ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રસસિદ્ધાંત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રસસિદ્ધાન્ત'''</span> : ભારતીય સાહિત્યશાસ્ત્રમા...")
 
No edit summary
 
Line 18: Line 18:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous= રસસંપ્રદાય
|next= રસાભાસ
}}

Latest revision as of 12:17, 10 December 2021


રસસિદ્ધાન્ત : ભારતીય સાહિત્યશાસ્ત્રમાં કાવ્ય/સાહિત્ય પદાર્થની ઝીણવટભરી તપાસ થઈ છે અને તે સાથે, આપણે જેને ‘નાટક’ કહીએ છીએ જે, વાસ્તવમાં અભિયનકળાનું ક્ષેત્ર છે, તેને ‘રૂપક’ની પરિભાષા આપી સાહિત્યના પ્રકારવિશેષ રૂપે પણ વિચારાયું છે. ભરત વગેરે નાટ્યશાસ્ત્રીઓ અને ભામહાદિ કાવ્યશાસ્ત્રીઓ એક બાબતમાં બહુ સ્પષ્ટ છે કે સાહિત્ય કે નાટ્યની પ્રવૃત્તિનું અનુસરણ આપણે તેમાં રસ પડે છે માટે કરીએ છીએ. આ રસાનંદને જ મમ્મટે સકળ કાવ્યપ્રવૃત્તિનું મુખ્ય પ્રયોજન : ‘सकलप्रयोजनोपनिषदभूत’ કહ્યું છે. ભરત પણ જણાવે છે કે ‘રસ’ સિવાય કોઈપણ વિગત પ્રવર્તિત થતી નથી. नहि रसाद्ऋते कश्चिद् अर्थः प्रवर्तते। આથી સઘળી કાવ્ય નાટ્યપ્રવૃત્તિના કેન્દ્રમાં ‘રસ’ તત્ત્વ રહેલું છે. જેની ખૂબ વિવેકપૂર્વકની આમૂલ વિવેચના એ નાટ્યશાસ્ત્ર – કાવ્યશાસ્ત્રનો મુખ્ય વિચાર છે. ભરતે ‘રસ’ આમ તો કલામાત્રમાં અને મુખ્યત્વે નાટ્યકળામાં કઈ રીતે નિષ્પન્ન થાય છે તે સાદું ઉદાહરણ આપીને સમજાવ્યું છે. તેઓ નાટ્યશાસ્ત્રના (અધ્યાય-૬) રસાધ્યાયમાં સમજાવે છે કે જે રીતે જુદાં જુદાં દ્રવ્યો મેળવીને ષાડવાદિરસ – એકપીણામાં આસ્વાદાતો રસ – ભોજનરસ – આસ્વાદાય છે એ રીતે કાવ્યનાટ્યાદિમાં વિભાવ-અનુભાવ અને વ્યભિચારીઓના સંયોગથી રસની નિષ્પત્તિ થાય છે. विभावानुभावव्यभिचारिसंयोगाद्रसनिष्मत्तिः અહીં ‘વિભાવ’ તે થયાં કારણો, ‘અનુભાવ’ તે ‘કાર્ય’ અને વ્યભિચારીઓ તે પારિપોષક સામગ્રી. આપણા રોજિંદા વ્યવહારજીવનમાં કોઈપણ ઘટના ઘટે છે, ત્યારે સહુ પ્રથમ તેનાં સ્થૂળ કારણો જણાય છે. આ કારણો આપણા મનમાં પણ અનુકૂળ-પ્રતિકૂળ ભાવ જન્માવે છે. મનમાં જન્મેલા એ ભાવોની પ્રતિક્રિયા રૂપે આપણાં વાણી અને વર્તનમાં સ્થૂળ અસરો, ફળરૂપે જોવા મળે છે. વળી, જે કારણે આ મનોભાવો જન્મ્યા છે એ મૂળ કારણને પુષ્ટ કરનારાં, સતેજ કરનારાં બાહ્ય પરિબળો પણ જોવા