દૃશ્યાવલી/ચંદ્રાવતીનાં ખંડેરોમાં: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચંદ્રાવતીનાં ખંડેરોમાં}} {{Poem2Open}} અમદાવાદ-દિલ્હી રેલવેમાર્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 50: | Line 50: | ||
{{Right|[૧૨-૧-૯૭]}} | {{Right|[૧૨-૧-૯૭]}} | ||
{{HeaderNav | |||
|previous = [[દૃશ્યાવલી/દિલ્હી : સ્નૅપશૉટ્સ|દિલ્હી : સ્નૅપશૉટ્સ]] | |||
|next = [[દૃશ્યાવલી/શામળિયા શેઠની પેઢીએ|શામળિયા શેઠની પેઢીએ]] | |||
}} |
Latest revision as of 12:55, 11 September 2021
અમદાવાદ-દિલ્હી રેલવેમાર્ગ પર પાલનપુર-આબુ રોડ વચ્ચેનો પટ્ટો જોવો ગમે તેવો છે. ફાગણની આસપાસના દિવસો હોય તો ખીલેલાં કેસૂડાં વસંતનો થોડોઘણોય સ્પર્શ કરાવી જાય. હવે તો એ કેસૂડા પણ જૂજ થતાં જાય છે, પરંતુ એ માર્ગે જતાં ઘણી વાર ગાડી એક પુલ પરથી પસાર થાય ત્યારે એ પટ્ટામાં જે એક નદીનું નામ વંચાઈ જાય. તે પછી ઘણા સમય સુધી મનમાંથી એ નામ નીકળે નહિ અને પછી એક આછો વિષાદ છેલ્લે ઊભરી રહે.
એ નદીનું નામ તે ચંદ્રાવતી. નદી તરીકે એ ચંદ્રાવતી જાણીતી નથી અને હું પણ જે નદીના પુલ પરથી ગાડી પસાર થાય છે એ નદીનું નામ વાંચવા છતાં, નદીના નહિ, પણ એ નામની એક પ્રાચીન નગરીના વિચારોમાં ખોવાઈ જતો.
હા, એ હતી ચંદ્રાવતી નગરી.
અત્યારે પણ ત્યાં આવળ અને બાવળની કાંટાળી ઝાડીઓ વચ્ચે એ નામથી એક ગામ છે, પણ જે ચંદ્રાવતીના હું વિચાર કરતો હતો તે તો હજારેક વર્ષો પહેલાંની પરમાર રાજાઓની રાજધાની ચંદ્રાવતી. કોઈ રાજાની કુંવરીનું પણ એ નામ હોઈ શકે. શામળ ભટ્ટની એક વાત ‘ચંદ્ર ચંદ્રાવતી’ની નાયિકા ચંદ્રાવતી એક રાજકુમારી જ છે ને! પણ આ – જેની આપણે વાત કરીએ છીએ તે – તો એક વેળાની જાહોજલાલીવાળી ભવ્ય નગરી હતી.
અગિયારમી-બારમી સદીમાં એનો વૈભવ ચરમસીમા પર હતો, પરંતુ એના વૈભવે જ એનો વિનાશ નોતર્યો. આખા દેશ પર એ વખતે એક કે બીજા મુસલમાન હુમલાખોરોની ચઢાઈઓ થતી રહેતી. લૂંટફાટ, હત્યાવિનાશનાં તાંડવ અને કલ્લોલતી નગરી ખંડિયેર બનીને રહી જાય! પરાજિત નગરને તોડવા-બાળવામાં એવો કેવો પૈશાચિક આનંદ રહ્યો હશે! આવા એક નગરનું નિર્માણ થતાં થતાં કેટલા સૈકા વીતતા હોય છે અને વિનાશ તો એક દિવસમાં – એમ જ કહેવાય. આવી તો કેટલી નગરીઓ ઉધ્વસ્ત થઈ!
જ્યારે જ્યારે આવાં ખંડેરો જોઉં છું ત્યારે એક વ્યગ્રતા અનુભલું છું. ખાસ તો ત્યારે, જ્યારે એ કોઈ ભૂકંપ કે પૂર જેવા કોઈ કુદરતી પ્રકોપને કારણે નહિ, પણ માણસોએ ઝનૂનપૂર્વક એ ખંડેરો બનાવી દીધાં હોય ત્યારે. હમ્પી કે નાલંદાનાં ખંડેરો મનુષ્યો દ્વારા જ થયાં છે. ચંદ્રાવતીની પણ એ હાલત થઈ હતી.
