મનોહર ત્રિવેદીની વાર્તાઓ/૫. ભાદા ૨ણછોડના ડેલામાં રાતવાસો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 60: Line 60:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૪. ઓળખ
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૬. પાછા વળવું
}}
}}

Latest revision as of 04:48, 25 March 2022

૫. ભાદા ૨ણછોડના ડેલામાં રાતવાસો

બે-એક કલાકના હડદોલા ખાઈ-ખાઈને જ્યારે બસમાંથી નીચે ઊતર્યો ત્યારે રાત્રિએ એનું એન કાઠું કાઢી લીધેલું. બસ-સ્ટેશનની બહાર જઈ આલોકના ઘરનું સરનામું પૂછ્યું. જવાબ મળ્યો : વયા જાવ, સીધા નાકની દાંડી પધોર્ય... શંકા જતાં કોઈને ફરી પૂછતો : ભાદા રણછોડનો ડેલો કેટલેક? : ઃ આમ બત્તીના પાંચમે થાંભલે, ડાબી પા છે, ન્યાં જ : જવાબ મળતાં થોડી નિરાંત થઈ. તોતિંગ ડેલો બંધ હતો. એની ખડકી ઉઘાડી હતી. અંદર ગયો. ટ્યૂબલાઈટના અજવાળે આંગણું સ્પષ્ટ થયું. ડાબી બાજુના ભાગે એક ઓરડો, ઓસરી ને ઓસરીમાં પાછળથી ઊભું કરેલું રસોડું. એની સામે વિશાળ ફળિયું. એમાં એકાદ ઝાડવું. ડાળી પર લટકતી પંખીઓ માટેની ઠીબ. લીંપેલોગુંપેલો એક તુલસીક્યારો, નાના મોટા થોડા ફૂલ છોડ (ક્ષણવારમાં આંખ ફરી વળી) અને ઝાડ નીચે વાસણ માંજતી આ ઘરની ગૃહિણી. ઃ કોનું કામ છે, ભાય? : ઉચ્ચારાયેલા શબ્દો મધનો કૂપો બની ગયા. મેં કહ્યું : આલોકભાઈ આટલામાં જ ક્યાંક... : ઃ હા. આ વચાળની ખડકી મૂકો એટલે તરત એનું ઘર. સ્ત્રીએ કહ્યું : ખબર નથી રઈ, છે કે નંઈ : બીજા ફળિયામાં ખડકીના આકાર પૂરતો ત્રાંસો અજવાસ પથરાયો. અંદર ગયો ત્યારે તે સિવાયના સમગ્ર પરિવેશને અંધકારે પોતામાં સમાવી લીધેલો મેં જોયો. આલોકે મને લખેલું : મુખીનું ત્રણ ત્રણ પેઢી લગી વિસ્તરેલું કુટુમ્બ આ વિશાળ ડેલીમાં રહેતું. હવે અહીં કોઈ રહેતું નથી. વસ્તાર વધતો ગયો તેમ તેમ સૌ અ’વાદ–સૂરત ભેળાં થઈ ગયાં છે. થોડાંક બચ્ચાં કચ્ચાં નવી સોસાયટીમાં, પોત પોતાનાં મકાનમાં. ભાદા રણછોડ અહીંના મોભાદાર ને જોરાવર આદમી. પંથકમાં પૂછવા–ઠેકાણું. હવે નથી. પણ ઓળખાય છે હજીયે ‘ભાદા રણછોડના ડેલા’ના નામથી. ડેલાના ભાયુંભાગ પડી ગયા છે. જેના ભાગમાં એક એક ઓરડા જેટલી જગ્યા આવી છે, તેણે હાલચાલ માટે વચ્ચે વચ્ચે ખડકી મૂકી વંડીઓ ચણી લીધી છે ને આમ ડેલા પૂરતો સૌનો હક્કહિસ્સો જળવાઈ રહ્યો છે. આવા ઓલદોલ આદમીના વારસદારો વરસે એકવાર વહીવટ કરતા પોતાના