પલકારા/ધરતીનો સાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ધરતીનો સાદ|}} {{Poem2Open}} લાણી પૂરી થઈ હતી. ખળાવાડોમાં સોનાવરણા પ...")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 36: Line 36:
“હું-ઉ-ઉ-ઉં !” ચોરાની કૂતરીના રુદનધ્વનિ સંભળાતા હતા. એના કુરકુરિયાને હજુ કોઈએ ઉપાડ્યું નહોતું.  
“હું-ઉ-ઉ-ઉં !” ચોરાની કૂતરીના રુદનધ્વનિ સંભળાતા હતા. એના કુરકુરિયાને હજુ કોઈએ ઉપાડ્યું નહોતું.  
મૂવેલા બાળકને દફનાવીને લોકો પાછા વળ્યા. ત્યાર પછી થોડી વારે પટેલનો છોકરો પાંચિયો અને એના ચાર ભેરુબંધો મસાણમાં દાખલ થયા. બીતાં બીતાં તેઓએ એક ખાડો ખોદ્યો, ને તેમાં મૂવેલા કુરકુરિયાને દાટ્યું; ઉપર ધૂળનો ધફો વાળ્યો. ચોરાની કૂતરીએ એ ધફા ફરતાં ચક્કર મારી મારી આખી રાત રોયા કર્યું.  
મૂવેલા બાળકને દફનાવીને લોકો પાછા વળ્યા. ત્યાર પછી થોડી વારે પટેલનો છોકરો પાંચિયો અને એના ચાર ભેરુબંધો મસાણમાં દાખલ થયા. બીતાં બીતાં તેઓએ એક ખાડો ખોદ્યો, ને તેમાં મૂવેલા કુરકુરિયાને દાટ્યું; ઉપર ધૂળનો ધફો વાળ્યો. ચોરાની કૂતરીએ એ ધફા ફરતાં ચક્કર મારી મારી આખી રાત રોયા કર્યું.  
[૨]
 
 
<center>'''[૨]'''</center>
 
 
“ચાલો સહુ સૂબા-કચેરીએ.” એ સંદેશો ગામડે ગામડે ફરી વળ્યો. તમામ ગામડાંનાં વડીલ ખેડૂતોએ છૂપી છૂપી મસલતો કરીને નિર્ણય આણ્યો કે રાજ આપણા માવતર છે. માટે આપણે તો છોરુને દાવે ત્યાં જઈને રાજના પગમાં પડીએ. આપણા આપણા હકબકની વાતો નથી કરવી. ત્રાગાંય નથી કરવાં. લાડ કરશું. રાવ ખાશું. માટે સર્વ ચાલો સૂબા-કચેરીએ, બાઈઓને કહો કે ખભે ઘોડિયાં બાંધીનેય આવે. બૂઢિયાઓને કહો કે ડગુમગુ કરતા પણ ભેળા આવે જ રહે. માંદાં-દૂબળાંને આપણાં ગાડાં જોડીને લઈ હાલો. તમામ વસ્તી ભેળી થઈને અરજ ગુજારશું. મોંમાં ખાસડું લઈને દયા માગશું.  
“ચાલો સહુ સૂબા-કચેરીએ.” એ સંદેશો ગામડે ગામડે ફરી વળ્યો. તમામ ગામડાંનાં વડીલ ખેડૂતોએ છૂપી છૂપી મસલતો કરીને નિર્ણય આણ્યો કે રાજ આપણા માવતર છે. માટે આપણે તો છોરુને દાવે ત્યાં જઈને રાજના પગમાં પડીએ. આપણા આપણા હકબકની વાતો નથી કરવી. ત્રાગાંય નથી કરવાં. લાડ કરશું. રાવ ખાશું. માટે સર્વ ચાલો સૂબા-કચેરીએ, બાઈઓને કહો કે ખભે ઘોડિયાં બાંધીનેય આવે. બૂઢિયાઓને કહો કે ડગુમગુ કરતા પણ ભેળા આવે જ રહે. માંદાં-દૂબળાંને આપણાં ગાડાં જોડીને લઈ હાલો. તમામ વસ્તી ભેળી થઈને અરજ ગુજારશું. મોંમાં ખાસડું લઈને દયા માગશું.  
સૂબા-કચેરીનું કસ્બાતી ગામ થોડે છેટે હતું, માનવ-સમુદાયની નાનીમોટી સરિતાઓ ગામેગામથી વહી આવે છે. સૂબાકચેરીની ગોખમાં ઊભો ઊભો રાજનો હાકેમ માર્ગે માર્ગે બંધાયેલો જનપ્રવાહ જોઈને હળવા સ્વરે ઈશારો આપે છે કે “કચેરીના મકાન ફરતી ફોજને ગોઠવી દો. આ લોકોની ચળવળ ભયાનક બનશે.”  
સૂબા-કચેરીનું કસ્બાતી ગામ થોડે છેટે હતું, માનવ-સમુદાયની નાનીમોટી સરિતાઓ ગામેગામથી વહી આવે છે. સૂબાકચેરીની ગોખમાં ઊભો ઊભો રાજનો હાકેમ માર્ગે માર્ગે બંધાયેલો જનપ્રવાહ જોઈને હળવા સ્વરે ઈશારો આપે છે કે “કચેરીના મકાન ફરતી ફોજને ગોઠવી દો. આ લોકોની ચળવળ ભયાનક બનશે.”  
Line 96: Line 100:
એને ધરતીએ ખોળે ઝીલ્યો. પાંચિયાના પિતાની તેમ જ ફોજદારની, બેઉની, કરોડો અને અબજોની એ એકસરખી જ વત્સલ માતા હતી. મરતાં મરતાં ફોજદારને એટલું ભાન રહ્યું હશે કેમ કેમ તે તો એ એકલો જ જાણે.  
એને ધરતીએ ખોળે ઝીલ્યો. પાંચિયાના પિતાની તેમ જ ફોજદારની, બેઉની, કરોડો અને અબજોની એ એકસરખી જ વત્સલ માતા હતી. મરતાં મરતાં ફોજદારને એટલું ભાન રહ્યું હશે કેમ કેમ તે તો એ એકલો જ જાણે.  
ચપટી ધૂળ પાંચિયાના પિતાએ કેવા વહાલથી પકડી રાખેલી હશે તેનો અનુભવ તો ફોજદાર પોતાની જોડે જ લઈ ગયો.  
ચપટી ધૂળ પાંચિયાના પિતાએ કેવા વહાલથી પકડી રાખેલી હશે તેનો અનુભવ તો ફોજદાર પોતાની જોડે જ લઈ ગયો.  
– ને ફોજદારની હત્યા કરનાર પાંચિયાને દસ વર્ષની ઉંમરે દેશનાં પહાડગાળાઓએ દત્તક લીધો. એક જ દોટે પાંચિયો ગિરિકંદરાઓમાં ગાયબ થયો.  
– ને ફોજદારની હત્યા કરનાર પાંચિયાને દસ વર્ષની ઉંમરે દેશનાં પહાડગાળાઓએ દત્તક લીધો. એક જ દોટે પાંચિયો ગિરિકંદરાઓમાં ગાયબ થયો.
[૩]  
 
<center>'''[૩]''' </center>
 
 
“તાપો ! તાપો ! તાપો, મારા ભાઈઓ ! તાપો, અલ્યા છોકર્યો : આવાં તાપણાં તો અમે એકેય શિયાળે નો’તાં માણ્યાં.”  
“તાપો ! તાપો ! તાપો, મારા ભાઈઓ ! તાપો, અલ્યા છોકર્યો : આવાં તાપણાં તો અમે એકેય શિયાળે નો’તાં માણ્યાં.”  
ગામડું બળતું હતું, વસતિનાં લોક એ લ્હાયના રંગે રંગાતા ગોળ કૂંડાળે બેઠાં હતાં. અને એક બુઢ્ઢો એ તમામને ઉપર મુજબ કહી આ વિપત્તિ પર રોનકનું ઢાંકણ ઢાંકતો હતો.  
ગામડું બળતું હતું, વસતિનાં લોક એ લ્હાયના રંગે રંગાતા ગોળ કૂંડાળે બેઠાં હતાં. અને એક બુઢ્ઢો એ તમામને ઉપર મુજબ કહી આ વિપત્તિ પર રોનકનું ઢાંકણ ઢાંકતો હતો.  
Line 120: Line 128:
લાયને બદલે લાય : લૂંટને સાટે લૂંટ : ખૂનની સામે ખૂન : એ સાદો કાયદો સ્વીકારીને પાંચિયો ઊઠ્યો. રાજના સત્તાધીશોએ જ્યાં જ્યાં આગ, લૂંટ કે મારફાડ કરી હતી, ત્યાં ત્યાં જઈ થાણાં બાળ્યાં, તિજોરીઓ લૂંટી, નોકરોને માર્યા.  
લાયને બદલે લાય : લૂંટને સાટે લૂંટ : ખૂનની સામે ખૂન : એ સાદો કાયદો સ્વીકારીને પાંચિયો ઊઠ્યો. રાજના સત્તાધીશોએ જ્યાં જ્યાં આગ, લૂંટ કે મારફાડ કરી હતી, ત્યાં ત્યાં જઈ થાણાં બાળ્યાં, તિજોરીઓ લૂંટી, નોકરોને માર્યા.  
દેશ થરથર્યો.  
દેશ થરથર્યો.  
[૪]
 
 
<center>'''[૪]'''</center>
 
 
“ચળવળખોરોને હાજર કરો.” ન્યાયમૂર્તિએ આદેશ દીધો.  
“ચળવળખોરોને હાજર કરો.” ન્યાયમૂર્તિએ આદેશ દીધો.  
રસીથી બાંધેલા ને હાથકડી જડેલા એ સાત જણાઓને અદાલતમાં ઊભા કરવામાં આવ્યા.  
રસીથી બાંધેલા ને હાથકડી જડેલા એ સાત જણાઓને અદાલતમાં ઊભા કરવામાં આવ્યા.  
Line 194: Line 206:
સભાગૃહમાં સૂનકારને રહેવા દઈ લૂંટારુ ફોજે ગામ છોડ્યું ત્યારે ભાગોળના ઝાડે નવ રાજમાન્ય પુરુષોની લાશો લટકતી હતી.  
સભાગૃહમાં સૂનકારને રહેવા દઈ લૂંટારુ ફોજે ગામ છોડ્યું ત્યારે ભાગોળના ઝાડે નવ રાજમાન્ય પુરુષોની લાશો લટકતી હતી.  
ઘોડા પરથી પછવાડે નજર કરતો પાંચો બોલતો ગયો કે “એ હેઈ ભાઈબંધ પવન ! એ નવે જણાને ખૂબ હીંચોળજે.”  
ઘોડા પરથી પછવાડે નજર કરતો પાંચો બોલતો ગયો કે “એ હેઈ ભાઈબંધ પવન ! એ નવે જણાને ખૂબ હીંચોળજે.”  
“ગામોગામ આવાં લીલાં તોરણ બાંધશું, પાંચાભાઈ !” કહીને સાથીઓ પોતપોતાના ઘોડાઓની પીઠ પર કૂદકા મારવા લાગ્યા.  
“ગામોગામ આવાં લીલાં તોરણ બાંધશું, પાંચાભાઈ !” કહીને સાથીઓ પોતપોતાના ઘોડાઓની પીઠ પર કૂદકા મારવા લાગ્યા.
[૫]  
 
<center>'''[૫]''' </center>
 
 
રાજસત્તાનું જોર બે ભાગમાં વહેંચાઈ ગયું. ડુંગરામાં લૂંટારાઓ હતા. ને પ્રજાની વચ્ચે એક રાષ્ટ્રપક્ષ જાગ્યો હતો. કાયદેસર જુંબેશ કરનારા એ રાજદ્વારી રાષ્ટ્રદળને રાજસત્તાએ જ્યારે ગૂંગળાવવા માંડ્યું, ત્યારે એ દળની શક્તિ ઊંડાણે ઊતરી ગઈ. ત્યાં ભૂતલમાં એની સુરંગો ગળાવા લાગી.  
રાજસત્તાનું જોર બે ભાગમાં વહેંચાઈ ગયું. ડુંગરામાં લૂંટારાઓ હતા. ને પ્રજાની વચ્ચે એક રાષ્ટ્રપક્ષ જાગ્યો હતો. કાયદેસર જુંબેશ કરનારા એ રાજદ્વારી રાષ્ટ્રદળને રાજસત્તાએ જ્યારે ગૂંગળાવવા માંડ્યું, ત્યારે એ દળની શક્તિ ઊંડાણે ઊતરી ગઈ. ત્યાં ભૂતલમાં એની સુરંગો ગળાવા લાગી.  
એનો આગેવાન ‘ભાઈજી’ ને નામે ઓળખાતો હતો. ‘ભાઈજી’ છૂપું જીવન જીવતો, લોકોની જેભ પર ‘ભાઈજી’ શબ્દના ઉચ્ચાર સાથે અમૃત ઝરતું, ‘ભાઈજી’ની છબીઓ લોકો દાણાની કોઠીમાં સાચવતાં, ને અધરાતે પોતાનાં બચ્ચાંને બતાવતાં.  
એનો આગેવાન ‘ભાઈજી’ ને નામે ઓળખાતો હતો. ‘ભાઈજી’ છૂપું જીવન જીવતો, લોકોની જેભ પર ‘ભાઈજી’ શબ્દના ઉચ્ચાર સાથે અમૃત ઝરતું, ‘ભાઈજી’ની છબીઓ લોકો દાણાની કોઠીમાં સાચવતાં, ને અધરાતે પોતાનાં બચ્ચાંને બતાવતાં.  
Line 202: Line 218:
ફક્ત એક કમીના હતી, લશ્કરની, ‘ભાઈજી’ના સ્થાપેલા સેનાપતિની પાસે વ્યૂહરચના તૈયાર હતી. રાહ જોવાતી હતી ફક્ત સૈન્યની.  
ફક્ત એક કમીના હતી, લશ્કરની, ‘ભાઈજી’ના સ્થાપેલા સેનાપતિની પાસે વ્યૂહરચના તૈયાર હતી. રાહ જોવાતી હતી ફક્ત સૈન્યની.  
બહારવટિયો વિસ્મય પામતો. આ ‘ભાઈજી’ની ખ્યાતિ સાંભળ્યા કરે છે, પીડિત ખેડૂતોને દાણા મોકલનાર આ દાતાર કોણ છે ? કેવોક શાહુકાર છે ? એના નામની માનતાઓ શા માટે ચાલે છે ? જાતને જોખમે પણ વસ્તી જેનાં છૂપાં છપાતાં પતાકડાં વાંચે છે તે આદમીમાં શી દૈવી ચમત્કૃતિ ભરી હશે ? એના નામ ખાતર સેંકડો જુવાનિયા ફ્રાંસીએ ચડે છે, એવો તે શો ઈલમ છે ? વૈરની વસૂલાત સામી હત્યા કરીને ન લેવી એવું અવળું ભણતર પ્રજાને ભણાવનાર આ કેવી વિચિત્ર આદમી છે ? કારતૂસના પટ્ટા અને બંદૂકો આપવાને બદલે લોકોને ‘ચોપડિયું’ શાની વંચાવી રહેલ છે ? સગા બાપુની હત્યા કરનારને આપણે શું જીવતો જવા દેવો ? હ-હ-હ-હ, એક દા’ડો મળવું પડશે આ માનવીને.  
બહારવટિયો વિસ્મય પામતો. આ ‘ભાઈજી’ની ખ્યાતિ સાંભળ્યા કરે છે, પીડિત ખેડૂતોને દાણા મોકલનાર આ દાતાર કોણ છે ? કેવોક શાહુકાર છે ? એના નામની માનતાઓ શા માટે ચાલે છે ? જાતને જોખમે પણ વસ્તી જેનાં છૂપાં છપાતાં પતાકડાં વાંચે છે તે આદમીમાં શી દૈવી ચમત્કૃતિ ભરી હશે ? એના નામ ખાતર સેંકડો જુવાનિયા ફ્રાંસીએ ચડે છે, એવો તે શો ઈલમ છે ? વૈરની વસૂલાત સામી હત્યા કરીને ન લેવી એવું અવળું ભણતર પ્રજાને ભણાવનાર આ કેવી વિચિત્ર આદમી છે ? કારતૂસના પટ્ટા અને બંદૂકો આપવાને બદલે લોકોને ‘ચોપડિયું’ શાની વંચાવી રહેલ છે ? સગા બાપુની હત્યા કરનારને આપણે શું જીવતો જવા દેવો ? હ-હ-હ-હ, એક દા’ડો મળવું પડશે આ માનવીને.  
*
 
<center>*</center>
 
સાંજના સાતેક વાગ્યાને સુમારે, રેલગાડી એક વગડાઉ સ્ટેશનના યાર્ડમાં ખડી રહી અને સ્ટેશન માસ્તરે ડ્રાઈવરે તથા ગાર્ડ પોતાની સાથે ભરી બંદૂકોની નળીઓ છેક છાતીની લગોલગ ચંપાતી દીઠી.  
સાંજના સાતેક વાગ્યાને સુમારે, રેલગાડી એક વગડાઉ સ્ટેશનના યાર્ડમાં ખડી રહી અને સ્ટેશન માસ્તરે ડ્રાઈવરે તથા ગાર્ડ પોતાની સાથે ભરી બંદૂકોની નળીઓ છેક છાતીની લગોલગ ચંપાતી દીઠી.  
ટ્રેનને લૂંટતા લૂંટતા ડાકુઓ એક નાના ખાનામાં આવ્યા ત્યારે એક મુસાફર આંખે ચશ્માં પહેરીને ઊંધે માથે કંઈક લખતો હતો.  
ટ્રેનને લૂંટતા લૂંટતા ડાકુઓ એક નાના ખાનામાં આવ્યા ત્યારે એક મુસાફર આંખે ચશ્માં પહેરીને ઊંધે માથે કંઈક લખતો હતો.  
Line 217: Line 235:
“ઓહો ! તયેં તો તમને જ બાન પકડી જવામાં કસ છે. લ્યો હાલો, ત્યાં ફુરસદે મારી છબિયું પાડજો.”  
“ઓહો ! તયેં તો તમને જ બાન પકડી જવામાં કસ છે. લ્યો હાલો, ત્યાં ફુરસદે મારી છબિયું પાડજો.”  
એક ટારડા ઘોડા ઉપર છાપાવાળાને જબરદસ્તીથી ચડાવવામાં આવ્યો. પણ, ‘ઘોડેસવારી’ પરની ચોપડીનું અવલોકન ખુદ પોતે લખેલું છતાં, છાપાવાળાનો દેહ સમતોલપણું નથી સાચવી શકતો એવું જોતાંની વાર જ બહારવટિયાએ હુકમ દીધો કે “એને ઘોડા ભેળો રસીથી જકડી લ્યો.”  
એક ટારડા ઘોડા ઉપર છાપાવાળાને જબરદસ્તીથી ચડાવવામાં આવ્યો. પણ, ‘ઘોડેસવારી’ પરની ચોપડીનું અવલોકન ખુદ પોતે લખેલું છતાં, છાપાવાળાનો દેહ સમતોલપણું નથી સાચવી શકતો એવું જોતાંની વાર જ બહારવટિયાએ હુકમ દીધો કે “એને ઘોડા ભેળો રસીથી જકડી લ્યો.”  
[૬]  
 
 
<center>'''[૬]'''</center>
 
 
‘ઘોડેસવારી’ના વિષયની ઘણી ઘણી ચોપડીઓનાં અવલોકન લખનાર છાપાવાળો ડાકુઓના ઘોડા ઉપર દાણાની ગુણી જેવો લબડતો જતો હતો. એક તો લૂંટારુ ટોળીના ઘોડાની તગડ, બીજું ડુંગરાળ રસ્તા, ને ત્રીજું પોતાનું શું થશે તેની ચિંતા – ત્રણ વાતોએ વર્તમાનપત્રોના હોશ ઢીલા કરી નાખ્યા.  
‘ઘોડેસવારી’ના વિષયની ઘણી ઘણી ચોપડીઓનાં અવલોકન લખનાર છાપાવાળો ડાકુઓના ઘોડા ઉપર દાણાની ગુણી જેવો લબડતો જતો હતો. એક તો લૂંટારુ ટોળીના ઘોડાની તગડ, બીજું ડુંગરાળ રસ્તા, ને ત્રીજું પોતાનું શું થશે તેની ચિંતા – ત્રણ વાતોએ વર્તમાનપત્રોના હોશ ઢીલા કરી નાખ્યા.  
વચમાં નદીનેરું આવતું ત્યારે પાંચો પોતાની ટોળીને થંભાવતો, ને સાથીઓને હુકમ કરતો કે “ઈ છાપાવાળાના મોં ઉપર પાણી છંટકારતા રે’જો, લૂગડું ભીંજાવીને એના મોંમાં નિચોવતા આવજો. નીકર ઈ છાપાવાળું નાહકનું મરી જશે.”  
વચમાં નદીનેરું આવતું ત્યારે પાંચો પોતાની ટોળીને થંભાવતો, ને સાથીઓને હુકમ કરતો કે “ઈ છાપાવાળાના મોં ઉપર પાણી છંટકારતા રે’જો, લૂગડું ભીંજાવીને એના મોંમાં નિચોવતા આવજો. નીકર ઈ છાપાવાળું નાહકનું મરી જશે.”  
Line 263: Line 285:
ડાકુની ટોળીને તો આ છાપાવાળાની ઈલમબાજી જોઈ જોઈ વિસ્મયનો પાર ન રહ્યો.  
ડાકુની ટોળીને તો આ છાપાવાળાની ઈલમબાજી જોઈ જોઈ વિસ્મયનો પાર ન રહ્યો.  
બહારવટિયો ને વર્તમાનપત્રી બેઉ દિલોજાન દોસ્ત બન્યા.  
બહારવટિયો ને વર્તમાનપત્રી બેઉ દિલોજાન દોસ્ત બન્યા.  
[૭]
 
