથો દરિયો પાર કરીને
          પરભાષાને આપ્ત કરી.
આત્મકથા સરજાવી ત્યારે
          જમણી મારી ફરકી આંખ;
વાત અનોખી સૂણી પૂર્વની
          પરદેશોએ લીધો પાંખ.
નવલકથા નાટક સર્જાતાં
          ઓળંગ્યા બે દરિયા સાથ;
પરભાષામાં મળ્યાં ચુંબનો,
          પરભાષામાં લીધી બાથ.
પરદેશણ ભર્યા જોબને
          પરદેશીએ માંડી મીટ;
આંખ વીંચાણી એ તંદ્રામાં
          શિર પર ત્યાં તો ડગ્યો કિરીટ.
યાત્રા કેરો અંત જણાયો,
          સર્વ જીત્યો એવું જ્યાં થાય;
સાત સમુંદર ઓળંગેલી
          કવિતાની કેડી પરખાય.
કમાન જેવો દેહ પાતળો,
          પકડું, પકડું, છટકી જાય;
પકડી, આળોટ્યાં જ્યાં, નીચે
          સ્વભોમનું ધ્રો-ખડ પથરાય!
ઊખડેલા નવ આંબા ઊગે!
          ઘરે ઊગેલા આભે પૂગે!
16-9-’48


બારી અનન્ત પરે

કાંચનજંઘાની જાંઘ પરે
એક ગામડામાં એક ખોરડું છે,
એ ખોરડામાં એક ઓરડો છે.
એક બારી ખરી એ ઓરડામાં;
સાંકડી બારીમાં દૃશ્ય મઢ્યું વિરાટ તણું;
કાળ અનન્ત ને સર્જન સર્વ પરે
સાંકડી બારી ડોકિયું દ્યે.

માણસ માણસને મન છે,
મગજ છે, જિગર છે.
એક માપના ઓરડા સમ.
એક માપની બારી ખરી
મનને, મગજને, જિગર પર, બધે.
કદ માનસનાં આંહીં ઘટે તો આંહીં વધે;
ક્યાં બારી પડે? —
(જાળિયું કૂપ તળે? અરીસા ઉપરે?)
— કાંચનજંઘાની હાર પરે?


લઘુતમ સાધારણ અવ્યય

અંધારાના ઢગલા જેવાં
          વૃક્ષો ઝૂમે બંને હાથ;
વચમાં રસ્તો વળે સાંકડો,
          અકળાતાં રજનિની બાથ.
          મોટર-બત્તી તેજ કરું!
          પ્રકાશ-કેડી હું પ્રગટું!
વેગ વધાર્યો, ઢાળ આવતાં,
          આગળ કો મોટર દેખાય—-
સરકંતા અંધારા જેવું
          કાળમુખમાં લબકું જાય.
          મુજ બત્તીનું તેજ ઝીલી!
          બારી આગળ જાય ખીલી!
મોટા શ્યામ ગુલાબ સરીખો
          અંબોડો રૂપકોર મઢ્યો.
બટમોગરની ચક્ર વેણીએ
          તિબેટ-શાલીગ્રામ જડ્યો.
          અર્ધ ઊંઘમાં એ દર્શન!
          થાતાં સ્મૃતિઓનાં થનગન!
કોણ હશે? ક્યાં જાતી આજે?
          ઘેર ભાઈને? કે અભિસાર?
જે મુખ અંબોડાએ ઢાંક્યું,
          કેમ પામવો એ આકાર?
          એવી વેણીવાળાં કૈં કૈં
          મુખનો મનમાં થાય ઉચ્ચાર!
વિહ્વળતા વધતાંની સાથે
          સુપ્ત સ્મૃતિના થર ઊખડ્યા.
ધુપેલ, વેણી, સો અંબોડા,
          સો સો ચિત્રો ત્યાં ખખડ્યાં.
          અમુખને મોઢું આપું!
          રુઝેલ સો ભીંગડ કાપું!
હશે શેવતી? — ભણતાં સાથે;
          બાળા? — સફર કરેલી એક;
હશે આરતી? — તરવા જાતાં;
          આશા? — કાવ્ય સ્ફુરેલ અનેક.
          બીજ? — પાતળી; રાધા? —જાડી;
          પ્રેમી? — જેણે ના પાડી.
મૂરખ, કવિ ! જો મોઢું દેવું,
          જગદંબા આદ્યા સર્જાવ!
અંબોડે અંબોડે ગૂંથ્યા
          લઘુતમ શા ઈશ્વરના ભાવ!
પ્રેમજોશ તો લઘુતમ અવ્યય
          જેનું ‘પ્રત્યેકા’ ભાજક.
કવિ કને જે વિશ્વવિજય તે,
          સંત મને પહેલું ત્યાજક.
શક્તિ સરખી, સંત, કવિની!
છે મ્હોંકાણ જ્વલંત છબીની!
5-9-’50


મીણબત્તી

કયા ખૂણામાં નગર તણા આ
શી ગમ મુજને થાય?
વીજળી તેલ તપેલું ખાલી
તાર સૂકી હોલાય.

ઓઢી અંધારાનો લાભ
દીવાસળી દ્યે ચુંબન દાહ
મીણબત્તીને, આળસ પાળ
જેવે, ટાઢે હોઠ કપાળ.

એણે નાખ્યો નિશ્વાસ,
પછી લીધો એક શ્વાસ,
ને આપ્યો ઉજાસ.


ત્રીજ

ઊંચાઊંચા પર્વત ઊભા,
          તળિયાહીન દરિયાવ;
વચગાળેનું શૂન્ય સ્મરકતું,
          કરત અસ્મિતા-દાવ?
                   ના પૂનમ, નહિ બીજ,
                   તને કોણ સંભારે ત્રીજ?
પોલ હૃદયનો ખૂંચે વાંસડો,
          આ કે પેલે પાર;
સમીર તણી એ બંસી બનતો,
          ગૌરવનો આકાર;
ડૂબે, ડુબાવે આધારીને,
          સરતા વચલી ધાર.
                   ના પૂનમ, નહિ બીજ,
                   તને કોણ સંભારે, ત્રીજ?
એક આંકડો એકલવાયો,
          પાડે સર્જક ભાત;
એકાંતીને કથળે જાડી.
          સરવાળી તાકાત.
          ના પૂનમ, નહિ બીજ,
          તને કોણ સંભારે, ત્રીજ?
          ‘અવગણનાથી ઝાંખી તોયે,
          હું છું ત્રીજની ત્રીજ!’
12-12-’52


રાતના અવાજો

નીંદરનાં બારણાં ખોલવાનો કારણે
          પાંપણોને પોરવી તાળાં દીધાં;
શાંતિની જીભ શા રાતના અવાજે
          અંધાર વંડીએથી ડોકિયાં કીધાં.
જોયો કો જમ ને કોળીનું કૂતરું
          કૂવા કને જઈ ભસતું જતું,
હાથમાં મિલાવી હાથ કુમળા પ્રકારના
          મેડી નીચે કોઈ હસતું હતું.
જેલની દીવાલ પે આલબેલ ગાજતા
          અંદરના ‘ઓહ!’ સો મૂંગા રહ્યા;
ઘૂવડની ઘૂકમાં કકળ્યાં પારેવડાં
          કબરોમાં કોઈ પેર આવ્યાં, ગયાં.
ગાડામાં એકલો વાસળી વગાડતો
          બેકલ થવાની હોંશ ગાતો જતો;
ચીલાએ જીરવ્યા આવા અનેકને
          એટલે ‘કર્રડકટ્ટ’ બળખો થતો.
રોવું, રાજી થવું, હસવું કે ભૂલવું?
          સમજી શકું ન હું ને પાસાં પડું;
દિનભર સૂતેલ દિલ આળસ મરોડી
          પોપચાંને તંબૂને થાતું ખડું.
20-10-’55


શેતૂર અને પોપટ

પોપટ પઢાવી મને ભરતમુનિની વાત,
ટહુકા મેલી પરખાવી કરુણરસની નાત.

ઘરઆંગણામાં ઊભું સામે શેતૂર કેરું ઝાડ;
હાથ ફેરવી પંપાળે એ પછવાડેની વાડ.
ઉનાળો આવે ના’વે ત્યાં માણેકનો ભંડાર
લાલંલાલ ગુલાબી માલે શેતૂરનો અંબાર.
એવે ટાણે લીલાલીલા કીલકીલ કરતા હાશ!
પોપટ આવે નીલ ઘટાની વધારવા લીલાશ;
પરોઢ, સાંજે શોર મચાવે, તોડે ફળ ને પાન
તોય મને તો લાગે એમાં જીવનલ્હાણું ગાન.

કાનખજૂર શા ફળ ખૂટ્યાં ત્યાં મોંઘેરા મ્હેમાન
પોપટ ના’વે, ઊડી ગયા એ આપ્યા વિણ એંધાણ.
એક દફા ઓચિંતા મળતાં છેડી એણે વાત:
આપો શેતૂર રોજરોજ તો આવું દિન ને રાત!
ભૂલી ગયો હું બ્રહ્મા બનવું, મારી શું તાકાત?
— સમજાવું શેણે લાચારી? મનડું થયું મહાત.
શબ્દ વિના સંવેદન ઊંડું, એથી ગહન કરુણ
શબ્દકોશ જે પરિસ્થિતિનાં ચૂકવી શકે ન ઋણ.
પોપટે પઢાવી મને ભરતમુનિની વાત,
ટહુકા મેલી પરખાવી કરુણરસની નાત.
4-5-’53


આજ મારો અપરાધ છે, રાજા!

આજ મારો અપરાધ છે, રાજા! તું નહિ આવે ઘેર;
જાણું હું મારા દિલમાં તોયે આંખ પસારું ચોમેર.
પાંદડે પાંદડે પગલાં સુણું; વાદળે તારી છાંય;
નિભૃત આંબલે કોકિલકંઠમાં વાંસળી તારી વાય.
આવશે ના! નહિ આવશે! એની ઉરમાં જાણ અમાપ;
કેમ કરી તોય રોકવા મારે કૂદતા દાહ-વિલાપ?

રાત હતી, હતાં વાદળ-વારિ, વીજળીનો ચમકાર;
નેવલાં મારાં ખાળતાં ન્હોતાં અશ્રુ સર્યાં ચોધાર.
આગલે દિવસે પ્રેમી પથિકને સેવતાં ક્લાંત શરીર;
પાઠવતાં એને અર્ધ નિશા તક ખેરવ્યાં અશ્રુનીર.

રથ તારો મુજ બારણે આવ્યો જાણું ન ક્યારે? કેમ?
ક્યારે તેં આંગળે હાથ પરોવ્યા? ક્યારે તેં પૂછ્યા ખેમ?
હોઠને તારક ટીલડી ક્યારે? ક્યારે તેં લીધ નિશ્વાસ?
કાંઈ ન જાણું કેટલી વેળા સૂંઘતો મારા શ્વાસ?


પાંપણે ઘેનના ડુંગરા બેઠા, ઇચ્છ્યા ન ઊભા થાય;
અંતરમાં પડછંદ પડ્યા તોય ત્રાટક ના સંધાય.
ક્યારે ઊઠ્યો તું? રથમાં બેઠો? મારતે ઘોડે દૂર?
જાણું નહિ! પણ જાગતાં અંગમાં મ્હેકતું તારું કપૂર!

આજ મારો અપરાધ છે, રાજા! તું નહિ આવે ઘેર;
આજ મારો અપરાધ છે, જાણું કાલનો કાળો કેર.
આવજે એવું માગવું ના, પણ એક હું માગું વેણ;
એકદા તારે બારણે આવીશ પાઠવ્યા વિના કે’ણ:
જાગતો ના હામ હોય હૈયામાં! જોઉં તો તારું જોર!
ચેતજે રાજા! મનમાળામાં પેસતાં કોઈ ચકોર!
27-3-’33


ઝંઝારતે

જાગશો ના, પ્રાણ! ઊઠશો ના, પ્રાણનાથ!
જીવની આણ જો છોડશો મારી બાથ!
આજ નથી આભ હાથમાં એના તૂટતા ચાર મિનાર,
ધણણ ધણણ મેઘ ધ્રબૂકે: વીજળીના ચમકાર.

ઊઠશો ના, પ્રાણ! આણ કુમારની આજ,
કાળ-ઝંઝાનાં વાગતાં ઝાંઝ-પખાજ;
વિજન કાનને વૃક્ષ થતાં ઉન્મૂલ!
તૂટતી ડાળીઓ, તૂટતાં નાળાંપુલ:
કોઈ નથી ઉડુ આભ, સુકાયાં સુરગંગાનાં નીર;
વીજની નાગણ ડંખતી આજે વ્યોમધરાનાં હીર.

આણ છે દેવની, ઊઠશો ના ભરથાર:
આજ નહિ, પ્રભુ! સાંભળો હાહાકાર,
ઊઠતો વાટથી: પૂર છૂટ્યાં પુરપાટ —
જનપદો, પૂર, ગામડાંને સસડાટ
તાણતાં સાગરમુખ ભણી જેના પેટનો ના’વે પાર:
વાયુવંટોળમાં દ્વિજગણોના સાંભળો શા ચિત્કાર!

ખોલશો ના દ્વાર, દેવ! ન ખોલશો આજ:
કાળના તાંડવતાલ ને રુદ્રનો નાચતો સાજ સમાજ.
કોઈ નથી પથ ચીંધવા આપને:
દીપ ઠર્યા સહુ વાયુના કાતિલ કાંપને:
ગોરંભને નથી જંપ, કરંત પ્રકંપ ધરા:
વ્યોમની છૂટતા બર્ફ ખરંત કરા!

છોડશો ના, નાથ! આંગણું, મારા ગર્ભની આપું આણ:
હૂંફ ત્યજો મુજ કોટિની શાને? આવજો ઝેરી બાણ
ચીરવા ઉદર, છેદવા કોચો પ્રાણ
જેમ ચીર્યા’તા પરીક્ષિતને જનની-ઉદરસ્થાન:
દીપપ્રકાશમાં નીરખ્યું એણે નારનું આખું અંગ:
છીછરી ચૂંદડી ઢાંકતી’તી એનો બીજ સમો કટિભંગ:

જેમ પ્રદીપશિખા ધ્રૂજતી ત્યમ પાંપણના પલકાર:
ધમતી છાતીએ, ઊછળે ને પડે હીરલા કેરો હાર:
શેઠ હજી ધરે સ્નિગ્ધતા એને ચાંદલા બેઉ કપોલ:
આંખમાં કાંઈ અમોલ:
ધડ કરી દ્વાર વાસતો નાઠો પાછળ નેન કરી,
દૂર જતાંજતાં માર્ગમાં સ્હેજ ફરી:

ઊછળે સાગર, વીંઝતા વાંસડા હાથ,
ડાળીઓ ઝીંકતી એકબીજાને કરવા જાણે મ્હાત
જેમ ઝીંકે ધીક આખલા ઊછળી: દૂર
આભમાં મેઘમૃદંગ ગગડતાં ક્રૂર:
સૃષ્ટિના તાંડવે એય ભળ્યો નવ સાંભર્યાં નેહના નીડ:
દીપક દ્વારનો ક્યાંય છુપાયો: વચમાં વનની ભીડ.
27-3-’33


ઝંઝાવાત

ભાંગો ભોગળ! ભાંગો ભોગળ!
          ખોલો બારીબારણાં!
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો!
          સાદ દે મ્હેરામણા!
આભ ચંદરવો,
          ઝણે સંગીત સાગરતાર:
પાનખરનાં ઓઢણાં,
ઝંઝાનિલે નિજ નૃત્ય માંડ્યું
          પૃથ્વીને પગથાર:
વન-ચમન ગાય હુલામણાં!
સૃષ્ટિના તાંડવ મહીં તમ સાથ પૂરો!
          સાદ દે મ્હેરામણા!
મયૂર નાચે મત્ત હૈયે,
          આભ પંખે પાથરી;
કપોત કૂજે કુંજેકુંજે
પાંખમાં પાંખો વણી;
આમલીની ડાળ વીંઝે વીંઝણા!
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો!
          સાદ દે મ્હેરામણા!
શિરિષતરુના શુષ્ક ઘૂઘરે,
          અનિલ બાજે ખંજરી;
સહકાર સુંદરીઓ હસી હસી,
          દાંત વેરે મંજરી.
શાલવનનાં પર્ણ ગાય ગધામણાં!
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો!
                   સાદ દે મ્હેરામણા!
શુષ્ક, ક્ષીણ, વિદીર્ણ,
                   જીર્ણ નીછે ખરે —
વિશ્વસંગીતમાં બસૂર જે,
                   સૃષ્ટિનૃત્યે તાલ જેના ના પડે!
નવ વિભવ ને નવ સૃજનમાં અળખામણા!
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો!
                   સાદ દે મ્હેરામણા!
નિસર્ગ નાચ્યો,
                   શુષ્ક પર્ણ સરી પડ્યાં;
પૃથ્વી નાચી,
                   માટીના થર ઊતર્યા;
          વ્યોમ નાચ્યું,
          હૃદય ડૂમા આંસુડાં થઈ ઓગળ્યા:
એક માનવ ના ઊઠ્યા, એને મીઠી આત્મપ્રતારણા!
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો!
                   સાદ દે મ્હેરામણા!
ભાંગો ભોગળ, ખોલો બારીબારણાં!
          સાગર પુકારે સાદ:
સાંકળ સહુ ખખડાવી જાય સમીરણા.
          ઝાડ જાગે, શુષ્ક ત્યાગે,
          પંખી પ્રાણી નાચતાં;
પણ માનવી ધડ ધડ કરી
          નિજ દ્વારબારી વાસતાં.
એને રૂઢ વ્હાલું: મૃત્યુનૃત્ય બિહામણાં!
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો!
                   સાદ દે મ્હેરામણા!
15-2-’32


પૂજારી

ઘંટના નાદે કાન ફૂટે માર,
          ધૂપથી શ્વાસ રૂંધાય;
ફૂલમાળા દૂર રાખ પૂજારી,
          અંગ મારું અભડાય:
                   ન નૈવેદ્ય તારું આ!
                   પૂજારી, પાછો જા!
મંદિરના આ ભવ્ય મહાલો
          બંધન થાય મને;
ઓ રે, પૂજારી! તોડ દીવાલો,
          પાષાણ કેમ ગમે?
                   ન પ્રેમનું ચિહ્ન આ!
                   પૂજારી, પાછો જા!
એરણ સાથ અફાળે હથોડા
          ઘંટ તણો ઘડનાર;
દિન કે રાત ન નીંદર લેતો:
          (ને) નૈવેદ્ય તું ધરનાર?
                   ખરી તો એની પૂજા!
                   પૂજારી, પાછો જા!
દ્વાર આ સાંકડાં કોણ પ્રવેશે?
          બ્હાર ખડી જનતા;
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું,
          પ્રેમ નહિ પથરા:
                   ઓ તું જો ને જરા!
                   પૂજારી, પાછો જા!
માળી કરે ફૂલ-મ્હેકતી વાડી,
          ફૂલને તું અડ કાં?
ફૂલ ધરે તું: સહવાં એને
          ટાઢ અને તડકા!
                   એ તે પાપ કે પૂજા?
                   પૂજારી, પાછો જા!
ઓ રે, પૂજારી! આ મંદિર કાજે
          મજૂર વ્હે પથરા;
લોહીનું પાણી તો થાય એનું
          ને નામ ખાટે નવરા!
                   અરે, તું ના શરમા?
                   પૂજારી, પાછો જા!
ખેડૂતને અંગ માટી ભરાતી
          અર્ધ્ય ભર્યો નખમાં;
ધૂપ ધર્યો પરસેવો ઉતારી
          ઘંટ બજે ઘણમાં:
                   પૂજારી, સાચો આ!
                   પૂજારી, પાછો જા!
6-8-’29


દેવ

કંકુ ઘોળી કંકાવટીઓ બે,
          ચોખે ભર્યા બે થાળ;
નૈવેદ્યનાં શત છાબડાં લીધાં,
          ફૂલ અને ફૂલમાળ:
                   હું ને એ મંદિર ચાલ્યાં,
                   અમારા દેવ વધાવા!
ઘંટ વાગે ને શંખ ફૂંકાયે,
          ફોરતા ધૂપસુવાસ!
ધન-સોનાના ઢગલા થાતા
          દેવનાં પગલાં પાસ!
                   પ્રભુનો પ્રેમ વધાવા
                   આવે સૌ ધન ધરાવા!
હસતી એ તો દ્વારમાં પેઠી,
          થંભી ગયા મુજ પાદ!
ઝાંઝપખાજ સહુ વીસરાયાં,
          આવ્યા નિશ્વાસના નાદ!
                   મંદિરનાં દ્વાર અગાડી!
                   સૂણું હું કકળતી નાડી!
લૂલાં, ઠૂંઠાં કો દીન ભિખારી,
          ભૂખે પીડાતો સમાજ!
ફાટ્યાંતૂટ્યાં ચીંથરાંથી ગંધાતા
          ઢાંકતા દેહની લાજ!
          ધરાના સર્વ નિસાસા!
          થીજી આ માનવી થાતા!
કુમકુમના મેં ચાંદલા કીધા,
          ચોખે વધાવ્યા દીન;
ભૂખ્યા દેવોને નૈવેદ્ય દીધાં,
          પાય પડ્યો હું હીન!
                   બધું મેં ધન લૂંટાવ્યું!
                   હજારોને હાથ ન આવ્યું!
હળવે મેં શણગાર ઉતાર્યા,
          આપી દીધા અલંકાર;
લૂગડાં દીધાં સર્વ ઉતારી,
          લાજ ન ઢાંકી લગાર:
                   મેં તો મારા દેવ વધાવ્યા!
                   આંસુડાં હર્ષનાં આવ્યાં!
હસતી મંદિરથી નીસરી એ,
          સ્વસ્તિક એને ભાલ!
ધૂળભર્યા મુજથી શરમાતી,
          હોય સ્નેહી શું કંગાલ?
                   એના તો દેવ રંગીલા!
                   મને તો ધૂળનાં ટીલાં!
ભટકી એના દ્વારમાં ઊભો,
          હસતી મારે કર્મ!
હુંય હસ્યો એના હાલને મીઠું,
          રડતાં બંને મર્મ!
                   ભિખારી મેં ગીતડાં ગાયાં!
                   પછાડી દ્વાર વસાયાં!
16-9-’30


મંદિર

દેવદુવારાની ગાવડી રેણુ
          ચરતી વગડા પાર;
સાંજ નમે ને વાછરું જોતાં
          દૂધની છૂટે ધાર —
                   આંચળ એના મૂઠ ન માતા:
                   દધિના કૂપ સમાતા!
આંખડી બે એની કોડિયાં જેવી,
          શીંગડી દીપક-વાટ;
કામદુધાની બેટડી રેણુ,
          સંતનો ઉર ઉચાટ:
                   ટણણણ ઘંટડી બોલે,
                   દિશાનાં બારણાં ખોલે!
કેમ થતું એ કોઈ ન જાણે,
          સંત રુએ દિન-રાત;
દિવસ ઉપર દિવસ ચાલ્યા,
          વાછરુને રઘવાટ:
                   રેણુનાં ધાવણ ખૂટ્યાં!
                   જોગીડાનાં સત શું તૂટ્યાં!
વાયરે વાયરે વાતડી ચાલી
          ફરક્યા કાનેકાન;
વાળંદિયે વાત નૃપને કીધી,
          રાણીને માલણ-સાન:
                   પાણો કો વગડા પારે!
                   નાવડતી દૂધની ધારે!
ચોરેચૌટેથી માનવ ચાલ્યાં
          ઊમટ્યાં ચારે જન;
રાજા, રાણી બેઉ પાલખી બેઠાં,
          જોગીનાં ફૂલતાં મન:
                   જંગલમાં મંગળ થાતાં!
                   જનો હૈયેહૈયાં દળાતાં!
શેવતીમાં શિવલંગિ છુપાયું,
          ઉપર છાતીમ-છાંય;
રેણુડી મોકળે આંચળ ઊભી,
          દૂધની ધારે ન્હાય:
                   ધૂતરાનાં ફૂલડાં ડોલે!
                   બપૈયા બે ડાળીએ બોલે!
લંકાદ્વીપેથી સોનાં મંગાવ્યાં,
          રેવાના આરસપ્હાણ;
એશિયા-ઉરથી શિલ્પવિશારદ,
          નાંગરે આરે વ્હાણ:
                   મહા ઘોર ઘુમ્મટ બાંધ્યાં;
                   ધરા-આભ થાંભલે સાંધ્યાં!
મધ્યમ દેશનું ઈંડું ચડાવ્યું,
          જાવાના ઝૂલતા ઘંટ;
હીરા ખોદી શત ખાણના ચોડ્યા,
          વાવટા વ્યોમ ઊડંત:
                   નવે દ્વીપ નામના ગાજે!
                   આવે લોક દર્શન કાજે!
પુર મહીં દીપમાળ રચાઈ,
          શેરીએ પાથર્યાં ફૂલ:
માનવીથી ભરચક ઝરૂખા,
          ઝૂલતાં તોરણ ઝૂલ:
                   રાજા-રાણી પાલખી કાંધે,
                   મહીં શિવલંગિ વિરાજે!
દૂર ઊભા ઊભા ઢેઢડા જુએ,
          કોઈ ન આવે પાસ;
ભીની આંખે શિવલંગિ નિહાળે,
          પાથરે પથ નિશ્વાસ:
          ‘છી! છી!’ કરી મા’જન ભાગે:
          ધિક્કારના ધૂતકા ગાજે!
વેદી પરે શિવલંગિ ધર્યું જ્યાં,
          કંપતી ધરાણી માત;
ઘુમ્મટ ફાટ્યો, આભ ધ્રૂજી રહ્યું,
          સ્તંભ ખર્યા ધધડાટ:
                   ચીરે સાત વ્યોમ ધડાકો!
                   દેરે નવ દેવડો માતો!
નૃપતિના બેઉ હોઠ ધરુજ્યા,
          આંખ ઝરે અંગાર;
કંપ નહિ એની કાયમાં માતો,
          જીભ ધ્રૂજે ક્ષણ વાર:
                   પાણાને ધૂળમાં રંગો!
                   કીચડનો રચજો દંગો!
કોઈ નથી ઊભું ક્યાંયે નિહાળી
          ધ્રૂજતો આવ્યો ઢેઢ:
રાતનાં આંસુ વ્યોમમાં ફૂટ્યાં,
          દેવગંગાનો વેઢ:
                   આંસુડે લંગિને ધોયું;
                   સૂકા વાળે અંગને લ્હોયું!
ઝૂંપડીમાં જ્યમ લંગિ મુકાયું
          ફૂટતી અમૃત વાચ—
સાત નભોના ઘુમ્મટ તાણો,
          માયે ન તાંડવ નાચ:
                   તોયે તારું ઝૂંપડું મોટું!
                   ત્યજાયાંને ઉર આળોટું!


પાપી

કોટિ કોટિ નિહારિકા ઘૂમે,
          કોટિ પ્રકાશના ગોળ:
          કોટિ પ્રકાશના ગોળ;
નવલખ તારલા લોકવાણીના,
          સૂરજ રાતા ચોળ:
                   એવું અંતરીખ તણાયું,
                   અનન્તનું ગેબ ચણાયું!
ટમટમે ઘર-દીવડા જેવો
          સૂરજ આપણો એક:
          સૂરજ આપણો એક;
આભ-અટારીના એક ખૂણામાં,
          એક ખૂણામાં છેક:
                   વળી એનું મંડળ મોટું,
                   ગુરુ-શનિ આઠનું જોટું!
આઠ ગ્રહોનાં આઠ કૂંડાળાં,
          એમાં કૂંડાળું એક:
          એમાં કૂંડાળું એક;
પૃથ્વીનો મારગ પાંચમો ને આડા
          ચાંદના ચાંદ અનેક:
                   એમાં પાંચ ખંડ સમાણા,
                   પાંચેનાં અલાયદા થાણાં!
પાંચમાં તો જરી એશિયા મોટું,
          એમાંય હિન્દુસ્થાન:
          એમાંય હિન્દુસ્થાન;
હિન્દમાં મુંબઈ એક ઈલાકો,
          વાણિયાઓનું ધામ:
                   ઈલાકે ગુર્જર વાડી,
                   દારૂ ઓછો, ઝાઝી તાડી!
ગુજરાતમાંય કચ્છની પાંખમાં,
          આવ્યો કાઠિયાવાડ:
          આવ્યો કાઠિયાવાડ;
એમાંયે વળી એક ખૂણામાં,
          શેતરૂંજાના પહાડ:
                   એમાં એક ગામ સંતાણું,
                   એનું મારે કરવું ગાણું!
શેતરૂંજાના ડુંગરા ડોલે,
          વચમાં ગાંભુ ગામ:
          વચમાં ગાંભુ ગામ;
કાળા ભગતની લીમડીનું ઠૂંઠું,
          આંગળી ચીંધે તમામ:
                   મોટી મોટી વાતમાં મારું,
                   નાનું ગાણું લાગશે ખારું!
શેતરૂંજીનાં નીર વહ્યાં જાય,
          ગાંભાની કોર ઘસાય:
          ગાંભાની કોર ઘસાય;
ગામને પાદર રામદુવારે;
          સાંજના આરતી થાય:
                   ફળીમાં લીમડી લૂમે,
                   લીંબોળીનાં લૂમખાં ઝૂંમે!
એક દી’ને સમે વાત રહી ગઈ,
          ધાર્યું ધણીનું થાય:
          ધાયું ધણીનું થાય;
મારનારો ઉગારનારો બધું
          એ જ; કશું નવ જાય:
                   કે’તાં જીભ તાળવે ચોંટે,
                   વહે લોહી દિલમાં દોટે!
સાવ હતો દિન ઊજળો ને હતો
          ધોમ ધખેલ બપોર:
          ધોમ ધખેલ બપોર;
ગરમી! ગરમી! યોગ્ય હતું ટાણું
          કાંધ જો મારવો ચોર:
                   બેઠું’તું રામદુવારે,
                   હરિજન એકાકારે!
નવ હતા બેઠા ભાવિક, વચ્ચે
          બાવાજી વાંચે પાઠ:
          બાવાજી વાંચે પાઠ;
એક ખૂણામાં ગોદડી નાખી
          વાળી અદબ પલાંઠ
                   અગ્યારમા કાળુ ભાભા,
                   મૂછો જાણે રૂના ગાભા!
કેમ થયું એ તો રામજી જાણે,
          છૂટ્યા વા બારેબાર:
          છૂટ્યા વા બારેબાર;
આભમાં મેઘાડંબર ગાજ્યો
          વરસે મુશળધાર:
                   ડોળું ડોળું આભ ડોળાયું,
                   નદી મહીં ઘોડલું ધાયું!
સનન સનન વીજ ઝબૂકે
          કાન ફૂટે કકડાટ:
          કાન ફૂટે કકડાટ,
કોઈનાં ઊંચે છાપરાં ઊડતાં,
          કોઈનાં ઊડતાં હાટ:
                   માળામાં કાગ કળેળે,
                   ઝીંકાઝીંક ડાળીઓ ખેલે!
કડડ કરતા થાય કડાકા,
          વીજ ઝઝૂમે શિર:
          વીજ ઝઝૂમે શિર;
પડી કે પડશે, મરશું બાપલા!
          મૂંઝાયા ધારણધીર:
                   અગ્યારેયે આંકડા ભીડ્યા,
                   એવામાં બાવાજી ચીઢ્યા!
પાપીને માથે વીજ ઝઝૂમે!
          (એમ)લોકની વાણી ગાય:
          લોકની વાણી ગાય;
અગ્યારેને મારવા કરતાં
          સારું જો એકને ખાય.
                   બાવાજીએ સાફ સુણાવ્યું,
                   કોઈનેયે મન ના ભાવ્યું!
સાંભળો સાચનાં વેણ સાધુજન!
                   સૂચવું એક ઉપાય:
                   સૂચવું એક ઉપાય;
સામી ફળીમાં ડોલતી લીમડી,
          પંચ એ પાપણી થાય:
                   જઈ જઈ હાથ અડાડો,
                   પાપી શિરે વીજનો ખાડો!
એક પછી એક લોક ઊઠે, ને
          સર્વના ધ્રૂજતા પાય:
          સર્વના ધ્રૂજતા પાય;
અડ્યા કે ના અડ્યા એમ કરીને
          ચટકે પાછા ધાય:
                   આવીને ‘હાશ!’ કરંતા,
                   સહુ સાથે બાથ ભીડંતા.
નવ જણાએ હાથ અડાડ્યા
          જીવ્યા નવેના નવ:
          જીવ્યા નવેના નવ;
કાળો ભગત તો ઘરડું માણસ!
          બાવો કે’ જાવા ન દઉં.
                   લીમડીએ હાથ અડાડ્યો,
                   બાવોયે પાછો આવ્યો!
કાળું કરો તમ મુખડું, કાળા!
          ફટ રે ભગત નામ!
          ફટ રે ભગત નામ!
પાપી તમે નક્કી, વારો તમારો,
          નામ જેવાં તમ કા!
                   સહુ ફિટકાર વહાવે,
                   ભગતને મન ન આવે!
ડૂલતા, ધ્રૂજતા, ભગત ઊઠ્યા,
          પોં’ચ્યા એ લીમડી પાસ:
          પોં’ચ્યા એ લીમડી પાસ;
કડડ કરતો થાય કડાકો,
          સહુના અધ્ધર શ્વાસ:
                   ભગતના રામ રમ્યા શું?
                   પાપી કેરું પારખું તો થ્યું!
સનન કરતી વીજળી આવી,
          દશને લીધા બાથ:
          દશને લીધા બાથ;
કાળા થઈને કોલસા કેરા,
          સહુના પગ ને હાથ:
                   જીવ્યો કાળો લીમડી કેડે,
                   માર્યા દશ રામજી-મેડે!
જાવ જદિ કોઈ પાન્થ, મુસાફર!
          શેતરૂંજીને તીર:
          શેતરૂંજીને તીર;
ગાંભાને પાદર રામદુવારે
          થામજો ભાઈ લગીર,
                   કદી કો બાળને જાચો!
                   બતાવશે થાનક સાચો.


