તપસ્વી અને તરંગિણી/એક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 263: Line 263:
'''લોલાપાંગી''' :{{Space}}તરંગિણી, પાસે આવ, (કન્યાભણી થોડીવાર જોઈ રહી) દર્પણમાં એકવાર પોતાનેે જોઈશ, પછી બીક નહીં રહે. સાંભળ, ઋષ્યશૃંગ ભલે તપસ્વી રહ્યા પણ તેમનું શરીર પણ રક્તમાંસનું બનેલું છે. વયથી એકદમ તરુણ છે, અને એવા અબોધ છે કે હજુ સુધી એટલુંય જાણતા નથી કે એક બ્રહ્મા બહુ થયા હતા. અર્ધનારીશ્વર યોગીશ્વરને જાણતા નથી; જાણતા નથી, કોને કહેવાય નારી, બીક શાની છે તને? કાલે પ્રભાતે ઋષ્યશૃંગની તું મૃગયા કરીશ; વ્યાધની જેમ સાવધ હશે તારાં પગલાં, અમોઘ હશે શરસંધાન. જે વ્યાધે બાણ ચઢાવ્યું છે તે વ્યાધની ભણી જ જેમ મૃગશિશુ ભોળી આંખે તાકી રહે છે, તેવી જ રીતે તું જ્યારે સામે જઈને ઊભી રહીશ ત્યારે એ કિશોરની નજર એવી જ હશે. અનાવૃષ્ટિના આકાશમાં જેમ મેઘ ઉદય પામે તેમ તેમના હૃદયમાં તારો ઉદય થશે. માત્ર એક આંગળીનોય સ્પર્શ કરીશ તોયે તે તપેલી ધરતી પર પડેલા જળબિન્દુ જેવો હશે. ધીરે ધીરે તું વૃષ્ટિની જેમ ઝૂકી રહીશ, તેમના ધ્યાનના પાષાણ ઓગળી જશે, અને ત્યારે—તેમણે આટલા દિવસ સુધી તપ કરીને જે મેળવ્યો નથી તે બ્રહ્માનંદસ્વાદ તું તેમને આપીશ, તું – આ અભાગણી લોલાપાંગીની પુત્રી તરંગિણી! ખ્યાલ કરી જો મારા આનંદનો અને તારી સાર્થકતાનો; તું વિજયિની બનીશ, યશસ્વિની બનીશ. તારી કથા ઇતિહાસમાં અંકાશે, અન્ય યુગોમાં તારી કીર્તિનું ભાષ્ય રચશે કવિઓ. સાંભળ, હજી વધારે પાસે આવ–હું તને બધી જુક્તિઓ બતાવીશ.
'''લોલાપાંગી''' :{{Space}}તરંગિણી, પાસે આવ, (કન્યાભણી થોડીવાર જોઈ રહી) દર્પણમાં એકવાર પોતાનેે જોઈશ, પછી બીક નહીં રહે. સાંભળ, ઋષ્યશૃંગ ભલે તપસ્વી રહ્યા પણ તેમનું શરીર પણ રક્તમાંસનું બનેલું છે. વયથી એકદમ તરુણ છે, અને એવા અબોધ છે કે હજુ સુધી એટલુંય જાણતા નથી કે એક બ્રહ્મા બહુ થયા હતા. અર્ધનારીશ્વર યોગીશ્વરને જાણતા નથી; જાણતા નથી, કોને કહેવાય નારી, બીક શાની છે તને? કાલે પ્રભાતે ઋષ્યશૃંગની તું મૃગયા કરીશ; વ્યાધની જેમ સાવધ હશે તારાં પગલાં, અમોઘ હશે શરસંધાન. જે વ્યાધે બાણ ચઢાવ્યું છે તે વ્યાધની ભણી જ જેમ મૃગશિશુ ભોળી આંખે તાકી રહે છે, તેવી જ રીતે તું જ્યારે સામે જઈને ઊભી રહીશ ત્યારે એ કિશોરની નજર એવી જ હશે. અનાવૃષ્ટિના આકાશમાં જેમ મેઘ ઉદય પામે તેમ તેમના હૃદયમાં તારો ઉદય થશે. માત્ર એક આંગળીનોય સ્પર્શ કરીશ તોયે તે તપેલી ધરતી પર પડેલા જળબિન્દુ જેવો હશે. ધીરે ધીરે તું વૃષ્ટિની જેમ ઝૂકી રહીશ, તેમના ધ્યાનના પાષાણ ઓગળી જશે, અને ત્યારે—તેમણે આટલા દિવસ સુધી તપ કરીને જે મેળવ્યો નથી તે બ્રહ્માનંદસ્વાદ તું તેમને આપીશ, તું – આ અભાગણી લોલાપાંગીની પુત્રી તરંગિણી! ખ્યાલ કરી જો મારા આનંદનો અને તારી સાર્થકતાનો; તું વિજયિની બનીશ, યશસ્વિની બનીશ. તારી કથા ઇતિહાસમાં અંકાશે, અન્ય યુગોમાં તારી કીર્તિનું ભાષ્ય રચશે કવિઓ. સાંભળ, હજી વધારે પાસે આવ–હું તને બધી જુક્તિઓ બતાવીશ.
{{Space}} '''(લોલાપાંગી અને તરંગિણીનો મૂક અભિનય. હાસ્ય, લાસ્ય, અંગભંગિ. માની વાત સાંભળતાં સાંભળતાં તરંગિણીનું મોં ઉજ્જ્‌વળ બની જાય છે, શ્વાસોચ્છ્‌વાસ વેગથી ચાલે છે, દેહમાં ચંચલતા જાગે છે. કેટલીક ક્ષણો પછી, સરી આવી તે રાજમંત્રીની સામે ઊભી રહે છે.)'''
{{Space}} '''(લોલાપાંગી અને તરંગિણીનો મૂક અભિનય. હાસ્ય, લાસ્ય, અંગભંગિ. માની વાત સાંભળતાં સાંભળતાં તરંગિણીનું મોં ઉજ્જ્‌વળ બની જાય છે, શ્વાસોચ્છ્‌વાસ વેગથી ચાલે છે, દેહમાં ચંચલતા જાગે છે. કેટલીક ક્ષણો પછી, સરી આવી તે રાજમંત્રીની સામે ઊભી રહે છે.)'''
'''તરંગિણી''' : {{Space}}હું કરી શકીશ, પ્રભુ હું કરી શકીશ! મારા દેહમાં મનમાં અપૂર્વ પ્રેરણા જાગી છે; હું સંપૂર્ણ દૃશ્ય મારી આંખો સામે જોઉં છું. હું સંગે લઈ જઈશ મારી સોળ સુંદર સખીઓને. લઈ જઈશ ફૂલમાલા મધ મદિરા સુગંધ; રંગબેરંગી મણિકાન્ત કંદુક; ઘૃતપક્વ માંસ અને પાયસન્ન; દ્રાક્ષા અને રતિફલ; વંશી, વીણા, મૃદંગ આ બધું લઈને કાલે વહેલી સવારે ઉપડીશ. અમારી નૌકાને ફૂલથી સજાવવી પડશે; પાંદડાં, લતા, ગુલ્મ અને તૃણ વડે. તેમાં એક કૃત્રિમ તપોવન રચવામાં આવશે. સાથે કોઈ પુરુષને લઈશું નહીં–આ અદ્‌ભુત આશ્ચર્યજનક સાહસનાં અમે જ નાવિકો રહીશું. એક સાથે પંચમ સ્વરે ગીત ગાતાં ગાતાં અમે સામે કાંઠે ઊતરીશું. ત્યારે લોહિત વર્ણ સૂર્યદેવતા ઉદિત થતા થશે, પાણી સ્વચ્છ હશે, આકાશમાં સુવર્ણપદ્મ, જબાકુસુમ, લાલકરેણ ખીલ્યાં હશે. કુમાર ત્યારે આહ્નિક પતાવીને કુટિર પ્રાન્તે ઊભા હશે– તેમણે સ્નાન કર્યું છે, વલ્કલ પહેર્યાં છે, લાંબા અને કાળા તેમના કેશ છે, તરુણ વાંસ જેવી કાન્તિ છે. જેમ સરોવરમાં ઊતરે હારબંધ હંસ તેમ અમે સખીઓ તેમને ઘેરી લઈશું—તેમની આસપાસ લલિતભંગિમાં નૃત્ય કરીશું, તેમને સંગીતની માયાજાળમાં બાંધી દઈશું, તેઓ જ્યારે મોહિત થવાની અણી પર હશે ત્યારે અમે અંતર્ધાન થઈ જઈશું. કેટલીક વાર પછી પાછી આવી, હું એકલી જ તેમની મોઢામોઢ ઊભી રહીશ. મારા મોંને વીંધી રહેશે તેમની દૃષ્ટિ—સરળ, ગંભીર, ઉદાર, વિસ્ફારિત, જે આંખોમાં પહેલાં કદી નારી જોઈ નથી. હું તેમની સાથે વાતચીત કરીશ, તે કહેશે–‘કોણ છો તમે?’ હું મધુર અવાજથી વાત કરતાં કરતાં ધીરે ધીરે નજીક જઈશ. બાહુ ઊંચો કરીને તેમને સ્પર્શ કરીશ, તેમના બે હાથ પકડી લઈશ. તેમને ખભે માથું રાખીને કહીશ : ‘મારું એક વ્રત છે, તમે પુરોહિત નહીં થાઓ તો તે ઉજવાશે નહીં.’ તાકીને જોઈશ. તેમના અધર ફડફડી ઊઠશે, આંખની કોર લાલ બની જશે, કંઠમણિ કંપિત થઈ ઊઠશે. અને તે પછી– તે પછી– તે પછી– પ્રભુ મને ચરણરજ આપો–કન્દર્પ, અનંગ, પંચશર, મને મદદ કરો!
'''તરંગિણી''' : {{Space}}હું કરી શકીશ, પ્રભુ હું કરી શકીશ! મારા દેહમાં મનમાં અપૂર્વ પ્રેરણા જાગી છે; હું સંપૂર્ણ દૃશ્ય મારી આંખો સામે જોઉં છું. હું સંગે લઈ જઈશ મારી સોળ સુંદર સખીઓને. લઈ જઈશ ફૂલમાલા મધ મદિરા સુગંધ; રંગબેરંગી મણિકાન્ત કંદુક; ઘૃતપક્વ માંસ અને પાયસન્ન; દ્રાક્ષા અને રતિફલ; વંશી, વીણા, મૃદંગ આ બધું લઈને કાલે વહેલી સવારે ઉપડીશ. અમારી નૌકાને ફૂલથી સજાવવી પડશે; પાંદડાં, લતા, ગુલ્મ અને તૃણ વડે. તેમાં એક કૃત્રિમ તપોવન રચવામાં આવશે. સાથે કોઈ પુરુષને લઈશું નહીં–આ અદ્‌ભુત આશ્ચર્યજનક સાહસનાં અમે જ નાવિકો રહીશું. એક સાથે પંચમ સ્વરે ગીત ગાતાં ગાતાં અમે સામે કાંઠે ઊતરીશું. ત્યારે લોહિત વર્ણ સૂર્યદેવતા ઉદિત થતા થશે, પાણી સ્વચ્છ હશે, આકાશમાં સુવર્ણપદ્મ, જબાકુસુમ, લાલકરેણ ખીલ્યાં હશે. કુમાર ત્યારે આહ્નિક પતાવીને કુટિર પ્રાન્તે ઊભા હશે– તેમણે સ્નાન કર્યું છે, વલ્કલ પહેર્યાં છે, લાંબા અને કાળા તેમના કેશ છે, તરુણ વાંસ જેવી કાન્તિ છે. જેમ સરોવરમાં ઊતરે હારબંધ હંસ તેમ અમે સખીઓ તેમને ઘેરી લઈશું—તેમની આસપાસ લલિતભંગિમાં નૃત્ય કરીશું, તેમને સંગીતની માયાજાળમાં બાંધી દઈશું, તેઓ જ્યારે મોહિત થવાની અણી પર હશે ત્યારે અમે અંતર્ધાન થઈ જઈશું. કેટલીક વાર પછી પાછી આવી, હું એકલી જ તેમની મોઢામોઢ ઊભી રહીશ. મારા મોંને વીંધી રહેશે તેમની દૃષ્ટિ—સરળ, ગંભીર, ઉદાર, વિસ્ફારિત, જે આંખોમાં પહેલાં કદી નારી જોઈ નથી. હું તેમની સાથે વાતચીત કરીશ, તે કહેશે–‘કોણ છો તમે?’ હું મધુર અવાજથી વાત કરતાં કરતાં ધીરે ધીરે નજીક જઈશ. બાહુ ઊંચો કરીને તેમને સ્પર્શ કરીશ, તેમના બે હાથ પકડી લઈશ. તેમને ખભે માથું રાખીને કહીશ : ‘મારું એક વ્રત છે, તમે પુરોહિત નહીં થાઓ તો તે ઉજવાશે નહીં.’ તાકીને જોઈશ. તેમના અધર ફડફડી ઊઠશે, આંખની કોર લાલ બની જશે, કંઠમણિ કંપિત થઈ ઊઠશે. અને તે પછી– તે પછી– તે પછી– પ્રભુ મને ચરણરજ આપો–કન્દર્પ, અનંગ, પંચશર, મને મદદ કરો!</poem>
'''(પડદો)'''
<br>
...............................................................................
<center>'''(પડદો)'''</center>
 