 
<center>'''[૭]'''</center>
 
 
કોઈ કોઈ વાર બેઉ એ કહેતી ૫ડીને ખળખળ વહેતી ઝરણીને કિનારે જાંબુડાના ઝાડની ઘટામાં બેસતા. હરિયાળી ધ્રો ઉપર દેહ લંબાવી પડ્યા પડ્યા ગુફત્તેગો કરતા, ને છાપાવાળો પોતાની ઓરતતનો નવો આવેલો પત્ર વાંચી સંભળાવતો.  
કોઈ કોઈ વાર બેઉ એ કહેતી ૫ડીને ખળખળ વહેતી ઝરણીને કિનારે જાંબુડાના ઝાડની ઘટામાં બેસતા. હરિયાળી ધ્રો ઉપર દેહ લંબાવી પડ્યા પડ્યા ગુફત્તેગો કરતા, ને છાપાવાળો પોતાની ઓરતતનો નવો આવેલો પત્ર વાંચી સંભળાવતો.  
“હેં-હેં-હેં !” પાંચાના મોં ઉપ૨ અનંત ખુશાલીભર્યું ગભરુ હોય છવાતું. “શું તારી ઓરત મનેય સલામ લખાવે છે ? મને એણે ‘ભાઈ’ કહી મોકલ્યો છે શું ?”  
“હેં-હેં-હેં !” પાંચાના મોં ઉપ૨ અનંત ખુશાલીભર્યું ગભરુ હોય છવાતું. “શું તારી ઓરત મનેય સલામ લખાવે છે ? મને એણે ‘ભાઈ’ કહી મોકલ્યો છે શું ?”  
Line 289: Line 315:
“અરે, પે’લે પાને.”  
“અરે, પે’લે પાને.”  
પાંચાના દિલમાં કોમળ ભાવ રમતો થયો. તે દિવસથી અનેક વાર પોતે પહાડના ખડકો અઢેલી ઊભતો, ત્યારે જાણે એનો જમણો હાથ કોઈક અદીઠ સહચરીના ખભા ઉપર વીંટળાયા જેવો મરોડ ધારણ કરતો. એનાં નયનોએ કોઈ માદક અંજનની ઘેરાશ પકડી. વારંવાર એણે છાપાવાળા ભાઈબંધની પત્નીના તેમ જ પાંચ બાળકોના ફોટોગ્રાફ માગી માગી નિહાળ્યા ને વારંવાર પૂછ્યા કર્યું : “મારાય આવા જ પોટુગરાફ શું છાપામાં છપાશેં, હેં ભાઈબંધ ?”  
પાંચાના દિલમાં કોમળ ભાવ રમતો થયો. તે દિવસથી અનેક વાર પોતે પહાડના ખડકો અઢેલી ઊભતો, ત્યારે જાણે એનો જમણો હાથ કોઈક અદીઠ સહચરીના ખભા ઉપર વીંટળાયા જેવો મરોડ ધારણ કરતો. એનાં નયનોએ કોઈ માદક અંજનની ઘેરાશ પકડી. વારંવાર એણે છાપાવાળા ભાઈબંધની પત્નીના તેમ જ પાંચ બાળકોના ફોટોગ્રાફ માગી માગી નિહાળ્યા ને વારંવાર પૂછ્યા કર્યું : “મારાય આવા જ પોટુગરાફ શું છાપામાં છપાશેં, હેં ભાઈબંધ ?”  
[૮]  
 
 
<center>'''[૮]''' </center>
 
 
“કોણ છો તમે ?”  
“કોણ છો તમે ?”  
અવાજ ક્ષીણ હતો, એથી વધુ જર્જરિત એ પૂછનારનો દેહ હતો. સહુથી વધુ દુર્બળ હતું એ કાતરિયું, જ્યાં એ મગતરા સરખો માનવી બેઠો હતો.  
અવાજ ક્ષીણ હતો, એથી વધુ જર્જરિત એ પૂછનારનો દેહ હતો. સહુથી વધુ દુર્બળ હતું એ કાતરિયું, જ્યાં એ મગતરા સરખો માનવી બેઠો હતો.  
Line 318: Line 348:
બાજુમાં જ દીવાલ ઉપર એક નકશો લટકતો હતો. તેના ઉપર એ નાના માણસની આંગળી ચપ ચપ દોડવા લાગી. આંગળીને ફેરવતાં ફેરવતાં એણે બહારવટિયાને સંભળાવ્યું : “પાંચાભાઈ ! આ આપણી જન્મભૂમિ. આ લાલ ટપકાં છે તેટલાં રાજનાં થાણાં. આ રાજની ફોજની છાવણીઓ. આ એનું લાવલશ્કર. તેં આટલાં ગામ ભાંગ્યાં. રાજે તારા વૈરની વસૂલાત આટલાં આટલાં ગામો સળગાવીને કરી લીધી. આટલાં ફાંસીને લાકડે, આટલાં ગોળીબારથી ઠાર, આટલી જમીન જપ્ત. આટલી ઓરતોનાં શિયળ રોળાયાં…”  
બાજુમાં જ દીવાલ ઉપર એક નકશો લટકતો હતો. તેના ઉપર એ નાના માણસની આંગળી ચપ ચપ દોડવા લાગી. આંગળીને ફેરવતાં ફેરવતાં એણે બહારવટિયાને સંભળાવ્યું : “પાંચાભાઈ ! આ આપણી જન્મભૂમિ. આ લાલ ટપકાં છે તેટલાં રાજનાં થાણાં. આ રાજની ફોજની છાવણીઓ. આ એનું લાવલશ્કર. તેં આટલાં ગામ ભાંગ્યાં. રાજે તારા વૈરની વસૂલાત આટલાં આટલાં ગામો સળગાવીને કરી લીધી. આટલાં ફાંસીને લાકડે, આટલાં ગોળીબારથી ઠાર, આટલી જમીન જપ્ત. આટલી ઓરતોનાં શિયળ રોળાયાં…”  
નાનો આદમી નકશા પરની એંધાણીઓ વાંચતો જાય છે, ને પાંચાનાં આંગળાં કપાળ પર વળતા સ્વેદની ધારાઓને નીચે ટપકાવતાં જાય છે.
નાનો આદમી નકશા પરની એંધાણીઓ વાંચતો જાય છે, ને પાંચાનાં આંગળાં કપાળ પર વળતા સ્વેદની ધારાઓને નીચે ટપકાવતાં જાય છે.
[૯]
 
 
<center>'''[૯]'''</center>
 
 
પાંચાએ કોઈ જાદુગર જોયો.  
પાંચાએ કોઈ જાદુગર જોયો.  
ખેડુ-પુત્રને વિસ્મય થયું, કે આઠ હાથની ઓરડીમાં બેઠેલા આ નાનકડા આદમીની આંખ સારા દેશનું તરણે તરણું શી રીતે ગણી રહેલ છે !  
ખેડુ-પુત્રને વિસ્મય થયું, કે આઠ હાથની ઓરડીમાં બેઠેલા આ નાનકડા આદમીની આંખ સારા દેશનું તરણે તરણું શી રીતે ગણી રહેલ છે !  
Line 339: Line 373:
“ભાઈજી ! બાપ ! –” બોલતો બહારવટિયો એ નાના દેશભક્તનું કલેવર પોતાની બાથમાં ઘાલીને થંભી ગયો; કરગર્યો : “બીજું કાંઈ નહિ; પણ મારા માથે મે’રબાની રાખજો. પાંચો તો ભાઈજીની વા’લપનો ભૂખ્યો છે.”  
“ભાઈજી ! બાપ ! –” બોલતો બહારવટિયો એ નાના દેશભક્તનું કલેવર પોતાની બાથમાં ઘાલીને થંભી ગયો; કરગર્યો : “બીજું કાંઈ નહિ; પણ મારા માથે મે’રબાની રાખજો. પાંચો તો ભાઈજીની વા’લપનો ભૂખ્યો છે.”  
ભાઈજીના દૂબળા પંજાએ બહારવટિયાની છીપર જેવી પીઠ થાબડી.  
ભાઈજીના દૂબળા પંજાએ બહારવટિયાની છીપર જેવી પીઠ થાબડી.  
[૧૦]
 
 
<center>'''[૧૦]'''</center>
 
 
પાંચો બહાર ગયો. બાવળની ઝાડીમાં એના પચીસ જણા બેઠા હતા; થોડાક સાંઢિયા ઝૂકેલા હતા તેની ઓથે બીડીઓ ઝગવતા હતા. થોડાક ઘોડેસવારો હતા. તેઓ લગામો કાંડે વીંટાળીને ઝોલાં ખાતા હતા. હરણીનાં તારોડિયાં ક્ષિતિજમાં અરધાં ખૂતી ગયાં હતાં. પ્હો ફાટવાની વાટ જોતાં પંખીઓએ માળામાં ફડફડ કરી મીઠી અધીરાઈની સ્વર-શરણાઈઓ મચાવી મૂકી હતી.  
પાંચો બહાર ગયો. બાવળની ઝાડીમાં એના પચીસ જણા બેઠા હતા; થોડાક સાંઢિયા ઝૂકેલા હતા તેની ઓથે બીડીઓ ઝગવતા હતા. થોડાક ઘોડેસવારો હતા. તેઓ લગામો કાંડે વીંટાળીને ઝોલાં ખાતા હતા. હરણીનાં તારોડિયાં ક્ષિતિજમાં અરધાં ખૂતી ગયાં હતાં. પ્હો ફાટવાની વાટ જોતાં પંખીઓએ માળામાં ફડફડ કરી મીઠી અધીરાઈની સ્વર-શરણાઈઓ મચાવી મૂકી હતી.  
“ભાઈઓ !” પાંચો નજીક ગયો, તમામ ખડા થયા. શું બન્યું તે સાંભળવા સર્વે તલપાપડ હતા.  
“ભાઈઓ !” પાંચો નજીક ગયો, તમામ ખડા થયા. શું બન્યું તે સાંભળવા સર્વે તલપાપડ હતા.  
Line 349: Line 387:
સહુ નજીક આવ્યા.  
સહુ નજીક આવ્યા.  
“તું પેથા ! તું ઊપડ સાજીકાંઠે. તું વેણશી, મારતે ઘોડે સિંદોરિયા પંથકમાં ઘૂમી વળ. તું દેવાયત, સાંઢિયાની સ૨ક ડોંચ્યા વગર રેવતગાળે જઈ પહોંચ, ઘરેઘરને જાણ કરો કે રાજપલટો કરવો છે, જણજણ નીકળી પડે. મોટે ડુંગરે આવી મળે. પોશાક ને પેટિયું ભાઈજી દેશે, ને ખબરદાર કોઈ હવે પછી ‘પાંચાની જે’ ન બોલાવે; ‘જનમભોમની જે’ પોકારે, ને ; જાઉં છું ખારા પંથકમાં, આવતી બીજ આભમાં દેખાય ત્યારે તમામ મોટે ડુંગરે પોગી જજો. બીજનાં દર્શન કરીને બધા ઊપડશું.”  
“તું પેથા ! તું ઊપડ સાજીકાંઠે. તું વેણશી, મારતે ઘોડે સિંદોરિયા પંથકમાં ઘૂમી વળ. તું દેવાયત, સાંઢિયાની સ૨ક ડોંચ્યા વગર રેવતગાળે જઈ પહોંચ, ઘરેઘરને જાણ કરો કે રાજપલટો કરવો છે, જણજણ નીકળી પડે. મોટે ડુંગરે આવી મળે. પોશાક ને પેટિયું ભાઈજી દેશે, ને ખબરદાર કોઈ હવે પછી ‘પાંચાની જે’ ન બોલાવે; ‘જનમભોમની જે’ પોકારે, ને ; જાઉં છું ખારા પંથકમાં, આવતી બીજ આભમાં દેખાય ત્યારે તમામ મોટે ડુંગરે પોગી જજો. બીજનાં દર્શન કરીને બધા ઊપડશું.”  
સાથીઓના ઘોડા-સાંઢિયા સરખા વાવડામાં દરિયે મછવા ઊપડે તેમ ઊપડ્યા. ગામોગામની મધરાતો એક જ બોલે ગુંજી ઊઠી કે ‘તમને બોલાવે છે : જનમભોમ બોલાવે છે : જણેજણને બોલાવે છે.’  
સાથીઓના ઘોડા-સાંઢિયા સરખા વાવડામાં દરિયે મછવા ઊપડે તેમ ઊપડ્યા. ગામોગામની મધરાતો એક જ બોલે ગુંજી ઊઠી કે ‘તમને બોલાવે છે : જનમભોમ બોલાવે છે : જણેજણને બોલાવે છે.’
*
<center>*</center>
 
“કવાયત-ફવાયતની આપણને શી પડી છે વળી ?”  
“કવાયત-ફવાયતની આપણને શી પડી છે વળી ?”  
“સાચી વાત તો સાબૂત કાંડાં-બાવડાંની છે.”  
“સાચી વાત તો સાબૂત કાંડાં-બાવડાંની છે.”  
Line 356: Line 396:
ભેગા થયેલા લોકસૈન્યમાં આવો ચણભણાટ ચાલ્યો. તમામનો મત એવો પડ્યો કે હવે તો, બસ, દેકારો જ બોલાવી દઈએ. રાજની છાવણી કે થાણાં જ્યાં જ્યાં હોય ત્યાં પડીને સાલગોટો ઉડાવી નાખીએ.  
ભેગા થયેલા લોકસૈન્યમાં આવો ચણભણાટ ચાલ્યો. તમામનો મત એવો પડ્યો કે હવે તો, બસ, દેકારો જ બોલાવી દઈએ. રાજની છાવણી કે થાણાં જ્યાં જ્યાં હોય ત્યાં પડીને સાલગોટો ઉડાવી નાખીએ.  
બહારવટિયાને ભાઈજીની ભલામણનું વિસ્મરણ થયું. ઉમેદ જન્મી કે જૂની ગામડિયા રીતે રાજના મોરચાના ભુક્કા ઉરાડી એક દિવસ જઈને ભાઈજી કને વધામણી ખાટીશ.  
બહારવટિયાને ભાઈજીની ભલામણનું વિસ્મરણ થયું. ઉમેદ જન્મી કે જૂની ગામડિયા રીતે રાજના મોરચાના ભુક્કા ઉરાડી એક દિવસ જઈને ભાઈજી કને વધામણી ખાટીશ.  
સળગતા વંટોળિયા જેવું પાંચા-સૈન્ય પ્રજ્જ્વલી ઊઠ્યું, ભડકામાં ભડકા ભળે તેમ વતનનાં લોકો એ ફોજમાં વધારો કરવા લાગ્યા. રાજસત્તાની એડી તળે ચંપાયેલી ભુજંગ-ફેણ જનતાને ટટાર કરી. ‘તમને બોલાવે છે !’ ‘તમને બોલાવે છે !’ – એ સાદ ઘૂમતો ગયો. પછી બોલાવનાર કોણ છે, ને આખરે શી ગતિ થવાની છે, એની કોઈને તમા નહોતી. નિષ્ક્રિય નિર્વીયતાના જીવતરમાં એક નવીન, જ્વાલામય, અને પુરુષાતનને પડકારતો ઉદ્યમ જાગી ઊઠ્યો. તેમાં જ આ ગોવાળ તથા ખેતીકાર પ્રજાને સુખ ભાસ્યું.  
સળગતા વંટોળિયા જેવું પાંચા-સૈન્ય પ્રજ્જ્વલી ઊઠ્યું, ભડકામાં ભડકા ભળે તેમ વતનનાં લોકો એ ફોજમાં વધારો કરવા લાગ્યા. રાજસત્તાની એડી તળે ચંપાયેલી ભુજંગ-ફેણ જનતાને ટટાર કરી. ‘તમને બોલાવે છે !’ ‘તમને બોલાવે છે !’ – એ સાદ ઘૂમતો ગયો. પછી બોલાવનાર કોણ છે, ને આખરે શી ગતિ થવાની છે, એની કોઈને તમા નહોતી. નિષ્ક્રિય નિર્વીયતાના જીવતરમાં એક નવીન, જ્વાલામય, અને પુરુષાતનને પડકારતો ઉદ્યમ જાગી ઊઠ્યો. તેમાં જ આ ગોવાળ તથા ખેતીકાર પ્રજાને સુખ ભાસ્યું.  
[૧૧]
 
 
<center>'''[૧૧]'''</Center>
 
 
‘હવે તો પાંચાભાઈને પરણાવે જ છૂટકો છે’ એવી ૨ઢ આખી ફોજમાં પ્રસરી ગઈ. પ્રથમ જે હાંસી હતી તેણે છેવટે ગંભીર ઈચ્છાનું રૂપ કર્યું. ગ્રામપ્રજા હંમેશાં એક જ દૃષ્ટિએ વિચારે છે : આવા મર્દનો વંશ-વેલો ન ઊખડી જવા દેવાય, અને આવા પુરુષના પાકે તે કેવા પાણીદાર બને ! પાંચાની મૂછડીએ પણ એ મશ્કરીની લહેરો ફરકવા લાગી.  
‘હવે તો પાંચાભાઈને પરણાવે જ છૂટકો છે’ એવી ૨ઢ આખી ફોજમાં પ્રસરી ગઈ. પ્રથમ જે હાંસી હતી તેણે છેવટે ગંભીર ઈચ્છાનું રૂપ કર્યું. ગ્રામપ્રજા હંમેશાં એક જ દૃષ્ટિએ વિચારે છે : આવા મર્દનો વંશ-વેલો ન ઊખડી જવા દેવાય, અને આવા પુરુષના પાકે તે કેવા પાણીદાર બને ! પાંચાની મૂછડીએ પણ એ મશ્કરીની લહેરો ફરકવા લાગી.  
કોઈએ કહ્યું કે ઢેલીડા ગામના દરબારી પટેલની પુત્રી પાંચા ઉપર મોહિત થઈ ભમે છે.  
કોઈએ કહ્યું કે ઢેલીડા ગામના દરબારી પટેલની પુત્રી પાંચા ઉપર મોહિત થઈ ભમે છે.  
Line 404: Line 448:
“હા, થોડા ઈશ્કના દુહા જોડી દઉં.”  
“હા, થોડા ઈશ્કના દુહા જોડી દઉં.”  
છાપાવાળાએ રાફડિયા દુહા રચ્યા. એમાં વારંવાર એક પંક્તિ આવતી હતી :  
છાપાવાળાએ રાફડિયા દુહા રચ્યા. એમાં વારંવાર એક પંક્તિ આવતી હતી :  
પાંચાનું મન પ્રાણ !
{{Poem2Close}}
ભમતું બાંભરડા દીયે !  
<Poem>
'''પાંચાનું મન પ્રાણ !'''
'''ભમતું બાંભરડા દીયે !'''
</Poem>
{{Poem2Open}}
દુહા લખીને નીચે એક ચિત્ર દોર્યું. પછી પાંચાને જોવા દીધું.  
દુહા લખીને નીચે એક ચિત્ર દોર્યું. પછી પાંચાને જોવા દીધું.  
પાંચાએ પૂછ્યું : “શેનું ચીતર ? આ બે પંખી શેનાં ? એની ચાંચમાં આ ડાળખી શી ?”  
પાંચાએ પૂછ્યું : “શેનું ચીતર ? આ બે પંખી શેનાં ? એની ચાંચમાં આ ડાળખી શી ?”  
Line 419: Line 467:
હા, હા; આલેખી દે, નીકર મારી આબરૂ જાશે. પાંચાનું એંધાણ તો આખલો જ હોય.”  
હા, હા; આલેખી દે, નીકર મારી આબરૂ જાશે. પાંચાનું એંધાણ તો આખલો જ હોય.”  
છાપાવાળાને ચિત્રમાં ફેરફાર કરવો જ પડ્યો. ને પ્રેમપત્ર રવાના થયો.  
છાપાવાળાને ચિત્રમાં ફેરફાર કરવો જ પડ્યો. ને પ્રેમપત્ર રવાના થયો.  
*
 
<center>*</center>
 
આખરે એક દિવસ, ઢેલીડા ગામની માતાના દેરામાં જ્યારે પાંચા ને પટેલની કન્યાની છેડાછેડી બંધાવાની તૈયારી થઈ ત્યારે ગામલોકોની ઠઠ જામી. લોકો તરફ ખડા થઈને પાંચાના પુરોહિત બનનાર એક રાજગર કોમના સાથીએ સંભળાવ્યું : “ભાઈઓ ! આ લગનની વિરુદ્ધ જો કોઈ હોય તો બોલી નાખજો. બોલનારને તલવાર-ભાલાને તોરણે પોંખવામાં આવશે, પછી ઘણા જ માનપાન ને ભપકા સાથે મસાણખડીમાં લઈ જવામાં આવશે તથા તેના નામનો પાળિયો ઊભો કરી તે ઉપર સિંદૂર ને ઘીના દીવા ધરવામાં આવશે. માટે છે કોઈ આવા માનનો ઈંતેજાર ?”  
આખરે એક દિવસ, ઢેલીડા ગામની માતાના દેરામાં જ્યારે પાંચા ને પટેલની કન્યાની છેડાછેડી બંધાવાની તૈયારી થઈ ત્યારે ગામલોકોની ઠઠ જામી. લોકો તરફ ખડા થઈને પાંચાના પુરોહિત બનનાર એક રાજગર કોમના સાથીએ સંભળાવ્યું : “ભાઈઓ ! આ લગનની વિરુદ્ધ જો કોઈ હોય તો બોલી નાખજો. બોલનારને તલવાર-ભાલાને તોરણે પોંખવામાં આવશે, પછી ઘણા જ માનપાન ને ભપકા સાથે મસાણખડીમાં લઈ જવામાં આવશે તથા તેના નામનો પાળિયો ઊભો કરી તે ઉપર સિંદૂર ને ઘીના દીવા ધરવામાં આવશે. માટે છે કોઈ આવા માનનો ઈંતેજાર ?”  
કોઈ ન નીકળ્યું.  
કોઈ ન નીકળ્યું.
[૧૨]  
 
<center>'''[૧૨]'''</center>
 
 
પાંચો પરણી ઊતર્યો.  
પાંચો પરણી ઊતર્યો.  
શૌર્યમાં પ્રેમ ભળ્યો. હુતાશનમાં ઘીની આહુતિ પડી. સભરભર્યા જીવનનો સ્વાદ ચાખી ચૂકેલો બહારવટિયો બેવડો રણઘેલુડો બન્યો. “હવે તો જનમભોમ માટે ખપી જવામાં કશી અબળખા બાકી રહી નથી,” એવું કહેતો એ સંગ્રામે ચડ્યો.  
શૌર્યમાં પ્રેમ ભળ્યો. હુતાશનમાં ઘીની આહુતિ પડી. સભરભર્યા જીવનનો સ્વાદ ચાખી ચૂકેલો બહારવટિયો બેવડો રણઘેલુડો બન્યો. “હવે તો જનમભોમ માટે ખપી જવામાં કશી અબળખા બાકી રહી નથી,” એવું કહેતો એ સંગ્રામે ચડ્યો.  
Line 446: Line 500:
તે રાત્રીએ રાજસત્તાના ટકાવનો છેલ્લો મોરચો ફેંસલ થયો. જનમભોમનો નેજો એ નગરની રાજકચેરી પર ફરકતો થયો.  
તે રાત્રીએ રાજસત્તાના ટકાવનો છેલ્લો મોરચો ફેંસલ થયો. જનમભોમનો નેજો એ નગરની રાજકચેરી પર ફરકતો થયો.  
વધાઈ લઈને બહારવટિયાનું સૈન્ય ભાઈજી પાસે ગયું.  
વધાઈ લઈને બહારવટિયાનું સૈન્ય ભાઈજી પાસે ગયું.  
[૧૩]  
 