સ્વરાજરક્ષક

ધીમે સરી શાશ્વત બ્રહ્મચારિણી
ઉષા પ્રસારે ભગવી પ્રભાને;
કર્મણ્યતા પાય વસુંધરાને
સુધા સ્મિતે, ચેતન-દંડ-ધારિણી.

વાંછી સુખો લોક, સમાજ, સર્વનાં,
પળ્યા પ્રવાસે નિજ કર્મદંડી,
સમર્થ સ્વામી ગ્રહી ધર્મઝંડી:
સ્વરાષ્ટ્રના—પ્રેરક—મુક્તિપર્વના.

ઇચ્છ્યું મળે સ્વામી શિવાજીરાજને,
શિષ્યો થયા ચાર સમર્થ સાથ;
ધખે નભે ધોમ પ્રકાશનાથ,
સહે ગણી ધર્મ સ્વરાષ્ટ્ર — કાજને.

મધ્યાહ્નના અગ્નિ અસહ્ય વર્ષતા,
સ્વામી સૂતા શીતળ વૃક્ષછાંયે:
લળી લળી વૃક્ષ સુવાયુ વાયે:
જ્વાલા ઝરે: સ્વામી અગમ્ય હર્ષતા.

શિષ્યો ફરે ખેતર આસપાસ,
હસી રહ્યો શેલડી-વાઢ ભાળી;
પેઠા નથી કો ક્યહીંયે નિહાળી,
ચૂસી ચૂસી સાંઠ કરે ખલાસ.

ટીપે ટીપે ખેડૂત સ્વપ્રસેવે,
એ શેલડીમાં રસ મિષ્ટ પૂરે.
દેખી લીધું સર્વ ઘડીક શૂરે,
હાથે ધરી લાકડી અન્નદેવે—

ઊભા રહો બે ઘડી, ઓ હરામી!
આ શેલડીનો જરી સ્વાદ ચાખો.
દેખી ધ્રૂજે ક્રોધિત લાલ આંખો,
દોડી પૂગ્યા જ્યાંહીં સૂતેલ સ્વામી.

સ્વામી હસે છે મધુરું સુહાસ,
ખેડુ ગ્રહી લાકડી આવી ઊભો.
ચોરો બધા આ, સરદાર તું તો!
સોટા સબોડે થઈ એક શ્વાસ.

સ્વામી હસે, લાલી ચડે સુગાલમાં,
સોટા સહી થાય ગુલાલ વાંસે;
શિષ્યો ધસ્યા ખેડૂત આસપાસે,
સ્વામી વદે: ખેડૂત હાથ ઝાલ મા.

સ્વહસ્તે સ્વામીને રાજા શિવ સ્નાન કરાવતો;

નિહાળી લાલ વાંસાને ક્રોધથી રાય કાંપતો.


કહો કહો, કારણ શું, સમર્થ?
કશું નથી, વત્સ! સમર્થ ભાખતા.
પૂછી પૂછી રાય શિવાજી થાકતા;
કર્યા પ્રયત્નો સહુ જાય વ્યર્થ.

શિષ્ય એકે કરી વાત, રાયનો ક્રોધ માય ના!

સેવકો, બાંધીને લાવો, જરીયે ઢીલ થાય ના!

ઊભો ધ્રૂજે ખેડૂત રાય સામે,
કાંપી રહ્યા ક્રોધથી ઓષ્ઠ રાયના;
શિવે મૂક્યું મસ્તક સ્વામીપાયમાં:
શિક્ષા કરું શું હું સમર્થ આને?

હસી રહ્યા સ્વામી સુમંદ હાસ,
શિવાજી! એનું કર દાણ માફ
રાજા બની સ્તબ્ધ હુવા અવાક!
ખેડુ પડ્યો પાય સમર્થ પાસ.

બેટા, અમે સર્વ હરામ-ભક્ષક!
ડર્યો નહિ શિષ્ય સમીપ ચાર,
વડો ગણી ચોર કર્યા પ્રહાર,
સન્માન એવા તું સ્વરાજ્ય—રક્ષક!
8-12-’29


પ્રણયપુત્રમાતા

... (અંજનીગીત)
પુત્ર અલૌકિક આપો કોઈ,
          માતા બનવા હું તૈયાર!
માત્ર પિતા બનવાનું સાટું,
          અન્ય નહિ આપું અધિકાર!
                   અંજનીગીત ઊભરાતું જાતું;
                   ત્રિલોક છંદ થકી ઊભરાતું!

જોરૂ નહિ પણ જાયા બનવું,
          સર્જન સંવેદનની મ્હાણ!
અર્ધું ચેતન કોઈ આપો,
          અર્ધાની ઊભરાતી ખાણ!
                   વાંછા સંવેદન ત્રાડે,
                   દિશા-દિશા પડઘા પાડે.

ઉત્ક્રાંતિના ક્રમમાં આજે,
          લોક તણું સર્જન થાતું!
પુત્ર અલૌકિક સર્જાવીને,
          પગલું ભરવું લંબાતું!
                   ઉત્કંઠાયે દેહ ધરે,
                   નૃત્ય કરંતી થરવિથરે!
પુત્ર અલૌકિક આપો કોઈ,
          માતા બનવા હું તૈયાર!
અર્ધ અલૌકિક મુજમાં કૂદે,
          અર્ધ શોધવું પેલે પાર!
                   શબ્દ-શબ્દ ગાજે માતા!
                   અતૃપ્ત, ઘેલી સર્જકતા!
સાગરનાં ઊછળતાં મોજાં,
          ફેન સ્ફટિકનાં સર્જાવે!
એવાં ફેન થકી સર્જેલી
          અંજની એકલતા ગાવે!
                   ઊગમ એનું તો તોફાન!
                   મુખર મુખ એકલતા ગાન!


વાયુગીત

સર્વ દેશનો વાસી તોયે
          પરવાસી સઘળા દેશે!
વિશ્વ ક્રીડાસ્થળ મારું તોયે
          ભમવું પરદેશી વેશે!
                   પવનગીત ઊભરાતું જાતું;
                   ત્રિલોક છંદ થકી ઊભરાતું!
સચરાચરમાં પેસી-પેસી,
          સઘળામાં હું પૂરું પ્રાણ!
કાર્ય કરીને પાછું જાવું,
          રાખ્યું ના કોઈ એંધાણ!
                   વાંછા સંવેદન ત્રાડે,
                   દિશા-દિશા પડઘા પાડે.
પિતૃદેશેયે પરદેશી,
          બંધન મુજને ભાવે ના!
આત્મવિલોપન માગ્યા વિણ કો’
          પંખી માળે આવે ના!
                   ઉત્કંઠાયે દેહ ધરે;
                   નૃત્ય કરંતી થરવિથરે!
સર્જાવું, સર્જાવું મોંઘું!
          અધીર હૃદય નાખે નિ:શ્વાસ!
ભેટ ધરીને ભાગી જાવું,
          કોઈ કરે એનોય વિકાસ?
                   શબ્દ-શબ્દ ગાજે કર્તા!
                   અતૃપ્ત, ઘેલી, સર્જકતા!
બ્રહ્માનેયે વિચલિત કરતો,
          વણથાક્યો સર્જનનો નાદ!
એવા શાશ્વત ઉદ્યમનાદે,
          પવનરાજના રાજે પાદ!
                   ઊગમ એ જ પ્રસરવું-ધાવું!
                   અટક્યા વિણ એકલતા ગાવું!


પડઘો

ઉભય અધૂરા વ્યંજિત નાદો
          એકબીજાને જઈ અથડાય!
સાગર-ગાને, વ્યોમ ઊભરતો,
          પ્રકંપતો ત્યાં પડઘો થાય!
                   છૂપી છૂપું દિવ્ય પ્રભાત,
                   સાંભળતું બેઉની વાત.
પવન કહે: વિદ્યુલ્લેખા! તું
          પરવાસીને કાં બોલવ?
બંધાવું મુજને ભાવે ના,
          આજ અહીં ને ક્યાંયે કાલ!
                   તુજને પાપિષ્ઠા ગણશે,
                   લોકોક્તિ નિંદા ચણશે!
અંજની કહે: હું જન્મી માતા,
          પ્રણય-પુત્ર મારો અધિકાર!
ધખતો તારો ચેતન-તણખો
          મારો પ્રણય તણો ભંડાર!
                   પુત્ર અલૌકિક સર્જીશું!
                   ન હોય લૂલું માનવબાળ!
આવી વસજે કોઈ વસંતે,
          પધારજે પાછો પરભાત!
બાધું નહિ, ને બંધાવું ના,
          પત્ની નહિ પણ બનવું માત!
                   લોકોક્તિ ક્યાં અડવાની?
                   તુચ્છ તંતુની એની જાત!
રોમરોમમાં પ્રણયસ્પર્શથી
          અંજનીને નવ-કૂંપળ થાય!
અંગ મહીં ઉત્કટતા વ્યાપે,
          હૈયામાં ભરતી લ્હેરાય!
                   જિતેન્દ્રિયને જન્મ દઈ,
                   પ્રણય-પુત્ર-માતા ધન્યાય!
3-3-’34


રોહિણી

ધીમેધીમે રવિકર સર્યા વારિધિ આસપાસ,
ધીમેધીમે રવિમુખ નમ્યું, આંજતું અંતહાસ;
ધીમે સૂર્યે અતલ જલના ઓષ્ઠમાં ઓષ્ઠ પૂર્યા,
ઢોળાયા ત્યાં જલદલ પરે શેરડા સ્નેહસ્ફુર્યા.

વ્યોમે જોયું, વદન મલક્યું, કંકુના કુંડ ઢોળ્યા,
સંધ્યાએ ત્યાં તરલ તરતાં સર્વ સ્વાંગો ઝબોળ્યા.
એવાં બોળી ઉભય ઉરને સાગરે પ્રેમઘેરાં,
ઊભી જોડી નયનનયને કાંઠડે સિંધુકેરા.

પ્રાત:કાલે નગરપતિનો પુત્ર જાવા સિધાવે,
છેલ્લીછેલ્લી હૃદયપ્રતિમા સાથ ગોષ્ઠી ચલાવે;
રૂંધાયેલાં ઉર ઉભયનાં: શબ્દ તૂટે અપૂર્ણ:
સો-સો ગોષ્ઠી ઉભય કથતાં, આંખથી અશ્રુપૂર્ણ.

પ્રાત:કાલે નગરપતિનો પુત્ર જાવા સિધાવે,
છેલ્લીછેલ્લી હૃદયપ્રતિમા સાથ ગોષ્ઠી ચલાવે;
રૂંધાયેલાં ઉર ઉભયનાં: શબ્દ તૂટે અપૂર્ણ:
સો-સો ગોષ્ઠી ઉભય કથતાં, આંખથી અશ્રુપૂર્ણ.

પ્રાત:કાલે અતલ જલ આ, રોહિણી! ફેરવાશે,
મસ્તી માટે વિરહદુખનાં તાન-આલાપ ગાશે;
આ કાંઠે તું સમદરતણા, પાર ઊભો હું પેલે,
ગાશું ત્યારે સૂર સરકતા આવશે વારિહેલે.

ને રાત્રીએ ગહન જલમાં રોહિણી — પાંચ તારા —
નિત્યે જોજે, પ્રિય! પલકતાં માનજે અશ્રુ મારાં.
એવે થાતા ઉદય નમણે ગાલ સંધ્યા-ઉષાના,
ચૂમ્યાચૂમ્યા ગુલ ઊઘડતા ગાલ એણે પ્રિયાના.

જોઈજોઈ નયનનયને કોલ દીધા અનુક્ત,
તારાઓથી મુખ ચમકતું વ્યોમનું હાસ્યયુક્ત;
ગેલંતા એ અનિલ ભ્રમરે સુંદરી પદ્મ સાથે,
સુણ્યા કોલો અકથ: રજનીનાથ પોંખે સુહાસે.

કાંઠેકાંઠે હૃદય ભમતું એક પ્રેમી વિયુક્ત,
સંધ્યાએ ત્યાં પ્રતિદિન, જ્યહાં કોલ લીધા અનુક્ત;
જોઈ તારા ઉર સળગતું, આંખ મીંચે-ઉઘાડે,
મૂંગામૂંગા હૃદય-પડઘા અબ્ધિ એના ઉપાડે.

વીત્યાં વર્ષો; હૃદય કુમળું શુષ્ક, ખંડેર સૂનું;
વારિ ખૂટ્યાં નયનસરનાં, એક આંસુ ન ઊનું;
કાંઠે ઊભી સુતનું-સ્વરૂપા પૂર્વમા નેન નાખે,
સામે કાંઠે હૃદય વસતું ઊડીને પ્રેમપાંખે.

ઘેરીઘેરી ગગનગહની રાત્રિએ સૌ વિરામે,
ત્યારે દોરી નયન નમણાં રોહિણી, તીર સામે;
ઊભે નિત્યે અચળ, પ્રતિમા હોય પાષાણ કેરી,
આંખો જાણે પલ પલકતી તારલી બે સુનેરી.

જેવી દીસે ક્ષિતિજસરિતે પક્ષમાલા બગોની,
તેવી દીસે જલધિક્ષિતિજે કાફલી સો સઢોની;
ઊંચા-નીચા સઢ ઊછળતા-ઝૂલતા સિંધુ-મોજે,
એવું કાંઠે હૃદય ઊછળે નાવશું પ્રેમહોજે.

આવે આજે નગરપતિનો પુત્ર પાછો કમાઈ,
સો-સો વ્હાણે શગ ખડકતાં માંડ લક્ષ્મી સમાઈ;
જાણે લાવે સકળ ધનભંડાર એ લૂંટી જાવા,
કાંઠે ઊભા પુરજન સહુ સાહસીને વધાવા.

સૂકાં ઠૂંઠા તરુવરગણે જેમ ખીલે વસંત,
ઘેરાયેલાં ગગન ઊઘડે તારલાઓ હસંત;
એવા એના હૃદયરણમાં સ્નેહના ઓઘ છૂટ્યા,
અંગેઅંગે, ઉર, વદન, સૌંદર્યનાં પુષ્પ ફૂટ્યાં.

ગૂંથી વેણી બકુલફૂલડે, સંદૂિરે સારી સેંથી,
આંજી ભૂરાં નયન સુરમે, પાનીએ પાઈ મેંદી;
તારા ગૂંથી શરીર ધરતી રોહિણી, ચૂંદડીને,
આવે કાંઠે સભર ઉર, ગાલે ગુલાબો મઢીને.

ધીમેધીમે બગ સરીખડાં નાવડાં પાસ આવે,
બાલા સ્વપ્ને પ્રિયજન અહા! ભેટ મીઠી શું લાવે?
કાંઠા પાસે હૃદય ધડકે — જેમ વ્હાણો પધારે,
સંતાડે જ્યાં હૃદય-ધબકા, ગાલ દીપ્તિ વધારે.

સંધ્યાકાળે નગરસમીપે નાંગર્યાં નાવ આરે,
કૂદી નીચે પુરપતિતણો પુત્ર કોને ઉતારે?
નીચે આવી રતિસમરૂપા કોઈ સૌંદર્યવંતી,
ધીમે ચાલે નગરપતિના પુત્ર સાથે હસંતી.

માતા આવી સજલનયના: પુત્ર માથું નમાવે,
બ્હેની જોડી નીરખીનીરખી, પુષ્પ વેરી વધાવે;
સામૈયું એ પુર ભણી વળ્યું, વાગતાં ઢોલ-તાસાં,
એકાકી કો ક્યમ તીર ખડી, મૂર્તિશી સ્તબ્ધશ્વાસા?

ધીમેધીમે રવિકર છૂટ્યા વારિધિથી વિખૂટા,
ધીમેધીમે રિવ-જલ તણા ઓષ્ઠથી ઓષ્ઠ છૂટ્યા;
ધીમે સૂર્યે વિરહજલમાં ઝંપલાવ્યું અગમ્ય,
વેરાયા ત્યાં અતલ જલમાં શેરડા દુ:ખજન્ય.

વ્યોમે જોયું હૃદય બળતે, ગાલમાં લોહી દોડ્યું,
સંધ્યાએ એ વિરહસમયે મૌન આક્રંદ જોડ્યું;
ડૂબ્યા સૂરો જન-સકળના શે’ર કેરી દિશામાં,
તારા ઊગ્યા વદનકમળે આંસુડાં શા નિશાનાં.

ગાજે ઘેરું અકથ જલધિ, હાથ કાંઠે પછાડે,
કૂદીકૂદી હૃદય દુખતાં, જોરથી બૂમ પાડે;
કાંઠે ઊભી ઝળહળ થતી ઝાળતી એ ચિતા શી,
ઝંઝાવાતે જઈ જલધિએ બૂમ પાડે: ખલાસી!

આપું, વીરા, ધન સકળ આ અંગ માથે મઢેલું,
પ્હોંચાડે જો સમદર તણી મધ્યમાં નાવ વ્હેલું!
પ્હોંચે-પ્હોંચે ઉદધિપટની મધ્યમાં નાવ ત્યાં તો
ગાજી ઊઠ્યો દિશ-સકળમાં રોહિણીનો ધુબાકો!
1-7-’30


અવલોકિતેશ્વર

ઉચ્છ્વાસતો કાનન—મર્મર—ધ્વનિ,
શરૂ-તરુનાં વન વીંધતો વહે;
લળી જતો મંજરી ભાર વેરી,
ઊંચા ઊંચા સાગ નીચા નમી રહે.

પ્રચ્છન્ન રૂપે પગદંડી પાતળી,
તૃણાંકુરોમાં અટવાતી આથડે;
કરી રહ્યો નિર્ઝર કલ્કલધ્વનિ,
કો ગહ્વરેથી જલ-ધોધવા દડે.

મધુસ્વરે સોહિની ગાય શ્યામો,
નિબિડથી નીલમ દેવદારુની,
અને હિમાદ્રિ શતશૃંગ ટોચે,
ચડી પડે પ્રાતર—બ્હેન આરુણી.

આગે બઢ્યો હું કરી સ્નાનસંધ્યા,
તિબેટની પ્રાંતસીમા જરા વીંધી;
કુલી દૂરે ટેકરીઓ વચાળે,
દેખાડતો દેવળ આંગળી ચીંધી:

સામે જુઓ તેજ દલાઈ લામા,
આરૂઢતા ત્યાં અવલોકિતેશ્વર:
અહીં ઊભો હું, જઈને ત્વરાથી,
આટોપી લ્યો સત્ત્વસ્વરૂપ દર્શન!

[તંદ્રા]
આકાશનો ઘુમ્મટ ઘેર સાંધી,
બાંધી લીધું મેઘધનુષ્ય તોરણે:
મરાલનો મોડ ધર્યા વિમાને
મૂકી દીધાં મત્તમયૂર વીંઝણે.

વીણા લઈ ગાંધરવો બજાવે,
ઊડી કરે ગાયન અંતરીક્ષમાં;
પદે પદે તાલ ધરી મૃદંગે,
કરી રહ્યા કિન્નર તો પ્રદક્ષિણા.

મંદારની માલ્ય કરે ધરીને,
અશ્વિની ઊભા કરતા પ્રતીક્ષા:
શચિ, શુચિ, અગ્નિ, અરુણ, વાયુ,
આતુર હસ્તે ગ્રહી દિવ્ય દીક્ષા.

અસ્તાચળે, ઉગમણી દિશાન્તે,
મૂકી દીધા સૂરજ-ચંદ્ર દીવડા:
પૃથ્વી થકી ઊર્ધ્વ ધસંત કેડીએ,
વૈતાલિકો હાર કરી રહ્યા ખડા.

જન્માન્તરોની ફૂદડી ફરીને,
આજે પધારે અવલોકિતેશ્વર;
મનુષ્યનો દેહ ત્યજી દઈને,
જતા હતા મોક્ષ—સ્વધામ ઈશ્વર.

અને હવામાં ઊડતી પતાકા,
વિમાનનો મંગલ શબ્દ ગુંજતો;
વૈતાલિકો ગાન ધરે: મૃદંગે
પદે પદે કિન્નરતાલ ઊઠતો.

આકાશમાં ઝાલર ઘંટ વાગે,
ને ગાજતો મંગલ શંખનો ધ્વનિ;
દેવાંગના આરતીને સમારતી
ગજાવતી વિશ્વ કરી હુલુધ્વનિ.

ખમા, ખમા! પ્રેમલ બોધિસત્ત્વ!
જ્યો! જ્યો! ઓ અવલોકિતેશ્વર!
પુકારતા દેવગણો જયધ્વનિ,
ગાજી ઊઠ્યું ત્યાં સઘળું ચરાચર.

ને મોક્ષના ઉંબરમાં પગો ધરી,
જ્યાં થોભતા’તા અવલોકિતેશ્વર:
પૃથ્વી થકી હાય ઊઠંત આકરી,
નિશ્વાસતાં દુ:ખિત નારીઓ નર
આંખો મીંચીને મુખ ફેરવી લીધું,
ખેંચી લીધા પાય ત્વરિત તાનમાં;
ને મોક્ષના ઉંબરથી ફરી જઈ
પૃથ્વી ભણી એ પળતા વિમાનમાં.

પૃથ્વી તણો દુ:ખિત પ્રાણ છેલ્લો,
ન મોક્ષના ઉંબર માંહી જ્યાં લગી;
દુખાર્ત સંગે બનું એક હું દુ:ખી,
ન મોક્ષનો લોભ શકે મને ઠગી!

મંદરાની અશ્વિનીમાલ્ય તો સરી!
ને સાથમાં બે નભરતારલી ખરી!

                   *

કુલી ઊભો’તો દ્વય આંખ ફાડી
દેખાડતોદ મંદિર ચીંધવી કર:
અહીં ઊભો હું, જઈને ત્વરાથી,
આટોપી લ્યો સત્ત્વસ્વરૂપ દર્શન.

લે ચાલ તું, દર્શન તો પૂરું થયું!
આશ્ચર્ય એનું ઊલટું વધી ગયું!


રૂપરાણી

1
સ્રજું-સ્રજું મૂર્તિ અપૂર્વ એક;
સૃષ્ટિ ભલે થાય કુરૂપ આ પછી!
વિચારીને અંતરમાં પ્રજાપતિ
ઘડી રહ્યા નૂરજહાં યુગૈક.

શિવે કરી ભસ્મ રતિપતિને
અનંગનું અંગ દીધું;’ ભૂતિ પડી;
ચતુર્મુખે રાખકૃતિ રચીને,
ચંદ્રી તણી ચામડીથી લીધી મઢી.

પાતાળનો વાસુકિ નાગ આણી
શિરે મૂક્યો શેષ—સ્વરૂપ ચોટલો;
આકાશમાં મેઘધનુષ તાણી
સજી લીધો નેણથી ભાલ—ઓટલો.

પૃથ્વીવિજેતા નર-પુંગવોને
પળેપળે દિણ કરી પછાડ્યા;
ચિતોડ ને ટ્રોય સમાં પુરોને
નિમેષમાં મૂળથી ખેંચી કાઢ્યાં —

એ દીપ્તિ, એ તાંડવ દૃષ્ટિ કેરું,
જેતા તણી જીત કરંત સુરમું;
મહીં વળી કાતિલ કૈં ઉમેર્યું,
ચક્ષુદ્વયે સર્જનશ્રેષ્ઠને ભર્યું.

સમુદ્રનાં લાખ તુફાન સંઘરી
છાતી તણાં બેઉ કપોતમાં ભર્યાં:
આષાઢની બીજકલા કટિ કરી
મયૂરનાં નૃત્ય ઉપાંગમાં ભર્યાં.

2
ઊભી હરિપર્વત નામ ટેકરી
કાશ્મીરના રાજપુરે ઝળૂંબતી;
રાતા-લીલા સ્વાંગ સુરાંગના ધરી
બદામની ભવ્ય ઘટા રહી નમી.

દિલ્હી તણી ના ગરમી સહાતાં
કાશ્મીરનો નૂર કરે પ્રવાસ;
બદામડી હર્ષ નહિ સમાતાં
ઝરી પડે મ્હોર! અખંડ આશ!

દિલ્હી થકી જમ્મુની વાટ લેતાં,
ઓળંગવી પ્હાડીય પીરપુંજની;
નજીકમાં પુષ્કર વ્હેરી નાગની,
ભૂરું હસે જેલમ જન્મ દેતાં.
સલીમ શું સ્નાનક્રીડા કરંતાં
બપોરયે જાય બપોર ચાલી!
પ્રાસાદની રાત્રિક્રીડા સ્મરંતાં
નિશા તણી દીપ્તિ બને નમાલી.

પદેપદે પર્વતને કૃપા કરી
જહાં તણું નૂર ચડંત ટેકરી;
સમીરની વાય સુગંધ-બંસરી,
વનેવને કોકિલ ગાય માધુરી.

શરીરનો આરસ ઓળખાતો
ધરેલ સાળુ શબનમ્ સમો ચીરી;
ચંદ્રી તણા પાલવમાં સમાતો,
વિભાવરીનો શણગાર વિકિરી.

ઈરાનનાં રક્ત ગુલાબ વેરી
ઢાંકી દીધાં માર્ગ, પહાણ ને શિલા;
પડે પદો એ પર મત્ત લ્હેરી;
શિરીષના પ્રાંતપરાગ કોમળ.

ને સ્પર્શથી સ્પંદન ઊડતાં દીસે,
છૂટી પડી પાંદડી રેખરેખમાં:
અનંગનાં ઇંગિત પેખતાં મિષે,
રોમાંચ સ્ફુરેય અકંડ ભેખમાં.

કટિ પરે હસ્ત પ્રસારી ચાલે
સલીમ ત્યાં નૂરજહાનની કને;
આકાશના ગેબી વીજ મ્હાલે,
કો અભ્રને પ્રાંત ક્ષિતિજ આસને.

અને ત્યહીં શેવતી પાંદડીના
ઢગો કરી પાથરિયા પલંગો;
બદામના મંજરી-મ્હોર ભીના,
ઝળૂંબતા ઉપર કૈં તરંગો.

ધીમે પદે વિશ્વસ્વરૂપ આવી
કૂદી પડે શેવતી-સેજ ઉપરે;
સલીમને બાથ મહીં હલાવી
આકાશની વીજ બધી દૃગે ભરે.

અને પછી પરુષ-પ્રકૃતિના
તુફાનમાં વિશ્વબળો પધારે:
ને વીજશી નાર ચમત્કૃતિમાં
રોળાઈને પુરુષબાળ હારે.

ને ચક્ષુથિ દિપ્તિ ઉછાળતી કરી,
બ્રહ્માંડને ઝાંઝળિયાં ચડાવે;
ને વિશ્વસંકેત મહીં તૂટેલાં
પુરુષનાં કૈં મડદાં ઉછાળે.

હસી રહે નૂર, સ્વરૂપરાણી,
ઘડીકમાં શૂન્ય કરી સલીમને;
ને ચક્ષુમાં વિશ્વવિલાસ આણી
વિજિતશી પેખતી, ઉપરે નમે.

અને ઊંચેથી વરસાદ થાતાં
બદામડી મંજરી-મ્હોર-પુષ્પનો;
એ સ્નાનનો મોદ ઉરે ન માતાં
સમ્રાજ્ઞી ત્યાં લાસ્ય કરંત વિશ્વનો.