માણસ પાસેથી ભાડાનો હિસાબ સમજી જાય છે : અજાણી ભોં પર પગ મૂકતો હું થાંભલી પકડીને ઓશરી ચડ્યો, ઘેર કોઈ નથી, જાણી ગયો હોવા છતાં હું ખાતરી કરી લેવા ઇચ્છતો હતો. મેં અંધારામાં જ ફાંફા મારીને ઓરડાનું બારસાખ શોધ્યું. બારણે જડેલાં વેણીધોકા ને પિત્તળનાં ફૂદડાં પર હાથ ફેરવ્યો ને સાંકળ પર લટકતું ડાલામથ્થું તાળું, નિરાશાનું તળ આવી ગયું’તું હવે. આલોક પર ખીજ ચડી. એક તો સાલાને કશું સાચવતાં આવડે નહીં ને ભાઈ પાછા લખે : તું આવી જા. મિત્રોની સલાહને ન અવગણવાનો મેં નિશ્ચય કરી લીધો છે : ભાભી બેએક વર્ષથી પિયરમાં રિસામણે બેઠા છે. એમાં સહુ કોઈ આલોકનો જ વાંક કાઢતા : એ તો સંસ્કારી મા-બાપની દીકરી, તે અત્યાર સુધી પડ્યું પાનું નિભાવ્યે ગઈ. આ ભાઈનો ક્યાંય માથામેળ નંઈ, પણ જ્યાં-ત્યાં અથડાતા-ઘસાતા રહે. છોકરાંવ ખાતર અનહદ વેઠ્યું. હદ આવી જતાં પિ’રનો પલ્લો પકડ્યો. ભાભી અને આલોક એકબીજાં માટે હિજરાતાં રહેતાં, એવા વાવડ પણ મળતા. એક થવા ઇચ્છતાં, વિરહ વસમો થતો જતો, છતાં વાત વટે ચડી હતી. વળ મૂકાતો નહોતો. ભાભીના ભાઈ અને પિતા શરત મૂકતા હતાઃ હવે તો કોર્ટના સ્ટેમ્પપેપર ઉપર માફીપત્ર લખી આપે પછી જ અમારી મિત્રા આલોકને પગથિયે પગ મૂકશે. આવું બીજી વાર બન્યું છે... : ને આલોકને આમાં નરી પશુતા અને બળજબરી જેવું લાગતું. મળતા ત્યારે અમે એને માફીપત્ર લખી આપવા સમજાવતા : તારે ફરી ઝગડો કરવો છે? નહીં તો એ લોકોના આગ્રહને સ્વીકારવામાં નામોશી શાની? અત્યાર સુધી ભાભીએ છોકરાં માટે વેઠ્યું, હવે થોડું તું વેઠી લે : અમે કહેતા : કાં એમ પણ હોય કે આ હિજરાવું એ તારું નાટક પણ હોય! : છેવટે એણે દોસ્તો પાસે નમતું જોખેલું. એણે ખેલદિલી-પૂર્વક તૈયાર કરેલું લખાણ એક વાર આવીને વાંચી જવા લખેલું. એ જ રીતે એણે મિત્રાભાભી પર પણ એ મતલબનો પત્ર લખેલો. ભાભીએ આપેલ પ્રત્યુત્તરનો સાર પણ મને જણાવેલ : મારા ભાઈ અને બાપુજીનો આગ્રહ છે તો લખી આપવાની ના ન પાડો. ગયા વખતે તમે અહીં આવ્યા ને ધક્કા મારીને તમને કાઢવામાં આવ્યા ને સામે તમે ઉશ્કેરાઈને ગાળો બોલવા માંડ્યા. હું સમજું છું કે પત્નીની હાજરીમાં થયેલું આ અપમાન તમને કેટલું વસમું લાગ્યું હશે. એની ચચરાટી કેવળ તમને જ હશે, શું મને નહીં હોય એમ લાગે છે તમને? આટલા નીચા ઊતારવા તો મને ય ન ગમે. છતાં...