 
<center>'''[૧૩]''' </center>
 
 
એ જ વખતે રાજધાનીમાંથી આવેલો તારનો સંદેશો વંચાતો હતો : ભાઈજીના વિપ્લવી સાથીઓએ લખ્યું હતું કે —  
એ જ વખતે રાજધાનીમાંથી આવેલો તારનો સંદેશો વંચાતો હતો : ભાઈજીના વિપ્લવી સાથીઓએ લખ્યું હતું કે —  
“રાજાએ ગાદી છોડી છે. લોકશાસનનો સ્વીકાર થયો છે. તેના પ્રથમ પ્રમુખ તરીકે તમારી વરણી થઈ છે, જલદી આવો.”  
“રાજાએ ગાદી છોડી છે. લોકશાસનનો સ્વીકાર થયો છે. તેના પ્રથમ પ્રમુખ તરીકે તમારી વરણી થઈ છે, જલદી આવો.”  
Line 476: Line 534:
ભાઈજીની ઘોડાગાડી જ્યારે પાટનગર તરફ જવા ચાલી ત્યારે પાંચો પોતાનું રડવું ખાળવા માટે ચહેરો ચોળતો ઊભેલો.  
ભાઈજીની ઘોડાગાડી જ્યારે પાટનગર તરફ જવા ચાલી ત્યારે પાંચો પોતાનું રડવું ખાળવા માટે ચહેરો ચોળતો ઊભેલો.  
છાપાવાળા મિત્રને પણ એણે વિદાય દીધી. એક વાર પેલી તસવીર લઈને પાંચેય છોકરાંને એણે ચૂમીઓ ભરી.  
છાપાવાળા મિત્રને પણ એણે વિદાય દીધી. એક વાર પેલી તસવીર લઈને પાંચેય છોકરાંને એણે ચૂમીઓ ભરી.  
પોતાના ગામડા તરફ લઈ જનાર માર્ગ એને ગળી જતા અજગર જેવો ભાસ્યો.  
પોતાના ગામડા તરફ લઈ જનાર માર્ગ એને ગળી જતા અજગર જેવો ભાસ્યો.
[૧૪]  
 
<center>'''[૧૪]'''</center>
 
 
ઘરે આવીને પાંચાએ કમરબંધ, કારતૂસનો પટ્ટો અને તલવાર-તમંચો ઉતારી ખીંટીએ લટકાવ્યાં. બાપના ખેતરમાં સાંતી ફેરવવા લાગ્યો. નવી બળદો વસાવ્યા. ઢોરની નવી ઓલાદ નિપજાવવા માટે એણે જાતવંત દેસાણ ગાયો, નાગેલ ભેંસો તેમ જ ખાનદાન ઘોડીઓ લીધી. નાનાં સુંવાળા વાછડાં તેમ જ વછેરાંને નદીના ધરામાં લઈ જઈ નવરાવવાનું ને તેમની રુવાંટીએ ઈતરડીઓ ચૂંટવાનું પાંચાને બહુ ગમતું.  
ઘરે આવીને પાંચાએ કમરબંધ, કારતૂસનો પટ્ટો અને તલવાર-તમંચો ઉતારી ખીંટીએ લટકાવ્યાં. બાપના ખેતરમાં સાંતી ફેરવવા લાગ્યો. નવી બળદો વસાવ્યા. ઢોરની નવી ઓલાદ નિપજાવવા માટે એણે જાતવંત દેસાણ ગાયો, નાગેલ ભેંસો તેમ જ ખાનદાન ઘોડીઓ લીધી. નાનાં સુંવાળા વાછડાં તેમ જ વછેરાંને નદીના ધરામાં લઈ જઈ નવરાવવાનું ને તેમની રુવાંટીએ ઈતરડીઓ ચૂંટવાનું પાંચાને બહુ ગમતું.  
પાંચાની વહુએ પરસાળની થાંભલીએ થાંભલીએ વલોણાં ઘુમાવવાનું શરૂ કર્યું. વહેલી પરોઢની રવાઈઓના ઘમકારા સંભળાતા. ગામલોકને શીતળ ઘાટી છાશ મળવા લાગી.  
પાંચાની વહુએ પરસાળની થાંભલીએ થાંભલીએ વલોણાં ઘુમાવવાનું શરૂ કર્યું. વહેલી પરોઢની રવાઈઓના ઘમકારા સંભળાતા. ગામલોકને શીતળ ઘાટી છાશ મળવા લાગી.  
Line 508: Line 570:
સેનાપતિના અમલદારો આવી આવીને પાંચાને સતાવતા હતા. એના ઉપર ઢોરોની ચોરીલૂંટના આળ ચડતાં.  
સેનાપતિના અમલદારો આવી આવીને પાંચાને સતાવતા હતા. એના ઉપર ઢોરોની ચોરીલૂંટના આળ ચડતાં.  
હતાશ અને અપમાનિત પાંચો અફીણની લતે ચડ્યો. છ મહિને તો ડૂલી ગયો.  
હતાશ અને અપમાનિત પાંચો અફીણની લતે ચડ્યો. છ મહિને તો ડૂલી ગયો.  
[૧૫]  
 
 
<center>[૧૫]</center>
 
 
એક દિવસ અધરાતના સુમારે પાંચાના ઘર સામે એક ભાડાત સાંઢિયો ઝોકારાયો. પાછળની બેઠકમાંથી ઊતરતો ઉતારુ ગોથું ખાતો ખાતો રહી ગયો. સાંઢણી-સવાર ભાડું લઈને ઊપડી ગયો.  
એક દિવસ અધરાતના સુમારે પાંચાના ઘર સામે એક ભાડાત સાંઢિયો ઝોકારાયો. પાછળની બેઠકમાંથી ઊતરતો ઉતારુ ગોથું ખાતો ખાતો રહી ગયો. સાંઢણી-સવાર ભાડું લઈને ઊપડી ગયો.  
મહેમાનના હાથમાં એક પાકીટ હતું ને બગલમાં એક કૅમેરા લટકતો હતો.  
મહેમાનના હાથમાં એક પાકીટ હતું ને બગલમાં એક કૅમેરા લટકતો હતો.  
Line 548: Line 614:
“તો ઠીક; એવું તે હોય ? અમે કાંઈ તમને મારી નાખવાના નથી. અમારે તો તમને આ ગોળના પાણીથી અંઘોળવા છે, ને પછી આ જુઓ –” પાંચાએ ઝેરી મકોડાથી ભરેલું એક મોટું વાસણ બતાવ્યું : “આમાં આપને બેસાડવાના છે. અમારે કાંઈ તમારી હત્યા માથે નથી લેવી.”  
“તો ઠીક; એવું તે હોય ? અમે કાંઈ તમને મારી નાખવાના નથી. અમારે તો તમને આ ગોળના પાણીથી અંઘોળવા છે, ને પછી આ જુઓ –” પાંચાએ ઝેરી મકોડાથી ભરેલું એક મોટું વાસણ બતાવ્યું : “આમાં આપને બેસાડવાના છે. અમારે કાંઈ તમારી હત્યા માથે નથી લેવી.”  
ચીસ પાડતા સેનાપતિને નગ્ન શરીરે ગોળના પાણીમાં ઝબોળી એ અસંખ્ય કાળાં જંતુઓનો જીવતો ભક્ષ બનવા દેગમાં હડેસલી દીધો.  
ચીસ પાડતા સેનાપતિને નગ્ન શરીરે ગોળના પાણીમાં ઝબોળી એ અસંખ્ય કાળાં જંતુઓનો જીવતો ભક્ષ બનવા દેગમાં હડેસલી દીધો.  
[૧૬]
 
 
<center>'''[૧૬]'''</center>
 
 
“અમે તો ભેળવાળું દૂધ પણ ખાતા નથી. એ જ પ્રમાણે રાજ પણ નિર્ભેળ જ જોવે. માટે દગા વગરના જણ ભેળા કરજો. મૂડીવાળો ને અમીરાતવાળો માંહીં ન પેસવો જોવે, સમજ્યા ? નીકર જટાબીટ કાઢી નાખીશ.”  
“અમે તો ભેળવાળું દૂધ પણ ખાતા નથી. એ જ પ્રમાણે રાજ પણ નિર્ભેળ જ જોવે. માટે દગા વગરના જણ ભેળા કરજો. મૂડીવાળો ને અમીરાતવાળો માંહીં ન પેસવો જોવે, સમજ્યા ? નીકર જટાબીટ કાઢી નાખીશ.”  
આવા અર્ધસ્પષ્ટ શબ્દોમાં પાંચાએ પોતાની સરમુખત્યારીની ખુરશી પરથી શુદ્ધ લોકશાસન સ્થાપવાની આજ્ઞા સંભળાવી.  
આવા અર્ધસ્પષ્ટ શબ્દોમાં પાંચાએ પોતાની સરમુખત્યારીની ખુરશી પરથી શુદ્ધ લોકશાસન સ્થાપવાની આજ્ઞા સંભળાવી.  
Line 572: Line 642:
એ હતું એક પેપર-વેઈટ : કાચનો નાનો ગોધો – પોતાનું પ્રતીક !  
એ હતું એક પેપર-વેઈટ : કાચનો નાનો ગોધો – પોતાનું પ્રતીક !  
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = જલ્લાદનું હૃદય
|next =
}}

Latest revision as of 12:29, 10 January 2022


ધરતીનો સાદ

લાણી પૂરી થઈ હતી. ખળાવાડોમાં સોનાવરણા પાકના ઓઘા ખડકાઈ ગયા હતા. આજ વરસ દા’ડાનું મોટું પર્વ હતું. કોસ, સાંતી ને ખળાં છોડીને લોકો તહેવાર ઊજવતાં હતાં. તૂટી ગયેલાં શરણાઈ અને ત્રાંબાળુ ઢોલ ગામલોકોએ ફાળો ઉઘરાવીને હજુ ગઈ કાલે જ શહેરમાંથી મરામત કરાવી મગાવ્યાં હતાં. હીંચના તાલમાં સ્ત્રી-પુરુષોનું કૂંડાળું ઝૂલતું હતું. એક નાનો એવો માનવસાગર લહેરે ચડ્યો હતો. એકાએક તડબડ તડબડ ઘોડાના ડાબલા ગાજ્યા, અને લોકોનું કૂંડાળું ચોકમાંથી ખસી શકે તે પહેલાં તો અરબી ઓલાદના સાત-આઠ અશ્વો ધૂળ-ગોટા ઉડાડતા પસાર થઈ ગયા. ઘોડાની હડફેટમાં આવી ગયેલું ત્રણ વર્ષનું એક બચ્યું ને એક કુરકુરિયું બાજુ બાજુમાં જ ઢળી પડ્યાં, ને બન્નેના લોહીની નીકો એકબીજામાં મળી જઈ એક ધારા બંધાઈ ગઈ. ગામલોકોનું ચક્કર રચાઈ ગયું, ને બાળકની માનવ-માતાના તેમ જ ચોરાની ચોકીદાર કૂતરીના ઓયકારામાંથી એક સંયુક્ત સૂર બંધાયો. એ રુદનસૂરની અંદર ડાકલાના ઘોષને મળતું એક અટ્ટહાસ્ય સંભળાયું. સાત ઘોડેસવારો માંહેલો એક જણ પછવાડે જોઈને હસતો હતો. ઘવાયેલાં બન્ને ગામ-બાળકોના પછાડ પર પાણી સીંચીને લોકોએ માનવ-બાળને ચોરાના એક ખાટલા પર સુવાડ્યું. ત્યાં ગામ-ઝાપા ભણીથી બૂમ પડી : “એલા એ હે…ઈ ! આંહીં આવો આંહીં. કો’ક માતાને વડલે કાંક કાગળિયો ચોડી ગયું છે.” પટેલનો છોકરો પાંચિયો શ્વાસભર્યો દોડતો આવ્યો. એણે ખબર દીધા કે રાજના ઘોડેસવારો કશીક છાપેલી ચિઠ્ઠી માતાને વડલે લગાવી ગયા છે. ગામલોકને લઈ પટેલ ઝાંપે ગયો. વડલાનાં પાંદડાં વચ્ચેથી પ્રભાતનો તડકો ચળાતો ચળાતો દેવીના સિંદૂરવરણા પથ્થર ઉપર છંટાતો હતો. “ધીરા રેજો ! કોઈ કાગળની ઢૂકડા જાતા નહિ.” એવી ચેતવણી આપતો ગામપટેલ આખા ટોળાને પોતાના પહોળાવેલા હાથના વાંભ વતી રોકવા લાગ્યો, ને વડલાના થડ ઉપર ભયાનક સાપ બેઠો હોય તેવી બીકથી ગામલોકો તાકી તાકીને એ ચોડેલા કાગળ તરફ જોઈ રહ્યાં. બોલાસ શરૂ થયો : “આંહીં માતાને વડલે ખીલી ખોડાય જ કેમ ?” “ખોડનારનું નખોદ નીકળી જશે, નખોદ.” “હવે, ભાઈ, ખોડનારા તો એ હાલ્યા જાય લહેર કરતા, ને નખોદ તો આપણું નીકળી ગયું !” “દેવસ્થાનોમાંથી સત ગયાં ઈ તો હવે, બાપા !” “એ ના, ના; માણસમાંથી દૈવત ગયાં એટલે પછી દેવસ્થાનોમાં સત રે’ ક્યાંથી ? સાચું સત તો લોકનું દૈવત લેખાય.” ગામનો પટેલ આગળ વધ્યો. પણ કાગળિયો એને ઊકલ્યો નહિ. એણે બૂમ પાડી : “કોઈક ગામોટને બોલાવો. ઈ વાંચી દેશે.” પાંચિયો ગામમાં દોડ્યો ગયો. થોડી વારે પુરોહિત આવી પહોંચ્યા. એણે વાંચીને કહ્યું : “સરકારી જાહેરનામું છે. માંહી લખેલ છે કે ખેડૂતો રહે છે તે ખોરડાં ને વાવે છે તે જમીન રાજમાલકીની છે. વસ્તીને તે જમીન અમે ભાડે આપેલ છે. માટે ‘રાખ્યા રહીએ ને કાઢ્યાં જઈએ’, એવું ખત કરી દેનારને જ રહેવા દેવામાં આવશે. બાકીનાં તમામ ઘરબાર ને જમીન ખાલી કરી આઠ દિવસમાં નીકળી જવું. ન નીકળનારને સજા થશે.” જાહેરનામું સાંભળીને તમામ જણાએ એકબીજાની સામે જોયું. વાતો ચાલી : “આ શો ગજબ ?” “આવું તે કંઈ હોય ?” “આપણને પૂછ્યાગાછ્યા વિના રાજ શું જમીન દરબાર દાખલ કરશે ?” “હવે તું મોટો જાટલીમૅન, તે તને પૂછવા બેસશે રાજ, એમ કે ?” “પણ – પણ — પણ,” પટેલ કાગળિયા સામે તાકીને જાણે કે એમાં સહી કરનાર અધિકારીને સન્મુખ કલ્પી સંભળાવવા લાગ્યો : “પણ આ ખોરડાં ને આ જમીન તો અમે, અમારા બાપ, તેના બાપ, તેના, તેના, તેના, તેના ય બાપ, ને તેની યે મોરૂકા અમારા વડવા વાપરતા આવેલ છે. તે દી તો રાજ નો’તું આંહીં. મારા મોટા દાદાનો તો પાળિયોય હજી ઊભો છે ઈ ખેતરને શેઢે. અમે રોજ સાંજે ત્યાં દીવો પ્રગટાવીએ છીએ — ને ઈ જમીન દરબારની ક્યાંથી થઈ ગઈ પણ ?” એકાએક એ બોલતો અટક્યો. એણે ઝટ દોડી જઈને પોતાના દીકરાનો હાથ જાહેરનામા ઉપરથી ઉઠાવી લીધો : પૂછ્યું : પાંચિયા, શું કરછ ?” “ફાડી નાખીશ.” “શા સારુ ?” “માતાને વડે અમારે રોજ ઓળકોળાંબો રમવા ચડવું જોવે. ત્યાં આડો કાગળિયો નો ફાવે.” પુત્રનું કાંડું પકડીને પટેલ જ્યારે ગામ તરફ વળ્યો, ત્યારે ઝાંપામાં જ ડાઘુઓનું ટોળું મળ્યું. મોખરે ચાલતા માણસના હાથમાં રાજના ઘોડેસવારની હડફેટે પ્રાણ હારેલા બાળકની લાશ લબડતી હતી. પછવાડે એ બાળકની મા પછાડીઓ ખાતી દોડી આવતી હતી. બીજી બાઈઓએ એના હાથ ઝાલ્યા હતા. ઝાંપે સહુ લોકો નિઃશબ્દ ઊભાં થઈ રહ્યાં. પનિયારીઓએ ભર્યાં બેડાં ઝાંપે જ ઢોળી નાખ્યાં. “હું-ઉ-ઉ-ઉં !” ચોરાની કૂતરીના રુદનધ્વનિ સંભળાતા હતા. એના કુરકુરિયાને હજુ કોઈએ ઉપાડ્યું નહોતું. મૂવેલા બાળકને દફનાવીને લોકો પાછા વળ્યા. ત્યાર પછી થોડી વારે પટેલનો છોકરો પાંચિયો અને એના ચાર ભેરુબંધો મસાણમાં દાખલ થયા. બીતાં બીતાં તેઓએ એક ખાડો ખોદ્યો, ને તેમાં મૂવેલા કુરકુરિયાને દાટ્યું; ઉપર ધૂળનો ધફો વાળ્યો. ચોરાની કૂતરીએ એ ધફા ફરતાં ચક્કર મારી મારી આખી રાત રોયા કર્યું.


[૨]