મળે છે, જેને સહકારી કારણો કહી શકાય. વાસ્તવિક જીવનમાં આ કાર્ય, કારણ અને સહકારીઓ સાચુકલાં હોય છે. અને એના સંદર્ભમાં આપણાં ચિત્તમાં રાગદ્વેષાદિ યુક્ત વૈયક્તિક ભૂમિકાના પ્રતિભાવો રૂપે મનોભાવો પ્રગટે છે, જાગતિક સંદર્ભમાં આ બધું વૈયક્તિક અને સુખ, દુઃખ કે મોહ જન્માવનાર છે. ભરત જણાવે છે કે કળા-નાટ્યકળાના ક્ષેત્રે આની આ જ કારણાદિ સામગ્રી પ્રવર્તિત થાય છે પણ તે કલાના માધ્યમથી પીરસાય છે તેથી તેમાંથી વૈયક્તિક રાગદ્વેષાદિજન્ય સુખદુઃખાત્મકતા રહેતી નથી. આને કારણે આ સામગ્રીને વિભાવ, અનુભાવ અને વ્યભિચારિભાવની પરિભાષા આપવામાં આવી છે. રસવિચારણાનું આ જ સ્વારસ્ય છે કે નાટક વગેરેના માધ્યમથી રજૂ થતાં કારણ, કાર્ય અને સહકારી તત્ત્વો કોઈ રીતે અંગત નથી હોતાં, માટે નિર્ભેળ નિર્વૈયક્તિક આનંદનો અનુભવ કરાવે છે. ભરતે રસસૂત્રમાં આ વાત કહી છે. પણ ભારતીય નાટ્યમીમાંસકોએ ભરતના રસસૂત્રને પોતપોતાની રીતે સમજાવ્યું છે. રસસૂત્રની વ્યાખ્યા કરનારા અન્ય આચાર્યો પણ હશે, જેમણે ભરતના નાટ્યશાસ્ત્ર ઉપર વ્યાખ્યા રચી હશે પણ આપણને આચાર્ય, અભિવનગુપ્તની ‘અભિનવભારતી’ અથવા ‘નાટ્યવેદવિવૃત્તિ’ નામે ટીકા સિવાય બીજો કોઈ વ્યાખ્યાગ્રન્થ ઉપલબ્ધ નથી. અભિનવગુપ્તે રસસૂત્રની વ્યાખ્યા દરમ્યાન પોતાની સમજૂતી આપતાં પહેલાં ભટ્ટલોલ્લટ, અને ભટ્ટનાયકના મતો સવિસ્તાર પ્રમાણિકપણે ઉદ્ધૃત કર્યા છે. આ ચર્ચા તેમણે ધ્વન્યાલોકની લોચનટીકામાં પણ પુન : આપી છે. લોલ્લટાદિ આચાર્યોના મૂળ ગ્રન્થો આપણને ઉપલબ્ધ નથી તેથી અભિનવભારતી(અ.ભા.)માં એમના મતોની જે રજૂઆત થઈ છે એનો સાર આપણે મેળવીશું. ભટ્ટ લોલ્લટના મતને આધુનિક વિદ્વાનો સામાન્ય રીતે ઉત્પત્તિવાદ કે આરોપવાદ તરીકે ઓળખાવે છે. આપણે તેને ઉત્પત્તિ-ઉપચિતિવાદ કહીશું કેમ કે લોલ્લટની સમજૂતી ઉત્પત્તિની વિગતથી શરૂ થઈને ઉપચિતિ આગળ પૂરી થાય છે. મમ્મટ વગેરે સહુ આલંકારિકોએ અભિનવભારતીના વિચારો સંક્ષેપ્તમાં આપ્યા છે, જો કે, જગન્નાથે લગભગ અગિયાર મતો ટાંક્યા છે તથા મહિમભટ્ટ, ધનંજય-ધનિક ભોજ, રામચંદ્ર-ગુણચંદ્ર સિદ્ધિચંદ્રગણિ વગેરેએ રસાનુભૂતિની પ્રક્રિયા-માધ્યમની બાબતમાં અભિનવગુપ્તથી જુદો મત પ્રદર્શિત કર્યો છે. વળી, રસોની સંખ્યા અને ખાસ કરીને શાંતરસની બાબતમાં પણ તજ્જ્ઞોમાં ઘણા મતભેદ પ્રવર્તે છે. આપણે સૌપ્રથમ અભિનવભારતીમાં નિર્દિષ્ટ વિચારોથી શરૂઆત કરીશું. લોલ્લટ પ્રમાણે ભરતના રસસૂત્રમાં ‘સ્થાયી સાથેનો’ એવા અર્થનું ‘સ્થાયિન=(સંયોગાત્) એવું પદ ઉમેરવું આવશ્યક છે. અર્થાત્ વિભાવ, અનુભાવ અને વ્યભિચારીઓના સ્થાયી સાથેના સંયોગથી રસની નિષ્પત્તિ થાય છે. એમ તો દરેક આચાર્યે ‘સંયોગ’ અને ‘નિષ્પત્તિ’ એ પદોનું જુદું જુદું અર્થઘટન કર્યું છે. લોલ્લટ વિચારે છે કે વિભાવોના સ્થાયી સાથે ઉત્પાદ્ય-ઉત્પાદક અથવા જન્ય-જનકભાવ સંબંધ છે એટલેકે વિભાવો સ્થાયીને ઉત્પન્ન કરે છે. આ ઉત્પન્ન થયેલા સ્થાયીભાવને વ્યભિચારીભાવો પોષે છે – પુષ્ટ કરે છે. તેને બળ આપે છે. એટલેકે સ્થાયી અને વ્યભિચારીઓ વચ્ચે પોષ્ય-પોષકભાવનો સંબંધ છે. આ રીતે ઉત્પન્ન થયેલો અને પરિપુષ્ટ થયેલો સ્થાયી અનુભાવો દ્વારા સ્થૂળ અભિવ્યક્તિ પામે છે. આમ અનુભાવો તે સ્થાયીના અનુમાપકો છે. અનુભાવો દ્વારા આપણે ઉત્પન્ન થયેલા અને પુષ્ટિ પામેલા સ્થાયીનું અનુમાન તારવીએ છીએ. સ્થાયીભાવ અને અનુભાવ વચ્ચે આ રીતે ગમ્યગમક-ભાવસંબંધ અથવા અનુમાપ્ય-અનુમાપકભાવ-સંબંધ છે. આ રીતે ઉત્પન્ન થયેલો સ્થાયી, પુષ્ટ થઈને અનુમિત કરાય છે. આ ઉત્પત્તિ અને પુષ્ટિ ત્રણે વાનાં ભેગાં થતાં મૂળ સ્થાયીની ઉપચિત સિદ્ધિ થાય છે. ઉપચિત્ થયેલો આ સ્થાયીભાવ તે રસ એવું લોલ્લટના મતનું સ્વારસ્ય છે. આ મતને શંકુક ખંડિત કરે છે. એક વાત નોંધપાત્ર છે કે અભિનવગુપ્ત પોતે કોઈપણ પૂર્વાચાર્યનું ખંડન નથી કરતા બલ્કે તેમના જે તે મતમાંથી જે કાંઈ ગ્રાહ્ય જણાય તેનો સાભાર સ્વીકાર કરે છે અને જણાવે છે કે પૂર્વાચાર્યના મતોનું પોતે ખંડન નહિ પણ સંશોધન કર્યું છે. જૈનન્યાયની પરંપરામાં જોવા મળે છે તે પ્રમાણે પૂર્વપૂર્વ મતનું ઉત્તરઉત્તર મતમાં ખંડન સાધી છેલ્લા પૂર્વપક્ષનું સંશોધન અભિનવગુપ્ત કરે છે. શંકુકે લોલ્લટના મતમાં જે હરકતો ઉઠાવી તેની નોંધ લેતાં પહેલાં લોલ્લટના મતમાંથી ફલિત થતી બીજી બેત્રણ વિગતો આપણે જોઈશું. લોલ્લટ એક વાત એ નોંધે છે કે ભરતના સૂત્રમાં ‘સ્થાયી’ પદ અનુલ્લિખિત છે તે ઉમેરવું ઘટે. આ વાત ઉપર નોંધી છે. બીજી વાત તેમણે એ જણાવી છે કે ચિત્તમાં કોઈ એક ક્ષણે કોઈ એક જ ચિત્તવૃત્તિ રહી શકે એવો ચિત્તવૃત્તિનો સ્વભાવ છે તેથી સ્થાયીભાવની વ્યભિચારીભાવ વડે થતી પુષ્ટિને સમજવા સ્થાયીની સંસ્કાર રૂપે અવસ્થિતિ માનવી