સોરઠી બહારવટિયા ભાગ-1/2. નાથો મોઢવાડિયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(8 intermediate revisions by the same user not shown)
Line 274: Line 274:
ફરી વાર બારોટે દુહો ગાયો. પછી આગળ ચલાવ્યું:
ફરી વાર બારોટે દુહો ગાયો. પછી આગળ ચલાવ્યું:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
::બારે બીલેસર તણું, ઉપર મોઢા એક,
::ત્રેપરજાંની ટેક, નાથા, તેં રાખી નધ્રુ!
::તેરે તેં તરવાર, કછિયુંસું બાંધી કડ્યો,
::હવ્ય લેવા હાલાર, નાખછ ધાડાં, નાથિયા!
</poem>
{{Poem2Open}}
'''[અત્યાર સુધી તો તેં આ કચ્છમાં આવેલા જામને માટે કમ્મરે તરવાર બાંધી હતી. પણ હવે તો આખો હાલાર લેવા તું હલ્લા કરી રહ્યો છે.]'''
{{Poem2Close}}
<poem>
::ચૌદે ધર લેવા ચડે, ખુમારા ખરસાણ,
::(એને) ભારે પડે ભગાણ, નગર લગણ નાથિયા!
</poem>
{{Poem2Open}}
'''[દુશ્મનોની સેના તારા ઉપર ચડાઈ કરે છે, પણ પાછું એને જામનગર સુધી નાસી જવાનું પણ મુશ્કેલ પડે છે.]'''
{{Poem2Close}}
<poem>
::પંદરે તુંને પાળ, ભડ મોટા આવીને ભરે,
::ખત્રી હવ્ય ખાંધાળ, ન કરે તારી, નાથિયા!
</poem>
{{Poem2Open}}
'''[મોટા મોટા સમર્થ ગામધણીઓ પોતાનાં ગામોના રક્ષણ બદલ તને પૈસા ભરે છે. તારી છેડ હવે કોઈ ક્ષત્રિય કરતો નથી.'''
{{Poem2Close}}
<poem>
::સોળે નવસરઠું તણા, બળિયા દંઢછ ખાન,
::કછિયું તોથી કાન, નો રે ઝાલ્યા, નાથિયા!
</poem>
{{Poem2Open}}
'''[આખા સોરઠના મોટામોટા માણસોને કેદ પકડીને તું દંડ વસૂલ કરે છે.]'''
{{Poem2Close}}
<poem>
::સતરે શૂરાતન તણો, આંટો વળ્યો અછે,
::બાબી ને જાડો બે, (તેને) તેં નમાવ્યા, નાથિયા!
</poem>
{{Poem2Open}}
'''[શૂરાતન એવું તો તને આંટો લઈ ગયું છે, કે તેં જૂનાગઢના નવાબ બાબીને તથા નગરના જામ જાડેજાને, બંનેને તોબા પોકરાવી છે.]'''
{{Poem2Close}}
<poem>
::અઢારે ઇડર તણો, નકળંક ભેરે નાથ,
::હાકમ પેટે હાથ, તેં નખાવ્યા, નાથિયા!
</poem>
{{Poem2Open}}
'''[તારી સહાયમાં તો ઇડરનો ગોરખનાથજી અવધૂત ઊભો છે. તેથી જ તું મોટા રાજાઓને લાચાર બનાવી રહ્યો છે.]'''
{{Poem2Close}}
<poem>
::ઓગણીસે ઓસરિયા, જાડો ને બાબી જે,
::કેસવ ભૂપત કે’, લુંને નમિયા પખેણો, નાથિયા!
</poem>
{{Poem2Open}}
'''[જાડેજા અને બાબી જેવાને તેં નમાવ્યા, માત્ર કૃષ્ણ પ્રભુ તને નમ્યા વિનાનો રહ્યો છે.]'''
{{Poem2Close}}
<poem>
::વીસે તું સામા વડીંગ, ધરપત થાકા ધ્રોડ,
::ચાડ્યાું ગઢ ચિત્રોડ, નર તેં પાણી, નાથિયા!
</poem>
{{Poem2Open}}
'''[તારી સામે ઘોડા દોડાવીને રાજાઓ હવે થાક્યા છે. તેં તો તારા અસલના પૂર્વજ સિસોદિયાઓના ધામ ચિતોડને પાણી ચડાવ્યું.]'''
{{Poem2Close}}
{{Poem2Open}}
“લ્યો બાપ! આ નાથા ભાભાની ‘વીશી’,” એમ કહીને રાજા બારોટે ફરી વાર હોકો હાથમાં લીધો. એની મુખમુદ્રા પર લાલ ચુમકીઓ ઊપડી ગઈ.