“ચાલો સહુ સૂબા-કચેરીએ.” એ સંદેશો ગામડે ગામડે ફરી વળ્યો. તમામ ગામડાંનાં વડીલ ખેડૂતોએ છૂપી છૂપી મસલતો કરીને નિર્ણય આણ્યો કે રાજ આપણા માવતર છે. માટે આપણે તો છોરુને દાવે ત્યાં જઈને રાજના પગમાં પડીએ. આપણા આપણા હકબકની વાતો નથી કરવી. ત્રાગાંય નથી કરવાં. લાડ કરશું. રાવ ખાશું. માટે સર્વ ચાલો સૂબા-કચેરીએ, બાઈઓને કહો કે ખભે ઘોડિયાં બાંધીનેય આવે. બૂઢિયાઓને કહો કે ડગુમગુ કરતા પણ ભેળા આવે જ રહે. માંદાં-દૂબળાંને આપણાં ગાડાં જોડીને લઈ હાલો. તમામ વસ્તી ભેળી થઈને અરજ ગુજારશું. મોંમાં ખાસડું લઈને દયા માગશું. સૂબા-કચેરીનું કસ્બાતી ગામ થોડે છેટે હતું, માનવ-સમુદાયની નાનીમોટી સરિતાઓ ગામેગામથી વહી આવે છે. સૂબાકચેરીની ગોખમાં ઊભો ઊભો રાજનો હાકેમ માર્ગે માર્ગે બંધાયેલો જનપ્રવાહ જોઈને હળવા સ્વરે ઈશારો આપે છે કે “કચેરીના મકાન ફરતી ફોજને ગોઠવી દો. આ લોકોની ચળવળ ભયાનક બનશે.” લોકમેદની શાંત સમુદ્રના હળવા એવા મોજા સમી ચાલી આવે છે, ને નિહાળે છે કે સૂબા-કચેરીને વીંટળાઈ ઊભેલા સૈનિકોએ બંદૂકો ઉઠાવી. તમામ લોકોના હાથ શરણાગતિની નિશાની દેતા ઊંચા થયા. સ્ત્રીઓએ પોતાના ખોળામાં ધાવતાં બચ્ચાંને ઊંચાં કર્યાં. આજારોએ ગાડામાં પડ્યાં પડ્યાં પણ હાથ ઊંચક્યા. આંગળીએ વળગીને હીંડતાં છોકરાં કજિયો કરવા લાગ્યાં કે “માડી મા, અમને સૂબા સા’બ દેખાડો. અમારે સૂબા સા’બ જોવા છે. અમને ઊંચા કરો.” માબાપો છોકરાંને ખભે ચડાવીને અટારી પરના રાજ-પ્રતિનિધિને બતાવવા લાગ્યાં. “ખડે રહો !” ફોજદારની હાકલ પડી. ટોળું અટારીની સન્મુખ થંભી ગયું. ઊંચે સૂબો ઊભો છે. બીજા પણ ત્રણ-ચાર સત્તાધીશો છે. સર્વના હાથમાં સિગારેટ છે. સુગંધી તમાકુના ધૂમ્રગૂંચળા તેઓની મૂછોના વળને જાણે કે લંબાવી આસમાને લઈ જતાં હતા. સત્તાધીશોની આંખો દોંગાઈભરી ત્રાંસી દૃષ્ટિ નાખી નાખી પ્રત્યેક અર્ધનગ્ન શરીરને અવલોકતી હતી. તેઓના પરસ્પર હાસ્યખખડાટને સાંભળી લોકો એકબીજાની સામે નીરખી રહ્યાં. સૌને એમ લાગતું હતું કે આપણાથી કંઈક બેઅદબી થઈ જતી લાગે છે. પણ પોતાના વર્તનનો દોષ કોઈ પકડી શકતું નહોતું. આખરે જ્યારે હાકેમનું હાસ્ય વધુ જોર પર ચડ્યું ત્યારે ગામડિયા સ્ત્રીઓએ પોતપોતાના જ દેહ ઉપર નજર ફેરવી. ધાવણાં બાળકો જેઓની છાતીએ ચોટેલાં હતાં તેવી કેટલીકોએ ભાન આવતાં પોતાના ઉઘાડા રહી ગયેલા સ્તન-ભાગો ઉપર છેડા ઢાંક્યા. પણ છેડામાં યે લીરા ઈવાય કશું બાકી રહ્યું નહોતું. કંગાલિયત અને બેશરમ વચ્ચેની રેખા જ્યાં ભૂંસાઈ જાય છે તે અવસ્થા આ કિસાનપત્નીઓની હતી. “શું છે આ બધું !” સૂબાએ અવાજ કર્યો : “શી ચળવળ માંડી છે. રાજ સામે ? કોણ છે તમારા મોવડી ? મોં બતાવે જલદી.” ટોળામાંથી માર્ગ કરીને એક જણ મોખરે નીકળ્યો. એ હતો પેલા વડવાળા ગામનો પટેલ. થોડી વારે ધક્કામુક્કી કરતો એક દસ વરસનો છોકરો બહાર નીકળ્યો. એ હતો પટેલનો છોકરો પાંચિયો. પાંચિયો બાપની બાજુએ જઈના ઊભો રહ્યો. “કોણ તું આ કાવતરાખોરોનો સરદાર છે ?” સૂબાએ સહાસ્ય પ્રશ્ન કર્યો. “માબાપ ! અન્નદાતા !” પટેલના કંગાલ મોંમાંથી પહેલા જ પ્રથમ આ ઉચ્ચાર પડ્યા : “અમે કાવતરાખોર નથી, રાજનાં બચળાં છીએ. અમારે સામાં નથી થવું, ખોળે માથું મેલવું છે અમારે.” “પંચાત મૂક. મુદ્દાસર જે કહેવું હોય તે કહી નાખ.” સૂબાએ એટલું કહીને સિગારેટના ધુમાડા ગગન પ્રતિ ફેંક્યા. “અન્નદાતા, અમેય માણસ છીએ. અમને ગુલામ તો બનાવ્યાં, પણ હવે – હવે અમને કુત્તા મા બનાવો. અમારે અમારા કુબા તો રે’વા દ્યો. અમને ઈન્સાન તો રે’વા દ્યો.” બોલતાં બોલતાં પટેલનાં જર્જરિત આંગળાં કાંપતાં હતાં. એના હાથ વારંવાર લલાટ સુધી ઊંચકાઈને સલામો ભરતા હતા. એની આંખો દિલસોજ ઉત્તરની રાહ જોતી અટારી સામે તાકી રહી. બૈરાં-છોકરાં, બુઢ્ઢાં ને આજારો હાકેમના હોઠ સામે જોતાં હતાં. એ હોઠ ઉપર મલકાટ હતો. બેઉ હોઠની રચાયેલી નળીમાંથી મીઠા ધુમાડાની ફરફર નીકળતી હતી. “અહીં દલીલ કરવા, ચાબાઈ કરવા આવ્યો છે કે ?” હાકેમે આંખ બદલી : “તારી કાકલૂદીથી કાયદો બદલવા બેસવું, એમ કે ? ઘેરે ચાલ્યા જાવ છાનામાના.” “બીજું તો કંઈ નહિ, પણ ફક્ત આટલું –” બોલતાં બોલતાં એ પટેલના હાડપિંજરે નીચે નમી ધરતી પરથી એક ધૂળની ચપટી ઉઠાવી; “ચપટી ધૂળ તો અમારે નસીબે રે’વા દ્યો ! અમારા જમીન ને અમારાં ભીંતડાં રૂપી આ ચપટી ધૂળ જ ફક્ત –” ધૂળની ચપટીને એણે કપાળે અડકાડી. “ફોજદાર !” સૂબાએ અવાજ દીધો. “ઈસ્કુ લે જાવ. પચીસ ફટકા લગાવ.” પટેલને પકડીને સૈનિકો સામેના એક લીંબડા નીચે લઈ ગયા. એના બઉ હાથનાં કાંડાને એક રસી વતી લીંબડાની ડાળી જોડે જકડી લીધાં, ને પછી ફોજદારે કોરડો ઉઠાવ્યો. “છે કોઈ હવે ?” સૂબો ધુમાડાનાં ગૂંચળાંનો એક મિનારો રચતો જવા મોં મલકાવીને ટોળાને પૂછવા લાગ્યો : “છે હવે કોઈ તમારો જણ, કે જેને ઈન્સાન તરીકેનો દાવો નોંધાવવો હોય ?” ટોળાનાં તમામ માથા ભોંય ભણી ઢળ્યાં. “કોઈ જો હોય મરદબચ્ચો તો નીકળે બહાર.” એટલું કહેતાની વાર તો માનવ-સમૂહ તેતરનાં ટોળાની માફક ભરરભટ કરી અલોપ બન્યો. ને એ ચાલ્યા જતા ખેડૂતોની પાછળ ભયાનક ચીસો દોટ દેતી હતી. એ હતી કોરડા ખાતા પટેલની વેદના-ચીસો. એના બરડામાંથી ચામડી ચિરાઈ હતી. લોહી ચાલ્યું જતું હતું. ચીસો પડતી હતી : “ઓ બાપ ! ઓ માડી ! બસ કરો ! બસ કરો !” બાજુમાં પાંચિયો ઊભો હતો. એણે બાપની આ હાલત નજરોનજર દીઠી. પણ એ ચૂપ હતો. એ ઊભો જ રહ્યો. પંદર મિનિટ પછી એ નિર્જન ચોગાનમાં પટેલના શરીરને છોડી નાખવામાં આવ્યું. ચીસો તો ક્યારની બંધ થઈ ગઈ હતી. ફોજદારે પટેલના દેહને હચમચાવ્યો. “ઊઠ, ઊઠ હવે, ઢોંગી !” શરીર નિશ્ચેતન જ રહ્યું. પાંચિયો નજીક ગયો. એની સામે કોઈનું ધ્યાન નહોતું. “એલા !” ફોજદારે બીજાને કહ્યું : “આ કેમ મુડદાલ જેવો બની ગયો છે ?” “બેટાનું જોર જીભમાં જ હતું ને ! બરડો તો બેઈજ્જતી કરે તેવો કમજોર નીકળ્યો.” ત્રીજાએ એની છાતીએ કાન મૂકીને કહ્યું : “એલા એય, બેટો મરી ગયો લાગે છે.” સહુએ આવી આવીને પટેલની નાડ, આંખ, છાતી વગેરે તપાસ્યા. સહુ એકમત બન્યા : “હા, પતી ગયો.” – ને પાંચો વધુ નજીક આવ્યો. “એલા, પણ બેટાના હાથની મૂઠી કેમ બિડાઈ ગઈ છે ?” “કશું ચોર્ય કર્યું તો નથી ના ?” “કશો બંબગલોલો તો નથી છુપાવ્યો ને બેટાએ ?” “મૂઠી ખોલો એની.” “પણ બેટો ઉઘાડે છે જ ક્યાં ?” “ભારી જકડી રાખી છે બેટાએ.” “અરે ન શું ઉઘાડે ? અક્કેકો જણ અક્કેકી આંગળીને પકડી મરડી નાખો !” “મારા બેટાની મડાગાંઠ પણ જબરી !” આખરે એ મુર્દાની મૂઠી ઉઘાડી શકાઈ. ઊઘડેલી મૂડીમાંથી ધરતી પર કશુંક સરી પડતું જોઈને સહુ હસ્યા : મારો બેટો ! ધૂળની ચપટી લીધી, તો તેનેય છોડી નહિ. ભેળી લઈ જવી’તી બેટાને ! હા-હા-હા-હા-હા.” “લ્યો, હવે એને ઝટ ઠેકાણે પાડીએ. નાહકની હોહા થાશે.” ઊપડેલા એ મુર્દાના લબડતા હાથમાંથી પેલી એણે સૂબાની સન્મુખ ઉપાડેલી ચપટીભર માટી જ્યારે પાછી પૃથ્વીની ગોદમાં ઠલવાતી હતી, ત્યારે પાંચિયો ત્યાંથી ખસી ગયો હતો; એક ઝાડના થડની પછવાડે લપાઈને, બાપના દેહને અબોલ વિદાય દેતો હતો. બાપુની લબડતી હથેળીમાં ધરતી માતાના છેલ્લા ચુંબન સમા ધૂળડાઘા એણે દીઠા. એક ઢેફું ધૂળ સુધ્ધાં એને ન લઈ જવા દેનાર રાજસત્તાનું તેણે પિતાને કોરડા લગાવનાર ફોજદારના સ્વરૂપમાં દર્શન કર્યું. સંધ્યાકાળ સુધી એ ત્યાં જ લપાઈ રહ્યો. સાંજ નમી ને અંધકારના ઓળા ભમવા લાગ્યા. દિવસના મુર્દા ઉપર રાત્રીએ કફન ઓઢાડ્યું. તે વખતે ફોજદાર પાંચિયાના બાપની લાશને ઠેકાણે પાડીને પાછો ફરતો હતો. એનો ફાનસવાળો ઑર્ડર્લી આગળ નીકળી ગયો. ફોજદારના બૂટ પણ હુટ-હુટ-હુટ ઘુવડનાદ કરતાં એકસરખા કદમે ચાલ્યા જતા હતા. પાંચિયાએ બિલ્લીપગે એક દોટ દીધી. કોણે જાણે કોણે એનાં આંગળામાં નવું જોર દીધું. ફોજદારને ભાસ થયો કે છેક પેટનાં આંતરડાં સુધીમાં એક કાતિલ હથિયાર એના પડખામાં થઈને પરોવાઈ ગયું હતું. જગત પર એને માટે એ આખરી ખબર હતી. એ ઢળી પડ્યો. એને ધરતીએ ખોળે ઝીલ્યો. પાંચિયાના પિતાની તેમ જ ફોજદારની, બેઉની, કરોડો અને અબજોની એ એકસરખી જ વત્સલ માતા હતી. મરતાં મરતાં ફોજદારને એટલું ભાન રહ્યું હશે કેમ કેમ તે તો એ એકલો જ જાણે. ચપટી ધૂળ પાંચિયાના પિતાએ કેવા વહાલથી પકડી રાખેલી હશે તેનો અનુભવ તો ફોજદાર પોતાની જોડે જ લઈ ગયો. – ને ફોજદારની હત્યા કરનાર પાંચિયાને દસ વર્ષની ઉંમરે દેશનાં પહાડગાળાઓએ દત્તક લીધો. એક જ દોટે પાંચિયો ગિરિકંદરાઓમાં ગાયબ થયો.


[૩]


“તાપો ! તાપો ! તાપો, મારા ભાઈઓ ! તાપો, અલ્યા છોકર્યો : આવાં તાપણાં તો અમે એકેય શિયાળે નો’તાં માણ્યાં.” ગામડું બળતું હતું, વસતિનાં લોક એ લ્હાયના રંગે રંગાતા ગોળ કૂંડાળે બેઠાં હતાં. અને એક બુઢ્ઢો એ તમામને ઉપર મુજબ કહી આ વિપત્તિ પર રોનકનું ઢાંકણ ઢાંકતો હતો. અણસમજનું સુખ માણતાં નાનાં છોકરાં તો સાચોસાચ પોતાનાં નાગાંપૂગાં શરીરોને આ ગૃહદાહની શગડીથી હૂંફાવતાં હતાં. પંદરેક વરસના એક છોકરાને દૂર ઊભેલો દેખી બુઢ્ઢો ગામડિયો બોલવા લાગ્યો : “અલ્યા, ટાઢ નથી વાતી ? આ પોષ મહિનાની પવનફૂંકે ક્યાંક થીજી જઈશ થીજી; મઉ થા મા, ને હાલ્યો આવ આ સરકારી તાપણે ગરમ થાવા.” પણ છોકરો દૂર દૂર ચાલ્યો ગયો. જતાં જતાં એણે દિગ્મૂઢ બેઠેલાં લોકોની નિરાધારીનું દર્શન કર્યું. એના કાન પર એ ટોળે વળેલ ગામડિયાઓનો વાર્તાલાપ અથડાતો હતો : “અસલના જુગમાં એક અહીરાવણ હતો, ને એના લોહીના એકએક ટીપામાંથી સહસ્ત્ર અસુરો ઊભા થતા. વે’લાંની એ વાતુંને અમે ગપ્પાં માનતાં; પણ આજ નજરોનજર જોયું.” “શું જોયું ?” બીજાએ પૂછ્યું. “એક ફોજદારને આપણા જણે માર્યો, તો એનું ટીપેટીપું ગણીગણી રાજ આપણને હજારુંને બાળે-કૂટે છે.” “નખ્ખોદ જજો એ રોયા ફોજદારના મારનારનું. એણે જ આપણાં જીવતર રોળી નાખ્યાં.” ઠૂઠવો મૂકીને રડતી રડતી ગૃહહીન ખેડુપત્નીઓના આવા શાપ સામે કાનમાં આંગળી નાખતો એ છોકરો નાસતો હતો. જ્યાં જાય ત્યાં એને એ જ કાંડ નિહાળવાનું મળ્યું. પાંચ વરસથી એ પોતાની શોધને પંથેપંથે આ જુલમાટ જોતો આવ્યો છે. છુપાતો છુપાતો ભીખ માગીને ખાય છે, ને પહાડોના પથ્થરેપથ્થરે કીનાનું છૂપું હથિયાર ઘસે છે. જુવાનીની રાહ જોવે છે. અઢારમે વરસે એની મૂછની રોમરાઈએ કાળો દોરો કાઢ્યો, એની ભુજાઓમાં ધ્રુજાટ ઊઠ્યો, ને એણે જબાન ઉઘાડી – ફક્ત આટલા જ પૂરતી : મેળાઓમાં ગયો, ને સિપાહીઓના ચાબૂકો ઝીલતા જુગારીઓને કાને ચડી કહેતો ચાલ્યો : “તમને પાંચિયો બોલાવે છે – મોટા ડુંગરાને માથે.” ડૂકેલાં નવાણોને કાંઠે નવકૂકરી રમતા ખેડુ જુવાનોને પડખે ચડી કહ્યું : “મોટે ડુંગરે તમારી વાટ જોવે છે.” “કોણ ?” “પાંચિયો.” ખેડ ભાંગ્યા પછી સ્ટેશનની સડકે ભાડાગાડી હાંકવા લાગેલા ખેડૂતોને મળતો, ગાડાને ઠાઠે બેસતો, બીડીઓ પાતો, રાજના જુલમાટો સાંભળતો, ને રાતના અંધકારમાં ફક્ત આટલું જ વેણ સંભળાવી અદૃશ્ય થતો : “બધી વાતનો ઈલાજ એક છે. જાવ મોટે ડુંગરે પાંચિયા પાસે.” ગામોગામના જોગટાઓ, મવાલીઓ, દાદાઓ, બદમાશો, રંડીબાજો, બરતરફ થયેલા નોકરિયાતો, તમામને પાંચાના નામનો પાનો ચડ્યો, પાંચો લૂંટારો ટોળી જમાવે છે; હાલો પાંચાની ટોળીમાં મુલકને ધમરોળી ખાશું : ને વળી આપણા પોતપોતાના અદાવતિયાઓ ઉપર વેર પણ વાળશું. ઘણાને લૂંટફાટના સાહસિક જીવનનો મોહ લાગ્યો. આળસુઓને અંગેઅંગે તરવરાટ ઊઠ્યો, હતાશોને ચાનક ચડી, શકદારો, તહોમતદારો અને વગર પરવાને હથિયાર સંઘરનારાઓ મોટા ડુંગરા ભણી વળ્યા. અઢાર વરસના પાંચિયાએ સારી એવી ફોજ બાંધી. લાયને બદલે લાય : લૂંટને સાટે લૂંટ : ખૂનની સામે ખૂન : એ સાદો કાયદો સ્વીકારીને પાંચિયો ઊઠ્યો. રાજના સત્તાધીશોએ જ્યાં જ્યાં આગ, લૂંટ કે મારફાડ કરી હતી, ત્યાં ત્યાં જઈ થાણાં બાળ્યાં, તિજોરીઓ લૂંટી, નોકરોને માર્યા. દેશ થરથર્યો.


[૪]


“ચળવળખોરોને હાજર કરો.” ન્યાયમૂર્તિએ આદેશ દીધો. રસીથી બાંધેલા ને હાથકડી જડેલા એ સાત જણાઓને અદાલતમાં ઊભા કરવામાં આવ્યા. આવી હંગામી અદાલતો રાજસત્તાએ ગામોગામ ઉઘાડી હતી, બેકાર રઝળતા ‘એલએલ.બી.’ઓ ને ‘હાઈ કોર્ટ પ્લીડરો’ હોંશે હોંશે એ હંગામી કોર્ટોના ન્યાયદાતાઓ તેમ જ પબ્લિક પ્રોસિક્યુટરો નિમાઈ આવ્યા હતા. પાંચાની ટોળીમાં ભળવા ગયેલા ભામટા, જોગટા ને મવાલીઓના વર્ગે જ આ અદાલતોને પણ ફોજદારો ને જમાદારો પૂરા પાડ્યા હતા. અદાલતી કારોબાર તદ્દન સાદો સરળ કરી નાખવામાં આવ્યો હતો, એટલે કાયદાપોથીના જ્ઞાનની ખામી નહોતી જણાતી. પોલીસ અધિકારીઓને ફક્ત થોડા જ શબ્દો કંઠસ્થ કરવાના હતા : ચળવળખોર : રાજ વિરુદ્ધ કાવતરું : ટોળી : જાહેર સુલેહનો ભંગ : શકદાર ઈસમ : વગેરે. “આ સાત ઈસમોએ રાજ વિરુદ્ધ ચળવળ ચલાવી છે, ને નામવર, રાજાધિરાજની કાયદેસર સ્થાપિત સત્તાને ઉથલાવી પાડવાનું કાવતરું કર્યું છે; માટે મહેરબાન જ્યૂરીના મેમ્બર સાહેબો !–" એટલું કહીને ન્યાયમૂર્તિ બીજી બાજુએ બેઠેલા પાંચ અમીરી ઢબના પોશાકમાં શોભતા સજ્જનો તરફ વળ્યા. પાંચેય જણાએ ગંભીર મુખમુદ્રા ધારણ કરીને પોતાનો નિર્ણય જણાવ્યો કે “ભયાનક કાવતરું કરવાના ગુના બદલ સાતેયને અમે દોષિત ઠરાવીએ છીએ.” “તમારે કશું કહેવું છે ?” ન્યાયમૂર્તિ સાતે આરોપીઓ પ્રત્યે વળ્યા. સાતેય જણાએ પોતાની માતા પૃથ્વી તરફ મીટ માંડી. ન્યાયમૂર્તિએ મેજ પર હથોડાના ત્રણ ટકોરા દીધા. કાળી ટોપી પહેરી લીધી ને – ને ફાંસીના ગાળિયા તો બાજુનાં ઝાડની ડાળીએ જ તૈયાર લટકતા હતા એ ગાળિયા તરફ સાતેય ખેડૂતોને વળાવી દઈ, તત્કાળ ન્યાયમૂર્તિએ બૂમ પાડી કે “ચાલો, બીજો કેસ …ગામનો. ત્યાંના ચળવળખોરોને હાજર કરો. ચાલો જલદી. સાંજે પાછા અમારે શહેરમાં યુવરાજશ્રીના નવા કુમાર સાહેબને માટે ઝબલું-ટોપી લઈને જવાનું છે.” “જી હા.” જ્યુરીના સભ્યો બોલ્યા : “અમારે પણ આવવું છે.” “આપ નામદારની ગાડીમાં –” પબ્લિક પ્રોસિક્યુટરે નમીને કરુણા સૂરે કહ્યું : “જો જગ્યા હોય તો સેવકને પણ –” “હા, બેસી જજો. પણ હવે આ પંચાત જલદી પતાવો; લાવો. બીજા કેસના આરોપીઓ ક્યાં છે ?” “હાજર છે, સા’બ !” એવો એક જવાબ સંભળાયો. ને એ શબ્દોના જોરદાર ઘોષે જજ-જ્યુરીને ચમકાવ્યા. સહુએ ઊંચે જોયું. બારણાની અંદર બંદૂકોની નાળો દીઠી, બંદૂકો પાછળ ખાખી લેબાસવાળા અજાણ્યા શખ્સોની ઠઠ ઊભી છે. આગેવાનના માથા પર લીલા મશરૂનો મોડબંધ છે, હાથમાં લીલો નેજો છે. છાતી પર જનોઈબંધ કારતૂસ-પટ્ટો છે. કમ્મરબંધમાંથી તમંચો, કટાર અને ચાકુ ડોકાય છે. બહાવરા બનેલા ન્યાયકર્તાંઓને એણે ફરીથી કહ્યું : “હાજર છીએ, સાહેબો ! હવે મે’રબાની કરીને ત્યાંથી ખસશો મા. અમે તમામ જાપ્તો કરીને જ આવ્યા છીએ.” ડઘાઈ ગયેલા ન્યાયમૂર્તિએ હાથ ઊંચા કર્યા. “ફૂંકી નાખો ઝટ !” ટોળીના અગ્રેસરની પછવાડેથી એક અવાજ પછડાયો. “હવે છાનો મર !” જુવાન અગ્રેસરે હાથનો પંજો છટકોરીની પોતાની પછવાડે રુઆબ છાંટ્યો. ન્યાયમૂર્તિએ હજુ પોતાનો દરજ્જો ન ભૂલી શકાતો હોઈ ઉચ્ચાર કાઢ્યા, “તમે અમને એમ કેમ ફૂંકી શકો ! કાયદેસર તમે એમ નથી કરી શકતા. અમે કંઈ ચળવળખોર નથી. અમારા પર રીતસર મુકદ્દમો ચલાવવો પડશે.” “લે, સાંભળ !” આગેવાને પોતાની પછવાડેથી ‘ફૂંકી નાખો’ બોલનાર સાથીને કહ્યું : “સાભળ્યું ! આપણાથી આ બચાડાઓને એમ તે કાંઈ ફૂંકી શકાય નહિ. અલબત્ત નહિ જ; એના ઉપર રીતસર મુકડદમો ચલાવવો જોવે, ભાઈ ! હાલો, હવે આપણે મુકડદમો ચલાવીએ.” આગેવાન પોતાની ટોળી તરફ વળ્યો. એક જણને કહ્યું : “ભેરુ, તું ઠીક છો. તારી ફાંદ મોટી છે. તું થા ન્યાયધીશ. ચાલ, આ ઊંચી ખુરશીએ બેસી જા; બેસ ઝટ !” “ને તું,” બીજા તરફ ફરીને કહ્યું : “તું થા ફુલેસ ફોજદાર. આમ ઊભો રે’.” “ને હું બનીશ આ આરોપીનો વકીલ. હું ખુદ પાંચિયો જ એનો બચાવ કરવાનો. આપણે અનિયા નથી કરવાનો, હો ભાઈઓ !” “પણ પાંચાભાઈ, જૂરી કોણ થાહે, જૂરી ?” “અલ્યા, હોવે, જૂરી તો જોશે જ તો. જૂરી કોને કરશું ?” આગેવાન વિચારમાં પડ્યો. વિચાર કરતાં કરતાં તેને અતિ શ્રમ પડ્યો હોય તેમ જણાઈ આવતું હતું. કપાળેથી પસીનો લૂછવા લાગ્યો. એના મોંમાંથી આરામ માગતી નિઃશ્વાસ-ફૂંકો નીકળવા લાગી. “આટલી બધી વાર ?” એક સાથી હસ્યો : “મેં તો આટલામાં દસ જૂરી ઠરાવી દીધી હોત, પાંચાભાઈ.” “ઊભા રો’ ! ઊભા રો’ ! ભાઈઓ !” એણે સાથીઓને ધીરજ આપી : “આપણા આ બધા જડજ બાલિસ્ટર સાહેબોને જે ઘડીએ કશું ખાસ યાદ કરવું હોયને, તે ઘડીએ તેઓ આવો કશોક કારહો કરે છે. એ… જોવો આમ.” એ નીચે બેઠો. એણે ટેબલ પરથી કલમ લીધી, કલમને લમણા સાથે ટેકવી વિદ્વાનની છટાથી બેઠો. સાથીઓને પૂછ્યું : “ખરું કે નહિ ?” “ખરું, એક લંબર, પાંચાભાઈ ! લે, હવે ઝટ કર !” “હા, હવે સાંભર્યું. અલ્યા ભાઈઓ !” પાંચો સાથીઓ ત૨ફ ફર્યો : “ઝાડની ડાળે ગાળિયામાં ઓલ્યા સાત જણ ઝૂલે છે ના, ઈ સાતેયને અહીં ઉતારી લાવો. આપણા ઈ સાતેય ખેડૂતભાઈઓ આપણી જૂરી, પાંચ ઉપર બે જણ લટકાના. લઈ આવો ઝટ સાતેય જણને કે’જો કે હવે બહુ ઝૂલ્યા ! હજી અખાત્રીજ તો આઘી છે, ને આંહીં ઈન્સાફ કરવો છે. ગેરઈન્સાફી કામ નથી કરવું. ખબર છે ? આ તો રાજના મોટા થાંભલા કે’વાય. એમણે આજ લગી બધું કાયદાની બારીકાઈથી જ કરેલું છેને, હે-હે-હે-હે.” બહારવટિયાનું ભયાનક હાસ્ય એ જજ, જ્યૂરી તથા પબ્લિક પ્રોસિક્યુટરના વિચારોને કોઈક અકળ ઈન્સાફની કલ્પનામાં ખેંચી જતું હતું. ત્યાં તો એક પછી એક સાત મુડદાને ઉપાડીને એ ઠેકાણે લાવવામાં આવ્યાં. સાતેય લાશોની આંખો ફાટી ગઈ હતી. મુર્દા જાણે જોતાં હતાં. “આવો ! આવો ! હેં-હેં-હેં-હેં, ભાઈઓ ! આવો !” બહારવટિયાએ સાતેય લાશોની સામે આવકાર-શબ્દો બોલી ટૂંકું હાસ્ય કર્યું. સભામાં ઘોર વાતાવરણ છવાયું. “આવો, જૂરીના સભાસદ સાહેબો ! આ ખુરસીઓ માથે બેસો, બેસો, હેં-હેં !” બહારવટિયાએ પોતાના મોં ઉપર પંજો પસાર્યો. હર એક લાશ ઉપર એણે નિગાહ ફેરવી : ભાઈઓય આ સાતેય સાહેબોને ખુરશી પર બેસાડો. એ બેસી શકતા નથી.” સાથીઓએ સાથે મુર્દાઓને ખુરસીઓ ઉપર બેઠક રચાવી. ને બહારવટિયો પ્રત્યેકની પિછાન લેવા લાગ્યો : “તમે ! તમે તો …ગામના ખેડુ ને ? … નામના. તમારા બાપનું નામ …નહિ ?” મર્દુ એની સામે તાકતું હતું. “સાચું ને ? મેં ઓળખી કાઢ્યા ને તમને ? હેં હેં ! ત્યારે એમ છે, ભાઈ ! હું દસ વરસનો હતો તે દી દીઠા’તા તોય તમને ન ભૂલ્યો, કેમ ?” એ રીતે સાતેયનાં નામ-ઠામ લઈને પાંચિયો ન્યાયાસને બેઠેલા સાથી તરફ બોલ્યો : “આમનાં નામ લખ્યાં ને, સા’બ ?” “લખ્યાં, લખ્યાં, હવે જલદી કર ને !” એને લખતાં નહોતું આવડતું. “ચૂપ મર !” એ નિત્યની આદતનું વાક્ય બોલીને બહારવટિયે નાટક આગળ ચલાવ્યું : “મે’રબાન ન્યાયમૂરતિ ! ભૂલચૂક માફ કરજો. ને હવે જૂરીના નામદાર સભાસદ સાહેબો !” બહારવટિયો સાત મુર્દાં તરફ ફર્યો. પછી એણે વકીલની નકલ આદરી : "જુઓ મહેરબાનો ! આ મારા અસીલો, આ સાત ને બે નવ જણા : કેટલા નિર્દોષ છે ! કેટલા ભલા છે ! કેટલા ખાનદાન ! તેમણે આપણા સારુ કાયદા ઘડ્યા. તેમણે આણા ભલાને માટે આપણા જરજમીનની જુમ્મેદારી સંભાળી લીધી — હેં હેં ! તેમણે ને તેમના જેવા તમામ અધિકારી સાહેબોએ આપણે માટે, આપણાં બચ્ચાંને માટે, આપણી ઓરતો ને બેન-બેટીઓ માટે શું શું નથી કર્યું ? બોલો !” પોતે થંભ્યો. બારિસ્ટરનાં નખરાંની નકલ કરીને બંકી ગરદન નમાવી. હાથના પંજાને પ્રશ્નાર્થચિહ્નનો મરોડ દીધો. ફરી કહ્યું : “બોલો ને, મે’રબાનો !” તે થંભ્યો. મુર્દાંના મોં ખુલ્લાં હતાં. મુર્દાંની આંખો ઉઘાડી ફાટ હતી. હમણાં જ જાણે મુર્દાં બોલશે. “બોલો બોલો, અટકો છો શા સારુ ? બીઓ છો કોનાથી ? કહેવું હોય તે કહો. આપ નામદારનો સવતંતર મત કહો. બોલો.” તે રાહ જોતો ઊભો. લાશો ચૂપચાપ ટાંપી રહી હતી. સાતેયની જીભો મોંમાંથી લબડતી હતી. “નહિ જ બોલો ?” એકાએક એને કંઈક સૂઝી આવ્યું : “હં હં ! ઓહો ! હવે બરાબર. તમારે બોલવું તો છે, પણ આ નેકપાક ખાનદાન માણસોએ તમારી જબાનો બહાર કાઢી નાખી છે, તમને બોલ બોલ કરવાની બૂરી ટેવ પડેલી તે ઠંડાવી દીધી છે; ખરું ? હેં હેં ! હેં હેં હેં ! બરાબર, બરાબર, હવે મને સમજ પડી કે તમે શા સારુ નથી બોલતા.” થોડી વાર એ બોલતો અટકી પડ્યો. થૂંક ગળીને પોતાના સુકાયેલા કંઠને ભીંજવતો હતો. પછી ફરીવાર હાથછટા કરીને એ મુર્દાં તરફ વળ્યો : “ત્યારે હવે તમને પૂછું છું, મે’રબાન જૂરીના મેમ્બર સાહેબો ! કે આ પરગજુ, દયાળુ મહાપુરુષોને કાયદેસર ઈન્સાફ આપશો ને તમો ! તમારો જે ન્યાય એમણે તોળ્યો છે તે જ ન્યાય તમે એમનો કરશો ને ? હેં ?” મુર્દાં એકીટશે જોતાં હતાં. “જો તમે કબૂલ હો તો ચૂપ બેઠા રે’જો.” નાક પર આંગળી મૂકીને એણે કહ્યું. “કબૂલ ?” મુર્દાની જીભ બહાર લબડતી રહી. “ખાસું ! કબૂલ છે. મે’રબાન જડજ સા’બ ! જૂરીને કબૂલ છે. આપને ?” “કબૂલ છે.” જડજ બનેલો ડાકુ બોલ્યો. “એ જ ગાળિયા નાખો એના ગળામાં. લટકાવી દ્યો આ નવેયને એ જ ઝાડની ડાળે. મુલક બધો ભલે જોવે. પંદર દા’ડા લગી લાશો ઉતારશો મા, ભાઈઓ ! લઈ જાવ આ સાહેબોને.” – ને ન્યાયાધીશના અવાજમાંથી રુદન ફાટી ગયું, “હું-ઉ-ઉ-ઉ ! ઈન્સાફ ! મને, મને ઈન્સાફ આપો ! મેં કાયદેસર કરેલ છે. મને ઈન્સાફ !” પાંચાનો કંઠ બદલી ગયો. એણે કાળવાણી કાઢી : “ઉઠાવી જાવ આ લાંબી જીભવાળાને. અને આજ પછી કાયદો પાંચાનો પળાશે. ટૂંકો ને પાધરો કાયદો. એક એક માથા દીઠ ગણી ગણીને બબે માથાં ઉડાવો. મારા બાપની કાયા જે દા’ડે પડી, તે દા’ડાથી આજ લગીનાં લેણાં વસૂલ કરો. ન કરો તો તમને મોટા દેવના કસમ છે, ભાઈઓ !” “જે ! પાંચાભાઈની જે !” લૂંટારુ ફોજનો હર્ષ-લલકાર ગુંજી ઊઠ્યો. એક સાથીએ આવીને ખબર દીધા : “પાંચાભાઈ ! હવે ઝટ નીકળી જાયેં. રાજની ફોજની ખેપટ ઊડે છે રસ્તે.” “લ્યો સલામ, ભાઈઓ ! સાતેયને સલામ છે. ત્યાં માલિકને દરબાર મળશું. ને જુવો, તમારાં બાળબચ્ચાંની ફિકર કરશો મા. મોજથી રે’જો ત્યાં.” એટલા શબ્દો સાથે જૂરી ઠરાવેલી સાતેય લાશોને સલામ કરીને પાંચો બહાર નીકળ્યો. એની આંખોને એ જોરથી ચોળતો હતો. એના કપાળ પર સ્વેદ બાઝી ગયાં. મર્દની આંખ નથી રડતી. મર્દનું તો લલાટ રડે છે. સભાગૃહમાં સૂનકારને રહેવા દઈ લૂંટારુ ફોજે ગામ છોડ્યું ત્યારે ભાગોળના ઝાડે નવ રાજમાન્ય પુરુષોની લાશો લટકતી હતી. ઘોડા પરથી પછવાડે નજર કરતો પાંચો બોલતો ગયો કે “એ હેઈ ભાઈબંધ પવન ! એ નવે જણાને ખૂબ હીંચોળજે.” “ગામોગામ આવાં લીલાં તોરણ બાંધશું, પાંચાભાઈ !” કહીને સાથીઓ પોતપોતાના ઘોડાઓની પીઠ પર કૂદકા મારવા લાગ્યા.