<center>...............................................................................</center>
 
 
{{HeaderNav2
|previous = અનુવાદકનું નિવેદન
|next = બે
}}
<br>

Latest revision as of 15:53, 15 February 2022


પહેલો અંક


(રાજમહેલનું સિંહદ્વાર અને ઉદ્યાનનો એક ભાગ દેખાય છે. જોડેના રસ્તા ઉપર ગામડાની સ્ત્રીઓ ઊભી છે.)


ગામડાની સ્ત્રીઓ :

આભમાં છે સૂરજનો અટલ આક્રોશ,
બળે છે રુદ્રની રાતી આંખ,
ધરતીની ફાટે છે છાતી, સુક્કાં છે સૌ જળાશય.
ભાંભરે છે અબોલ જાનવર;
ખાલી છે ખેતર ને વંઝા સધવાઓ
આવે છે એક એકથી કઠણ દહાડા-ખાલી
વરસાદ નથી!

દુઃખ છે અમારી બોલકી નણદી ને મૃત્યુ તે પૂજ્ય બ્રાહ્મણ
તેથી તો કૈં જેવું લાગે જીવન
દેવોને જાણીએ સ્વજન–
તેથી તો પાકે રૂડાં ધાન
માને ખોળે રમે વાલુડાં બાળ
ને અગ્નિ ને જળની ભેરુબંધીથી
અન્ન બને અમૃત.

કહે તો બેન, ક્યારે હવે મીઠડી ગાયનાં આંચળ ફાટ ફાટ થશે?
ઢીંકણીના ગંભીર શબ્દોના તાલથી હાથપગનાં નૃત્ય જાગશે?
બિલાડીની છત્રીઓ ધરતીને ક્યારે શોભા દેશે?
ક્યારે રંગમાં આવી દેડકાં ડ્રાંઉં ડ્રાંઉં કરશે?
આંગણમાં માંડવે ઝાકળભીનાં કોળાં ક્યારે ઝૂલશે?

જીવે છે જેમ કાનખજૂરા ને કીડા
ને ધરતી પર છાતી ઘસડીને સાપ
જોજન ચાલીને ક્‌લાન્ત કાચબો જેમ ફરીથી પહોંચે સાગર
તેમ ઋતુ ને શ્રમના આશ્રયે
અમે જીવતાં આવ્યાં છીએ નચિંત
તેમ છતાં આજ કામકાજ વિનાની વીતે છે સવાર.
સાંજે ઊતરતી નથી શાન્તિ.

અંગરાજ! કહો, અમે શાં પાપ કર્યાં છે?
આ તે કેવા શાપ લાગ્યા છે?
મા ધરતી, ભૂલીશ મા, અમે પણ તારા જ ગર્ભનું સંતાન છીએ.
હે દેવ, હે વરુણ! મહાન ઇન્દ્રરાજ હે!
હવે દયા કરો – વરસાદ આપો –
વરસાદ આપો!


(બે સુંદર અને તરુણ રાજદૂતો સિંહદ્વારેથી બહાર આવે છે.)