“વાહ બારોટ! વાહ!” એમ સહુ માણસોએ ધન્યવાદ દીધા.
“હું તો બાપ, મારા પાલણહારની કાલીઘેલી આવડી તેવી કાવ્ય કરું છું. હું કાંઈ મોટો કવેસર નથી.”
જ્યારે બહુ વાહવાહ બોલાઈ, ત્યારે રાણો ખૂંટી મર્મમાં હસવા લાગ્યો.
“કેમ બાપ, હસવું આવ્યું?” રાજા બારોટે પૂછ્યું.
“હસવું તો આવે જ ના, બારોટ! અટાણે તો નાથો ભાભો આખી મેર ભોમનો
શિરોમણિ છે ને તમે એના આશ્રિત છો, એટલે તમે એને સોને મઢો, હીરેય મઢો, રાજા
કહો, કે ભગવાન કહો, પણ ઓલ્યા અગિયારમા દુહામાં જરાક હદ છાંડી જવાણું છે,
બારોટ!”
“શું બાપ?”
“નાથો ન જન્મ્યો હોત તો મેર તમામ લોકુંમાં લેખાત! બસ! એક નાથો જ કાંવ શેર લોઢું બાંધી જાણે છે? બીજા બધા કાંવ રાંડીરાંડના દીકરા છે?”
બીજા બે-ચાર મેરો પણ બોલી ઊઠ્યા : “હા સાચું, બારોટે ઈ જગ્યાએ બહુ વધુ પડતું કે’ નાખ્યું છે. કેમ કે એમાં બીજા સૌ મેરુંને રેહ દીધો છે.”
“તો વળી એની ખળે ખબર્યું પડશે, બાપ!” એટલું બોલીને બારોટ ચૂપ રહ્યો. પણ પોતાને ભોંઠામણ બહુ જ લાગી ગયું.
બીજે દિવસે પ્રભાતે ઊઠીને રાણા ખૂંટી તો પોતાના એકસો સંગાથીનો સંઘ લઈને
દ્વારકાજીને પંથે પડી ગયો. થોડા દિવસ પછી સંઘ પાછો વળ્યો. અને એણે વળતાં પણ
મોઢવાડામાં જ વણગા પટેલને ઘેઢ ઉતારો કર્યો. રાજો બારોટ તો તે દિવસના ભોંઠામણને લીધે મહેમાનને મળવા નહોતો ગયો, પણ મોડી રાતે વણગા પટેલની ડેલીએથી ડાયરો વીંખાયો ત્યારે કોઈકે આવીને રાજા બારોટને ખબર દીધા : “બારોટ! રાણો ખૂંટી જાત્રાએ ગયો ત્યાં એને દાણ ભરવું પડ્યું.”
“કોણે દાણ લીધું?”
“જામનગરના ચીલાવાળાએ ભોગાત ગામને પાદર દાણ પડાવ્યું. કહે કે તે વિના જાત્રાએ જાવા જ ન દઈએ.”
“કેટલું દાણ?”
“ત્રણસો કોરી રોકડી.”
“અરરર! ગજબ કે’વાય. મારો સાવજ નાથો જીવતો હોય, ને જામના ચાકર મેરોની પાસેથી દાણ મેલાવે?”
સૂતો હતો ત્યાંથી રાજો બારોટ ઊઠ્યો. માથા પરથી પાઘડી કાઢી નાખીને સોગિયું લાઠિયું બાંધ્યું. સાબદો થઈને અધરાતે ઊપડ્યો. વણગા પટેલની ડેલી પાસે થઈને નીકળ્યો. ટૌકો કર્યો : “વણગા ભાભા!”
“હો! કોણ ઈ? બારોટ?”
“હા!”
“કેમ અસૂરા?”
“મારે અટાણે ગામતરે જવું પડે છે. પણ મારા આવતાં પહેલાં મે’માનને હાલવા દેશો મા. સવારને પહોર મારે મે’માનને કસુંબો પાવો છે. જોગમાયાની દુવાઈ દઉં છું, હો કે?”
“એ… ઠીક.”
રાજો બારોટ ઊપડ્યો. પગપાળો પંથ કાપવા મંડ્યો. અંધારામાં ગોથાં ખાતોખાતો રાતોરાત પોલેપાણે પહોંચ્યો. પરોઢિયે મોંસૂઝણું થતાં નાથા બહારવટિયાએ પથારીમાંથી ઊઠતાં જ બારોટને દીઠો.
“ઓહોહો! બારોટ! તું અટાણે કીવો? અને આ માથે લાઠિયું કીં બાંધ્યું? કાંઈ માઠા સમાચાર લાવ્યો છ?”
“હા બાપ, બહુ જ માઠા!”
“કુણ પાછું થિયું?”