[૫]


રાજસત્તાનું જોર બે ભાગમાં વહેંચાઈ ગયું. ડુંગરામાં લૂંટારાઓ હતા. ને પ્રજાની વચ્ચે એક રાષ્ટ્રપક્ષ જાગ્યો હતો. કાયદેસર જુંબેશ કરનારા એ રાજદ્વારી રાષ્ટ્રદળને રાજસત્તાએ જ્યારે ગૂંગળાવવા માંડ્યું, ત્યારે એ દળની શક્તિ ઊંડાણે ઊતરી ગઈ. ત્યાં ભૂતલમાં એની સુરંગો ગળાવા લાગી. એનો આગેવાન ‘ભાઈજી’ ને નામે ઓળખાતો હતો. ‘ભાઈજી’ છૂપું જીવન જીવતો, લોકોની જેભ પર ‘ભાઈજી’ શબ્દના ઉચ્ચાર સાથે અમૃત ઝરતું, ‘ભાઈજી’ની છબીઓ લોકો દાણાની કોઠીમાં સાચવતાં, ને અધરાતે પોતાનાં બચ્ચાંને બતાવતાં. ‘ભાઈજી’ છૂપો વિપ્લવ લડી રહ્યા હતા. રાજસત્તાની સામે સુવ્યવસ્થિત લોકસત્તાના યંત્રો એણે ચલાવ્યાં હતાં. ‘ભાઈજી’નું રાજતંત્ર ગામડે ગામડે ગોઠવાયું હતું. ન્યાયપંચો, કરવેરાનું વસૂલાતી ખાતું, કેળવણી, વગેરે અનેક ખાતાં ‘ભાઈજી’ તરફથી કામ કરી રહ્યાં હતાં. ફક્ત એક કમીના હતી, લશ્કરની, ‘ભાઈજી’ના સ્થાપેલા સેનાપતિની પાસે વ્યૂહરચના તૈયાર હતી. રાહ જોવાતી હતી ફક્ત સૈન્યની. બહારવટિયો વિસ્મય પામતો. આ ‘ભાઈજી’ની ખ્યાતિ સાંભળ્યા કરે છે, પીડિત ખેડૂતોને દાણા મોકલનાર આ દાતાર કોણ છે ? કેવોક શાહુકાર છે ? એના નામની માનતાઓ શા માટે ચાલે છે ? જાતને જોખમે પણ વસ્તી જેનાં છૂપાં છપાતાં પતાકડાં વાંચે છે તે આદમીમાં શી દૈવી ચમત્કૃતિ ભરી હશે ? એના નામ ખાતર સેંકડો જુવાનિયા ફ્રાંસીએ ચડે છે, એવો તે શો ઈલમ છે ? વૈરની વસૂલાત સામી હત્યા કરીને ન લેવી એવું અવળું ભણતર પ્રજાને ભણાવનાર આ કેવી વિચિત્ર આદમી છે ? કારતૂસના પટ્ટા અને બંદૂકો આપવાને બદલે લોકોને ‘ચોપડિયું’ શાની વંચાવી રહેલ છે ? સગા બાપુની હત્યા કરનારને આપણે શું જીવતો જવા દેવો ? હ-હ-હ-હ, એક દા’ડો મળવું પડશે આ માનવીને.

*

સાંજના સાતેક વાગ્યાને સુમારે, રેલગાડી એક વગડાઉ સ્ટેશનના યાર્ડમાં ખડી રહી અને સ્ટેશન માસ્તરે ડ્રાઈવરે તથા ગાર્ડ પોતાની સાથે ભરી બંદૂકોની નળીઓ છેક છાતીની લગોલગ ચંપાતી દીઠી. ટ્રેનને લૂંટતા લૂંટતા ડાકુઓ એક નાના ખાનામાં આવ્યા ત્યારે એક મુસાફર આંખે ચશ્માં પહેરીને ઊંધે માથે કંઈક લખતો હતો. બંદૂક તાકીને પાંચાએ એને ઢંઢોળ્યો : “આટલો બધો મશગૂલ ઈશ્કનો કાગળ લખતો લાગે છે !” “હું રિપોર્ટ લખું છું. કોણ છો તમે ? બેસવું હોય તો આ રહી જગ્યા.” લખનારે ફરી માથું ઊંધું નાખ્યું. “એ જુવાન !” પાંચાએ એને ફરી વાર હડબડાવ્યો. “અહીં હવે જગ્યા નથી. હેઠા ઊતરો.” “કોણ છો તમે ?” “કાકા.” “કોના ?” “ભત્રીજા ! બાપ ! તારા, હેઠો ઊતર. માલ દઈ દે હું. પાંચો –” “તમે પાંચા ડાકુ છો ? ઊભા રો’, તમારી છબી પાડી લઉં.” લખનારે કૅમેરા ખોલ્યો. ચપ ચપ ચાંપો ઉપર એની આંગળી ચાલી. “મારી છબીને શું કરશો, હેં ભત્રીજા ?” “હું … છાપાનો પ્રતિનિધિ છું. અમારું છાપું નગરમાં તમામ બીજાથી માતબર છાપું છે. તમને મળીને હું ઘણો ખુશહાલ બન્યો છું, પાંચા બહારવટિયા !” “ઓહો ! તયેં તો તમને જ બાન પકડી જવામાં કસ છે. લ્યો હાલો, ત્યાં ફુરસદે મારી છબિયું પાડજો.” એક ટારડા ઘોડા ઉપર છાપાવાળાને જબરદસ્તીથી ચડાવવામાં આવ્યો. પણ, ‘ઘોડેસવારી’ પરની ચોપડીનું અવલોકન ખુદ પોતે લખેલું છતાં, છાપાવાળાનો દેહ સમતોલપણું નથી સાચવી શકતો એવું જોતાંની વાર જ બહારવટિયાએ હુકમ દીધો કે “એને ઘોડા ભેળો રસીથી જકડી લ્યો.”


[૬]


‘ઘોડેસવારી’ના વિષયની ઘણી ઘણી ચોપડીઓનાં અવલોકન લખનાર છાપાવાળો ડાકુઓના ઘોડા ઉપર દાણાની ગુણી જેવો લબડતો જતો હતો. એક તો લૂંટારુ ટોળીના ઘોડાની તગડ, બીજું ડુંગરાળ રસ્તા, ને ત્રીજું પોતાનું શું થશે તેની ચિંતા – ત્રણ વાતોએ વર્તમાનપત્રોના હોશ ઢીલા કરી નાખ્યા. વચમાં નદીનેરું આવતું ત્યારે પાંચો પોતાની ટોળીને થંભાવતો, ને સાથીઓને હુકમ કરતો કે “ઈ છાપાવાળાના મોં ઉપર પાણી છંટકારતા રે’જો, લૂગડું ભીંજાવીને એના મોંમાં નિચોવતા આવજો. નીકર ઈ છાપાવાળું નાહકનું મરી જશે.” ડાકુને મન છાપાવાળો નાન્યતર જાતિનું જ પ્રાણી બન્યો હતો. નાન્યતર શા માટે ? – છાપાવાળાની બેહાલ જિંદગીએ એની શકલને પશુવત્ કરી નાખી હતી. તે માટે, કે એની તુચ્છતાને કારણે, તે તો સમજાતું નહોતું. પણ વર્તમાનપત્રીને રસ્તામાં જ એક વાત સમજાઈ ગઈ હતી કે ડાકુ પોતાના પ્રતિ માયાળુ વર્તાવ રાખી રહ્યો છે. પહાડોમાં પહોંચીને લૂંટારાઓએ રસીબંધ છોડ્યા કે તુરત વર્તમાનપત્રી ઢગલો થઈને ધરતી પર પટકાયો. જાણે બટાટાની ફાંટ ફસકી પડી. બીજી જ પળે એ ટટ્ટાર બન્યો. ગજવામાંથી ફાઉન્ટન પેન કાઢીને પોતાના પાકીટ તરફ ચાલ્યો. “હેઠો મર.” ડાકુએ ત્રાડ પાડી : “શું છે ?” “મારે ડિસ્પેચ લખવો છે.” ડાકુને આ ભાષાનું જ્ઞાન નહોતું. એણે ઠેકડી ગણીને ડોળા ફાડ્યા : “શું છે ?” “મારે અહીંનો અહેવાલ માર છાપા ઉપર લખી મોકલવો પડશે.” “એટલે શું તારે અમારી બાતમી પોગાડી દેવી છે ? આ દીઠી ? ફૂંકી દઈશ.” ડાકુએ બંદૂક તાકી. પોતાને બહારવટિયાએ ફૂંકી દીધો હોવાની હકીકત તો છાપાવાળાને બહુ આકર્ષક લાગી. ઘડીભર એના કલ્પનાવ્યોમમાં પોતાના અખબારનું પહેલું પાનું રમી રહ્યું. કરોળિયા જેવડા મોટા અક્ષરોની હેડલાઈન, પોતાનું વિસ્તૃત જીવનવૃત્તાંત, અને ‘મરહૂમ પોતાની પછવાડે એક જુવાન નિરાધાર વિધવા તથા પાંચ નાનાં બાળકોને મૂકી ગયો છે’ એવી હૃદયદ્રાવક નોંધ સાથે પોતાના કુટુંબનો ગ્રુપ ફોટો : વગેરે સુંદર નિવાપાંજલિ એની નજર સામે તરવરી ઊઠી. પણ મુશ્કેલીની વાત એ હતી કે પોતાના ઠાર થયા બાદ એ વાતનો ‘ડિસ્પેચ’ મોકલનારું ત્યાં કોઈ હશે નહિ. છાપાવાળાએ પાંચાને એક વાત સમજાવી : “પાંચા બહારવટિયા ! મારું લખાણ નહિ જાય તો અમારા છાપામાં છપાશે કે તમે મને ઉઠાવી ગયા. મને અગ્નિ પર ચલાવ્યો, મને જીવતો લટકાવીને નીચે ભડકા કર્યા. પછી મને શેકીને તમે ખાઈ ગયા.” પાંચો સ્તબ્ધ બની ગયો. “એવું, છાપે ? કાગળિયા માથે એવું જૂઠાણું છાપે ? ને લોકો એવું માને ? પાંચિયો મનુષ્યાહારી છે એવું માને ?” પાંચો સમસ્યામાં ડૂબી ગયો. “બતાવું ?” છાપાવાળાએ પોતાનું પાકીટ ખોલવાની રજા માગી. “શું બતાવે છે ?” બે-ત્રણ છાપાનાં મોટાં પાનાં કાઢીને એણે બહારવટિયાની સામે પાથર્યાં. એમાં પાંચા ડાકુની કલ્પનાછબીઓ હતી. પાંચાના સિતમાના કલ્પિત રેખાચિત્રો હતાં. એક ચિત્ર એવું હતું કે પાંચો નાનાં છોકરાંઓને માતાઓનાં સ્તનો પરથી ઉપાડી લઈ ઊંચે ઉછાળે છે, ને પોતાની ભાલાની અણી પર ઝીલી મારી નાખે છે. “ને દુનિયા મારે વિષે આ બધું માની લે ?” પાંચાને દુનિયાનું ઓછું આવ્યું. “મેંય માનેલું. એટલે જ રેલગાડીમાં મેં તમને દીઠા ત્યારે તમે મને કોઈ વેષધારી જ લાગેલા. નીકર તો હું ત્યાં ને ત્યાં ફાટી ન પડ્યો હોત ?” “મારે માટે શું દુનિયા આવું માને છે ?” બહારવટિયાએ બે હાથે લમણાં દબાવી રાખ્યાં. “માને જ છે તો.” છાપાવાળાએ એના લમણામાં ઘણ માર્યો જાણે. પાંચાને કપાળે પસીનાની મોતાવળ બંધાઈ ગઈ. “આવું જૂઠાણું શીદ છાપે છાપાં ?” “સાચું ન મળે તો પછી કાં’ક છાપવું તો જોઈએ જ ના, ભાઈ !” પત્રકારે ઠાવકે સ્વરે કહ્યું : “કાંઈ કોરાં પાનાં વેચાય છે ?” “સાચું.” પાંચાને જાણે કે સત્ય લાધ્યું : “બાપડાથી કાંઈ કોરાં પાનાં થોડાં વેચાય છે ?” “ને જો પાનાં કોરાં રીયે ને, પાંચાભાઈ, તો શું બને ખબર છે ને ? –” કહીને છાપાવાળાએ ગજવામાં હાથ નાખ્યો. એક પરબીડિયું કાઢ્યું. અંદરથી એક કાર્ડ સાઈઝની તસ્વીર કાઢી પાંચાને બતાવી. “હા રે હા !” હર્ષ અને વિસ્મયનો ધીરો સ્વર કાઢતો બહારવટિયો નીરખી નીરખી જોવા લાગ્યો : “અ-હા-હા-હા ! આ કોણ ? આ એક ઈથી નાનું આ બીજું, ઈથી નાનું, ઈથીયે નાનું ને ઈથીયે નાનું રાભડિયું આ છોકરું : હારબંધ પાંચ છોકરાં, હા-હા-હા-હા ! હડેટ હોમ ! જાણે હું પરેડ કરાવું એવાં પાંચ !” “– એ બધાં તૂખે મરી જાય.” “ભૂખે મરી જાય ! શા સારુ ?” “મને નોકરીમાંથી રજા મળે.” “તે આ પાંચેય મરી જાય ? આ કોણ છે ? તારાં છૈયાં છે ?” છાપાવાળો મરકી રહ્યો, બહારવટિયાની આંખો ઘડી છાપાવાળા સામે તો ઘડી છબીની સામે એમ ચાવી આપેલ યંત્રની માફક દોડાદોડ કરવા લાગી. “હા, હા, ચહેરા-મોરા બરાબર મળતા આવે છે. પાંચ છોકરા તારે ? વાહ પરવરદિગાર ! વાહ ! વાહ ! તકદીર ! કેવાં સુંવાળાં પાંચ બચ્ચાં !” પાંચાનો પંજો તસ્વીર પર લસરવા લાગ્યો. રખે જાણે પોતાનો બરછટ હાથ એ બચ્ચાના ગાલ ઉપર ખરડાશે, એવી બીકે એ પોતાની હથેળી તપાસતો જાય છે. “વાહ !” કહીને એણે છાપાવાળાની દાઢી પર હાથ ફેરવ્યો. ત્યાં તો ત્રણ દિવસનાં ભાલાં ઊગી નીકળેલાં હતાં. હસીને બહારવટિયાએ કહ્યું : “ક્યાં તારું કરવત જેવું કાઠું, ને ક્યાં આ તારાં બચ્ચાંના મુલાયમ ગાલ ! ઓ હો હો હો !” તસવીર પર એની હથેળી સુખસ્પર્શ પામતી હતી. “ત્યારે હવે આ બચ્ચાં જીવતાં રહે, ને આપણી બાબતમાં દુનિયા સાચી વાત જાણે, એવું કાં’ક કર ને, મારા દાદા ! કર ને, મારા દિલોજાન ! નીકર પાંચાની લાશ ઉપર ખલક થૂ થૂ કરશે, યાર !” એવું કરગરતો ડાકુ છાપાવાળાને પંપાળવા ને હલાવવા-ફુલાવવા લાગ્યો. આખર નક્કી થયું કે છાપાવાળાએ રોજ એક ‘ડિસ્પેચ’ લખવો, એ પાંચા કને વાંચી સંભળાવવો, વાંચ્યા પછી ઈમાન ઉપર બોલવું કે બીજું કંઈ લખ્યું નથી. ને એને આ રાજ્યના સીમાડા બહારથી પોસ્ટમાં લાગુ પાડવા ડાકુએ ઘોડેસવાર દોડાવવો. પછી તો વર્તમાનપત્રીના ગજવામાં ચોટેલી બે-ત્રણ ફાઉન્ટન પેનોએ ને લાલ, વાદળી, કાળા રંગની પેનસિલોએ કાગળ ઉપર દોટાદોટ મચાવી દીધી. કૅમેરાની ચાંપોને આરામ ન રહ્યો. વર્તમાનપત્રી ચિત્રકાર પણ હતો, થોડું થોડું તમામ વાતનું ડહાપણ ડોળી જાણતો, એટલે એણે પાંચાના ભાતભાતના પેનસિલ-સ્કેચો પણ કરી મોકલ્યા. પાંચો ગામ ભાંગે છે ત્યારે ફુલેકે કેમ ચડે છે; દાંડિયા-રાસ ને ચોકારો કેમ લ્યે છે; ગરીબ-ગુરબાંને, ઓરતો ને બચ્ચાંને કેવી ખેરાત વહેંચે છે; વેપારીઓના ચોપડા કેવી તરેહથી સળગાવે છે, તેનું સચિત્ર બયાન દૂરદૂરના નગરે છાપે ચડવા લાગ્યું. એ છપાયેલા છાપાંના બીડા પણ પહાડમાં પહોંચતા થયા. ડાકુની ટોળીને તો આ છાપાવાળાની ઈલમબાજી જોઈ જોઈ વિસ્મયનો પાર ન રહ્યો. બહારવટિયો ને વર્તમાનપત્રી બેઉ દિલોજાન દોસ્ત બન્યા.