પહેલો દૂત  :          કોણ છો તમે લોકો? ગામડાની સ્ત્રીઓ છો કે? રાજધાનીમાં કેમ આવ્યાં છો? પરંતુ આવો પ્રશ્ન જ શા માટે –આજ અંગદેશમાં એવું કોણ છે જેની આશા ભ્રાન્તિ રૂપ નીવડતી ના હોય, જેનું લક્ષ્ય ઝાંઝવાનાં જળ બની જતું ના હોય?... સાંભળો, તમારા જેવાં બીજાં ઘણાં લોકો આવ્યાં હતાં, કોઈનેય પથશ્રમ સિવાય બીજું કંઈ મળ્યું નથી. શ્રેષ્ઠીઓના ભંડારો આજે ખાલી છે; તિલંગુ ગામમાં ત્રણ બ્રાહ્મણોએ કાક-માંસનું ભક્ષણ કર્યાનું સાંભળીએ છીએ.
પહેલી સ્ત્રી : અમે તો એટલું જ જાણવા આવ્યાં છીએ કે મહારાજ તો કુશળ છે ને!
બીજો દૂત          (પહેલા દૂતની સાથે આંખ મેળવી) તો વાત આમને કાને પણ પહોંચી ગઈ છે. પ્રલાપ છે, ભીત આર્ત અને પાગલનો પ્રલાપ છે. મહારાજ બિમાર છે, મહારાજ મરવા પડ્યા છે-એ બધી ખોટી અફવાઓથી કોઈ ભરમાશો નહીં. રાજા લોમપાદનું સ્વાસ્થ્ય બરાબર છે, પરંતુ આજે એ તમારી જેમ દુઃખી છે.
સ્ત્રીઓ           (એક સાથે) મહારાજનો જય થાઓ.
બીજો દૂત           યાદ રાખો, રાજાના ભંડારમાં જે ધાન બાકી છે, તેને લીધે તમારો અમર આત્મા હજી દેહરૂપી પિંજરામાં ધક્‌ ધક્‌ કરે છે. એક મૂઠીને બદલે બે મૂઠી જોઈતી હોય તો યમરાજને ઝાઝા દિવસ છેતરી શકાશે નહીં. યાદ રાખો. તદ્દન ભૂખ્યા રહેવા કરતાં અર્ધા ભૂખ્યા રહેવું સારું, અને આપત્તિના કાળમાં દુકાળ દૂર રાખવો હોય તો મિતભોજન વિના બીજો કોઈ માર્ગ નથી. યાદ રાખો, મુનિઓ પણ અલ્પાહારી હોય છે. સાંભળવાનું બધું સાંભળ્યું, હવે પાછાં ઘેર જાઓ.
બીજી સ્ત્રી :           અમારે બહુ કષ્ટ છે, ભાઈ.
પહેલો દૂત :           અમારું કષ્ટ તેથીય વધારે છે. અમને જોતાં જ સમજી તો ગયાં હશો કે અમે રાજદૂતો છીએ. અમારાં દિવસ, રાત, સ્વાસ્થ્ય, જીવન-બધું જ મહારાજનું છે. તેમના આદેશથી હમણાં અને વીજળીવેગી અશ્વો પર બંગદેશ, કામરૂપ, કલિંગ અને સમુદ્રતટના તામ્રલિપ્તિ સુધી ભમતા હતા. આખો દહાડો સૂર્યના તાપથી બળીજળીને રાત્રે મચ્છરોને પોષતા હતા. આરામનો સમય મળ્યો નથી. ઘોડાની પીઠે જેમ ચાબુક તેમ અમારે માથે ફરજનું ભાન હતું. રસ્તે રસ્તે કાચું કોરું ખાઈ, ગમે તેવા પાણીથી તરસ છિપાવી, ઉજાગરા, તાવ અને પેટની પીડાથી હેરાન થતા અમે મહારાજનો પ્રસ્તાવ લઈને અનેક રાજસભાઓમાં ગયા હતા :
‘યશસ્વી રાજા લોમપાદ આપનું અભિવાદન કરે છે; તેના રાજ્યમાં અનાવષ્ટિને પરિણામે દુષ્કાળ ઝઝૂમી રહ્યો છે, જો કોઈ ઉપાય આપનાથી થઈ શકે તેમ હોય તો આપ પ્રીતિપરાયણ થઈને વ્યવસ્થા કરશો. આપનો મિત્ર અંગરાજ અન્નના વિનિમયમાં સોના-મહોરો આપવા પ્રસ્તુત છે.’
વિદેશના રાજાઓ વિમુખ ન થયા. ઊલટાનું તેમની અનુકંપાથી અમને તો એવું લાગ્યુ કે મનુષ્યો દેવતાનો કોપ પણ દૂર કરી શકે છે. સ્થલમાર્ગે અને જલમાર્ગે તેઓએ પુષ્કળ અન્ન મોકલ્યું પરંતુ – છેવટે દેવતાઓનો જ જય થયો.
બીજો દૂત :          બંગદેશમાંથી પોઠો પર લદાઈને જે ધાન આવતુ હતું તે દસ્યુઓએ લૂંટી લીધું. તામ્રલિપ્તિનાં વહાણ સમુદ્રમાં ડૂબી ગયાં. કામરૂપથી અન્ન લઈને આવતા વાહકો જંગલી પ્રાણીઓનો કોળિયો થઈ ગયા. કલિંગ થી એક સો બળદગાડાં આવતા હતાં, માર્ગમાં વચ્ચે બળદોમાં એક રહસ્યમય રોગચાળો ફાટી નીકળતાં તે આવી શક્યા નહી.
પહેલો દૂત :           રાજમાર્ગો દસ્યુઓથી ઊભરાઈ ગયા છે.
બીજો દૂત :           ગામના સીમાડાઓ પર જંગલી જાનવરોનો ઉપદ્રવ છે.
પહેલો દૂત  :          આટલી મરેલી બિલાડીઓ ક્યારેય જોઈ નથી.
બીજો દૂત : શિયાળવાંની આવી ભયંકર લાળી ક્યારેય સાંભળી નથી.
પહેલો દૂત  :           જ્યોતિષીઓ શિખરશીર્ષ પરથી ક્યારેક ક્યારેક સમાચાર મોકલે છે કે ઈશાન ખૂણામાં કે વાયવ્ય ખૂણામાં – વાદળાંના આભાસે દેખા દીધી છે; પણ કદાચ અમારા જ બળબળતા નિશ્વાસોથી બાષ્પકણો શૂન્યમાં ભળી જાય છે.
બીજો દૂત : અંગદેશનું આકાશ કેવું પથ્થર બની ગયું છે! પેલી બાજુ પંચાલમાં પુષ્કળ વરસાદ થયો છે; બાજુના પુન્ડુદેશની નદીઓ પૂરમાં આવીને ગામનાં ગામ તાણી ગઈ છે.
ત્રીજી સ્ત્રી :આપણો શો વાંકગુનો છે – દેવો કેમ નિર્દય થયા છે?
પહેલો દૂત :           અરેરે, જેટલો યજ્ઞનો ધુમાડો દિવસરાત આકાશ ભણી જાય છે, તે બધો ભેગો થઈને પણ એક ટુકડો મેઘ નહીં બને?
બીજો દૂત :           આપણો શો વાંકગુનો છે – કેમ વિધાતા આમ રૂઠ્યો છે?
બીજો દૂત : રાજરાણીએ તેમની ત્રણસો સખીઓ સાથે ત્રણ રાત ઉપવાસ કરીને મહાપર્જન્યવ્રત રાખ્યું હતું, તોયે ટીપું પણ વરસાદ થયો નહી.
બીજી સ્ત્રી :           આપણો શો વાંકગુનો છે – શા માટે આ સજા?
ત્રીજી સ્ત્રી :          મારો પતિ વાથી હાલી ચાલી શકતો નથી, હું જુવાન હોવા છતાં ય તેની જ સેવા કરું છું.
બીજી સ્ત્રી : મેં કદીય અતિથિને બારણેથી પાછા કાઢ્યા નથી.
પહેલી સ્ત્રી :          મેં કદીય શિવલિંગને અંજલિ આપ્યા વિના જલસ્પર્શ કર્યો નથી.
પહેલો દૂત : તમે મૂર્ખ છો! મૂર્ખ સ્ત્રીઓ છે! તમારા પાપની સજા માત્ર તમને જ મળે; પણ કોના પાપે બધાય લોકો કષ્ટ પામે છે તે જાણતાં નથી?
બીજો દૂત :           (પહેલા દૂતના હાથને અડકીને) થોભ, વધારે પડતું બોલી રહ્યો છે. રાજદૂતના મોંએ રાજદ્રોહ શું ઉચિત છે? (સ્ત્રીઓને) તમે લોકો હવે અહીં કાલક્ષેપ ના કરો; ઘેર જાઓ. ધર્માત્મા રાજા લોમપાદ તમારું રક્ષણ કરશે. કશો ભય નથી.
સ્ત્રીઓ :           પ્રણામ, પ્રણામ અમારા રાજાને.

(સ્ત્રીઓનું પ્રસ્થાન)