જોયું નભે તાંડવ ચક્ષુઓ ભરી,
રોમાંચશા તારક ઊછળી પડે;
ને ભૂતની ગહ્વરગાળીને ચીરી,
સૌન્દર્યનું પૂજક સૈન્ય ઊપડે.

વાગીશ્વરીનાં ઇતિહાસ-પાનાં
સ્વરૂપ-ફૂંકે ક્ષણમાં ઊડી પડ્યાં;
વંટોળિયા પાન તણા નભે ચડ્યા,
નવે નભે ના સઘળાં સમાણાં.

આકાશના ઝુમ્મરમાં ઉડુ ઘણા,
અધિકડા એથીય આ વિમાનમાં;
શિલ્પી, કલાકાર, કવિ સ્વતાનમાં
પ્રશસ્તિના રાખી અનંત તાંતણા —

ઊડે : ઊડે તારકનાં પતંગિયાં,
શશી સમી શેવતી પુષ્પિકા પરે
ધરા તણા કાવ્યધરોય આદરે
પ્રદક્ષિણા ઘેરી અનુપઅંગી આ.

સૂકેલ આ પાનખરે ખરેલાં
ધરા પરે પુંજ થયેલ પાંદડાં;
જરીકશા બોલ સમીરના પડ્યા,
કંકાલનૃત્યે ઘૂમરી ચડેલાં.

ચડ્યા હતા કોઈક પાંદડે કવિ,
ઉડે કલાધારક વ્યોમવ્યોમમાં;
શિલ્પી રમે રૂપની સ્વપ્ન-ભોમમાં,
સંગીતજેતા ઊડતા વીણા ધરી.

શકુન્તલાદ-સર્જન-સોણલે ચડી
ઊડે ‘કવીનામ્ કવિ’ કાલિદાસ;
કાદંબરી કાનન પંખી ઊડી
નભે ચડ્યું નીરખવા વિલાસ.

બાણે ચડી હેલનની દૃગોનાં
પધારતા હોમર નેન ચોળતા;
દાન્તે, ગિટિ, શિલરના પગોના
અવાજ આવે નિજ મૂર્તિ ખોળતા.

પ્યાલી સુરાની ધરી ઓષ્ઠ પાસે
ધરી કને ઓરતને કટિએ;
કિતાબની કૈ લવતો કવાલી
ખૈય્યામ એ નીરખતો ટીકીને.

આવે દયારામ ત્યજી હવેલી
ધીરેધીરે પ્રેમની પાંખ પ્હોળતા;
ચડી-ચડી નાવડી કીટ્સ-શેલી
આવે સહુ દેહ-પીયૂષ ખોળતા.

કલાધરે અંતર-ફાળકે મઢી
જુગેજુગે સાંપડતી પ્રતિમા :
હૈયું કરી માટી બહુ લઢીલઢી
શિલ્પી રચે માર્દવ સુંદરીનાં.

આકાશનો કાગળ પાથરી રૂડો
કવિ બધા અક્ષર પાડવા મચ્યા;
દિશેદિશે એક અવાજ તો ઊંડો,
કૃતાર્થ તો સર્જન જે સહુ રચ્યાં!

ઊંડાંઊંડાં નેન જરી ઉઘાડી
જરા હસી વલ્મીકિ આંખ મીંચતા;
વ્યાસે ઊંચા હાથથી બૂમ પાડી:
મનોહરમ્ને હસતા વહી જતા.

3
ખડા રહો, ઓ કવિઓ! કલાધરો!
ખડા રહો, શિલ્પીય, સંગીતી સહુ.
ન ત્યાં જ એ દર્શનને પૂરું કરો,
જોવા સમું બાકી રહ્યું હજી બહુ.

બદામની મંજરીઓ પડે ખરી
જરીક જ્યાં ધોમ ધખેય આકરો;
ને આવતાં નૂરજહાનને જરી
વિલંબ તો થાય ક્રીડા મહીં ખરો.

ઠંડો કરી પ્રાન્ત બદામડી તળે,
બદામડી-કોર ઊંચે જ રાખવો;
હિમાદ્રિને શૃંગ હજાર તો પળે
સ્ત્રીઓ બટુકો નવ વૃદ્ધ માનવો.

શિરે ધરી બર્ફની ટોપલીઓ
સહુ હરિપર્વત પથ્થરો ચડે;
જરા કશો પાદ પંડત ઢીલો
પાતાળ શી ખાઈ મહીં દડી પડે.

ને બર્ફનો શીતલ ડંખ વાગતાં
કોઈ બિચારાં પથમાં પડી જતાં;
મુકાદમો કાળનું ભાન જાગતાં;
ધક્કેલીને ઘાયલ ચાલતા થતા.

4
ઊંડોઊંડો એક કૂવો ગળાવી
 વૃદ્ધા કતુ નિત્ય પળંત કાંતવા;
દિલ્હીશ્વરી નૂરજહાની રાણી
માગે સુવસ્ત્રો શબનમ્ — ઝીણાં નવાં.

મરેલ કો’ માછલીની કરોડે
પીંજી પીળું રેશમ કાશ્મીરી લઈ,
કેળી તણે પાન ધરી મરોડે,
કાંતે પૂણી નિત્ય કૂવા તળે જઈ.

ભીનાશમાં, કાળમુખા તિમિરે
ધીમેધીમે ઝાકળ-તાર ખેંચતી;
સવારથી સાંજ સમી સુધીરે,
અને ધીમે આંધળી એ થતી જતી.

હિમાદ્રિનો બર્ફ શિરે વહીને
કરી-કરી કામ શિથિલ સાંજે
સુપુત્ર ને પુત્રવધૂ જઈને,
કૂવા પરે બૂમ કરંત: મા! જે!

આટોપીને ઉપર નિત્ય આવે
વૃદ્ધા કતુ, ને પળતાં કુટીરે;
ભેગાં મળી ભાત ઊના બનાવે,
આરોગતાં બાકી ન રે’ લગીરે.

આજે પડી સાંજ, વિભાવરી ચડી,
ને વ્યોમમાં ચાંદરડાં ચડી ચૂક્યાં;
કતુ હવે કાંતણને મૂકી પડી,
બેઠી હતી ભોંય તળે કૂવે ઢૂક્યા.

અમ્મા! ઊંચે એક અવાજ ધ્રૂજ્યો,
વૃદ્ધા કતુ આંધળી જોઈ તો રહી;
ને પાણીમાં એક પ્રકંપ કૂજ્યો,
ઠરી થયો શીંગડું બર્ફમાં પડી.

ન એક આછી ક્ષણ ઓસરી’તી,
ત્યાં તો થઈ શીંગ કતુ ઢળી પડી;
ને એ હજી જ્યાં તળિયે જતી’તી
ઊંચે થકી પુત્રવધૂ પડી કૂદી.

5
અને આ કાવ્યનું પ્હેલું, જો અર્ધાંગ વધુ ચડે!
મનેયે મૂકજો પેલા, રૂપ ભૂલેલ જૂથડે!
3-7-’33


સર્જકશ્રેષ્ઠ આંગળાં

બેટા! અહીં એ છરી કાં ન આણે?
વદી ફરી વૃદ્ધ નમી ઊભો થયો;
પડી મૂકી શાળ અપૂર્વ વાણે,
ધરી ભીનાં નેન નીચાં, શમી ગયો.

ત્રિભંગથી સ્હેજ છટા પ્રસારી;
ભરી બધે સ્વાંગ સુવર્ણ રંગના.
સંધ્યા તણા કેશ જરા સમારી
ડૂબે રવિ શાશ્વત કાલગંગમાં.

બેટા! અહીં એ છરી કાં ન આણે?
વદી ફરી વૃદ્ધ નમી ઊભો થયો;
પડી મૂકી શાળ અપૂર્ણ વાણે,
અનંત આરે કંઈ શોધવા ચહે.

ગ્રહી છૂર: ઓષ્ઠ સુમંદ ધ્રૂજે:
લહી રહે પાંચ સુરેખ આંગળાં:
ને આંખમાં ભાવ અકથ્ય ઝૂઝે,
ધીમે ધીમે શબ્દ સરંત પાંગળા—

જનો તણી લાજ તમે વિદારી,
ઢાંક્યાં તમે લોક ધ્રૂજંત ટાઢમાં;
ઢાંકી જરા, સુંદરતા પ્રસારી,
લૂછ્યા ભીના દેહ તમે અષાઢમાં.

દિલ્હી તણી એ નવયૌવનાઓ
સજી સુવસ્ત્રો શબનમ્ સમાં વણી;
કૃતાર્થ ભાવે સજી નુર્જહાંઓ,
હવા સમાં ચીર ઝીણાં વણી વણી.

પરંતુ એવી તમ સૌ કળાએ
ગુલામ શો આજ મને કરી મૂક્યો;
કલા તણી સુંદર સર્જનાએ
હીણો કર્યો આજ મને.—વદી ઝૂક્યો.

રહી ગયા હસ્ત વહંત પાંગળા!
નીચે પડ્યાં સર્જકશ્રેષ્ઠ આંગળાં!
23-1-’31


કૂકડાનું ગીત

અમે તો સૂરજના છડીદાર,
          અમે તો પ્રભાતના પોકાર!...ધ્રુવ.
સૂરજ આવશે સાત ઘોડલે,
          અરુણ રથ વ્હાનાર!
આગે ચાલું બંદી બાંકો,
          પ્રકાશ-ગીત ગાનાર!...અમે0
નીંદરને પારણીએ ઝૂલે,
          ધરા પડી સુનકાર!
ચાર દિશાના કાન ગજાવી,
          જગને જગાડનાર!... અમે0
પ્રભાતનાયે પ્રથમ પ્હોરમાં
          ગાન અમે ગાનાર!
ઊંઘ ભરેલાં સર્વ પોપચે
          જાગૃતિ-રસ પાનાર!... અમે0
જાગો, ઊઠો ભોર થઈ છે,
          શૂરા બનો તૈયાર!
સંજીવનનો મંત્ર અમારો,
          સકલ વેદનો સાર!... અમે0

[ઉત્તરાર્ધ]

જાગે જગના પ્રાણ સહુ પણ,
          વ્યર્થ બધો પોકાર!
આભ ચીરું હું તોય ન પહોંચે,
          નાદ મૃત્યુને પાર!... અમે0
મૃત્યુ કેરી નીંદ ચિરંતન,
          ક્યાં છે જગાડનાર?
સૂર્યકિરણ જે પાર ન પહોંચે,
          શા ખપનો છડીદાર?
અમે તો સૂરજના છડીદાર,
          અમે તો પ્રભાતના પોકાર!


પંખીગણની પ્રાતરુપાસના

અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને
          શારદાની વીણા શબ્દ સાધે;
એકલો ઊડતો આભથી ઊતરી
          આદિ-પંખી ત્યહીં ગીત લાધે!
          અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને
                   શારદાની વીણા શબ્દ સાધે!

પુત્ર વારસ અમે આદિ-પંખી તણાં,
          શબ્દ શાશ્વત કલી વિશ્વ ભરતાં!
ગિરિવરે, તરુગણે, ગહન ગહ્વર મહીં,
          સાત સાગર પરે કેલિ કરતાં!
          અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને
                   શારદાની વીણા શબ્દ સાધે!


પંખીગણની સંધ્યાઆરતી

મોતીની મૂઠશાં ડૂંડાં હિલોળતાં,
          ખેતરો કૈં કૈં દીઠાં જી રે!
હેતે છલોછલ હૈયાં ઉછાળતી,
          નદીઓનાં નીર લાગે મીઠાં જી રે!
રાતે પંખીડલાંને સૂવાને ઢોલિયા,
          વન વન વડલા ઊભા જી રે!
આભની અટારીએ ચોકી કરંતા,
          નવલખ તારલા સૂબા જી રે!
 પંખીને આમ રોજ પ્રેમથી પાળતી,
          કુદરત-પંખિણી કોઈ મોટી જી રે!
ભોળાં વિહંગડાંની, મોટી પંખિણીમાત!
          વંદન સ્વીકારજે કોટિ જી રે!


ભથવારીનું ગીત

ગોધણ-ધણીની ભથવારી રે,
          હું ગોધણ-ધણીની ભથવારી;
એ આંબો ને હું પ્રેમ-ક્યારી રે,
          પતિ આંબો ને હું પ્રેમ-ક્યારી.

સેંથડે સંદૂિર: પ્રેમનાં આંજણ
          આંજ્યાં આંખે મતવારી;
ઢેલડી જેવી હું થનથન નાચું,
          આવને મોરલ રબારી રે...હું0

રૂમઝૂમ રૂમઝૂમ ઝાંઝર ઝમકે,
          ભાલે શી સ્નેહની સિતારી;
ખેતર ખૂંદી કંથ થાકીને આવે,
          દેખે ત્યાં થાક દે વિસારી રે... હું0

હળવે ઉતારી ભાત મહીડાં પરીસું,
          ફૂલડાંની પાથરું પથારી;
કંથડને કાજ ઘર રેઢું મૂકીને
          આવું સીમે દાડી દાડી રે... હું0

વા’લમને છોગલે ગૂંથું ચંબેલડી,
          પીંછાં ગૂંથું હું સમારી;
જોઈ જોઈને એ મુખ રળિયામણું,
          હૈયામાં ઊડતી ફુવારી રે... હું0


હંસગાન

દરિયાના બેટથી ઊડ્યાં અમે તો,
          હિમાળા ડુંગર જાવાં જી!
સાતસાત સમદર ઊડી અમારે,
          માનસ-સરમાં નાવાં જી!

લૂમે દાડમડી ને ઝૂમે જમરુખડી,
          મોતી માનસનાં ખાવાં જી!
વનવન શેવતી વેરે પાંખડલી,
          સરનાં પંકજડાં હસાવાં જી!

જગનાં પ્રવાસી અમે ઊડતાં પંખીડલાં,
          માનસ મરવા જાવાં જી!
આભ ચીરી અવનિ ઉભરાવી,
          છેલ્લાં કો હંસગીત ગાવાં જી!


તારાઓનું ગીત

સંધ્યા આવી પૂરે કોડિયાં,
          આભ અટારી શણગારે;
વિભાવરી શરમાતી આવી,
          નવલખ જ્યોતિ પ્રગટાવે!
                   ચાર દિશાના વાયુ વાય;
                   થથર, પણ નવ બૂઝી જાય!

અંબર ગરબો માથે મેલી,
          આદ્યા જગમાં રાસ રમે!
નવલખ તાર છિદ્રો એનાં,
          મીઠા મહીંથી તેજ ઝમે!
                   વ્યોમ તણેયે પેલે પાર!
                   જ્યોત ઝબૂકે જગ-આધાર


ઝાકળનું ગીત

વાદળના મ્હેલમાં બાર બાર બાળકી,
          તેરમી હું બાળકી રોતી જી રે!
આંસુમાં જનમી ને આંસુમાં જીવતી,
          વન વન વેરતી મોતી જી રે!
કુમુદિની કાનમાં મૂકું લવંગિડાં,
          હીરલા ગૂંથું હું ગોતી જી રે!


સમીરનું ગીત

દરિયાના બેટમાં બેઠી નીંદરડી,
          અવનિને અંચળા ઓઢાડે જી રે!
મંદમંદ, મંદમંદ, ગાતી હાલરડાં,
          પ્રાણી ત્રિલોકનાં પોઢાડે જી રે!

ઊંઘમાં મીઠી પોઢ્યાં પંખીડલાં,
          પારણે-વડલાની ડાળે જી રે!
અણદીઠ હરીલાની દોરી અમે તો,
          તાણી નીંદરડી ઝૂલાવે જી રે!

ગાજે ગભીર ગાન મીઠો મ્હેરામણ,
          એ તો નીંદરની સિતારી જી રે!
આંગળી ફરફર વાયુ નીંદરની,
          સ્પર્શે ત્યાં ઊઠતી ધ્રુજારી જી રે!


વૃષભનું ગીત

અમે વગડાને વાટ વસનારા રે,
          અમે વગડાને વાટ વસનારા;
અમે ફૂલડાંની સાથ હસનારા રે,
          અમે ફૂલડાંની સાથ હસનારા... અમે0

ઊંચ-નીચ-ભાવના ભેદ ભરેલા,
          છાંડ્યા સમાજ-વસવાટા;
અમે હૈયાનાં હેત કસનારા રે,
          અમે વગડાને વાટ વસનારા... અમે0

ટેકરે, તળાવડે, વ્યોમ હરિહૈયે,
          સમદરમાં સાથ ધસનારા;
અમે એકતામાં શ્વસનારા રે
          અમે વગડાને વાટ વસનારા... અમે0

આંબાની ડાળ પર બોલે કોયલડી,
          ઉરમાં બજે એકતારા;
તમે હીન કહી કોણ હસનારા રે,
          અમે વગડાને વાટ વસનારા... અમે0


દીવડીની આરતી

દસ કોઠે દસ દીવડા કીધા,
          અંતર-થાળમાં આરતી.
પરસેવાના ધૂપ ધરી દીધા,
          આંતર ઘંટ પુકારતી.

જગના લોકના મેલ હરી-હરી,
          ફૂલ મૂક્યાં તુજ પાયમાં;
પાપ તણાં નૈવેદ્ય દીધાં ધરી,
          અવર કાંઈ ધરાય ના.

હાડ સૂકાં અમ ચામ ગંધાતાં,
          પગલાં એમાં પાડજે!
છોડવાના નથી કોઈ કાળે તને,
          છાંડવાં હોય તો છાંડજે!


કેતકીનું ગીત

          આવરે આવ;
          દખિણના વાયરા!
          ઉત્તરી ઝુલાવ,
          દખિણના વાયરા!
વર્ષાએ વાત કરી નમી નમી કાનમાં,
રજનિએ આંખ મીંચી કાળા વિતાનમાં;
ડોલે હૈયાનું નાવ:
મારે અંગ અંગ કેસરના પુંજ લળે સાનમાં.
          એનાં પીળાં સજાવ,
          દખિણના વાયરા!
          ઉત્તરી ઝુલાવ,
          દખિણના વાયરા:
વન વન વાયરા વાત સંભળાવ:
          કેતકીની ફાટ ફાટ કાય:
          એનું અંતર ઊભરાય!
કોઈ આવો, એ આજ અણમૂલ વેચાય!
કાંઈ કહેશો ત્યાં કેશરના પુંજ વેરાય!
          જેને જોવે તે જાવ!
          દખિણ ના વાયરા!
          ઉત્તરી ઝુલાવ
          દખિણના વાયરા!
          મને કોઈ લઈ જાવ,
          દખિણના વાયરા!
એકલ પરમાણુ વહી ધરતી તળાવ,
‘કોઈ એકલ?’ ઓ વાયરા! પૂછજે સવાલ:
એકલતા હોય ત્યાં કેશર વર્ષાવ;
          મને સઘળે ફેલાવ,
          દખિણના વાયરા!
          ઉત્તરી ઝુલાવ,
          દખિણના વાયરા!


ગુંજનનું ગીત

ઊભો હતો ઊંચી કરાડ,
          અદમ્ય સાદ ઉરથી સર્યો રે!
વીંધ્યા પથ્થર ને વીંધ્યા પહાડ,
          અજાણ ખૂણે પડઘો પડ્યો રે!

તે રાત થકી શોધું એ સ્થાન,
          જ્યાં અંતર હોંકાર સાંપડ્યો રે!
વાયુ વાત સુણ્યા મેં ગાન,
          ટેકરાની ટોચે ચડ્યો રે!

ઊંચેરી આભની કમાન,
          ખાલીખમ, મુંગું રડ્યો રે!
વનવન માંડ્યા મેં કાન,
          સાદ નવ પાછો જડ્યો રે!


પદ્મિનીનું ગીત

વગડાને વાટ કો’ લજામણીનો લૂમખો:
લીલુડી પાંદડીમાં જાંબલી ફલે ગૂંથ્યો:
          અડશો મને ન કો અધીર!
          મારો સાળુ ચોળાય!
          પ્રેમરાગ સ્પર્શથી અંગ અકળાય!

ફૂલડાં સંગાથ એક શેવતીનો ઝૂમખો:
નીલમના ઝુંડમાં પારસ-ફૂલે લચ્યો:
          પડછાયો કોઈ કુટિલ!
          મારું અંગ અભડાય!
          ભોગભૂખી આંખડીથી પાંખડી કપાય!

એકલ ઉરો તણા અબોલ શબ્દ ઊપડ્યા;
દરિયાના બેટમાં પડઘા થઈ પડ્યા;
          દીવાદાંડીનું થયું શરીર!
          એના ‘આવ!’ સંભળાય!
          ભેખડની બાથ એ તો ! પાસ ના જવાય!

આભલાના બુરજમાં રૂપવેલ વીજળી:
તેજ તણી કાયમાં પ્રતાપની શિખા ભળી:
          જોબનનાં તેજભર્યાં ચીર!
          રૂપ એનાં દૂરથી પિવાય!
          અડીએ તો અડનારું ખાખ થઈ જાય!

પદ્મિની પુષ્પમાં વસંત એક જોગણી:
અનંગ સમી આંખમાં પવિત્રતા ધખે ધૂણી:
          અડશો ના! રોમરોમ તીર!
          એની આશિષ લેવાય!
          સંહિણનાં દૂધ સંહિથી જ જીરવાય!


તીરથનાં ત્રણ ગીતો
(શ્રીધરાણીના નાટક મોરનાં ઈંડાંનું પાત્ર તીરથ )

1
હાથ હતા વણકેળવ્યા મારા,
          કંઠમાં ખૂબ કચાશ;
          કંઠમાં ખૂબ કચાશ;
જાણું નહિ આજ એકતારામાં,
          કોણ ઉપાડતું શ્વાસ?
                   બાંધ્યા કોઈ કોયલે માળા!
                   ગળામાં આજ રૂપાળા!

જૂનો થયો જરી એકતારો ને
          વાંસમાં ઊપડી ફાટ;
          વાંસમાં ઊપડી ફાટ:
ખોખરી ખૂંટીએ ગૂંચળાં લેતા
          તારને ગાળતો કાટ:
                   કોઈ તોય તુંબુ છુપાણું!
                   વાડતું ગેબનું ગાણું!

2
પાંખો કાપવી’તી તો...રે...
મોરલાને જનમ કેમ અપ્યો?
          હે! પડઘો ન પડવો’તો...રે...
          અંતરે સાદ કાં આલાપ્યો?
                   — જનમ કેમ આપ્યો!
સામી મોલાતમાં દીવડો ફરુકે,
ફરુકે મારા અંતરની જ્યોતિ!
હે! આડી ચણી આ કાચની દીવાલ તો,
લોહની દીવાલ કાં ન રોપી?
                   — સાદ કાં આલાપ્યો?
          પાંખો કાપવી’તી તો...રે...
          મોરલાને જનમ કેમ આપ્યો?

3
નીચે નિરંજરા નર્તકી રે,
          ને ઊંચે ઝળૂંબે આભ:
          વાદળાંએ હૈયાં ખોલ્યાં!

નદીઓનાં નીરમાં હેલી ચડી રે,
ગજ્યા વનગહ્વરના ગાભ:
          ધણણણ ડુંગર ડોલ્યા!

ભાઈ રે મેહુલા, જરી રોતો રે’જે રે,
          નદીમાતા, ઓસરજો પૂર:
          સામે કાંઠે કૂકડા બોલ્યા!

આ કાંઠે હું, સામે સાહ્યબો રે,
          મધગાળે નદી કેરાં પૂર:
          પ્રેમપથ મરતક મોલ્યાં!


આરતીનું ગીત
(શ્રીધરાણીના નાટક મોરનાં ઈંડાંનું પાત્ર આરતી )

          એક કોળી અવ્યો,
                   મારા દાદાની ડેલીએ,
ઈંડાંના ટોપલા લાવ્યો જી રે,
કોળી આવ્યો!
ઘોડી કુદાવતો વીર મારો આવ્યો,
હળવેકથી એક હાથ લંબાવ્યો:
          એને નીલમડો રંગ મન ભાવ્યો જી રે,
                            કોળી આવ્યો!
મોટી મે’લાતથી કાકાજી ઊતર્યા
ધારીધારી અનેક ઇંડાં મને ધર્યા;
          એનો પચરંગમાં મન ધાયોજી રે,
                            કોળી આવ્યો!
મુને ઘેલીને તે હોય શાં પારખાં?
સઘળાં ઈંડાં એક સરખાં મને હતાં!
          ધોળામાં દિલ લોભાયો જી રે,
                            કોળી આવ્યો!
ભાઈને પોપટ, ટીટોડી કાકાને સાંપડી
ભોળીને મા’દેવની આરતી નકી ફળી;
          રંગરાજ શો રઘવાયો જી રે,
                            કોળી આવ્યો!
મોરલો મળ્યો તોય રહી હું અભાગણી,
આવી પૂગી એક અદકેરી માગણી;
          હાકલની કેડીએ ધાયો જી રે,
                            કોળી આવ્યો!
સાત સમદર ને હિમાળા જજે ચડી!
ઊડજે, મોર! મારી રખ્ખાની રાખડી!
          મોરપીંછ એક ના ફગાયો જી રે!
                            કોળી આવ્યો!
          એક કોળી આવ્યો,
                   મારા દાદાની ડેલીએ;
          ઈંડાંના ટોપલા લાવ્યો જી રે,
                            કોળી આવ્યો!


ઝંડાનું ગીત

ત્રીશ કોટી શિશ પ્રણમે તને
          ભારતની ઓ ધર્મ-ધજા!
નવલખ તારા આશિષ ઝમે
          ભારતની ઓ કર્મ-ધજા!
વ્યોમ તણી ફરકંત પતાકા,
          હિમડુંગરનો દંડ;
સંસ્કૃતિના જગ-ચોક મહીં
          ધ્વજ ફરકંતો પડછંદ.
જે ઝંડાને ગાંધીજીએ
          સ્ફટિક હૃદયથી ધવલ કીધો,
જે ઝંડાને ભગત, જતીને
          રુધિર-રંગ રંગી દીધો!
લીલા શાંતિ તણા નેજા!
ભારતની ઓ ધર્મ-ધજા!

ભરથરીનું ગીત

આવળ બાવળ બોરડી ને,
          ઊભાં આડાં શરુનાં ઝાડ:
ઊંડી ખીણો ઊંડી કંદરા ને
          ઊંચા ઊભા ને પથ્થર-પ્હાડ .
                   કેડી વિનાનાં જંગલ તારાં!
                   સાગરને વળી હોય ઓવારા?

બંધ કરી દે બોલવું, રાણી,
          દેજે મને ના સાદ!
આવ્યા વિના મન માનતું ના, ને
          ભોમિયો ના એકાદ!
                   કેડી વિનાનાં જંગલ તારાં!
                   સાગરને વળી હોય ઓવારા?

ડગલેપગલે ઠેશ પડે ને,
          આંખ ફરુકે આજ!
અપશુકનમાં દોડતો આવું,
          પાણીને હોય ન પાજ!
                   કેડી વિનાનાં જંગલ તારાં!
                   સાગરને વળી હોય ઓવારા?

પાઠવ્યાં પાછાં કોણ ફરે?
          નીત નીતર્યાં ભેગાં ન થાય
ડુંગરેડુંગરે દેવળ ઊભાં,
          ત્યાં પાછળ કેમ ફેરાય?
                   પીળા પલાશનું ફૂલડું લાધ્યું,
                   જોબનપુરમાં જોબન વાધ્યું!


ચાડિયાનું ગીત

ઊડો કાબર, ઊડો ચકલાં,
          ઊડો મેના પોપટ મોર;
હું આ ખેતરનો રખવાળો,
          સઘળાં પેઠાં ક્યાંથી ચોર?

થોર તણી આ વાડ ઉગાડી,
          છીંડે બાવળ-કાંટ ભરી;
તોય તમે ક્યાંથી અહીં આવ્યાં?
          સંતાકૂકડી કેવી કરી?

ઊડો કહું છું એટલું, હું શાણો રખવાળ;
ખેડૂત આવી જો ચડે, ગોફણ ઘાવ ઉછાળ.

મોતી-મૂઠશાં ડૂંડા ઝૂલે,
          લીલો નીલમડો શો મોલ;
દાણો ઓછો એક ન થાશે,
          માલિકને મેં દીધો કોલ.
ખેડૂત આવે, ઊડી જાઓ,
          એ જાતાં હું સાદ કરીશ;
ખોટા ખોટા ડોળા ફાડી,
          છુપાઈને દાણા ધરીશ.

ઊડો કાબર, ઊડો ચકલાં,
          ઊડો મેના પોપટ મોર;
હું આ ખેતરનો રખવાળો,
          સઘળાં પેઠાં ક્યાંથી ચોર?


વર્ષામંગલ

1
અંધારી રાતમાં વાદળી ટબૂકે,
          માંહી માંહી વીજળી વાંકી વળે;
ટાઢા શરીરના એકલ આવાસમાં,
          ઉરની પારેવડી આજ કકળે.

ફાટ ફાટ થાતાં સામાં સરોવર,
          નદીઓનાં નીરમાં ધોધવા દડે;
દિલના દરિયાવની માઝા મુકાણી,
          કોળ્યાં કદંબ બે હેલે ચડે!
આજ અભિસાર શો વર્ષાઅએ આદર્યો,
          વાદળે વાદળે પગ આથડે;
અંગ અંગમાંથી ઊઠે અવાજ સો
          અંતરના બેટમાં પડઘા પડે.

પાંદડે પાંદડે વિજોગની વાતડી,
          નેવલે નેવલે આંસુ ઢળે!
ઊંચેરા ગોખમાં વેણી સમારતી,
          મનડાનું માનવી ક્યારે મળે?
8-8-’32


2

ગહન ઘનશ્યામની મધુરરવ મોરલી
          ગગનપટ ઊભરતી પ્રણયનાદે;
ઉભય અશ્વિન કરે તાલ મરદંગના
          ગગન-ગોરંભ ભરી મેઘનાદે.