“નાથો ભાભો પંડ્યે જ પાછો થિયો, બાપ!”
“કેમ બારોટ, અવળાં વેણ?”
“અવળાં નથી. સાચે જ નાથો મેર મરી ગયો. નીકર દ્વારકાની જાત્રાએ જાતાં મેરની
પાસેથી જામના ચાકર ત્રણસો કોરીનું દાણ કઢાવે? પણ આજ મારો નાથિયો સાવજ મરી
ગિયો!”
નાથાએ રાજા બારોટ પાસેથી બધી વાત સાંભળી. એની છાતીમાં પણ ઘા પડ્યો. એણે માણસને કહ્યું : “ભાઈ, કોક દોત કલમ લાવજો તાં!”
ખડિયો, કલમ ને કાગળની ચબરખી રાજાની પાસે મેલીને કહ્યું : “લે બારોટ, હું લખાવાં ઈં તું લખ : લખ કે ‘ભોગાતના દાણ લેવાવાળાઓ! છત્રાવાના મેર રાણા ખૂંટી પાસેથી તમે જે ત્રણસો કોરીનું દાણ લીધું છે, તેમાં ત્રણસો કોરી દંડની ભેળવીને કુલ છસો કોરી તમારા જ ગામોટની સાથે પરબારા મોઢવાડે પાછી મોકલી દેજો. નીકર નાથા મોઢવાડિયાનું સામૈયું કરવાની સાબદાઈમાં રે’જો.’ ”
ચબરખી આપીને એક સાંઢિયા-સવારને ભોગાત રવાના કર્યો. અને રાજા બારોટને કહ્યું : “તું તારે જા. પરબારી કોરિયું મોઢવાડે આજ બપોર સુધીમાં પોગે નહિ તો પછી ખુશીથી માથે ફાળિયું ઓઢેને મારું સનાન કરે નાખજે.”
<center>''''''</center>
બપોરે મોઢવાડામાં વણગા પટેલની ડેલીએ સહુ દાયરો બેઠેલ છે એવે વખતે એક ખેભર્યો સાંઢિયો સામે આવીને ઝૂકી પડ્યો. સાંઢિયાના અસવારે આવીને કોરીઓની પોટલી રાણા ખૂંટીની સન્મુખ ધરી દીધી.
“આ શું છે, ભાઈ!”
“આ ત્રણસો કોરી તમારા દાણની ને બીજી ત્રણસો નાથા ભાભાએ નગર પાસેથી લીધેલ દંડની. સંભાળી લ્યો.”
“પણ ક્યાંથી?”
“ભોગાતથી, જામના ચીલાવાળા પાસેથી.”
રાણા ખૂંટીને ભરદાયરા વચ્ચે આખી વાતની જાણ થઈ. રાણો નીચું જોઈ ગયો.
આખીયે પોટલી રાજા બારોટની સામે ધરીને હાથ જોડ્યા, “આ લે, દેવ! આ તુંને સમરપણ
છે.”
“ઈ કોરિયુંની વાત પછી; પ્રથમ તો મને કહી દે કે હવે અગિયારમો દુહો બોલવાની રજા છે, બાપ?”
“ભલે ભાઈ, તારી મરજી! સો વાર કબૂલ છે.”
તરત જ બારોટે ગોઠણભેર થઈને, બરડા ડુંગર તરફ બંને હાથ લંબાવી વારણાં લેતાંલેતાં દુહો લલકાર્યો :
{{Poem2Close}}
<poem>
::અગિયારે મેર અભંગ, લોકુંમાં લેખાત,
::(જો) નાથા જલમ ન થાત, વંશમાં વાશિયાંગરાઉત!
</poem>
<center>''''''</center>
{{Poem2Open}}
“નાથા ભાભા! રામ રામ!”
“રામ. આવો આવો, લીલા જોશી, ને પૂંજા ચાંઉ! આજે પોલેપાણે તમે ક્યાંથી ભૂલા
પડ્યા?”
“આ તમારાં રાજસિંહાસન ને તમારા રાજવૈભવ જોવા, નાથા ભાભા! બાકી તમારું કામ આજ મોટા ચમરબંધીનેય ભારે પડે એવું ખરું ને? લ્યો. આ રૂપાળીબાએ એના ધરમના માનેલ વીરને રાખડી દઈ મોકલી છે.”
એટલું કહીને બે પરોણાઓએ સોનાની મૂઠવાળી એક તરવાર, ખભે પહેરવાની સોનાની હમેલ અને સાચો કિનખાબનો પોશાક થાળમાં ભરીને બહારવટિયાની સમક્ષ ધરી દીધો.