પહેલો દૂત :          ‘ધર્માત્મા રાજા તમારું રક્ષણ કરશે. કોઈ ભય નથી.’ – તું શું બોલ્યો તને ખબર છે?
બીજો દૂત : ખોટું આશ્વાસન પણ સાંભળીને તેમના મનને શાન્તિ મળે તો તેમાં નુકસાન શું? કંઈ નહીં તોય રાજભક્તિ અચલ રાખવી જરૂરી છે.
પહેલો દૂત :          હું જાણે આજ ઉદ્‌ભ્રાન્ત થઈ ગયો છું, મારું મન સંશયથી આકુલ છે. રાજા જો સ્વસ્થ અને ધર્માત્મા હોય તો પ્રજાજનોને આટલું બધું કષ્ટ શાનું પડે? – સાંભળ, તેં જે પેલી સ્ત્રીઓને કહ્યું કે રાજા લોમપાદનું સ્વાસ્થ સારું છે–તે શું સાચું છે?
બીજો દૂત : ખબર નથી. પણ તેઓ સાચી હકીકત જાણવા નહોતી આવી, સાન્ત્વના પામવા આવી હતી. અને આપણે પોતે જ આજ સાન્ત્વના શોધતા નથી?
પહેલો દૂત :          તો શું તું જ્યોતિષીઓની વાતમાં શ્રદ્ધા રાખે છે?
બીજો દૂત : જ્યોતિષી? (હસી પડી) યવનદેશ[1] ની વાત શું સાંભળી નથી? રાજા અગ્નિમાણિક્યે[2] જ્યોતિષીઓના કથનથી પોતાની સગી તરુણ પુત્રી ફેનભંગિનીનું પશુની જેમ બલિદાન આપ્યું. યુદ્ધમાં વિજય મેળવ્યા પછી જે ક્ષણે તે પોતાના રાજ્યમાં પાછો ફર્યો, તે ક્ષણે તેની અ-સતી પત્ની અફલમશ્રીએ તેને પાશબદ્ધ મહિષની જેમ હણી નાખ્યો. અને યુવાન પુત્ર અરિષ્ટના હાથે પાપિષ્ઠા જનનીનું મૃત્યુ થયું. કેવી ભયંકર હત્યા અને પ્રતિ-હત્યા! દૈવવાણીનું કેવું બીભત્સ પરિણામ!
પહેલો દૂત :          સાંભળ્યું છે કે યવન દેશમાં દેવતાઓ પણ ધૂર્ત અને આદેખા હોય છે. પરંતુ આર્યાવર્તમાં દેવતાઓ અસુરોને
પણ વરદાન આપે છે. હું તેથી માની શકતો નથી કે અંગદેશના સર્વનાશને નિવારી જ ન શકાય.
બીજો દૂત : પણ આ દેવતાઓ મનુષ્યોની જ કપોલકલ્પના હોય તો?
પહેલો દૂત :          ધિક્‌ પાપવાક્ય!
બીજો દૂત : જો ધર્મ જ ન હોય, જો બધાં શાસ્રો પ્રહેલિકામાત્ર હોય અને જો અંધારામાં આપણો પ્રકાશ માત્ર ભૂત ભડકા હોય, તો.
પહેલો દૂત :           તો પણ કર્મ તો છે. દેવતા અને વેદ મિથ્યા હોય તો પણ કર્મ સનાતન છે. અને કર્મફલનું જ બીજું નામ દૈવ. સાંભળ્યું છે કે આપણા રાજપુરોહિત છેલ્લે છેલ્લે એક બીજી દૈવવાણી મળી છે.
બીજો દૂત :અફવા, તુચ્છ અફવા.
પહેલો દૂત :           પરંતુ કોણ જાણે છે કે તે તુચ્છ છે! ... તને શું લાગે છે, કહે, તો? રાજા લોમપાદે એક બ્રાહ્મણનું અપમાન કર્યું હતું એટલે જ આપણી આવી દુર્દશા છે–એ વાત શું વિશ્વાસયોગ્ય છે?
બીજો દૂત : (વક્ર હસી) તો પછી તો એ પણ વિશ્વાસયોગ્ય ગણાય કે આ ઢેફાને લાત મારતાં આકાશમાંથી નક્ષત્ર ખરી પડશે! પારકાના અન્ને પુષ્ટ, સ્વાર્થી પ્રવંચક બ્રાહ્મણો સિવાય આવી અફવાઓ કોણ ફેલાવે?
પહેલો દૂત :         પણ એટલું તો માને છે ને કે કારણ વિના કાર્ય થતું નથી? એટલું તો માને છે ને કે કારણ વિના આકસ્મિકભાવે આ અનાવૃષ્ટિ આવી નથી અને એટલે જોતે કારણ જડે તો તેનો ઉપાય પણ થઈ શકે.
બીજો દૂત : કાગનું બેસવું અને તાડનું પડવું એવું તો રોજ રોજ કેટલુંય બને છે. કેટલાંય સ્વપ્નાંને સાચાં માની બેસીએ છીએ. સાચું શું છે તે ખાતરીપૂર્વક કોણ જાણે છે?
પહેલો દૂત :           શું બોલે છે તું? ખાતરી નથી? તલવારના પ્રહારથી લોહી વહે છે, પાપના આઘાતથી પીડા પ્રસરે છે. જેમ ઔષધથી દેહનું આરોગ્ય મળે, પાણીથી અગ્નિનું શમન થાય, તેમ પ્રાયશ્ચિત્તથી પાપ ધોવાઈ જાય છે. એના કરતાં સ્વાભાવિક વાત બીજી કઈ હોઈ શકે? – હસે છે શું?
બીજો દૂત : હું વિચારું છું કે કયું પાપ છે તે આપણે જાણતા નથી, એટલે એના પ્રાયશ્ચિત્તનો પણ નિર્ણય થઈ શકતો નથી. પરંતુ દુષ્કાળ તો મોઢા મોઢ આવીને ઊભો છે–પ્રત્યક્ષ છે.
પહેલો દૂત :           (થોડી વાર પછી, નીચા સ્વરે) હવે પાપ અજાણ્યું નથી. રાજપુરોહિતે શોધી કાઢ્યું છે.
બીજો દૂત : (મશ્કરીના સ્વરમાં) રાજપુરોહિતે શોધી કાઢ્યું?
પહેલો દૂત :          (ચારે તરફ જોઈ, નીચા સ્વરે) સાંભળ–આટલી વાર સુધી તને કહ્યું નહોતું, આ નવી દૈવવાણીનો સારાંશ તેં સાંભળ્યો છે?
બીજો દૂત : લાગે છે કે સારા સમાચાર છે...
બીજો દૂત : મેં જે સાંભળ્યું છે તે જો સાચું હોય તો ફરી એક વાર સાબિત થશે કે દૈવ અને કર્મફલ એક જ છે. સાબિત થશે કે રાજાનાં કર્મોનાં ફળ જેમ પ્રજા ભોગવે છે, તેમ પંચભૂતો પણ પુરુષાર્થ અધીન હોય છે.
બીજો દૂત : સંભવિત તો ઘણું ઘણું છે પણ અમુક બનશે જ એ નિશ્ચિત નથી.
પહેલો દૂત :           મેં જે સાંભળ્યું છે તે સાચું હોય તો અંગદેશનો ઉદ્ધાર થશે. અને આપણી પ્રાણદાત્રી થશે એક વારાંગના.
બીજો દૂત : તારી આ મજાક શું સમયોચિત છે?
પહેલો દૂત :          એકદમ સમયોચિત આ પ્રસ્તાવ છે. ઇતિહાસમાં વારાંગનાઓનાં સુકૃત્યો કેટલાં બધાં છે તે કોણ જાણતું નથી! તેમને લીધે જ સ્વર્ગલોભી દાનવો વારંવાર પાછા પડ્યા છે. ઉગ્ર તપ કરનારા ઋષિઓ પાછા સ્વાભાવિક માનવ બન્યા છે તેમને લીધે જ દેવતાઓ રાજ્યભ્રષ્ટ થયા નથી. સ્વર્ગ મર્ત્યની તુલા જળવાઈ રહી છે. તારે ભૂલવું ન જોઈએ કે ભરતવંશની આદિ માતા એક વેશ્યાપુત્રી હતી. એટલે સુધી કે સુંદ ઉપસુંદના મૃત્યુટાણે સ્વયં પ્રજાપતિ– (એકદમ અટકી) આમ આવ પે–લા દેખાય છે?
બીજો દૂત : લાગે છે કે તેઓ આ બાજુએ જ આવી રહ્યા છે.
પહેલો દૂત :           રાજમંત્રી છે, સાથે છે રાજપુરોહિત, કંઈક સંતલસ કરે છે. માથું નીચું છે–પણ ના, આ પેલા રાજમંત્રીએ આકાશ ભણી જોયું – તેમનું મુખમંડલ પ્રસન્ન છે–હોઠ ઉપર આશા ઝળકે છે–તો મારું અનુમાન ખોટું નથી!– આવ આપણે અહીં ઊભા રહીએ, તેઓ આવી રહ્યા છે.

(રાજપુરોહિત અને રાજમંત્રીનો પ્રવેશ. બન્ને દૂતો પ્રણામ કરે છે.)

રાજમંત્રી : સુશ્રુત, માધવસેન.
બન્ને દૂત : આજ્ઞા કરો.
રાજમંત્રી : ગણિકા લોલાપાંગી અને તેની કન્યા તરંગિણીને લાવીને અહીં હાજર કરો. જઈ ને કહો–‘તમને રાજકાર્ય માટે બોલાવવામાં આવ્યાં છે, ક્ષણનો પણ વિલંબ ન કરો.’ ઉદ્યાનને છેડે ઉત્તમ રથ તૈયાર છે. અમે રાહ જોઈએ છીએ.
પહેલો દૂત :           (જતાં જતાં, બીજા દૂતને) કેમ, હજીય મારી વાત પર અવિશ્વાસ છે?

(બંને દૂતોનું પ્રસ્થાન)

રાજમંત્રી : સેંકડો વારાંગનાઓને સમાચાર પાઠવ્યા. બધી જ ભયથી કંપી ઊઠી. જાણતો નહોતો કે એક બાલ તપસ્વીનો પ્રતાપ આટલો બધો પ્રબલ હશે. પણ હજી આશા છે. આ હમણાં જ નગરપાલે મને જણાવ્યું કે ચંપાનગરની ગણિકાઓની મધ્યમણિ અત્યારે તરંગિણી છે. રૂપમાં, લાસ્યમાં, છલનામાં તેની કોઈ જોડ નથી. બાલ્યાવસ્થાથી તે તેની માતાની જ શિષ્યા છે, બધી કલાઓમાં નિપુણ છે. સાંભળ્યું છે કે લોલાપાંગીની પાસે વિદ્યા મેળવીને વાંકાદાંતવાળી કુરૂપા પણ વૃદ્ધો પાસેથી ધન પડાવી શકે છે, અને તરંગિણી તો સ્વભાવે જ મોહિની છે. તેના હિલ્લોલથી ઋષ્યશૃંગ પીગળશે, જેમ મલય સ્પર્શથી હિમાદ્રિ પીગળે છે. મદઝરતા હસ્તીની જેમ તેમનું પતન થશે વ્યાધે રચેલા છૂપા ગહ્‌વરમાં; કામનાના રજ્જુમાં બાંધીને તેમને વારાંગનાઓ લઈ આવશે નગરમાં. અંતઃપુરમાં રાજકન્યા શાન્તા વરમાળા લઈ ને રાહ જોશે— ભગવન્‌, બોલો, અમારું કાર્ય સફળ થશે ને?

