તપસ્વી અને તરંગિણી/બે: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 165: | Line 165: | ||
'''તરંગિણી''' : તો ચાલો–ચાલો મારી સાથે, ત્યાં ચાલો જ્યાં હું તમને છાતીની અંદર સંતાડી રાખી શકીશ. | '''તરંગિણી''' : તો ચાલો–ચાલો મારી સાથે, ત્યાં ચાલો જ્યાં હું તમને છાતીની અંદર સંતાડી રાખી શકીશ. | ||
'''ઋષ્યશૃંગ''' : હું ગમે ત્યાં જાઉં તેથી શું હાનિ છે? હું ગમે ત્યાં અટકું તેથી શું હાનિ છે? બસ તું મને જોઈએ, તું મને જોઈએ. | '''ઋષ્યશૃંગ''' : હું ગમે ત્યાં જાઉં તેથી શું હાનિ છે? હું ગમે ત્યાં અટકું તેથી શું હાનિ છે? બસ તું મને જોઈએ, તું મને જોઈએ. | ||
{{Space}}'''(હાથ પહોળા કરી આગળ વધે છે.)''' | |||
'''તરંગિણી''' : આવો પ્રિય, આવો દેવ, મારો ઉદ્ધાર કરો. | |||
'''ઋષ્યશૃંગ''' : આવ દેહિની, આવ મોહિની–મને તૃપ્ત કર. | |||
(રંગમંચ પર ધીરે ધીરે અંધારું થયું. આછા અજવાળામાં આલિંગનબદ્ધ ઋષ્યશૃંગ અને તરંગિણી દેખાયાં. તે પછી અંધકાર. ફરીવાર જ્યારે અજવાળું થાય છે. ત્યારે દૃશ્ય બદલાયું છે, ચંપાનગરનો રાજપથ છે. આકાશમાં ઘનમેઘ, મેઘગર્જના, વીજળીના ચમકારા, નેપથ્યમાં જનતાનો કોલાહલ, તરંગિણી અને તેની સખીઓથી વીંટળાઈને ઋષ્યશૃંગ રંગમંચ પરથી પસાર થઈ ગયા. તે સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો.) | |||
'''સ્રીઓનો અવાજ (નેપથ્યમાં)''' : વરસાદ! વરસાદ! વરસાદ! | |||
'''પુરુષોનો અવાજ (નેપથ્યમાં)''' : ત્રાતા, પ્રણામ. અન્નદાતા, પ્રણામ. પ્રાણદાતા પ્રણામ. | |||
'''સ્રીઓનો અવાજ (નેપથ્યમાં)''' : મુનિ ઋષ્યશૃંગની જય! | |||
'''પુરુષોનો અવાજ (નેપથ્યમાં)''' : મુનિ ઋષ્યશૃંગની જય! | |||
'''સ્રીઓ-પુરુષોનો સંયુક્ત સ્વર (નેપથ્યમાં)''' : મુનિ ઋષ્યશૃંગની જય! | |||
'''(જનતાના ઉલ્લાસ અને વરસાદના અવાજ ઉપર ધીરે ધીરે પડદો પડે છે.)''' | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = એક | |||
|next = ત્રણ | |||
}} |
Latest revision as of 15:54, 15 February 2022
(ઋષ્યશૃંગનો આશ્રમ, ઉષાકાલ, ઋષ્યશૃંગ કુટિરના પ્રાગણમાં ઊભા છે.)
ઋષ્યશૃંગ : સૂર્યદેવ પ્રણામ. વાયુ, તું મારો મિત્ર છે. વૃક્ષ, વિહંગ વનલતા, હું તમારો પ્રણયી છું. તમારી સાથે, તમારે આશ્રયે જીવું છું–હું ધન્ય છું. મારું જીવન, મારો પ્રાણ, મારાં ચક્ષુ, કર્ણ, ત્વક તમે પણ મારાં પ્રિય છો. તમારે લીધે, તમારે આશ્રયે મારો આત્મા આનંદિત છે. સુંદર છે તું ઉર્ધ્વારોહી દિન; સુંદર હોય છે તારું અવસાન અને રાત્રિ, નક્ષત્ર, ક્ષયવૃદ્ધિશીલહિમાંશું—તમારી પણ કોઈ તુલના નથી. કેવી સુખી છે ધરતીની છાતી પર પિપીલિકાની હાર કેવો સુખી છે અંધકારમાં આગિયાનો પુંજ! તમે જેઓ દિવસ ભર કામમાં રહો છો અને જેઓ નિશીથના જીવ છો—તમે બધા જ મારા આત્મીય છે. તમારા અંતરમાં અને મારા અંતરમાં એક જ આત્મા બિરાજે છે.તે જ સેતુ છે, તે જ યોગસૂત્ર છે, તે જ સંશ્લેષ છે. તે પરમ છે, તે બ્રહ્મન્ છે, તે અવ્યય છે. મારી આંખોમાં તે દૃષ્ટિ છે, મારા કર્ણમાં તે શ્રવણ છે, તારી ત્વચામાં તે સ્પર્શનો બોધ છે. તે જળ છે, તે અન્ન છે; તે અગ્નિ છે, તે આકાશ છે; તે જ્યોતિ છે, તે તમિસ્ર છે. હું તેને પ્રણામ કરું છું પ્રાણી, ઉદ્ભિદ્, શિલા, કાષ્ટ, સ્ત્રોતસ્વિની—ચર અચર, જડ, ચેતન—હું તમને પ્રણામ કરું છું. (નેપથ્યમાં દૂરથી આવતો વાંસળીનો અત્યંત મૃદુ સ્વર. ઋષ્યશૃંગે તે સાંભળ્યો નથી)
સરલતાથી મારો દિવસ પસાર થઈ જાય છે. યામિનીના ત્રીજા પ્રહરમાં શય્યાત્યાગ; તે પછી પ્રાતઃસ્નાન, પ્રાણાયમ, ધ્યાન, યોગાસન અને મંત્રપાઠ. તેપછી ધેનુદોહન, સમિધ-સંગ્રહ અગ્નિહોત્રમાં અગ્નિરક્ષા, યજ્ઞનું આયોજન, યજ્ઞ પાત્રોની સફાઈ—આ બધો પૂર્વાહ્નનો મારો નિત્યક્રમ છે. અપરાહ્ને પિતાજીની સાથે મારું અધિવેશન હોય છે; અમારી ચર્ચાનો વિષય વેદ, વેદાંગ અને વેદાન્ત હોય છે. તો બધું અત્યંત સહેલું લાગે છે, બધું આ દિવસના પ્રકાશ જેવું સહજ અને પ્રતીયમાન. હુંમ મારા પિતાજી જેવો મેધાવી નથી, કોઈ તર્કનો વિષય મારાથી ઝટ પકડાતો નથી. સંધ્યાકાળે, થોડાં ફલમૂલ ખાધા પછી, અમે જ્યારે મૃગચર્મ પર વિશ્રાન્તિ લેતા હોઈએ છીએ ત્યારે પિતાજીને એક-બે પ્રશ્નો પૂછું છું. તેઓ કહે છે, બ્રહ્મતત્ત્વ બધા લોકો માટે બોધગમ્ય નથી; તેને માટે જોઈએ નિર્જનતા અને એકદમ તમન્યતા. કહે છે નદીને પેલે કાંઠે જનાકીર્ણ નગરમાં જેઓ વસે છે, તેમની વાણી અસત્ય હોય છે, વ્યવહાર ધૃષ્ટ હોય છે, સાધના પણ અસાધુ હોય છે. પણ મને થાય છે : એવું કયું પ્રાણી છે, જે આનંદિત રહેવા ઇચ્છતું નથી? અને આનંદ જેનું લક્ષ્ય હોય, તે શું માત્ર બ્રહ્મની જ આકાંક્ષા ન રાખે? ઇપ્સાયોગ્ય બીજું કશું તો છે નહીં. પિતાજી કહે છે, આ અરણ્યમાં અનેક રાક્ષસો અને પિશાચો ફરે છે. એટલે તેઓ જ્યારે ન હોય ત્યારે બહુ સાવધ રહેવું. પણ મને કોઈ બીક લાગતી નથી. રાક્ષસ, પિશાચ, શ્વાપદ એ કોઈ મારા પર આક્રમણ શા માટે કરે? અને કયો રાક્ષસ છદ્મવેશી દેવ છે અને કયું પ્રાણી શાપગ્રસ્ત ઋષિએ પણ હું કેવી રીતે જાણી શકવાનો હતો? (નેપથ્યમાં અત્યંત નજીક તંતુવાદ્યનું સંગીત. ઋષ્યશૃંગે તે સાંભળ્યું નથી) પણ મર્ત્યલોકમાં કશુંય અવિચ્છેદ્ય હોતું નથી. મારે પણ રહી રહીને વચ્ચે દુર્દિન આવી જાય છે. તે દિવસે એવું લાગે છેકે આખા દિવસનો મારો કાર્યક્રમ જાણે એક જાતની ટેવ જ છે. કશાયની મારા અંતઃકરણમાં અનુભૂતિ થતી નથી. તે દિવસે અગ્નિ ઉજ્જવળતા આપતો નથી, અનિલ સ્થિર થઈ જાય છે, વેદમંત્ર હૃદયમાં ધ્વનિત થતા નથી. વળી કોઈ કોઈ દિવસે દૃષ્ટિ સ્વચ્છ થઈ જાય છે પાછી. બધું જ સાર્થક અને જીવંત લાગે છે. એક દિવ્ય પ્રકાશ ચિદાકાશમાં ફેલાઈ જાય છે. આજે મારે માટે તેવો એક શુભ દિવસ છે. (નેપથ્યમાં તંતુવાદ્યનું સંગીત સ્પષ્ટ અને એકદમ નિકટ. ઋષ્યશૃંગ સાંભળીને કાન માંડે છે.) મધુર છે આ ધ્વનિ! જાણે મારી જ કોઈ આકાંક્ષાનું શબ્દરૂપ. ક્યાંથી આવે છે? અમારી પડોશમાં બીજો કોઈ આશ્રમ તો છે નહીં. કોઈ નવા આવેલા બટુકોનો મંત્રોચ્ચાર લાગે છે.
