સમરાંગણ/૨૩ પિતાનું પાપ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૩ પિતાનું પાપ|}} {Poem2Open}} જેસા વજીર પથારીવશ થયા હતા. “કેમ એકાએ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|૨૩ પિતાનું પાપ|}} | {{Heading|૨૩ પિતાનું પાપ|}} | ||
{Poem2Open}} | {{Poem2Open}} | ||
જેસા વજીર પથારીવશ થયા હતા. | જેસા વજીર પથારીવશ થયા હતા. | ||
“કેમ એકાએક?” કુંવરે જોવા જઈને પ્રશ્ન પૂછ્યો. | “કેમ એકાએક?” કુંવરે જોવા જઈને પ્રશ્ન પૂછ્યો. |
Latest revision as of 05:25, 10 January 2022
જેસા વજીર પથારીવશ થયા હતા. “કેમ એકાએક?” કુંવરે જોવા જઈને પ્રશ્ન પૂછ્યો. “ગઢપણ છે, બાપા! કુદરતની કરામત છે.” જેસા વજીરે લાંબી વાત ન છેડી. કુંવર જ્યારે ફોજની કચેરીએ ગયા ત્યારે એને ઉલ્કાપાત થઈ ગયાના સમાચાર મળ્યા. મારમાર સવારીએ ખાનખાનાન આવતો હતો. ‘મુઝફ્ફરને તમે સંતાડ્યો છે, એનાં બાળબચ્ચાં સોંપી દ્યો, મુઝફ્ફરની સંતાવાની જગ્યા બતાવી દ્યો, નહિ તો નવાબ નવાનગરને રોળી નાખશે’ – એવો સંદેશો મળ્યો. જેસા વજીર સોળ હજાર સવાર અને વીસ હજાર પ્યાદાં લઈ બહાર નીકળ્યા. રાજકુટુંબે પણ કહેવરાવી દીધું કે જામરાજા સુખેથી લડે, અમે જૌહર કરવા તૈયાર જ બેઠા છીએ. બાપુ કહે, હું હમણાં જ ફોજમાં પહોંચું છું. પાછળથી એકાએક સંદેશો આવ્યો કે હવે લડાઈ બંધ થાય છે, વજીરને કહો કે ફોજને પાછી લઈને આવતા રહે. એકાએક લડાઈ અટકી પડવાનું કારણ માલૂમ પડ્યું. બાપુએ વજીરને લડાઈની તૈયારી માટે મોકલ્યા, ને બીજી બાજુ કલ્યાણરાવ અને રાવદુર્ગાને નાનેરા કુંવર સાથે નવાબ ખાનખાનાન પાસે રવાના કર્યા. પાછળથી કલ્યાણરાવે અને રાવદુર્ગાએ ઝડપી ખેપિયો મોકલીને મુગલ ફોજનો અગાઉ જીતી આણેલો હાથી પણ ખાનખાનાન પાસે રજૂ કરવા મગાવી લીધો. છત્રીસ હજાર નગરિયા જોદ્ધાઓ જ્યારે અંતરિયાળથી પાછા વળવાની આજ્ઞા પામીને શહેરમાં દાખલ થયા ત્યારે તેમના મોં પર વિભૂતિ નહોતી. એ વજીર તો ઊભી બજારે ઊંચું જોઈ શક્યા નહોતા. ત્યારથી એ બીમાર હતા. હાથી, નાનેરા કુંવર, કલ્યાણરાય ને રાવદુર્ગા હજુ પાછા ફર્યા નહોતાં. ખાનખાનાનનો મુકામ ત્યારે મોરબી નજીક હતો. પૂરી કડીઓ મેળવવા માટે કુંવરે ભાણજી દલને તેડાવી પૂછ્યું. ભાણજી દલ જેસા વજીરથી બીજી પંક્તિના વજીર હતા. મુત્સદ્દી હતા. તેમણે ખબર આપ્યા કે કોણ જાણે કયા કારણે બાપુ સતા જામની છાતી જુદ્ધથી થડકી પડે છે. અગાઉ ધીંગાણાના કદી જ કાયર નહોતા તે પુરુષને નક્કી કાંઈક થઈ ગયું છે. બાપુએ નવાબ ખાનખાનાન સાથે વષટિયા મોકલ્યા છે. હાથી દંડમાં દઈ મેલ્યો છે. નાના કુંવરને નગરની સારી ચાલના હામી લેખે અમદાવાદ લઈ જવાના છે. મુઝફ્ફરને અમે આશરો દેતા નથી ને દઈએ તો નવાબ ચાય તે સજા