ઘણી વાર રેલગાડીમાં જતાં આ ચંદ્રાવતીને જોઈ ઊતરી જવાની એક આછીપાતળી ઇચ્છા થાય, પણ એટલામાં ગાડી ક્યાંયની ક્યાં દૂર લઈ ગઈ હોય. આ ચંદ્રાવતીનાં ખંડેરો વિષે દુનિયાનું ધ્યાન પણ ત્યારે ખેંચાયેલું. જ્યારે અહીં ગઈ સદીમાં પહેલવહેલી રેલવેલાઇનો નખાતી હતી. એ વખતે ઠેકેદારોએ આ રેલવે નાખવા પૂરણ તરીકે ચંદ્રાવતીનાં ભગ્ન અને રહ્યાંસહ્યાં મકાનો કે મંદિરોના પથ્થરો પાથરી દીધા હતા. જ્યારે જ્યારે આ સાંભળું ત્યારે કોઈ મર્મઘાત કરતું હોય એવી પીડા થાય. ચંદ્રાવતીના કેટલાક શિલ્પિત પાષાણખંડો દુનિયામાં ક્યાંના ક્યાં પહોંચી ગયા! કેટલીય મનોહારી મૂર્તિઓ ક્યાંની ક્યાં એ વખતે ઊપડી ગઈ! ધૂમકેતુની પેલી પ્રસિદ્ધ વાર્તા – ડભોઈના ખંડેરોને વિષે લખાયેલી — ‘વિનિપાત’માંનું એક વાક્ય રહી રહીને ગુંજે: ‘પડે છે ત્યારે સઘળું પડે છે.’ અગિયારમી-બારમી સદીથી આપણો દેશ પડતો જ ગયો છે. એની ભવ્ય સંસ્કૃતિનું પણ પછી પતન થતું ગયું છે, પરંતુ, અહીં તો આ ચંદ્રાવતીની વાત છે.
ઘણા દાયકાઓથી ચંદ્રાવતી જોવા સેવેલી ઇચ્છા એક ર૯મી ડિસેમ્બરની સવારે પૂરી થઈ. ગુજરાતી સાહિત્ય પરિષદનું ૧૯મું જ્ઞાનસત્ર પાલનપુર અને આબુ વચ્ચે આવેલા અમીરગઢના સર્વોદય આશ્રમમાં. એ ૨૮, ૨૯ ડિસેમ્બર એમ બે દિવસોમાં ભરાયેલું. અમીરગઢ આમ તો શ્રીઅમીરગઢ કહેવાય છે. ગુજરાતને છેક ઉત્તર છેડે આવેલા અમીરગઢની એક બાજુએ અરવલ્લીની પર્વતમાળા છે, તો બીજી બાજુએ જાસોરની પર્વતમાળા સોહે છે. સમગ્ર વિસ્તાર લગભગ આદિવાસી ગામોનો છે. આ અલ્પવિકસિત અને અલ્પસાધન વિસ્તારમાં સર્વોદય આશ્રમે પોતાની સેવાપ્રવૃત્તિઓ શિક્ષણ, કૃષિ ગોપાલન આદિ ક્ષેત્રોમાં વિકસાવતાં નૅશનલ હાઈવે પર આવેલો આ આશ્રમ, એક વખતે જે લગભગ વેરાન વિસ્તાર હતો તે હરિયાળો ટાપુ બની ગયો છે.
અમીરગઢથી ચંદ્રાવતી બહુ નજીક – માત્ર ૧૦-૧૨ કિલોમીટર. અમારા મિત્ર સૌરાષ્ટ્રના ગામેગામના પાળિયા-પથ્થરોને પગે ચાલી ઓળખવા મથનાર અને શિલ્પ સ્થાપત્યના જાણકાર નરોત્તમ પલાણનો જીવ તો અમીરગઢ પહોંચ્યા ત્યારથી સતત થતો હતો. ‘ચંદ્રાવતી તો જાવું જ જોયેં ને!’ – એ બોલ્યા કરે, પણ જ્ઞાનસત્રની બેઠકો વચ્ચેથી સમય કેમ કાઢવો? વળી એ તો પાછા પરિષદના મંત્રી.