(નેપથ્યમાં નારી કંઠેથી ગીત)
જાગો, સૃષ્ટિતણું આદિ કંપન,
જાગો, વિષ્ણુતણું નાભિપદ્મ!
કરો, બ્રહ્માકેરી મતિ ચંચલ
લાવો દુર્વાર માયા દ્વન્દ્વ.
આવો, શંભુને ગિરિશૃંગે
હે વધૂ ગૌરીદેહ સુગંધ!
બજો, શૂન્યને ઉર ઓંકાર,
જાગો, વિશ્વતણો બીજ મંત્ર!
ઋષ્યશૃંગ : મધુર ગભીર, ઉદાર છે આ પઠન! મેં તો આ મંત્ર આ પહેલાં સાંભળ્યો નથી–કયા ઋષિ આ મંત્રના ઉદ્ગાતા છે? અને કેવો અદ્ભુત તો છે કંઠસ્વર–જાણે કોકિલનો નિનાદ, જાણે કલકલ કરતી સરિતા—ના તેથીય મધુર. આ તપસ્વીઓ કોણ છે? તપમાં તેઓ બહુ આગળ નીકળી ગયા હોય એવું લાગે છે. હજી તો હું બટુક જ છું, કેટલાય મંત્ર હજી શીખ્યો નથી, હંસ જેમ કૈલાસ માટે વ્યાકુળ બની જાય, તેમ હું એમના માટે ઉત્સુક થઈ ગયો છું. (ધીર પગલે તરંગિણીનો પ્રવેશ. તેનાં વસ્ત્ર ઝીણાં અને રંગોની ભભકભર્યાં છે, અંગે અંગે રત્નાલંકાર છે. હાથના પાત્રમાં વિવિધ અર્ઘ્ય સામગ્રી.) તરંગિણી : (અર્ઘ્યસામગ્રી જમીન પર રાખી) તપોધન, તમે કુશળ તો છો ને? આ વનમાં ફળમૂલની ઉણપ તો નથીને! તમારા પિતાજીનો તેજોહાસ તો થયો નથીને? તમે સુખમાં તો સમય વિતાવો છો ને? તમારા દર્શનની લાલસાથી મારું અત્યારે અહીં આવવું થયું છે. ઋષ્યશૃંગ : (કેટલીક ક્ષણો ચુપચાપ એકીટશે જોઈ રહ્યા પછી) તાપસ, તમે કોણ છો? કયો પવિત્ર આશ્રમ તમારું તપોધામ છે? કઈ કઠોર સાધનાને કારણે તમારી આ સુવર્ણ જેવી દેહકાન્તિ છે? (ધીરે ધીરે તરંગિણીને પગથી માથા સુધી જોઈને) તમે શું કોઈ શાપભ્રષ્ટ દેવ છો? કે પછી મારા જ કોઈ અજાણ્યા પુણ્યને પરિણામે સ્વર્ગમાંથી ઊતરી આવ્યા છો? કેવી તો દીપ્ત છે તમારી તપોપ્રભા, કેવો તો સ્નિગ્ધ છે તમારો દૃષ્ટિપાત, તમારી વાણી લાવણ્યથી કેવી તો ભરી ભરી છે! તમને જોઈને હું દુર્લભ ચિત્તપ્રસાદનો અનુભવ કરું છું. તમે મારા નમસ્કાર સ્વીકારો. તરંગિણી : મુનિવર, હું તમારા નમસ્કારને યોગ્ય નથી. તમે જ મારે માટે પ્રણમ્ય છો.એક વિનંતી સાથે તમારી પાસે મારું આવવું થયું છે; મારા વ્રતપાલનમાં સહયોગનું મને દાન આપો. ઋષ્યશૃંગ : ધીમાન્, હું તમને શું દાન આપી શકવાનો હતો ભલા? મને તો તમે ચિન્મય જ્યોતિઃપુજ લાગો છો, પ્રતિભાની દિવ્યમૂર્તિ લાગો છો. જે મનસ્વીઓ તિમિરની પાર રહેલા આલોકમયને જોઈ શક્યા છે, તમે જાણે તેમાંના એક છો. સુંદર છે તમારું વદન, તમારો દેહ જાણે નિર્ધૂમ હોમાનલ, તમારા બાહુ, ડોક અને કટિ જાણે કે ઋક્ છંદથી આંદોલિત છે. આનંદ વસે છે તમારાં નયનોમાં. આનંદ વસે છે તમારાં ચરણોમાં. તમારા ઓષ્ટાધરેથી વિશ્વકરુણા ઝરે છે. તમે ક્ષણેક થોભો. હું તમારે માટે પાદ્યઅર્ઘ્ય લઈ આવું. (ઋષ્યશૃંગનું પ્રસ્થાન. તેમની જવાની દિશામાં તરંગિણી તાકી રહે છે.) તરંગિણી : ખ્યાલ નહોતો આટલું સહેલાઈથી પતી જશે–પણ હજી નિશ્ચયતા નથી. મારે હજી મારામાં વિશ્વાસ રાખવાનો છે અને મારા પર એક અંકુશ રાખવાનો છે. એક નાનકડી પણ ભૂલ જો કરી કે ક્ષણેકને માટે પણ બેધ્યાન થઈ તો ખલાસ—ભોંઠા પડીને પાછા જવું પડશે. ‘આનંદ વસે છે તમારાં નયનોમાં, આનંદ વસે છે તમારાં ચરણોમાં!’ સાચે જ તેઓ એમ માને છે કે હું એક મુનિ છું કે છદ્મવેશધારી દેવ છું? (હળવું હસી પડી) બાળક છે બાળક! ક્યારેય કોઈ નારી જ જોઈ નથી? ક્યારેય કોઈ યુવાનને જોયો નથી? પરન્તુ આ વનમાં શું સરોવર નથી? શરદની કોઈ સ્તબ્ધ બપોરે, કોઈ સરોવરના સ્થિર સ્તબ્ધ જલમાં તેમણે શું પોતાનેય જોયા નથી. ક્યારેક? ‘સુંદર છે તમારું વદન, તમારો દેહ જાણે નિર્ધૂમહોમાનલ!–’કોણ કોને કહે છે? (ક્ષણેક ચૂપ રહી) કેવી રીતે બીજું કોઈ કેમ કહેતું નથી? (ક્ષણેક ચૂપ રહી) કેવી રીતે જોતા હતા મારી તરફ! જેને જોતા હતા તે શું હું જ છું? (પોતાના હાથ, ઉરુ અને ચરણો તરફ જોતાં) મા, સાચ્ચું કહે, હું શું આટલી બધી સુંદર છું? ચંપાનગરીના મારા પ્રેમીઓ, કહો કહો, હું શું આટલી બધી સુંદર છું? (થોડી ચુપકીદી પછી–હસી પડી) મજા આવશે–બહુ મજા આવશે, જ્યારે અહીંથી પાછા જઈને તેમની સભામાં આ વાત સંભળાવીશ! આવશે ચંદ્રકેતુ, અધિકર્ણ,ઋભુ, દેવલ, પુરંજય અને આવશે રતિમંજરી, વામાક્ષી, અંજના, જબાલા–મારી બધી પ્રિય સખીઓ–સામે સુરાપાત્ર લઈને બધાં જ્યારે ચક્રાકરે બેસીશું, ત્યારે હું મુનિવરને કેવી રીતે મારા શિષ્ય બનાવ્યા તે વાત વિસ્તારથી સંભળાવીશ. અટ્ટહાસ્ય ગુંજી ઊઠશે આ ભોળાભટાક બટુકની વાતથી. (વ્યંગના સૂરમાં) આનંદ વસે છે તમારાં નયનોમાં. આનંદ વસે છે તમારાં ચરણોમાં...