કરે એવી દીન વાણી લખી મોકલી છે. તે પછી એકાએક નવાબે ફોજના બે ભાગ પાડી નાખ્યા છે. એક ભાગે નગરના ગુજરાત બાજુના સીમાડા પર ઓડા બાંધ્યા છે. બીજી ફોજ ઉપલેટા થઈને બરડામાં ઊતરી છે. “બરડામાં?” કુંવર સ્તબ્ધ બન્યો : “શા માટે?” “સુલતાન બરડામાં ઊતરી ગયેલ છે તે માટે.” “કોણે કહ્યું? નવાબને કોણે એ ખબર પહોંચાડ્યા? જાણકારો તો અમે ત્રણ જ હતા : બાપુ, હું ને વજીર. ત્રણ ઉપર ચોથો તો એક ફક્ત ઈશ્વર જ જાણભેદુ હતો. કોણે કર્યું આ કારસ્તાન?” ભાણજી દલ વધુ બોલી ન શક્યા. એણે ચહેરો ભોંયઢળતો રાખ્યો. “મને ખબર છે,” કુંવરના બોલવામાં ઉશ્કેરાટ હતો : “કે મેં પોતે તો કોઈને નથી કહ્યું. મને ખબર છે, કે વજીરના પેટમાં તો ખંજર ફરે તો ય વાત ન નીકળે. પણ મને ખબર નથી કે... ઓહ! ઓહ! શરમ છે આ જીવતને કોને કહું? ક્યાં જઈ કહું? ભાણજી દલ, આપણો અંજામ હવે ઢૂકડો જ સમજવો. ને મુઝફ્ફરશાહ ઝલાય તો આપણે બાપુની પણ આજ્ઞાની વાટ જોવા નથી રોકાવું.” “આપ નચિંત રહો. પતી ગયું છે.” “શું પતી ગયું છે?” “બાપુને રુદે રામ વસ્યા હતા. મુઝફ્ફરને તો એમણે ક્યારનો ગુજરાત બાજુ નીકળી જવા દીધો છે.” “તો તો હું જઈને બાપુના પગમાં પડીશ. પણ બાપુના અંતરમાં આ શી મૂંઝવણ જાગી છે? કેમ હિંમત હારી બેઠા છે? નગરના જોદ્ધાઓની માનસિક અધોગતિની ખાઈ બાપુએ કેમ ખોદવા માંડી છે? સારાય સોરઠ માથે નગરની આણ પાથરી દેવાની આવી તૈયારી બાપુ કેમ ચૂકી ગયા છે? ટીપી નાખવાની સાચી વેળા બાપુએ કેમ ગુમાવી દીધી છે?” “મને એક વહેમ છે. બાપુના ડરનું કારણ ઊંડું છે.” “શું?” “વર્ષો પરની વાત યાદ આવે છે? સરાણિયાની છોકરીએ બાપુનું ભવિષ્ય ભાખ્યું હતું કે રણથળમાંથી એ પીઠ બતાવીને ભાગી નીકળશે, ત્યારથી બાપુનું જીવતર અંદરથી કડવું બન્યું છે. જીવવામાં રસ રહ્યો નથી. મરવા ટાણે ભૂંડા લાગવાની ભે એમની પાસે આવી ભૂલો કરાવી રહી છે. એમના અંદરના હાલ દયા આવી જાય એવા છે.” “તમને ક્યાંથી ખબર?” “એકાદ-બે વાર બોલ્યા છે.” સરાણિયાની એ છોકરી ક્યાં ગઈ? કુંવરની યાદદાસ્તનું એક જાળિયું ઊઘડ્યું. એને ‘ડેલે’ મોકલી દીધા પછી બીજે જ દિવસે બાપુએ મને ગામતરાં કરવા મોકલી દીધો હતો. તે પછી જૂનાગઢ જતી વજીર-ફોજ સાથે હું નાસીને ચાલ્યો ગયો હતો. પાછો આવીને ફોજની ઉપાધિમાં પડી ગયો. સરાણિયણનું શું થયું તે જાણવાની સરત રહી નહિ. કેદખાનામાં હોય તો કઢાવવી જોઈએ. બાપુના મનનો આ ડર કોઈ પણ ઈલાજ કાઢવો જોઈએ. બાપુ જો યુદ્ધના વિરોધી અને હરકોઈ પ્રકારે સંધિના ને સમાધાનના પક્ષપાતી બની જશે તો મારા હજારો ફોજી જુવાનોનાં હૈયાં ભાંગીને ભુક્કો થઈ જશે. તેમની દૃષ્ટિમાં વિલાસ અને મતિમાં મસાણની શાંતિ ઘર કરી જશે. અને એમ કરતાં કરતાં જૂનાગઢ મુસ્તફાબાદ બન્યું તે રીતે