રાજપુરોહિત : અશક્ત છે આજે અંગરાજ, શક્તિ છે તેમની સમાપ્ત,
                  એટલે રસહીન છે ધરા અને ખાલી ખાલી આકાશ.
                  પૃથ્વીના જે પતિ કહેવાય તેમના કોષમાં નથી બીજબિન્દુ.
                  થંભી છે ઋતુ, શસ્ય નથી, ગોવત્સ નથી, સંતાન નથી.

                  સૌ એક સૂત્રે બંધાયાં છે–નક્ષત્રોથી માંડી તૃણ સુધી,
                  રુદ્ર, સૂર્ય અને જીવો, સોમપાયી અને શ્રમજીવી;
                  એક સૂત્રે બંધાયાં છે ભ્રૂણ અને ઉદ્‌ભિદ, અંડજ અને જરાયુજ
                  તૂટી છે તે શૃંખલા આજ, દુઃખી છે તેથી અખિલ વિશ્વ.

                  આદિ મૂળ છે જલ, એક જ સ્રોત અંતરિક્ષમાં અને ભૂતળે,
                  ઔરસમાં અને વૃષ્ટિમાં, નિર્ઝરિણી અને નારી ગર્ભમાં;
                  જન્મ આપે છે જલ અન્ન આપે છે જલ
                  જલમાં જાગે છે પ્રાણસ્પંદ અને પ્રેરણા.
                  તૂટ્યો છે તે પ્રવાહ આજ દુઃખી છે તેથી અખિલ વિશ્વ.

                  એક વાર વૃત્રે રોક્યું કર્યું હતું જલને,
                  જેમ વણજારને રોકે દસ્યુઓ;
                  વંધ્યાનાં સ્તન અને કૃપણનું ધન જેમ નિષ્ફળ
                  તેમ હતું જલ નિશ્ચલ અંધારી કંદરામાં.

                  પણ જલને મુક્ત કર્યું ઇન્દ્રે
                  ધ્વંસ થયા અસુર તેના વજ્રે,
                  છૂટ્યાં વાદળ, પ્રવહમાન થયા સપ્ત સિંધુ;
                  જેમ કોઢરામાંથી ગયો તેમ ગુહામાંથી વહી નીકળ્યાં જલ
                  ઊભરાઈ નદીઓ, જેમ દ્યૂતવિજયીનું વિત્ત.

                  આજ અંગદેશમાં ફરી વાર રુદ્ધ છે જલ, તેને મુક્તિ આપો;
                  સ્ખલિત કરો વિદ્યુત્‌–નિષ્કલંક, ઉજ્જવલ;
                  લાવો વજ્ર જેવું પૌરુષ, તીવ્રતમ યૌવન;
                  તૈયાર હો ખડ્‌ગ, વિકીર્ણ થાઓ બીજસ્રોત,

                  કુમાર–અપાપવિદ્ધ–ઋષ્યશૃંગ–તરુણ–
                  ભાંગો, ભાંગો તેમનું કૌમાર્ય;
                  રાજા જ્યારે હોય ખાલી, ત્યારે લૂંટી લો તપસ્વીને,
                  સિક્ત થાઓ નારી અને પુરુષ,
                  પ્રકટો મૃત્તિકાની પ્રતિભા.

         (રાજપુરોહિતનું પ્રસ્થાન. બીજી દિશામાંથી શાન્તાનો પ્રવેશ.)
રાજમંત્રી : શાન્તા! તું! ઉદ્યાનના આ નિર્જન છેડે ક્યાંથી? તારી સખીઓ ક્યાં છે?
શાન્તા : એક અરજ લઈને આપની પાસે આપની આવી છું.
રાજમંત્રી : તું રાજપુત્રી છે, મારી પણ દીકરી જેવી. તને પ્રસન્ન રાખવી એ મારું કર્તવ્ય અને પ્રિય કર્મ છે. નિઃસંકોચે દિલ ખોલીને વાત કર.
શાન્તા : સાંભળ્યું છે કે દેવતાઓ કૌમાર્યવ્રતના શત્રુ છે અને અંગદેશમાં કૌમાર્યનો પ્રાદુર્ભાવ છે?
રાજમંત્રી : મેં પણ એવું જ સાંભળ્યું છે.
શાન્તા : એટલે જ શું મારા પિતાનું રાજ્ય આજે અભિશપ્ત છે?
રાજમંત્રી : રાજપુરોહિતનું એવું કહેવું છે.
શાન્તા : તો પછી એ સ્થિતિનો અંત લાવવો જોઈએ.
રાજમંત્રી : અમે જરૂરી વ્યવસ્થા કરીએ છીએ.
શાન્તા : શી વ્યવસ્થા? (ક્ષણવાર ચૂપ રહી) તાત, હું પણ કુમારી છું.
રાજમંત્રી : ચિન્તા ના કર; શાન્તા, તારું લગ્ન જેમ બને તેમ જલદી થાય તે માટે અત્યારે અમે સૌ પ્રયત્નવાન છીએ.
શાન્તા : મારું લગ્ન! અને મારી અજાણતાં જ તેની ગોઠવણ?
રાજમંત્રી : તરુણ, રૂપવાન, અપાપવિદ્ધ, દેવો પણ જેને વધાવી લે-એવો એક પતિ તને મળશે.
શાન્તા : કોણ છે તે?
રાજમંત્રી : તેમનો તારી સાથે મેળાપ થાય તે શુભ ઘડી કદાચ આવી પહોંચી છે.
શાન્તા : તેમનું નામ જાણી શકું?
રાજમંત્રી : તારી પાસે નહીં છુપાવું. તેઓ છે તપસ્વી ઋષ્યશૃંગ.
શાન્તા : ઋષ્યશૃંગ? સાંભળ્યું છે કે તેઓ અડગ બ્રહ્મચારી છે?
રાજમંત્રી : ઋષિઓ કહે છે કે આદ્યાશક્તિને જાણ્યા વિના બ્રહ્મલાભ થતો નથી.
શાન્તા : તેઓ શું એટલા જ માટે મારું ગ્રહણ કરવાના છે?
રાજમંત્રી : પ્રકૃતિના બંધનમાં એકવાર આવે નહીં એવો કયો પુરુષ છે?
શાન્તા : તાત હું પ્રકૃતિ નથી, હું શાન્તા છું-એક સામાન્ય યુવતી. દેહથી કે અંતઃકરણથી મારામાં અને સામાન્ય ખેડુકન્યામાં કોઈ ફેર નથી. મારે પણ પતિ, સંતાન અને ઘર જોઈએ, જોઈએ પ્રેમ–પરિણતિ અને બંધન. સેવા અને સ્નેહવૃત્તિની સ્થાયી સાર્થકતા જોઈએ. આદ્યાશક્તિની પૂજા કર્યા પછી ઋષ્યશૃંગ મારો ત્યાગ કરે તો? બ્રહ્મજ્ઞાનની સરખામણીમાં નારી તુચ્છ છે, જાયાપુત્ર એકદમ મિથ્યા છે એવું તેમને લાગે તો?
રાજમંત્રી :          વત્સે, સાવિત્રી તેના પતિને મૃત્યુલોકમાંથી પાછી લઈ આવી હતી, તું તારા પતિને ગૃહત્યાગમાંથી પાછો ફેરવી શકીશ નહીં ?
શાન્તા : સાવિત્રીના સ્વામીને કોઈ પિતા કે વડીલોએ પસંદ કર્યો નહોતો.
રાજમંત્રી :          (ક્ષણવાર ચૂપ રહી) ઋષ્યશૃંગ સાથે લગ્ન કરવા તું શું રાજી નથી?
શાન્તા : તાત, હું સ્વયંવરા થવા ઇચ્છું છું.
રાજમંત્રી : દેશની આવી આફતને ટાણે સ્વયંવરસભા?
શાન્તા : ના, સભા ઇચ્છતી નથી. અનેક ઉમેદવારોને ભેગા કરવાની જરૂર નથી. અંગદેશનો જ એક યુવક મારો પ્રેમી છે, મેં પણ તેને મનથી વર્યો છે.
રાજમંત્રી : લાગે છે કે તે અત્યંત મહત્ત્વાકાંક્ષી અને ગુસ્તાખીખોર છે?
શાન્તા : ગુસ્તાખીખોર નહીં, પ્રેમી. મહત્ત્વાકાંક્ષી નહીં, પ્રણયયોગ્ય છે. તાત, તે તમારો જ પુત્ર અંશુમાન છે.
રાજમંત્રી : અંશુમાન?
શાન્તા : અંશુમાને અને મેં એક રાજ્ય ઊભું કર્યું છે. એ રાજ્યમાં હૃદય અમારું મંત્રી છે, સેનાપતિ અમારી પરસ્પરની પ્રીતિ છે, કોષાધ્યક્ષ અમારી નિષ્ઠા છે અને પ્રજાગણ અમારી દૃષ્ટિ છે, હાસ્ય, સંલાપ અમારાં સ્વપ્ન અને ભાવી કલ્પના છે. એક પ્રેમાળ અને ધર્મપરાયણ વ્યક્તિ તરીકે અંશુમાન જોડે મને પરણાવો એ મારી આપને પ્રાર્થના છે.
રાજમંત્રી : આનાથી મોટી મારી કોઈ આકાંક્ષા નહોતી.
શાન્તા : વિચારી જુઓ–હું લોમપાદનું એકમાત્ર સંતાન છું. મારા પતિને રાજપાટ આપવાનું તેમણે સ્વીકાર્યું છે.
રાજમંત્રી : કલ્યાણી, તું રાજ્યશ્રી કરતાં પણ મોટી છે.
શાન્તા : વિચાર કરો, અંશુમાન સર્વગુણોથી શોભિત છે, અને મારો જન્મ પણ દુષ્ટ ગ્રહના આધિપત્યમાં થયો નથી. આપ મારા પિતાના સુહૃદ છો, અને આપ એમના મુખ્ય અમાત્ય છો. આપણાં બન્નેનાં કુળના સંયોગથી આ રાજ્ય વધારે શક્તિશાળી બનશે. જો અંગદેશનું હિત આપને હૈયે હોય, જો પુત્ર અને સુહૃદકન્યા પ્રત્યે આપની સ્નેહદૃષ્ટિ હોય તો આ લગ્ન અવશ્ય આપને ઇપ્સિત હોવું જોઈએ. પરંતુ આપના મોં પર કેમ કોઈ હર્ષનું ચિહ્ન દેખાતું નથી?
રાજમંત્રી : તારો પ્રસ્તાવ શ્રદ્ધેય છે, સુલક્ષણા અને મારે પક્ષે તો આશાતીત.
શાન્તા : આશાતીત શા માટે? પતિ જાતે પસંદ કરવાનો ક્ષત્રિય નારીનો અધિકાર નથી શું?
રાજમંત્રી : તારી વાત સાચી છે, સુભાષિણી.
શાન્તા : મારું વલણ મારાં માતાપિતાને અજાણ્યું નથી, તેઓ અનુકૂળ છે. હવે આપ મને પુત્રવધૂ રૂપે આશીર્વાદ આપો. અમારાં લગ્ન વિના વિલંબે ગોઠવો. મારા કૌમાર્યત્યાગને પરિણામે અંગદેશ ફરી હરિયાળો બની જાય, એવા આર્શીવાદ આપો.
રાજમંત્રી : હું આર્શીવાદ આપું છું, કલ્યાણી કે તું સ્વદેશની કલ્યાણદાત્રી બની રહે, તારા પતિવ્રત્યને પરિણામે અંગદેશ શાપમુક્ત થાઓ.
શાન્તા : આપ ઋષ્યશૃંગનો ઉલ્લેખ કરતા હતા–
રાજમંત્રી : ત્યારે તારા હૃદયની વાત જાણતો નહોતો.
શાન્તા : હું આપને સાચુ કહું છું કે હું અંશુમાન સિવાય બીજા કોઈની અંકશાયિની નહીં બનું.
રાજમંત્રી : તારું વાક્ય મારા માનસપટ પર મુદ્રિત રહેશે; રાજપુરોહિતની સાથે ચર્ચા વિચારણા કરીને હું તારા લગ્નનું મુહૂર્ત નક્કી કરીશ. તું શાન્ત થા, મહેલમાં જઈને વિશ્રામ કર. હું તારું અને અંગદેશનું મંગલ ઇચ્છનારો છું.
શાન્તા : પ્રણામ