દિવ્ય સૂર — તાલ સૂણી ગગનની ગોપિકા,
          મૂર્છના વાદળી-વૃંદ જાગે;
તાલ કરતાલ ધરી, પ્રણય નયને ભરી,
          મલપતી સરકતે નૃત્ય-પાદે... ગહન0

સહુ દિશા આવરી રાસકુંડળ રચ્યું,
          ઝડપ પદતાલથી રાસ જામે;
અંગ કટિભંગ કરી, નયન નર્તન કરી,
          કાન ગોપી હૃદય ઐક્ય પામે... ગહન0

નયન નયને ઢળ્યાં, વીજ ચમકા થાય,
          મદનમદ નેન મરજાદ મેલે!
હાસ્ય-મોજાં ચડ્યાં, ગાલ ગોળા થયા,
          હર્ષ-અશ્રુ ખરી પૃથ્વી રેલે... ગહન0
8-8-’21


3

કૂદી આભથી ઊંડા આવી નાચે મેઘની ધારા
ડાળેડાળ ડોલે!
ડાળેડાળ ડોલે! નાચે પાંદડાં મંજરી!
          મોરલા ગાતા મેઘમલ્હારા... કૂદી0
          નાચે દળ ફૂલડાં કેરાં!
          નાચે નવ શ્વેત પારેવાં!
માળામાં જોડાલાં હૂંફે સૂતાં ભેળા!
ઘરોઘર નેવલાં રુએ: નદીએ નાળે
          ઘોડલા દોડે પૂર બહારા... કૂદી0
કોટિ કોટિ ભાવના નાચે ઉરસાગરે નવ કવિના!
હજારો ગીતડાં ગાજે મેઘના તાલે ભીનાં ભીનાં!
          અરે જો મેઘલો જાણે!
          કવિનું સુખ પિછાણે!
અરે તો વરસ્યો એથી વરસે ઝાઝું મનડું માને!
દિગન્તે ચમકે સાળુ-કોર નિશાની
          ઉર કવિને કાવ્યતારા!... કૂદી0
25-8-’31


4

આજ વાદળીએ આખી રાત વરસ્યા કીધું!
          મેહુલાએ માંડી મીટ;
ધરણીએ પ્રેમરસ-પ્યાલું પીધું!... આજ0

નદીઓનાં નીર માંહી જોબન ચડ્યાં!
          એની ફાટ ફાટ કાય;
          એની છાતી ના સમાય;
ટમકીને મેઘલાએ ચુંબન મઢ્યાં!... આજ0

ઉરને એકાન્ત ગોખ એકલતા આરડે!
          કોઈ આવો વેચાઉં;
          જ્યાં દોરો ત્યાં જાઉં;
          મારાં અંગ અંગ ભૂખ્યાં;
          —ઝરો પ્રેમરસ! સૂક્યાં;

લઈ જાઓ! આ એકલતા શેય ના સહાય!
વર્ષા રડે, રડું હું તોય ના રડાય!... આજ0
3-7-’32


5

સેજ પથારી સૂની પડી રે,
          હું તો ઝબકીને જાગું;
નેવલાં! શીદ રડી રહ્યાં રે?
          ઊઠી ઉત્તર માગું.
નીર ટબુ ટબુ સારતાં રે,
          ઝરો લોહીનાં વ્હેણે;
યજ્ઞ આંસુ તણો આદર્યો રે,
          કહો બાંધવ શેણે?
રાત અને રજનીપતિ રે,
          પોઢ્યાં સેજ પથારી;
તારલાની ઊડી ઊછળે રે
          રૂડી ફૂલ-ફુવારી.
આભના પાથર્યા ઢોલિયા રે,
          ચાર દિગ્ગજ પાયા;
વાયુ ઢળે શત વીંઝણે રે,
          દધિએ ગીત ગાયાં.
આવ્યાં અસુર શાં વાદળાં રે,
          શશીરાજને બાંધ્યો;
તારલા સર્વ ઠરી ગયા રે,
          વાયુ યુદ્ધનો વાધ્યો.
નાથવિહોણી વિભાવરી રે,
          ઊભી બ્હાવરી જેવી;
જીવવુંદ ઝેર સમું થયું રે,
          એ તો સ્નેહની દેવી.
વીજ-કટારી ઉછાળતી રે,
          રાત વેણી ઝુલાવી;
ઊછળી ઊછળી આભમાં રે,
          ત્યાં તો હૈયે હુલાવી.
નેવલાં તેથી રડી રહ્યાં રે,
          નવ થોભતાં વારિ;
નેવલાં, બ્હેન-વિભાવરીની
          ઝણે મૂક સિતારી
12-7-’30


6

વાદળાંને આવડ્યું ના રે,
          આવડ્યું ના!
વર્ષા સૂતેલ એના સોનેરી સોણલે:
ભારી વીજળી વિશાળ પાંપણો તળે:
એ આવ્યો ગર્જંત,
હસી ચમકાવે દંત,
એના અંગ પરે અંગ મૂકતો દળે:
ચૂમે; વર્ષાની કૂંળી ચામળી બળે:
ખરે આંસુ ચોધારે!
વાદળાંને આવડ્યું ના રે,
આવડ્યું ના!
સૌથીદ તને જ હું વિશેષ ચાહતો હતો,
જોતાં તને જુવાળ અંતરે ચડી જતો;
તને લીધી મેં બાથ,
કર્યાં અંગ સર્વ સાથ,
દળી દેહ અકળામણે અદ્ધૈત માનતો થતો!
મને સ્થાન નહિ ઉર તારે,
મને આવડ્યું ના રે,
                   આવડ્યું ના!
29-8-’32


ગાંધીજી ને
દાહભરી આંખો માતાની,
તેનું તું આંસુ ટપક્યું;
બળી રહ્યું અંતરમાં કિન્તુ,
સૌ પાસે મીઠું મલક્યું.
          મૈયાના ઓ ગાંધી વીર!
          અર્પું છું હૈયાનાં હીર!
ભરતના દુ:ખે દુભાઈ,
કુદરતની કરુણા ઊતરી;
સંસ્કૃતિ ને સ્વાતંત્ર્ય ભરીને,
ભારતને અંગે પમરી.
          વંદન ઓ કુદરત સંદેશ!
          ધન્ય થયો તું ભારતદેશ!
12-9-’27


મારી બા

ખણી ખણી કોતર કાળજાનાં
આ દેહનું મંદિર તેં ચણી દીધું;
કરી દઈ દાન બધી પ્રભાનાં
આ કોડિયું એક પ્રકાશતું કીધું:

ચતુર્મુખે વિશ્વ સૃજાવતાં દીધી
બધી પ્રભા, તેં મુજને ધરી દીધી!

આ વિશ્વની ભવ્ય વિરાટ વાડીએ
 પ્રવેશ તું કાંચન દ્વારથી કીધો;
પાવિત્ર્યનો, ધર્મ તણો, પ્રભાનો,
સંદેશ તેં પ્રેમ પીયૂષમાં દીધો.

અજ્ઞાતના ભીષણ ગર્ભમાંથી
ખેંચી લઈ આતશ દેખતો કીધો!

વર્ષો વીત્યાં આજ ઊડી ગયાને
ઊંચે, મૂકી એકલ બાળ બાને:
ન વીસરું નેત્ર કદી અમીનાં,
અપત્યપ્રીતિ પમરંત હિના.

સંધ્યા-ઉષા નીરખતાં દિગન્તે,
અશ્વે ચડું હું સ્મૃતિના ઉડન્તે;
ને બીજમાં હું તુજ રૂપ ભાળું,
માતૃત્વની ત્યાં કવિતા નિહાળું.

નથી ગઈ બા નકી હું કહું છું:
રૂપાન્તરો સર્વ મહીં સ્મરું છું;
આકાશમાં તારી અનંતતા છે,
ને અગ્નિમાં તું જ વિશુદ્ધતા છે.

નિદ્રા મહીં વત્સલભાવ બાના!
ઉલ્લાસ બાના સ્મરું સોણલામાં;
દયા ઝરે માતની ચંદ્રિકામાં,
વસુંધરામા બલિદાન બાનાં!

આરાધનામાં સ્મરું રૂપ બાનું!
ને બા સ્મરીને પ્રભુરૂપ પામું!
23-7-’32


પળે પાછો

તેજ-બ્રહ્માંડમાં છાયા, આદરી ઈવ-આદમે;
ચક્રેચક્રે વધી-વાધી, રૂંધતી પૃથ્વીને ભમે.
          તિમિરનો વરપુંજ શિરે ધરી,
          નયનમાં ભરી વિશ્વકરુણતા;
          પતન માનવકુલ તણાં ભરી,
          ઊલટથિ વધસ્તંભ ઈશુ જતા.
દિશાઓ આંખ મીંચીને આભ અંધારથી ભરે:
પૃથ્વીના પેટમાંથી કો, ધ્રુજારી કારમી ચડે!
          આકાશનાં આંસુ અનન્તધા વહી
          ધોવા મથે ડાઘ ત્રિલોકમાં પડ્યો;
          યુગો વીત્યાં: ઓસરતો ગયો નહિ,
          અંધારનો ચંદ્રક ભાલમાં જડ્યો.
કડાકે તૂટતું દીઠું, શૃંગ કાંચનજંઘનું:
ઊછળે ને પડે પાછું, પયોધિનું મહા તનું:
          પ્રલય આજ ફરી ઊછળી પડ્યો,
          વન-વને ખરતાં નીલ પાંદડાં;
          સળગતો ગ્રહ વ્યોમ મહીં દડ્યો,
          વિમૂઢ વાદળ સૌ સ્થિર થૈ ખડાં.
પળ્યો આ કોણ પાછો જ્યાં, પળ્યાં’તા એક દિ’ ઈસા?
ભૂંસાયેલા પદે ચાલી, ભરે બ્રહ્માંડની દિશા!
          ધરા તણા ઊછળતા નિસાસા,
          વંટોળિયા વ્યોમ બધું ભમી રહે;
          દિશા થીજી આકુળ સ્તબ્ધશ્વાસા
          ઊભીઊભી આજ અસહ્યતા સહે.
હોત જન્મ્યા ઈશુ હિન્દે! ન જાતા ક્રોસ પે કદી!
લોકની લોકવાણીને, આળ આજે ચડે નકી.
          જગતની સુચિરંતન સંસ્કૃતિ
          બટકતી મૂળથી અટકાવવી;
          ભરતના કુળગૌરવની સ્મૃતિ,
          વીસરતી, ફરી તો ફરકાવવી!
અશ્વમેધ તણો જાણે, અશ્વરાજ ખુંખારતો,
પૃથ્વીના પાંચ ખંડોમાં, પડછંદ પ્રાણ પાડતો.
          ભમીભમી દ્વાર ધરા તણાં બધાં
          આહલેક એ અંતરની પુકારતો;
          સૂતેલની સાંકળ ઠોકતો સદા,
          ઝોળી અતાગી ભગતી પ્રસારતો.
પાપ, હિંસા, નિરાશાની, અહંની ભીખ માગતો,
અબુધા લોકની લાતે, નમીને પાય લાગતો.
          મનુષ્યનાં પાપથી ઝોળીને ભરી
          અમી બધાં અંતરનાં ઉલેચતો;
          સમુદ્રના ઝેરની ઘૂંટડી કરી
          અમી થકી શંકર વિશ્વ રેલતો.
વિશ્વના પાપનો ભારો, બાંધીને બાળવા જતો!
અંગનાં અસ્થિથી આજે, કાષ્ઠ ના, ચંદને ન તો!
          જનસમૂહ વિમૂઢ થઈ વદે:
          વધ કરો! વધ જિસસનો કરો!
          ધરમશાસનને દવલા પદે,
          ચરણ-કાદવથી અભડાવતો!
ઈશુને જગના લોકે, ખીલા ઠોક્યા શરીરમાં;
સ્વેચ્છાએ આજ તું ચાલ્યો દેહ કેરા વિલીનમાં.
          એ બારમાં એક હતો જુડાસ,
          ઈસામસીને પકડાવનારો;
          વેદાન્તના બાવીસ કોટિ દાસ,
          જુડાસના આજ થયા પ્રકારો.
ઈસાને મરતાં લાગી, ક્ષણ-બે-ક્ષણ કે બે ઘડી!
ગાંધીને તો ટીપેટીપે, અંગ દેવું બધું ગણી!
          બૌદ્ધો તણો એકલ બોધિસત્ત્વ,
          ઈસામસી આ જગના ઈસાઈનો;
          જૈનો તણું તાપસી જિનતત્ત્વ,
          ગીતાધ્વનિ હિંદુ તણી વધાઈનો.
મનુકુલે મહાકાળે, કેળવ્યું જે ભગીરથ:
પ્રાપ્તિના શેષને શિરે, મણિ એ, ઓપતો પથ.
          લજ્જા સમી મંગલ કામનામાં
          સંધ્યા-ઉષામાં તુજ લોહી ફૂટશે;
          કારુણ્યનાં મૌન મળી હવામાં
          આકાશથી આંસુ થઈ ખરી જશે.
સૃષ્ટિના અંત પર્યન્તે, પ્હોંચતી શર્મની છટા,
નહિ, બાપુ! સહી જાશે, ઉદ્ધારે ના પુન: કદા.
          યુગેયુગે એક અલૌકિકાત્મા,
          આ વિશ્વના યજ્ઞમહીં ધરાશે?
          ન તોય ભૂખ્યો જગ દુષ્ટ આત્મા
          તૃષા ત્યજી શાંત સુરમ્ય થાશે?
મરે જો બાપુ તો કોણ, માનવી જગ જીવશે?
જીવશે સત્યનો સાધુ, કોણ આ જગથી જશે?
સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારા, વધુ તેજસ્વી તો થશે!
18-9-’32


તા.ક.

અંધારા ઘોર આકાશે, દિવ્ય જ્યોતિ ઝગી કંઈ;
ઝાળથી તપ્ત પૃથ્વી પે, વૃષ્ટિ શી અમીની થઈ.
          નકી-નકી માનવી સર્વ જાગ્યા,
          ન ગાંધીને મારણ-ગોળી આપશે;
          જેને જનોએ યુગ યુગ માગ્યા.
          આવ્યા; ન એનું શીશ કોઈ કાપશે.
કવિઓ વિશ્વના આવો, ઊર્ધ્વબાહુ થઈ વદો:
ઈસાના વધદિનેથી, મનુકુલે જરૂર તો
પ્રગતિ કો મહામોંઘી, સાધી: નમસ્તે પ્રભો!


નર્મદને એક પ્રશ્ન

શૌર્ય, નિડરતા, સચ્ચાઈની
          ગળથૂથી તેં તો પાઈ:
કેમ કરી ગુજરાતે આજે
          પ્રણય-રોદણી મંડાઈ?
          સંહિણમાતા તું સાચી, તો
          પયધારા નવ જિરવાઈ!


મેઘાણીને નાદ

          તાનારીની ડણકે ઝમકે ધારે મેઘમલ્હાર;
          વાદળની છાતી ફાટે ને રેલે પાયસ ધાર.
          તાનારીની ભભકી ઊઠી દાહે દીપક રાગ;
          તરુએ, વેલે, ચૌટે, મ્હેલે, અંગે ઊઠે આગ.

          લોકવાયકા તાનસેનને લેખે જાદૂ-કંઠ!
          આત્મઅનુભવ પામ્યો તારે કંઠે, અમૃત-ડંખ!

ડાલામત્થો ડણક્યો ત્યારે કંપ્યા ગિર-ગિરનાર.
મૂક લોકની બાનીને તેં આપ્યો સ્વર-આકાર.
કો’ના લાડકવાયા કાજે આંસુના વરસાદ.
આંખ આંખમાં આગ ભભૂકી ત્યારે અનહત નાદ.
28-8-’54


વલભીપુર

ધૂળ ધૂળ ઢગલા ખડકાયા,
પ્રલયપૂરના વાયુ વાયા;
ધોમ ધખ્યા ને ખાવા ધાયા,
          તુજ પર વલભીપુર!
તારાઓએ આંસુ પાયાં,
પીલુડીએ ઢોળ્યા છાંયા;
કરુણ સ્વર પંખીએ ગાયા,
          તુજ પર વલભીપુર!
વ્યોમ રડીને મુશળધાર,
ખોદી તુજને કાઢે બા’ર;
ક્યાં તારો જૂનો વિસ્તાર,
કાં આજે આવો સૂનકાર?
          આંસુ ઓ વલભી-ખંડેર!
          કાળ તણો કાં આવો કેર?
10-4-’28


શુક્ર

સંધ્યાની સોનેરી ભાત
ઝાંખી થાતાં ઊગે રાત;
ઊઘડ્યાં એ હૈયાનાં દ્વાર,
કવિતા શો થાતો ચમકાર.
          ચળકે શુક્ર.
રાત્રિનો મોતીશગ થાળ.
હીરા મોતી ઝાકઝમાળ;
સુરસરિતાની રેતી ઘણી,
કોણ બધામાં પારસમણિ?
          ઝળકે શુક્ર.
ઉષા તણી નથડીનું નંગ,
સ્નેહ સરીખડો તેનો રંગ.
          મલકે શુક્ર.


કવિ

થિબ્ઝ જીત્યું, થિબ્ઝ લૂટ્યું: ક્રૂર એ સિકંદર:
શહેર બ્હાર મ્હેફિલો ઉડાવી એ ભયંકરે.
મસ્ત એ પડ્યો પડ્યો જુવે છ હસ્તિરાજ શો!
તરંગ આવતાં કર્યો અવાજ સંહિનાદ શો.

સેવકો! લગાડો આગ! દુશ્મનોય થાય ખાખ:
ભસ્મસાત આજ થિબ્જને કરો! રહે ન રાખ.
વાક્ય સાંભળ્યું ન ત્યાં હજાર સૈનિકો કૂદે,
પશુ બની મશાલધારી ધાય: શ્હેરીઓ ધ્રૂજે.

રહો, ઊભા રહો! કહું હું, વાત એક સાંભળો:
બાળજો બધુંય આગ ના લગાડશો ગૃહે
કવિ તણા. વદી જરાક શ્વાસ લૈ સિકંદરે
શરૂ કર્યું: કુલોચનેથી આંસુ એક તો સર્યું.

પશુ બન્યો હું, બાળવી પ્રજા બધી શરૂ કરી;
પ્રાણ એ પ્રજા તણો ન બાળવોય છે નકી!
12-9-’29


શબ્દબ્રહ્મ

સૃજનની આંખ ઊઘડી:
કવિની પગલી પડી:
હૃદયની તુંબડીમાંથી
ભાવના-દંડિકા ચડી.

કાળજે કર્યું કોડિયું:
તેલ ભક્તિ તણું પૂર્યું:
ઊર્મિની જ્યોતમાંથી તો
કલ્પના-તારથી મઢ્યું.

બ્રહ્મના એકતારા શા,
કવિનું ગાન ઊપડ્યું!
17-2-’32


કવિ ન હું!

કવિ ન હું! કવિ ન હું! કવિત અન્યનાં કરી
અનેક આજ હું રડું: હજી પ્રભા ન સાંપડી
અદમ્ય પ્રાણની મને! હવે જગાવી ચેતના
ઉરે, લડુંલડું હું વીરલો જીવિત જંગમાં!

કવિત અન્યનાં કર્યાં; હવે કવિત વીરનાં
કવિ અનેક આદરે: ચૂંટીચૂંટી શરીરનાં
હું અંગ સર્વ યજ્ઞકુંડમાં ધરાવું જંગના.
ન પુષ્પ ચૂંટવાં હવે: રમું હું રક્તરંગમાં.

ન વ્યોમમાં ઊડી જવું!
રણે હું વીરલો ભમું!
3-5-’30


મુક્તિગાન

આવો ગુલામો, આવો પીડિતો,
          તેત્રીસ ક્રોડ મળો સંતાન!
સર્વ દિશાના કાન વિદારી
          ગજાવો માતનું મુક્તિગાન!

સંહિના નાદે ત્રાડો મળી સૌ,
          સ્વામી, ગુલામ ન-સર્વ સમાન!
જાપ જપો મુક્તિના હૈયામાં,
          સ્હાય વીરોને છે ભગવાન!

          [વૃંદ]
          સાગર ગાજે, ઘોર અવાજે,
          ગાજે બાળક, વૃદ્ધ જવાન:
          આકાશ કંપે, ધરાણી ધ્રૂજે,
          ભારત ગજવે મુક્તિગાન!

મુક્તિ વિનાનું જીવવું શાનું?
          મુક્તિ વિના શાં બીજાં ગાન?
મુક્તિને કારણ સર્વ સહીશું,
          સ્વાતંત્ર્યથી શું સૌખ્ય મહાન?
મુક્તિ હશે જો કાળને ડાચે,
          પામશું, છો અમ જાયે પ્રાણ!
પામવા એ અમ પ્રાણપ્રતિમા,
          જીવિત પ્રાણ બધું બલિદાન
                   [વૃંદ]
          સાગર ગાજે, ઘોર અવાજે,
          ગાજે બાળક, વૃદ્ધ જવાન:
          આકાશ કંપે, ધરણી ધ્રૂજે,
          ભારત ગજવે મુક્તિગાન!

ભૂખ્યાં અમે સૌ ભેગાં મળીને,
          માગીએ રોટી, પીવા જલપાન,
લૂગડાં ઢાંકવાં લાજ અમારી,
          જીવવું જેમ જીવે ઇન્સાન.
પ્રાણ હણાયો, ધર્મ લૂંટાયો,
          રક્ત ચુસાયું, દુભાયું માન:
વિશ્વવિજેતા ધર્મવીરોનાં
          સંતાન આજે જન્મગુલામ!

          [વૃંદ]
          સાગર ગાજે, ઘોર અવાજે,
          ગાજે બાળક, વૃદ્ધ જવાન:
          આકાશ કંપે, ધરણી ધ્રૂજે,
          ભારત ગજવે મુક્તિગાન!
માડી કહી તને કેમ સંબોધું?
          જન્મભૂમિ ઓ વીશેનાં ધાવ!
તેત્રીશ કોટિની વાંઝણી માનાં
          જીવતાં પુત્ર થયાં અપમાન.
મુક્તિ થશે સૌ બંધન જાશે,
          પામશે પેટ ભરી સૌ ધાન:
ઓ માડી! ઓ માતા! ત્યારે વદીશું
          તારાં અમે સઘળાં સંતાન!

          [વૃંદ]
          સાગર ગાજે, ઘોર અવાજે,
          ગાજે બાળક, વૃદ્ધ જવાન:
          આકાશ કંપે, ધરણી ધ્રૂજે,
          ભારત ગજવે મુક્તિગાન!
15-2-’30


સ્તંભ સ્વાતંત્ર્યનો

અને ફફડતાં ઊડે વિહગ આગના તાપથી,
ધ્રૂજે અમર સાક્ષી શા નભદીવા મહાપાપથી:
બળે ઝળહળે પ્રગાઢતમ કાળજાં રાતનાં;
શિશુ ફડફડી રડે સભય અંકમાં માતના.

ત્યજી જર જમીન ઢોર લળતા ઊભા પાકને,
ત્યજી સુખદ ખોરડાં સપૂત સાચવે નાકને;
કરી ભસમ મોહ જાન-જરનાં દુખોમાં હસે,
ખુવાર થઈ ખેડૂતો અડગ માંડવામાં વસે.

પણે પુર પડ્યાં સ્મશાન સમ મૌન આક્રંદતાં,
છતે દિવસ ત્યાં શિયાળ પુરપાટ સ્વચ્છંદતાં;
સપૂત શિર સાટના સમર માટ યુદ્ધે ચડ્યા,
પ્રશાંત ઘરબાર ત્યાં અજીવ ખોળિયાં શાં પડ્યાં.

ઠરી કમળ કોમળાં ગભરુ બાલુડાં ટાઢમાં
રડે સકળ રાત્રિઓ વિકળ માતની આડમાં;
પિતા જગતના, અખૂટ બળ વૈભવોના ધણી,
પસાર કરતા શિશિરશીત રાત્રિઓ તો ઘણી.

પરંતુ નવ જાલીમો જરીય દુ:ખથિ પીગળ્યા,
મદાંધ નયને વળીય થર લોહીના કૈં ચડ્યા;
સહોંશ સળગાવતા ઘર ત્યજેલ સૂતાં સૂના,
અને ગગન ઊછળે રૂધિર શા ફુવારા ઊના.

અને ફફડતાં ઊડે વિહગ આગના તાપથી:
ધ્રૂજે અમે સાક્ષી શા નભદીવા મહાપાપથી.
બળે ઝળહળે પ્રગાઢતમ કાળજાં રાતનાં,
શિશુ ફડફડી રડે સભય અંકમાં માતના.

સિકંદર સહ્યો, સહ્યાં ગજબ તઐમુરોનાં ઘણાં,
અનેક કતલો, અને અનલ નાદીરોના સહ્યા;
પરંતુ સઘળાં તણો કળશ આજ આભે ચડે,
હસંત વીર ખેડૂતો દુખ મહીં, ન પાયે પડે.

પ્રભાત પડતાં, નમેલ કૃષગાત્ર વૃદ્ધા મહી
બળી સળગી ખાખ માત્ર અવશેષ જોવા પળી.
ન પુત્ર, નવ નાથ, ના સદય ઉર એકે હતું;
હતું ઘર વિશાળ એય જગમાં હતું ના થયું.

પડ્યા થર મલિન રાખધૂળ કોલસાના દીઠા;
દીઠાં ભસમસાત સ્વપ્ન ભૂતકાળનાં કો મીઠાં;
રમ્યા રમત શૈશવે, રમણ યાવને જ્યાં કર્યાં,
ક્ષુધાર્ત જન લોહીનાં ઉદર-દાંતિયાં ત્યાં પડ્યાં.

નથી હૃદય પંખીડું ફફડતું: નથી ધ્રૂજતું,
ન આંખ મહીં ઝેર જરીય બિન્દુડું ઝૂઝતું!
કરો ભસમ દેહ આય, નવ પાઈ એકે મળે!
થયા ફરકી હોઠ બંધ જરી, એક આંસુ સરે.

કવિ! વિજય આવડો નીરખ પ્રેમના મંત્રનો!
સુઅશ્રુ મહીંથી ચડે ગગન સ્તંભ સ્વાતંત્ર્યનો!
14-1-’31


સપૂત

આવવું ન આશ્રમે — મળે નહિ સ્વતંત્રતા!
જંપવું નથી લગીર — જો નહિ સ્વતંત્રતા!
સ્નેહ, સૌખ્ય સૌ હરામ —ના મળે સ્વતંત્રતા!
જીવવું મર્યા સમાન — ના યદિ સ્વતંત્રતા!

પુત્ર-દાર!
જન્મમૃત્યુના જુહાર!
 જંપવું ન, જાલીમોય જંપશે ન સૌ ખુવાર!
મૃત્યુ કે સ્વતંત્રતા: લખી ન આ લલાટ હાર!

આકરા પુકારી કોલ, વીરલા રણે ચડ્યા!
ખેતરો ખૂંદ્યાં અને ભમ્યા અનેક ગામડાં!
મહી વટ્યા, ઝૂલ્યા સપૂત માત-અંક-નર્મદા!
ઝૂંપડે જઈ વસ્યા, પ્રજાઅવાજ પામવા!

મોખરે ધપે હસી હસી જવાન ડોસલો!
સર્વ સાથ-કોઈ ના-બધું સમાન: એકલો!
રાષ્ટ્રદેવ! રાષ્ટ્રપ્રાણની પીછે સહુ ધસ્યા!
એક એ અનંતમાંથી સિંધુ સાત ઊમટ્યા!

પગો પડે!
સુવર્ણ માટીમાં મઢે!
અસંખ્ય ઊમટી પ્રજા પુનિત પાદમાં પડે!
જન્મના ગુલામને સ્વતંત્ર જન્મ સાંપડે!

જીવશે ન-જીવવા દઈ સપૂત-જાલીમો!
મારશેય, મુક્તિમ્હેલ તો ચણાય રાખનો!
29-4-’30


દાંડીને

નથી તવ તટે મહા ઘૂઘવતા સમુદ્રો પડ્યા,
નથી તવ તટે કદીય જગ-જ્હાજ તો લાંગર્યાં;
અપાર નવ એ ઊંડાણ જગના મહાસિન્ધુ શાં;
કવું ક્યમ સ્તુતિ કહે હું તવ? — તું સમુદ્રેય ના.

નથી અમર આંસુડે ઝળકતી દીવાદાંડીએ;
તૂટેલ પથરા પડ્યા, રખડતા — રડે પાદરે.
ભર્યાં કદમ ભૂમિમાં નવજવાન શા ડોસલે,
સુવર્ણ-ધૂળની શી! ધન્ય પગલે — અડી પારસે.

તપ્યાં તપ અગમ્ય કોઈ વીરલે, ફળે — પાંગરે,
સમુદ્ર થકી એ અપાર નર નાવડાં લાંગરે;
કણે-વિચિગણે વસે અમરતા-લસે ધન્યતા;
સુવર્ણ ઇતિહાસનાં પ્રથમ ગાન તારા તીરે!

આળોટે જ્યાં રુદન કરતા દાંડી પાષાણખંડ!
ત્યાં રોપાયો અમર સ્મૃતિ શો રાષ્ટ્રનો માનદંડ!
28-4-’30


મોહનપગલાં

1

અસંખ્ય ગિરિશૃંગમાં નીરવતા મૂંગી આથડે;
અઘોર નભ-ઘુમ્ટે ઝબક તારલાઓ સરે.
અપાર અવનીપટે સકળ શ્વાસ જંપી ગયા;
અગાધ ઉદધિ તણાં ગહન ગાન સૂનાં થયાં.

મિનાર સહુ ચક્રવાલ રચતા અનંતે અડે,
દિશા-પગીર સૌ અધન્ય ક્ષણ સાંધી ઝોકે ચડે,
ટગુમગુ થતા દીવા ઝબકતા થયા ને ઠર્યા,
અને અવનિને ઉરે તિમિરના થરો આવર્યા.

કહે: પ્રથમ વિશ્વ આ અખિલ શબ્દબ્રહ્મે ભર્યું;
પછી સૃજનનું અપૂર્વ સમ પુષ્પ આ પાંગર્યું.
અનાદિ પણ એથીયે સદય શાંતિમાં સૌ ઠર્યું,
ફરી અહહ! રાજ્ય એ પ્રખર શાંતિએ પાથર્યું.
નથી રવ જરી: બને! સભર શાંતિ સૂની થઈ!
અથાગ પટ આવર્યા: તિમિરનીય આંખો ગઈ!
21-7-’31


2
ઊઠે જગતના પટે, તિમિરના તટે આકૃતિ,
ભયે કકળતી વિષણ્ણ પ્રતિમા બની વિસ્મૃતિ.
અનેક ઘર અથાડી, પગથિયાં ચડી ઊતરી,
સૂતેલ ભુજપાશમાં કપૂત સૌ: ન મા સાંભરી.

અને રુદન ગાજતાં, ગગન વિશ્વ કમ્પાવતા
દિશેદિશ થકી પ્રકમ્પ, પડઘા સરી આવતા.
વહે તરલ વ્હેણ ગંગ-જમના સમાં આંસુનાં,
ગળ્યા ખડક કાળમીંઢ, નગ, આંસુડાં થૈ ઉન્હાં.