૨૮મીની રાતે કહે કે, આપણે ચંદ્રાવતી જઈએ જ. વહેલી સવારે છ વાગ્યે નીકળી જઈએ. જવાનો અડધો કલાક, આવવાનો અડધો કલાક અને એક કલાક ત્યાં. સાડાનવે બેઠક શરૂ થાય તે પહેલાં તો આવી જઈશું. એમનો ઉત્સાહ ભરપૂર. કહેઃ જીપવાળો ૨૦૦ રૂપિયા કહે છે. આપણે ૧૦-૧૨ જણાં જઈ શકીએ. નરોત્તમભાઈનો યુવાન પુત્ર દર્શન પણ ઉત્સાહી. જોતજોતામાં તો ત્યાં જવા તૈયાર થનારની સંખ્યા વધી ગઈ. કદાચ બે જીપ કરવી પડે. એ માટે પણ તૈયારી હતી. માધવ રામાનુજ અમારા ઓરડામાં. રાત્રે તેમને અમારા ચંદ્રાવતી અભિયાનની વાત કરી. તો એમણે તો કહ્યું કે, એ જ ચંદ્રાવતી, દેલવાડાનાં દેરાં બંધાવનાર વસ્તુપાલની કલાપ્રિય પત્ની અનુપમાદેવીનું પિયેર. મુસલમાનોના આક્રમણના ભયે ચંદ્રાવતીના વાણિયા, મહાજન જ્યારે સુરક્ષા માટે સ્થળાંતર કરી જવા ઇચ્છતા હતા, ત્યારે અનુપમાદેવીએ સૂચવેલું કે એમ કરવા જતાં તો લાજ જશે. પછી તેઓ ત્યાં રહીને સામનો કરતા રહ્યા!
અમીરગઢમાં ખાસ્સી ઠંડી. તે વહેલી સવારે સાડાપાંચ વાગ્યે ઊઠીને તૈયાર થવા માટે હૂંફભરી શૈય્યા છોડવી પડે. એમાં થોડા મિત્રો આળસી ગયા, તોયે ૧૨ તો થઈ રહ્યા. વહેલી સવારે આશ્રમના કૅમ્પસના ખુલ્લા આકાશ તળે ગરમ કપડાં ને શાલમાં લપેટાઈ અમે ભેગા થયા. અને તરત જ કીટલીમાં ચા બનાવતી કૅન્ટીન આગળ. આકાશમાં કૃષ્ણપક્ષનો થોડો ખંડિત ચંદ્ર શીતળતાને વધારે શીતળ કરતો હતો. પૂર્વ દિશાની પર્વતમાળા પર શુક્ર પણ શીળું તેજ વેરતો હતો.
આવી ઠંડી વહેલી સવારોમાં ગરમ ચાની વરાળનું સંમોહન ખાળી શકાતું નથી. બધા મુણ્મય પાત્રમાં ગરમ ચા સાથે માટીની મીઠી ગંધ પણ અનુભવતા હતા. જીપવાળાને જગાડવા દર્શન—હર્ષદ પહોંચી ગયા હતા. અમારી ટુકડીમાં ‘સ્પિપા’ના એક યુવા મિત્ર પણ હતા. અમે બધાં જીપ ભણી ચાલ્યાં. ત્યાં સામેથી જીપ આવી ગઈ અને અમે બારેય તેમાં ગોઠવાઈ ગયાં.
નૅશનલ હાઈવે પર જીપ આવી અને થોડી વારમાં આબુની દિશામાં ચંદ્રાવતીને માર્ગે દોડવા લાગી. જીપવાળાએ તો એક ગામની ભાગોળ વટાવી અમને થોડા સમય પછી એક ચામુંડા માતાની ટેકરીની તળેટીમાં લાવીને રાખી દીધાં. ‘આ ચંદ્રાવતી’ – એણે કહ્યું, પણ અમારી ચંદ્રાવતી એ ન હતી. હા, આજુબાજુ કંડારાયેલા પથ્થરોના અવશેષો તો કહેતા હતા કે આ પણ ધ્વસ્ત ચંદ્રાવતીનો વિસ્તાર છે.