                  (શાન્તાનું પ્રસ્થાન)
રાજમંત્રી :          અહંકાર–સ્વાર્થપરકતા–આત્મતૃપ્તિ–તેને જ આપણે કહીએ છીએ પ્રેમ–સરલતા અને હૃદયગુણ! તરુણી શાન્તા જગતના વ્યવહારોથી અપરિચિત છે, વસંતની વિહંગી જેવી નાદાન છે તે ઉપરાંત તે અંશુમાનના પ્રેમમાં પડેલી છે–હું તેને કેવી રીતે સમજાવું કે આજ અંગદેશના ભાગ્યવિધાતા ઋષ્યશૃંગ વિના બીજું કોઈ નથી અને તેમનું વરદાન પામવા માટે જે કન્યા નક્કી થઈ છે, તે પણ રાજકુમારી શાન્તા છે, બીજું કોઈ નથી. આ દેવવાણી અફળ છે. રાજપુરોહિતનો આદેશ પાળવો જ રહ્યો. લાગે છે કે અત્યારે પૂરેપૂરી સાવધાની રાખવી પડશે. શાન્તા અને અંશુમાનને જુદાં પાડવાં પડશે. તેમની દૃષ્ટિ અત્યારે એકદમ પ્રાકૃત છે; વ્યક્તિગત તૃપ્તિ માટે તેઓ શિશુની જેમ લાલાયિત છે; દેશને બચાવવાનો જે પ્રયત્ન અમે કરીએ છીએ તેમાં તેઓ જ વિઘ્નરૂપ ન થઈ પડે તેની કોને ખબર? મારા ઇરાદાની ખબર પડતાં જો અંશુમાન શાન્તાનું હરણ કરીને દેશાવર ઊપડી જાય તો? એમને માટે આ સ્થિતિમાં આવો માર્ગ લેવો સ્વાભાવિકછે અને ક્ષાત્ર ધર્મમાં તેને અનુમોદન પણ છે. હું આજે રાત્રે જ અંશુમાનને બંદી બનાવી દઈશ. થોડાક દિવસ કેદમાં રહેવાથી તેના શરીરને હાનિ પહોંચવાની નથી, દાસીઓ શાન્તા પર ચાંપતી નજર રાખશે. ઋષ્યશૃંગના આગમન ટાણે તેને પ્રસન્ન અને પ્રસ્તુત રહેવું પડશે.
અમારો બધો આધાર અત્યારે વારાંગનાઓ ઉપર છે. તરંગિણીની ખ્યાતિ જો સાચી હોય, લોલાપાંગીનો ધનલોભ જો પ્રબળ હોય તો અંગદેશ ફરી સમૃદ્ધ થશે, કોઈ ભૂખ્યું અને દુઃખી નહીં રહે. જનગણનો હર્ષધ્વનિ સાંભળીને લોમપાદ અને રાજપુરુષો ધન્ય થશે. ઋષ્યશૃંગને રતિરહસ્યમાં દીક્ષિત કરશે તરંગિણી અને તેનો ફલભોગ કરશે શાન્તા. એક વાર ભડભડી ઊઠ્યા પછી કામ સહેલાઈથી શાન્ત થતો નથી. વારાંગનાઓ ઉપર જ બધો આધાર છે.

(લોલાપાંગી અને તરંગિણીને લઈને બે દૂતોનો પ્રવેશ)

રાજમંત્રી : પધારો. કુશળ તો ખરાંને?
લોલાપાંગી :           જીવું છું પ્રભુ, કાયકલેષ લઈને જીવું છું. આવા દુષ્કાળમાં પણ કંકાલ થઈ ગઈ નથી. દાસીને કેમ યાદ કરી?

(રાજમંત્રીના ઇશારે બે દૂતોનું પ્રસ્થાન)

