મેઘાણીની સમગ્ર નવલિકા 2/નિવેદન: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન|}} {{Poem2Open}} <center>[‘ધૂપછાયા’]</center> આંહીં રજૂ થતી ચૌદ વાર્તાઓ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 36: | Line 36: | ||
{{Right|ઝવેરચંદ મેઘાણી}} | {{Right|ઝવેરચંદ મેઘાણી}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = મુખપૃષ્ઠ-2 | |||
|next = ચંદ્રભાલનાં ભાભી | |||
}} |
Latest revision as of 05:30, 12 February 2022
આંહીં રજૂ થતી ચૌદ વાર્તાઓ માંહેની ‘વહુ અને ઘોડો’, ‘જયમનનું રસજીવન’, ‘ઠાકર લેખાં લેશે’ તથા ‘પાપી’ એ ચાર વાર્તાઓ ત્રણેક વર્ષ પૂર્વે લખાઈ છે, અને બાકીની દસ ગયા અઢારેક માસના ગાળામાં રચી છે. ફક્ત ‘પાપી’નો ઉદ્ભવ એક અંગ્રેજી માસિકની વાર્તા થકી પ્રેરિત છે; બાકીની તદ્દન સ્વતંત્ર છે.
‘સ્વતંત્ર’, ‘મૌલિક’ વગેરે શબ્દો આજકાલ ઠીક ઠીક વપરાય છે અને કલાની પરખમાં સારી પેઠે ગૂંચવાડો ઊભો કરી રહેલ છે. જગતના પહેલી કોટિના સાહિત્યસ્વામીઓને બાદ કરીએ તો સ્વતંત્ર સર્જનનો દાવો ઘણા જૂજનો જ ટકી શકશે. પહેલી કક્ષામાં બિરાજતા ગ્રંથકારો પણ વાચન, અવલોકન અને અમુક બનતા બનાવોની વિગતોમાંથી નવસર્જનના તાર ખેંચી કાઢી તેના વાણાતાણાના અનેકવિધ વણાટ વડે નવલકૃતિઓ ઉતારી ગયા છે. તેઓએ આમ કર્યું તેટલા કારણે જ દુનિયાએ તેમને અમૌલિક, ચોર અથવા ઉધારિયા લેખવ્યા નથી.
એટલે અમૌલિકોમાં ખપવાની કોઈ ધાસ્તીને કારણે આ વાર્તાઓને ‘સ્વતંત્ર’ કહી ઓળખાવવી પડે છે એમ નથી. ‘લેબલ’ માત્ર મારવાથી કોઈ કૃતિ જીવતી રહેવાની નથી. એ જીવશે એની પોતાની આંતર્ગત તાકાતના જોરે. એ તાકાત તે કૃતિમાં થઈ શકેલા રસાયનમાંથી જ પેદા થાય છે. તત્ત્વોની મેળવણી જો કાચી રહી ગઈ હોય તો એવાં કઢંગાં સર્જનોને જીવવાનો હક્ક પણ શો છે? એને જીવતાં રાખવાની જરૂર પણ શી છે?
એટલે ટૂંકી વાર્તાના પ્રદેશમાં આ વાર્તાઓને એમનું સ્વયં પ્રાપ્ત સ્થાન લેવાની આંતર્ગત શક્તિ હશે તો વાચકો જ એનો હોંકારો આપશે. એવો હોંકારો જો નહિ મળે તો ‘સ્વતંત્ર’, ‘મૌલિક’ વગેરે શબ્દોથી ઓળખાવવામાં આવતો કોઈ પણ પમ્પ આ વાર્તાઓમાં પ્રાણવાયુ નહિ પૂરી શકે.
આ વાર્તાઓ વાસ્તવલક્ષી હોવાથી એના વણાટમાં ધરતી પરના, પોતાના તેમ જ પારકા સાચા અનુભવોની વણકરી તો અનિવાર્ય જ બને છે. કૌતુકરંગી, અલૌકિક, ભાવનાલક્ષી વાર્તાઓના લખનારાઓને આકાશ-પાતાળ અને સચરાચર દુનિયા ઉપરાંત એવી સેંકડો દુનિયાઓને છાઈ દેનારી અસીમ કલ્પનાભોમનો અવકાશ છે. એ અસીમની અંદર ભાવનાલક્ષી કલમ ચાહે ત્યાં ઘૂમી શકે છે, મનને ફાવે તેવી વાર્તાસામગ્રી ઊંચકી શકે છે, ને તેમાંથી ધારે તો નિર્મલ તેજોમય ભાવનાકૃતિ નિપજાવી શકે છે: સહુને જોવી ગમે તેવી રમ્ય અને કોઈને ન દુભવે તેવી નિરપેક્ષ.