પડશે. ત્રીજી મહત્ત્વપૂર્ણ વિગત એ છે કે લોલ્લટ જણાવે છે કે રસસૂત્રમાં જે ‘અનુભાવ’ તત્ત્વનો ઉલ્લેખ છે તેને ભાવોના અનુભાવ માનવાના અને નહિ કે પરિણામ રૂપે પ્રગટતા અનુભાવો. પરિણામ રૂપે પ્રગટતી અનુભાવોનો કારણસામગ્રીમાં સમાવેશ થઈ શકે નહિ. આ વિગત ખૂબ મહત્ત્વની છે. આમાંથી એ તારણ નીકળે છે કે કારણસામગ્રીમાં નિર્દિષ્ટ અનુભાવો અને પરિણામ રૂપે-કાર્ય રૂપે પ્રગટતા અનુભાવોનું પૃથક્ત્ત્વ લોલ્લટે પિછાણ્યું છે. કારણસામગ્રીમાં રજૂ થતા અનુભાવો તે કલાકારો વડે દર્શાવાતા રંગભૂમિ ઉપરના અનુભાવો જેને પરિણામે સામાજિક જે તે ભાવનો અનુભવ કરી પોતાના અનુભાવો પરિણામ રૂપે પ્રગટાવે છે. આ રસજન્ય અનુભાવો પ્રેક્ષક-સામાજિકના સંદર્ભમાં છે એવી નોંધ જો આપણે કરીએ તો ભટ્ટ લોલ્લટને સામાજિકગત રસાનુભૂતિનો અણસાર પણ નહોતો એવી તેમના મતની આલોચના નરી તુચ્છ જણાશે. છેલ્લે ભટ્ટ લોલ્લટે રસના અધિષ્ઠાનની વાત પણ કરી છે. તેઓ રસને મુખ્યલોક કહેતાં. મૂળ ઐતિહાસિક રામાદિગત અને રામાદિના રૂપના અનુસન્ધાનને બળે અનુકર્તા કહેતાં નટગત પણ માન્યો છે. આમાંથી એ શુદ્ધ તારણ નીકળે છે કે રસને મુખ્યલોકગત માનીને લોલ્લટે જાગતિક ભૂમિકાએ પણ રસની સ્થિતિ સ્વીકારી છે, અને આથી જાગતિક ભૂમિકાએ અનુભવાતા વૈયક્તિક રત્યાદિભાવો રસપદવીએ પહોંચવાની ક્ષમતા ધરાવે છે એમ તેઓ સ્વીકારે છે. હવે જાગતિક ભાવો તો સુખ, દુઃખ અને મોહ જન્માવનારા છે. તેથી રસનો સ્વભાવ સુખદુઃખાત્મક હોવાનું, સંભવત : લોલ્લટ સ્વીકારતા જણાય છે, અને તેથી ‘લૌકિક સ્થાયી એ જ રસ’ – स्थायी एव रसः। એ પરિપાટી તેઓ પુરસ્કારતા જણાય છે, જ્યારે આનંદવર્ધન તથા અભિનવગુપ્ત स्थायी विलक्षणो रसः।ની પરિપાટીને સમર્થન આપે છે. લોલ્લટના મતની આ આલોચના પછી શંકુકે તેમના મતનું જે ખંડન કર્યું છે તેનો પરિચય કેળવીશું. શંકુક લોલ્લટના મતનો અસ્વીકાર કરવાનું એટલા માટે સૂચવે છે કે સામાન્ય અનુભવ તેની વિરુદ્ધ જાય છે. આપણો સામાન્ય અનુભવ એમ કહે છે કે આપણે પારકી વ્યક્તિના મનોભાવો કળી જઈએ છીએ. બાહ્ય લક્ષણોની મદદથી સામી વ્યક્તિના સુખદુઃખનું આપણે અનુમાન તારવીએ છીએ. આમ વિભાવાદિ અને સ્થાયી વચ્ચે લિંગલિંગીભાવ ન સ્વીકારીએ તો વાત આગળ ચાલે જ નહિ. વળી, રસ એ સ્થાયીનું ઉપચિત સ્વરૂપ જ હોય તો તો ભરતે પહેલાં ભાવોની ચર્ચા કરવી જોઈતી