રાજમંત્રી :          આ તારી દીકરી–તરંગિણી છે?
લોલાપાંગી :           આપની દાસી.
રાજમંત્રી :           સાંભળ્યું છે કે તેં એને બધી વિદ્યાઓમાં પારંગત કરી છે?
લોલાપાંગી :          પ્રભુ, અમારું કેટલું ગજું? છતાં પ્રયત્નમાં મણા રાખી નથી; મા થઈને સંતાનની ઉપેેક્ષા થોડી જ થાય છે! મેં તેને કઈ કઈ વિદ્યાઓ શીખવી છે તે કહું? રૂપની ચર્ચા, સ્વાસ્થ્યનો યત્ન, સ્નાન, વ્યાયામ, પથ્યના નિયમ; સાજ, શણગાર, આભૂષણનું તત્ત્વ. તેને રત્ન પારખતાં આવડે છે; ફૂલ, માલા અને ગંધદ્રવ્યનો મર્મ તે જાણે છે; કયા ઉપાયથી ત્વચા ચમકતી રહે, આંખો ઉજ્જવલ રહે, અને ઉચ્છ્‌વાસ સુગંધિત રહે તે, તે જાણે છે. કયા ખાદ્યથી મેદ વધતો નથી અને કઈ સુરા કલ્યાણકારક છે તે, તે જાણે છે. સુંદર રીતે બેસવાનું, ઊભા રહેવાનું, ચાલવાનું, સૂવાનું, ઊંઘવાનું તે જાણે છે. ઊંઘની અંદર પણ અશોભન અંગભંગિ કરતી નથી, કંઠમાં અને ઉચ્ચારણમાં કેવા સૂરનો ઉપયોગ કરવાથી વચન મનોચોર બની જાય છે, તે તે જાણે છે.
રાજમંત્રી :          તારી પુત્રીને કોઈ શાસ્રપાઠ આવડે છે? ધર્મતત્ત્વનું થોડુંય જ્ઞાન ખરું?
લોલાપાંગી :         પ્રભુ, હજી મેં પૂરું કર્યું નથી; આ રૂપની ચર્ચા તો શિક્ષણની શરૂઆતમાત્ર જ છે તે પછી થોડું વ્યાકરણ અને કાવ્ય, થોડું અર્થશાસ્ર અને તર્કશાસ્ર, પૂજા, વ્રત, પાર્વણની વિધિ; પાસા રમવાનું જ્ઞાન; નાચ, ગાન, અભિનય; હાવભાવ અને પરિહાસથી કેવી રીતે રસવતી થવાય; ધૂર્ત, વિટ, જ્યોતિષી અને ભિક્ષુણીઓને મોંએ મોંએ અમુકના કરતાં કોઈ ગુણવતી નથી એવો ફેલાવો કરવાની આવડત. છેલ્લે આવે રતિશાસ્ર અને કામકલા, માન, અભિમાન, કટાક્ષ, નિશ્વાસ, રુદન; હાસ્ય અને ભૃકુટિની ચતુરાઈ; કયા મંત્રથી ઉદાસીન આવીને પગે પડે, કંજુસનું સોનું અંગ ઉપર ચઢે; કેવી યુુક્તિથી નાગરોમાં ઇર્ષ્યા જગાવીને પોતાનું મૂલ્ય વધારવું અને સપ્તરથીને એક સાથે પાલવડે બાંધીને રમાડવું...
રાજમંત્રી : તારી પુત્રી તો તો છલના કરવામાં પણ દક્ષ હશે?
લોલાપાંગી :          છલના, પ્રભુ? અમે તેને છલના નથી કહેતાં, જીવિકા કહીએ છીએ. પૈસા આપવાનું વચન આપીને જે લોકો તે પાળે નહીં તેમને મર્મઘાતી કડવાં વેણ ના કહીએ તો અમે જીવીએ કેવી રીતે? કોઈ સુંદર ધાર્મિક યુવક નિર્ધન હોય તો કેવી રીતે તેની સેવા કરવા છતાં ધનલાભ થાય તે પણ શીખ્યા વિના અમારે ના ચાલે. સમય પારખીને અમે મધુકુંડ થઈએ છીએ અને સમય પારખીને વિષભાંડ થઈએ છીએ; આ બધું જ મેં તરંગિણીને શીખવ્યું છે. જે પુરુષ તેને ભાગ્યવતી કરે છે તેની પુત્રી સાથે તેનો વ્યવહાર ખીલે છે માતૃભાવે, તેની સ્ત્રીને મીઠાં વચનો કહે છે, તેની દાસીને ભેટ આપે છે; પણ પુરુષની મૂઠી જો જલદી ખુલતી ના હોય તો તેની કઠોર ભર્ત્સનાથી તે પુરુષની સ્ત્રી, પુત્રી કે પરિજન કોઈ બચી શકતું નથી, અભિમાન નથી કરતી પણ ભગવાને તેને જે સેવાધર્મ માટે સંસારમાં મોકલી છે, તેને માટે તરંગિણીને કોઈપણ ઉપાયે સજ્જ કરી છે, તેને માટે કેટલો શ્રમ, કેટલું કષ્ટ અને કેટલો ખર્ચ થયો છે તે તો એક હું જ જાણું છું અને એક ભગવાન જાણે છે. પણ આજે આપનાં દર્શન થતાં લાગે છે કે કદાચ મારાં આજ દિવસ સુધીનાં બધાં કષ્ટ સાર્થક થયાં.
રાજમંત્રી :          તરંગિણી, તને હું એક પ્રશ્ન કરું છું.
તરંગિણી :          આપની કૃપાથી હું કૃતાર્થ થઈ.
રાજમંત્રી :          તને કોઈ પુરુષ માટે પ્રેમ છે?
તરંગિણી :          મારો ધર્મ છે અનેકોની પરિચર્યા.
રાજમંત્રી :          એવો કોઈ પુરુષ નથી જેને તું સર્વસ્વ આપી દેવા ઇચ્છે.
તરંગિણી :          પ્રભુ, મારું સર્વસ્વ કહેવામાં બીજું છે શું–માત્ર આ શરીર! તેના પર કોનો અધિકાર નથી–રોગી, પાગલ, ભિખારી અને નપુંસક સિવાય, કહો જો? જે કોઈ મને કિંમત ચૂકવે છે તેને જ માટે હું અર્ઘ્ય સજાવી રાખું છું—શુદ્ર, બ્રાહ્મણ, યુવાન, રૂપવાન, કુત્સિત મારી પાસે તો સૌ સમાન છે.
રાજમંત્રી :          ક્યારે કોઈના પ્રત્યે વિશેષ પક્ષપાત થયો નથી?
તરંગિણી :          એવો પાપી વિચાર જો ક્યારેક મનમાં જાગે તો હું પ્રાણપણે તેને દૂર રાખું છુંં.
રાજમંત્રી : તને એક કામની જવાબદારી સોંપવા માગું છું.
તરંગિણી :          દાસીને આજ્ઞા કરો.
રાજમંત્રી :          ગંગાને પેલે તીર, અંગરાજ્યની સરહદે એક નવયુવક તપસ્યારત છે. જન્મથી જ તે વનવાસી છે, જન્મથી જ તે કોઈના સંપર્કમાં આવ્યો નથી. ક્યારેક કોઈ સ્ત્રી તેની નજરે પડી નથી, અને બીજા જે એકમાત્ર પુરુષનો તેને પરિચય છે, તે છે તેના જ કઠોર નૈષ્ટિક ઋષિતુલ્ય પિતા. પર્યટકોને મોઢે સાંભળ્યું છે કે આ કિશોર તપસ્વી એટલો બધો નિષ્પાપ છે કે આશ્રમમાં પશુપક્ષીઓ હોવા છતાં પ્રાણીઓનો જન્મ કેવી રીતે થાય છે તે પણ તે જાણતો નથી. એક ખાસ કારણથી તેના શરીરમાં મદનજવાલા જગાડવાની છે અને કામાતુર અવસ્થામાં તેને લઈ આવવાનો છે રાજધાનીમાં–આ ચંપાનગરમાં, જે ચંપાનગરની તું અને તારી સખીઓ સ્વર્ણમેખલા છો —કરી શકીશ?
તરંગિણી :          પ્રભુ, મને કુતુહલ થાય છે. શું આ તરુણ બ્રહ્મચારીએ તેની માતાને કે અન્ય કોઈ મુનિપત્નીને પણ જોઈ નથી?
રાજમંત્રી :          સાંભળ્યું છે કે તેના જન્મકાળે જ તેની માતાનું મૃત્યુ થયું હતું અને તેના પિતાનો આશ્રમ એકદમ નિર્જન છે; ત્યાં બીજો કોઈ રહેવાસી નથી.
તરંગિણી :          શું નામ છે તેમનું?
રાજમંત્રી :          તે છે વિભાણ્ડકના પુત્ર ઋષ્યશૃંગ.
તરંગિણી :          ઋષ્યશૃંગ!
રાજમંત્રી :          તરંગિણી તું પણ ડરી ગઈ?
લોલાપાંગી :          પ્રભુ, એને ક્ષમા કરો. ઋષ્યશૃંગનું નામ સાંભળતાં જ સૌ પ્રથમ તો કોને બીક ના લાગે? અમે ગણિકાઓ છીએ, પરન્તુ માત્ર મર્ત્ય સ્ત્રીઓ છીએ.ઉર્વશી મેનકાની જેમ દેવતાનું વરદાન અમને મળ્યું નથી. અમને જોતાં જ સમજી શકો છો કે અમે અનંતયૌવનાઓ નથી. અને ઋષિપુત્ર જો શાપ આપે તો? જો કહે—‘તું મગરી થઈ જા!’—અને તરંગિણી–મારી આંખનું રતન તરંગિણી, વણિક, ધનિક, રાજપુરુષોની લાડકી તરંગિણી, તે જો ભયંકર મગરીનું રૂપ લઈને ધીરે ધીરે ગંગાના પાણીમાં જતી રહે તો? પુરાણોની વાતો સાચી હોય તો શું ના બની શકે?
રાજમંત્રી :          નકામો શબ્દવ્યય ના કર-એક હજાર સોનામહોરોનું પારિતોષિક આપવામાં આવશે.
લોલાપાંગી :          પ્રભુ, ગુણનિધિ, દયાસિંધુ! અમારી દશાનો તો ખ્યાલ કરો. ઉર્વશીની રક્ષા કરે છે દેવરાજ ઇન્દ્ર. કુલસ્ત્રીઓને આશ્રય મળે છે અંતઃપુરમાં. પણ અમે તો સાર્વજનિક નારીઓ છીએ, તેથી અમારી દેખભાળ કરનાર કોઈ નથી. અમારા કેટલા શત્રુઓ છે તે તો વિચારી જુઓ. ચોર, શઠ, કુચકી, દૃસ્યુ, દુરાચારી, રોગ, જરા, દીર્ઘાયુ, અપમૃત્યુ. કોઈ પુરુષને નારાજ કરતાં તેનો ક્રોધ સાપની જેમ ભભૂકી ઊઠે. કોઈ સખીના સહચરને સોબત આપી તો તેની ઈર્ષ્યા દાવાનળની જેમ જ્વલી ઊઠે. દરેક ક્ષણે વિપત્તિથી બચીને, દરેક ક્ષણે સાવધ રહીને અમારે જીવવું પડે છે; તલવારની ધાર પર ચાલીએ છીએ, ક્યારેક નસીબ વાંકું થતાં કોણ જાણે કયા પાતાળને તળિયે પહોંચી જઈએ તે કોણ જાણે છે?
રાજમંત્રી :          એક હજાર સોનામહોરો અને રથ, શય્યા, અનેક વસ્ત્રો, અનેક સુવર્ણાલંકારો મળશે.
લોલાપંગી :         પ્રભુ, કરુણાધામ, ધર્માધિપતિ! અમે બહુવલ્લભા છીએ એટલે જ એકદમ અનાથ છીએ. અમારે ભૂતકાળ નથી, અમારે ભવિષ્ય નથી; એક જ આશા છે કે પરલોકમાં પશુપતિનો ચરણસ્પર્શ કરી શકીએ. એવી કોઈ ગણિકા નથી જે મનોમન વિચારતી ન હોય કે જો ‘હું બળિયાના રોગમાં કુરૂપ થઈ જઈશ તો મારું શું થશે? જો ને પક્ષઘાત થઈ જશે તો? પલકવારમાં યૌવન જતું રહેશે, તે પછી? જો લબડતી ચામડીવાળી વૃદ્ધા થઈને જીવવું પડશે તો મારો આહાર ક્યાંથી જોગવીશ?’ એટલે બુદ્ધિમતીઓ સારા વખતે ભેગું કરી લે છે, સારા સમયે અર્થ ખેંચી લે છે. અધમ એવી મારી પાસે પણ થોડો સંચય હતો પણ મેં પોતે ખાલી થઈ જઈને તરંગિણીનું લાલનપાલન કર્યું છે, તેને શિક્ષણ આપ્યું છે. અત્યારે આ કન્યા જ મારી મૂડી છે. પ્રભુ, આપની આજ્ઞા થતાં પ્રાણ પણ આપી શકીએ, પણ નસીબજોગે આવરદા જો લંબાય તો ખાવાનુંય જોઈએને?