(હસવા જતાં એકાએક અટકી જઈ)–પરન્તુ હું અત્યારના ફુલાઈ જાઉં છું તે અસંગત છે. મારે સાવધ રહેવું પડશે. સતત યાદ રાખવાં પડશે– દશ હજાર સોનામહોરો, અને રથ, પલંગ, આસન, વસન, અલંકાર અનેજો સફળ ના થઈ તો–તો ભોંઠામણ! ચમ્પાનગરને માર્ગે હું જ્યારે બહાર નીકળીશ ત્યારે લોકો મારા ભણી આંગળી ચીંધીને કહેશે— ‘આ પેલી અભિમાની વારાંગના, ઋષ્યશૃંગે એના અભિમાનને ધૂળ ભેગું કરી દીધું! મને અપાત્ર સમજીને યુવકો બીજી સહચરી શોધી લેશે. માને લીધે મારું પતન થશે ઐશ્વર્યમાંથી દરિદ્રતામાં, યશમાંથી અંધકૂપ અવજ્ઞામાં. છી! છી! કેવી ભોંઠપ, કેવું કલંક! ના, ના, હું તે નહીં થવા દઉં. ...આ પેલા આ પેલા આવે. ચંપાનગરમાં કયો પુરુષ રૂપમાં તેમનો બરોબરિયો છે? કઈ સ્ત્રી મારા જેવી નસીબવાન હશે–જો હું સફળ થઈ શકું! મારી પરીક્ષાની ક્ષણ નજીક છે. ધર્મ મારી રક્ષા કરો. (કુશાસન, પાણીથી ભરેલો ઘડો દડિયામાં કેટલાંક ફળ લઈને ઋષ્યશૃંગનો પ્રવેશ.) ઋષ્યશૃંગ : મને જરા મોડું થઈ ગયું, તમને ખોટું તો નથી લાગ્યું ને? હું વનમાંથી ફળ લઈ આવ્યો છું, અને લઈ આવ્યો છું નદીમાંથી નિર્મલ જલ અને આ સુંવાળા મૃગચર્મમાં આવૃત્ત કુશ-આસન. (જમીન પર આસન, ફળ અને ઘડો ગોઠવી) તમે બિરાજો, આચમન કરો. આ ઇંગુદી અને આ ભિલામું. પક્વ ફળો છે; તમને ભાવે તે પ્રમાણે ઉપયોગ કરો. તેમ થતાં મારા ચિત્તને સંતોષ થશે. તે પછી, મારા પ્રત્યે તમારી પ્રીતિ જાગે તો થોડી વાર અહીં વિશ્રામ કરો. તમારા દર્શનને માટે, તમારી વાણી સાંભળવાને માટે, મારી તૃષ્ણા ઉત્તરોત્તર વધતી જાય છે. તમે જો દેવ ના હો તો આટલા દિવસ સુધી હું તમારી જ રાહ જોતો હતો એવું મને કેમ થાય છે? તરંગિણી : તપોનિધિ, હું દેવ નથી. મારો જન્મ માનવકુલમાં થયો છે. મારો ધર્મ પરિચર્યા–સેવા છે. તમારી જ સેવા માટે અહીં મારું આવવું થયું છે, પૂજા પામવા માટે નહીં. કોઈ પણ જાતનું દાન સ્વીકારવું તે મારા માટે વ્રતવિરોધી છે. ઋષ્યશૃંગ : તમારું શું વ્રત છે તે ફરીથી મને કહો. તરંગિણી : અનંગવ્રત. ઋષ્યશૃંગ : અનંગવ્રત? તે કેવી રીતે કરવામાં આવે છે? તેનું પણ કયું? પદ્ધતિ કઈ? ક્રિયાકાંડ કેવાં છે? હું અજ્ઞ છું; તમે મને સમજાવો. તરંગિણી : મારું પણ છે આત્મદાન. ઋષ્યશૃંગ : ઋષિઓ ત્યાગના મહિમાનાં વખાણ કરતા આવ્યા છે. તરંગિણી : તપોધન, તત્ત્વકથાની મને ખબર નથી, હું તો પ્રેરણાને વશવર્તી છું. ત્યાગ જ છે મારો ભોગ—મારી સાર્થકતા. પશુ પક્ષી અને પતંગિયાને જેમ વૃક્ષ ફલદાન કરે છે તેમ જને જને હું આત્મદાન કરું છું. ઋષ્યશૃંગ : તત્ત્વજ્ઞાન તો મારું પણ થોડું જ છે. પરન્તુ ક્યારેક ક્યારેક મને અનુભૂતિ થાય છે કે જાણે પશુ પક્ષી અને વૃક્ષની સાથે હું એકાત્મ છું, સમગ્રની સાથે એકાત્મ છું. તરંગિણી : દેવ, હું તો દ્વૈતવાદી છું. કોણ મને ગ્રહણ કરશે તેને હું હમેશાં શોધું છું. તે મારી પદ્ધતિ છે. લજ્જાત્યાગ અને ઘૃણાવર્જન મારાં ક્રિયાકાંડ છે. ઋષ્યશૃંગ : તમારા વ્રતમાં કોઈ મંત્ર છે કે? કોઈ અનુષ્ઠાન? તરંગિણી : મારા મંત્રનું નામ છે રતિ, મારા યજ્ઞનું નામ છે પ્રીતિ. મારા ધ્યાનનો વિષય છે આનંદયોગ. મારા સાધનામાર્ગમાં એકાકીત્વ નિષિદ્ધ છે : બે તપસ્વી ભેગા થઈને આ વ્રતનું પાલન કરે છે. તેથી તમારે શરણે મારું આગમન થયું છે. ઋષ્યશૃંગ : આજે જ્યારે પ્રાતઃસૂર્યને પ્રણામ કરતો હતો, ત્યારે તેમણે જાણે એક રશ્મિ મોકલીને મારા મર્મસ્થલને સ્પર્શ કર્યો. થોડીવાર પછી મારે શ્રવણે પડ્યો એક મનોહર નિનાદ. હવે ખબર પડે છે કે મારા આ અપૂર્વ ભાગ્યના આ બધા સંકેતો હતા. આ આકાશ, આલોક, સમીર—જેમણે મને આજે આશીર્વાદ આપ્યા છે, તે બધા તમારા જ દૂત છે. તરંગિણી : (ઋષ્યશૃંગની પાસે સરકી આવી) બહુ બહુ ફર્યા પછી મારું પણ તમારી પાસે આવવુંં થયું છે. તમે મારા પ્રાર્થિત છો. તમને આત્મસમર્પણ એ મારું ઇષ્ટ કર્મ છે. ઋષ્યશૃંગ : તમારા વ્રતથી હું પરિચિત નથી. પણ તેમાં મારે જો કંઈ કરવાનું હોય તો તે કહો. તરંગિણી : (વધારે પાસે આવી) મારું વ્રત જ્ઞાનવડે સમ્પન્ન થતું નથી. ભક્તિ મારો આધાર છે. હું ફરી કહું છું, તમે મારા વરણીય છો, તમે જો મારું પ્રત્યાખ્યાન કરશો તો મારું વ્રત પૂરું થશે નહીં. ઋષ્યશૃંગ : (મુગ્ધ નજરે જોઈ રહેલાં–ગાઢ સ્વરમાં) દેવ, હું રાજી છું, હું તૈયાર છું. (કેટલીક ક્ષણો ચુપકીદી. હવેની વાતચીત દરમ્યાન તરંગિણીનો સ્વર મૃદુતાથી શરૂ થઈ ધીમે ધીમે ઉત્તરોતર ઊંચો થતો જાય છે. બોલતાં બોલતાં તે ઋષ્યશૃંગની પ્રદક્ષિણા કરતી જશે.) તરંગિણી : તો હવે અનુષ્ઠાનની શરૂઆત હો. (નેપથ્યમાં મૃદુ તંતુવાદ્ય સંગીત) જાગ્રત થાઓ જે સુપ્ત હોય. સુપ્ત હો, જે જાગ્રત હોય. ઓગળી જાઓ શિલા, મૃદુ હો પ્રવાહ. મુક્ત થાઓ ગતિ. પૂર્ણ થાઓ વૃત્ત, જયી