ગુજરાતનો જય/૨૪. ગર્વગંજન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૪. ગર્વગંજન|}} {{Poem2Open}} ભુવનપાલપ્રાસાદ ચણાઈને તૈયાર થયો. મંત્...")
 
No edit summary
 
Line 68: Line 68:
વસ્તુપાલને મોંએ શરમના શેરડા પડ્યા. માતા યાદ આવી. સારંગલોચના! સાચેસાચ મારી મા મૃગાક્ષી હતી, રૂપાળી હતી. એને આજે મારા વિજયકાળે કોઈએ નહીં ને એક વિરાગીએ બિરદાવી. સ્ત્રીને માતારૂપે સુંદર વર્ણવતો સાહિત્યવિલાસ વિલાસ મટીને કેવું સૌંદર્યપ્રેરક તત્ત્વ બની રહે. આજે હું ખંભાતમાં સ્થૂળ શસ્ત્રનો સંગ્રામ જીત્યો પણ આત્મજગતના સૂક્ષ્મ કાવ્યયુદ્ધમાં હાર્યો. આજે મને એ પરાજયે નવી દ્રષ્ટિ દીધી – નારીનું માતારૂપે સૌંદર્ય માણવાની. સાધુને પોતાના નવા કવિતાગુરુ – રસગુરુ ગણીને મંત્રી પગમાં નમ્યો. યુદ્ધરસ અને રાજનીતિના રસમાં કાવ્યરસ રસાતો ચાલ્યો.  
વસ્તુપાલને મોંએ શરમના શેરડા પડ્યા. માતા યાદ આવી. સારંગલોચના! સાચેસાચ મારી મા મૃગાક્ષી હતી, રૂપાળી હતી. એને આજે મારા વિજયકાળે કોઈએ નહીં ને એક વિરાગીએ બિરદાવી. સ્ત્રીને માતારૂપે સુંદર વર્ણવતો સાહિત્યવિલાસ વિલાસ મટીને કેવું સૌંદર્યપ્રેરક તત્ત્વ બની રહે. આજે હું ખંભાતમાં સ્થૂળ શસ્ત્રનો સંગ્રામ જીત્યો પણ આત્મજગતના સૂક્ષ્મ કાવ્યયુદ્ધમાં હાર્યો. આજે મને એ પરાજયે નવી દ્રષ્ટિ દીધી – નારીનું માતારૂપે સૌંદર્ય માણવાની. સાધુને પોતાના નવા કવિતાગુરુ – રસગુરુ ગણીને મંત્રી પગમાં નમ્યો. યુદ્ધરસ અને રાજનીતિના રસમાં કાવ્યરસ રસાતો ચાલ્યો.  
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૨૩. સમર્પણનાં મૂલ
|next = ૨૫. સંઘ શોભે?
}}

Latest revision as of 09:31, 30 December 2021

૨૪. ગર્વગંજન

ભુવનપાલપ્રાસાદ ચણાઈને તૈયાર થયો. મંત્રી જિનધર્મી છતાં જીવનમાં સૌ પહેલી પ્રતિષ્ઠા શંભુની કરે છે, એ સમાચાર ગુજરાતભરમાં ફેલાયા. સોમેશ્વરદેવે સર્વ સ્થળોમાં નોતરાં પાઠવ્યાં. ધોળકાનો વાણિયો અમાત્ય ગામેગામના રાજપૂતોને, સૈનિકોને, કાંટિયા વર્ણોને, કોળીઓને, ભીલોને ને ઠાકરડાઓને હૃદયે વસ્યો. એક સામાન્ય યોદ્ધાના પરાક્રમની આવી કદર ઈતિહાસમાં અપૂર્વ હતી. ભુવનપાલપ્રાસાદના પ્રતિષ્ઠાપ્રસંગે પ્રજાનો મહામેળો ભરાયો. એ પ્રજામેળાની સન્મુખ મંત્રીએ ભુવનપાલનાં વૃદ્ધ, કંગાલ, ગામડાવાસી માતપિતાને સાદર કર્યાં. હજારો આંખોમાંથી દડદડ આંસુડાં વહ્યાં. અને પછી ગુર્જરીના શ્રેષ્ઠ કવિઓને મુખેથી મંત્રીની બિરદાવલિઓ ગાજી ઊઠી –  રાજકુલગુરુ સોમેશ્વરદેવ સૌ પહેલાં ઊઠ્યા ને બોલ્યા:

श्रीवस्तुपाल! प्रतिपक्षकाल!
स्वया प्रपेदे पुरुषोत्तमत्वम् ।
तीरेऽपि वाध्धेरकृतेऽपि मत्स्ये
रुपे पराजीयत येन शङखः