સપૂત નવ કો ઊઠે, કરુણ હાક માની સુણી?
દીધા જનમ તીસ કોટિ જીવ તોય હું વાંઝણી?
કરેલ પયપાન ગંગ-જમના સમી છાતીનાં,
શું વીર્ય અરજૂન, રામ, અજનાંય હીણાં થયાં?

હિમાચળ સહ્યો સહસ્રશત વર્ષથી છાતીએ!
અસહ્ય દૃઢ શૃંખલા પદ જડી: ન સંખાતી એ!
22-7-’31


3

આઘા વ્હેણે સરતી સરિતા આશ્રમે પાસ આવે.
ઊંચા નીચા હૃદયધબકા પુણ્ય-પાદે ચડાવે.
કાંઠે ઊભી તરુગણ સહુ વારી જાતાં ઝળૂંબે:
વેલી વાડે ઘન તિમિરમાં આગિયા પુષ્પ ચુંબે.

ઊંચે કાંઠે, સરળ ઘરની લીંબડાળી ફળીમાં
બિડાયેલાં નયન નમણાં: ઊપડે શ્વાસ ધીમા;
નાનું એનું શરીર કુમળું, ભાવ ચૈતન્ય કાંતિ,
પોઢે જાણે જગકલહની મધ્યમાં દિવ્ય શાંતિ.

ઊંચા ઊંચા ગિરિશિખરથી વાય ઊના નિસાસા,
કોટિ કોટિ જીવન સરજ્યાં, વાંઝણી તોય માતા!

જાગી ઊઠ્યો ઝબક: નમણાં નેનમાં દુ:ખ થીજ્યાં,
ચારે બાજુ નજર કરતો, એકલો, ગાલ ભીંજ્યા.

અંગે અંગે, હૃદય, વદને, આંખમાં દાહ જામ્યો!
માતાનાં એ ઝળહળ થતાં આંસુનું રૂપ પામ્યો!
23-7-’31


4

જાગો! ઊઠો! ભરતભૂમિનાં, રાષ્ટ્રનાં પુત્ર-પુત્રી!
જાલીમોના નખ ઉઝરડે લોહી વ્હેતી ધરિત્રી.
વર્ષા-વીજ શરીર ઘસતા ડુંગરા ભૂમિ રક્ષી.

ગાજી ઊઠે અખિલ નભમાં મેઘનો જેમ નાદ,
 સાતે સિંધુ ઉપર ફફડે કોઈ તોફાન સાદ,
એવાં એનાં રણ-રમણ-આહ્લેકનાં ગાન ગાજ્યાં,
ચૌટે, ચોરે, પુર, નગરમાં, ગામડે, લોક જાગ્યાં.

બિડાયેલા કમલદલમાં જેમ વર્ષે તુષાર,
મૃત્યુબીડ્યાં નયનકમલે અમૃતી છંટકાર;
એવા એના જન સકળનાં દુ:ખથી આર્ત્ત નેને,
દૈવી દીપ્તિ અકળ પ્રગટી, લોક ઉત્સાહ વ્હેણે!

લોઢામાંથી ધન પ્રગટતું પારસી સ્પર્શ થાતાં!
માટીમાંથી અમર વચને, માનવી ઊભરાતા!
24-7-’31


5

ઘંટ વાગતાં પ્રચંડ આશ્રમી સહુ પળે
ઉપાસના સ્થળે: અનંત આંખડી હસે, લળે,
વિતાનથી: નદીતણાં સુમંદ નીર મંજુલાં
કવે કવિત: પાથરે સુગંધ વેલ-ફૂલડાં.

કોઈ આવતું હતું, નિગૂઢ નેન પાથરી
વસુંધરા પરે: પડે ચડે સુમંદ ચાખડી.
સર્વ નેન એક ધ્યાન, લોહચુંબકે જડ્યાં,
પતિતપાવના પગે, પદે પદે જઈ અડ્યાં.

સળેકડા સમું શરીર: આંખમાં ભર્યાં અમી:
વિદગ્ધ તોય છે સુહાસ: રામમાં રહ્યા રમી.
પોતડી ટૂંકી, વીંટેલ ઉત્તરીય છાતીએ:
પળંત ટેકવાઈ બે કુમારી કાખની નીચે.

આસને સ્થિતિ કરી: જરીક નેન ઉઘડ્યાં!
ચહુ દિશે વળી, ફરી અનંતમાં મળ્યાં!
24-7-’31


6

પ્રાર્થના પૂરી થઈ: વિલીન સૂર ગીતના
થતા ધીમે ધીમે, અલોપ ચક્ર જેમ નીરમાં
વધી વધી થઈ રહે: અને સુમંદ ઊપડે
ફરુકતા સુઓષ્ઠ ને યતીન્દ્ર આમ ઉચ્ચરે—

સાઠ વર્ષ છો વીત્યાં; જુવાન તોય વીશનો
અનુભવું મને: કરું પ્રવાસ ચાર દિશનો;
પગો કૂદંત ચેતના—ઝરા સમા: અને ચહું
વિતાન વીરહાક-શંખનાદથી ભરી દઉ.

જીવડું મરેય તોય ઉર આ રડી રહે,
સ્વતંત્રતા તણા સુયજ્ઞમાં કરોડ છો બળે
જવાનડાં દૂધેભર્યાં; રૂંવાડું એક ના ફરે:
અને ભલે મહાન વજ્રપાત આવીને પડે.

પુત્રપુત્રી શાં ગણ્યાં અધિકડાં સહુ થકી:
હોમવાં અધિક કામ, આશ્રમી! કર્યું નકી!
તરલ વ્હેણથી સાભ્રમતી તણાં
સલિલ સાગરનાથ ભણી વળે;
પુરજનો નિજ કર્મ ત્યજી ઘણાં,
સરત-આશ્રમ-પાર-ભણી પળે.

રવિ તણાં ઝીલી રશ્મિ રડ્યાંખડ્યાં,
વિરહવ્યાકુળ નીર ગુલાલ શાં!
સરિતના પટ ઉપર ઊમટ્યા,
જન તણા સમુદાય વિશાળ આ!

મધુર ઘંટ થયા: થઈ પ્રાર્થના:
સકળ ગાન ભળ્યાં અવકાશમાં.
પરુજનો સહુ સ્તબ્ધ બની ગયાં,
અમર શબ્દ ઝરે મધુનીતર્યા—-

પ્રભુ કરે; પળું કાલ પ્રભાતમાં!
મરદ સર્વ પળે મુજ સાથમાં!
26-7-’31


કોડિયાં

1
ચડી ચડી પર્વતની કરાડો
પૂજારી કો મંદિર તાહરે જતો;
પૂજા કરી પાવન અંતરે થતો
પૂજા તણો માર્ગ ન મેં સ્વીકાર્યો.

ધરુ દીવો સાગરમાં પ્રજાશના?
કદી ઘમંડી નથી હું થયો પ્રભો!
સુવાસીને મંદિર લાવું સૌરભો?
નથી કર્યાં કર્મ કદી ગુમાનનાં

અંધારના ઘુમ્મટ ઘોરમાં પડ્યો,
આંધી ઉરે એક મહાન વાઈ;
દીવી ધુંવા અંતર ચક્ષુને નડ્યો.

પૂજારીને મંદિર આવશો, પ્રભુ?
પેટાવવા અંતર દીપ-કોડિયું?
મહેલથી નિત્ય જતાં સરોવરે,
તને પગે કંટક ખૂબ વાગતાં;
ગુલાબ ને ડોલર પાથર્યા થરે,
કરેલ મેં ઝાકળબિંદુ છાંટણાં.

સુકોમળે ડંખથી પાંખડીને
તને પીડાતો નીરખી શકી ના;
હૈયા તણી ચાખડીઓ ઘડી બે,
ને આંખડી બે મઢી અંગૂઠીમાં —-

ધરું તને. હું મનમાં વિચારું,
ત્યાં તેં જ આદેશ મહીં ઉચાર્યું;
ઊઠે ઉરે ચાખડી કાજ ભાવ,
હૈયું અને આંખડી ના ધરાવ?

નૈવેદ્યનું મૂલ્ય હવે વધી ગયું!
અભેદ તારા મહીં મેં અનુભવ્યું
9-11-’30


3

ઉઘાડજો મંગલદ્વાર ઓ પ્રભુ!
ધ્રૂજી રહ્યો: શીત સમીર વાતો;
ઠરી થયું હિમ શરીર આ સહુ,
અંધાર ઘેરો મુજ આંખ છાતો.
કરી કરી મેં વિનતી હજારો,
મંદિરનાં દ્વાર ન તેં ઉઘાડ્યાં;
ન આવતો પ્રેમલ શબ્દ તારો,
સમા હવે ધીરજના ખુટાડ્યા.

હવે ન મારે મૃદુ ગાન ગાવાં,
હવે ન ઊભાં તુજ દ્વાર ધ્રૂજવું;
હવે કમાડો મથું હું હલા’વા,
ન જંપવું, ના જરી જંપવા દઉં.

અફાળું હું સાંકળ ખૂબ જોરથી!
ખોલે ન, તો ગાન કરું હું શોરથી!
9-11-’30


5

ભમે બીજાં પાછળ માહરી અને
હું તાહરી પાછળ તો ભમી રહું;
દુ:ખી કરું હું તલસાવી સર્વને,
અને હું તારા દુખથી દુખી બનું.
પૂજે મને ભાવથી પ્રેમીઓ બધાં,
અને હું ઘેલો થઈને પૂજું તને.
રિઝાવવા અંતર સર્વ પાથરે,
તને રિઝાવું, ધૂન એ રહે મને.

રિબાવ તોયે તુજ પાસ આવું,
રિબાવું જેઓ મુજને સુખી કરે.
રટે મને—સર્વથી દૂર જાઉં,
અને તને એક રટું હું અંતરે.

ન જાણું નેને તુજ જાદુ શું ભર્યું?
ત્હારે દુખે કો સુખ છે મીઠું ઠર્યું!
9-11-’30


6

તળાટીએ નિર્જન આ ગિરિ તણી
પડી રહું નિર્બળ હું અપંગ.
પ્રયાણ કાજે ઊઠતા ઉમંગ,
રડી રહું દુ:ખથી જોઈ તું ભણી.

આકાશના ઘુમ્મટને અડેલો
મંદિરનો ઘુમ્મટ જોઈ તો રહું;
ઊડી શકું તો ઊડવા ઘણું ચહું,
રડી રહું અંતરમાં અકેલો.
અંધારની ઘોર પ્રશાન્ત છાયા
આકાશ ને પર્વતમાં છવાતી;
વિભાવરી મંદ સુવાયુ વાતી,
મંદિરમાં દીપક સો મુકાયા.

ટમે ટમે દીપકની દીવેટ,
પડી-રડી દૂરથી જોઈ હું રહું.
પેટાવવા દીપક તો જવું ઘણું,
દીવો થતો અંતરનો અચેત.

પૂજારી કેવો, પ્રભુ! ભાગ્યવંતો?
ચડી ચડી પર્વત ત્યાં દીવો કરે;
કરી દીવો અંતરમાં પ્રભા ભરે,
અપંગ હું અંતરમાં રડંતો.

ત્યાં તો પ્રભા ભાસ્કરની છવાય
યાત્રી નમી સર્વ કરે પ્રયાણ.
અને હું સૂતો મુડદા સમાન,
પ્રભાતિયું મંદ સમીર ગાય.

સુણું પગોના રવ યાત્રી કેરા,
મથું મથું તોય ઊઠી શકું નહિ.
પેસી જઉં-થાય, પ્રભો; ધરામહીં;
ઊઠે ઉરે ભાવ અનેક ઘેરા.

સુણું સૂતો હું રવ મંદ ઘંટના,
હૈયું કૂદે! અંગ શિથિલ થૈ પડે.
અપંગતા અંગની આડી તો નડે;
હૈયું કૂદી પાર પડે દિગન્તના.

ચડી શકું પ્હાડ નહિ અપંગ હું,
ન આવી દીવો તુજ પેટવી શકું.
નૈવેદ્ય ભક્તિ નવ હું ધરી શકું,
અપંગને માફ કરે ન શું પ્રભું?

નથી કને દીપક કાજ કોડિયું,
ન રોપવા એક સળી દીવેટની;
નથી પ્રભુ! હામ કશીય ભેટની,
નથી કને દીપક તેલ તો પડ્યું.

હૈયા તણું હું રચું એક કોડિયું!
આંસુ સર્યાં: દીપક તેલ સાંપડ્યું.
9-11-’30


7

ગગન અંધ બન્યું; શમણે પડ્યું,
શ્રવણનું શુભ ચાંદરણું ચડ્યું:
જગતના સહુ શ્વાસ કરી ધીમા
હૃદય—જાગૃતિ—બિન્દુ દડી પડ્યું.

પવનના ઈસરાજ શમી ગયા,
ચમન, કાનન મૂઢ થઈ રહ્યાં;
સુરનદી તણી પારસ વેલથી
ઝબક—તારક—ફૂલ કંઈ ખર્યાં.

કરી છૂટો ભુજપાશ ઊભો થયો,
ટમકતો વન-અન્ત દીવો લહ્યો:
નિગૂઢમાં નિજ નેન નમાવતો
અલખ દંડ નમી કરમાં ગ્રહ્યો:

નવ પ્રિયા ભણી નેન વળ્યાં જરી!
ટમકતે દિલ આંખડીઓ ધરી!
6-2-’32


8

અહમઅહમી જાણું જાણું હું-તું રમણે ચડ્યાં!
અવનિપટનાં ઉદ્યોનોમાં ભમ્યો ભમરો બની,
ચમન-વગડે તાનો લીધી-ફૂલે ફૂલને ગમી.
કમળદળથી વારિબિન્દુ સરી સરકી પડે,
સુમન ખરતાં ઝોળી મારી ભરે લચકી પડે.

ચરણ ધરવા આવ્યો તારે, સુધાસ્મિત તેં કર્યું,
વીણી વીણી ફૂલ સકળ તેં ઉરે બધું સંઘર્યુ.
મુર્ઝાતાં એ જરીક કુમળાં, પ્રેમીનાં પ્રેમ દીધાં,
આંસુ સારી, હૃદય સૂકવી, તેં ફરી સ્નિગ્ધ કીધાં.

જીતી જાશે પ્રણય-પરબે? મેં ઉપાડી કુહાડી,
હૈયું ચીર્યું હૃદય ઘડવા એક તારી સિતારી.
કોનું? કોનું? વચન વદતી? ચક્ષુ મારાં ઉઘાડ્યાં,
તારે હૈયે રુધિરખરડ્યા મેં લિસોટા ઉઠાડ્યા?

હારી! હાર્યો! વિજય ન ખપે!
          — નભે પડઘા પડ્યા!
12-2-’32


9

ત્રિકાલ કેરો કરી માનદંડ,
પ્રકાશની તારત્રયી મઢી લઈ,
પ્રચંડ ભાનુ તણી અંગૂઠી કરી,
અશ્વિનીએ સાદ કર્યો પ્રચંડ:
વિરાટ! તારું જયગાન ગાવા,
તંબૂરનું એક અનન્ત તૂંબડું
દઈ શકે તો મુજ દંડમાં મઢું,
સંગીત એ શાશ્વતને સમા’વા!

વિરાટનું સોણલું તો સરી પડ્યું,
ધીમે રહી અંતર ખોલી આપ્યું;
અનન્ત એવું અવકાશ વ્યાપ્યું;
અશ્વિનીને સાંપડ્યું વ્યોમ-તૂંબડું.

સંગીતના શાશ્વત બોલ થીજતા!
તારા બની તૂંબ મહીં દીવા થતા!

16-2-’32


10

પ્રવાસ મેં જીવનનો પૂરો કર્યો,
સ્વધામ જાતો પગલે ઉતાવળે:
ભંડાર મારો જગને પગે ધર્યો,
રિઝાવવા હાથ મૂકેલ મોકળા.

માન્યું કને સર્વથી શ્રેષ્ઠ ભેટ
હતી પદે અંતર-દેવ આપવા.
સખા સખી પ્રેમલ સ્ત્રી સમેત
લાગ્યો સમૃદ્ધિ સહુને ઉડાવવા.

રાખ્યું હતું અંતર આપવા પદે,
ચોરી ગયું કોઈ ન હાથ આવતું.
પ્રભુ! સખા! દેવ! દયા નહિ ઘટે,
હરામીને હેત ન ઘેર લાવતું.

ભવાટવીની ભમતો ભૂતાવળે
ખોજીશ એ અંતરને ઉરે ઉરે!

12-2-’32


11

ધડાક શાં દ્વાર પીછે પછાડી
ત્યજી દઈ આસન કેમ ભાગતો?
હૂંફે ભર્યા પ્રેમપલંગ છાંડી
એકાન્ત આ કાનન ભોમ જાગતો?

હસી હસી દ્વારદ્વયી ઉઘાડ્યાં
જરાક જ્યાં સાંકળનાદ તેં કર્યો!
ધરેલ તેં પુષ્પ બધાં સ્વીકાર્યાં,
અબોલડા તોય? શું પ્રશ્ન ઉચ્ચર્યો?

હૈયું નિચોવી ચરણો નવાજું,
ન તોય તું પંજિરમાં પ્રપન્ન!
શરીર—તંતુ—ઈસરાજ બાજું
માન્યું, થતો તોય ન તું પ્રસન્ન!

જરા રડું ત્યાં અપનાવ ના, હરિ!
ઊંડી ઉરે ભૂખ દુરાધ્ય દેવની!
28-2-’32


12

નથી તને નીરખવો! મને કરી,
 મૂર્તિ, કથા મંદિરદ્વાર ત્યાગતો;
પહાડના પથ્થરમાં જઉં સરી,
પદે પદે સ્પર્શ તથાપિ જાગતો!

સેતાનનું રક્ષણ પામવા! કરી,
સ્વરૂપના બાહુ મહીં લપાતો!
એ આંખમાં પ્રેમપ્રકાશને ભરી,
કપોલમાંયે સરતો છુપાતો!

સ્તુતિ, પૂજા, આરતી, ઘંટનાદ
ભણી ભર્યાં કાન મહીંય પૂંમડાં!
અબોલ આ અંતરને નિનાદ
ઘમંડના ઘુમ્મટ તો દડી પડ્યા!

‘કાં હું ન—કાં તું નવ!’— તું અપાર!
તો હું મટું ‘હું’—બનવું અસાર!
29-2-’32


13

કદંબની કુંજ મહીં વીંટાઈ
ભૂરું ભૂરું હાસ્ય હસંત ખોખરું;
જરીક શી ડાળ જલે છવાઈ,
લળી લહે બિમ્બ જલારસી દડ્યું.

ગુલાબ ને બોરસલી બિછાવી
કર્યો ઝૂલો ઉર્વશી—ઉત્તરીયનો;
સમીરની હીર—સળી લગાવી
કવિ કરી પોઢવી એ ઉરે મને—-

ઝૂલાવતી પાલવ નૃત્યતાલે,
સુરાંગના પ્રેષિત તું કૃપાએ;
માગ્યું હતું મેં, સઘળું ન્યછોવી,
દીધો સુખે તેં મુજને પરોવી.

રૂંવે રૂંવે આ સુખશૂળ વાગે!
સુખી ઉરોને ભગવાન ત્યાગે!
3-3-’32


14

કપાસના છોડથી કટીને ચૂંટી
અભાવથી માળી સુદૂર ફેંકતો:
સ્વરૂપ મારું હતું તે લઈ લૂંટી
ફરી મને ક્રૂર બની ઉવેખતો.

ભાંગી ગયાં ઢીંચણ, ધૂળમાં પડી,
ત્યજાયલી—વિસ્મૃત હું તિરસ્કૃત:
ફરી ફરી બાગ મહીં હું આથડી,
પડી વળી પાટુ અનેક નિભૃત.

આ જીવતો અંત અકાલ આણું!
લહી સૂતી ખાખ મહીં સ્મશાનમાં;
નિસાસતી મૃત્યુની સોડ તાણું;
સંજીવની કોઈક ગાય કાનમાં:

પ્રિયા! તને મેળવવા યુગો યુગો
એકી ટસે રાહ ધરી ઊભો હતો:
વિમુખ તારા મુખચંદ્રને મંૂગો
લહી લહી વાદળી વર્ષતો હતો.

હતાં સહુ દ્વાર મૂક્યાં ઉઘાડાં
તું આવશે એક દિ’ એમ ધારીને;
વૃશ્ચિક ને ઝુમ્મર સોળ તારા
જલાવતો નિત્ય તને પુકારીને.

સ્મશાનમાં આમ ઘટે ન શય્યા;
અકાળ આ મૃત્યુની સોડ તાણવી:
સન્માન કે કોલ વિના સમૈયા,
મારી તને પાંખ સદા પ્રમાણવી!

આંખો બની વાદળી વર્ષવા કરે,
હૈયા તણા થાય સહસ્ર ચૂરા:
પિયુ તણા પાદ પખાળવાને
આંખો તણા સાગર તો અધૂરા.

પ્રિયા, વચન એક ન કેમ બોલે?
નથી હજી રોષ શમ્યો સખા પરે?
અમીભર્યાં નેન નહિ જ ખોલે?
અયોગ્યને લેઈશ ના શું અંતરે?

ધ્રૂજો દિશાના દિગ્પાલ ચારે!
આકાશનો ગુંબજ તો તૂટી પડો!
પૃથ્વી તણું પેટ ચીરી પ્રહારે,
ત્રિલોક-જેતા જમરાજ ઊપડો!

પિયુ તણાં વેણ નથી ખમાતાં,
કસોટી મારી થઈ ખૂબ આકરી;
જૂની સ્મૃતિનાં દળ ઊભરાતાં,
મૂકો મને એકલી ઓ ખમા કરી!

અમીભર્યાં નેન નહિ ઉઘાડું?
એવો પૂછ્યો પ્રશ્ન મને વિલક્ષણે.
લજ્જા તણા પર્વત શે ઉપાડું,
થીજી ગયા જે પ્રણમેલ પાંપણે?

મદારીની મોરલી એકદા હતો!
અને હું તો નાગણી જેમ નાચતી;
અબુજ જાણી મુખ ફેરવી જતો!
પડી પડી પાય હું પ્રેમ યાચતી.

પતંગ શા તેં ફુલયજ્ઞ માંડ્યા,
ઊડી ઊડી પુષ્પ અનેક સૂંઘતો;
પ્રિયા તણાં અંતર તેં દઝાડ્યાં,
ક્ષણે ક્ષણે સ્નેહલ ઉર રૂંધતો.

પડી ધીમા સર્વ ગયા પછાડા,
ત્યજાયલો તું ફરી દ્વાર આવતો.
રડી રડી પાયદ્વયી નવાડ્યા,
‘ક્ષમા, ક્ષમા!’ યાચનશબ્દ લાવતો.

પરંતુ હું તો ચડસે ચડી હતી,
ભૂમિ થકી ના તુજને ઉઠાડ્યો;
ક્ષમા નહિ, શાપ અનેક આપતી,
રડેલને મેં વળીયે રડાવ્યો.

તારા સમા મેં ઉરયજ્ઞ આદર્યા
ઊડી ઊડી પુષ્પ અનેક સૂંઘવા.
ક્ષણે ક્ષણે તાહરું હેત ડામવા
દાઝ્યા પરે મેં વળી દેવતા ધર્યા.

કપાસના છોડથી કીટને ચૂંટી
અભાવથી માળી સુદૂર ફેંકતો;
સ્વરૂપ મારૂં હતું તે લઈ લૂંટી
ફરી મને ક્રૂર બની ઉવેખતો.

ભાંગી ગયાં ઢીંચણ, ધૂળમાં પડી,
ત્યજાયલી — વિસ્મૃત હું તિરસ્કૃત:
અને અહીં આવતી તારી ચાખડી,
અયોગ્યને તો કરવા અલંકૃત.

અમીભર્યા નેન નહિ ઉઘાડું?’
એવો પૂછો પ્રશ્ન મને ન આકરો:
લજ્જા તણા પર્વત શે ઉપાડું,
 અબુજને નાથ નહિ ક્ષમા કરો?

સન્માન કે કોલ વિના સમૈયા,
મારી તને પાંખ સદા પ્રમાણવી!
16-2-’32


એક ફૂલખરણી

1

જાગી ઊઠું સાંભળતાં હું
          માનવઉરના ધબકારા;
સર્વ મહીં સંધાયો શ્વાસે,
          ગુંજન સાંભળતો તારાં.
                   દૂર નથી હું: મથી રહ્યો છું
                   પૂરવા ધબકારા મારા!
9-8-’29


2
દુ:ખ વિષાદ તણા ઉરના સૂર
          જગને શું સંભળાવ?
હોય હાસ્ય તો વિશ્વ ભરી દે,
          હાસ્યથી જગ અપનાવ.
                   દરિયામાં કાં ઢોળે ડોલ?
                   રણમાં એક ટીપું અણમોલ!
21-2-’30


3

ઊંચોઊંચો એક મિનારો,
          ઊંચા પર્વત પે રોપ્યો!
ગૌરવ પોતાનું જોવાને
          ડોક થકી જરી એ ડોક્યો!
                   પગ નવ દેખાતા લળતામાં,
                   કમ્મરથી ધડધડ ઝોક્યો!
27-6-’33


4

સૂર્યોદયમાં સાવજ ઊભી
          પડછાયો નીરખી ભાવે:

એક ઊંટિયું ખાવા જોશે,
          ઓડકાર નહિ તો ના’વે!
                   મધ્યાહ્ને પડછાયો જોતાં:
                   શિયાળવું એ તો ચાલે!
27-6-’33


5

સામે કાંઠે રાડ પડે ને
          આ કાંઠે ગોકીરો થાય;
વચમાં મોજાં ચડે ભયંકર,
          હોડી મારી ઝોલાં ખાય.
                   કોઈ ન વ્હારે ચડશો, શૂર!
                   જ્યાં હો ત્યાં જ લડી લેવાય!
27-6-’33


7

ઉત્ક્રાંતિના ક્રમમાં મોટી
          માનવકુલે ભૂલ કરી;
કરને કેળવવાને બદલે
          હોત કેળવી પાંખ જરી!
                   તુચ્છ નીચ આ ખેલો છોડી
                   વિશ્વરૂપથી આંખ ભરી!
27-6-’33


8

          વનડાને વસંતજ્વર લાગ્યો:
કૂંપળે-કૂંપળે એની શિખા ફૂટી, ને
પલાશે-પલાશે દાવાનળ જાગ્યો!
22-2-’32


9

પક્વ બિમ્બ શો અધર રસેલો,
          કાળી આંખો, કાળા કેશ;
કૌમુદીઊજળો વર્ણ અનુપમ,
          મેઘધનુષ ભાતીગળ વેશ:
                   નૂતન તું! પણ કવન જૂનું મમ!
                   સંકોર્યા કવિઓના શેષ!
27-6-’33


10

એક સુભ દર્શનથી દાન્તે
          ‘દિવ્યમોદ’ કરે સર્જન;
ક્ષણક્ષણ પળપળ તુજને જોતાં
          કાવ્ય રહે મારું નિર્ધન:
                   બિએટ્રિસ તું ના: કાં મુજથી
                   વિશદ હતું દાન્તે-દર્શન!
27-6-’33


11

અંધારાએ પીંઝી નાખી
          સંધ્યાની સોનેરી પાંખ;
કુમળું પીછું એક પડ્યું તે
          બીજકલાની તીરછી આંખ!
18-7-’34


વીસમે વર્ષે

અનંત કાલસાગરે ઊગ્યાં અનંત પોયણાં,
ખીલ્યાં, ખીલંત, કો બીડંત, કોઈ મિટ્ટીમાં મળ્યાં.
અપાર આભના સુરંગ: કાલના વિરાટ છંદ:
ઊર્મિના ઉમંગ, ભંગ: જેમ આવડ્યાં ઝીલ્યાં.

અનંત કાલસાગરે ખીલંત એક પોયણું,
કોઈ કોઈને ગમ્યુંય, કોઈને ઉરે રમ્યું;
ભવ્ય સ્વપ્નના તરંગ: પ્રેમના સુવર્ણ રંગ:
આદર્યા મહાન જંગ: ને અદીઠમાં ભમ્યું.

ઓગણીસ પાંદડી ખીલી, વીસમી,
ન જાણું હું હજીય આ મુસાફરી શી દીશની?
જંદિગી! કહે ન તું? રહસ્ય તાહરું બધું?
બીડેલ પાંદડે બીડ્યું, હશે કશું મીઠું અમી?

વ્યોમ-પુષ્પ તોડવા બળું અતુષ્ટિ આગમાં!
જંદિગી જીવી રહી હશે શું આ અતુષ્ટિમાં?
16-9-’30


એકવીસમે વર્ષે

પૃથ્વી તણાં કોતર — કંદરામાં
કો કંઠનો સાદ હતો કદી પડ્યો;
ને વીસ એના પડછંદ ગાજ્યા,
એક્કીસમો આ પડઘો ઊંચે ચડ્યો.
સૂતો હતો શૂન્ય મહીં નિહાળી,
જે શૂન્યતા પાછળ સર્વની ખડી;
પ્રશ્નર્થ શી દેહછટા પ્રસારી
સપ્તષિર્ની કુંડળી વ્યોમમાં ચડી.

અને જવું ક્યાં? ક્યમ આંહીં આવ્યો?
ક્યાંથી પધાર્યો? ક્યમ જીવવું થશે?
દેવા સમું તું કશું સાથ લાવ્યો?
સુરા અને સુંદરીમાં જીવ્યું જશે?

પ્રભાત તેં જીવનનાં વિતાડ્યાં,
મધ્યાહ્નના તાપ-પ્રતાપ કૈ સહ્યા;
રોતા કદી બાંધવને રમાડ્યા?
કે સ્વપ્નમાં સર્વ દિનો વહી ગયા?

છૂટ્યા મહા ધોધ સમા નિસાસા,
રડીરડી નેન ગુલાબ શા કર્યાં;
મથ્યો મને — માનવને મના’વા,
સંતુષ્ટિનાં ધૈર્ય ન તોય સાંપડ્યાં.

અહા! અહા! તોય ઘણું હું માનું!
સપ્તષિર્ની જેમ કહી શકું કદી—
ન્હોતું હજી નામ શનિ, ધરાનું,
મુસાફરી ત્યારથી આમ આદરી:

બ્રહ્માંડ શું? બ્રહ્મ શું? ને અમે કાં?
કાં જીવવું? શાશ્વત પ્રશ્ન પૂછતા;
ઘાણી તણા બેલ જૂતેલ ચક્રમાં,
પ્રશ્નર્થ શા નિત્ય વિતાન ઊગતાં.

અસંખ્ય તો ચંક્રમણો કર્યાં કૈં,
ન તોય કોઈ ધ્રુવતત્ત્વ જાણતા:
રડીરડી અશ્રુ-ઉડુ ઝર્યા કૈં,
નથી હજી શાશ્વતને પ્રમાણતા.

જીવ્યું થયું ધન્ય તથાપિ લેકું,
ફરી રહ્યા એ ધ્રુવતત્ત્વ ઘેરતા,
પ્રાપ્તિ થકી ભવ્ય પ્રયત્ન પેખું,
આછાં થતાં દર્શન પ્રાણ પ્રેરતાં.

અહા! અહા! તોય ઘણું હું માનું!
સરે થતા વર્તુલ શું વદી શકું—
વચ્ચે પડ્યો કંકિર જન્મ-વ્હાણું,
વધીવધી વ્યાપૃત્વા બધું મથું.

નીચે થકી મોહિત થૈ નિહાળી
ચડી રહું શૃંગ નગાધિરાજનું;
વળી ચડું સુંદર શ્રેષ્ઠ ભાળી,
ઊંચે ચડું હું ક્રમમાં. કહી શકું?

ઓ જંદિગી! હું ન રહસ્ય જાણું!
જાણ્યા વિના જીવન શે જીવ્યું જશે?
કદી ગયું: મૃત્યુનું હાય! શું થશે?
જાણ્યા વિના ધ્યેય, અદૃષ્ટ આકરું!
5-10-’31


બાવીસમે વર્ષે

ઉપર વિઠલજીની વેદી રે,
          નીચે એક કૂણો ક્યારો:
                   એમાં હું તુલસીનો છોડવો!
હરિજન આવી પગ પૂજતા,
          જલસંચિનની ધારો:
          તુલસીક્યારામાં દરોડવો!
મારે કંઈક ફૂટી મંજરી,
          વળી ફૂટશે હજારો:
                   કેટલીનો ભેદ કેમ ફોડવો?
વાસવીસ મંજરી ખરી ગઈ,
          આજ એકવીસ વારો:
                   એનોય મોહ આજ છોડવો!
માન્યું મેં વિઠલા પદે જશે,
          ભેદ તો ખૂલ્યો અકારો!
                   મકરંદ બધો માટી મહીં રોડવ્યો!
જેની હતી શીળી છાંયડી,
          જેના રસનો ફુવારો:
                   એને જ આમ કરી ભોળવ્યો!
કોઈ હાડ-ચામ કેરું માનવી,
          ડિલે બ્હારનાં શૃંગારો:
                   મનડાનો સાહ્યબો થઈ ગયો!
જાશે બધી જ આમ મંજરી,
          જીવની સુગંધ-ધારો:
          સારું જો છોડ માટીમાં મળ્યો!
18-9-’32


તેવીસમે વર્ષે

ઊગ્યો દિવસ ધૂંધળો: પવનપાવડીયે પડી
અદૃષ્ટ ગિરિ-પાંખમાં: શમશમી ઊભી ત્યાં વડી
તમાલ, શરૂ, શાલની ધૂસર ઝૂકતી આવલિ:
ઊભે સડક ખીણને શિખર જુદ્ધ સેના ચડી!

કરી કઠણ ઠાઠડી, શિર ધરી, સ્મશાને ગયો:
મૂક્યાં સૂકલ લાકડાં, જરીક આગ, વહ્નિ થયો:
બળે વરસ માહરું, જીવનનું; જીવ્યો તેહનું;
કંઈક ઉકળાટનું; કંઈ અતૃપ્તિ ને છેહનું.

સહુ પ્રણય બાળતાં, ઉર પ્રજાળતાં, જે રહ્યું,
ભલે ભરખ આજ વહ્નિ! નિજનું બધુંયે ગયું.

નવીન દિલ બાંધવા જીવનપૃષ્ઠ ખુલ્લું થયું!
13-9-’33


પૂણિર્મા પાંખમાં

રચેલ સખી સ્વપ્ન મેં: કદીક પૂણિર્મા પાંખમાં
લપાઈ, ધરી તાલમાં સુદૂર બંદરી સંગીતે
પદેપદ, વળોટવા ચઢણ એ; અને આંખમાં
પ્રતિચ્છવી પ્રકાશવા ઉભય પ્રીતના ઇંગિતે.

ચડી શિખર પેખવા ઉદધિઅંગ પે ઊઠતાં
તરંગ-શત-સ્પંદનો પરશ ચંદ્રના જ્યાં થતા.
અને તુજ કપોતનાય મધુ કૂજનોમાં ભળી
વિવર્તન પ્રસારવા મુજ ઉરે-સરે સાંભળી.

અનુક્ત પછી આપવા પ્રણયકોલ સ્વપ્નું રચ્યું,
અદ્વૈત થઈ, જોમ તો ભવ વિદારવાનું મચ્યું;
ન ધર્મ, નવ મંદિરે, નહીં જ સૂર્યની શાખમાં;
લખ્યા પ્રણયલેખ બેઉ મળી પૂણિર્મા પાંખમાં.

મળ્યાં ઉભય પંખીડાં સખી ! ન માન ભૂલી ગયો!
વૃથા ઉભય બ્હેન વિણ; સખી! કોલ દેવો રહ્યો!
3-3-’34


ભવિષ્ય ત્યજી ભૂતમાં

કતાર પછીયે કતાર મહીં ઝૂમતા કૌરવી
અનન્ત-શીશ સૈન્ય શા, મુખર ગાનમાં ભૈરવી
તરંગ શત જોઈને ઉદધિના, ઉરેયે ચડે
અકારણ તરંગ એક; વળી એક આંસુ દડે.

કદી જીવનજહાજ આ પળત ફેરવીને દિશા —
ભવિષ્ય ત્યજી ભૂતમાં! સકળ પામવા એ નિશા
જદિ પ્રિયતમા તણિ સભર છાતીનાં સ્પંદનો
સુવક્ષસ્થળ પે ઝીલી વીસરતો સહુ ક્રંદનો.

અને વળીય દૂરદૂર મુજ બ્હેનબા અંકમાં
સિંહાસન ત્રિલોકનું વરદ પામવા ઝંખના;
નભે ઊભરતા ગ્રહો, ઝબક તારલા, આંગળી
થકી તરત ચીંધવા ઉભય એકશ્વાસે ભળી.

અને ઉદર માડીને જીવનશૂન્ય થાવું ભલું!
નહીં જીવનપારના મરણ માંહી ક્યારે જવું!
14-5-’34


દૃગો અમુક અંતરે

વધુ નિકટ આવ મા, સખીરી! સ્હેજ દૂરે રહી
જૂએ છ ત્યમ પોપચાં, પણછ નેનના, વિકિરી
મને નિરખતી રહે! ધ્રુવપદે હુંયે આ ઊભી
લહીશ નિજ મૂર્તિને જ તુજ કીકી માંહી જડી.

અને મુજ વિલોલ આ નયનમાં તને ચીતરી
દઈ હુંય ઊભો, સખી! નીરખ, કોઈને કોતરી
નહીં દઉં કશે, કશુંય નહિ ચીતરું પાસમાં;
તને જ સખીરી! તને જ ભરું ચક્ષુ-આકાશમાં.

પરંતુ ત્યહીં રે’ ઊભી, વધુ ન પાસમાં આવતી,
દૃગો અમુક અંતરે સકળ આકલે તે થકી
નહીં જ જતી પાસમાં! જીવનસાર એ અંતરે.
વધુ નિકટતા થતાં સકળ વિશ્વ એમાં સરે.

રહ્યો શમશમી સદાય રહી એકલાં એકલાં!
હવે ન ફરી એકતા કરવી, જીવશું બેકલાં!


પૃથ્વી નવી

તમે સહુ ખડાં રહી પૃથિવીપ્રાન્ત પે કેટલાં
મને જલધિમોજના તરલ કુંડલે એકલાં
ધકેલી ક્યમ આપતાં? મરજીવો મને કાં કરો?
પ્રવાલ, શત મૌક્તિકો, નિલમ લાવવા સંદર!

અસંખ્ય જળ-જોજનો ઘૂમરશે અને ગાજશે
ભયાનક સૂરે: ન શ્વાસ તમ કો’ ઉન્હા લાધશે
મને જરીય: ગૂંગળાઈ ઠરી શંગિડું કાં બનું?
ત્યજી સકળ મેળવ્યું, નિધન કેમ મારે થવું?

મળે વિપુલ વૈભવો, પ્રબળ કીતિર્ ને કામના
સહુ સફલ થાય એમ કરી કામના, આ હિના
પ્રિયા તણીય ત્યાગવી? નવલ પ્રાપ્તિઓ માગવી
પ્રહાર કરી, ઠોકીને સકળ દ્વાર પૃથ્વી નવી?

ધકેલી નથી આપતાં, નિજની એ હતી ઝંખના!
છતાંય ક્ષણ આ લહું! નથી તમે હું ના — રંકના!
14-5-’34


મને ખબર ના

મને ખબર ના, કદીય ઉદધિ તણાં ગાન આ
અવિરત ક્રમે વહી યુગયુગાન્તરો તાનમાં
અધીર મુજ અંતરે પુલકતો ઝરો વ્પાપશે;
અને દિવસરાત એ રુદન સાંભળીને જશે.

હવે સમજ સૌ પડી; મમ ઉરે ઊઠે કારમા
તમામ સ્વર દુ:ખના — રુદનના, દિશાદ્વારમાં
પ્રકંપ પછડાઈને કરત, તે ઝીલી ગાજતો
મહોદધિ: ઉરે રચેલ પડઘો પ્રતિ બાજતો.

મને ખબર ના, ઊંડા ગહન ઉરથી ઊછળી
અકારણ તરંગ આ ચહુ દિશે કતારે પળી
તરંત મુજ મીટને સભર સર્વદા રાખશે;
અનિમિષ રહી અનન્ત-પળ પાંપણો જાગશે.

અગાધ તવ લોચનો સભર નીલ આ વિસ્તર્યાં!
અને નયન નિજ એ નયનપાત માંહી ઠર્યાં!
14-5-’34


છાતીની ધમણથી

હુંયે સ્વપનું, જેમ તું સ્વપનતી પણે કાંઠડે
મધુર સખીના મહા લગનમંડપે આંકડે
ગૂંથાઈ સખીવૃંદમાં, નયનમૌક્તિકો વેરતી,
પ્રવાસી પ્રણયી તણું સ્મરણ-અશ્રુ ઉછેરતી.

રૂપેરી વરમાળ હાથ ધરી એ ચડે વેદીએ
ભરે સકળ પૃથ્વી સાત પગલે; અને તું પ્રિયે!
બધું નિરખતી અને સ્વપનતીય તે, ‘આપણે
થશું જ કદી એક, બે ગળી જઈ,’ પીળી પાંપણે!

સખી! વરશું એથીયે લગનમંડપે તો વડા,
મહા ઉજવણે; અને સુરગણોય ઊંચે ખડા
રહી વરસશે શુભાશિષ; અને ફૂલોના ઝરા
નકી નીતરશે ઊંચે ગગન માંહી પંચાપ્સરા!

નથી શરીર દેવડી મુજની આજ ત્યાં તો ખરી!
પુરાવું તુજ છાતીની ધમણથી છતાં હાજરી!
15-5-’34


નિધનની પછીતે

કહે હૃદયરાજ! બે નયનમાં ન એકે ચડ્યું
વિદગ્ધ ક્યમ અશ્રુબિન્દુ ઉર લોહીનું નીતર્યું?
અધિક નિજ પ્રાણથી જીવનથી મને ચાહતો,
અને પ્રણયલોઢમાં હજી ન ઓટ સંભ્રમ થતો
કદી નવ મને! અને ગલિત હસ્ત હિમ સમ ઊજળો પાથર્યો
પ્રશાંત મમ વક્ષ પે: જરીક હસ્ત મારો સર્યો,
સરે પૂરવી-કાળ પીંગળ કપોત માળે ત્યમ,
સુગંધ ધૂલિધૂસર સ્ખલિત કેશ મધ્યે: જ્યમ
સુસ્નિગ્ધ નયનો કર્યાં હૃદયરાણીને તાકતાં,
કપોલ પર પાંડું બે અતૂટ આંસુ-રેલા થતા:

દીઠાં પછમ બારીથી હરણી-વ્યાધને કૂદતાં
ફલંગ ભરી જીવલેણ: પુરના દીવા ઠારતા
વહે ઉતલ વાયુ: ને હૃદયરાજ મૂંગો થશે?
પ્રભાત પડતાં મને અગન દાહ દેતો હશે!
કહે, શું લવલેશ દુ:ખ, ભય, યાતના ના થતી?
નહિ ફરક વિશ્વમાં જદી હતી, હતી ના થતી?
અવાજ સહ મેં ધર્યા ઉભય હસ્તમાં દેવીના
કપોલ બહુ જોરથી: અધિકડાય જોરે ભીના
કર્યા સુકલ ઓષ્ઠ: ને શીશ લીધું, ધર્યું છાતીએ:
ઠર્યું પ્રદીપકોડિયું સમીરસાન: ને જાતી એ.
પ્રિયે! હૃદયરાજ્ઞિ! જે દિવસથી મને તું મળી,
અને કવિતકલ્પને ભભક જ્યોતિ તારી ભળી;
રચેલ તવ ચિત્ર મેં નિધનની પછીતે અને
પ્રભા તરલ નેનની, કમળ લાલી ગાલો તણી,
કલાપી સમ ડોક, ને અલક કોટિ કોટિ ગણી,
અનાઘૃત કુસુમદ્રોણ સમ બે ભરી છાતીને,
ઢળંત નભ બીજ શી ચપલ કેસરિણી કટિ,
હથેલી પદપાનીની તરલ આરતીની શિખા
સમી સકળ આંગળી: સહુ પ્રિયે! હતું ચીતર્યું
પછીત કરી મૃત્યુની! તુજ સ્વરૂપનો મે લહ્યો
ઉઘાડ ધરી મૃત્યુનું પ્રતિસ્વરૂપ! તેથી થયો
ન કંપ મુજ હસ્તમાં સકળ વિશ્વને પાડતો!

સુણ્યો ન પરિશેષ ના નયનજ્યોતિ ઝાંખો થતો.
31-3-’33


છતાંય સ્મરવા

વદાય, સખી! આપતાં જીવન સર્વ થીજી જશે;
અને સબળ છાતી ભીતર થકી કશું ઊડશે
બખોલ કરી કારમી: ભભડતી સ્મૃતિ ભૂતની
અનેક વપુઓ ધરી સ્વપનમાં ગળું રૂંધશે.

પરંતુ કરું શું? કરાલ વ્રણ ચીતર્યો રાત્રિએ
સુધાંશુ સમ શુભ્ર દેહકમળે તને ધાત્રીએ:
નહીં! નહિ જ! કરે એ, મમ કૃતિ! છતાંયે હતી;
ક્ષમા સુભગ દૃષ્ટિની સભય આશ: એ ના ફળી

પરંતુ તવ ક્રોધ માંહીં અભિજાતતાયે બળી—
ઝળી ભસમસાત: ને અઘટતા નકી આદરી
પૂરી, કદિય જે મને સ્વપનમાં ન ખ્યાલે ચડી:
તને વ્રણ થયો: મને સ્વપ્ન — ભ્રંશની લૂ અડી.

છતાંય સ્મરવા તને સદય ઉરથી આ શપથ!
અનેક ભૂતકાળની અમૃતરાત્રિ પે લે લખત!
30-3-’33


ભરતી

સહસ્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં,
અફાટ જલધિ પરે અદમ પાણીપન્થાં ચડ્યાં;
હણે-હણહણે: વિતાન, જગ, દિગ્ગજો ધ્રૂજતાં,
ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા!

ત્રિભંગ કરી ડોકના, સકળ શ્વાસ ભેગા કરી,
ઉછાળી નવ દેહ અશ્વ ધમતા પડી ઊપડી;
દિશા સકળમાં ભમી, ક્ષિતિજ-હાથ તાળી દઈ,
પડંત પડછંદ વિશ્વભર ડાબલા ઉચ્ચરી.

કરાલ થર ભેખડે, જગતકાંઠડે કારમા,
પછાડી મદમસ્ત ધીંક: શિર રક્તનાં વારણાં;
ધસી જગત ખૂંદશે? અવનિ-આભ ભેગાં થશે?
ધડોધડ પડી-ખરી ગગનગુંબજો તૂટશે?

ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે!
દિશાવિજય કૂચનાં કદમ ગાજતાં ઊપડે!
10-8-’31


સ્વમાન

માન તમારે હાથ ન સોંપ્યું;
          કેમ કરી અપમાનશો?
વજ્ર સમું અણભેદ હૃદય આ,
          શર સૌ પાછાં પામશો.
ઘન ગરજે, વાયુ ફૂંકાયે,
          વીજળી કકડી ત્રાટકે;
બાર મેઘ વરસી વરસીને
          પર્વત ચીરે ઝાટકે —- માન0
હિમાદ્રિ અમલિન સુહાસે,
          ઊભો આભ અઢેલતો;
આત્મા મુજ તમ અપમાનોને
          હાસ્ય કરી અવહેલતો.
રેતી કેરા રણ ઉપર ના
          બાંધ્યાં મ્હેલ સ્વમાનના;
શ્રદ્ધાના અણડગ ખડકો પર
          પાયા રોપ્યા પ્રાણના!
માન તમારે હથ ન સોંપ્યું,
          કેમ કરી અપમાનશો?
વજ્ર સમું અણભેદ હૃદય આ,
          શર સૌ પાછાં પામશો.
27-7-’30


પાનખર

બારબાર મહિના ઊડીઊડીને
આજે સમીરરાજ ભૂખ્યા થયા;
દક્ષિણના દરિયાની વેદનસિતારે
ખાલી ખપ્પર લઈ નાચી રહ્યા.

          તાલ દીધો નિત નૃત્યમાં
          જેણે બારે માર —
          પાનખરે જઈને પૂછ્યું:
          એના પૂરશો ન હૈયાહુતાશ?

ડાળડાળ પાંદડાં છૂટીછૂટીને
ધરણીની શુષ્કતા ઢાંકી રહ્યાં;
વાયુ-વંટોળના વર્તુલ મોઝારે
ઊડી કંકાલ-નાચ નાચી ગયાં.
31-3-’32


અમૃતના ઉંબરમાં

એક અમૃતની કૂપી ભરી,
ઉપર આછેરી વિષ કેરી ચાદર ચડી,
આખા જીવનની ધન્યતા તરી,
જરી ઝાંખેરી દોષ કેરી છાયા પડી:

અદકેરાં દાન અમે દીધાં-લીધાં,
મોંઘેરાં પાન અમે પાયાં-પીધાં;
એને ગોપનના કાજળથી દવલાં કીધાં:
શેષ પારખાની પુણ્ય ક્ષણે હંમિત ખડી,
જરી ઝાંખેરી દોષ કેરી છાયા પડી.

હવે કેમ કરી અમીસર સ્નાન કરવાં?
અમૃતના ઉંબરમાં મોત વરવાં!
2-10-’32


અચેત તાંતણે

ભુજંગનો ભીષણ પાશ છોડ્યો,
બંદી બન્યો એક અચેત તાંતણે:
સુરાંગનાનો અમીકૂપ છોડ્યો,
લળી ગયો એક નમેલ પાંપણે.

સમુદ્ર અશ્વ સહસ્ર નાથ્યા,
સળેકડું એક જરી સરી ગયું:
નિષ્ઠુરતાના નગરાજ બાથ્યા,
જોઈ જરી; — અશ્રુ ઉન્હું દડી ગયું.

આકાશના ચંદરવે અડેલો,
ખરી-ઊડી ધૂળથી કેમ રોળવું?
સુરેન્દ્રના મેઘધનુ ચડેલો,
ભૂમિ પડી સુંદરી ઉર ઝોલવું?

હસી હસી કાંચનજંઘને ચડ્યો!
અસાર આવા વનપાણકે ખડ્યો?
27-1-’32


ભાવના

ત્રિકાલનો ઘુમ્મટ-ઘેર તોડી,
સુણી રહું શાશ્વત શબ્દબ્રહ્મને!
ત્રિલોકના ભેદ મહા ઉકેલી,
રમી રહું નિત્ય નવા સનાતને!

સમુદ્રનાં સૌ વમળો વટાવી,
ઝંખી રહું રત્ન સહસ્ર પામવા!
ઝંઝાનિલોની ધરી પાંખ અંગે,
ઊડું અનંતે જગતાપ વામવા!

તિમિરનાં રાક્ષસજૂથ આવી,
ઝગી રહ્યો અંતરદીપ આવરે!
લડીલડી એકલ હાથ મ્હારે,
મથું હું અંધાર સહુ વિદારવા!

ક્ષણો, પ્રભો! આવી અનેક આપો;
ક્ષણો મટી જીવન સર્વ વ્યાપો!
2-11-’30


મૃત્યુને

રડે મને શું કામ? હું જીવંત મૃત્યુમાં રહું:
નિત્ય હું તને મળું, ન શું હું દૃષ્ટિએ ચડું?
દિવ્ય સ્પર્શ, દર્શનો: અનુભવું ઘણુંઘણું;
દેહ મિટ્ટીમાં મળ્યો: અનંતમાં ઊડે અણું.

સુગંધી વાયુ તાહરા સુકેશ આ ઉછાળતો;
અણુ બની અડી સુકેશને હું કાળ ગાળતો!
અમી ભરેલ પોપચે ચડું અણું બનીબની;
વહુ સરંત અશ્રુમાં તૃષા છિપાવું સ્નાનની!

ચડાવ મારી કબ્રને તું પુષ્પ તો ચૂંટીચૂંટી:
પુષ્પના પરાગમાં અણું બની રહું છૂપી.
ધન્ય સ્પર્શ તાહરો; કવું અદૃશ્ય કાવ્યને:
સાંભળે ન શું કદીય એક-માત્ર શ્રાવ્યને?

હાર્દ એક તો હતાં, નડી શરીર-ભિન્નતા;
એકતા અનુભવી, ધરે શું કામ ખિન્નતા?
25-9-’29


ધૂમ્રગાથા

ઊંચાં ઊંચાં શ્હેર તણાં મકાનો,
ને એકમાં એકલ હું પડી રહું.
કરીકરી દિન અનેક કામો,
સંધ્યા-સમે પશ્ચિમ ગોખમાં લહું.

સંધ્યા સતીના નવરંગ ગાલો,
મિલો તણા ધૂમ્ર વિષાદ આવરે;
માણિક્યના વ્યોમભર્યા મહાલો,
ધીમેધીમે ગોટમગોટ છાવરે.

અને હું જોતો બળતા નિસાસા,
ભેગા થઈ ધૂમ્ર શિખાસ્વરૂપના;
મજૂરનાં દૈન્ય અને નિરાશા,
ધુંવા મહીં જોઉં દુખો હું ધ્રૂજતાં.

ઊડે મહીં હાથ-પગો તૂટેલા,
બળીબળી ખાખ થયેલ ફેફસાં;
ફિક્કાં, સૂકાં મ્લાન મુખો ઝૂકેલાં,
સ્ત્રીઓ તણાં વસ્ત્ર વણેલ મેશનાં.

ઊણાં ઊભાં હું ઉદરો નિહાળું;
અપૂરતી ઊંઘ સૂઝેલ પાંપણે;
પ્રસ્વેદની ત્યાં સરિતા હું ભાળું;
ને માળખાં શોષિત દુ:ખ-ડાકણે.

અને હું જોતો પડતી નિશામાં,
રડી-રડી મ્લાન સૂકેલ યૌવન;
ઊભા થતા ને પડતા નશામાં,
પગો પડે અસ્થિર ઝૂંપડીમાં.

ઝીલીઝીલી એ પશુના પ્રહારો
અશક્ત ભૂખી લલના રડી ર્હે;
નિ:સત્ત્વ ગંદાં અસહાય બાળો
નિશા બધી ભોંય ભૂખ્યાં પડી રહે.

બારી કરી બંધ પથારીએ પડું!
ધુંવા તણી મૂક કથા હું સાંભળું!
24-1-’31


સૂતી હતી

સૂતી હતી બાથ મહીં સુંવાળી,
હતાં કર્યાં બંધ બધાંય બારણાં:
છાતી પરે સ્નિગ્ધ સુકેશ ઢાળી,
બુઝાવીને દીપક કીકીઓ તણા:

ન દેખવું કે નવ બોલવું જરી,
ન વાંચવી અંતરની કિતાબ;
બે દેહની એક અખંડતા કરી,
છાતી કરે બેઉ અબોલ સાદ:

અંધારની અંગ ધરી પછેડી;
નિસ્તબ્ધતાના પડદા રહ્યા લળી:
ચંપા તણાં પર્ણ જરા ખસેડી
બારી થકી ચંદ્રી પડે જરા ઢળી:

જે ઓષ્ઠ મારા, મુજ એકલાના,
તે ચૂમવા ચંદ્ર કરે? નહીં! નહીં!
ચંપા તણાં પર્ણ વદેય ‘ના, ના!’
ને છાંય એની વળી ઓષ્ઠ પે પડી!

પ્રકાશને મ્હાત કર્યો તદા ફરી,
અંધાર જીત્યું સઘળું જતો હરી!


ઊંચાંઊંચાં ગ્રથિત મકાન

વ્યોમ ચીરીને વિતલ ઊતરતી
          ચકચકતી વીજળીની રેખ;
એના ભીષણ તાંડ-નૃત્યે
          વાદળ ગર્જી આપે ઠેક.
ઝરમર ઝરમર મેઘ ઝરે!
          સરિત-શરીર રોમાંચ કરે!
રસ્તાની ઓ પારે ઊભાં
          ઊંચાઊંચા ગ્રથિત મકાન;
સઘળી બારીમાંથી દૂઝે
          પ્રકાશનું ચોખંડું ગાન.
અટારીએ ફૂલરોપ લૂમે!
          અંધારું ફૂલડાંને ચૂમે!
એક પછાડી એક બુઝાતા
          પ્રાકાશના, વીજળીના ગોળ;
બારીનાયે પડદા ઊતરી
          આવરતા દૃષ્ટિનો દોલ.
સહુ ચાહે કુમળું એકાન્ત!
          પ્રદીપવા જીવનને ક્લાન્ત!
મોરેયે દીવો છે ના’નો,
          બારીનોયે સરસ સમાસ.
બારીને પડદાયે છે, પણ
          કોઈ નથી જે મારી પાસ
સાતસાત દરિયાપારે,
          એયે રડતું ચોધારે.
20-7-’34


ક્રાંતિનાદ

અસંખ્ય મુજ બાંધવો રવડતા, સડ્યાં ચીંથરાં
ધરી શરીર-માળખે કકડતી ધ્રૂજે ટાઢમાં;
સહે સળગતા બપોર-દવ ચૈત્ર-વૈશાખના,
વિતાન ઘર-છાપરું: દિશ દીવાલ: શય્યા ધરા!

અસંખ્ય મુજ રાંકડાં કકળતાં રહે લાડકાં
ભૂખે ટળવળી: અને હૃદય દુ:ખના તાપમાં
બળી-સમસમી પડે સકળ પાશવી પાપમાં.
રમે મરણ જીવને અતુલ માનવીનાં મડાં.

પરંતુ નવ હું સ્તવું વચન આળપંપાળના
ન ઇચ્છું લવલેશ લ્હાવ ધન, વસ્ત્ર કે ધાન્યના;
સહો સખત ટાઢ ને પ્રખર તાપ મધ્યાહ્નના,
મરો ટળવળી મુખે હૃદયહીન દુષ્કાળના!

સહુ વીતક વીતજો! વિઘન ના નડો શાંતિનાં!
બળી-ઝળી ઊઠી કરો અદમ નાદ સૌ ક્રાંતિના!
8-11-’30


શૂન્યશેષ

નહીં! નહિ જ પાલવે શયન પાંસુ પે પાશવી
ખરી, ચરણ, ડાબલા મલિન સ્પર્શ મેલી બની:
ઊભીશ અવરોધતો ગગનચુંબી પ્રાસાદને,
શ્રીમંત મુજ વૈભવે, ધનકુબેરના નાદને.

ન તોય પરિતૃપ્તિ: સપ્ત જલસાગરે ગાજતા
નવેનવ દ્વીપે, ભૂપે સકળ લોકમાં રાજતા;
જહાંગીર-મહાન કો’ ભરખ-જ્વાલ-જ્વાલામુખી
તણે મુખ વિરાજીને ગગનને ભરું હું મૂઠી.

ગ્રહો, તરલ ધૂમકેતુય, નિહારિકા, તારલા,
મુકુટ સમ રાજતા મહત માનવી-હું શિરે:
પ્રદીપ વિચિમાલ્ય શી સુરસરિતની મેખલા
વિરાટ મમ દેહની કટિ પરે પ્રભા વિકિરે.

હવે તું કર આમળું! ઊછળતો તને ઝાલવા:
પિતા, મુજ પદે પડ્યો? મલિન પાંસુ પે ન્યાળવા
તને, શરીર આ વિરાટ મુજ આજ આડું ખડું!
6-6-’33


ચિતા

સ્મશાનમાં નિત્ય જતી નિશામાં,
આકશ શી તારક ચૂંદડી ધરી;
નદીતીરે પ્રજ્વલતી ચિતાનાં
પેખી રહું સૌ પ્રતિબિમ્બને ફરી.

હુંયે મહાકાલ તણી પળે કો,
ત્રિખંડના કોઈ અગમ્ય ખંડે,
બળીઝળી ખાખ થઈ ચિતામાં
હસીશ મીઠું પ્રતિબિમ્બ પાથરી.

વિચાર એવો બહુ વાર આવતાં,
જરીય મારો રસ ના કમી થયો;
કરુણ એ સુંદરતા નિહાળતાં,
મૃત્યુ તણો ભાવ મને ગમી ગયો.

પરંતુ આજે થથરાવતો અહા!
વિચાર મારા મનમાં રમી ગયો:
બળી તુંયે ખાખ થશે જ એકદા!
બધી-બધી હંમિતને હરી ગયો.

આકાશ શી નીલ ગભીર આંખો;
ઉષા સમા ઓષ્ઠ સુવર્ણ તારા!
સુનેરી એ કેશકલાપ ઝાંખો,
બળી જશે દેહની તેજધારા?

જીવંત હું આ જગમાં ચિતા શી,
ભમીશ સૂનાં પ્રતિબિમ્બ પાડતી!