થાઓ, પ્રાણ, જયી થાઓ મૃત્યુ. ક્ષેત્રે બીજ, ક્ષેત્રે હલ. ગર્ભે બીજ, ગર્ભે જલ. બીજ, વૃક્ષ, ફૂલ, ફલ, બીજ વૃક્ષ. મૃત્યુને દીર્ણ કરે બીજ, પ્રાણ તેથી જયી. ફલને ઉખાડી નાખે મૃત્યુ, તેથી મૃત્યુ બને જયી. આવો સુપ્તિ, આવો જાગરણ, આવો જાગરણ, આવો પતન, આવો ઉદ્ધાર. (સંગીત ચૂપ થયું)–ભગવન્ તમે સ્થિર થઈને ઊભા રહો, હું વિધિ પ્રમાણે તમારી અર્ચના કરું. (તરંગિણી ઋષ્યશૃંગની વધારે નજીક આવી મુખોમુખ થઈ ઊભી રહે છે.) આ માળા તમે ગ્રહણ કરો (માળા પહેરાવી)–આ મારા વ્રતનું પ્રથમ અંગ. ઋષ્યશૃંગ : સુગંધી માળા; સુગંધી દેહ, સુગંધી શ્વાસ. તરંગિણી : પરન્તુ હું પૂજનીયને પ્રણામ નહીં, આલિંગન કરું છું. ઋષ્યશૃંગ : આલિંગન? લતા જેમ વૃક્ષને આલિંગન કરે છે તેમ? તરંગિણી : હા, તેમ. (આલિંગન કરે છે) આ મારા વ્રતનું બીજું અંગ. હવે તમારું મુખચુમ્બન. ઋષ્યશૃંગ : ચુમ્બન? ભમરો જેમ મધુપુષ્પને ચુમ્બન કરે તેમ? તરંગિણી : હા, તેમ. (ચુમ્બન કરે છે) આ મારા વ્રતનું ત્રીજુ અંગ. તપોધન, મારા ધર્મપ્રમાણે જે અર્ઘ્ય લાવવામાં આવ્યો છે, તે હવે તમને અર્પણ કરીશ, આ ફળ તમારી સેવા માટે છે. આ વ્યંજન તમારી સેવા માટે છે, સ્વીકારો, ખાઓ, પીઓ. (તરંગિણીના હાથમાંથી ઋષ્યશૃંગ ફળ, વ્યંજન અને પેય ગ્રહણ કરે છે.) ઋષ્યશૃંગ : મિષ્ટ ફલ, મિષ્ટ વ્યંજન, મિષ્ટ જળ. તરંગિણી : હવે તમે મને તમારો પ્રસાદ આપો. હું જેમની સેવા કરું છું, તેમનું ઉચ્છિષ્ટ એ જ મારો આહાર હોય છે. આ ફળ તમારો પ્રસાદ હો. (ઋષ્યશૃંગને હોઠે અડકાડીને એક ફળ ખાય છે.) આ વ્યંજન તમારો પ્રસાદ હો. (ઋષ્યશૃંગને હોઠે અડકાડીને પોતે ખાય છે.) આ જળ તમારો પ્રસાદ હો. (ઋષ્યશૃંગને હોઠે અડકાડી પોતે પીવે છે.) પ્રભુ, તમે તૃપ્ત તો થયાને ? ઋષ્યશૃંગ : મધુ જલ, મધુ અન્ન, મધુ વાક્, મધુ કાન્તિ. તરંગિણી : મધુ દૃષ્ટિ, મધુ ગન્ધ, મધુ સ્પર્શ, મધુ સ્મૃતિ. (નેપથ્યમાં મૃદુ તંતુવાદ્ય સંગીત, હવે પછીનો અંશ બોલતાં બોલતાં તરંગિણી લલિત ભંગિમામાં ફરશે, તેના એક એક વાક્યની સાથે તાલ રાખીને ધ્વનિત થશે મૃદંગ. તે પછી, ધીરે ધીરે દૂર સરતાં જતાં, જમીન પર ફૂલ વેરી, વારંવાર પાછળ જોતી જોતી પ્રસ્થાન કરેશે.) તરંગિણી : (શરૂઆતમાં મૃદુસ્વરે ધીમે ધીમે, ક્રમશઃ ઉચ્ચસ્વરે, દ્રતલયે) જાગ્યું પ્રાણી, ભાંગી નિદ્રા, સુપ્ત થયા જે જાગ્રત હતા, ચંચલ થયો મનોરથ, ઉચ્છલ થયું નિર્ઝર, ઘેરાયો મેઘ આકાશમાં, ચમકી ઊઠી વિદ્યુત, ચંચળ થયુ ં વજ્ર, વરસ્યો વરસાદ, જાગ્યો ધ્વનિ–પ્રતિધ્વનિ. પ્રાણથી પ્રાણમાં, અંગથી અંગમાંં, તૃષ્ણાથી તૃષ્ણામાં–પ્રતિધ્વનિ. મૃત્તિકામાં તૃષ્ણા છે, આકાશ આપે છે તૃપ્તિ, અંતરીક્ષમાં તૃષ્ણા છે, ધરણી આપે છે તૃપ્તિ. સાગરમાંથી બાષ્પ, બાષ્પમાંથી મેઘ, મેઘમાંથી વરસાદ. વિદ્યુત જ્વલે છે અંગથી અંગમાં શોણિતમાં જાગે છે જ્વાલા, વજ્રપાતથી ચૂર્ણ થઈ જાય છે ચેતના. આવો તિમિર, આવો તંદ્રા, આવો દાવાનલ, આવો ધારાજળ. તમે મારી તૃષ્ણા છો, તમે મારી તૃપ્તિ છો. હું તમારી તૃષ્ણા છું, હું તમારી તૃપ્તિ છું. સર્પ ફણા ડોલાવે છે ફેનિલ બને છે સાગર. ચાલે છે મંથન–મંથન–મંથન, દીર્ણ મેઘ, તીવ્ર વેગ, રંધ્રેરંધ્રે પરિપૂર્ણ ધરણી. વર્ષણ–વર્ષણ–વર્ષણ. (તરંગિણીનું પ્રસ્થાન. રંગમંચ પર ધીરે ધીરે અંધકાર. તે પછી પ્રકાશ, વધારે તીવ્ર. લગભગ બપોરની વેળ. ઋષ્યશૃંગ કુટિરને દ્વારે ધ્યાનમગ્ન બેઠેલા છે. કર્કશદર્શન વિભાણ્ડકનો પ્રવેશ) વિભાણ્ડક : (પ્રવેશ કરતાં જ અટકીને ઊભા રહી) શાની ગંધ આવે છે? આ કટુ તિક્ત અશુચિ ગંધ? આશ્રમ જાણે અસ્તવ્યસ્ત છે, પ્રાંગણમાં ગંદવાડ છે, અહીં પડ્યાં છે એઠા ફળ, કરમાયેલાં કુસુમો ઘડામાંથી છલકાયેલું પાણી. કોણે જીતી લીધી આ ભૂમિ? કોઈ કલુષિતતાનાં ચિહ્નો લાગે છે, કોઈ અનાચારનાં આ દુષ્ટ લક્ષણો છે. વત્સ! ઋષ્યશૃંગ! (અત્યાર સુધી પિતાના આગમન તરફ ઋષ્યશૃંગનું ધ્યાન નહોતું, હવે તેમને જોઈને ઊઠીને ઊભો થયો.) વિભાણ્ડક : વત્સ, આજ શું કોઈ જંગલી સુવ્વરે તને હેરાન કર્યો હતો? કે પછી કોઈ ઈર્ષ્યાળુ પિશાચને પછાડી શક્યો નહીં? પૂર્વાહ્ન કેવી રીતે પસાર કર્યો? જોઉં છું કે તારાં બધાં કાર્યો બાકી જ છે. સમિધ કેમ લઈ આવ્યો નથી? અગ્નિહોત્રમાં આહૂતિ કેમ આપી નથી? યજ્ઞનું કોઈ આયોજન કેમ નથી? હોમધેનુને તો દોહી છે ને? ઋષ્યશૃંગ : પિતાજી, આજે મેં એક બીજા વ્રતનું પાલન કર્યું છે. વિભાણ્ડક : તારું તો બીજું કોઈ વ્રત નથી. તું મારો પુત્ર છે–મારો શિષ્ય છે. આપણે બ્રહ્મચારી છીએ. કઠણ છે આપણી નિષ્ઠા, દુર્જેય છે આપણા નિયમ. આપણા ક્રિયાકાંડમાં કોઈ જાતનો