હતી; પછી રસની, પણ તેમ કર્યું નથી. વળી ઉપચિતિની કઈ અવસ્થાને રસ કહેશો? અર્થાત્ તેમાં તારતમ્યદોષ આવવા સંભવ છે. અને તે જ રીતે હાસ્યના છ જ પ્રકાર છે કે કામની દશ જ અવસ્થાઓ ગણાવીને અટકવું મુનાસિબ નથી. વળી શોક વગેરે ભાવો પહેલી ક્ષણે તીવ્ર હોય છે અને અનુક્રમે તેમનો અપચય થતો જોવા મળે છે. આમ ઉપચિતિને બદલે અપચિતિ કરુણ, રૌદ્ર વગેરે રસોમાં ધ્યાનમાં આવે છે. આથી લોલ્લટની વાત અગ્રાહ્ય છે. શંકુક આથી એવું વિચારે છે કે વિભાવાદિનો સ્થાયી સાથે સંયોગ અનુમાપ્ય-અનુમાપભાવે વિચારવાનો છે અને નિષ્પત્તિ એટલે અનુમિતિ. આ વિગત બે તબક્કામાં વહેંચાય છે. આથી તેમના મતને સામાન્ય રીતે વિદ્વાનો અનુમિતિવાદ કહે છે, તેને સ્થાને આપણે અનુકૃતિ-અનુમિતિવાદ કહેવાનું વધારે પસંદ કરીશું. આ વિચારણામાં અનુકૃતિ નટને પક્ષે જાય છે. એ પોતાની તાલીમ અને અભ્યાસને બળે અવાસ્તવિક હોવા છતાં વાસ્તવિક જણાતી વિભાવાદિસામગ્રી રજૂ કરે છે. જેને કારણે બીજે પક્ષે સામાજિક નટને વિશે જે તે ભાવની અનુમિતિ લગાવે છે. આ અનુકૃત-અનુમિત સ્થાયી તે રસ. નટને સામાજિક રામ વગેરે રૂપે સ્વીકારે છે. કલાના ક્ષેત્રમાં આવી સ્વીકૃતિ અનિવાર્ય છે. શંકુક તેને ચિત્રતુરગન્યાયથી સમજાવે છે. ચિત્રમાં દોરેલા ઘોડાને આપણે ઘોડા તરીકે જ ઓળખીએ છીએ છતાં તેને ગાડીમાં જોડી શકાતો નથી. કેમકે તે વાસ્તવિક નથી. તેવું જ નટ દ્વારા રજૂ થતા રામાદિપાત્રનું સમજવાનું છે. શંકુકને ફાળે એ શ્રેય જાય છે કે તેમણે કલાપ્રતીતિને લૌકિકપ્રતીતિઓ જેવી કે પ્રત્યક્ષાદિથી થતી સમ્યક્પ્રતીતિ, મિથ્યા, સાદૃશ્ય અને સંશયાત્મક પ્રતીતિઓથી ભિન્ન માની છે. વળી, લૌકિક સ્થાયી એ જ રસ તેવું પણ તેઓ માનતા જણાતા નથી, કેમકે વસ્તુગત સૌન્દર્યના બળથી રસનીય રૂપે આ સ્થાયીનો બોધ થાય છે. ભટ્ટ લોલ્લટને મુકાબલે શંકુકે આ રીતે નવા વિચારો આપ્યા પણ તેમની સામેની મુખ્ય દલીલ એ છે કે જો અવાસ્તવિક ભાવની અનુમિતિ રસાસ્વાદ કરાવે તો વાસ્તવિક ભાવની અનુમિતિ શા માટે તે સાધવા અક્ષમ હોય? વળી, બનાવટી વિભાવો, બનાવટી અનુભાવો અને બનાવટી વ્યભિચારીઓ તથા બનાવટી સ્થાયી વચ્ચે વ્યાપ્તિસંબંધ કેવી રીતે વિચારી શકાય? ધુમાડાનું અનુકરણ કરતા ધુમ્મસ વડે અગ્નિનું અનુકરણ કરતા લાલ જપાપુષ્પ(જાસુદ?)