“વાહ વાહ! જેઠવાની જનેતાને એમ જ શોભે ને, ભાઈ! રાજમાતા તો રાજમાતા જ છે. એની કાંવ વાત? મારે માથે ઘણાંઘણાં હેતપ્રીત રાખે છે. રૂપાળીબા તો પેટ અવતાર લીધ્યે પાપ ટળે એવી જોગમાયા છે, ભાઈ!”
નાથો બોલતો ગયો ને બંને પરોણા એને રૂપાળીબાના મોકલેલા પોશાક પહેરાવતા
ગયા. રાજભક્તિના પોરસ વડે નાથાની છાતી ફુલાઈને દોઢી બની ગઈ. ઉમળકો આણીને
તેણે પૂછ્યું : “માને કે’જો મારા સરખું કામ સુંપતાં રહે. મા તો આપણાં હાડચામડીનાં ખાળું કહેવાય.”
“નાથા ભાભા, માનાં દુઃખની વાત એક મા જાણે છે ને બીજા જાણે છે બજરંગ! બાકી માને માથે તો ગુજારવી બાકી નથી રાખી!”
“કુણે?”
“કામદારે : ઓતા ગાંધીએ. બીજા કોણ! મલકમાં બીજા કોની મૂછે બબ્બે લીંબુ લટકે છે, ભાઈ?”
“પણ વાત તો કરો, ભાઈ, શી શી વાતું બની ગઈ છે?”
“વાત શું! જે દીનું મોટા રાણાનું ગામતરું થિયું, ને કુંવર ભોજરાજજી ઘોડિયે હતા,
તે દીનો ઓતો ગાંધી માને સારતો નથી. રાજમાં પોતાનું ધાર્યું જ કરતો આવે છે. માનો
તો વકર જ કાઢી નાખ્યો. માને ખાસડા બરોબર કરી મેલ્યાં. માને લાગી ભે’ કે ઓતો
ગાંધી ક્યાંક કુંવરને મારી દેશે, એટલે માએ અમારો ઓથ લીધો. અમે માને અને કુંવરને
ભાણવડ લઈ ગયા. આજ એ વાતને બાર વરસ વીત્યાં. હવે તો એજન્સીમાં પણ ઓતા
ગાંધીને મૂતરે જ દીવા બળે છે. એટલે રાણો તો ગાદીએ આવે ત્યારે ખરા! કોને ખબર,
દેશવટે જ મા-દીકરાની આવરદા પૂરી થશે, કેમ કે જેઠવાના ભાયાતો પણ એ વાણિયાની
ભેરે થઈ ગયા છે, ભાઈ!”
“ઠીક લીલા જોશી, અને પૂંજા ચાંઉ, ઝાઝી વાતુંનાં ગાડાં ભરાય. માને જઈને સાબદાં
કરો. કુંવરને પણ તૈયાર રાખો. બેનની રાખડીના બદલામાં સાથીઓનો કોલ છે કે જો
મોઢવાડિયાના પેટનો જ સાચેસાચ પાક્યો હોઉં તો તો આજથી એક મહિને ઓલા ગાંધીનાં
હાંડલાં અભડાવે દઈને, અને ભાયાતુંને મોઢે ચૂનાના પાવરા ચડાવેને પોરબંદરના તખતને
માથે આપણા બાળા રાણાને મારે સગે હાથે ટિલાવું છું. નીકર પછી નાથિયાને બે બાપ
જાણજો.”
બંને રાજદૂતોએ બહારવટિયાના અંગનાં રૂંવેરૂંવે પોતાની બાજીની મનધારી અસર
નજરોનજર દીઠી ને બંને જણા બરડા ઉપરથી ઊતરી ભાણવડ પહોંચી ગયા. આ બાજુ
નાથાએ સોરઠમાંથી વીણીવીણીને એક હજાર મકરાણીઓને ભેળા કર્યા. અને ઓતા ગાંધીને સંદેશો મોકલ્યો કે “રાજકુંવર અને રાજમાતાને સંતાપતો આળસી જઈને રાાણાને ગાદીએ બેસારજે. નીકર દીઠો ની મેલાં.”
<center>''''''</center>
પોરબંદરનું જેના હાથમાં કડેધડે કારભારું અને જેની અણિશુદ્ધ નીતિની એજન્સીમાં
પણ છાપ, એવા ઓતા ગાંધીને તો નાથિયા જેવા બરડા ડુંગરના કાકીડાની શી ધાસ્તી?
ઓતો ગાંધી ગફલતમાં રહ્યા અને નાથો પોરબંદરના દરવાજા ભાંગી, ચોકીદારોને ઠાર મારી શહેરમાં આગળ વધ્યો. તોપખાને જઈ હાકલ દીધી કે “રાણાની આજ્ઞા સંભળાવાં છ કે? આ ઘડીએ જ ઓતા કામદારના મકાન સામે તોપું માંડી દ્યો. નીકર હમણાં મારા એક હજાર મકરાણી તમારા શરીરનાં શાક રાંધેને જમી જાશે.”
