ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સંવાદ(Dialogue)'''</span> : આ સંજ્ઞાનો એક અર્થ સાહિત્યપ્...")
 
No edit summary
 
Line 9: Line 9:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = સંલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિ
|next = સંવાદકાવ્ય
}}

Latest revision as of 16:09, 8 December 2021


સંવાદ(Dialogue) : આ સંજ્ઞાનો એક અર્થ સાહિત્યપ્રકાર સૂચવે છે જેમાં પાત્રો લંબાણપૂર્વક વિષયની ચર્ચા કરતાં હોય. ગ્રીક ફિલસૂફોએ શિક્ષણના ઉત્તમ માધ્યમ તરીકે એનો સ્વીકાર કરેલો. સૉક્રેટિસના પ્રશ્નોત્તરી પદ્ધતિના સંવાદો, પ્લેટોના નાટ્યાત્મક અને એરિસ્ટોટલના ઉપદેશાત્મક સંવાદો; આપણે ત્યાં ‘ગીતા’નો કૃષ્ણઅર્જુનસંવાદ – આ બધાં લાક્ષણિક ઉદાહરણો છે. વાલેરી, કાસનેર, સાન્તાયાન, હર્બર્ટ રીડ વગેરેએ પણ સંવાદ લખ્યા છે. લેન્ડરનો તો દાવો છે કે ઉત્તમ લેખકોએ સંવાદોમાં લખ્યું છે. સંજ્ઞાનો બીજો અર્થ કથનમૂલક અને નાટ્યમૂલક રચનારીતિ છે જેના દ્વારા કથાસાહિત્ય, કથાકાવ્ય અને નાટકમાં એકબીજાને વિચારોનું આદાનપ્રદાન કરતાં પાત્રો રજૂ કરી શકાય. એટલેકે સંવાદને ગદ્યપદ્ય સાહિત્યકૃતિઓમાં પાત્રો વચ્ચેની ઉક્તિપ્રત્યુક્તિ તરીકે ઓળખી શકાય. ગદ્યકથાઓમાં તેમજ કથાકાવ્યોમાં સંવાદ મહત્ત્વનું ઘટક છે. તો નાટકનું એ મુખ્ય પાસું છે, એનો મૂલાધાર છે. સાહિત્યમાં વિષયનું ઐક્ય, શૈલી અને સ્વરૂપ અંગેની અભિજ્ઞતા સાથે પ્રયોજાતા સંવાદો સહેતુક અલંકૃત અને પ્રયત્નસિદ્ધ હોય છે. આધુનિક સાહિત્યમાં રોજિંદી વાતચીતને અનુસરતા સંવાદો પણ એનું નિકટથી પરીક્ષણ કરતાં ખાસ્સા સુયોજિત અને વિશિષ્ટ માલૂમ પડશે. સંવાદ એની સફળતા અને કલાત્મક મહત્તા અંગે સામગ્રી અને સ્વરૂપ બંને પર નિર્ભર છે. બોલતી વ્યક્તિઓને પ્રસ્તુત કરવા ઉપરાંત સંવાદો ઘણુંબધું કાર્ય સિદ્ધ કરે છે. પાત્રોના શબ્દો ચરિત્રો પ્રમાણે લય, બાની, ઇયત્તા, કાકુ વગેરેમાં ઢળતાં એમની પ્રકૃતિઓને અભિવ્યક્ત કરે છે. ક્યારેક એક વ્યક્તિને બીજી વ્યક્તિની બાજુમાં મૂકીને સંવાદ દ્વારા વિરોધ કે સમાન્તરતા ઉપસાવવામાં આવે છે. વર્તમાનકાળમાં સમૂહમાધ્યમો અને આકાશવાણી, ટી.વી.ને કારણે સંવાદો સાહિત્યિક પ્રત્યાયનનું મુખ્ય માધ્યમ બન્યા છે. અલબત્ત, સંવાદની કામગીરી અંગે ખૂબ વિચાર થયો છે પણ કયા સિદ્ધાન્તોને આધારે સંવાદ કલાનું રૂપ લે છે એ વિશે હજી સુધી કોઈ વ્યાખ્યા થઈ નથી. કદાચ સંવાદનો લાંબો ઇતિહાસ અને એનું અપાર વૈવિધ્ય આ માટે કારણભૂત હશે. દરેક પાત્ર કયો વળાંક લે છે, કોણ પહેલું બોલે છે, કોણ કોને ખલેલ પહોંચાડે છે વગેરેમાં સંવાદનું સત્તામાળખું પણ રસપ્રદ છે. મિખાઈલ બખ્તિનની સમગ્ર ભાષાવિચારણા અને નવલકથાવિચારણા, ભાષાવ્યવહારની પરસ્પરની આદાનપ્રદાનની સંબંધક્રિયામાં સંવાદને પાયાનું પ્રતિમાન ગણીને ચાલે છે. ચં.ટો.