વ્યત્યય આપણે સાંખી લેતા નથી. પુત્ર, જ્યારે તું એકદમ નાનો શિશુ હતો, ત્યારથી મેં જ તને તપશ્ચર્યાની દીક્ષા આપી હતી. તે પછી અનુશાસનનું તે ઉલ્લંઘન કર્યું હોય એવું કદીય બન્યું નથી. પણ આજે તારું બીજું રૂપ કેમ જોઉં છું? કેમ તું ઉદાસ છે, ચિંતાગ્રસ્ત છે, દીન છે? તારી નજર કેમ દૂર મંડાયેલી છે? મુખકાન્તિ કેમ મલિન છે? તારા હોઠ કેમ લાંબા નિસાસાથી કંપે છે? અને કેવી રીતે તારા ગળામાં આ પુષ્પમાળા આવી? તને તો ખબર છે કે બ્રહ્મચારીઓને માળા પહેરાવાનો નિષેધ છે. ઋષ્પશૃંગ : આજ આ આશ્રમમાં એક અતિથિ આવ્યા હતા; આ માળા તેમની કૃપાની નિશાની છે. વિભાણ્ડક : કોણ હતી તે વ્યક્તિ? મને વિસ્તારથી કહે, કોની પ્રેરણાથી તારું આ ભાવાન્તર થયું છે? ઋષ્યશૃંગ : તેઓ એક અદ્ભુત બ્રહ્મચારી છે. ઊંચાય નથી ને નીચાય નથી. દેવતાના જેવા કાન્તિમાન છે, સુવર્ણ જેવો તેમનો રંગ છે, દેહ સુગઠિત અને સંકેતમય છે; તેમને માથે નીલ, નિર્મલ જટા બાંધેલી હતી; શંખ જેવી એમની ગ્રીવા છે; બે કાન જાણે ઉજ્જવળ કમંડળ, આંખો તેમની આયત અને સ્નિગ્ધ છે; મુખ જાણે ખીલેલી ઉષા; બાલસૂર્યના જેવું અરુણવર્ણનું તેમનું કપાળ છે. તેમના બાહુ, છાતી અને બન્ને પગ કેશરહિત છે. છાતીએ બે મનોહર માંસપિંડ છે, નૈવૈદ્યની જેમ ગોળ. તેમણે જે વલ્કલ પહેર્યા હતાં તે સ્વચ્છ અને રંગરંગીન હતાં; તેમની અક્ષમાળામાં સૂર્યકિરણ જેવું તેજ હતું; તેમની યજ્ઞોપવિત આપણા જેવી નહોતી, પિતાજી. તેમનાં દેહલગ્ન વ્રતલક્ષણો અદ્ભુત અને દેદીપ્યમાન હતાં; કોઈ ગોળાકાર તો કોઈ બંકિમ, તો કોઈ વળી જલબિન્દુની જેમ ચંચલ. તેઓ જ્યારે બાહુ કે ચરણ હલાવતા ત્યારે તે વસ્તુઓમાંથી ધ્વનિ બજી ઊઠતો – જાણે મંત્રોચ્ચારણનો છંદ, જાણે સરોવરમાં હંસોની કલગીતિ. પિતાજી, તે દેવતુલ્ય બ્રહ્મચારીને જોઈને આજે હું અભિભૂત છું. વિભાણ્ડક : તેં શું એ વ્યક્તિનું સ્વાગત કર્યું હતું? ઋષ્યશૃંગ : મેં તેમની નિયમ પ્રમાણે સંવર્ધના કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તેમણે વિનયવશ થઈ મારો અર્ઘ્ય ગ્રહણ કર્યો નહોતો. કહ્યું, ‘મારું વ્રત પરિચર્યા–સેવા છે, મેં તમારે માટે સામગ્રી આણી છે.’ તેમના દ્વૈતવ્રત માટે મારો સહયોગ માગ્યો હતો–પિતાજી, આપની આંખો રોષથી લાલ કેમ જોઉં છું? વિભાણ્ડક : તેં એ અમંગલમૂર્તિને જલદીથી વિદાય કેમ ના કરી? ઋષ્યશૃંગ : અમંગલ? (ઉજ્જ્વળ મુખે) પિતાજી, તેઓ તો અભયદાતા બ્રહ્મચારી છે. વિભાણ્ડક : મૂર્ખ છે તું ! નાદાન છે! ઋષ્યશૃંગ : તમારા તિરસ્કારને હું પાત્ર છું. હું જાણું છું કે તત્ત્વજ્ઞાનમાં હું પાછળ રહી જાઉં છું. પણ તેમને જોઈને મારી જ્ઞાનતૃષ્ણા પ્રબળ થઈ ઊઠી. મને થયું કે તપસ્યાનું રહસ્ય હજી પણ મારી આગળ ખુલ્લું થયું નથી. વિભાણ્ડક : વ્યર્થ ગઈ, મારી બધી જ સાવધાની વ્યર્થ ગઈ! ઋષ્યશૃંગ : પિતાજી, તમારા મનમાં આશંકા કેમ જાગે છે તે હું જાણતો નથી. તે અતિથિ પ્રત્યે ગંભીર હતી મારી તન્મયતા, પરન્તુ હું ક્યાંય તલ જેટલુંય કલંક શોધી શક્યો નથી. અવશ્ય તેમનો સાધનામાર્ગ અત્યંત ઉન્નત છે, નહીંતર તેમને જોતાંવેંત જ મારું મન કેમ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયું? કેમ એક નવું સ્પંદન હૃદયે જાગી ઊઠ્યું? તાત, તેઓએ જ્યારે મારી સાથે વાત કરી ત્યારે મારો અંતરાત્મા આનંદિત થઈ ગયો; તેમના કંઠમાં નારદની વીણા હતી, તેમની વાણી જાણે કે સામગાન ન હોય! વિભાણ્ડક : અરે, ભ્રાન્તિ! અરે, અવિદ્યા! ઋષ્યશૃંગ : પિતાજી, તમે નકામા અધીર બની જાઓ છો; મારી બધી વાત સાંભળ્યા પછી તમને પણ થશે કે તેઓ એક લોકોત્તર તપસ્વી છે. તેમણે મને જે બધાં ફળ આપ્યાં, તે જાણે કે સ્વર્ગના ઉદ્યાનમાંથી લાવવામાં આવ્યાં હતાં. ત્વચા, સ્વાદ કે સારાંશમાં આપણાં આંબળાં કે ઇંગુદ કોઈ પણ રીતે તેની જોડે બેસી શકે નહીં. તેમણે આપેલું પાણી પીતાં હું ક્ષણ માટે જાણે કે ઇન્દ્રલોકમાં પહોંચી ગયો; મારો દેહ ભાર વિનાનો હોય એવું લાગ્યું, જાણે કે જમીનનો સ્પર્શ કર્યા વિના પણ હું ચાલી શકીશ. પિતાજી, મારા આવા ભાગ્યથી તમે રાજી નથી? વિભાણ્ડક : ઋષ્યશૃંગ હવે વધારે બોલીશ નહીં! મારું મસ્તક ફાટી જાય છે. ઋષ્યશૃંગ : પિતાજી, રજા આપો તો, તેમના વ્રતનું વિવરણ આપું. તેમનો મંત્રપાઠ ઉદાત્ત નથી, પરંતુ મધુર – હિલ્લોલિત – મર્મસ્પર્શી છે. સ્તવગાન સમાપ્ત કર્યા પછી તે આલોકદર્શન બ્રહ્મચારીએ મને આલિંગન આપ્યું – જેમ વૃક્ષને અલિંગે છે લતા. તેમનું મોં મારા મોં પર રાખી અધરની સાથે અધરનો સંયોગ કરી ચંબન કર્યું મને – જેમ પુષ્પને ચુંબન કરે ભમરો. મારે