નું અનુમાન શી રીતે ગોઠવી શકાય? વળી, આવા લૌકિક અનુમાનમાં રસનીયતા ક્યાંથી સિદ્ધ થાય? અનુમાનથી વિગતની સાચાજૂઠી નક્કી કરી શકાય, સુંદરતા નહીં. આથી ભટ્ટનાયક શંકુકના મતનો તિરસ્કાર કરીને જણાવે છે કે વાસ્તવમાં કાવ્ય અને નાટ્યમાં આપણે જેને અભિધાવ્યાપાર કહીએ છીએ એનાથી ભિન્ન એવા ભાવકત્વ અને ભોજકત્વ નામે બે વ્યાપારો પ્રવર્તિત થાય છે. ભાવકત્વથી સાધારણીકરણ અને ભોજકત્વથી રસનો ભોગ કહેતાં આસ્વાદ સિદ્ધ થાય છે. આ રસાસ્વાદ જેમ શંકુકને અભિપ્રેત હતો, તેમ ભટ્ટનાયકને પક્ષે પણ સામાજિક દ્વારા અનુભવાય છે. ભાવકત્વવ્યાપાર કાવ્યમાં ગુણાલંકારના ગ્રહણ અને દોષના ત્યાગ રૂપે પ્રવર્તે છે તથા નાટ્યમાં ચતુર્વિદ્યા અભિનયરૂપે તે આવિર્ભાવ પામે છે એવું ભટ્ટનાયક માને છે. આનાથી સાધારણીકરણ કહેતાં નિર્વૈયક્તિકતા, બિન-અંગતપણું સિદ્ધ થાય છે. જેથી સામાજિક દુષ્યંતાદિ સાથે અથવા રામાદિ દેવતા સાથે પણ એકરૂપતા સાધી શકે છે. ભાવકત્વના પ્રવર્તનથી સામાજિકના માનસિક બંધારણમાં રહેલા તમોગુણ અને રજોગુણનાં પડળો ભેદાય છે, અને નર્યાસત્ત્વનો આવિર્ભાવ થાય છે, આ પ્રક્રિયાને ભટ્ટનાયક અલૌકિક તરીકે ઘટાવે છે. તે પ્રતીતિ પરબ્રહ્માસ્વાદ જેવી છે. ભટ્ટનાયકને વિષે સામાન્ય રીતે વિદ્વાનોએ એવી છાપ ઉપસાવવા પ્રયત્ન કર્યો છે કે ‘સાધારણીકરણ’ની વિગતનો તેમણે જ સૌ પ્રથમ નિર્દેશ કર્યો. વાસ્તવમાં ભરતના નાટ્યશાસ્ત્રમાં જ સાધારણીકરણના સંકેતો છે જ તથા અભિનવગુપ્ત તો રોજિંદા જીવનમાં પણ આ પ્રક્રિયા પ્રવર્તિત થતી ઉદાહૃત કરે છે. ભટ્ટનાયકની વિચારસરણીને ભુક્તિવાદ તરીકે આપણે ઓળખીએ છીએ. તેમની સામેની મુખ્ય દલીલ એ છે કે, તેમણે ‘ભાવકત્વ’ વ્યાપારને કાવ્ય અને નાટ્યમાં જુદે જુદે રૂપે પ્રવર્તિત થતો બતાવ્યો છે.જ્યારે વ્યંજનાવાદીની વ્યંજના કાવ્ય, નાટ્ય કે કલામાત્રમાં એકરૂપે જ પ્રવર્તે છે. વળી કાવ્યના ક્ષેત્રમાં પ્રવર્તિત થતો ભાવકત્વવ્યાપાર ગુણાલંકારાદિના સમુચિત યોગ અને દોષના પરિત્યાગરૂપ જ જો હોય તો તો અભિધાની બહાર ભાગ્યે જ આપણે નીકળી શકીએ. સુકવિની અભિધા આ બધાં વાનાં આવરી લેવા સક્ષમ છે. અને ‘ભોગ’ વ્યાપાર તે વળી એક પ્રકારની પ્રતીતિ જ ગણાય. ભટ્ટનાયક રસને નથી ઉત્પન્ન થતો, નથી પ્રતીત-અનુમિત થતો કે નથી અભિવ્યક્ત થતો પણ ભોજકત્વથી ભોગવાતો માને છે. અભિનવગુપ્ત પૂછે છે કે આ ‘ભોગ’ એ વળી ‘પ્રતીતિ’થી ભિન્ન એવી કઈ ચીજ છે? ટૂંકમાં, રસનો ભોગ એ પણ એક પ્રતીતિ જ છે. ભટ્ટનાયક પોતે જ રસને સંવેદન નામે પ્રતીતિથી ‘વ્યંગ્ય’ કહે છે તો આમાં અભિવ્યક્તિનો સ્વીકાર થઈ ગયો! વાસ્તવમાં ભટ્ટનાયક અને રસાભિવ્યક્તિવાદમાં કોઈ પાર ન કરી શકાય તેવું અંતર નથી બલ્કે પરિભાષાની જ તકરાર છે. અભિનવગુપ્ત અભિવ્યક્તિવાદને પુરસ્કારતાં જણાવે છે કે વિભાવાદિના વ્યંગ્યવ્યંજકભાવે સ્થાયી સાથેના સંયોગથી રસની અભિવવ્યક્તિ થાય છે જે કાવ્યનાટ્ય-કલામાત્રમાં વ્યંજનાવ્યાપારથી સિદ્ધ થાય છે. અભિનવગુપ્ત રસપ્રતીતિને લૌકિકપ્રતીતિ, મિતયોગીના બોધ અને અમિતયોગીના બોધથી પણ અદકેરી માને છે. તેનું ગ્રાહકજ્ઞાન નથી નિર્વિકલ્પ કે નથી સવિકલ્પ, રસ નથી ઉત્પન્ન થતો કે નથી અભિવ્યક્ત થતો, કેમકે તે નથી નવી જન્મ પામતી વિગત કે નથી પૂર્વસિદ્ધ વિગત. આથી જ રસની અપૂર્વતા સિદ્ધ થાય છે. અભિનવગુપ્ત પ્રમાણે પ્રાણીમાત્રના ચિત્તમાં પૂર્વજન્મના સંસ્કારો રતિ વગેરે સ્થાયીઓ પડેલા હોય છે જેની વિભાવાદિ વડે અભિવ્યક્તિ થાય તે ‘રસ’. રસપ્રતીતિના માર્ગમાં આવતાં વિઘ્નો પણ તેઓ વિચારે છે, જે કવિ તથા ભાવક અથવા બંનેને પક્ષે રહેલાં છે. આનંદવર્ધન અને તેમના ય પૂર્વસૂરિઓએ જે વ્યંજના-ધ્વનિ રસની પરંપરા પ્રવર્તાવી હતી તેનું જોરદાર સમર્થન અભિનવગુપ્ત કરે છે. રરસનિષ્પત્તિ અંગે આ વિચારણાઓ ઉપરાંત રસના બોધ અંગે મહિમભટ્ટ અનુમિતિનો પુરસ્કાર કરે છે અને ધનજંયધનિક તાત્પર્યવૃત્તિનો પુરસ્કાર કરે છે તે પણ નોંધપાત્ર છે. ભોજ શૃંગારપ્રકાશમાં ત્રિસ્તરીય રસવિચારણા આપે છે પણ વ્યંજનાનો વિરોધ કરતા નથી. નાટ્યદર્પણના રચયિતાઓ, રામચંદ્ર અને ગુણચંદ્ર પણ વ્યંજનાવાદીઓ તો છે જ પણ રસના સ્વભાવ અંગે જુદું વલણ ધરાવી રસને સુખદુઃખાત્મક માને છે. આનંદવર્ધન અને અભિનવગુપ્ત શાન્તરસના જબરા સમર્થકો હતા અને બધા જ રસોનો શાન્તપ્રાય આસ્વાદ તેમને ગ્રાહ્ય હતો. શાન્ત રસના સ્વીકાર-અસ્વીકાર-અર્ધસ્વીકાર અંગે આલંકારિકોએ જબરો ઊહાપોહ કર્યો છે. રસના અધિષ્ઠાન વિષે પણ મતભેદ પ્રવર્તે છે અને વ્યંજનાવાદીઓ તો ફક્ત સામાજિક કે સહૃદયને પક્ષે જ રસની સ્થિતિ માને છે જ્યારે બીજાઓ, કવિ, નટ, મુખ્યરામાદિ અનુકાર્ય કાવ્યનું અનુસન્ધાન કરનાર વગેરેને પક્ષે પણ રસ સ્વીકારે છે. રસવિચારણા એ ભારતીય સાહિત્ય – નાટ્યશાસ્ત્રીય વિચારણાની આગવી સિદ્ધિ છે. ત.ના.