[૭]


કોઈ કોઈ વાર બેઉ એ કહેતી ૫ડીને ખળખળ વહેતી ઝરણીને કિનારે જાંબુડાના ઝાડની ઘટામાં બેસતા. હરિયાળી ધ્રો ઉપર દેહ લંબાવી પડ્યા પડ્યા ગુફત્તેગો કરતા, ને છાપાવાળો પોતાની ઓરતતનો નવો આવેલો પત્ર વાંચી સંભળાવતો. “હેં-હેં-હેં !” પાંચાના મોં ઉપ૨ અનંત ખુશાલીભર્યું ગભરુ હોય છવાતું. “શું તારી ઓરત મનેય સલામ લખાવે છે ? મને એણે ‘ભાઈ’ કહી મોકલ્યો છે શું ?” “ને આ રાખડી મોકલી છે.” પત્રકારની સ્ત્રીએ રેશમી દોરામાં મોતી પરોવીને એક રાખડી મોકલી હતી. તે જ્યારે પત્રકારે ડાકુના પંજા પર બાંધી ત્યારે દોરો એના કાંડાને ટૂંકો પડ્યો. “સાળું આમ કેમ થયું ?” પત્રકાર વિમાસણમાં પડ્યો, “મેં ડાયામીટરનું માપ તો બીડ્યું હતું !” બહારવટિયો કશું સમજ્યો નહિ, પૂછ્યું : “મૂંઝાણો છો કેમ ?” “ભાઈ ! દુ:ખ તો એ છે કે તારા જેવું ધીંગું કાંડું મારી બાયડીની કલ્પનામાં જ ક્યાંથી આવે ?” “શું હું એવડો બધો ધીંગો છું ?” પાંચો પોતાના બદન પર જોઈ જોઈ, મોં બગાડવા લાગ્યો. “સાળું, આ તે હું ગોધો છું કે ઈન્સાન ?” “ઉપરથી ગોધો, અંદરથી ઈન્સાન !” છાપાવાળાએ કહ્યું. આખરે જેમ તેમ કરીને રાખડી બાંધવામાં આવી; બહારવટિયાએ કહ્યું : “બસ, હવે ફિકર નહિ, બોનની રાખડીનાં રખવાળાં મળ્યાં. હવે તો આખા મુલકને ઉથલાવી જ નાખું.” છાપાવાળાએ પોતાની ઓરતની છેલ્લામાં છેલ્લી તસવીર બતાવી. બહારવટિયાએ ધારી ધારીને છબી સામે નીરખ્યા કર્યું. કોઈ ન સાંભળતું હોય એવી ધીમાશથી ડાકુ બબડ્યો : “આવી જ હતી બરાબર.” “કોણ ?” “મારી મા.” ને પંદર વર્ષો પર જેના પાલવમાં લપાઈને પોતે ઊભો રહેતો, તે મા એને યાદ આવી. કંઈક અકળ અકળામણ થતી હોય તે પ્રકારે લીલી ધ્રો ઉપર એણે મોં રગદોળ્યું. બીજે પડખે ફરી ગયો. છાપાવાળો ઢંઢોળવા લાગ્યો : “ભાઈ, ભાઈ ! શું થાય છે ? મરદ થઈને ! –” “અરે ના રે ના ! થાય વળી શું ?” કહેતો ડાકુ ઊઠ્યો ને જલદી જલદી ઝરણાને તીર જઈને મોં ધોયું, પાણી પીધું, ગળું ખોંખારી કાઢ્યું. છતાં વાતને બદલવાની જરૂર હતી. છાપાવાળાએ ધીરી ફૂંક મારી : “હં-હું, પાંચાભાઈ, આમ તો જો !” એ નવી બતાવેલી તસવીરમાં છાપાવાળાનો એની પત્ની જોડે પડાવેલો ફોટો હતો. “તારો આવો ફોટોગ્રાફ હું ક્યારે પાડી શકીશ, ભાઈ ?” “છાપામાં છપાશે ?” “અરે, પે’લે પાને.” પાંચાના દિલમાં કોમળ ભાવ રમતો થયો. તે દિવસથી અનેક વાર પોતે પહાડના ખડકો અઢેલી ઊભતો, ત્યારે જાણે એનો જમણો હાથ કોઈક અદીઠ સહચરીના ખભા ઉપર વીંટળાયા જેવો મરોડ ધારણ કરતો. એનાં નયનોએ કોઈ માદક અંજનની ઘેરાશ પકડી. વારંવાર એણે છાપાવાળા ભાઈબંધની પત્નીના તેમ જ પાંચ બાળકોના ફોટોગ્રાફ માગી માગી નિહાળ્યા ને વારંવાર પૂછ્યા કર્યું : “મારાય આવા જ પોટુગરાફ શું છાપામાં છપાશેં, હેં ભાઈબંધ ?”


[૮]


“કોણ છો તમે ?” અવાજ ક્ષીણ હતો, એથી વધુ જર્જરિત એ પૂછનારનો દેહ હતો. સહુથી વધુ દુર્બળ હતું એ કાતરિયું, જ્યાં એ મગતરા સરખો માનવી બેઠો હતો. “હું-હું પાંચો છું.” જવાબ આપનાર કદાવર આદમીનું ગળું કોણ કાકરે શા કારણે થોથરાયું. એની મોટી અને કસુંબલ આંખો એ નાના સ્થળને હજુ પૂરેપૂરું નહોતી નિહાળી રહી. “શા માટે આવ્યા છો ?” ખુરશી પર બેઠેલા હાડપિંજરે ફરીથી પ્રશ્ન કર્યો. “શા માટે ?” લૂંટારાએ હાસ્ય કર્યું : “તમે – તમે – તમે પોતે જ ‘ભાઈજી’ ખરા કે ? તમે મને તેડાવેલો નો’તો ? હું પંડે જ પાંચો.” “મેં તો તેડાવ્યો હતો પાંચા વીરને – પાંચા ડાકુને નહિ, મારે તો મળવું હતું પાંચા બહાદરને — પાંચા લૂંટારાને નહિ.” બોલનારનો દેહ ક્ષીણ છતાં ખુરસી પર ટટાર બેઠો હતો. એના જીર્ણ લેબાસમાં સુઘડતા હતી. ગાલના ખાડા ઉપર અકાળે શ્વેત બનતા જતા રેશમી વાળની પાંખી દાઢી હતી. લાકડી જેવાં પાતળાં હાથકાંડાં ટેબલ પર મક્કમ અદબ ભીડીને પડ્યાં હતાં. ઊંડી ઊંડી આંખોના કૂપમાંથી એની કીકીઓ હીરાકણી-શી ચમકતી હતી. આવી આંખો પાંચાએ પૂર્વે કદી નહોતી દીઠેલી. લોકજીભેથી સાંભળેલું કે અંતર્યામી હંમેશાં માનવીનાં નેત્રોમાંથી ડોકાય છે. અહીં એ કથનનો સાક્ષાત્કાર કરતો પાંચો ઊભો હતો. એણે જાણે કશુંક એવું દીઠું, કે જે જોયા વગર જો મરી જઈએ તો આપણને ઓરતો રહી જાય. આવડા નાનકા માનવીને આવી મોટી ને ઝગારા મારતી આંખો ? મા આંખો આષાઢી રાતને ઘનઘોર અંધારેય ધાર્યા નિશાન ઉડાવે ને ? ડાકુને દરેક વસ્તુનું મૂલ્ય આ હિસાબે જ મૂલવવાનું હતું. નીચા ઘરના દ્વારમાં દાખલ થનાર ઊંચા આદમીને કપાળે જેમ કમાડનું લાકડું અફળાય, તેવો કોઈક તીવ્ર અફળાટ પાંચાના અંતઃકરણે આ નાનકડા માનવીના છેલ્લા બોલમાંથી અનુભવ્યો. એને થોડી વાર તમ્મર આવ્યા જેવું થયું. મુલક બધો જેને પાંચો વીર ને પાંચો બહાદર કહી બિરદાવે છે, તેને મોઢામોઢ ડાકુ, લૂંટારો ને ખૂની કહેનારો પહેલવહેલો જ આ નાનકડો આદમી મળ્યો. થોડી વાર તો પાંચાને થયું કે આ ખડમાંકડી જેવા જંતુને બોચી ઝાલીને ઊંચે ઉપાડી પાંચ-દસ ઊઠ-બેસ કરાવું. પણ એ નાના આદમીનાં નેત્રો હજુય પોતાની નિશ્ચલતા ટકાવી રાખી, ડાકુની સામે જોતાં, જવાબ માગી રહ્યાં હતાં. એ આંખોમાં પ્રશ્ન ચીતરાયો, હતો, ને પ્રશ્નની પછવાડે, તપતા સૂર્યની પાછળ સ્થિર શીતળ નીલામ્બર હોય છે તેવી અચંચલ ગંભીર શાંતિ હતી. એ શાંતિએ આ પશુ પર શાસન જમાવ્યું, આ રાક્ષસી માનવીને અકળાવ્યો. મોં શરમિંદુ બન્યું. એનાથી ફક્ત આટલું બોલાયું : “બહાદર કેમ નહિ ?” “બહાદર કેમ નહિ !” હાડપિંજર જેવા માણસે એની એ જ સ્થિરતાથી ભરેલો અવાજ છાંટ્યો : “આગ લગાડે, લૂંટે, મારફાડ કરે, વસતિનાં દ્રવ્યની મૂઠીઓ ભરી ભરી ખુશામદખોરોને દાન દ્યે, ખાણીપાણી ને નાચ-ગાનની મોજ ઉડાવતો ફરે, એ માણસ બહાદર ? પોતાના બાપના ખૂનનો કીનો લઈ લહેર ઉડાવે એ બહાદર ? પચીસ જણાની ટોળી લઈ તલવારને દોરે પોતાની ‘જે ! જે !’ બોલાવે એ બહાદ૨ ?” પાંચો કશુંક કહેવા જતો હતો. એને સમય આપ્યા સિવાય નાના આદમીએ પૂછ્યું : “પાંચા બહાદર ! તમારે મા હતી ?” “હતી.” “એવી જ ગર્ભવતી માતાઓને કાને પાંચાના નામની હાક પડતાં કાચા ગર્ભ વછૂટી જાય છે એ સાંભળ્યું છે ?” પાંચાનું મોં ગરદનથી નીચે નમ્યું. એણે પોતાનો બચાવ કરવા જીભ ચલાવી : “હું રાજને ખેદાનમેદાન કરવા ઊઠ્યો છું. તમારા જેવું જ કામ કરું છું. મને તો તમારી પાસેથી શાબાશીની ઉમેદ હતી.” પાંચાના ગાળામાં નાના બાળકના જેવો કચવાટ હતો. “એ ઉમેદ તેં મને ઓળખ્યા વગર બાંધી હતી, અને રાજને આ રીતે રંજાડવાથી શું, બસ વાત પતી ગઈ ?” “કેમ ?” “આજ તારો વારો; કાલે રાજનો વારો. તું એક તિજોરી લૂંટશે; રાજ વળતે જ દિવસે એ તિજોરીને વસતિનાં લોહીમાંસથી ભરી કાઢશે. તું પચીસ બંદુકો વસાવશે; રાજ સો મંગાવશે. આ તારી બહાદરી !” બોલનારનો અવાજ હજુ બદલ્યો નહોતો. એની આંખોએ રિસ્થરતા છોડી ન હતી. “ત્યારે શું કરવું ?” “કહું, બેસો.” નાના માણસે ખુરસી બતાવી. બહારવટિયાએ ખુરસી પર હાથ મૂકીને જોઈ લીધું કે બેસવા જતાં અકસ્માત થવાનું જોખમ છે. એને વર્તમાનપત્રોનાં પત્નીએ મોકલેલ રાખડીની વાત યાદ આવી. પોતાના માપનો સરંજામ કોઈ નથી વસાવતું તે વાતનો એને માનસિક ધોખો થયો. એ ઊભો જ રહ્યો. કપાળેથી એણે પસીનો લૂછ્યો. બાજુમાં જ દીવાલ ઉપર એક નકશો લટકતો હતો. તેના ઉપર એ નાના માણસની આંગળી ચપ ચપ દોડવા લાગી. આંગળીને ફેરવતાં ફેરવતાં એણે બહારવટિયાને સંભળાવ્યું : “પાંચાભાઈ ! આ આપણી જન્મભૂમિ. આ લાલ ટપકાં છે તેટલાં રાજનાં થાણાં. આ રાજની ફોજની છાવણીઓ. આ એનું લાવલશ્કર. તેં આટલાં ગામ ભાંગ્યાં. રાજે તારા વૈરની વસૂલાત આટલાં આટલાં ગામો સળગાવીને કરી લીધી. આટલાં ફાંસીને લાકડે, આટલાં ગોળીબારથી ઠાર, આટલી જમીન જપ્ત. આટલી ઓરતોનાં શિયળ રોળાયાં…” નાનો આદમી નકશા પરની એંધાણીઓ વાંચતો જાય છે, ને પાંચાનાં આંગળાં કપાળ પર વળતા સ્વેદની ધારાઓને નીચે ટપકાવતાં જાય છે.


[૯]


પાંચાએ કોઈ જાદુગર જોયો. ખેડુ-પુત્રને વિસ્મય થયું, કે આઠ હાથની ઓરડીમાં બેઠેલા આ નાનકડા આદમીની આંખ સારા દેશનું તરણે તરણું શી રીતે ગણી રહેલ છે ! નકશા ઉપર દોરેલ લાલ-વાદળી લીટાની પાછળ દેશની બેહાલીના આંકડા સંઘરાઈ ગયા હતા. આંકડાઓએ આ અડબૂતને ઝડપી ભાન કરાવ્યું. આંકડાની અંદર એણે જાતભાઈઓની ગરીબીના, દુર્દશાના, મુર્દાંના ઢગલા દીઠા. પોતાના યશોગાનની એ ડાકુને આજ પ્રથમ વાર શરમ ઊપજી. “પણ – પણ –” એનું ડાચું બોલવા યત્ન કરી રહ્યું : “તમે તો અક્કલવંત છો. તમે કાંઈ ઉકેલ બતાવશો ?” “ઉકેલ એક : આજથી નક્કી કરો, કે ‘પાંચાનો જય’ નહિ, પણ જન્મભોમનો જય : જે જય પુકારતાં હજારો દેશ-જુવાનોનાં રૂંવાડાં ખડાં થાય.” “એટલે ?” “એટલે એક પાંચસો-હજાર ઘેટાંના ટોળામાં વરુની જેમ ‘બહાદુર’ ન રહે, પણ ઘરેઘરથી એકેક પાંચાને ખડો કરે.” બહારવટિયો અર્ધસ્પષ્ટ મને તાકી રહ્યો બોલ્યો : “મને હકમ આપો. તમે મને કહો કે શું કરું ?” “હાકલ કર. દેશના એક છેડાથી બીજા છેડા લગી તારો સાદ પહોંચાડ, કે પાઘડીનો આટો લઈ જાણતા એકેએક જુવાન નીકળી પડે. ખોરાકી-પોશાકી હું પૂરી પાડીશ. તું ફોજ જમાવ. એને કવાયતુ શીખવીએ, એને શિસ્તના પાઠ પઢાવીએ. નિશાનબાજી અને કિલ્લેબંદીમાં પાવરધા કરીએ, પછી –” “પછી ?” “પછી તાવડીમાંથી રોટલો ઉથલાવે તે રીતે રાજપલટો કરવો. ધરમરાજની ધજા ચડાવવી. પાંચાનું રાજ નહિ પણ પ્રજા સમસ્તનું રાજ જાહેર કરવું. એ રાજ ખેડૂતોને જમીન પાછી સોંપશે. અદલ ન્યાય તોળશે. ધનિક-નિર્ધનના ભેદ ટાળશે, ને જય પોકારશે જનમભોમની, પાંચાની નહિ.” બોલનાર નાના માનવીનાં નેત્રોમાં ભાવીનું સ્વપ્ન રમી રહ્યું. એણે પાંચાની ઝીણી તાકતી આંખો પાસેથી જવાબ મેળવવા થોડો પોરો ખાધો. એને હજુ આસ્થા નહોતી કે ડાકુને પોતાનો એકલ વિજયડંકો વગાડવાનો મોહ છૂટી શકશે. પાંચાના કપાળ પર વળેલી વિચાર-કરચલીઓ જાણે કોઈ અદૃશ્ય છેકભૂંસ કરતી કશીક ગણતરી ગણી રહી હતી. એણે થાકીને માથાબંધની આંટીઓમાંથી એક બીડી ને દીવાસળીનું બાકસ કાઢ્યાં, બીડી મોંમાં ઝાલીને દીવાસળી ચેતાવી. દીવાસળી બુઝાઈ ગઈ. ફરી ચેતાવી. બીજી પણ હોલવાઈ. ત્રીજી, ચોથી, એમ સળગતી સળીઓ હાથમાં ને હાથમાં થંભીને ખતમ થઈ ગઈ. કેટલીક તો બીડીનાં ટોપકાં સુધી પહોંચી જ નહિ, ને કેટલીક ઝગી તો બીડીને ફૂંક જ લેવાનું ડાકુ વીસરી ગયો. મોંમાંથી બીડી હાથમાં લઈ લીધી. ને જાણે કે નિર્ણય કર્યો હોય તેમ માથું ઘુણાવ્યું. ભાઈજીની સખ્ત દીદારમાં પાંચાએ માગણી દીઠી. એ માગણીમાં માર્દવ હતું, વહાલ હતું. વેદના હતી. “ઠીક ત્યારે,” કહેતો ડાકુ ખડો થયો. એણે સલામ ભરતો જમણો હાથે માથાબંધને અડકાડ્યો. ભાઈજી પણ ઊભા થયા. બેઉ સામસામા ઊભા રહ્યા. ભાઈજીનો ઠીંગું દેહ આ ડાકુના આભ-રમતા મોં સામે નિહાળવા માથું ઊંચું કરતો ઊભો. “મેં-મેં-મેં તો,” ડાકુએ અચકાતે અચકાતે કહ્યું : “તમારી જબાનમાંથી એક હેતના સખુનની આશા કરેલી. મને આ રાજપલટાની વાતમાં કાંઈ ગમ નથી પડતી. હું તો એકલા ભાઈજીના જ હેતપ્રીતનો ભૂખ્યો હતો. મારે માં નથી, બાપ નથી – કોઈ નથી. હું તો ખાંપણ ભેળું લઈને ફરું છું. મને છાંટો એક પ્રીતિની, શાબાશીની ભૂખ…” ભાઈજીએ ધસી જઈને પચ્ચીસ વરસના જોધાર બહારવટિયાના દેહ ફરતી બાથ નાખી. માંડ માંડ પહોંચી શકતા હાથની ભેટ ભીંસીને એણે એક ગદ્ગદિત બોલ કહ્યો : “ભાઈ !” “ભાઈજી ! બાપ ! –” બોલતો બહારવટિયો એ નાના દેશભક્તનું કલેવર પોતાની બાથમાં ઘાલીને થંભી ગયો; કરગર્યો : “બીજું કાંઈ નહિ; પણ મારા માથે મે’રબાની રાખજો. પાંચો તો ભાઈજીની વા’લપનો ભૂખ્યો છે.” ભાઈજીના દૂબળા પંજાએ બહારવટિયાની છીપર જેવી પીઠ થાબડી.


[૧૦]


પાંચો બહાર ગયો. બાવળની ઝાડીમાં એના પચીસ જણા બેઠા હતા; થોડાક સાંઢિયા ઝૂકેલા હતા તેની ઓથે બીડીઓ ઝગવતા હતા. થોડાક ઘોડેસવારો હતા. તેઓ લગામો કાંડે વીંટાળીને ઝોલાં ખાતા હતા. હરણીનાં તારોડિયાં ક્ષિતિજમાં અરધાં ખૂતી ગયાં હતાં. પ્હો ફાટવાની વાટ જોતાં પંખીઓએ માળામાં ફડફડ કરી મીઠી અધીરાઈની સ્વર-શરણાઈઓ મચાવી મૂકી હતી. “ભાઈઓ !” પાંચો નજીક ગયો, તમામ ખડા થયા. શું બન્યું તે સાંભળવા સર્વે તલપાપડ હતા. “હું ભાઈજીને મળ્યો. ભાઈજી મને મળ્યા.” પાંચાએ વધામણીની વાણી સંભળાવી. “મળ્યા ? ભાઈજી મળ્યા ?” સાથીઓમાં ગણગણાટ મચ્યો. “પણ એણે કહ્યું કે આપણી રીત ખોટી છે.” “હોય નહિ.” પાંચાએ તકરાર કે પ્રતિવાદ રોકાવીને કહ્યું : “એ તો ભાઈજી બોલે એ જ હોય. હવે આપણે વધુ વાત કરવાની વેળા નથી. જુઓ –” સહુ નજીક આવ્યા. “તું પેથા ! તું ઊપડ સાજીકાંઠે. તું વેણશી, મારતે ઘોડે સિંદોરિયા પંથકમાં ઘૂમી વળ. તું દેવાયત, સાંઢિયાની સ૨ક ડોંચ્યા વગર રેવતગાળે જઈ પહોંચ, ઘરેઘરને જાણ કરો કે રાજપલટો કરવો છે, જણજણ નીકળી પડે. મોટે ડુંગરે આવી મળે. પોશાક ને પેટિયું ભાઈજી દેશે, ને ખબરદાર કોઈ હવે પછી ‘પાંચાની જે’ ન બોલાવે; ‘જનમભોમની જે’ પોકારે, ને ; જાઉં છું ખારા પંથકમાં, આવતી બીજ આભમાં દેખાય ત્યારે તમામ મોટે ડુંગરે પોગી જજો. બીજનાં દર્શન કરીને બધા ઊપડશું.” સાથીઓના ઘોડા-સાંઢિયા સરખા વાવડામાં દરિયે મછવા ઊપડે તેમ ઊપડ્યા. ગામોગામની મધરાતો એક જ બોલે ગુંજી ઊઠી કે ‘તમને બોલાવે છે : જનમભોમ બોલાવે છે : જણેજણને બોલાવે છે.’