ઃ વગેરે. અને આ મૂરખ અહીં હાજર નથી. ફરી પાછો હું પહેલા ફળિયામાં આવ્યો. વાસણ માંજવાનું પડતું મેલી કથરોટમાં હાથ ધોઈ, સ્ત્રી ઊભી થઈ : સ્ટેશને ગયા હશે : એણે કહ્યું, ને મારા માટે પાણીનો લોટો ભરી આવી. મેં પાણી પીધું. દરમ્યાનમાં તેણે ઓરડામાંથી ખુરસી લાવીને મૂકી : બેસો, તમારા ભાય હમણાં જ આવશે : ના છૂટકે હું બેઠો. કશું સૂઝતું નહોતું. ક્યાં જવું? રાત ક્યાં ખેંચવી? હું અવઢવમાં હતો, એ પામી ગયેલી સ્ત્રીએ મારા હાથમાં ચાનો કપ મૂક્યો : અંઈથી સ્ટેશન ખૂબ આઘું છે. તમારા ભાય તમારી સાથે આવશે. આલોકભાય નો હોય તો શું થય ગ્યું. અમે તો છીએને? : ઠરતી રાતે આ શબ્દોએ મને હૂંફ આપી. તો યે હું મુંઝાતો હતો. આવી રીતે આવા ભેંકાર ઘરમાં એક સ્ત્રી, અને તે યે એક યુવાન સ્ત્રી હોય, ત્યારે આમ એક અજાણ્યા પુરુષ તરીકે મારે બેઠા રે’વું તે ઠીક ન કે’વાય. એ તો પોતાના અધૂરા છોડેલા કામમાં ફરી પાછી મગન થઈ ગયેલી. હું ઊભો થયો. કહ્યું : બેન, હું નીકળું હવે. ચાલ્યો જઈશ સ્ટેશન સુધી કે રિક્ષા મળશે તો... : ઃ રિક્ષા? – મળશે જ નંઈ. ને ચાલીને આ અંધારામાં જશો કઈ રીતે? માલીપા છો એટલે, બા’ર તો ટાઢ પણ સારી પટ હશે. સ્ટેશન એમ કાંય નજીક ઓછું છે? બેસો તમતમારે : મને લાગ્યું, એ પણ મારી મૂંઝવણ બરાબર સમજતી હતી. એટલામાં જ બહારથી મોટરસાયકલનું હોર્ન સંભળાયું : લ્યો, આવી ગ્યા. હું નો’તી કે’તી, આવતા જ હશે? : એણે સાફ કરેલા વાસણનો સુંડલો એક તરફ મૂક્યો ન ઊતાવળી ઊતાવળી ડેલા તરફ વળી. પતિને સૂચવ્યું : રાજદૂત બા’ર જ રેવા દેજ્યો. આલોકભાયના મિત્રને સ્ટેશને જવું છે : બાઈનો પતિ અંદર આવ્યો. મેં ઊભા થઈને હાથ મિલાવ્યા ને મારું નામ કહ્યું. એણે હસીને મને આવકાર્યો : સરસ. હું ડૉ. ગોસ્વામી. અહીં પશુ-ડૉકટર છું. પછી પત્નીને સંબોધીને કહ્યું : નીતા, સાહેબને ચા-પાણી પાયાં? પછી અમે સ્ટેશને જઈ આવીએ : મેં કહ્યુંઃ પીધી : બાઈ કહે : એ તો અકળાતા હતા. ચાલીને સ્ટેશને જવાનું કે’તાતા. જવાય? મેં રોકી રાખ્યા. હવે તમે રાજદૂત લઈને જઈ આવો. આલોકભાય હોય તો ઠીક છે, નઈતર પાછા વયા’વજો : ડૉક્ટર ગોસ્વામીએ ઊભા ઊભા જ કહ્યુંઃ ચાલો, જઈ આવીએ : પછી પત્ની તરફ ડોક ફેરવી કહ્યું : નહીં તો અમે આવીએ છીએ : મેં કહ્યું : તમે થાક્યાપાક્યા... : મને બોલતો બંધ કરી સ્ત્રીએ વચ્ચેથી જ પૂછ્યું : શેનો થાક? : પતિ તરફ લાડથી આંખ ઊછાળીને પૂછ્યું : થાક લાગ્યો છે તમને : અમે ત્રણે