દર્શન, આરતી અને કોમલ તો ટેકરી પર આવેલા ચામુંડાના મંદિરનાં પગથિયાં ચઢવા લાગી ગયાં. આ બાજુ સૂરજનો કાચો તડકો પશ્ચિમ તરફની નાતિ ઉચ્ચ પર્વતશ્રેણી પર શોભી ઊઠ્યો હતો. આવી સુંદર પ્રભાતે અમે ચંદ્રાવતી નામના ગામની આવળની અને બાવળની કાંટ્ય વચ્ચે વીખરાયેલા પથ્થરો જોતા હતા. તે વખતે એક મોટી પીલુડીની પાર્શ્વભૂમાં સૂરજ ડોકાયો. બાજુમાં એક ટેકરો હતો. એ ટેકરો કોઈ ધ્વસ્ત મંદિરના કાટમાળનો હશે. અહીં પુરાતત્ત્વ ખાતાની ‘સુરક્ષિત ઇમારત’ની કોઈ તખતી પણ નહોતી. એકદમ ઉપેક્ષિત. જ્યારે ટેકરી પર અત્યંત મૂલ્યવાન ગણાય એવા કંડારાયેલ પથ્થરો અને ભગ્ન મૂર્તિઓ હતી. જે ઇચ્છે તે લઈ જાય એવી સ્થિતિ હતી. એટલું જ નહિ, ધૂમકેતુની પેલી ‘વિનિપાત’ વાર્તામાં આવે છે તેમ ઢોરની ગમાણ માટે કે છોકરાંને સંડાસની સુવિધા થાય એ માટે પણ આ પ્રાચીન નગરીના અવશેષોનો ઉપયોગ દેખાયો.
નરોત્તમ તો ઉકેલવા માંડ્યા શિલ્પોનો ભેદ. એમની પારખું નજર આ ખંડેરોમાંથી ઇમારતની આકૃતિ ઊભી કરવા મથતી હતી. કેટલીક અલસકન્યાઓ કે શાલભંજિકાઓ કદાચ હતી, પણ ચંદ્રાવતીના આ અવશેષો તો જૂજ હતા. પછી ખબર પડી કે અહીંથી થોડે દૂર પુરાતત્ત્વખાતાનું એક કાર્યાલય છે અને ત્યાં જે મળ્યા તે બધા અવશેષો સાચવ્યા છે.
ગામ વચ્ચે થઈ અમે ત્યાં પહોંચ્યા. એક પોતડી પહેરેલો કિશોર અમારી આગળ હતો. હા, હવે પેલી તખતી દેખાઈ. સુરક્ષિત ઇમારત, પેલાં ત્રણ જણ પણ ટેકરી ચઢી ઊતરી આવ્યાં હતાં. અહીં એક ફલક પર ચંદ્રાવતી વિષે થોડી માહિતી હતી – ‘ચંદ્રાવતી કે અવશેષ.’
પરમાર રાજાઓની આ રાજધાની હતી. અહીંના રાજા ધારાવર્ષ અને શાહબુદ્દીન ઘોરી વચ્ચે લડાઈ થઈ હતી.
ચંદ્રાવતી ‘ગુજરાતનું પ્રવેશદ્વાર’ ગણાય એવે સ્થળે હતી. ઉત્તરથી આવતાં બધાં આક્રમણો આ સમૃદ્ધ નગરને લૂંટવા થતાં રહે તે સ્વાભાવિક હતું અને વાણિયા મહાજન સ્થળાંતર કરવા ઇચ્છે તે પણ સ્વાભાવિક. અનુપમાદેવીએ પોતાના પિયેરનું ગૌરવ જળવાય એવી શાણી સલાહ પોતાનાં માબાપને અને અન્ય શ્રેષ્ઠીઓને આપી હશે, પણ છેવટે થવાનું હતું તે થઈને રહ્યુંઃ સુલતાન બહાદુરશાહે ચિત્તોડને જીતીને આ માર્ગેથી ગુજરાતમાં પ્રવેશતાં ચંદ્રાવતીને પરાસ્ત કર્યું, લૂંટ્યું, તોડ્યું, ભાંગ્યું અને એક વખતની વૈભવશાળી નગરી ખંડેર બનતી ગઈ.
કદાચ એ ખંડેરો પણ ભવ્ય શોભાશાળી હોત, જો રહ્યાં હોત. પણ જેટલું નુકસાન હુમલાખોરીએ કર્યું, તેનાથી વધારે નુકસાન પછી તો અહીંના મારવાડી ઠેકેદારોએ કર્યું. પથ્થરો ઉખાડી ક્યાંના ક્યાં લઈ ગયા. મૂર્તિઓ ચોરીને તે ક્યાંની ક્યાં પહોંચાડી દીધી!