28-12-’30


મૃત્યુનૃત્ય

[પારિજાતક]
નીલ ઘટા પારિજાતકની,
          નીલ નીચે હરિયાળી ઝૂલ:
શ્વેત, રક્ત પારસ કોરીને,
          વનદેવીએ ગૂંથ્યાં ફૂલ:
          વ્યોમ વૃક્ષમાં તારા તગે,
          તિમિરઘટામાં જુગનુ ઝગે!
દિશાપારથી સમીર સવારી
          ભૈરવ-તાને વેણુ વાય;
બુલબુલ આવી ડાળે બેસે,
          પુષ્પ નાચતાં નીચે જાય:
          તરણાંખોળે તો ઝિલાય!
          અગમ અંક તારા બુઝાય!
          પ્રણયસ્પર્શનાં મીઠાં દુ:ખ,
          મૃત્યુમાંયે નૃત્ય અનુપ!
                   *

[લજ્જાવતી]
પ્રથમ પ્રભાતે ઉંમા નીસર્યાં,
          પ્રલય સુધી પૃથ્વીપટ ફર્યાં;
નવવધૂઓનાં નેનોમાંથી
          વ્રીડાના સુરમા સંઘર્યા.
          લજામણીના પાને પાને
          એ સુરમાનાં અંજન કર્યાં!
પાથિર્વ કોઈ સ્પર્શ થતાંમાં
          અકળામણનો વપુ સંકોચ;
જગતમાત્રનું માર્દવ ઓપી,
          સંધ્યાનો સાળુ સંકોર.
          જીવનમાં જે નૃત્ય કર્યું ના,
          મૃત્યુમાં એ અંગમરોડ!

                   *

          [શેવતી]
ઈસામસીના હૃદયકમળની
          કોમળતા ઉજ્જવળતા રૂપ,
શિવ-શંકરની લાડીલી શી
          પુષ્પ શેવતી: સમીર દૂત —
          હિમાલયેથી શિવ પાઠવતા
          ખરતા દળમાં મૃત્યુનૃત્ય!

                   *

          [કલહંસ]
સિંધુપારથી ઊડતા ઊડતા
          રમતે હૈયે, ધમતે શ્વાસ,
હંસરાજ હિમાળે આવે
          મરવા માનસસરવર પાસ:
          તાંડવ કરતા ઊડે આભ!
          શિવતાંડવના ગાજે પાદ!

22-9-’31


ઘુવડ

આકાશનું ઊછળતું કુરંગ
દોડી રહે અર્ધીક વ્યોમકેડી;
લખી લખી વાસરી, પ્રાણ સંગ
પ્રલાપની ટેવ મને પડેલી.

દીવો કરી અંધ પથારીએ પડું,
જરાક શી ચાદર જેમ ઓઢતો;
ચિત્કાર શો ઘુવડનો હું સાંભળું,
અંગાંગ માંહી જરી હું ધ્રૂજી જતો.

ધીમે ભરું બીકણ પાય મારા,
લપી છૂપી બારી કને ઊભું જઈ.
દેખી રહુ તારકના ધ્રુજારા,
અંધારખોળે મુખ આવરી દઈ.

ફળી મહીં બાવળવૃક્ષ ઊભું,
રોમાંચ શા કંટક પાંશરા કરી;
શિરીષની નાનકડી કૃતિ શા
પુષ્પે ભરી માદક ગંધ, કેશરી.

નિશા પરે જાય નિશા પળંતી,
પાનાં પરે વાસરી-પાન ચીતર્યાં;
પ્રત્યેક રાતે મૃગલે રડંતા
તારા પરે કમ્પિત કૂદકા કર્યાં.

ચિત્કાર કિંતુ નવ એ શમે કદી,
ન ડાળી બીજી કદી શોધતું દીસે!
કુરંગની સાઠમી જ્યાં પડે ખરી,
ધ્રૂજાવતું ભીષણ શબ્દ ઉચ્ચરી.

ચોથી કરી પોથી પૂરી સ્મરું જરી,
ચિત્કાર ત્યાં એ ફરી વાર ગાજ્યો;
ચારે દિશે કાન ધરી નવાજ્યો,
અંગાંગ મારે ફરકંત ખંજરી.

ન જાણું ક્યાંથી? પણ આવી ઊભો
વિચાર મારા મનમાં બિહામણો,:
જેને શિરે ઘુવડ શબ્દ ધૂકે,
નકી થતો માનવી શીશ-હીણો!
બારી કરી બંધ પથારીએ પડું,
કપોત મારા ઉરમાં ધ્રૂજી રહે;
સૂવા જરી પીઠ અનેક ફેરવું,
અંધાર કાંઈ ગૂઢ કાનમાં કહે.

પ્રભાતના બંસરી સૂર વાયા
નિદ્રા તણે અંક જરી ઢળી ગયો;
ધબાક શો નાદ! પ્રકમ્પ કૈં થયો,
ધ્રૂજી રહ્યા ચાર પલંગપાયા.

બારી ઉઘાડું દ્વય આંખ ચોળતો,
સવિતની સો ચમકે કટારી;
કપાયલું બાવળવૃક્ષ ઢાળી —
ઊભો કુહાડી દરબાર તોળતો.

નિદ્રાહીણી લાલ નિહાળી આંખો,
પળેક એ ચાકરડો જતો ધ્રૂજી:
પડી ગઈ, સા’બ! નમેલ છાપરી,
થડા થકી ટેકવવા હં કાંપતો!

બારી તણું દક્ષિણદ્વાર વાસ્યું!
માથું હજી છે ધડ પે! તપાસ્યું.

21-2-’32


ઊડતા શ્યામાને

ઊડતાં આવી માળો બાંધ્યો
          માધવીમંડપ મારે.
વર્ષાનાં વાદળ વિખરતાં,
          ઊડી ક્યાંક પધારે:
          તું ઊડ્યો એથી ઝંખું શ્યામા!
          સ્મરતો અંતર-તારે...

હિમાદ્રિના સપ્તશૃંગમાં
          સાગની સાત ઘટા રે.
દેવદારુની વૃક્ષરાજિમાં
          દૂઝે ચાંદની ધારે:
          એમાં માળો તારો નિત્યનિત્યનો,
          શ્યામી નિત્ય સમારે...

જાણુંજાણું ઊડતા શ્યામા!
મુજ ડાળે ના નિત્ય વિસામા!
તોય સ્મરું તું ઊડ્યો એથી,
          અંતરને એકતારે...

માધવીએ મુજ માળો બાંધ્યો,
          ઊડતા શ્યામા! આવી.
સાંભળ ઊડતી સ્મૃતિ!
          થંભ જરી!
પંખીડું કોઈ આવીઆવી
          ઝાડ-ઝાંખરાં વિસ્તારે,
          મુજ અંતરની મોઝારે.

          જાણું એ પહેલાં તો એણે,
          ઉર-સંગીતનાં વેણેવેણે
          બાંધ્યો અંતરમાં માળો,
          અશ્રુ-અમૃત-તારે...

તને માધવીમંડપ આપ્યો,
          અંતરમાળો ના રે,
નિત્યનિત્યના વાસ કરીને
          કોઈ દ્રવે છે:
તુજને કેમ કરીને ધરવો?
          એ ખાલી થાય ન ક્યારે...
          તોય સ્મરું હું ઊડતા શ્યામા!
          સ્મૃતિના સૂના તારે....
મેળ આપણો નિત્ય તણો ના,
          પળનો એ પલકારો;
અચળ ચળકતો ધ્રુવતારો ના,
          પણ એ ખરતો તારો.
મહાકાવ્યને ધોધે નહિ તો
          ઊર્મિગીતની ધારે;
તું ઊડ્યો તેથી સ્મરતો, શ્યામા!
          કોઈ વસંત-સવારે....!

8-4-’32


પૂરવ પ્રેમી

વિખેરીને સૂકલ પાંદડાં સહુ
કંકાલનું એક બિછાનું પાથરી;
કદંબનું વૃક્ષ નિહાળતું નવું
કંઈ, ઠૂંઠી અંગુલિઓ ઊંચે ધરી.

પ્રજાળીને અંતર અંકુરો બધા,
વિખેરી ખીલ્યા ઉરની પ્રફુલ્લાતા;
બેઠો હતો આત્મન એકલો તદા,
જોતો ખર્યાં પર્ણ ધ્રૂજંત ઊડતાં.

નૂપુરની ઝંકૃતિ આગળે પળે,
લળી, કટિભંગ કરી પિછાડી,
આવી ઊભી એય કદંબની તળે;
ધ્રૂજી રહી સર્વ સૂતેલ નાડી.

નીચે હતાં નેન ઢળેલ મારાં,
અનુભવ્યું તોય દહંત પોપચે;
થીજી હતી રક્તની નાડીધારા,
હૈયા પરે સાત સમુદ્ર તો લચે.

પળું પ્રભાતે મુજ પ્રેમી સાથ,
છેલ્લું કંઈ પૂરવ પ્રેમી માગ!
કે’ તો દઉં એક પ્રકાંડ બાથ,
હોલાવવા અંતર કેરી આગ!

વાયુ તણી એક ઝડી ઝીંકણી,
પ્રકંપતાં પર્ણ ઊડ્યાં કદંબથી;
વેણુ તણી લંબ ભુજા વીંઝાણી,
કપોતડું એક ઉડ્યું કહીંકથી.

ધીમે ધીમે ચક્ષુદ્વયી ઉપાડ્યાં,
પળેક એ આંખડી જોઈ તો રહ્યો;
ધીમેકથી પાંપણ ઢોળી પાડી,
નીચે લળી; હુંય ઊભો થઈ ગયો.

તમે સૂશો એ જ પલંગ પાથરું,
આલંગિને હું જ ધરીશ વીંઝણો;
ચૂમ્યા હતા ઓષ્ઠ: સુવર્ણ હું કરું
કો અન્યના ચુંબન કાજ. ને ફરું—


બની ગયું શું જરી હું ન જાણું,
પડ્યો હતો: પાંપણ સ્હેજ ઊઘડી;
સૂકેલ બે પર્ણ મહીં પ્રમાણું
બે આંસુડાં; ને પગલાં કંઈ પડ્યાં.

31-8-’32


સમીરણ

વગડાંમાંથી વાતો આવી,
          પીંપળપાને કાન ધર્યા;
મરકી ફરકી પત્રે પત્રે,
          ચંપકને ઇંગિત કર્યાં.
જોયું-સ્હોયું: ઊડતા પુષ્પે
          વનડાના સંદેશ સર્યા;
શાલ-વને સાંભળતાં વાતો,
          ખરખર કરતાં પાન ખર્યાં.
વેણુના બાહુ વીંઝાયા,
          સાગવક્ષ શું એક કર્યા;
વ્રીડાનાં પુષ્પો પ્રગટીને,
          ઝરઝર કરતો કોર ઝર્યા.
ફરતાં ફરતાં દિશ દિશ વાટે
          પડઘા કિશુક કાન પડ્યા;
વસંતના અંતર શાં રાતાં
          પુષ્પો ધરણીઅંક દડ્યાં;
તરણાંઓએ ઝોલાં ખાતાં
          ચુંબનને અંતર જકડ્યાં.

8-8-’32


વસંતના અવતાર

કોકિલના શા કંઠ ગવાતા,
પ્રફુલ્લતા આંબાના મોર;
કેસૂડાનાં કેસર ખીલ્યાં,
લીંબડીઓનો ફોરે કોર.
          કૂંપળ હસતી અપરંપાર!
          વન વન વસંતના અવતાર!
ગુંજે ધૂન અલખની કંઠે,
મ્હોરંતા જીવનના મોર;
નવરંગો ખીલે અંતરના,
પ્રેમધર્મની ફૂટે ફોર.
          ઉરમાં ભાવો અપરંપાર!
          જન જન વસંતના અવતાર!

25-3-’28


પાંચીકડા

વીરપસલી આપે જો, વીર!
કેવાંકેવાં દેશે, ચીર?
મેઘધનુની સાડી કરું,
પે’રી તારી સાથે ફરું.
          બીજું શું-શું દેશે, બોલ?
          આપ્યા ક્યારે પાળે કોલ?
તારા સપ્તષિર્ના સાત,
પાંચીકડાની કેવી જાત?
હમણાં લાવું, ગમશે, બ્હેન?
મૂકીશ ને તું તારું વ્હેન?
          સાથે બ્હેની, રમશું રોજ!
          છલકાશે હૈયાના હોજ.

20-2-’28


હું જો પંખી હોત

પ્રભુપાથર્યા લીમડા શા
ખેતર-વાડ મહીં વિચરું,
ટહુકું મીઠું અનંત વ્યોમે,
પૃથિવીમાં હું આશ ભરું.
          નૂતન જ્યાંત્યાં ભરતું જોત!
          આશા! હું જો પંખી હોત!
બાલસૂર્ય શા લાલ ગુલાબે,
વાયુ ધૂલિ ભરતો તોય;
ધોવા કાજે કોણ પધારે?
જો ઝાકળ ના પડતી હોય!
          તો હું તે અશ્રુએ ધોત!
          આશા! હું જો પંખી હોત!
કિલકિલાટથી વનકુંજોને,
આભલડાને ગિરિગહ્વરને,
સાગરને, ધરણીમાતાને,
મનુષ્યના આત્માને સોત,
          ગુંજાવ્યા તું બ્હેનાં જોત!
          આશા! જો હું પંખી હોત!
ઊંચે ઊડી વ્યોમ રહેલા
તારકગણને પકડી લેત;
વીણીવીણી, સારાસારા,
માળા ગૂંથી લાવી દેત.
          દીપત કેવું તારું પોત!
          આશા! હું જો પંખી હોત!
કુમુદ તણી હં વાત સાંભળી,
ચંદ્ર ભણી હું કહેવા જાત;
ચંદ્ર તણો સંદેશો પાછો,
કુમુદિનીને ક્હેતો જાત.
          તેના દુખમાં સાથે રોત!
          આશા! હું જો પંખી હોત!
આશા! હું પંખીડું મીઠું,
બ્હેના! તું પંખિણી બ્હેન
ઊડીએ ઊંચે, ઊંચે, ઊંચે,
આપણને શાનું હો ચેન?
          બ્હેના! તો હું કદી ન રોત!
          આશા! હું જો પંખી હોત!

27-2-’27


પીલુડી

ભાઈ! પેલી પીલુડી,
ઘેરીઘેરી લીલુડી;
આભલડામાં ચાંદરડાં,
પીલુડીમાં પીલુડાં.
          હીરા-માણેક ઊગ્યાં ત્યાં!
          ચાલો રમવા જઈશું ક્યાં?
આભ-પીલુડી ભાઈ ચડ્યા,
ખંખેરી ત્યાં કરા ખર્યા;
વીણતાં બ્હેની ખોળો ભરે,
ટપટપ બીજાં માથે પડે.
          આશા બ્હેની! ઉપર આવ!
          પડ્યાં પીલુમાં આ શો ભાવ?
15-8-’27


આશા

આભ મોટું પાંદરડું,
ઉપર ચળકે ચાંદરડું;
જાણે. ઝાકળ મોતીડું,
          હસતું તગમગતું!
બ્હેન! આ ઊંચેની વાત!
નીચેની પણ તેવી વાત!

માનવઉર એ આભલડું;
ઉપર આશા ચાંદરડું;
જાણે ઝાકળ-મોતીડું;
          લસતું ઝગમગતું!
મ્હારું ઉરપ એ આભલડું!
ઉપર બ્હેની ચાંદરડું!

16-8-’27


અભિલાષ

તારા! તારા! ત્હારા જેવી
મીઠી, મીઠી, આંખ દે!
પંખી મીઠા! ત્હારા જેવી
ચેતનવંતી પાંખ દે!
          સાત સમંદર વીંધી જાઉં,
          હસતી આંખે જોતો જાઉં!
મધમાખી, તું ત્હારા જેવી
મુજને મીઠી ખંત દે!
કોયલબ્હેની! ત્હારા જેવો
મીઠો મીઠો કંઠ દે!
          વિશ્વ તણો મધકોશ ભરું,
          ચૌદ લોક ટહુકાર કરું!
સાગર ઊંડા, ત્હારા જેવો
ધીર ઘોર ઘુઘવાટ દે!
વેગી વાયુ! ત્હારા જેવો
વેગીલો સુસવાટ દે!
          વિશ્વ ધ્રૂજે, સુસવાટ કરું,
          સાગર શો હું જ્યાં ગરજું!
આશા! ચાલો બાને કહીએ,
રમકડાં તું આવાં દે!
બ્હેની! બ્હેની! ત્યાર પછી તો
જગનાં રાજા આપણ બે!
          બાળક ન્હાનાં હું ને બ્હેન!
          તો ના કરત કશાનું વ્હેન!

24-4-’28


પતંગિયું ને ચંબેલી

મળું મળું વ્હાલાને ક્યારે?
          વીંટળાઉં ક્યારે? ઘેલી,
કોડભરી આવા ઉરમાં કૈં
          લળતી આશભરી વેલી.
                   મુખ પર પુષ્પ કરે કેલી!
                   ફૂલરાણી શી ચંબેલી!
આરસનોયે અર્ક કરીને
          બ્રહ્માએ આલેખ્યું રૂપ.
સરસ્વતીની વેણીમાંથી,
          ફૂલમાં પૂર્યા ગંધ અનુપ.
                   ફૂલડાંને ઊડવાં આકાશ!
                   પાંખ વિના પૂરે શે આશ?
મેઘધનુષી પાંખોવાળા
          પતંગિયાને ભાળી પાસ;
ચંબેલી મલકંતી પૂછે,
          એક જ મારી પૂરશો આશ?
                   મારો દેહ તમારી પાંખ —-
                   એક બનીને ઊડશું આભ?
ચંબેલીનો દેહ રૂડો, ને
          પતંગિયાની પાંખ ધરી;
અવની, આભ, અનંતે ઊડે,
          મલકંતી મ્હેકંતી પરી.
                   પતંગિયું ને ચંબેલી!
                   એક થયાં ને બની પરી!

19-12-’28


પરી

આરસનો ઉજમાળો દેહ;
આંખડીએ ઊભરાતો નેહ.
પાંખ મહીં તો મોતી મઢ્યાં,
હું નીચે, કાં ઊચે ચઢ્યાં?
          અનંત વ્યોમે ગાતી પરી!
          મુજ ગૃહથી કાં પાછી ફરી?
વ્યોમબીજ શી તું સુકુમાર,
ઊડતું પંખી વ્યોમ અપાર.
કાળી આંખો કાળા કેશ,
શિરે ધર્યો સાચે શું શેષ?
          ફૂલડાંના તેં સ્વાંગ ધર્યા,
          મુજ વાડીથી પાછા ફર્યા?
ફૂલ ફૂલનાં તો પગલાં પડે,
અંગોથી ઉછરંગ ઝરે;
સુંદરતાની સુંદર વેલ,
કળી ઝૂલે તું અણવિકસેલ.
          સોણે સૌને આવો, બ્હેન!
          પાછાં ઠેલ્યાં મારાં કહેણ?
બાળપણામાં સાથે રમ્યાં,
એકબીજાને બહુએ ગમ્યાં;
ભાઈબ્હેનનાં બાંધ્યાં હેત,
વીસર્યા એ સૌ સ્નેહ સમેત?
          મનવનમાં સાથે વિચર્યાં;
          મનગમતાં શાં કાવ્યો કર્યાં!
નિશદિન તું સ્વપ્નામાં આવ,
એ દિવસો શું વીસરી સાવ?
વાદળનું વાહન તું કરે,
ગાતીગાતી આવે ઘરે.
          મોટી થઈ બેસાડે અંક!
          કમળપત્રના વીંઝે પંખ!
પાંખ વીંઝતી ઊંચે ચડે,
મુજ સાથે તોફાને ચડે.
ત્યાં આવે અદ્ભુત આવાસ,
લગ્નોત્સવશા હોય ઉજાસ!
          ભવ્ય તુજ આરસના મ્હેલ!
          અંદર કરતાં કેવો ગેલ?
ફૂલધારી તુજ સખીઓ રમે,
ચાંદો ને તારલિયા ભમે;
ફૂલડાંને હીંચે હીંચાવ,
હોજ મહીં હંકારે નાવ!
          અધવચ જાતાં નાવ ડૂબે,
          મુજને લઈ તું અંદર કૂદે!
અંદર આવે છૂપા વાસ,
પુષ્પમાત્રની હોય સુવાસ;
અર્ધમાછલી, અર્ધમાનવી,
દાસી આવે થાળો ધરી.
          અંક ધરી ખવરાવે મને,
          હા-હા! એ તો કેવું ગમે!
જાતજાતના હીરા મળે,
હીરાના તું હાર કરે;
મોતીનો તું મુગટ બનાવ,
શણગારીને ઉપર લાવ.
          ચકીત બની સૌ વાતો કરે!
          તારાઓ તો બળી મરે!
એવાં-એવાં રમણો રમ્યાં:
બાળપણામાં બહુએ ગમ્યાં.
યૌવનમાં કાં ના’વે પરી?
સરી... સરી... ના પાછી ફરી?
          સ્વપ્નાંઓ સૌ જટિલ થયાં,
          પરી તણાં સોણાંઓ ગયાં!
નહિ; પરી તો સ્નેહસખી;
અળગી નવ થાયે એ નકી;
સ્નિગ્ધ રૂપ તુજ વિકસી ગયું,
પૌરુષમાં એ તો પ્રગટ્યું.
          બાળપણની મીઠી પરી!
          યૌવનમાં પૌરુષ પમરી!

7-5-’29


યુવાનને

યુવાન! જગની કદી ન ધરતો હૃદે બીક તું,
ભલે પતિત પાતકી કહીકહી તને શાસતું.

કદાચ સઘળાં હઠી અલગ, એકલો રાખતાં,
રહી અડગ, આચરે હૃદયનો ધ્વનિ પારખી.

ભલે જગત આજ દૂર જઈ તુજથી બેસતું,
ભલે જ અવમાનથી જગત તુજને દેખતું;

મહાન પુરુષાર્થથી અવનિઆભ ભેગાં કરી
સદૈવ રટજે અવાજ ઊઠતો ઊંડા આત્મનો.

કદીક જકડે જુવાની અપરાધના પાશમાં,
કદીક મનમાં ઊઠે હૃદય ભેદતાં મન્થનો;
કદીક ઉછળાટ દાહ સઘળા મચે મારના,
કદી વિવિધ વૃત્તિનાં તુમુલ યુદ્ધ હો જામતાં.

પરંતુ પડકારથી ઝઘડજે મહાવેગથી,
નહિ ડરી ધ્રૂજી કદી શરણ આપતો મારને;
ઉરે અડગ બાળજે અનલ આત્મશ્રદ્ધા તણો,
બલિ સમજી મારને સહજ તે મહીં હોમજે.

કદીક લથડી પડે ગહન માર્ગની ખાઈમાં,
તથાપિ ન કહે ડરી: ‘અરર, હા! હવે શું થશે?’
ઊઠી અમર હામથી, યુવક તું કરે ગર્જના,
સદૈવ પુરુષાર્થથી ડગ ભરી ધપ્યે જા ધપ્યે!

પ્રભાત તણી સ્નિગ્ધતા નહિ ટકે કદી એકલી,
બળે ખૂબ બળે, સહે અગર તાપ મધ્યાહ્નનો;
પ્રભા ભરી પછી ઊગે સકળ વિશ્વ સંધ્યાસતી,
જુવાની બળતા બપોર સમ જીવને આવતી.

જુવાન રહી જંદિગી સકળ આમ તું ગાળજે!
કદી ન બનતો થકિત, ડગતો, મર્યો ડોસલો!

19-2-’28


ગર્વોક્તિ

          વિશ્વવિજેતા એક ઊભો હું,
          હો ના કો ઊભવા સામે!
          તાપ તપે નેત્રો મ્હારાં જ્યાં,
          ર્હો ના એ જે કો વામે!
એક વિરાટ હું, વિશ્વવિજેતા, અવનિ સર્વ ખલાસ!
બીજો સ્હેનારો ન્હો જગમાં, મ્હારો પ્રખર પ્રકાશ!
          એક અમર હું, સર્વ મરેલા:
          નવચેતન હું માત્ર!
          કો ન્હો મુજને જોતા જેનાં
          ગલિત થતાં ના ગાત્ર!
એક અપાર હું શક્તિસાગર, અવનિ સર્વ હતાશ!
સર્જન હું, શાશ્વત હું, બીજા સઘળા હોય નિવાશ!

19-2-’29


વાંછા

મુક્તિ! પ્રભા-હૃદયની-પ્રભુ! પ્રાણશ્વાસ!
વાંછા સનાતન! અને અવિભિન્ન આશ!
સંજીવની! પુનરજન્મની ઓ વિધાત્રી!
તું એક માત્ર જગમાં મુજ આશધાત્રી!

ના; આશ એક ઉરની તુજથી મહાન.
હા; એ તૃષા નહિ છીપે કરી મુક્તિપાન.
સ્વાતંત્ર્યના જગનમાં બલિદાન થાવું,
મુક્તિ પ્રિયા, પ્રિયતમા બલિદાન માનું.

12-3-’30


મુક્તપ્રાણ

મુક્તપ્રાણ! મુક્તપ્રાણ! બંદીવાન હું નહિ:
મુક્તધ્યાન! જંજીરો ન બાંધવા ધરા મહીં.
બાંધજો દીવાલ પર્વતો સમી ઊંચીઊંચી:
તારલા હસે-વદે, નભે: હસંત આંખડી.

મુક્તપ્રાણ! મુક્તપ્રાણ! એકલો કદી નહિ:
માંડવો રચી લિયો અનંત આભ છાવરી;
આભ એથી એ વિશાળ અંતરે રહ્યું હસી:
સૂર્ય, ચંદ્ર-પ્રાણ, ઊર્મિ-તારલા રહ્યા લસી.

એકલો નથી ભલે ન હોય પ્રેમીઓ સખા:
અનંત હું અબંધ પ્રાણ! સાથી આત્મ સર્વદા!

25-6-’30


જવાન

હિમાદ્રિ કેરાં દધિ-શુભ્ર શૃંગ
નિશા તણાં કાજળચીર આવરે.
દિશા દિશા વ્યોમ સમસ્ત છાવરે,
ને ગાજતાં મૂક વ્યથા મૃદંગ.

નિ:શબ્દ આખું જગ પોઢતું હતું,
નિ:શબ્દ શૃંગો નીરખે નિગૂઢતા;
ધરા પરે છાય અગમ્ય મૂઢતા,
અને વ્યથાનું બળ વાધતું જતું.

અંધારના કોઈ અગમ્ય આરે,
ભેંકાર રોતા સ્વર છાય માડીના;
ઊઠે ધ્રૂજંતા પડછંદ પ્હાડીમાં,
આંસુ સરે ઉષ્ણ રુધિર ધારે.

ઊઠે ધડાકો ચીરતો વિતાન,
આકાશથી ખપ્પર એક ઊતરે.
કિલ્લોલતાં સર્વ ગૃહે ફરી વળે,
આહ્લેક ગાજે: નવ કો જવાન?

ગિરિ તણા પથ્થર વજ્ર શા રડ્યા,
દ્વિત્રીશ-કોટિ-સુત-મા રડી રહે,
હિમાદ્રિનાં હિમ ઊનાં થઈ વહે;
જવાન કોઈ નવ થાય તો ખડા.

ધ્રૂજે દિશાનાં દિગ્પાલ ને ધરા,
આકાશનાં સર્વ ગૃહો ધ્રૂજી રહ્યાં;
કાલિન્દી-ગંગા જલ સ્તબ્ધ તો થયાં,
ધ્રૂજે ગિરિશૃંગ ધ્રૂજંત કંદરા.

પાછા ફરો, મા! અશકુન કો નડ્યા.
ન પુષ્પ—શૈયા પર વીર લેટતા;
તુરંગના પથ્થર દેહ ભેટતા;
ધરાસણાના અગરે જઈ પડ્યા.

ઘરે પડ્યા તે નવ કો જવાનડા!
જીવી રહ્યાં દીન-ગરીબ જીવડાં!

7-11-’30


મૃત્યુની દીપકવાટ

જીવનનો ઝળહળતો દીવો,
          પ્રથમ જે દિ’ પ્રકાશ્યો!
મેઘધનુની રંગલીલામાં,
          પ્રેમસ્પર્શ તું ભાસ્યો! જીવનનો0

કોડ ભરીભરી અંતર લાવ્યો,
          આંખમાં દિવ્ય સુવાસ;
નૈવેદ-છાબડી મૂઠ બીડી બેઉ
          ધરવા પ્રાણપ્રકાશ! જીવનનો0

વાંચી લીધું જગ-સોણલું મારું,
          આશ નથી પણ આગ;
હેત માન્યું હતું જોઉં હળાહળ,
          ગંધમાં સ્વાર્થના શ્વાસ. જીવનનો0

આંસુ નથી, નાથ! હસતાં ભમવું,
          જીવનની રણવાટ;
પ્રાણપ્રકાશ નહિ તોય ધરવી
          મૃત્યુની દીપકવાટ. જીવનનો0

18-11-’31


યુગવણકર

વણઢાંક્યા જગનો સાદ,
          સાંભળ યુગચાદર વણનાર!
હિમ શિયાળે ધરણી ધ્રૂજે,
મેઘની છૂટે ધાર!
દેહ તણી મરજાદ છુપાવા,
          ચીંથરાનો ન આધાર! સાંભળ0

વર્તમાને તેં પાટલી માંડી,
ખાંભી અનંતને આર!
ભૂતને તાણે ભરતો જાતો,
          ભાવી તરંગના તાર! સાંભળ0

છેડલે મૂકી અહિંસાની આરી,
સાચની હીર કિનાર!
આત્મવિલોપન, આતમ મોચન,
          કાંજી થકી સંચાર! સાંભળ0

પથ્થરની અણભેદ દીવાલો,
રૂંધતી વણકર કાર;
ઈંટચૂનો વીંધો તાંતણા થાતા,
          વિશ્વમાં એકાકાર! સાંભળ0

13-9-’32


મૌન ગાજે

ગાજે આજે અનેક દિવસનું મૌન, ગાજે!

          ગિરિગહ્વરમાં ગંગા ઘૂમે,

          અંતર અંતર-બોલ:
          ભેખડ ભાંગતાં મૂંગી કથની,
          ગાતી મુખડા ખોલ:
મૌન વાણીને સાંજે; ગાજે! ગાજે0

          શાંત વિચિનાં શાંત કૂંડાળાં,

          સાગર સૂતો મૂક:
          વડવાનળ અંતરમાં પ્રજળે,
          ઊછળશેય અચૂક:
મૌન થકી નવ લાજે; ગાજે! ગાજે0

12-12-’32


‘ગાવું ના!’

મૂંગી તારી વેણુ શાને, કવિ?
          કવિ, જોને ઘન ગાજે:
          પાને પાને આશા બાજે:
                   ‘ગાઓને! ગાઓને!’