હસ્યાં. સ્ટેશન ઉપર ગાડી પસાર થઈ ગયા પછીનો સન્નાટો છવાયેલો હતો. ઑફિસમાં જઈ, આલોક બાબતે પૃચ્છા કરી. સ્થૂળકાય સ્ટેશન-માસ્તરે હસ્તધનૂન કરી અમને આવકાર્યા. મેં નામ જણાવ્યું તો પહાડી પડછંદા પાડતું તેમનું હાસ્ય ઘૂમરીએ ચડ્યું : ઓત્તારી. કવિ કે ની ભાય? તમારો આલોક ડિંગ ઘની હાંકે છ, બાબા. સું કીધું? : મેં પૂછ્યું તો જાણવા મળ્યું કે એ મહાશય શર્માજી હતા. આલોકની વિગત આપતાં કહ્યું : એની બૈરી આવેલી છે, પિયરથી મલવા. તે સાલો ફરવા પોરબંદર લઈ ગે’લો છ. અભી અભી ગયાં લાગે છ : અને ‘હાહઓઓઓ’ શર્માજીનું. થોડીવારે હાસ્ય સમેટી કહે : ચિન્તા મત કર રે તું. સું કામ છે આલોકિયાનું. આ ટેબલ છે, આટલાં લાંઆંબા. રજાઈ છે. એક ટેબલ પર તું, એક ટેબલ પર હું, લંબાવસું. તું પાન તમાકુનો સોખીન છે, એમ તારો આલોકિયો કે’તો’તો. આ પાનના ડિબ્બા છે. નીંદર ના આવે તાં હુધી ખાસું. બીજું ખાવાનું તો કાંથી લાવીસું, બોલ? ચા બી અતારે... પૂછો ડાગટરને : સ્ટેશનિયા ગૂજરાતીમાં શર્માજી ઝીંક બોલાવ્યે જતા’તા : આલોક બે વાગે બી આવે. હવારની લોકલમાં બી આવે. ઠિકાના નંઈ. એના ભાય. એની નોકરી બી મારે સમાલવાની, બોલ. સું કરિયે? ડૉ. ગોસ્વામી કહે : શર્માજી, હું અને સાહેબ તો ઘરે જતા રહીશું. તેમને અહીં નહીં ફાવે : પાન બનાવતા કહ્યું : તો તારી મરજી, ભાય. તારો માલિક તું : ઠંડી, થાક અને નિરાશા. અહીં ફાવે એવું નહોતું. થયું : આ બોલકો જીવ મને અહીં નિરાંતે ઊંઘવા નહીં દે. અમે પાછા ઘેર પહોંચ્યા. ડૉ. ગોસ્વામીનાં પત્નીએ ટહુકો કર્યો : હાથપગ ધોવો, વાળુ તૈયાર છે : હું સંકોચાયો : બેન, હું બપોરે એટલું જમ્યો છું કે અત્યારે લગરીકે ય ભૂખ નથી : એ ચાલે જ નંઈને. આપણે નીકળ્યા ત્યારે જ નીતા સાથે વાત થઈ ગયેલી : હું વિસ્મિત. આંખોએ આંખોને સૂચવી દીધું હશે? નહોતી ખબર. આગ્રહ કરી કરીને મને જમાડ્યો. હાથ-મોં ધોઈને ઊઠ્યા તો કહે : એક દુકાન હજુ ખુલ્લી હશે, હું નંઈ જાઉં ત્યાં સુધી બંધ નંઈ કરે. ચાલો, આપણે પાન-બાન ખાતા આવીએ : એ દરમ્યાન ઓશરીમાં મારા માટે પલંગ, એના પર ગાદલું, સ્વચ્છ ઓછાડ, ઓશીકું, રજાઈ-ચાદર ને ચીવટપૂર્વક બાંધેલી મચ્છરદાની. એના તરફ આંગળી ચીંધીને કહ્યું : ફાવશે ને? આમેય તમે થાક્યા છો. ચલો, સુબ્હા ફિર મિલેંગે. ગૂડ નાઈટ : સવારે આંખ ખૂલી તો ઓશરીની કોરે તાંબાનો લોટો, દાતણ ને આસન મૂકાઈ ગયેલાં. વાસીદું કરતાં કરતાં