‘દુનિયા મેં ઐસા કોઈ બડા મ્યુઝિયમ નહીં, જહાઁ ચંદ્રાવતી કી મૂર્તિયાં ન હો.’ પુરાતત્ત્વખાતાના માણસે કહ્યું. તો અમને નવાઈ લાગી. આફ્રિકાથી એક યાત્રી આવેલો. એને પૂછવામાં આવેલું કે તમને ચંદ્રાવતીની ખબર કેવી રીતે? એણે કહેલું કે કેપટાઉનમાં એણે ચંદ્રાવતીથી લાવવામાં આવેલી એક મૂર્તિ જોઈ હતી!
આવળ, બાવળ અને પીલુડીની ઝાડી વચ્ચે દૂર ટેકરીઓ પર અવશેષો વિસ્તરેલા હતા. કેટલીક મૂર્તિઓ અને શિલ્પો આ બાજુ વ્યવસ્થિત ગોઠવ્યાં હતાં. જૈન, શૈવ અને શાક્ત આદિ વિભિન્ન ધર્મોની અહીં ચંદ્રાવતીમાં એક કાળે ઉપાસના થતી હશે. ત્રિપુરાન્તક શિવની મૂર્તિ પલાણે બરાબર ઓળખાવી, તો માત્ર પદ્માસનવાળી હાથ અને પગમાં કમળનું ચિહ્ન બતાવતી તીર્થંકરની આરસની ભગ્ન સુંદર મૂર્તિ પણ હતી. એ કુન્થુનાથ હતા.
એક મૂર્તિ હતી ખપ્પરધારિણી શિથિલસ્તના ચામુંડાની. એક મોટા પેટવાળા કુબેરની મૂર્તિ હતી. તેમાં ઉપરથી પૈસા નાખવાની સુવિધા. પ્રાચીન કાળનો ‘ગલ્લો’ જ વળી. ચંદ્રાવતીમાં તો એ કાળે ઘેર ઘેર એવા ‘કુબેર’ હશે, કેમ કે કુબેરનો વૈભવ ધરાવતી એ નગરી હતી. હર્ષદ અને બિન્દુ, રૂપા અને ડૉ. અનિલા દલાલ, આરતી ભડિયાદરા, કોમલ સોની, રીતા ભટ્ટ અને દર્શન – અમે બધાંય આ સવારના તડકામાં ચંદ્રાવતીના અવશેષો જોઈનેય પ્રભાવિત હતાં. એક નોટબુક કાઢી મેં કહ્યું : આ ભગ્ન ચંદ્રાવતીની સાક્ષીએ અહીંની હાજરીની બધા સહી કરો. બધાએ સહીઓ કરી. ‘તાકિ સનદ રહે.’ (અજ્ઞેય)
અહીંથી થોડે દૂર નદીકાંઠે ચંદ્રાવતીના ઘણા અવશેષો હજી છે. અમે તો આખો દિવસ અહીં રઝળપાટ કરત, પણ મંત્રીશ્રી પલાણને સાડાનવે તો સભાનું સંકલન કરવાનું હતું. ‘ફરીવાર આવીશું’ – એમ કહી જીપમાં ગોઠવાયાં. આવાં અનેક સ્થળે જવાનો આપણે વાયદો ભલે આપીએ, પણ ફરીવાર આપણા વ્યસ્ત જીવનમાં ત્યાં ક્યાં જવાનું થાય છે? આવી અનેક ચંદ્રાવતીઓ રાહ જોયા કરે છે. જેવાં અમે જીપમાં ગોઠવાતાં હતાં કે આજની આ ચંદ્રાવતીની ચાર સરખી વયની યુવતીઓ અર્ધચંદ્રાકારે અમને પ્રવાસીઓને જોતી તડકામાં ઊભી રહી ગઈ હતી. ચારેય લાલ રંગની ભાતવાળી સાડીમાં એકસરખી લાગતી હતી. તેમાં એકને માથે સાડીને ઘૂઘરીઓ ટાંકેલી તે તરફ અમારામાંની બહેનોનું તરત ધ્યાન ગયું. વિલુપ્તવૈભવ ચંદ્રાવતીની પીઠિકામાં આ દૃશ્ય એકદમ વૈભવપૂર્ણ હતું.[૧૨-૧-૯૭]