*

“કવાયત-ફવાયતની આપણને શી પડી છે વળી ?” “સાચી વાત તો સાબૂત કાંડાં-બાવડાંની છે.” “– ને દેશ રસાતળ હાલ્યો જાય છે ત્યાં વળી કવાયત કરવા ક્યાં બેસીએ ?” ભેગા થયેલા લોકસૈન્યમાં આવો ચણભણાટ ચાલ્યો. તમામનો મત એવો પડ્યો કે હવે તો, બસ, દેકારો જ બોલાવી દઈએ. રાજની છાવણી કે થાણાં જ્યાં જ્યાં હોય ત્યાં પડીને સાલગોટો ઉડાવી નાખીએ. બહારવટિયાને ભાઈજીની ભલામણનું વિસ્મરણ થયું. ઉમેદ જન્મી કે જૂની ગામડિયા રીતે રાજના મોરચાના ભુક્કા ઉરાડી એક દિવસ જઈને ભાઈજી કને વધામણી ખાટીશ. સળગતા વંટોળિયા જેવું પાંચા-સૈન્ય પ્રજ્જ્વલી ઊઠ્યું, ભડકામાં ભડકા ભળે તેમ વતનનાં લોકો એ ફોજમાં વધારો કરવા લાગ્યા. રાજસત્તાની એડી તળે ચંપાયેલી ભુજંગ-ફેણ જનતાને ટટાર કરી. ‘તમને બોલાવે છે !’ ‘તમને બોલાવે છે !’ – એ સાદ ઘૂમતો ગયો. પછી બોલાવનાર કોણ છે, ને આખરે શી ગતિ થવાની છે, એની કોઈને તમા નહોતી. નિષ્ક્રિય નિર્વીયતાના જીવતરમાં એક નવીન, જ્વાલામય, અને પુરુષાતનને પડકારતો ઉદ્યમ જાગી ઊઠ્યો. તેમાં જ આ ગોવાળ તથા ખેતીકાર પ્રજાને સુખ ભાસ્યું.


[૧૧]


‘હવે તો પાંચાભાઈને પરણાવે જ છૂટકો છે’ એવી ૨ઢ આખી ફોજમાં પ્રસરી ગઈ. પ્રથમ જે હાંસી હતી તેણે છેવટે ગંભીર ઈચ્છાનું રૂપ કર્યું. ગ્રામપ્રજા હંમેશાં એક જ દૃષ્ટિએ વિચારે છે : આવા મર્દનો વંશ-વેલો ન ઊખડી જવા દેવાય, અને આવા પુરુષના પાકે તે કેવા પાણીદાર બને ! પાંચાની મૂછડીએ પણ એ મશ્કરીની લહેરો ફરકવા લાગી. કોઈએ કહ્યું કે ઢેલીડા ગામના દરબારી પટેલની પુત્રી પાંચા ઉપર મોહિત થઈ ભમે છે. ઢેલીડા ગામ ઉપર છાપો લગાવીને પાંચાએ જે વેળા નદીકાંઠે એક સિવાયની તમામ, પનિહારીઓને ભર્યે બેડે ચાલી જવા દીધી, ત્યારે એણે પોતાની પ્રીતિના પાત્રને મોઢામોઢ દીઠું. તાજા વરસ્યા મેઘનીરે નીતરતી કો’ પાંચાળી ડુંગરી જાણે સમીસાંજને આરે શોભતી હતી. બાજુમાં જ નદીનો ધરો ડોળતી એની ભેંસ માદણે મહાલે છે. “ઢેલીડાના પટેલની દીકરી તું ?” પૂછતાં પૂછતાં બહારવટિયાનું મોં લાલ ટશરો છાંટવા લાગ્યું. અઢાર વર્ષની જોધાર કન્યાએ હકારમાં માથું હલાવ્યું. એના ગાલોમાં ગલ પડ્યો. “તારું નામ ?” જવાબમાંથી ઊઠતા રણકારે બહારવટિયાને જાણે નિમંત્રણ દીધું. એના કદમ આગળ વધ્યાં. કન્યા ખસી શકે તેમ નહોતી. પછવાડે નદી હતી. જેમ જેમ પાંચો કદમ ભરતો ગયો તેમ તેમ કન્યાને ગાલેથી ગલ ખરી જઈ ભડકા રંગનું રુધિર ચડતું ગયું. છતાં એનો મલકાટ એના હોઠ ઉપરથી ન ઊખડ્યો. સાથીઓ દૂર ઊભા ઊભા જોતા હતા : પાંચાનો ઘોડો બે જણની અસ્વારી ઝીલવા માટે પોતાનો તંગ ખેંચાવતો હતો. “જામી, આ તો જોડલી જામી !” સાથીઓ પૈકીના એકે ધીરો બબડાટ કર્યો. – ને પત્રકાર મિત્ર કૅમેરાની ચાંપ ઉપર આંગળી રાખીને આ અપરહણનું પ્રતાપી દૃશ્ય કૅમેરાને કલેજે કેદ પકડવા તત્પર હતો. ઓચિંતાની એક થપાટ સંભળાઈ. આડું અવળું જોઈ શરમાતા ઊભેલા સાથીઓએ સન્મુખ જોયું. બહારવટિયો પોતાનો ડાબો ગાલ પંપાળી રહ્યો હતો. કન્યાનો જમણો પંજો ફરી વાર ઊંચો થયો છે, એના ચહેરા પર ગલ-ફૂલોની વનરાઈ સળગી ઊઠી છે. નદીમાંથી ભેંસ પણ ઊભી થઈને માથું હિલોળતી પોતાની રખેવાળની વહારે ધસી. બહારવટિયાનો ડાબો હાથ કમરમાં ખોસેલા લાંબા ચાબુક પર ગયો. “જોજે હો ! આબરૂમાં રે’જે હો, લૂંટારા !” એમ ચેતવતી કન્યાનાં ગોળાકાર મોટાં નેત્રોએ બિલાડીની આંખોને મળતી ટાંપ માંડી. બહારવટિયો રોષે ખદબદતો થોડો ખચકાયો. હજુ એની હથેળી પેલો ગાલ પરનો તમાચો ચંચળાવતી હતી. “કહ્યું નહિ તને, કે છેટો રે’જે ? મેં ન કહ્યું પહેલેથી જ, કે લઈ જવી હોય તો મને પરણીને પછી લઈ જા ! તોય તને સાધ્ય ન રહી, તે હાલ્યો આવ્યો મારા હાથ ઝાલવા !” પાંચાના મોં ઉપર ક્રોધ, લજ્જા અને ફિદાગીરીના રંગો જાણે સાતતાળીનો દાવ રમી રહ્યા હતા. “તમને સઉને કહું છું –” કહેતી કન્યા બીજા બધા તરફ ફરી : “મને તેડી જવી હોય તો પ્રથમ મારી જોડે લગન કરે; પછી તેડી જાય. શું બધેય તમે નફટાઈ દીઠી ? આ શું બા’રવટાની રીત છે ?” પાંચો પાછો વળ્યો. ઘોડા ઉપર અસવાર બન્યો. એની ટુકડીએ માર્ગ લીધો. પાછળ એક જ બોલ અથડાયો : “ફટ છે, ડાકુ !” એક એક પથ્થર જાણે એ શબ્દોમાંથી છૂટીને પ્રત્યેકના લમણામાં લાગ્યો. રાત પડી તોય પાંચાના મોમાંથી એક સખુન ન સંભળાયો. બીજે દિવસે બહારવટિયો ને છાપાવાળો એક તળાવડીને કાંઠે એકલા પડ્યા, પાંચાથી બોલાઈ ગયું : “કાલે સાંજે તો બહુ થઈ !” છાપાવાળો હસ્યો. પાંચાના ગાલ ઉપ૨ એણે હાથ ફેરવ્યો; કહ્યું : “ખમ્મા મારા કોડીલા આશકને !” ભોંઠપનો ભાર છોડી દઈને પાંચો પણ ફાટફાટ હયો પછી છાપાવાળાએ પૂછ્યું : “પણ હવે કરવું છે શું ?” “બીજું શું ? દુનિયા પડ માથે એ સિવાયની નાની એટલી બેન છે. ને મોટી એટલી મા.” “કેમ, તમાચો એટલો બધો મીઠો લાગ્યો ?” “તમાચાએ તો એનું પાણી દેખાડી દીધું.” “પણ તારું પાણી ઉતારી નાખ્યું તેનું શું ?” “મરદનાં પાણી થોડાંક ઊતરે તોય શું ? ખરાખરીના ખપનું પાણી તો ઓરતનું જ, એના પેટમાં આળોટનારા કેવા નીપજે ?” દૂરથી કોઈ ગાયનો ભાંભરડો સંભળાયો. સાંભળીને બહારવટિયાએ નિઃશ્વાસ છોડ્યો. પત્રકારે પૂછ્યું : “કાં, ઈશ્કી તો મોરને કે કોયલને ટહુકે વીંધાય, તેને બદલે તું આમ ગાયને ભાંભરડે કાં ભાંગી પડ્યો ?” “ગોધો છું ખરો ને ?” “ત્યારે હવે શું કરશું ?” “હવે એ તો શેની માને ? એને તો પાંચાના નામનો ફિટકાર લાગી ગયો હશે.” “પ્રેમપત્ર લખી મોકલશું ?” “લખીશ તું, દોસ્ત ?” “હા, થોડા ઈશ્કના દુહા જોડી દઉં.” છાપાવાળાએ રાફડિયા દુહા રચ્યા. એમાં વારંવાર એક પંક્તિ આવતી હતી :

પાંચાનું મન પ્રાણ !
ભમતું બાંભરડા દીયે !

દુહા લખીને નીચે એક ચિત્ર દોર્યું. પછી પાંચાને જોવા દીધું. પાંચાએ પૂછ્યું : “શેનું ચીતર ? આ બે પંખી શેનાં ? એની ચાંચમાં આ ડાળખી શી ?” “ભાઈ ! પ્રેમની દુનિયામાં પારેવાનું એંધાણ મીઠું ગણાય.” “અરે ગાંડા ! મારું એંધાણ પારેવું ?” “ત્યારે ? કુંજડું ? સારસ ?” “અરે બેવકૂફ, આ મારા દેદાર તો નિહાળ ! મારે માટે લાયક પ્રેમનું ચિહ્ન શું કે’વાય ?” “શું ?” “ખૂંટડો !” પત્રકાર હસ્યો. “ના. હસવું નથી. આ કંગાલિયા પંખીનું ચીતર છેકી નાખ. ને ત્યાં આખલો આલેખી દે.” “પણ પ્રેમના પત્રમાં ?” હા, હા; આલેખી દે, નીકર મારી આબરૂ જાશે. પાંચાનું એંધાણ તો આખલો જ હોય.” છાપાવાળાને ચિત્રમાં ફેરફાર કરવો જ પડ્યો. ને પ્રેમપત્ર રવાના થયો.

*

આખરે એક દિવસ, ઢેલીડા ગામની માતાના દેરામાં જ્યારે પાંચા ને પટેલની કન્યાની છેડાછેડી બંધાવાની તૈયારી થઈ ત્યારે ગામલોકોની ઠઠ જામી. લોકો તરફ ખડા થઈને પાંચાના પુરોહિત બનનાર એક રાજગર કોમના સાથીએ સંભળાવ્યું : “ભાઈઓ ! આ લગનની વિરુદ્ધ જો કોઈ હોય તો બોલી નાખજો. બોલનારને તલવાર-ભાલાને તોરણે પોંખવામાં આવશે, પછી ઘણા જ માનપાન ને ભપકા સાથે મસાણખડીમાં લઈ જવામાં આવશે તથા તેના નામનો પાળિયો ઊભો કરી તે ઉપર સિંદૂર ને ઘીના દીવા ધરવામાં આવશે. માટે છે કોઈ આવા માનનો ઈંતેજાર ?” કોઈ ન નીકળ્યું.


[૧૨]


પાંચો પરણી ઊતર્યો. શૌર્યમાં પ્રેમ ભળ્યો. હુતાશનમાં ઘીની આહુતિ પડી. સભરભર્યા જીવનનો સ્વાદ ચાખી ચૂકેલો બહારવટિયો બેવડો રણઘેલુડો બન્યો. “હવે તો જનમભોમ માટે ખપી જવામાં કશી અબળખા બાકી રહી નથી,” એવું કહેતો એ સંગ્રામે ચડ્યો. ને પ્રજા સઘળી પાંચાની જુવાનીમાં એકાકાર બની ગઈ. ‘હાલો, હાલો, હાલો મારા ભાઈલાઓ !’ એ બોલ પડતાં તો ફૂલઝર સળગ્યે ફૂલોની લાખ લાખ કણિકાઓ વરસે તે રીતે ઘોડલાના ડાબલા પકડાયા, એક છેડાથી બીજા છેડા સુધી ઘમસાણ બોલી ગઈ. ને પાંચાની જીતને પગલે પગલે ભાઈજીના સેનાપતિએ થાણાં બેસારી દીધાં. રાજનું લાવલશ્કર કંઈક નાસી છૂટ્યું, કંઈક સફા થયું ને બાકીનું જઈ છેવટના રાજમથક ઉપર જમા થયું. રોજેરોજની આદત મુજબ એક દિવસ પ્રભાતે જ્યારે છાપાવાળા દોસ્ત આગલા દિવસનું પોતાનું છાપું લઈને બહારવટિયાને બતાવવા ગયો ત્યારે એક બીના બની ગઈ. “આ શું છાપી માર્યું ?” પાંચાએ ભૂલ બતાવી : “આ… રાજમથક પાંચે બા’રવટીએ તોડ્યું, એવું તે કેમ કરીને લખ્યું ?” “કેમ ?” “મેં તો એ મથકને માર્ગે હજી પગ મૂક્યો નથી ને ?” “પણ મેં તો લખી માર્યું, ને એ લોકોએ છાપી માર્યું, હવે શું થાય ?” “પણ ખોટું છાપી મારે ?” તો સારું કરી બતાવ.” “શી રીતે ?” “આજ રાતમાં જ એ મથક ઉપર પડીને.” “અરે, ભલા આદમી ! ત્યાંના ગઢમાં કેટલી ફોજ ને કેટલો દારૂગોળો છે એ જાણ છ તું ?” “હું તો એ કશું નથી જાણતો.” “ત્યારે ?” “બસ, એટલું જ કે મારું છપાવેલું જો ખોટું પુરવાર થશે તો મારી નોકરી જશે ને –” પત્રકારે ગજવામાંથી પેલાં પાંચ બાળકોની તસવીર કાઢી બતાવી; “આ બધાં રઝળી પડશે.” “પણ છાપાની ભૂલ બીજે દા’ડે તારો ધણી ન સુધારે ?” “ના, મેં ભૂલ કરી છે એ હું કબૂલ કરવા જ તૈયાર નથી ને ? એમાં મારી આબરૂનો સવાલ છે. મારું લખ્યું સાચું પાડ તો જ તું ખરો ભાઈબંધ !” એમ કહીને છાપાવાળો ભાઈબંધ મોં ચડાવીને બેઠો. બહારવટિયો એને મનાવવા લાગ્યો. છાપાવાળાની જીભ ન છૂટી. એણે કહ્યું : “આજ મારું પહેલું જ વેણ જો પાંચાભાઈ તરછોડે તો તો પછી ધૂળ પડી આપણી ભાઈબંધીમાં.” “ભાઈબંધીમાં ધૂળ પડે તો તો લ્યાનત છે જિંદગાનીને ઊઠ, આજ રાતમાં કાં એ ગઢનો વાવટો પાડું છું, ને કાં ત્યાં મારી મરણસોડ તાણું છું. ઊઠ, ભાઈબંધ !” તે રાત્રીએ રાજસત્તાના ટકાવનો છેલ્લો મોરચો ફેંસલ થયો. જનમભોમનો નેજો એ નગરની રાજકચેરી પર ફરકતો થયો. વધાઈ લઈને બહારવટિયાનું સૈન્ય ભાઈજી પાસે ગયું.


[૧૩]


એ જ વખતે રાજધાનીમાંથી આવેલો તારનો સંદેશો વંચાતો હતો : ભાઈજીના વિપ્લવી સાથીઓએ લખ્યું હતું કે — “રાજાએ ગાદી છોડી છે. લોકશાસનનો સ્વીકાર થયો છે. તેના પ્રથમ પ્રમુખ તરીકે તમારી વરણી થઈ છે, જલદી આવો.” “પાંચાભાઈ !” ભાઈજીએ બહારવટિયાના ખભા પર હાથ મૂકીને કહ્યું : “તમે જ આ વિજય અપાવ્યો છે. તમારા ગુણ –” “ભાઈજી,” પાંચાએ આ આભારદર્શનથી અકળાતાં અકળાતાં કહ્યું : “અમારે સંધાયને રાજનગર જોવાનો ઉમંગ છે. ભાઈજીની સવારી ધામધૂમથી ઊજવી લઈએ એટલે અમે ગંગા નાયા.” એમ કહીને એ પાંચ હજારની ફોજને તૈયાર કરવા ગયો. વિજેતા લોકનાયકની જોડે સામૈયે ચડવાના અભિલાષે પાંચ હજારને ગાંડાતૂર બનાવી મૂક્યા. પડાવમાં હર્ષની કિકિયારી ઊઠી. સહુ પોતપોતાનાં લેબાસો, હથિયારો ને વાહનો શણગારવા લાગ્યા. ઘોડા-સાંઢિયાને ઘૂઘરા, જેરબંધ, ફૂમતાંના ગોટા, કોડી, શંખલાની માળાઓ વગેરે શોભી ઊઠ્યાં. બહારવટિયો જાણે પોતાના સગા પુત્રની જાન જોડતો હતો. ભાઈજીના સેનાપતિએ આ સજ્જ થતી ફોજ દીઠી. એણે આવીને ભાઈજીને વિનતિ કરી : “આપ શું આ અડબૂત ગામઠી ફોજને સાથે લેવા માગો છો ?” “હા, કેમ ?” “મારા નમ્ર મતે એ ભૂલ થાય છે.” “ભૂલ શાની ?” “આપ ત્યાં વિજેતા બનીને જતા નથી, પ્રજાજનોના બાંધવ બનીને જાઓ છો. આ સૈન્ય તો સંશયનો ને ભયનો વિષય બનશે.” “એ સાચી વાત.” પાંચાને તેડાવીને કહેવામાં આવ્યું કે “સૈન્ય વિખેરી નાખો.” “એમ કેમ બને ?” પાંચો હાંફ ખાઈ ગયો : “હજી અમે ભાઈજીને રખેવાળી કેમ છોડશું ?” સેનાપતિએ સુલેહશાંતિનો મુદ્દો બહુ તંગ બનાવ્યો. ભાઈજીએ પાંચાને કહ્યું : “ભાઈ ! હવે કશો ભય નથી. હું તો હવે આપણાં પોતાનાં જ બાંધવો અને બહેનોની વચ્ચે મહોબતનું નોતરું પામીને જાઉં છું.” “આપણાં બાંધવ-બહેનો ?” પાંચો ઉગ્ર બન્યો : “એ-ના એ જમીનદારો, ઠાકોરો, કારખાનાંના માલકો, ઉમેરાવો, જૂના નોકરો એ બધા આપણા ભાઈઓ કેદુકના ? હું ઠીક કહું છું; હજી અમારી જરૂર પડશે તમને.” “પાંચાભાઈ ! રાજનીતિમાં તમે ન સમજો.” સેનાપતિએ બહારવટિયાનો તેજોવધ કર્યો. “તો હું એકલો જ ભાઈજીની જોડે રહીશ.” પાંચાનું દિલ વહેમાયું હતું. “તોપણ ત્યાં બધા વહેમાશે, ને નાહકની એકસંપી તૂટી પડશે.” સેનાપતિએ ભાઈજીને કાને દલીલો છાંટી. આખરે ભાઈજીએ પાંચાને નિર્ણય જણાવ્યો : “ભાઈ, સહુને મારા સલામ બોલો, શાંતિપૂર્વક ઘેરે મોકલો. તમે પણ તમારે ગામ જઈ થાક ઉતારો. ને જતાંની વાર જ પહેલું કામ ખેડૂતોના જમીનહક્કનો ધારો કરવાનું હાથ ધરીશ.” “જેવી ભાઈજીની મરજી; પણ જુઓ –” એ સેનાપતિ તરફ ફર્યો. “હું જાઉં છું. પણ કહેતો જાઉં છું કે જો આ ભાઈજીના શરીરનો એક વાળ પણ વાંકો થયો છે, તો જાણજો, કે પાછો પાંચો તમારો કાળ બની આખા મુલકને પ્રજાળી દેશે.” “કશી ચિંતા ન કરજો. પાંચાભાઈ ! જરીકે ચિંતા ન કરજો.” સેનાપતિના કુટિલ શબ્દોમાં એની આંખોની માર્મિક મૂક વાણીએ મેળ સાધ્યો. બહાર જઈને પાંચાએ ફોજને વિદાયની વાણી સંભળાવી : “ભાઈઓ ! હવે આપણે રાજનગર નથી જવાનું. સૌ પોતપોતાને ઘેર સિધાવો. ભાઈજીનું એમ કહેવું છે.” જળજળિયાં ભરેલી એની આંખોએ પાંચ હજાર સાથીઓનાં મોં ઉપર કઈ વહાલું સ્વજન મરી ગયા જેટલો શોક નિહાળ્યો. “ભાઈઓ ! આપણે – આપણે ખૂબ ગમ્મત કરી. ફરી પાછા માલિક મેળવશે તો ફરીથી મોજ કરશું. આજ તો જુહાર છે સહુને.” થોથરાતો થોથરાતો એટલું એ માંડ બોલી શક્યો. ખેડુના પુત્રો વીખરાયા. કોઈ જખ્મીઓ, કોઈ ધીંગાણે હારેલા, કોઈ કાણા ને ઠૂંઠા થયેલા, કોઈ પોતાના ભાઈને કે બેટા–બાપને હારી બેઠેલા, એવા સહુને વિદાય લેતાં વસમું લાગ્યું. ફતેહને સામૈયે ચડીને એક વાર રાજધાનીના દુર્ગના તોરણ હેઠે નીકળવું હતું તે કોડ અધુરા રહ્યા. પોતાના મૂવેલા બાપની તૂટેલી શરણાઈ લઈને ટુ ટુ ટુ ટુ જ વગાડી જાણનારો એક બાર વરસનો મીરનો છોકરો તો ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યો. પાંચાભાઈએ તમામ ધીંગાણામાં જ એ બાળકનો ઘોડો પોતાના ઘોડાને પડખે જ રાખેલો. એ બાળક જ એનો એકનો એક શૂરાતન ચડાવનાર બજવૈયો હતો. ટુ ટુ ટુ ટુ ટુ એવા એનાં પંચાક્ષરી શરણાઈ-નાદ પાંચાને કાને ગુંજી રહ્યા. ભાઈજીની ઘોડાગાડી જ્યારે પાટનગર તરફ જવા ચાલી ત્યારે પાંચો પોતાનું રડવું ખાળવા માટે ચહેરો ચોળતો ઊભેલો. છાપાવાળા મિત્રને પણ એણે વિદાય દીધી. એક વાર પેલી તસવીર લઈને પાંચેય છોકરાંને એણે ચૂમીઓ ભરી. પોતાના ગામડા તરફ લઈ જનાર માર્ગ એને ગળી જતા અજગર જેવો ભાસ્યો.