દેહે જાગી ઊઠી અજ્ઞાતપૂર્વ પુલક, મારા અસ્તિત્વમાં સંચારિત થયો અમૃતસ્પર્શ. પણ તેઓ અહીં રોકાયા નહી; તરંગની જેમ મારી પ્રદક્ષિણા કરી, જમીન પર ઘણી બધી ગંધમાલ્ય વેરીને વાયુને તેમના અંગસ્પર્શથી સુગંધિત બનાવીને પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા. પિતાજી, હું અત્યારે તેમના અદર્શનથી એમદમ ખિન્ન અને વ્યાકુળ છું. તમે મને રજા આપો જેથી હું તેમની શોધમાં નીકળી પડું. અથવા તો આ આશ્રમમાં તેમને પાછા લઈ આવું. તેઓ હમેશાં જે વ્રતનું પાલન કરે છે તે જ વ્રત મારું પણ અભીષ્ટ છે. હું તેમની સાથે જોડાઈને તપશ્ચર્યા કરવા ચાહું છું. મારી અંતરંગ અભિલાષા મેં તમને જણાવી. વિભાણ્ડક : પુત્ર, તું છેતરાયો છે! ઋષ્યશૃંગ : છેતરાયો છું? વિભાણ્ડક : છેતરાયો છે—ફસાયો છે—પાપસ્પૃષ્ટ છે! ઋષ્યશૃંગ : પાપસ્પૃષ્ટ! વિભાણ્ડક : તેં જેનાં દર્શન અને સ્પર્શ કર્યો છે, તે બ્રહ્મચારી નથી, ધર્મનિષ્ઠ કોઈ પુરુષ નથી – પુરુષ તો બાજુએ, તે તો નારી છે. ઋષ્યશૃંગ : નારી? પિતાજી, નારી કોને કહેવાય? વિભાણ્ડક : હું તને અપાપચેતન રાખવા ઇચ્છતો હતો—ભૂલ હતી. પાપની ગતિ સર્વત્ર છે, તેની સંભાવના અસીમ છે. તેના ચેપથી બચવા માટે તેનું સ્વરૂપ જાણવું જરૂરી છે. સાંભળ વત્સ, પ્રજાપતિએ બે પ્રકારની જીવસૃષ્ટિ રચી છે; પુરુષ અને નારી. બન્નેના સંયોગથી જન્મ લે છે પ્રાણીઓ. નારી તે છે, જેના ગર્ભમાં આવે છે સંતાન, જેના સ્તને પોષિત થાય છે શિશુઓ. તેં તો આશ્રમકાનનમાં મૃગલીઓ જોઈ છે, જોઈ છે આપણી વાછડા સાથેની ગાયને. જેમ પશુઓમાં તે છે, તેમ મનુષ્યોમાં નારી છે. ઋષ્યશૃંગ : આજે જે આવ્યા હતા, તેઓ જો નારી હોય તો તો રૂપમાધુરીની પરાકાષ્ટા એટલે જ નારી. વિભાણ્ડક : રૂપ નહીં, ઉપયોગિતા માત્ર, માતૃત્વનું એક યંત્ર—રૂપાળું—તેનું જ બીજું નામ એટલે નારીદેહ. પ્રજાપતિની રચના એવી છે કે તે યાંત્રિક સામંજસ્ય પુરુષની આંખે મનોહર દેખાય. નહીંતર કાળના કોળિયામાંથી માણસજાત કેવી રીતે બચી શકે? કોના અર્પિત યજ્ઞના ધુમાડાથી દેવતા પ્રસન્ન થાત? તેથી વિશ્વવિધાતાની આ ચતુરાઈ છે. જેમ અરણિ કાષ્ટના બે ટુકડાના ઘર્ષણ વિના અગ્નિ પેટાતો નથી, એ પણ તે રીતે છે. જેમ પાત્ર અને મંથનદંડના સંયોગથી નવનીત ઉત્પન્ન થાય છે, એ પણ તે રીતે છે. માછલી જેમ માછીમારની જાળમાં પકડાઈ જાય છે. પતંગિયું જેમ દીવાની જ્યોતથી ભસ્મીભૂત થાય છે, તેમ પરસ્પરને આત્માહુતિ આપે છે અજ્ઞાની નારી અને પુરુષ. આ સનાતન ચક્રાન્ત છે—આજે પણ ચાલુ જ છે. ઋષ્યશૃંગ : પિતાજી, તો શું હું પણ નારીગર્ભમાં જન્મ્યો હતો? વિભાણ્ડક : હા વત્સ, તું પણ, તું શું તારી જન્મકથા સાંભળવા ઇચ્છે છે? ઋષ્યશૃંગ : તમારી ધીરજ જો ન ખૂટવાની હોય તો મારી તન્મયતા ઓછી નહીં થાય. (રંગમંચ પર ધીરે ધીરે અંધકાર, તે પછી આછા પ્રકાશમાં જોવામાં આવ્યા ધ્યાનાસને બેઠેલા યુવાન વિભાણ્ડક મુનિ. નેપથ્યમાં મૃદુ તંતુવાદ્ય સંગીત. એક સ્વચ્છવસ્રાવૃત્તા નર્તકી સ્વપ્નની જેમ પ્રકટ થઈ. વિભાણ્ડકે આંખો ખોલી, નર્તકી જાણે પવનમાં વહેતી વહેતી નાચની મુદ્રામાં ઓગળી ગઈ. વિભાણ્ડકનો ચિત્તચંચલતાનો મૂક અભિનય, તેઓ ઊઠીને ઊભા થયા, તેમનું મોં વિકૃત થયું, અસ્તવ્યસ્ત ભાવે ભમતાં ભમતાં તેમણે જોઈ એક કિરાત યુવતીને. ખેંચાણથી તેના તરફ આગળ વધ્યા, યુવતીની વિનંતી અને પ્રતિરક્ષાનો મૂક અભિનય. વિભાણ્ડકનો અનુનય અને વિહ્વલતાની મુદ્રા. યુવતિની મુદ્રા કરુણતર છે, વિભાણ્ડક કામનાથી દપ્ત છે. ધીરે ધીરે યુવતીના મોઢા પર પણ લાલસા ફરકે છે, વિભાણ્ડકે હાથ લંબાવ્યા તેના તરફ. ક્ષણ માટે મુનિ અને કિરાત યુવતી આલિંગનબદ્ધ દેખાય છે.) (આ અંશમાં વૃદ્ધ વિભાણ્ડક અને ઋષ્યશૃંગ રંગમંચ પર દેખાશે નહીં, પણ તેમની વાતો સંભળાશે, ધીમે ધીમે અટકી અટકીને તેઓ વાતો કરશે. તેમની વાત અને અતીત ચિત્ર એકી સાથે, એકી સમયમાં ભજવાશે.) વિભાણ્ડક : સાંભળ, યુવાવસ્થામાં હું એકવાર વિંધ્યાચળના શિખર પર બેસીને તપસ્યા કરતો હતો. ઋતુ વસંત હતી, વનભૂમિ સૌરભ અને કલતાનથી આમોદિત હતી, પણ મારું મન બ્રહ્મબિન્દુ પર મંડાયેલું હતું. તે અવસ્થામાં અકસ્માત મેં આકાશપથમાં ઉર્વશીને જોઈ. ઋષ્યશૃંગ : ઉર્વશી! તે કોણ? વિભાણ્ડક : સુરસુંદરી ઉર્વશી. દેવતાઓના પ્રમોદની સંગિની. તપસ્વીઓના ધ્યાનભંગનો ઉપાય. ઋષ્યશૃંગ : પિતાજી, તો શું દેવોને પણ નારી ગમે? વિભાણ્ડક : પુત્ર, સોમરસ પીનારા દેવો પણ, ભલે ને મોટા, પણ માનવો જ છે. પ્રલયકાલે તેમનો પણ વિનાશ થાય છે. તેઓ પણ કોઈના તાબેદાર છે, સ્વામી નથી; અનાદિ અને અનંત નથી, તે લોકો પણ કર્માધીન