ઓતા ગાંધીની મેડી સામે તોપોના મોરચા મંડાઈ ગયા, કામદાર પોતાના ઘરમાં કેદી બન્યા. રાજકચેરીમાં દરબાર ભરીને નાથાએ રાણા વિક્રમાજિત (ભોજરાજ)ને ટિલાવ્યા અને જેટલા જેઠવા ભાયાતો રાજની ચાકરીમાં રહીને રાણાને કનડગત કરતા હતા તેને ચૂનાના પાવરા ચડાવ્યા. પોરબંદરમાં તો ઊડતાં પંખીડાં થંભી જાય એવી ધાક બેસી ગઈ. ઓતા ગાંધીને પોરબંદર છોડવું પડ્યું એમ પણ કહેવાય છે.
રાણાનો સાચો મામો બનીને બહારવટિયો પાછો પોલેપાણે ચાલ્યો ગયો.<ref>એવો પણ મત છે કે આ કામ નાથાએ નહિ પણ એના મૃત્યુ પછી બહારવટે ચડ ેલા એના ભાણેજ હરભમે કરેલું.</ref>
<center>''''''</center>
“ભગત! આજ તો તેં કાળો કામો કર્યો. મલક આખામાંથી ઘોડાં શું મરી ગયાં હતાં કે તેં શીંગડાની દેવતાઈ જગ્યામાંથી મહંતની બે શિંગાળિયું કાઢી?”
“હવે રાખ્ય રાખ્ય, મેરાણી! બા’રવટાં શું ઘોડાં વગર થાતાં હશે? અને ત્યાં જગ્યામાં કાં ઘોડીની ખોટ્ય છે? પડ્યાંપડ્યાં ખાતાં’તાં તે કરતાં કાં વાપરાં ની?”
“અરે પુરુષ! તે દી જામની ફોજ વાંસે થઈ’તી ને તું ભાગીને હરજી ભુટાણી મા ’રાજના પગુંમાં પડી ગિયો’તો, તે વેળાનાં વેણ સંભાર, સંભાર! એણે તને વચને બાંધ્યો’તો, કે જોજે હો, શીંગડા માથે ગજબ કરતો નીં; અને બીજું કહ્યું’તું કે મોઢવાડા માથે હાથ કરતો નીં! પણ તેં તો આપણા જમલભોમનીયે એબ ઉઘાડી કરી! લુવાણાના છોકરાને બાન પકડીને ચાર હજાર કોરિયું પડાવી! ભગત! બા’રવટું આથમવાનું ટાણું થે ગું લાગે છે.”
“વાંધો નહિ. ઈવાં તી વેણ કાંઈ પળાતાં હશે? ધરમની ને દેવસ્થાનાંની વાતું કરવા બેસીએ તો માળા લઈને બેસી જવું પડે. જોતી નથી, આજ હું જામની સામે ઝૂઝી રહ્યો છું?”
“અધરમને માર્ગે કોઈનાં બા’રવટાં ઊગ્યાં નથી ને તેં મોટી ખોટ્ય ખાધી છે. હજે
કાંછ કે શીંગડે જઈને જગ્યામાં શિંગાળિયું પાછી મેલે આવ ને આપણા ગામના ઈ લુવાણાની
ચાર હજાર કોરિયું પાછી ચૂકવી દે. નીકર મારી નજરુંમાં આજ પોલોપાણો ડોલતો દેખાય
છે, હો ભગત!”
“મેરાણી! તું ગાંડુડી થે ગી લાગ છ!”
મોઢવાડે પોતાના કુટુંબને મળવા ગયેલો નાથો પોતાની સ્ત્રી સાથે આટલો કલહ કરીને
સ્ત્રીના અબોલા દેખી મધરાતે બહાર નીકળી ગયો અને કાળભર્યો પોલેપાણે ચડ્યો. તે
વખતે જ આભમાંથી એક તારો ખર્યો. મોટી કોઈ જ્યોત જાણે ઓલવાઈ ગઈ. એનું મૉત
ઢૂકડે આવ્યું હતું. પોતાની બાયડીએ ઉપર વર્ણવેલ બે વિશ્વાસઘાતો કરવાથી એના ભગત નામને લાંછન લાગ્યું હતું. બહારવટે બહુ ફાવ્યો તેથી તેની બુદ્ધિ બગડી ચૂકી હતી. બેફિકર
બનીને એણે ઊંઘ કરી. સવાર પડ્યું. હજુ તો નાથાના હાથમાં દાતણ છે ત્યાં માર્ગે મેરોનું
એક જૂથ આવતું દેખાયું. આવીને એણે નાથાને કહ્યું : “ભાભા! ભોમ ભેળી થઈ છે. તમને
બોલાવે છે.”