નવાનગરને મુસ્લિમ નામ ધારણ કરતાં શી વાર લાગવાની છે? એણે બંદીખાને તપાસ કરી. બાઈ નહોતી રહી. વધુ બાતમી મેળવી. બાપુએ બાઈ ભૈરવનાથના મહંતને સોંપી હતી. બાવો એને લઈને બરડા તરફ નીકળી ગયો. આજ વર્ષો વીત્યાં. બાપુ પણ બાવાની ગોતણ કરાવી કરાવી થાક્યા છે. બાપુને એથી વધારે ફાળ પડી છે. બાવાજીના સમાચાર દ્વારકા સુધીના પણ નીકળતા નથી. વચ્ચેથી જ બાવો ગાયેબ થયો હોય તો છોકરી વધુ ભયંકર હોવી જોઈએ. ભૈરવનાથના મહંતનું રૂંવાડુંય ફરકે તો સત્યાનાશ બોલી જાય એવો એ સિદ્ધ પુરુષ હતો. એનું નામોનિશાન પણ કેમ ન રહ્યું? ભૂચરા રજપૂતે જે એક સાધુની અને બે ઓરતોની વાત કરી છે તે પણ કુંવરના મનમાં કડીરૂપ બની. એને જીવતો ગારદ કરીને બે ઓરતોને ઉઠાવી જનાર જમાત કોણ હતી? કઈ બાજુ ગઈ? અજાજીએ ઓખામંડળ તરફ જાસૂસો ચાલુ કર્યો. બાપુના મનનો વહેમ નાબૂદ કરવાની વાત તો બાજુએ રહી. અજાજીનું અંતર છાનુંછાનું બળુંબળું થઈ રહ્યું. એ કન્યાની વિસ્મૃતિ મને કેમ થઈ ગઈ? યુદ્ધની ઘેલછાએ માનવી જેવા માનવીનું દુઃખ કેમ વીસરાવ્યું? ને એ છોકરીનું મોં હવે મનમાંથી ખસતું જ કાં નથી? એણે રાજપૂત પોશાક પહેર્યો હોય તો વધુ રૂડી લાગે. એ મને ‘વીરા’ કહીને દૂરથી ઓવારણાં લેતી હતી તે ઘડીએ એની પાસે જઈને માથું ધરવાનું મને મન થતું હતું. એની ભવિષ્ય-વાણીનો થોડોક ભાગ તો જાણે કે સાચો પડતો આવે છે. આ. ‘પરદેશી’ જુવાન ભાઈબંધ મારી પડખોપડખ મરે તો શી નવાઈ છે? એ ભેટ્યો ત્યારે જટાળો જ હતો. પોતે બાવાઓમાં રહી આવ્યાની પણ એ વાતો કરે છે. ભવિષ્ય-વાણી માયલો જ એ જુવાન : મારું મન સાક્ષી પૂરે છે. પણ જેમજેમ કુંવર ભવિષ્ય-વાણી સાચી પડવાની વાત વિચારતા ગયા તેમતેમ કલેજા પર છાયા છવાતી ચાલી. બાપુને વિષે બોલાયેલી કાળવાણી સાચી પડશે તો શું થશે? જેનો બાપ ‘ભાગ્યો’ ગણાશે તે બેટડાનાં વીર-મૃત્યુમાં કઈ મજા રહી હશે? પાછલી કેટલી પેઢીઓનાં કપાળે કલંક રહી જશે? અને ભાગી નીકળેલ બાપની અવશેષ આવરદાનું ભાવિ પણ કોણ જાણે કેવુંય નીવડશે. એ નિહાળવા, નિવારવા કે બાપુની અપકીર્તિનો ભાગ મસ્તકે ઉપાડવા હું જીવતો નહિ હોઉં તો પ્રેતલોકમાં મારે કેટલા ભવ સુધી સળગવું પડશે? બાપનો બેટો લાઇલાજ હૃદયે આવતા દિવસોની સવારી કલ્પતો બેઠો. કઠોર હૈયું કરીને એણે તો પિતાનું વહેલું વહેલું મોત પણ વાંચ્છ્યું. કેટલીય અમંગળ કલ્પનાઓ એણે કરી કાઢી. રાત્રિએ સૂતો હતો ત્યારે એને સ્વપ્નમાં સરાણિયાની કન્યા આવી. હાથમાં કંકાવટી હતી. કોણ જાણે કેમ પણ એ દરબારગઢમાંથી હેઠે ઊતરી ને એણે કુંવરને કપાળે ચાંદલો ચોડી વારણાં લીધાં. એની બેઉ આંખોમાં એકએક ટીપું આવી રહ્યું હતું. એ ફક્ત આટલું જ કહેતી હતી કે “ભાઈ! પરણીને પછી સુખેથી પધારો. નીકર વંશનો વેલો ઊખડી જશે.”