વાસ્તવલક્ષી વાર્તાઓનો દોરનાર ઘણુંખરું માટીનાં માનવીઓ વચ્ચે જ આથડે છે, બનતા બનાવોને ભાળે છે, જીવતાંજાગતાં માનવહૃદયોના સારા-નબળા ધબકાર, મનોવ્યાપાર, આવેશ, વિચાર, વિકાર ઇત્યાદિની બહુરંગી લીલા જોતો એ ઊભો હોય છે. એની સૃષ્ટિના સીમાડા મુકરર છે, તે સાથે સાંકડા પણ છે. એના સર્જનને વાસ્તવના વર્તુલમાંથી બહાર જવાની મનાઈ છે. એને યોજવી પડતી કલ્પના, ભાષા તેમજ પાત્રસૃષ્ટિ પાર્થિવ જીવનની માટીને જ અધીન છે. આરસની પ્રતિમાને હીરાની આંખો મઢી શકાય, પણ રુધિર-માંસના બનેલા માનવ-પાત્રને જો ચૂંચી આંખો હોય તો તે ચૂંચી જ રહેવા દેવી પડે છે. ઓપરેશન કરીને કદાચ તે ચૂંચી આંખને સ્થાને હીરો ગોઠવવામાં આવે તો તે જોઈ પણ નહિ શકે, સુંદર પણ નહિ લાગે.
ભાવના અને કલ્પનાની ભોમ છોડીને વાસ્તવજગતની ખાડાખબડિયાવાળી, વાંકઘોંકથી ભરેલી, કંઈક અંશે અસુન્દર તેમજ અસુગંધિત ગલીકૂંચીઓમાં ઘૂમવાનું કેમ ગમે છે? કોણ જાણે. ગમવા – ન ગમવાની આ બાબત નથી. સુંદરને ત્યજી અસુંદરમાં વિચરવાનો ય આ પ્રશ્ન નથી. પ્રશ્ન એક જ છે: કે આલેખનારો કયા ઉદ્દેશે માનવીના મનોરાજ્યને નિહાળવા અને પ્રકટ કરવા નીકળેલો હોય છે? કોઈ એકાદ વાદનું સમર્થન કરવા માટે? કોઈ ચોક્કસ પક્ષ લેવા માટે? કોઈ નીતિ અથવા આચારનો પ્રચાર કરવા માટે? કોઈ ઢોંગ, દંભ અથવા દુષ્ટ મનોવ્યાપારનું ઢાંકણ ખોલવા માટે? જગતના સમગ્ર નિર્માણને દુષ્ટ સમજનાર કોઈ શ્રદ્ધાવિહીન ‘સિનીક’ તૉરથી? કે જીવનની કોઈ સમસ્યાનો ઉકેલ સૂચવવાની કલ્યાણબુદ્ધિથી? કયા ઉદ્દેશથી? કયા વલણથી?
જવાબ આટલો જ છે: આવા એક પણ ઉદ્દેશથી નહિ. કશા પણ વલણ વગર, કેવળ નીરખવાને ખાતર. દુનિયાને નીરખવામાં જે એક હેતુવિહીન, દ્વેષરહિત છતાં સહેજ સહાજ કઠોર કૌતુકભર્યું રહસ્ય જડે છે તે રહસ્યને સૌંદર્યની ભોંય પર ઉકેલવા માટે.
સાહિત્યકાર પોતાને વિષે કેટલાક સાચા-ખોટા ધર્મો માની બેસે છે. આ એક બૂરી જ નહિ પણ ભયાનક આદત છે. અમુક કર્તવ્ય મારું છે; અમુક સેવાધર્મનો હું ભેખધારી છું, અમુક વિચારોનો કે વાદોનો હું પ્રચારક છું એવાં એવાં ચગદાંને પોતાના કપાળ પર ચોડી લેનાર સાહિત્યકાર પોતાના મનના વહેમો, ભ્રમો, ગમા અને અણગમાનું એક જાલ-જગત સરજે છે. પોતે એમાં અટવાય છે તેમ જ પોતાના વાચકોને એમાં અટવાવે છે.