રાજમંત્રી :          પાંચ હજાર સોનામહોરો!
લોલાપાંગી :          ઋષ્યશૃંગનું ધ્યાનભંગ એટલે પર્વતનું પતન! હિમની સાથે અગ્નિસંયોગ! તરંગિણી, તું કરી શકીશ ને?
રાજમંત્રી :          દશ હજાર સોનામહોરો અને રથ, શય્યા, આસન, વસ્ત્રો, સુવર્ણલંકાર! અને સિંહલનાં મોતી તથા વિન્ધ્યાચલના મરકત મણિ!
લોલાપાંગી :          અમે ધન્ય થયાં. આપ ભવસાગરમાં અમારી નૌકા છો.
રાજમંત્રી :          મેં ચરને મોઢે સમાચાર મેળવ્યા છે, કાલે પ્રભાતે વિભાણ્ડક આશ્રમમાં હશે નહીં. કાલે પ્રભાતે જ આ કામ પતવું જોઈએ.
તરંગિણી :          પ્રભુ, આ બહુ આયોજન માગી લે તેવું કામ છે. તૈયારીને માટે સમય નહીં મળે?
રાજમંત્રી :          કાલે પ્રભાતે. વિલંબ નહીં ચાલે.
લોલાપાંગી :         તરંગિણી, પાસે આવ, (કન્યાભણી થોડીવાર જોઈ રહી) દર્પણમાં એકવાર પોતાનેે જોઈશ, પછી બીક નહીં રહે. સાંભળ, ઋષ્યશૃંગ ભલે તપસ્વી રહ્યા પણ તેમનું શરીર પણ રક્તમાંસનું બનેલું છે. વયથી એકદમ તરુણ છે, અને એવા અબોધ છે કે હજુ સુધી એટલુંય જાણતા નથી કે એક બ્રહ્મા બહુ થયા હતા. અર્ધનારીશ્વર યોગીશ્વરને જાણતા નથી; જાણતા નથી, કોને કહેવાય નારી, બીક શાની છે તને? કાલે પ્રભાતે ઋષ્યશૃંગની તું મૃગયા કરીશ; વ્યાધની જેમ સાવધ હશે તારાં પગલાં, અમોઘ હશે શરસંધાન. જે વ્યાધે બાણ ચઢાવ્યું છે તે વ્યાધની ભણી જ જેમ મૃગશિશુ ભોળી આંખે તાકી રહે છે, તેવી જ રીતે તું જ્યારે સામે જઈને ઊભી રહીશ ત્યારે એ કિશોરની નજર એવી જ હશે. અનાવૃષ્ટિના આકાશમાં જેમ મેઘ ઉદય પામે તેમ તેમના હૃદયમાં તારો ઉદય થશે. માત્ર એક આંગળીનોય સ્પર્શ કરીશ તોયે તે તપેલી ધરતી પર પડેલા જળબિન્દુ જેવો હશે. ધીરે ધીરે તું વૃષ્ટિની જેમ ઝૂકી રહીશ, તેમના ધ્યાનના પાષાણ ઓગળી જશે, અને ત્યારે—તેમણે આટલા દિવસ સુધી તપ કરીને જે મેળવ્યો નથી તે બ્રહ્માનંદસ્વાદ તું તેમને આપીશ, તું – આ અભાગણી લોલાપાંગીની પુત્રી તરંગિણી! ખ્યાલ કરી જો મારા આનંદનો અને તારી સાર્થકતાનો; તું વિજયિની બનીશ, યશસ્વિની બનીશ. તારી કથા ઇતિહાસમાં અંકાશે, અન્ય યુગોમાં તારી કીર્તિનું ભાષ્ય રચશે કવિઓ. સાંભળ, હજી વધારે પાસે આવ–હું તને બધી જુક્તિઓ બતાવીશ.
          (લોલાપાંગી અને તરંગિણીનો મૂક અભિનય. હાસ્ય, લાસ્ય, અંગભંગિ. માની વાત સાંભળતાં સાંભળતાં તરંગિણીનું મોં ઉજ્જ્‌વળ બની જાય છે, શ્વાસોચ્છ્‌વાસ વેગથી ચાલે છે, દેહમાં ચંચલતા જાગે છે. કેટલીક ક્ષણો પછી, સરી આવી તે રાજમંત્રીની સામે ઊભી રહે છે.)
તરંગિણી :          હું કરી શકીશ, પ્રભુ હું કરી શકીશ! મારા દેહમાં મનમાં અપૂર્વ પ્રેરણા જાગી છે; હું સંપૂર્ણ દૃશ્ય મારી આંખો સામે જોઉં છું. હું સંગે લઈ જઈશ મારી સોળ સુંદર સખીઓને. લઈ જઈશ ફૂલમાલા મધ મદિરા સુગંધ; રંગબેરંગી મણિકાન્ત કંદુક; ઘૃતપક્વ માંસ અને પાયસન્ન; દ્રાક્ષા અને રતિફલ; વંશી, વીણા, મૃદંગ આ બધું લઈને કાલે વહેલી સવારે ઉપડીશ. અમારી નૌકાને ફૂલથી સજાવવી પડશે; પાંદડાં, લતા, ગુલ્મ અને તૃણ વડે. તેમાં એક કૃત્રિમ તપોવન રચવામાં આવશે. સાથે કોઈ પુરુષને લઈશું નહીં–આ અદ્‌ભુત આશ્ચર્યજનક સાહસનાં અમે જ નાવિકો રહીશું. એક સાથે પંચમ સ્વરે ગીત ગાતાં ગાતાં અમે સામે કાંઠે ઊતરીશું. ત્યારે લોહિત વર્ણ સૂર્યદેવતા ઉદિત થતા થશે, પાણી સ્વચ્છ હશે, આકાશમાં સુવર્ણપદ્મ, જબાકુસુમ, લાલકરેણ ખીલ્યાં હશે. કુમાર ત્યારે આહ્નિક પતાવીને કુટિર પ્રાન્તે ઊભા હશે– તેમણે સ્નાન કર્યું છે, વલ્કલ પહેર્યાં છે, લાંબા અને કાળા તેમના કેશ છે, તરુણ વાંસ જેવી કાન્તિ છે. જેમ સરોવરમાં ઊતરે હારબંધ હંસ તેમ અમે સખીઓ તેમને ઘેરી લઈશું—તેમની આસપાસ લલિતભંગિમાં નૃત્ય કરીશું, તેમને સંગીતની માયાજાળમાં બાંધી દઈશું, તેઓ જ્યારે મોહિત થવાની અણી પર હશે ત્યારે અમે અંતર્ધાન થઈ જઈશું. કેટલીક વાર પછી પાછી આવી, હું એકલી જ તેમની મોઢામોઢ ઊભી રહીશ. મારા મોંને વીંધી રહેશે તેમની દૃષ્ટિ—સરળ, ગંભીર, ઉદાર, વિસ્ફારિત, જે આંખોમાં પહેલાં કદી નારી જોઈ નથી. હું તેમની સાથે વાતચીત કરીશ, તે કહેશે–‘કોણ છો તમે?’ હું મધુર અવાજથી વાત કરતાં કરતાં ધીરે ધીરે નજીક જઈશ. બાહુ ઊંચો કરીને તેમને સ્પર્શ કરીશ, તેમના બે હાથ પકડી લઈશ. તેમને ખભે માથું રાખીને કહીશ : ‘મારું એક વ્રત છે, તમે પુરોહિત નહીં થાઓ તો તે ઉજવાશે નહીં.’ તાકીને જોઈશ. તેમના અધર ફડફડી ઊઠશે, આંખની કોર લાલ બની જશે, કંઠમણિ કંપિત થઈ ઊઠશે. અને તે પછી– તે પછી– તે પછી– પ્રભુ મને ચરણરજ આપો–કન્દર્પ, અનંગ, પંચશર, મને મદદ કરો!


(પડદો)
...............................................................................



  1. આ નાટકમાં યવન શબ્દનો અર્થ ગ્રીક છે.
  2. અહીં આવતાં સંજ્ઞાવાચક નામ, ક્રમે એગેમેમ્નોન,ઇફિજિનિયા, ક્લીટેમ્નેસ્ટ્રા,ઑરિસ્ટિસ