નિરંજન/૪૧. બે ક્ષુધાઓ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૧. બે ક્ષુધાઓ|}} {{Poem2Open}} નિરંજન રસ્તા પર હતો. માથા પર આકાશની અ...")
 
No edit summary
 
Line 35: Line 35:
માથું ઝટકોરાતાં જ લાલવાણી જાગ્યો. બારી ઉપરથી કોઈ જીવતું માનવી અથવા પ્રેત સરી જતું ભાસ્યું. તે ચીસ ન પાડી શક્યો.
માથું ઝટકોરાતાં જ લાલવાણી જાગ્યો. બારી ઉપરથી કોઈ જીવતું માનવી અથવા પ્રેત સરી જતું ભાસ્યું. તે ચીસ ન પાડી શક્યો.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૪૦. ભર્યો સંસાર
|next = ૪૨. તોડી નાખું?
}}

Latest revision as of 11:50, 20 December 2021


૪૧. બે ક્ષુધાઓ

નિરંજન રસ્તા પર હતો. માથા પર આકાશની અનંત આંખો ટમકતી હતી. પગ નીચે અવિરામ ધરતી બેઠી હતી. જગત પૃથ્વીના ખોળા પર ખૂંદાખૂંદ કરતું હતું. ``હટી જાવ! એય કાકા! બાજુ હટો, એ...ઈ! – એવી લહેકાદાર બૂમો પાડીને ગાડીવાનો એને એક બાજુ ધકેલતા હતા. મોટરો તો એને `કાકા!' કહેવા પણ તૈયાર નહોતી. સીધી એની એડી પાસે ઘસડાઈને જ એને ઊગરવાની આખરી પળ આપતી. ગાડીવાળા `કાકા' કેમ કહે છે? હું શું થોડા જ અનુભવે પાકટ બની ગયો? `કાકા!' મોં પરથી જોબન આવ્યું ત્યાં જ ગયું શું? આ પાલનપુરી વિક્ટોરિયાવાળાઓએ અને પેલી બકાલું વેચવા બેસતી માછીમારોની છોકરીઓએ કેટલાય જુવાનોને અને પ્રૌઢોને `કાકા!' શબ્દે સંબોધી વિમાસણમાં નાખ્યા હશે! થોડી વાર રોનક થયું. પછી વિચારે ચડ્યો. જગતમાં જેટલી ભીડાભીડ હતી, તેથી તો કેટલી બધી મોટી ગિરદી એના અંતરમાં હતી. આજ સુધી નિરંજનને નગરમાં નીકળતાં તરત સમાજની દ્રવ્ય-રચનાના જ વિચારો આવતા. પગલે પગલે કોઈક આર્થિક વિષમતાને જ આધીન આ બધો ગૂંચવાડો દેખાયા કરતો. એ અર્થરચનાની ઉપર થોથાં ને થોથાં લખાયાં હતાં. દરેક સમસ્યાનો ઉકેલ દુનિયાના ડાહ્યાઓએ પૈસાની વહેંચણીમાં જ દીઠો હતો. દરેક ગૂંચવાડાનું જન્મસ્થાન જગતનું અણધરાયેલું રહેતું ઉદર દેખાતું હતું. આજે એક સમસ્યાને એણે દીઠી – ઉદરથી અલાયદી: એ હતી લાગણીની ક્ષુધા: એ હતો વાસના-જગતનો ગોટાળો: એ હતી આવેશ-સૃષ્ટિની અણસરખી વહેંચણ. પેટની ભૂખ અને વાસનાની ક્ષુધા: બેઉ જન્મથી જ જીવતા જીવ જોડે જડાયેલી. છતાં પેટની ભૂખતરસનાં રહસ્યો ઉકેલવા દુનિયા બધી મચી પડી છે, ને વાસનાની જ્વાલાઓ સામે થોડાકે જ જોયું છે. આ ખદબદતી દુનિયા: એના આંતરિક ખદબદાટ કેટલા હશે? કોણે નિહાળ્યા છે? સમાજજીવન શું મનુ મહારાજનાં શાસ્ત્રોને પાટે પાટે દોડી રહ્યું છે? એક પણ કુટુંબ હશે એવું? છાપાવાળાની બૂમો પડી: `ફલાણાની છોકરી લઈ ફલાણો પલાયન!' `અમુકે પરણેલીને તજી નવું કરેલું લગ્ન!' `અમુકનું ત્રીજી વારનું પરણેતર.' `કોઈકનો કોઈકે કરાવેલો ગર્ભપાત.' અહાહા! ટ્રામનાં સ્ટેશનો પર એ પુકારો કેવા મોહક બને છે! ઉતારુઓના કાન પર, કૃષ્ણ-બંસી ધેનુઓને કાને જેવું વશીકરણ મચાવતી તેવું મચી જાય છે આ છાપાંનાં મથાળાંનું રોમાંચ. ઝટપટ પાકીટો ઊઘડી પડે છે. દોડતી ગાડીએ છાપાં ખરીદાય છે. એકના છાપામાં પાંચનાં મોઢાં ઝૂકી પડે છે. ને ઓ પેલી દીવાલો! તેના ઉપર ચિત્રપટનાં આકર્ષણો! પેલી `અવિરામ નટી-લીલા'ની ટિકિટબારીએ ચીંથરેહાલ પ્રેક્ષકોની ધક્કામુક્કી! ખાલી પેટે, ખુલ્લાં કલેવરે, રાતે સૂવાનું ઠેકાણું નથી છતાં એ દોડે છે નટીઓનાં છલકતાં ખુલ્લાં શરીરો નીરખવા. વાસનાની આ ક્ષુધા-જ્વાલા: તિરસ્કાર એને મિટાવશે નહીં: અવગણના એના પ્રસરતા દાવાનલને રોકી શકશે નહીં. આટલું બધું ઊભરાય છે? ને હજુ વિદ્યાલયોના મહારથીઓ છોકરા-છોકરીની છૂટી શિક્ષણ-વ્યવસ્થાની વાતો કરે છે! હજુ શું પુરુષ-પુરુષ વચ્ચેના સ્નેહ-સંબંધો ઉપર સાત વર્ષની સજા તોળતો કાયદો ઊભો છે! ભૂખમરાનું જગત આ વાસના-જગતની સરખામણીમાં નાનું નથી શું? બેઉ જગતોનો જોડે વિચાર થયો નથી, થતો નથી. આખા જગતને અન્ન પૂરું પડશે તે દિવસેય, જો વાસના ભૂખી હશે તો અન્નને ભરખી જશે.