લાગે છે કે આ તો વાત વિવાદાસ્પદ ભૂમિ ઉપર આવી પહોંચી. મારે વિવાદમાં ઊતરવું નથી. ખુલાસો માત્ર આટલો જ કરવાનો છે કે મારા નાનકડા ગામનું વાતાવરણ ગૂંથીને ઊભી કરેલી ‘પાનકોર ડોશી’થી લઈ એકાદ કોઈ શહેરમાં એક પુખ્ત વયની કન્યાનું પૂર્ણ મરજિયાત લગ્ન અટકાવવાની, સુધારાને નામે કોશિશ કરનારી યુવાન મનોદશાને છણનારી ‘શારદા પરણી ગઈ’ની વાર્તા સુધીનો પ્રદેશ કોઈ પણ મત-સમર્થનને સારુ મેં નથી ખેડ્યો. તેમાં કોઈ એક વ્યક્તિ અથવા વ્યક્તિઓના ચોક્કસ સમૂહની અવહેલના કે પ્રશંસા નેમમાં નથી રાખી. ‘વહુ અને ઘોડો’ની વાર્તામાં એક અગ્રણી નગરજનની ઘોડાગાડીને સાધન બનાવવાથી જો કોઈ બે જણા એમ કહે કે અમુક ઠેકાણે એવી ઘોડાગાડી હોવાથી આખી વાર્તાનું લક્ષ્ય એ ઘોડાગાડીના માલિકનું કુટુંબ છે, તો એ એક રમૂજ પમાડનારી બિના ગણાય. ‘પાનકોર ડોશી’ તદ્દન કલ્પિત પાત્ર છે, પણ પેલી પાલાગાડીઓનું વર્ણન વાંચીને મારા પિતૃ-ગામ બગસરાનો કોઈ વતની મારી અથવા તેની માતાને પાનકોર ડોશીના પાત્ર જોડે બંધબેસતી કરવા મથે તો તેને મારવાનું જ મન થાય.
અનુભવોના તો જીવનને માર્ગે વગડા ને વગડા પડેલા છે. મનની મધમાખ ભમતી ભમતી કેરડાં, આવળ અને આંબાઆંબલીનાં ફૂલોમાંથી ય પરાગ પી લે છે. એનું મધ સર્જનના મધપૂડાને પૂરે છે. કયા ફૂલના પરાગમાંથી બનેલું કેટલું એ મધ, તે તો કોણ જાણે!
અનુભવોના સંઘરા જ્યાંથી ને ત્યાંથી થયા જ કરે છે. લેખન જેનો વ્યવસાય હોય છે તે માણસનું દુર્ભાગ્ય એવા સંઘરાનો ભાર, એ મધુરૂપ ન ધારણ કરી લ્યે ત્યાં સુધીને માટે વહેવાનું છે. ફૂલોની રજને સાહિત્યના મધુસ્વરૂપે પલટી નાખવાની કલા વેદનાઓથી ભરેલી હોય છે. એ રૂપાન્તર, એ રસાયન, એ મેળવણી પાંચ-દસ વ્યક્તિઓની વિડમ્બના માત્રમાંથી નથી નીપજતી. ને વાચકને જ જો એમાં વ્યક્તિપ્રહાર ભાસે તો વાર્તાલેખનની કલા આપોઆપ પોતાની નિષ્ફલતાને સિદ્ધ કરી આપે છે.
આપણો સમાજ જેમ રૂપાન્તર પામતો જાય છે, તેમ તેમ સમસ્યાઓ પણ એની રૂપાન્તર પામતી જાય છે. સંસારની દિન પર દિન પલટાતી આ અનંત લીલાને લેખક ફાવતી રીતે નિહાળી નિહાળી એનું પોતે કરેલું કૌશલયુક્ત પૃથક્કરણ, સમગ્ર દર્શન તેમ જ જુદા જુદા ખૂણાઓ પર ઊભીને કરેલું દર્શન બીજાઓને બતાવવામાં આનંદ માને છે, પોતાના આનંદમાં અન્યને સાથીઓ બનાવે છે ને ગર્ભિત ભાવે જાણે કે એ અન્યને પૂછે છે કે ‘કેમ, આ વાતનું રહસ્ય તને આમ જ લાગે છે ને?’
આથી મહત્તર કોઈ ઉદ્દેશને આ વાર્તાકારના શિર ઉપર નહિ આરોપો તો ઉપકાર થશે.
પાત્રાલેખન પરત્વે તદ્દન નિસ્પૃહી રહી શકતો વાર્તાકાર વંદનને પાત્ર છે. છતાં લખનાર કોઈ પાત્રનો પક્ષ ન લેતાં અળગો ઊભો રહી પોતાની સહાનુભૂતિ, કરુણા અને મૃદુતા અમુક અમુક પાત્રો ઉપર ન ઢળવા દે તે તો બને જ કેમ? સહુ ય લેખકો એટલા તો માનવી છે. એવી દોહ્યલ તટસ્થતા અહીં જેટલી ઓછી લોપાયેલી ભાસે તેટલી જ આ લેખકની કૃતાર્થતા લેખાશે.