[હે વસ્તુપાલ! હે વિરોધપક્ષના કાલ! તેં તો પુરુષોત્તમ પ્રભુનું પદ પ્રાપ્ત કર્યું. મત્સ્યનું રૂપ ધર્યા વગર જ તેં તો શંખનો (શંખાસુરનો) પરાજય કર્યો.] ' બીજાએ કહ્યું:
श्रीवस्तुपाल तव भालतले जिनाज्ञा,
वाणी मुखे, हृदि कृपा, करपल्लवे श्रीः।
देहे द्युतिर्विलसतीति रूपैव कीर्तिः ।
पैतामहं सपदि धाम जगाम नाम ।।

ત્રીજાએ યુક્તિ લડાવી – 
अनि:सरन्तीमपि मेहगर्भात्
कीर्ति परेषामुसतीं वदन्ति ।
स्वैरं भ्रमन्तीमपि वस्तुपाल ।
स्वकीर्तिमाहः कवयः सतीं तु ॥

[બીજાઓની કીર્તિ તો ઘર અંદરથી બહાર કદી પગ દેતી નથી તો પણ લોકો તેને અસતી, વંઠેલી કહે છે. અને હે વસ્તુપાલ! તારી કીર્તિ તો સ્વેચ્છાએ ગમે ત્યાં ભમે છે તો પણ તેને કવિઓએ સતી શિયળવતી કહી છે.] આ બધા કવિઓને મંત્રીએ છૂટે હાથે ઈનામો ને પોશાકો દીધાં. ને તે દિવસથી સ્તંભતીર્થ (ખંભાત) અને ધોળકું કવિઓરૂપી મધમાખીના મધપૂડા બની ગયા. મેળવેલા દ્રવ્યનું એણે મોકળા મનથી સાહિત્યકવિતા પાછળ વિસર્જન માંડી દીધું. અને એને થોડો ગર્વ પણ થયો કે પોતે કાવ્યનો મર્મગામી બની ગયો છે. એ ગર્વના ગંજનનું ગાણું વેળાસર આવ્યું. ખંભાતના થાંભણા પાર્શ્વનાથના જિનમંદિરે પોતે ધોળકાના સંઘ સાથે વંદવા આવ્યો. વંદના દેતો ઊભો છે ત્યાં મલવાદિનસૂરિ નામના જૈન યતિએ પોતાના યતિસમૂહને લઈ પ્રવેશ કર્યો. પેસતાં વાર જ એ આચાર્યે પ્રભુનામ કે ધર્મપાઠ મૂક પડતા, અને મોટે રાગે એક કાવ્યપંક્તિ લલકારી –  अस्मिन्नसारे संसारे सारं सारंगलोचना। [આસારહીન સંસારમાં સારરૂપ તો ફક્ત એક સારંગલોચના કહેતાં મૃગનાં જેવાં નયનોવાળી સુંદર સ્ત્રી જ છે.] એક ત્યાગી પુરુષના મોંમાંથી, દેવની પ્રતિમા સામે અને સેંકડો સ્ત્રીપુરુષોની વચ્ચે, આવી શૃંગારવાણી, પૂર્ણ લલકારભેર સાંભળીને જનમેદની ભોંઠી પડી અને મંત્રીને એનું મુખ ન જોવા જેવું લાગ્યું. તે પછી સો-બસો સૂરિઓ આવીને બેઠા. મંગલદીપની વિધિ પૂરી થઈ એટલે મંત્રીને આશીર્વાદ આપવા પણ સૂરિઓએ મલ્લાવાદિનસૂરિને જ મંત્રી પાસે મોકલ્યા. એણે પહેલી વાર તો ચૈત્યની બહાર ઊભા રહીને ગાયું હતું. પણ આ વેળા તો હાથ લાંબા કરી મંત્રીને મોઢામોઢ નિર્દેશીને પાછી એની એ વિલાસભાસી પંક્તિ લલકારી –  अस्मिन्नसारे संसारे सारं सारंगलोचना । આવા આશીર્વાદથી અતિ ખેદ પામીને મંત્રીએ ફક્ત બે હાથ જોડી વંદી લીધું ને એ ધર્માચાર્યોની વિલાસભ્રષ્ટતાથી દુભાયેલો પોતાના ઉતારે ચાલ્યો ગયો. અન્ય લોકોની આંખ પણ આ ઊંધી ખોપરીના આચાર્યના ગેરવર્તન સામે ફાટી રહી. આચાર્ય મલ્લવાદી તો નફ્ફટ લાગે તેવા તોરથી પોતાના મઠમાં ચાલ્યા ગયા. એણે કોઈને કશો પ્રશ્ન પૂછવાની તક ન દીધી, કોઈને કશો ખુલાસો ન કર્યો. વસ્તુપાલે મંડાવેલી એ પાર્થ-પૂજાના પાઠ આઠ દિવસ સુધી ચાલ્યા. આઠેય દિવસ એ વિલાસાભાસી આચાર્ય પોતાના મઠમાંથી બહાર ન નીકળ્યા. પાઠ પૂરા થયે, આઠમી રાત્રિએ મંત્રી ઉત્સવ કરવા દેવરંગમંડપમાં પધાર્યા. આખી રાત ચૈત્યમાં ઉત્સવના ઝંકારવ ચાલ્યા. પ્રભાતે મંત્રી બહાર નીકળે છે એમ જાણ થતાં જ મઠપતિ આચાર્ય મlલ્લવાદિનસૂરિ સામા આવીને ઊભા રહ્યા. એને દેખીને મંત્રી ભોંય ઢળતું જોઈ ગયા. એટલે આચાર્યે પાછું એક બીજું કાવ્યચરણ લલકાર્યુંઃ दूरे कर्णरसायनं निकटतस्तृष्णापि नो शाम्यति [એ તો દૂરથી જ કાનને મીઠો લાગે છે. નજીક જવા જેવો નથી. નજીક જશું તો આપણી તરસ પણ છીપે તેમ નથી.] મંત્રીએ આ નિંદા પોતાને ઉદ્દેશાવેલી જોઈને પહેલાં તો સાધુની ધૃષ્ટતા માની, પછી કંઈક કુતૂહલ અનુભવ્યું. એ ઊભા રહ્યા એટલે આચાર્ય સ્મિતભેર કહ્યું: “જાઓ મહાશય, જાઓ! પૃથ્વીમાં વિજયો કરો અને તીર્થો પૂજ્યા કરો.” સૂરિના નિંદાશબ્દોએ મંત્રીને કૌતુકમાં નાખી દીધો. એણે જરા રહીને પૂછ્યું: “કયા પ્રસંગની આ પ્રસ્તાવના કરો છો, સૂરિજી! આપના મેણાનું કંઈ રહસ્ય સમજાયું નહીં.” "કાંઈ નહીં, મંત્રીશ્વર!” સૂરિ જોરમાં આવ્યા, “સુખેથી સિધાવો, તમારાં ઘણાં-ઘણાં કાર્યો ખોટી થતાં હશે.” “ના, ના, હવે તો કહી જ નાખો.” "ત્યારે જુઓ, મંત્રીશ્વર! વાત એમ છે: મરૂભૂમિના કોઈક ગામડામાં ગમાર, પશુ સમા ગામડિયાં વસતાં હશે. તેમાં એક દિવસ એક દરિયાકાંઠાના ગામનો રહીશ પ્રવાસી એ મરૂભૂમિમાં આવી ચડ્યો. ગામડિયાને થયું કુતૂહલ, પૂછ્યું, “કોણ છો? ક્યાંથી આવ્યા? પેલો કહે: “સમુદ્રતીરનો વાસી છું.' ગામડિયાએ પૂછ્યું: 'દરિયો ખોદ્યો કોણે?' તો પેલો કહે કે 'દરિયો સ્વયંભૂ છે.' “મરુવાસીઓએ ફરી પૂછ્યું: 'દરિયો કેવડો છે?' તો કહે કે 'અલબ્ધપાર', પૂછ્યું, 'એની અંદર શું શું છે?' તો કહે કે – 