નીતાબેને કહ્યું : તમે દાતણ કરી લ્યો. આલોકભાય હમણાં અડધા કલાક પે’લા જ આવ્યા. ભાભી પણ છે. તમારા આવ્યા-ના સમાચાર આપ્યા છે. ચા પી આવવાનું કે’તી આવી છું : આલોક આવ્યો. ભેટી પડ્યો. એનાં તન, મન અને હૃદયનો તમામ ઉમંગ એની આંખોમાં ઊમટ્યો : જામી બાપુ. તારી ભાભી પણ આવી છે : મારી આંખોમાં ઊઠેલા પ્રશ્નને વાંચીને એ બોલ્યો : ઈ ઈચ્છે છે કે દે’ર મને મળવા આવે, હું નંઈ આવું : હું હરખાયો : શ્યોર. એને અધિકાર છે. : ત્યાં, બહારથી ફરીને ડૉ. ગોસ્વામી આવી ગયા. ચાની ચુસ્કી ભરતાં મને કહે : સાચું માનશો, સાહેબ? તમને નવાઈ લાગશે, પણ હું ને આલોકભાઈ આ છ મહિનામાં આજ પેલ્લી વાર મળીએ છીએ! ઃ શી વાત છે? આલોક કહે : સાવ સાચ્યું. અમારો બન્નેનો આ છ મઈનામાં, અહીં રે’વા આવ્યા પછી યોગ જ આવ્યો નંઈ, મળવાનો. મારા પે’લા તેં દોસ્તી જમાવી લીધી : હું દિગ્મૂઢ. કયા કારણે આ દંપતીએ મારી આટલી બધી ખેવના રાખી? અપરિચયનાં આવરણ આટલી સ્વાભાવિકતાથી દૂર કરી શકાય? તેમનાં વાણી-વ્યવહાર અને ઉમળકાને વળી આરણ-કારણ સાથે શી લેવાદેવા? મેં મારા પ્રશ્નનો પ્રશ્નથી જ ઉત્તર વાળ્યો, મનોમન. ઃ ચાલ, તારી ભાભી તારી રાહ જોતી બેઠી હશે. તું એને ક્યારેય મળ્યો નથીને? મળી લે : આલોક ઉત્સાહથી કહેતો હતો. ભાભી પલંગમાં જ બેઠાં હતાં, ને પોતાના લાંબા કેશને હથેળીમાં વીંટાળીને ગૂંચ ઉકેલતાં હતાં. મેં નમસ્કાર કર્યાં. આલોકે પૂછ્યું : આને ઓળખે છે? મેં હસીને કહ્યું : ભાભી : ઃ તમે મને કઈ રીતે ઓળખી? : મેં જોયું, પ્રશ્ન કેવળ પૂછવા ખાતર પુછાયો નહોતો. હસીને જવાબ વાળ્યો : ભાભી, મારા ભાયના ઘરમાં તમારા સિવાય બીજી કોઈ ફરકે તો ખરી? : આલોકના મોં પર ગૌરવનું લીંપણ થયું. એણે ભાભી તરફ મોં ફેરવી વચ્ચે જ પૂછ્યું : હવે તું કહે, આ કોણ હશે? : ઃ ઓળખું છું : મારું નામ આપી કહે : પત્રો ય વાંચેલા. જોયા પે’લીવાર. બીજું કોણ આમ નવરું હોય આવવા? તમારા ભાયબંધો તો જ્યાં જાવ ત્યાં બે ડગલાં આગળ ને આગળ! નિરાંત લેવા જ ના દે : સાંભળી અમે બન્ને હતપ્રભ બની ચૂપ ઊભા રહ્યા. આલોક મને આશ્વાસન આપવા અંદર ને અંદર શબ્દો ફંફોસી રહ્યો’તો, જે એને મળતા નહોતા. તેમ છતાં ભાદા રણછોડના ડેલામાં, ગઈ રાતે મળેલા મૃદુ અજવાળાએ આજના આ વહેલી સવારના મેલખાયા અંધકારને પાસે ફરકવા જ ન દીધો. અને એટલે જ ક્ષુબ્ધ થયેલા આલોકને ત્યાં બપોર લગી હું રોકાઈ શક્યો હતોને?