ઈશ્વર છે. જે વ્યાપ્ત છે, જે તુરીય છે, જે શાશ્વત છે, તેનું જ નામ બ્રહ્મ. આ બ્રહ્મનું જ આપણે ધ્યાન ધરીએ છીએ–પણ તે ક્ષણે મારું મન ચંચલ થઈ ગયું હતું. ઋષ્યશૃંગ : પિતાજી, તમે જેને ઉર્વશી કહો છો, તે શું મનુષ્યોને પણ દેખાય છે? વિભાણ્ડક : કદાચ તે ઉર્વશી ન પણ હોય. મેઘ અને રૌદ્રલોકે રચિત કોઈ દૃષ્ટિની ભ્રાન્તિ હશે. કદાચ મારી ગુપ્ત કામનાની પ્રતિછાયા હશે, કે પછી કોઈ મરીચિકામાત્ર – મારી ઉપવાસકિલષ્ટ એકલતામાથી જન્મેલી. પરંતુ મારો ચિત્તવિકાર દુઃસહ થઈ ઊઠ્યો હતો; ધ્યાનાસન છોડીને અરણ્યમાં મેં એક કિરાત યુવતીને પકડી હતી. સમય જતાં તે રમણીએ જ્યારે એક પુત્રનો જન્મ આપ્યો ત્યારે તે શિશુને લઈ ને ચાલ્યો આવ્યો બીજા વનમાં – આ નદી કાંઠા પરના આશ્રમમાં. ઋષ્યશૃંગ, તું મારે કારણે ઉદ્વિગ્ન થઈશ નહીં. કઠોર પ્રાયશ્ચિત્ત કરીને તે સ્ખલનના દોષમાંથી મેં મુક્તિ મેળવી છે. (રંગમંચ પર પૂર્વવત્ પ્રકાશ થાય છે. યુવક વિભાણ્ડક અને કિરાતરમણી અદૃશ્ય છે. આપણે વર્તમાન સમયમાં પાછા આવ્યા.) ઋષ્યશૃંગ : (ક્ષણની ચુપકીદી પછી) મારી માતા તે કિરાત રમણી અત્યારે ક્યાં છે? વિભાણ્ડક : ખબર નથી. તેની બાબતમાં હું થોડા સમયમાં જ ઉદાસીન બની ગયો હતો. બીજી કોઈ નારી ભણી પણ દૃષ્ટિપાત કર્યો નથી. તે સમયથી માંડીને મારા ચિત્તમાં બે જણાનો જ વિચાર સ્થાન પામ્યો–તું–મારો પુત્ર, અને તે–જે પુત્રથીય વધારે પ્રિય છે, તે જ તે. પુત્ર, આ આશ્રમમાં વન્ય મૃગીઓએ તને સ્તનપાન કરાવ્યું હતું, સંગ આપ્યો હતો પશુ પક્ષી અને વૃક્ષોએ તથા મેં–તારા પિતાએ. આજન્મ તેં મારે કંઠે વેદપાઠ સાંભળ્યો છે, તારી વિકસતી જતી ચેતનાને પુષ્ટ કરી છે યજ્ઞની સૌરભે–ઋષ્યશૃંગ, તું શું કદીય માતૃસ્નેહના અભાવમાં દુઃખ પામ્યો છે? ઋષ્યશૃંગ : જે વિષય ધારણાથી પણ અગમ્ય છે, તેના અભાવનો અનુભવ તો થાય નહીં. વિભાણ્ડક : સાંભળ, ઋષ્યશૃંગ, હું તને એક સનાતન સત્ય કહું છું. નારી માતા બને છે એટલે તેની જરૂર છે; પણ જેમ સર્પદંશ પ્રાણીને માટે ઘાતક હોય છે તેમ તપસ્વીને માટે નારી ઘાતક છે. અત્યંત કાળજીથી મેં આ આશ્રમને અળગો રાખ્યો હતો–એકદમ જનસંપર્કરહિત, નથીને કદાચ દૈવયોગે કોઈ નારીના સંપર્કથી આપણી તપસ્યાનો પરાભવ થઈ જાય. પણ આજ તે પાપકુંડથી જ ખરડાયો આશ્રમ—મોહ પામ્યો તું! ઋષ્યશૃંગ, આજે વિનાશ આવીને તારી સામે ઊભો હતો, તેં જોયું તેનું ખુલ્લુ મોં, તેની લોલ જિહ્વા તને ચાટી ગઈ છે. તું જાગ, સાવધાન થઈ જા. ઋષ્યશૃંગ : (અર્ધમનસ્કભાવે) આદેશ આપો. વિભાણ્ડક : નારી મોહિની છે. દેવોને પણ કામ્ય છે. પરંતુ તપસ્વીઓ તેની માયાજાળને છિન્ન કરી શકે છે, માત્ર તેઓ જ. તે કારણે બ્રહ્મર્ષિઓ દેવતાઓથી પણ મહાન છે; તેમના પલકારાથી સ્વર્ગ ધ્રૂજી ઊઠે છે, તેઓ ઇન્દ્ર, વરુણ અને આદિત્યોના પણ આરાધ્ય છે. વિચાર કર. કીટ, પતંગ, પશુ, પક્ષી, માનવ, કિન્નર, દાનવ, દેવ બધા જ જેના વશવર્તી છે તેના પ્રભાવને જીતી શકે છે એક માત્ર બ્રહ્મચારી તપસ્વીઓ! તેઓ પણ મનુષ્યો છે, તેઓ પણ જીવ છે, પણ જીવલોકના નિયમને તેઓ ઓળંગી જાય છે. કેવો અદ્ભુત વિજય! કેવું અમિત પરાક્રમ! ઋષ્યશૃંગ, તું તે મહાપથનો પથિક છે. તું ધીમાન છે, તું શુદ્ધચેતા છે; ભ્રમમાં પડી યોગ્યભ્રષ્ટ થઈશ નહીં, નષ્ટ કરીશ નહીં પુણ્યફલ, સપડાઈશ નહીં પ્રકૃતિના ષડ્યંત્રમાં. સાંભળઃ હું તારો પિતા છું, હું વૃદ્ધ છું, પરંતુ હું જાણું છું કે હું માત્ર ઋત્વિક છું, ઋષિ નથી, યજ્ઞપરાયણ પ્રયાસી માત્ર છું, જીવન્મુક્ત મહાત્મા નથી. પરંતુ તું..... હું તારામાં ઋષિત્વનાં લક્ષણો જોઉં છું : તું માત્ર મંત્રોનો ઉદ્ગાતા જ નહીં, મંત્રોનો સ્રષ્ટા પણ થઈશ; થઈશ બ્રહ્મવેત્તા, માત્ર શાસ્ત્રજ્ઞ નહીં—થઈશ ત્રિલોકનો પૂજનીય—તું વિભાણ્ડકનો પુત્ર ઋષ્યશૃંગ છે! પુત્ર, મારી આ આશાને તું ભાંગીશ નહીં. ઋષ્યશૃંગ : પિતાજી અજ્ઞાનને કારણે આજે હું અસાવધ હતો; તમે મને ક્ષમા કરો. તમારા ઉપદેશથી મારાં જ્ઞાનનેત્ર ખુલી ગયાં છે, હવે હું નિઃશંક છું. હું જાઉં, સમિધકાષ્ઠ લઈ આવું. વિભાણ્ડક : તું આશ્રમમાં રહે, હું જાઉં છું. પાપિષ્ઠાને દંડ દેવો તે અત્યારે મારું પહેલું કર્તવ્ય છે. કદાચ તે નજીકમાં જ ક્યાંક સંતાઈ હશે. જો હું તેને જોવા પામું તો પછી તેને છોડીશ નહીં.—પુત્ર, તું તે પાપમૂર્તિને તારા વિચારોમાંથી હાંકી કાઢ. કલ્પનામાં પણ તેને સ્થાન આપીશ નહીં. સ્વપ્નમાં પણ તેને સ્થાન આપીશ નહીં. જો મારી અનુપસ્થિતિમાં તે ફરીથી આવે, તો તું સ્થિર રહેજે. યોગાસને બેસી ઇન્દ્રિયરોધ કરતાં તને કોઈ પ્રકારનો ભય નહીં રહે.