ग्रावाणो मणयो हरिर्जलचरो लक्ष्मीः पयोमानुषी
मुक्तोधा सिकता प्रवालतिका शैवालभम्भः सुधा
तीरे कल्पमर्दारुद्धः किमपरं नाम्नापि रत्नाकरः

[દરિયામાં તો પથ્થરો છે, મણિઓ છે, જલચરો છે. લક્ષ્મી છે, મુક્તા છે, રેતી છે, પરવાળાં છે, શેવાળ છે, અમૃત છે. એને કિનારે તો કલ્પવૃક્ષ ઊભું છે, બાકી તો શું નથી? એનું નામ જ રત્નાકર છે.] આમ ત્રણ જ ચરણો બોલીને એ તો આગળ ચાલ્યો ગયો. પણ મરૂભૂમિનો એક ગામડિયો તો વધુ કાંઈ પૂછ્યાગાડ્યા વગર ઊપડ્યો પરભારો સમુદ્રને નજરે નિહાળવા પહોંચ્યો સમુદ્રતીરે. સામે દીઠો ગગનને ચુંબતાં મોજાંની તરંગાવળે દીપતો દરિયો. પ્રસન્ન થયોઃ આહાહા! આંહીંથી તો બધી જ રિદ્ધિઓ ઉપાડી જઈશ, પણ પહેલાં હું તરસ્યો થયો છું એટલે પાણી તો પી લઉં! એમ કહીને ખોબો ભર્યો, પીધું, કોઠો સસડી ગયો અને પિડાતો એ બોલ્યોઃ વરિ વિયરો જહિં જણ પિયઈ ઘુટ્ટગઘુટુ ચુલુએણ; સાયરિ અત્થિ બહુય જલ છિ ખારઉં કિં તેણ. [એક જ જણ જ્યાં ઘૂંટડે ઘૂંટડે જ પાણી પી શકે તેવો અલ્પ જળવાળો અમારી મરુભોમનો વીરડો આથી વધુ સારો છે. આ સાગરનું જળ અગાધ છે તેથી શું? એ તો ખારું છે!] “એમ કહેતો કહેતો એ મૃત્યુ પામ્યો. આજે અમારી પણ એ જ દશા થઈ છે, મંત્રી!” "કેવી રીતે?” વસ્તુપાલે પૂછ્યું. “અમે શ્રીપાર્શ્વનાથના સેવક, વિદ્યાના અનુરાગી, અહીં બેઠા બેઠા સાંભળતા હતા કે ધોળકામાં સરસ્વતીકંઠાભરણ, શારદાનો લાડીલો, અને વિદ્વાનોરૂપી ભ્રમરોનો આંબો, સારાસારનો વિચારક મંત્રી વસ્તુપાલ વસે છે. અમારાથી આ પાર્શ્વપ્રભુની સેવા છોડીને ધોળકે જવાતું નહીં. આશા હતી કે કોઈક દિવસ આંહીં જ મંત્રીના મેળાપ થશે; ને તેની પાસે અમે પણ સુભાષિતો સંભળાવી કાવ્યાનંદ માણશું. તમે આવ્યા, ને અમે અમારી સૂક્તિ લલકારી, ત્યાં તમે મોં ફેરવ્યું. અમારો કલ્પેલો રત્નાકર ખારો ધૂધવા જેવો નીવડ્યો. એક ઘૂંટડોય મીઠું જળ અમે પામ્યા નહીં. અમે મરુભોમના ગામડિયા જેવા, તું-રૂપી રત્નાકરની પૂરી વાત જાણ્યા વગર તારે તીરે દોડ્યા આવ્યા! હવે શું બોલીએ? પધારો મંત્રી, સુખેથી પધારો!” શરમાયેલા વસ્તુપાલે ક્ષમા માગીને સૂરિને વીનવ્યા: “હવે તો કહો! આપે આંહીં પ્રભુમંદિરમાં ઊભા રહી એ મૃગનયનીની શી પ્રશસ્તિ લલકારવા માંડી હતી?” "અમે તો બિરદાવતા હતા સંસારની રત્નજનેતા રૂપાળી સ્ત્રીઓને. અમારાં પ્રથમનાં બે ચરણો આ રહ્યાં –  अस्मिन्नसारे संसारे सारं सारंगलोचना [આવા અસાર સંસારે સાચી સારંગલોચના] અને બીજાં બે ચરણો – यत्कुक्षिप्रभवा एते वस्तुपाल! तवादृशाः [જેની કૂખે જણ્યા વીરો વસ્તુપાલ! તમો સમા..] “હે મંત્રી! અમે તો તારી જનેતા કુમારદેવીનો કાવ્ય-યશ ગાતા હતા. પણ તેં અમને અધૂરે ગાને અટકાવી દીધા.” વસ્તુપાલને મોંએ શરમના શેરડા પડ્યા. માતા યાદ આવી. સારંગલોચના! સાચેસાચ મારી મા મૃગાક્ષી હતી, રૂપાળી હતી. એને આજે મારા વિજયકાળે કોઈએ નહીં ને એક વિરાગીએ બિરદાવી. સ્ત્રીને માતારૂપે સુંદર વર્ણવતો સાહિત્યવિલાસ વિલાસ મટીને કેવું સૌંદર્યપ્રેરક તત્ત્વ બની રહે. આજે હું ખંભાતમાં સ્થૂળ શસ્ત્રનો સંગ્રામ જીત્યો પણ આત્મજગતના સૂક્ષ્મ કાવ્યયુદ્ધમાં હાર્યો. આજે મને એ પરાજયે નવી દ્રષ્ટિ દીધી – નારીનું માતારૂપે સૌંદર્ય માણવાની. સાધુને પોતાના નવા કવિતાગુરુ – રસગુરુ ગણીને મંત્રી પગમાં નમ્યો. યુદ્ધરસ અને રાજનીતિના રસમાં કાવ્યરસ રસાતો ચાલ્યો.