મુંબઈ: ૧-૯-૧૯૩૫
ઝવેરચંદ મેઘાણી
નવા થતા આ સંગ્રહમાં મોટો ભાગ તો જૂના માલનો છે, એવું જાણી કોઈ વાચક પોતાની ઠગાઈ થઈ માને તે બીકે પહેલે જ પાને ખુલાસો જરૂરી માન્યો છે.
૧૯૩૧થી જે સ્વતંત્ર ટૂંકી વાર્તાઓ લખાતી થઈ હતી તેના ચાર સંગ્રહો પ્રકટ થયા: ‘ચિતાના અંગારા’ (ભાગ ૧-૨), ‘આપણા ઉંબરમાં’ અને ‘ધૂપછાયા’. આ બધા સંગ્રહો અણસરખા હતા. તે પછી જે થોડી વધુ લખાઈ તેનો તો સ્વતંત્ર સંગ્રહ થયો જ નથી.
પ્રકાશકોની સાથે મસલત કરી એવું વિચાર્યું કે પ્રકટ અને અપ્રકટ આ બધી ટૂંકી વાર્તાઓના દળદાર ત્રણેક સંગ્રહો કરી નાખવાથી વાચકોનો રસ વધુ સંતોષાશે તેમજ મારી વાર્તાઓ યુનિવર્સિટી ઉચ્ચતર ગુજરાતી અભ્યાસક્રમમાં નવલિકાનું સ્વરૂપ શીખવા અંગે ભલામણ પામેલી હોઈને વિદ્યાર્થીઓને પણ પરિચયની વધુ સગવડ રહેશે.
પરિણામે ‘ધૂપછાયા’ની વાર્તાઓમાં પહેલી પાંચ તેમજ છેલ્લી એક એમ કુલે છ નવી વાર્તાઓ ઉમેરીને ‘મેઘાણીની નવલિકાઓ’ ખંડ પહેલો કર્યો છે. ‘ધૂપછાયા’ નામનું પુસ્તક જ લુપ્ત થાય છે.
‘ચિતાના અંગારા’ના બન્ને ભાગો તથા ‘આપણા ઉંબરમાં’માંથી વાર્તાઓ એકત્રિત થઈને ‘મેઘાણીની નવલિકાઓ’ ખંડ બીજો હવે પછી તરતમાં પ્રકટ થશે; ને તે પછી ‘મેઘાણીની નવલિકાઓ’ ખંડ ત્રીજામાં બધી જ નવી વાર્તાઓ મુકાશે.
‘ધૂપછાયા’ની પહેલી વાર્તા ‘વહુ અને ઘોડો’ આ પહેલા ભાગમાં લગભગ છેલ્લે મૂકવા સિવાય બીજો ખાસ ફેરફાર કર્યો નથી.
રાણપુર: ૮-૩-’૪૨
ઝવેરચંદ મેઘાણી
મારી નવલિકાઓના બંને ખંડોને જે લોકાદર મળ્યો છે તે માટે વાચકોનો ઋણી છું; અને ત્રીજો ખંડ આપવાની જે ધારણા સેવી હતી તે ચાર વર્ષે ફળીભૂત થાય છે, તેથી પણ કૃતાર્થતા અનુભવું છું. મારી લઘુકથાઓના આ ત્રીજા ખંડનું નામ રાખ્યું છે ‘વિલોપન અને બીજી વાતો’, ને તે ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકના ભેટ-પુસ્તક તરીકે હમણાં પ્રકટ થયો છે. નવલિકાઓના આલેખનનો મહાવરો છેક ૧૯૩૪થી છૂટી ગયો હતો, તેને ફરીથી ‘ઊર્મિ’ માસિકમાં ૧૯૪૫માં ઘૂંટવા માંડ્યું; પરિણામે આ ‘વિલોપન’નો સંગ્રહ શક્ય બન્યો. મને આશા છે કે મારી નવલિકાઓના પ્રેમીજનોને ‘વિલોપન’માં મૂકેલા પ્રયોગો ગમશે.
લઘુકથા-આલેખનનો દોર તૂટી ગયો તે દરમ્યાનના દાયકામાં — બેશક, અન્ય પ્રકારો દ્વારા — એ સરવાણી તો ભૂગર્ભમાં ચાલુ જ રહી છે. ‘માણસાઈના દીવા’માં જે કલા-નિર્માણ છે, તે પણ લઘુકથાની ઘાટીને અનુવર્તે છે.
અમદાવાદ: બળેવ, ૨૦૦૨ [ઈ.સ. ૧૯૪૬]
ઝવેરચંદ મેઘાણી