“ક્યાં, ભાઈ?”
“રિણાવાડાને પાદર.”
“બહુ સારું, હાલો.”
રિણાવાડા ગામને પાદર, મેરોનાં સોળ ગામોમાંથી ઓડદરા, કેશવાળા, મોઢવાડિયા, રાજસખા એમ ચાર વંશના, પાઘડીનો આંટો લઈ જાણનાર તમામ, મેર ભેળા થયા છે. નાથો પરબારો ગામમાં જઈને એક ગુપ્ત મેડીમાં સંતાયો. મેર કોમના થોડાએક આગેવાનોએ મેડી ઉપર બેસીને નાથા પાસે વાત મૂકી : “ભાભા! તારે એકને કારણે અટાણે રાણાએ આખી નાતને ભરડો લીધો છે.”
“કેવી રીતે?”
“નગર થાક્યું, સરકાર ખિજાણી, અને રાણાને માથે દબાણ થાય છે કે કાં તો બહારવટિયાને પકડી લ્યો, નીકર રાજપાટ મેલી દ્યો.”
“પછી?”
“પછી કાંવ? આપણી ભોમ ભેળી કરીને રૂપાળીબાએ કહ્યું છે કે નાથાને સુંપી દ્યો. નીકર અમારી ગાદી જાશે.”
“ને રાણે કાંવ કહ્યું?”
“કહ્યું કે નાથાને જીવતો ઝાલી દ્યો, તો જ મારાં પરિયાં (પૂર્વજ) પાણી પીએ.”
“પછી તમે કાંવ જવાબ દીધો છે?”
“અમે તો આઠ દીની અવધ દઈને આવ્યા છ.”
“તો ભલે! આખી નાતને સંતાપ થાતો હોય તો હું સુંપાઈ જવા રાજી છ. આજથી ચોથે જમણે તમે આવો. હું મારું કામ આટોપે લેને ખુશીથી તમ સાથે ચાલી નીકળાં.”
“ઠીક ત્યારે, અમે ચોથે દીએ આવીએ છ.”
મેરનું મંડળ ચાલી નીકળ્યું. અર્ધોએક ખેતરવા ગયા, ત્યાં તો પરબત કુંછડિયો નામે મેર એકદમ ઊભો થઈ રહ્યો. સહુએ ચમકીને પૂછ્યું : “કાંઈ બા?”
“કાંવ કાંઈ? તમે બધા દાઢીમૂછના ધણી થઈને હાથે કરીને નાથાને સુંપે દેવા હાલ્યા છ? અંતરમાં કાંઈ લાજશરમ ઊઠતી નથી? મેરાણીને પેટ પાક્યા છો?”
“તી કાંવ કરવું!”
“તમારે કરવું હોય તી કરજો. હું તાં તમારી નામર્દાઈમાં નહિ ભળું,” એટલું બોલીને પરબત નોખો તર્યો. પાછો મરડાઈને નાથા પાસે ગયો. કહ્યું કે “ભાભા! અમારા સહુનો મત નથી મળતો માટે તું તારે કરતો હોય તી કરજે.”
એટલું કહી પાછા વળીને પરબતે બધા વિષ્ટિવાળા મેરોની મંડળીને આંબી લીધી. સહુને છૂટા પડવાનું ટાણું થયું. તે વખતે આખા મંડળમાંથી પાજી પૂંડો ખસ્તરિયો બોલ્યો કે “ભાઈ! હાલો, રાણાને જેવા હોય તેવા જવાબ તો દે આવીએ!”
“હાલો. કાં રાણાની બીક લાગે છ?”
પોરબંદર જઈને પૂંજા ખસ્તરિયાએ રાજમાતાની અને રાણાની પાસે ખાનગી વાત ફોડી : “માડી! તમે જે પરબતને ભાઈ કહેલો છે, એણે જ જઈને નાથાને ચડાવ્યો છે. અમારી વષ્ટિ એણે ધૂળ મેળવી છે. એની સાથે લાધવો, રાણો, છોડવો વગેરે સાત જણ પણ ભળે ગા છ. માથે રે’ને નાથાને લૂંટ કરાવનારા એ સાત જણા જ છે. હવે તો ઈ જાણે ને તમે જાણો.”