ધરતીમાંથી ઊભરાયેલ કીડિયારાને પાછું ધરતીમાં સમાઈ જતાં વાર નથી લાગતી. જાગતી જનતા અને એનો મહારવ પણ મોડી રાતે વિરમી ગયાં. ક્યાં જઈ સમાયાં? – સમજવું કઠિન પડે. સાગરનાં ભરતીઓટ જેવું જ જનતાનાં જાગૃતિ અને વિલયનું રહસ્ય છે. એ વખતે નિરંજન ચાલતો હતો; પહેરેગીરો ટપારતા, તો કહેતો હતો કે દવાખાને જાઉં છું. સજ્જન દેખાતી એની શકલ એને માટે રસ્તો કરતી હતી. દવાખાને જતાં ઊંડો નિર્જન રસ્તો આવતો. એક કબ્રસ્તાનનું ત્યાં પછવાડું હતું. ખીજડાનું એક તોતિંગ ઝાડ ત્યાં થોડે પાંદડે ઊભેલું હતું. કુદરતે ઝાડના થડમાં પોલાણ કોતરેલું હતું. સુધરાઈના દીવા ત્યાં લાંબે ગાળે ખોડાયા હતા: દવાખાનેથી ઊપડતાં મુડદાંને અને પોસ્ટમોર્ટમ કરેલી લાશોને સ્મશાને લઈ જવાનો એ માર્ગ હતો. જીવતાં દરદીઓનો જ અવરજવર ત્યાં વિશેષ હતો. એટલે એ જગ્યા દિવસે નિર્જન રહેતી ને રાત્રિએ ભૂતનું રહેઠાણ લેખાતી – પોલા ખીજડામાં `મામો' રહે છે એમ લોકો કહેતાં. નિરંજન ત્યાં ઊતર્યો ત્યારે કલેજું ધડક ધડક થઈ રહ્યું; આંખો પર લાલપીળા રંગો રમી રહ્યા. કોઈ સ્ત્રીઓની મંડળી રડતી ભાસી. કઠણ રહ્યો. કોઈ નહોતું. કંસારીઓનું ક્રન્દન અથવા ગાયન સ્ત્રીઓના કલ્પાંતનો ભાસ કરાવતું હતું. એ ખીજડા પાસે થઈને જ કબ્રસ્તાનમાં ગયો. કબ્રસ્તાન વટાવ્યું ને તે પછી થોડે દૂર પહોંચ્યો. કેટલીક ઓરડીઓની પાછલી દીવાલો ત્યાં પડતી હતી. કોઈ કોઈ બારીમાં બત્તીઓ બળતી હતી. બળતી બત્તીવાળી એક બારી પર એ ડોકાયો. ખુરસી પર બેઠાં બેઠાં ટેબલ પર માથું ઢાળીને પડેલું એ લાલવાણીનું શરીર હતું. હોસ્ટેલનું એ પછવાડું હતું. નિરંજન ચોર બનીને એ મોં જોતો હતો ત્યારે એની આંખોમાંથી કયો વિરહભાવ ટપકતો હતો? માતાનો, બહેનનો, પતિનો કે પત્નીનો? કોને માલૂમ! ઓચિંતું એ સૂતેલું માથું ટેબલ પરથી લસર્યું, ને પડતા શિશુને ઝીલવા જનેતા હાથ લંબાવે તેમ નિરંજને હાથ બારીના સળિયામાં પરોવ્યા. પણ સળિયાએ હાથને ચોર કહી અટકાવ્યા. માથું ઝટકોરાતાં જ લાલવાણી જાગ્યો. બારી ઉપરથી કોઈ જીવતું માનવી અથવા પ્રેત સરી જતું ભાસ્યું. તે ચીસ ન પાડી શક્યો.