ઋષ્યશૃંગ : (આંટા મારતાં મારતાં) નારી...નારી, નારી. નવું નામ, નવું રૂપ, નવી ભાષા. નવું એક જગત...મોહિની, માયાવિની ઉર્વશી. નવો જપમંત્ર મારો... મારી માતા એક કિરાતરમણી છે. મારા પિતાએ તેને અરણ્યમાં ગ્રહણ કરી હતી. મારા બ્રહ્મચારી પિતા...ત્યારે તું નારી છે? તપસ્વી નથી, કોઈ પુરુષ નથી, નારી? તું નારી છે, હું પુરુષ છું... મારા પિતાએ જાણ્યો હતો આ રોમાંચ, મારી માતા શું તારા જેવી જ મનોરમા હતી? હું સ્નાન નહીં કરું જેથી તારા ચુંબનની અનુભૂતિ લુપ્ત ન થઈ જાય, હું જાગતો રહીને તારું ધ્યાન ધરીશ,...તું ક્યાં છે? અહીં–અહીં–અહીં આ હમણાં જ હતી, અત્યારે કેમ નથી? હું તારા વિરહમાં દુઃખી છું, હું તારાં દર્શન વિના તપ્ત છું, તું આવ, તું પછી આવ.
(નેપથય્યમાં દ્રુત લયમાં સંગીત, ઋષ્યશૃંગ ઉત્કર્ણ)
જાગો જીવ, જાગો જીવ, જાગો જીવ,
છોડો નિદ્રા, છોડો નિદ્રા, છોડો નિદ્રા.
જાગો હૃદય, જાગો વેદના, જાગો સ્વપ્ન,
આવો વિદ્યુત્, આવો વજ્ર, આવો વર્ષા.
(તરંગિણીનો પ્રવેશ પછીના ભાગમાં રહી રહીને વચ્ચે મૃદુ તંતુવાદ્ય સંગીત) ઋષ્યશૃંગ : આવો. તરંગિણી : હું વિદાય લેવા આવી છું. તમે મ્લાન કેમ દેખાવ છો? ઋષ્યશૃંગ : હું દુઃખી છું. તરંગિણી : તપોધન, તમે પણ શું દુઃખને આધીન છો? ઋષ્યશૃંગ : મારા દેહમાં જ્વાળા બળે છે–અને તેનું કારણ તું છે? તરંગિણી : ગુણમય. અવશ્ય મેં અજાણતાં જ અપરાધ કર્યો છે, મને ક્ષમા કરો. પ્રસન્ન થઈને સંમતિ આપો હું સ્વસ્થાને જાઉં. ઋષ્યશૃંગ : ના—જઈશ નહીં. તરંગિણી : પણ હું જ જો તમારા કષ્ટનું કારણ હોઉં તો મને દૂર કરવી એ જ તમારી શુશ્રૂષા. ઋષ્યશૃંગ : તારું વ્રત સમાપ્ત થયું નથી. તરંગિણી : મારા વ્રતનો તો છેડો જ નથી. ઋષ્યશૃંગ : (હાથ લંબાવીને) આવ, પૂરું કર તારું વ્રત. આવ! તરંગિણી : તપોધન, મન બીક લાગે છે, ક્યાં છે પેલી તમારી સ્નિગ્ધ સકરુણ દૃષ્ટિ? ક્યાં છે પેલી ઉદાર આનંદિત મૂર્તિ? ઋષ્યશૃંગ : મને ખબર પડી છે તું કોણ છે. તું નારી છે. તરંગિણી : કુમાર, હું તમારી સેવિકા છું. ઋષ્યશૃંગ : મને ખબર પડી છે હું કોણ છું. હું પુરુષ છું. તરંગિણી : તમે મારા પ્રિય છો, તમે મારા મિત્ર છો, તમે મારી મૃગયા છો, તમે મારા ઈશ્વર છો. ઋષ્યશૃંગ : તું મારી ક્ષુધા છે, તું મારું ભક્ષ્ય છે, તું મારી વાસના છે. તરંગિણી : મારા હૃદયમાં તમે રત્ન છો. ઋષ્યશૃંગ : મારા શોણિતમાં તું આગ છે, તરંગિણી : મારા સુંદર છો તમે, ઋષ્યશૃંગ : મારી લૂંટ છે તું. તરંગિણી : કહો, તમે હમેશને માટે મારા રહેશો. ઋષ્યશૃંગ : તું મને જોઈએ. તું મારી જરૂર છે. તરંગિણી : તો ચાલો–ચાલો મારી સાથે, ત્યાં ચાલો જ્યાં હું તમને છાતીની અંદર સંતાડી રાખી શકીશ. ઋષ્યશૃંગ : હું ગમે ત્યાં જાઉં તેથી શું હાનિ છે? હું ગમે ત્યાં અટકું તેથી શું હાનિ છે? બસ તું મને જોઈએ, તું મને જોઈએ. (હાથ પહોળા કરી આગળ વધે છે.) તરંગિણી : આવો પ્રિય, આવો દેવ, મારો ઉદ્ધાર કરો. ઋષ્યશૃંગ : આવ દેહિની, આવ મોહિની–મને તૃપ્ત કર. (રંગમંચ પર ધીરે ધીરે અંધારું થયું. આછા અજવાળામાં આલિંગનબદ્ધ ઋષ્યશૃંગ અને તરંગિણી દેખાયાં. તે પછી અંધકાર. ફરીવાર જ્યારે અજવાળું થાય છે. ત્યારે દૃશ્ય બદલાયું છે, ચંપાનગરનો રાજપથ છે. આકાશમાં ઘનમેઘ, મેઘગર્જના, વીજળીના ચમકારા, નેપથ્યમાં જનતાનો કોલાહલ, તરંગિણી અને તેની સખીઓથી વીંટળાઈને ઋષ્યશૃંગ રંગમંચ પરથી પસાર થઈ ગયા. તે સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો.) સ્રીઓનો અવાજ (નેપથ્યમાં) : વરસાદ! વરસાદ! વરસાદ! પુરુષોનો અવાજ (નેપથ્યમાં) : ત્રાતા, પ્રણામ. અન્નદાતા, પ્રણામ. પ્રાણદાતા પ્રણામ. સ્રીઓનો અવાજ (નેપથ્યમાં) : મુનિ ઋષ્યશૃંગની જય! પુરુષોનો અવાજ (નેપથ્યમાં) : મુનિ ઋષ્યશૃંગની જય! સ્રીઓ-પુરુષોનો સંયુક્ત સ્વર (નેપથ્યમાં) : મુનિ ઋષ્યશૃંગની જય! (જનતાના ઉલ્લાસ અને વરસાદના અવાજ ઉપર ધીરે ધીરે પડદો પડે છે.)