રૂપાળીબાએ એ સાતેયના હાથમાં હાથકડી જડાવી દીધી. સાતેય કેદીઓ
દરબારગઢના ચોકમાં ઊભા છે. સાતમાંથી સિંહ સરખા જોરાવર લાધવાએ હાથકડી મરડીને
તોડી નાખી. “આ લે તારી ચૂડલિયું!” એમ કહીને ચોકીપહેરા વચ્ચેથી વકરેલ પાડા જેવો
એ વછૂટ્યો. વછૂટીને દોડ્યો દરબારગઢની મેડી માથે. દિલમાં હતું કે પારણે હીંચતા કુંવરને
મારા ખોળામાં લઈ લઉં : તો જ મને કુંવરના જીવના જોખમ ખાતર જીવતદાન દેશે! પણ
ઠેકીને મેડીએ ચડવા જાય ત્યાં તો દોટ કાઢીને પૂંજા ખસ્તરિયાએ એના પગ ઝાલી લીધા.
આરબે આવીને લાધવાને જમૈયો માર્યો, બીજા છયેને તોપે ઉડાવ્યા. મરતાં મરતાં છયે જણ
બોલ્યા કે “ફકર નહિ. નાથા ભગત સામે ખૂટલાઈ કરીને જીવવા કરતાં તોપને મોઢે મરવું
કાંવ ખોટું છે?” રમતા રમતા છયે જણા તોપને મોઢે બંધાઈ ગયા. પોરબંદરમાં વીરડીને નાકે એ તમામની ખાંભીઓ છે.
<center>''''''</center>
રૂપાળીબાએ પૂંજા ખસ્તરિયાને બોલાવી પૂછ્યું : “પૂંજાભાઈ! હવે નાથાનું શું કરશું? એજન્સી બહુ અકળાઈ છે અને આપણા રાજને જફા લાગશે.”
“માડી! મને રાજનું ઊંચા માયલું ઝેર આપો, એટલે હમણાં નાથાનું મડું લે આવેને
હાજર કરાં. બાકી તમારી ફોજના તો એ ફાકડા જ કરે જાશે, મરને વલ્યાતમાંથી તોપું
ઊતરે!”
“એનું શું કારણ?”
“માડી! ઈના સાથળની માલીકોર શિયાળશિંગી ને મોણવેલ ભરી છે. એના અંગ માથે તોપનોય કાર ન ફાવે, હથિયારે તો એ મરે રિયો, માટે લાવો ઝેર. હમણાં ઈનો ઘડોલાડવો કરે નાખાં.”
ઊંચી જાતનું ઝેર રૂપાળીબાઈના ગુપ્તમાં ગુપ્ત ડાબલામાંથી મેળવીને પૂંજો ચાલતો થઈ ગયો.
{{Poem2Close}}
<center>''''''</center>
<poem>
::::આડે ડુંગરથી ઊતર્યો નાથો, માઠાં શકન થાય,
::::ડાબી તે ભેરવ કળકળે, નાથા, જમણાં જાંગર જાય;
::::::: મોઢાને મારવો નો’તો!
::::::: ભગત તો સાગનો સોટો!
::::કેડ્યો કટારાં વાંકડાં નાથા, ગળે ગેંડાની ઢાલ,
::::માથે મેવાડાં મોળિયાં નાથા, ખભે ખાંતીલી તરવાર,
::::::: મોઢાને મારવો નો’તો,
::::::: ભગત તો સાગનો સોટો.
</poem>
{{Poem2Open}}
“ભગત! આજ એક વાર ભાઈબંધોનું કહેવું માન્ય. માઠાં શકન થાય છે, અને આજ ભલો થઈને ઘોડી પાછી વાળ્ય.”
“અરે ભાઈ! બેનને ઘેર જાવામાં કાંવ બીક હુતી? અને શકન-અપશકન કોઈ દી નથી જોયાં તો આજ કાંવ જોવાં?”
“ભગત, અમારું હૈયું તો આજ કબૂલતું નથી.”
“તો તમારે વળવું હોય તો વળે જાવ. બાકી મારે તો આજ હાથલે પોગીને હરજી ગોરને ઘેર ખાધા વિના છૂટકો નેથ. મને રોટલા ખાવાનું નોતરું છે. અપશુકન ભાળીને નાથો પાછો વળ્યો, ઈ વાત જો બેનને કાને જાય તો બચાડી દખ લગાડે. માટે તમને ભરોસો ન હોય તો ખુશીથી વળે જાવ.”
બે જણા પાછા વળ્યા. બાકીનાને લઈ બહારવટિયાએ બહેનને ઘેર જમવાના ઉલ્લાસમાં બરડાની ગાળીમાંથી ઘોડીને ઉતારી. હાથલા ગામમાં હરજી થાનકી નામે મેરનો ગોર હતો,
તેને ઘેર જે બાઈ હતી (બનતાં સુધી તો દીકરાની વહુ હતી) તેને બહારવટિયાએ ધર્મની
બહેન કરી હતી. હરજી થાનકીના ઘરમાં નાથાએ થોકેથોક લૂંટની કમાણી ભરી દીધી હતી.