કહેલું કે ‘ઘણું ગાયું:
હવે ગાઈ અમર થાવું:
સૃજનને નવાજી તાજે!’
પાને પાને આશા બાજે—
                   ‘ગાઓને! ગાઓને!’

અમર જેનાં કાવ્ય માન્યાં જાતાં:
          કાલગંગાજલે અસ્ત થાતાં:
          અમર તો વિસ્મૃતિ—ગાથા;
          ‘કોઈ ન્હોતું’માં કૃત્ય થાતાં.

          મૌન મારું અમર સાને,
          યુગે યુગે ગીતો ગાજે—-
          ‘ગાવું ના! ગાવું ના!

31-3-’32


સલામ

સલામ, સખી! આજથી નવ વદું તને હું કદી,
હવે હૃદયમાં નહિ જ અભિમાન તું રાખતી;
ભૂલ્યો, ગણી ગણી તને હૃદયની અને માહરી,
ગુલાબ નહિ તું કરેણ, મુજ આંખડી ઊઘડી.

ખુશામત ગણી? કરું ન પ્રભુ પાસ, ને તાહરી?
કદીક અભિમાનથી મલકી જાય વિભાવરી—
ખુશામત તણી ગણી, અલખની જ એ ગર્જના,
ગમે અગર રાતને, કદી ન, સિંધુને શી પડી?

સલામ, સખી! છો પડે અગર આંસુડાં આંખથી,
નહીં જ મુજ હાથથી કદીય તેમ લ્હોવાં નથી;
નિશામુખ પરે પણે ચળકતા નહિ તારકો,
તનેય, સખી! રાતનેય અભિમાનનાં આંસુડાં!

10-7-’28


ઊર્મિ

ચંદ્રિનાં પ્રકાશપૂર આવતાં સરીસરી,
અનેક હીરલે મઢેલ મ્હાલતી વિભાવરી;
પુષ્પના પરાગ સંગ મંદ લ્હેર વાતની,
ગાય-વ્હાય પ્રેમગોષ્ઠિ, સિંધુ સાથ રાતની.

પથારી પુષ્પ પાથરે ખરીખરી બકુલનાં,
સુગંધ સોળસોળ વ્હાય પારિજાત પુષ્પના;
બુલ્બુલે કર્યો અવાજ મંદમંદ સૂરમાં,
સિન્ધુ કૈં અલાપ ગાય, મસ્ત પ્રેમપૂરમાં.

કાવ્યકાળ આ વહે; પરાગ કાવ્ય પુષ્પનું:
અબ્ધિના અલાપ એક મસ્ત કાવ્ય ઈશ્કનું:
કાવ્ય કાવ્ય છે બધે, શું પ્રેરણા ન આવતી?
આભમાં તાકી રહું હું, કાંઈ ખૂટતું નકી.

25-12-’28


આદર્શો

          સબળ દિવ્ય કુમાર મનસ્વી કો,
          ભરતી, ઓટ, ન વારિ નિહાળતો;
          નવ લહે જલધિજલ ઉગ્રતા,
          નવ ઉષા, ન વ સાંધ્ય પ્રસન્નતા.
અનિમિષ નેનથી જોતો દૂરની ચક્રવાલને;
હલેસું ટેકવી ઊભો, ચંદ્ર ચૂમે કપાલને.

          ક્ષિતિજ પામું, ન થંભું જરા કદી.
          કમર કૌવત-ભેટ કસી, વદી.
          અડગ કિશ્તી કુમાર હલેસતો,
          રજનિનાથ સમુદ્ર ઉજેસતો.
ઊછળે પ્હાડ શાં મોજાં, ઝંઝાવાત તુફાનના;
મૂંઝવે મૃત્યુના દૂતો, રૂંધતી સુખ-કામના.

          ક્ષિતિજ આવતી પાસ કદી નહિ;
          જ્યમ નજીક જતો ત્યમ ભાગતી.
          વહન થાય અનંત યુગો થકી,
          અમર સાહસ ધૈર્ય નવાં નકી.
દૂર જાતાં જતાં પાસે, આદર્શો ચક્રવાલ શા!
પ્રગતિ પામવામાં ના, બિંદુ ક્યાં? ભવ્ય આભ ક્યાં?

6-1-’29


સ્મૃતિજીવન

વિભાવરી વીણા બજાવતી: વહું હું લીનમાં,
નંદિ પુષ્પસોડ પાથરે! સરું હું લીનમાં.
સ્વપ્નસુખ વેરતી — પરોતી ચંદ્રિકા વહે.
હસી-નમી-સરી અનેક વાત તારલા કહે.

          સ્વપ્ન ફૂલ:
          એક વેર્યું આ બકુલ:
આંખમાં અમી ભર્યું એ આવતું સર્યું અમૂલ!
સ્વપ્ન સાથ અંગ, ઉર, સર્વ ભાસતાં પ્રફલ્લ!

          સ્વપ્ન યાદ:
          આવતો એ દિવ્ય સાદ:
દિવ્ય બાળ સુણજે! પ્રફુલ્લજે સ્મરીસ્મરી!
સ્વપ્નસૃષ્ટિ પામવા જરૂર ના તને જરી!

24-1-’29


અવગણના

          ભૂલું હૈયું તારું:
          ભૂલું પ્રેમી ચારુ:
સખી! ભૂલું સારું, નવ અવગણ્યો એક ભૂલવું!
અભિમાનીને તેં, સરસ શીખવ્યું, કેમ મૂલવું?
          ન લહું અપમાનો હું ઉરમાં:
          કરુણ નીરખું આજ ક્રૂરમાં:
બસૂરાને આજે, અવગણી કર્યો એક સૂરમાં!
          કર્યા વજ્રાઘાતો!
          ગુમાવ્યા સંઘાતો:
લૂંટ્યું સર્વે આ તો, નજર કરી તેં લાત શૂરની!
નથી ક્રોધી, માને? સ્મરણ કરતી જ ઉક્તિ ઉરની!

12-2-’29


કંગાલને

કંગાલ, ઓ કંગાલ!
એક વ્હાલ
કોઈ દિ’કરીશ ના મ્હને!
એથિ તો થવું તુંથી હલાલ એ ગમે!

કંગાલ, ઓ કંગાલ!
એક ખ્યાલ
છોડ. માન નાથ ના મ્હને!
ભાન નિત્ય હો ‘ઉતારું ખાલ’ એ તને!

કંગાલ, ઓ કંગાલ!
થા કરાલ;
હાસ્ય ત્હારું બાળતું મ્હને!
પ્રકોપનો ન કાં ચડે જુવાળ ઓ, તને?

કટારી તારી જીરવું!
હાસ્યથી રડી રહું!

7-8-’30


ડોલર પંખી

હું તો ટેકરીની ટોચે ચાલ્યો,
          હો! દુનિયા દેખવાને!
ત્યાં કોણે આવી મને ઝાલ્યો?
          હો! મુખડું પેખવાને!

ટેકરીએ અમૃતક્યારી,
          હો! દુનિયા દેખવાને!
હસે એકલ ડોલર-નારી
          હો! મુખડું પેખવાને!

એક ઊડતું પંખી આવ્યું;
          હો! દુનિયા દેખવાને!
મુખ જોયું ને મન લોભાયું,
          હો! મુખડું પેખવાને!

એણે પાંદડાંમાં માળો બાંધ્યો,
          હો! દુનિયા દેખવાને!
કાંઈ પ્રેમને દોરલીએ સાંધ્યો,
          હો! મુખડું પેખવાને!

ઝીલી અંતરમાં છોડ એ ઝુલાવે,
          હો! દુનિયા દેખવાને!
ગાઈ ગીત પંખી વિશ્વને ભુલાવે,
          હો! મુખડું પેખવાને!

ડોલરિયાનું જોબન વાધ્યું,
          હો! દુનિયા દેખવાને!
એને ઊડતું હૈયું લાધ્યું,
          હો! મુખડું પેખવાને!


21-6-’28


અનંતની પંખિ

સો-સો સંગાથે હુંતો એકલી રે બેન!
          કોઈ ન મારે અંતરે સમાય જો! સો0

આવે અનેક વટેમારગુ રે બેન!
          આવીઆવીને પાછા જાય જો! સો0

સંધ્યાં ફૂલો ને સુણ્યાં પંખીડાં રે બેન!
          સૂંઘું-સુણું ત્યાં ઊડી જાય જો! સો0

રંગો અનેક પેખું આભમાં રે બેન!
          ઝળકે-ઝળકે ને ઝાંખા થાય જો! સો0

દરિયાને ઉર ખૂબ નાચતી રે બેન!
          હૈયાં ન એકગીત થાય જો! સો0

આછા એ ઘંટનાદ સાંભળું રે બેન!
          હૈયે હરખ ના સમાય જો! સો0

ઊડતી પંખિણી હું અનંતની રે બેન!
          ઊડું-ઊડું પાર ના પમાય જો! સો0

19-8-’29


બ્હેનને

બ્હેન! કોઈ પ્રકાશ ઊગ્યો ને ભેગાં થયાં,
બ્હેન! બેઉ અંતર, અંતરમાં મળ ગયાં;
બ્હેન! ઉરગુંજન બેઉને ગમી ગયાં,
બ્હેન! બેઉ આંખડીમાં આપણે રમી ગયાં.

બ્હેન! કોઈ અંધાર ઊગ્યા ને ફરી વળ્યા,
બ્હેન! ઉર તૂટી પડ્યાં ને જુદાં થયાં;
બ્હેન! બેઉ આંખડીને મીચ્યાં વર્ષો થયાં,
બ્હેન! દૂર ભાગી ગયાં ન ફરી મળ્યાં.

બ્હેન! માર્ગ જુદા લીધા ને ઊડી ગયાં,
બ્હેન! બેઉ જીવ્યાં તે સોણલાં રહી ગયાં;
બ્હેન! ગોળ જગતે આ જુદાં ફરી વળ્યાં,
બ્હેન! હતાં ત્યાં ને ત્યાં આવી ફરી મળ્યાં.

બ્હેન! કોઈ પ્રકાશ ઊગ્યા ને વધી ગયા,
બ્હેન! ભિન્ન માર્ગો હતા તે ભેગા થયા;
બ્હેન! હું ને તું એકમાં મળી ગયાં,
બ્હેન! કોઈ દિવ્યતામાં આપણે ગળી ગયાં.

બ્હેન! માર્ગોની ભિન્નતા હતી ઘણી!
બ્હેન! નીકળ્યા’તા એક શોધવા મણિ!

16-7-’28


પીળું પીળું ફૂલડું

સૂરજ ડૂબ્યો ને વ્યોમ પીળું પ્રકાશતું,
          પીળી કો’ તારલી ચમકી રહી;
મારી વાડીમાં સખી! પીળું કો’ફૂલ ખીલ્યું,
          પીળી એની પાંદડી પમરી રહી.

ઊડી પધાર્યું કોઈ પીળું પતંગિયું;
          પીળી પીળી પાંખ એની ફરકી રહી,
પીળા પીળા ફૂલડામાં પીળું પતંગિયું,
          પીળુડા રંગમાં પોઢી ગયું.

6-5-’31


સાબરમતીનું પૂર

નાસો, ભાગો, પૂર ચડે છે!
પૂર ચડે છે? ભાગો, ભાઈ!
જીવ બચાવા નાસે ત્યાં તો
કાળ તણા જલથી ઘેરાય.
          સો-સો પ્રાણ સપાટે ચાલ્યા!
          સાભ્રમતીનાં મુખડાં મ્હાલ્યાં!
બાળક કાખ મહીં ઝાલીને
માતા અશ્રુએ ભીંજાય.
દોડો, કોઈ બચાવો, ભાઈ!
અકળામણમાં શું સંભળાય?
          આંસું એનાં સમદર જાય!
          સમદર પીને ખારો થાય!
‘મરશું તો સાથે મરવાનાં’
માની વ્હાલાં ભીડે બાથ.
ભેખડ સાથ પછાડા ખાતાં,
સર્વ તણો તૂટે સંગાથ.
          રાક્ષસી! શું સલ્યો સંગાથ?
          સહી નહીં પ્રેમીની બાથ?
કો’નાં બાળક, કોની માતા,
કો’ના ભ્રાત તણાતા જાય.
ભોગ મળે ત્યાં થાય ભયંકર,
ધ્વંસ કરીને ધાતી જાય.
          સાભ્રમતી! આ શાનો કેર?
          ઠર્યાં હતાં તે ઊકળ્યાં ઝેર?
માતા માની તુજને પૂજી,
જોઈ આજે તારી જાત!
રેવા નહીં તું ખરે રાક્ષસી,
હોયે આવી મારી માત?
          બાળક તારો આજ મટું!
          પ્રેમ નહીં પાખંડ હતું!
સુંદરતાએ હું લોભાયો,
નિત્ય કરું આવીને પાન.
જીવનદાતા માતા મારી!
સર્વ મહીં હું કરું ગુમાન.
          જીવન દેતી? જીવન લેતી!
          બાળક ના તું મુજને ક્હેતી!
સાભ્રમતી! તું સુકાઈ જાજે,
તરસે જાયે છો અમ પ્રાણ.
વહીવહીને નિત્ય આમ તું,
કરતી કો’દિ’ નહિ ઘમસાણ.
          ગોઝારી! એ જલ ના હોય!
          એ તારાં બાળકનાં લોહી!
27-7-’29


જ્વાલા અને જ્યોત

પ્રાણ પુરાતા નિષ્પ્રાણોમાં,
અંધારામાં થાય ઉજાસ!
નવજુવાન જ્વાલા ચેતાવે,
પાપ બળીને થાય પ્રકાશ!
          ‘સળગાવો!’ની હાક પડે!
          ઉરઉરમાં ઉદ્રેક ચડે!
સમાજનું મહાવૃક્ષ સુકાયું,
          દર-કોતરમાં કીડા સડે!
રૂઢિ તણું ઠૂંઠું ઊભું છે,
          પોલું થડ તેનું ખખડે!
          સડતું ઠૂંઠું સળગાવો!
          નૂતન વૃક્ષ ત્યહીં વાવો!
ખંડન કરશું, મંડન કરવા,
          જ્વાલા જ્યોતનું રુદ્ર સ્વરૂપ!
સુંદરતાના મ્હેલ ચણીશું
          ભસ્મ કરીને સર્વ કુરૂપ!
          જ્યોત તણિ જ્વાલા પ્રગટી!
          તાંડવ નાચે નાશ નટી!
સળગાવો ખંડેર પુરાણાં
          રાખ તણું ખાતર થાશે;
મુક્ત બને માતા ત્યારે તો
          નૂતન સર્જન મંડાશે!
          જુવાન જાગો હાક પડી!
          જુગજૂની ડાકણ ફફડી!

24-7-’29


મુક્તિનો શંખનાદ

સૂતો એદી, બળ-સકળને વીસરી અબ્ધિરાજ
ગર્જે ઘેરું; જગ ધ્રુજવતા ભૂલીને સંહિનાદ:
સ્વપ્ને રાચે: અતલજલના શાંત સૂતા પછાડા:
તંદ્રામાં એ સળવળ તનુ: સુપ્ત ચૈતન્યધારા.

ત્યાં દિગંતે જગ સકળને ઠારતો તેજરાશિ —
ઊગે ત્રાડે, જગત નભને ધ્રૂજવે એ વિનાશી —
નિદ્રા ત્યાગી અતલ જલનાં જામતાં મસ્તપૂર:
મોજાં — પ્હાડો અદમ ઊછળે નાશના ગાય સૂર:

સૂતો શાને, અમર ભૂમિના, રાષ્ટ્રના પ્રાણ આજે
જો દિગંતે ઉડુગણપતિ — ઊગતું શું સ્વરાજ!
જાગ્યા, ત્રાડ્યા જન-સકલ શા! ભારતી આજ સર્વ,
સ્વાતંત્ર્યોનાં રટણ કરતા ઊજવે મુક્તિપર્વ:

વાગે ડંકા, અહત ગગડે, જેમ સંગ્રામ કેરા:
સૂણી-સૂણી હય હણહણે જોમ વ્યાપે નવેરા!
સૂણ્યો આજે અહત બજતો મુક્તિનો શંખનાદ
હૈયાં જાગ્યાં હણહણી ઊઠ્યાં, ગાજતો ઉરસાદ:

મૃત્યુ માંહી સબડી મરતાં મૃત્યુમાં મ્હાલતાં’તાં
મૃત્યુ ભેટી અમર અમર જીવને જીવવા સર્વ જાતાં.

26-1-’30


ખાલી ખપ્પર

સાંભળ ધનુષ્યના ટંકાર:
ખડું ના કોઈ: કોના ભાર?
એક ઊભો છે માડીજાયો હજારને હંફાવે;
વજ્ર-કદમ ભરતો એ ચાલે: ધરતી ધણણ ધ્રુજાવે:
          પ્રકટ્યો દવ આ કોણ શમાવે?
          કોણ ઊઠીને આગે આવે?
          શૂરા સાથે શાનું ફાવે?
ભારતનો મગદૂર સિપાઈ
શૂરાઓ સૌ ભેગા થાય:
ઊઠો, આ રણગીત ગવાય:
શૂરાઓનો સાદ પડે ને સૂતા બેઠા થાય:
દૂધમલ દીકરા દેખી માને કોઠે દીવા થાય;
          ગંગાનાં રાતાં શાં નીર!
          એક પડે ત્યાં બબ્બે વીર!
          હિમડુંગર ગાજે ગંભીર!
          મરવા થનથન થાય અધીર!
પ્રલયકાળના દિશદિશ વાતા સોળેસોળ સમીર!
માતાનું ખાલી ખપ્પર એ ઊણું ર્હે ન લગીર!

12-2-’29


સત્યાગ્રહ

સત્યાગ્રહ-સંગ્રામ જુદા છે,
સત્ય, પ્રેમ જેનાં હથિયાર;
જુઠ્ઠાને સાચો કરી સ્થાપે,
કોણ જીતે, ને કોની હાર?
પક્ષ બેઉ કરતો કલ્યાણ!
          અદ્ભુત છે બાપુનું બાણ!
ગુલામ પડતો નથી એકલો,
પડતો જુલ્મી તેની સાથે;
ઉગારવા જુલ્મીને સારુ,
ઉગારવા પોતાની જાત —
          સત્યાગ્રહનાં શરસંધાન!
          અદ્ભુત છે બાપુનું બાણ!
શત્રુનેયે પ્રેમ કરીને,
ઇચ્છીને બન્નેનું હિત;
સત્ય તણો આગ્રહ ધરવાનો,
હિત એ જ છે સાચી જીત.
          સર્વ પરે છે તેની આણ!
          અદ્ભુત છે બાપુનું બાણ!
‘હરિનો મારગ છે શૂરાનો!’
પ્રીતમે એ ભાખેલું સાચ;
સત્યાગ્રહ સૈનિક શૂરાના,
માથું જાતાં મીઠી વાચ.
          અસત્યના પિગળા’વા પ્હાણ!
          અદ્ભુત છે બાપુનું બાણ!
12-8-’28


તારી સામે

તારી સામે તાકી ચાલ્યો આવું
          ત્યાં કાંટે ભરાયા પગ!
શૂળ ભોંકાશે માની હું મારાં
          નીચાં ઢાળું જ્યાં દૃગ!
કાંટા હતા ત્યાં ફૂલ વેરાવ્યાં
          પાંદડીમાં તુજ સ્પર્શ!
તારી સામે જોઈ ચાલ્યો આવું ત્યાં
          ખાઈમાં મ્હારું વ્હેણ!
ભુક્કા ઊડી જશે માની હું મારાં
          નીચાં ઢાળું જ્યાં નેન!
એક હથેળી તારી ભાળી મેં
          ઝીલ્યો તેં તારો દાસ!
અંગે અંગે મુજ ચેતનદાયી
          ધબકી રહ્યા તુજ શ્વાસ.
ઊંચે તારા આવાસ છે જાણી,
          ઊંચે તાકીને ચલાય!
મત્ત બન્યો તુજ ગાનમાં હું તો
          આ શું મુજને થાય?
સાગરમાં હું આવી ભરાયો
          કેમ કરીને જીવાય?
હોડી ભાળી તુજ હાથની ત્યાં તો
          પેલે પાર તરાય!
22-6-’29


ભાઈબહેન

રાજે ઊંચે ત્યાં શશી પૂણિર્માનો
ધરી શરીરે પટ ચંદ્રિકાનો;
ને તારકોની ફૂલમાળ પ્હેરી,
સમુદ્ર સામે મલકે રૂપેરી.

સફેદ નૌકા સરતી હતી ત્યાં,
નકી ન નૌકા વળશે, જશે ક્યાં?
નાવિકા, જન્મોત્સવના ઉમંગે
ચડ્યા હતા સર્વ સહિત રંગે.

નૌકા મહીં સ્હેલ કરે કુમાર,
સાથે હતા સૈનિક આઠ-બાર:
કુમાર ને બ્હેન હસે ઉમંગે,
બન્ને ચડ્યાં સ્નેહ મહીં તરંગે.

વીરા! થશે તું દિન એક રાજ,
કરીશ શું તે દિન બ્હેન કાજ?
હું તો મજાની પરણાવું રાણી,
ને ગીત ગાઉં ખૂબ રાગ તાણી.

ના,બ્હેન! તે દી પરણીશ હું ના,
તારા વિના સર્વ મહેલ સૂના;
હું ને તું બે, એક જ સાથ રે’શું,
ને એકબીજાં દિલ વાત કે’શું.

જોજે હું લાવું નભ શુક્ર-તાર,
તે હીરલાનો કરું એક હાર.
હું તો, વીરા! કંકુ કરું ઉષાનાં,
ને અશ્રુને નીર કરું નિશાનાં.

ત્યાં તો હવાના સુસવાટ આવ્યા,
મૃત્યુ તણું કારમું કે’ણ લાવ્યા;
નૌકા ડૂબે ને ઊછળે, ડૂબે છે,
સૌ ઉરમાંથી ધડકા છૂટે છે.

આકશથી મેઘની ધાર છૂટે,
ને નાગણી શી વીજળી ઝબૂકે;
શા મેઘના એ રણઢોલ વાગે,
તારા અને ચંદ્ર છુપાઈ ભાગે.

નાવિક ધ્રુજે, નહિ લાજ રે’શે,
રાજા કને તે શું જવાબ દેશે?
કુમાર ક્યાં છે? ઊપડ્યો અવાજ,
નાવિક પ્રાર્થે: પ્રભુ, લાજ રાખ!

કુમાર બેઠો હતો એક હોડી,
ને સાથ નાવિકની એક જોડી;
મારી મૂકો! એમ વદ્યો કુમાર,
ને હોય શું ત્યાં ક્ષણમાત્ર વાર?

ત્યાં તો હવા ચીરી અવાજ આવ્યો:
મ્હારા વીરાને, પ્રભુ, ઓ! બચાવો!
ને કાન ચીરી ઉર ઊતરે છે,
કુમારને બ્હેનનું સાંભરે છે.

થંભો! કહે હોડી ઊભી રખાવે,
સોચ્યા વિના તે જળ ઝંપલાવે;
આવે તરી હામથી બ્હેન પાસ,
નાવિક ડૂબ્યા નીરમાં, નિરાશ.

તરી તરી રાજકુમાર થાક્યો,
સમુદ્રમાં ત્યાં સૂનકાર વ્યાપ્યો;
ને નાવનું નામનિશાન ન્હોતું,
આકશનું ચક્ષુ વિશાળ રોતું.

          *
પ્રભાત ઊગ્યું, રવિ શું નિહાળે?
બ્હેની લઈ ભાઈ તરે નિહાળે;
ને બાથ ભીડી, વદી એક વેળા:
ઊંચે જશું આપણ બેઉ ભેળાં.

27-4-’27


બુદ્ધનું પુનરાગમન

આવો, બુદ્ધ!
વદતી માતા વૃદ્ધ;
બહુ રહ્યા પરદેશ તમે એ માનું મારો વાંક.
આવો જો પાછા તો મળશે પાછું મારું નાક.
પચ્ચીસસો વર્ષો વીત્યાં આ આંખો ઊઘડતાં.
તેજ જીરવવા તારું શક્તિ આજે છે, બેટા!
ચણીશ મોટા સ્તૂપ;
નવા થાંભલા સ્તૂપ;
નવા થાંભલા આરસ-રૂપ;
જ્યાં જ્યાં તેં પગલાં પડ્યાં’તાં, ત્યાંત્યાં લખશું શિલાલેખ.
અબુધ હું, પણ વચમાં જોઈ-જાણી છે ગાંધીની ભેખ.

યહૂદીઓમાં કથા એક છે: પાછો રખડુ પુત્ર મળે,
માતાપિતા હરખાઈ ધિંગાં ઘેટાં મૂકે કાપ ગળે.
ઘર બેઠેલા ખાય નિસાસા, રખડુને મળતાં સ્વાગત;
પામરના આવા છે મત.
તમે નહીં ભાગ્યા’તા; માતા ભાગેડુ પાછી આવી;
ઘેટાંનો નહીં ભોગ કેમ કે ઘેટાંને હૃદયે લાવી
મૈત્રી, પ્રેમ, અહિંસા કેરાં આપે આપ્યાં’તાં દર્શન.
પણ માતા ભાગેડુને મન
શાન્તિ સ્થાપવા તમે પધારો,
પગે પડો. જીતો કે હારો
કશી નથી તમને પરવા.
રખડુ મા, દીકરા ગરવા.
દેશવટો આપ્યો’તો દેશે.
સૂર્ય ઢાંકવા દલીલ વેષે
શંકર ચાલ્યા એક દિશાથી
ચાર ધામ તક ફરી વળ્યા.
સ્થળસ્થળ પળપળ એ ઊકળ્યા:
ગૌતમનું કહેવું છે સાચું;
પણ વેદવાક્યમાં સઘળું વાંચું.
બુદ્ધ તણું નહીં નવું નિશાન!
હિન્દ! લહે પોતાનું ભાન!
ધર્મ એક છે, નવા નામમાં ગળતું પરંપરાનું માન!
ચકમક બુદ્ધિતેજે આંજ્યું
બૌદ્ધોનું ઊંડેરું જ્ઞાન.
જન્મભૂમિ છોડીને ચાલ્યો ગૌતમનો વચગાળો ધર્મ;
અર્ધજગતને અપનાવીને,
દ્વેષ મહીં શાન્તિ લાવીને,
કરી રહ્યો નિષ્કામી કર્મ.
અંદરથી ઘરને તાળું, ને વીતી ગઈ પચ્ચીશ સદી.
આજે માતા ફરી વદી:
આવો પુત્ર ન પામી કદી.

તમે પૂછ્યોતો પ્રશ્ન પ્રથમ.
પ્રથમ તમે સમજાવ્યું માણસનું મન.
બ્રાહ્મણને પડકારી,
મુક્ત કરી ભારતની નારી,
વર્ણભેદને, પરંપરાને, આંખ વિનાની શ્રદ્ધાને,
માત્ર તર્કને માત કરીને તમે દીધાં ડહાપણનં દાન

પ્રથમ સર્વથી. સ્થાપ્યું જ્ઞાન
રૂઢિ હઠેલી. વૃષલબાળને આપ્યું માન.
ભેદભાવના કાદવમાં કો’ કમળ ખીલ્યું’તું!
કાદવ પાછો પથરાયો.
રૂઢિ તણો ચીલો ધાયો
રથ ગૌતમનો સપડા’વા
પચ્ચીશ સદીના પાદર સુધી.
કાળચક્ર છે ફરી ગયું, ભારતમાં જુદી ભાત.
જીરવવા તમ બોધ ભારતે તોડી નાખી નાત.
આજે ફરી થયો ઉજાસ!
થતાં બુદ્ધદેવના ભાસ!

24-5-’56


વિરાટદર્શન

પીપળ આખી સ્થિર પડી, પણ
ફરકે એક જ પાન.
તાર એક પડદાનો ઝણકે,
સારંગી સૂમસામ.
ઊર્મિ ભણવી આવી અઘરી,
સ્હેલાં ચારે ધામ;
સ્હેલી પીપળ સર્વ વીંઝાતી;
સ્હેલું સારંગીનું ગાન.
ટોળું ઊમટે તોય સ્થૂળ એ,
એકલતા એમાં આકાન્ત.
સાંબેલાં વાદળથી વરસે,
નળનું પાણી શાન્ત.

આખી પીપળ સ્થૂળ ખડીને
ગૌતમ બેઠા ધ્યાન ધરી;
એક મગજનું તંતુ ફરક્યું,
એક જ પીપળપાન.
જોવે નાનું કૂંચી-કાણું
મઢવા ત્રિકાલજ્ઞાન.

14-10-’56


[નીચેનાં 3 કાવ્યો 1934ની આવૃત્તિમાં છે પણ 1957ની આવૃત્તિમાં કવિએ સમાવેલાં નથી]

ચાંદરણાં : 2

એક અશ્રુ માશુકનું પડતાં,
          ઉર દાવાનળ દર્શન કરું!
ફાટ ફાટ ઉર હલકી ઉઠતી,
          વર્ષાનું દુ:ખ શેમાં સ્મરું?
                   પ્રલયનૃત્ય હૈયામાં શાં આ?
                   જ્વાલામુખ હૈયે ગભરુ?

27-9-’31


ચાંદરણાં : 8

વાંચ્યું’તું મેં કોઈ પુરાણે,
          નગનેયે આપી’તી પાંખ.
ફરી એકદા આપી પાંખો,
          ઈશ્વર જો નિજ રાખે શાખ:
                   સ્થિત્યંતરમાં ઉચ્ચ છંદાશે!
                   ઊઠશે ચગદાયેલ સડાક!
27-6-’33


મંદિર

કનકમૂર્તિમહીં દેવ દેખું નહિ;
દીપમાં ગરીબનાં દુ:ખ ધ્રૂજે!
ઘંટનાદો સૂણી ભક્તિ ના પ્રકટતી,
શંખમાં કોટિ નિશ્વાસ કૂજે! ધ્રુવ0

          અંત્યજો પગથિયે ભક્તિભીનાં રડે;
          દેવનાં દ્વાર કાળાં વસતાં!
          નિધનના નાથ, બેલી પિડીતોતણા;
          ધનિકના પંજિરોમાં પૂરાતા! — કનકમૂર્તિ0

એ ન મંદિર રહ્યાં, કેદખાનાં થયાં,
જન-હૃદયના ન ધબકાર બોલે!
વેધી ઘુમ્મટ, ત્યજી દેહ રત્ને રચ્યા,
ઝૂંપડે, ઝૂંપડે દેવ ડોલે! — કનકમૂર્તિ0

19-2-’31

0 0 0