[૧૪]


ઘરે આવીને પાંચાએ કમરબંધ, કારતૂસનો પટ્ટો અને તલવાર-તમંચો ઉતારી ખીંટીએ લટકાવ્યાં. બાપના ખેતરમાં સાંતી ફેરવવા લાગ્યો. નવી બળદો વસાવ્યા. ઢોરની નવી ઓલાદ નિપજાવવા માટે એણે જાતવંત દેસાણ ગાયો, નાગેલ ભેંસો તેમ જ ખાનદાન ઘોડીઓ લીધી. નાનાં સુંવાળા વાછડાં તેમ જ વછેરાંને નદીના ધરામાં લઈ જઈ નવરાવવાનું ને તેમની રુવાંટીએ ઈતરડીઓ ચૂંટવાનું પાંચાને બહુ ગમતું. પાંચાની વહુએ પરસાળની થાંભલીએ થાંભલીએ વલોણાં ઘુમાવવાનું શરૂ કર્યું. વહેલી પરોઢની રવાઈઓના ઘમકારા સંભળાતા. ગામલોકને શીતળ ઘાટી છાશ મળવા લાગી. ઘણીવાર વરવહુ નાનાં પાડરું-વાછરુંની વાત પર ઝઘડી ઊઠતાં. સ્ત્રીના સ્વભાવ પ્રમાણે વહુ વાછરડાંને પેટ ભરીને ધાવવા નહોતી દેતી. પાંચો રાતમાં છાનોમાનો એ ભૂખ્યાં વાછરુંને છોડી મૂકી ધવરાવી દેતો. વહુ વરને ગાલે હાથ ઉગામીને કહેતી કે “જોઈ છે આ અડબોત ?” વરને પ્રથમ મિલન વેળાની લપાટ યાદ આવતી ને એ જવાબ દેતો : "મુરતમાં જ જોઈ લીધી છે. આખો જનમારો એ જ ખાવી રહી છે ને હવે તો !” એવા મીઠા ગૃહક્લેશ ચાલતા; ને બીજી તરફથી ગામોગામની માનતાઓ પણ પાંચાને આંગણે આવતી : પાંચાની નાડી ધોઈને પાયેલ પાણીથી ઓરતોને આડાં ભાંગતાં, ને ઊછરતાં બાળકોના બાળમોવાળાં પાંચાને પગે લગાડ્યા પછી જ ઉતારવામાં આવતાં. દશેરાને દિવસે પાંચાના ગામને પાદર ઘોડેસવારોનાં દળકટક ઊતરતાં ને ઘોડદોડની હરીફાઈઓ રમાતી. પાંચાભાઈ મુલકભરમાં પૂછવા ઠેકાણું બન્યો. પણ પાંચાને જંપ નહોતો. એની નજર રાજનગરના ગઢકાંગરા પર તાકી રહેતી. આવતાં-જતાં પ્રવાસીઓને એ પૂછ્યા કરતો કે “ભાઈજી શું કરે છે ?” લોકો ખબર લાવતાં : ભાઈજીને તો ધજાપતાકાનું ને તોપોની સલામીનું અનોખું માન મળ્યા કરે છે ! રોજ રાતે નગરમાં મહેફિલો ઊજવાય છે. ભાઈજીને અમીર-ઉમરાવો ઝૂકી ઝૂકી સલામ કરે છે. દારૂ પિવાડે છે, પોતાની ઓરતો ભેળા નાચ નચાવે છે. રાજસભામાં ભાઈજી જ્યારે ખેડૂતોના હિતનાં ભાષણો કરે છે ત્યારે કેટલાક કલાકો સુધી સાંભળ્યા કરતા અમીર-ઉમરાવો ને લશ્કરવાળાઓ વારંવાર તાળીના ગગડાટો કરે છે ! – ને રાજનગરમાં તો પાકી સડકો, વીજળીની બત્તીઓ, ક્રીડોદ્યાનો, રંગાલયો, વ્યાખ્યાનગૃહો, ઈસ્પિતાલો, સંગ્રહાલયો, પ્રદર્શનો વગેરેની તો જાણે કોઈ જાદુઈ સૃષ્ટિ રચાઈ ગઈ છે. હજારો મજૂરો ને કારીગરો રાતપાળી કામ કરે છે. ભાઈજી રોજ એ લોકકલ્યાણની નવસંપત્તિ જોવા નીકળે છે, ત્યારે લોકોની સલામો ઝીલતા એના બેઉ હાથને નિરાંત નથી રહેતી. આ બધું સાંભળીને પાંચો એકાન્તે ઊંડા નિઃશ્વાસ મુકતો. મારા ખેડૂતોનું કેમ હજુ કશું નથી થતું ? એ એની સમસ્યા હતી. ગામડાંમાં હજુ જુનવાણી વહીવટ કેમ ટકી રહ્યા છે ? ખળાવાડો કેમ રઝળે છે ? દવા લેવા પાંચ ગાઉને પલ્લે કેમ લોકોને જવું પડે છે ? ગોચર હજી મોકળાં કાં નથી મેલતા રાજના વહીવટદારો ? પાંચાને ને અમલદારોને વારંવાર ચકમક ઝરતી હતી. પાંચો રાજ્યાધિકારીઓને કોઈક વાર ઠોંઠ-ઠાપલી પણ કરી લેતો. ‘ગોલકીના !’ ‘રાજના કુત્તા !’ ‘ભુખડીબારશ !’ એવા એવા શબ્દો એ અમલદારોને ચોપડતો. પાંચો ઘણુંખરું ખેડું ભાઈઓની મુશ્કેલીઓના નિકાલ પોતે કરી લેતો. પોતાના ગામના છોકરા ત્રણ ગાઉ પરના એક ગામડાની નિશાળે ભણવા જતા. કોઈ કોઈ વાર પાંચો એ માર્ગે વગડામાં ભાંગલી વાવના કાંઠા પર બેસતો ને એકાદ બાળકને ત્યાં રોકી આવા કાગળ લખાવતો : “ભાઈજીને માલમ થાય જે તમે ભોળા છો. તમારો સેનાપતિ કપટી છે. તમને આ બધા કુત્તાઓ ફાડી ખાશે. તમે ખેડુનું કંઈ કર્યું નહિ. ફટ છે તમને ! વધુઘટું લખાણું હોય તો માફ કરજો, મે’રબાન ! તમે મોટા માણસ થઈ ગયા. લખિતંગ પાંચાના જુહાર.” એવા તો ઘણા કાગળો લખાવી લખાવી. નીચે ગોધોની આકૃતિ ચિતરાવી પાંચાએ પાટનગર પર બીડ્યા. એકેયનો જવાબ આવ્યો નહિ. સેનાપતિના અમલદારો આવી આવીને પાંચાને સતાવતા હતા. એના ઉપર ઢોરોની ચોરીલૂંટના આળ ચડતાં. હતાશ અને અપમાનિત પાંચો અફીણની લતે ચડ્યો. છ મહિને તો ડૂલી ગયો.


[૧૫]


એક દિવસ અધરાતના સુમારે પાંચાના ઘર સામે એક ભાડાત સાંઢિયો ઝોકારાયો. પાછળની બેઠકમાંથી ઊતરતો ઉતારુ ગોથું ખાતો ખાતો રહી ગયો. સાંઢણી-સવાર ભાડું લઈને ઊપડી ગયો. મહેમાનના હાથમાં એક પાકીટ હતું ને બગલમાં એક કૅમેરા લટકતો હતો. ઢોલિયા ઉપર ઘોરતા પાંચાભાઈને એણે ઢંઢોળ્યો : “ભાઈ હવે કિયે સ્વાદે નસ્કોરાં ઢરડે છે ? ઊઠવાનો સમય થઈ ગયો.” “હે-હે-હે ખડેલી ! આઘી મર !” એમ બોલતાં બોલતાં પાંચાએ ઊંઘમાં પગની લાત નાખી. અફીણના કેફમાં એ ગરકાવ હતો. એના મનમાં થયું કે ઢોલિયા કને પાડી આવેલ છે. પરોણાએ એના કાનમાં બૂમ પાડી : “પાંચાભાઈ ! ભાઈજી ખલાસ ! કામ કાઢ્યું બેટાઓએ !” સ્વપ્નમાં ભણકારા સંભળાયા હોય તેવી નઘરોળ હાલતમાં પાંચો બેઠો થયો. બેઠાં બેઠાં એણે માથું ખંજવાળ્યું. નસ્કોરાં ફરીથી બોલ્યાં, એણે મોં ચોળ્યું અને પૂછ્યું : “શું છે ? કોણ છો તું, કાળજીભા ?” “પાંચાભાઈ !” મહેમાને ઉત્તર દીધો : “ભાઈજીને તો ગઈ કાલે રાત્રે ગોળીથી ઠાર કર્યા.” “કોણે ?” હજુ એ અર્ધનિદ્રાની બેપરવાઈમાં જ રમણ કરતો હતો. “સેનાપતિએ, ઉમેરાવોએ ને ઠાકોરોએ રાજમહેલમાં જ એને ઘેરી લીધા. ભાઈજી કહે કે બે ઘડી ખમો તો છેલ્લું કામ કરી લઉં. પછી ભાઈજી એક કાગળિયા ઉપર કાંઈક લખતા હતા. અર્ધું લખ્યું, ત્યાં ગોળીથી વીંધી નાખ્યા.” “શું લખ્યું ?” પાંચો હજુ સ્વપ્નલોકનાં પગથિયાં ઊતરતો હતો. “સંભળાય છે કે ખેડુના હક્કનો નવો ધારો લખતા’તા; પણ ત્યાં તો એ કાગળિયો ભાઈજીની છાતીના લોહીમાં ભીંજાઈ ગયો.” પાંચાએ આંખો ખોલી. એના હાથ શરીરને ખજવાળવાનું થંભાવીને મોં ઉપર ફર્યા. એણે આંખોને ચોળી નાખી ત્યારે માંડ નિદ્રા ઊડી, બોલનારને એણે તારોડિયાનાં અજવાળામાં પિછાન્યો : “કોણ, છાપાવાળો !” વર્તમાનપત્રી દોસ્તે ડોકું હલાવ્યું. મિત્રે કહેલા સમાચાર જાણે હજુ હવે જ પાંચાના લક્ષ પર પડ્યા. એણે થોડી ઘડી લમણાં દબાવ્યાં. પછી એ ઊઠ્યો. દોસ્તને એટલું જ કહ્યું : “તારી કને કાંઈ ખરચી છે ?” “કેમ ?” “રાજનગર પહોંચવું છે. ઊઠ.” ખીંટી પર લટકતો કમરબંધ એણે ફરી વાર શરીરે લપેટ્યો. ને ઘોડો પલાણ્યો. પહેલો પ્રથમ પાંચાનો અશ્વ નાના ભાઈબંધ શરણાઈવાળાને ઝૂંપડે જઈ થંભ્યો. પાંચાએ હાક મારી : “ભાઈબંધ ટુ-ટુ-ટુ-ટુ હોઈ ! હાલો ભાઈલા ! જનમભોમ બોલાવે છે.” પપૂડું લઈને મીરનો બાળ ઘોડે ચડ્યો. એનું સ્થાન પાંચાભાઈની બાજુમાં જ હતું. એ બાળ-પપૂડાના ટુ-ટુ-કારે ગામોગામની સુસ્તી ઉડાડી. ખેડુ અને ગોવાળની નિર્જીવ દુનિયામાં એ બાળકના રણશિંગાએ રોમાંચ જગાવ્યો. અસ્ત્રશસ્ત્રોનાં વન-જંગલો ઊભાં થયાં. ગામોગામ ઘોડાના ધમધમ ધ્વનિ થયા. ચોરે ને ઠાકુરદ્વારે નગારાં બજ્યાં. પાંચાની હાકલ પડી મર્દાઈએ આળસ મરડી. ‘તમને બોલાવે છે. જનમભોમ બોલાવે છે !’ રણ-પુકાર ગાજતો ગાજતો સીમાડે સીમાડે સંભળાયો. રાજનગરીના દુર્ગ પર તો એક વર્ષથી દારૂગોળાની ગોઠવણી તૈયાર થઈ રહી હતી. ઉમરાવો અને રાજકુલના નબીરાઓ જોડે ષડ્યંત્રની જાળ પાથરનાર સેનાપતિ પાંચાની ફોજનું સ્વાગત કરવા સજજ હતો, એણે તાકી તાકીને લજ્જતથી તોપો-બંદૂકોની ખપ્પરજોગણીઓ છોડી. ધુંવાધાર ધસ્યે આવતા ગ્રામ્ય દળકટકના કૈંક સુભટો ઊછળી ઉછળીને પટકાયા. પટકાવા દ્યો ! તોપો ચરે તેટલો ચારો ચરવા દ્યો ! પાંચો નહિ હેબતાય. એણે તો એ ચૂંથેચૂંથાની વચ્ચે વેગ કર્યો. એને પલભર પણ અટકવાનું નહોતું. દમ છોડવાનીય એને તમા નહોતી. એ, અને પડખે પપૂડાવાળો છોકરો : અભયની બે મૂર્તિઓ : ગોળીના મેહુલા વરસે છે તેમાં ભીંજાતા બે મોરલા જાણે ગહેકાટ કરે છે. ને એક જ વાર પાંચો એ હલ્લાની વચ્ચે થંભ્યો. દુશ્મનોની એક ગોળીએ એના વહાલા પપૂડાવાળાને પછાડ્યો. વરસતી ગોળીઓ વચ્ચે એણે મૂએલા બાળને ખોળામાં લીધો; ચૂમી કરી. પછી એની સુંદર લાશને સૂતેલી છોડી પાંચો આગળ વધ્યો. રાજનગર પાંચાને હાથ પડ્યું. તોપો-બંદૂકની સામગ્રી ખૂટી. તોપોનો ચારો ન ખૂટ્યો. અમીરાતને પાંચાએ તુરંગમાં પૂરી. લશ્કરને બરાકોમાં ઘેરી લીધું. ને એણે વિજેતા તરીકે નગરમાં સવારી કાઢી પ્રવેશ કર્યો. પહેલી યાત્રા પાંચાએ એ પુનિત સ્થાનની કરી, જે સ્થાને ભાઈજીએ તરફડિયાં મારતે મારતે ખેડુના હક્કના હુકમ પર સહી કરી હતી. એ જ ખુરસી પર પોતે બેઠો. ભાઈજી કેવી છટાથી લખી રહેલ હશે તેનો અભિનય કર્યો. ભાઈજીના ઘાતક મિત્રદ્રોહી સેનાપતિને બંદીવાન દશામાં પોતાની સામે ખડો કર્યો. “લેશો ?” કહીને પાંચાએ એ બંદીવાન સામે બીડી લંબાવી. “માફ કરો. ને હવે મને જલદી ઉડાવી દો. એટલે છૂટકો પતી જાય.” સેનાપતિએ મોત માગ્યું. “ના ભૈ !” પાંચાએ વિસ્મયભરી નજરે સેનાપતિની સામે જોયું : “કોણે કહ્યું કે આપને ઉડાવી દેવાના છે ? કાં ભાઈઓ ?” પોતાના સાથીઓ તરફ એ ફર્યો : “તમે કોઈએ કહ્યું કે આ મહેરબાનને આપણે ઠાર મારવાના છે ?” “ના, પાંચાભાઈ !” સહુએ જવાબ દીધો : “અમે કોઈ બોલ્યા જ નથી.” “તો ઠીક; એવું તે હોય ? અમે કાંઈ તમને મારી નાખવાના નથી. અમારે તો તમને આ ગોળના પાણીથી અંઘોળવા છે, ને પછી આ જુઓ –” પાંચાએ ઝેરી મકોડાથી ભરેલું એક મોટું વાસણ બતાવ્યું : “આમાં આપને બેસાડવાના છે. અમારે કાંઈ તમારી હત્યા માથે નથી લેવી.” ચીસ પાડતા સેનાપતિને નગ્ન શરીરે ગોળના પાણીમાં ઝબોળી એ અસંખ્ય કાળાં જંતુઓનો જીવતો ભક્ષ બનવા દેગમાં હડેસલી દીધો.


[૧૬]


“અમે તો ભેળવાળું દૂધ પણ ખાતા નથી. એ જ પ્રમાણે રાજ પણ નિર્ભેળ જ જોવે. માટે દગા વગરના જણ ભેળા કરજો. મૂડીવાળો ને અમીરાતવાળો માંહીં ન પેસવો જોવે, સમજ્યા ? નીકર જટાબીટ કાઢી નાખીશ.” આવા અર્ધસ્પષ્ટ શબ્દોમાં પાંચાએ પોતાની સરમુખત્યારીની ખુરશી પરથી શુદ્ધ લોકશાસન સ્થાપવાની આજ્ઞા સંભળાવી. પાંચાની કૅબિનેટ પર પ્રમાણિક ને સેવાભાવી લોક-સેવકો બેઠા. તેઓએ પાંચાની જોડે મંત્રણા કરી : “નામદાર, નાણાં નથી.” “તો છાપખાનું ક્યાં મરી ગયું ? ઢગલાબંધ નોટું છપાવી લ્યો !” અર્થશાસ્ત્રીઓએ છૂપાં હાસ્ય કર્યાં. “શ્રીમંતોને લૂંટી લ્યો ! ક્યાં આપણા ઘર સારુ જોવે છે ?” ખાતાવાર માગણીઓ આવી : “નામદાર, ઈસ્પિતાલોમાં ખાટલા નથી.” “તો, રાંડનાઓ !” પાંચો અકળાઈને કહેતો : “અહીં મારા ઘરમાં શા સારુ આટલા ઢોલિયા પાથર્યા છે ? મારે તો એક જ ખાટલો જોશે. ઈસ્પિતાલોમાં ઉપાડી જાઓ બાકીનું તમામ પાગરણ.” “નામદાર, રસ્તાઓ પર બત્તીઓ નથી.” “અરે ચોટ્ટાઓ !” પાંચો આશ્ચર્ય પામીને કહેતો : “ત્યારે અહીં મહેલમાં હાંડી-ઝુમ્મરો શા સારુ ટાંગ્યાં છે ? મારે તો દીવાની જરૂર શી છે ? હું તો મારે ફળિયામાં સૂઈ રહીશ, લઈ જાવ આ તમામ બત્તીયુંને, દેવાળિયાઓ !” પ્રત્યેક વિષય પર પાંચાએ પોતે ત્યાગનો સ્વીકાર કર્યો, ને તમામ અધિકારીઓ કને એવો જ ત્યાગ માગ્યો. રાજા, ઉમરાવ અને મૂડીદારનાં ત્રિવિધ ચક્રો તળે વર્ષોથી ચગદાતી જનમભોમમાં પાંચાએ સ્વાધીનતાનો રોષ રોપ્યો. ચાહે તેટલી બિનઆવડત છતાંય એનું શાસન સ્થિર બન્યું, કેમ કે એણે ત્યાગધર્મ સેવ્યો. વતનનું મોં ઉજ્વલ બન્યું. માનવીનું મસ્તક ઝૂકવું ભૂલીને ગગન સામે ટટ્ટાર બન્યું. પણ છ મહિનાને અંતે એને જણાયું કે પોતાને કશી ગતાગમ પડતી નથી, ને રાજતંત્રની આંટીઘૂંટી વધુવધુ અણઉકેલ બનતી જાય છે. પ્રધાનમંડળને આ સિપાહીની સરમુખત્યારી રમૂજ કરાવતી, તેમ જ દિગ્મૂઢ બનાવતી, વાતવાતમાં પાંચો તમંચો ઉગામતો. વળી ભૂલ સમજાતાં હસી પડી માફી માગતો. એક દિવસ એને ‘દેશોદ્ધારક’નો ચંદ્રક એનાયત કરવા રાજસભાની બેઠક મળી. પોતાના ભલાભોળા નિષ્પાપ તારણહાર ઉપર પ્રજા મુગ્ધ હતી. એ મુગ્ધ હૃદયના ઉદ્ગારોનો જવાબ આપવા સિપાહી ઊભો થયો, ને બોલ્યો : “તમેય કેવા ગમાર છો ! એક ઢબુ જેવડો ચાંદ મને દેતાં તમને કાંઈ શરમ નથી આવતી ? મારું શરીર તો જોવો !” “એ તો હવે ઠીક ! પણ મારે તમને પૂછવું હતું, કે પેલો ભાઈજીએ મરતાં મરતાં લખેલો ખેડુ-હક્કનો ધારો ક્યાં છે ? એ ખોળી કાઢોને ભલા થઈને ! આ નાટક શીદ કરી રહ્યા છો ? “બીજું, મુદ્દાની વાત તો એ છે, કે મારે હવે આંહીં રે’વું નહિ પાલવે. ઈ તો મુને ભાઈજીએય કહી મૂકેલું કે પાંચાભાઈ ! રાજનગર તારે રે’વા લાયક ઠેકાણું નથી. હું હવે રજા લઉં છું. હું મારે ગામડે જઈશ. મારાં વાછરુંપાડરું હવે તો મોટાં થઈ ગયાં હશે, ને ભાંભરડાં દેતાં હશે, માટે સહુ ભાઈઓને જુહાર છે. તમે સહુ અદલ વહીવટ કરજો, નીકર, હું તમને કહી રાખું છું કે મારે પાછો કમરબંધ બાંધવો પડશે ! લ્યો, થોડું બોલ્યું ઝાઝું કરી માની લેજો, ભાઈઓ !” પાંચો જ્યારે સભાગૃહ છોડી ગયો ત્યારે લોકવૃન્દની આંખો ભીની હતી. છાનામાના રાત્રિને ગહેરે પહોરે પાંચાએ રાજમહેલ છોડ્યો, ત્યારે આખી સમૃદ્ધિમાંથી એણે એક જ ચીજ ઉઠાવીને ગજવામાં છુપાવી લીધી. એ હતું એક પેપર-વેઈટ : કાચનો નાનો ગોધો – પોતાનું પ્રતીક !