આજ એના ઘરમાં જ પૂંજાએ ઝેર ભેળવેલી રસોઈ કરાવીને તૈયાર રખાવી છે. નાથાની
વાટ જોવાય છે.
જ્યાં નાથો હાથલા ગામના નેરામાં આવ્યો, ત્યાં આડો કાળો એરુ ઊતર્યો. સાથીઓએ ફરી ચેતવ્યો કે “ભગત, આ બીજી વાર માઠું ભળાય છે. હજી કોઈ રીતે વળવું છે?”
“જો વળું તો તો મારો જન્મારો લાજે. અને જગદંબા જેવી બહેન વહેમમાં પડે.”
ચાલ્યો. ઘોડીએ હરજી મહારાજની ડેલીએ આવીને હેતની હાવળ નાખી. છેવાડા ઘરની ઓસરીની થાંભલીએ પોતાની ધર્મની બહેન ઊભી છે, એના મોં ઉપર મશ ઢળી ગઈ છે. નાથાએ સાદ કર્યો : “કાં બે’ન, પોગ્યા છીએ, હો કે!”
બાઈએ હાથની ઇશારત કરીને હળવેથી કહ્યું : “ભાઈ! આંહીં જરીક આવી જજો!”
“અબઘડી ઉતારો કરેને આવીએ છીએ, બાપા!”
“પછી તો આવી રહ્યા, મારા વીર!”
એ વેણ બોલાયું, પણ બહારવટિયાને કાને પહોંચ્યું જ નહિ. નાથો મહેમાનોને ઓરડે ઉતારો કરવા ગયો. પરબારા હરજી થાનકીએ પરોણાને થાળી ઉપર બેસાર્યા. રંગભરી વાતો કરતાં કરતાં ગોરે મીઠી રસોઈ જમાડી. ચાર-ચાર કોળિયા ખાધા ત્યાં તો ચારેયની રગેરગમાં ઝેર ચડી ગયું. નાથાની જીભ ઝલાવા લાગી. થાળીને બે હાથ જોડી નાથો પગે લાગ્યો, એટલું જ બોલ્યો : “હરજી ગોર! બસ! આવડું જ પેટ હુતું? બીજું કાંઈ નહિ, પણ મને ઝેર દઈ નુતો મારવો. મારે હથિયારે મરવું હુતું!”
ત્યાં તો નાથો ઢળી પડ્યો. પૂંજો ખસ્તરિયો વગેરે ચાર જણાઓએ દોડીને એના મરતા દેહ ઉપર એક સામટી બંદૂકો વછોડી, પણ ગોળીઓ કોઈ પણ રીતે લાગી જ નહિ, ત્યારે અવાચક બનેલા નાથાએ પોતાના સાથળ સામે આંગળી ચીંધાડી અને લોચા વાળતી જીભે મહેનત કરીને સમસ્યામાં સમજાવ્યું.
“હાં! હાં! શિયાળશિંગી ને મોણવેલ ત્યાં સંતાડ્યાં છે, ખરું ને!”
મરતાં મરતાં બહારવટિયાએ હા કહેવા માટે ડોકું ધુણાવ્યું.
હત્યારાએ એનો સાથળ ચીરીને બંને ચીજો બહાર કાઢી ફેંકી દીધી. તરત જ નાથાનું
શરીર લીલું કાચ સરીખું બની ગયું. જીવ ચાલ્યો ગયા પછી એના નિર્જીવ શરીરને ઘસડીને
દુશ્મનો દૂર લઈ ગયા. એનું માથું કાપ્યું. પૂંજો એ માથું ઉપાડીને પોરબંદર ઈનામ લેવા પહોંચ્યો. સરકારે નાથાનું માથું લાવનાર માટે ઇનામ કાઢ્યું હતું. એજન્સીનો ગોરો સાહેબ ત્યાં હાજર હતો. એને તો નજર કરીને જ સમજી લીધું કે જવાંમર્દીથી નહિ, પણ ઝેરથી આ બહારવટિયાને માર્યો છે.
પૂંજાને ઇનામ ન મળ્યું, રાજ્યોએ એ રીતે નાથાના પ્રાણ લેવરાવ્યા. મેરાણીઓ આજે પણ ગામેગામ ગાય છે :
{{Poem2Close}}
<poem>
::મોઢાને મારવો નો’તો,
::ભગત તો સાગનો સોટો.
</poem>
<center>''''''</center>
{{Poem2Open}}
'''આ કથામાં મેર લોકોની બોલીના પ્રયોગો કરવામાં આવ્યા છે એની સમજ :'''
{{Poem2Close}}
{| class="wikitable sortable autorowtable"
|-
! ગુજરાતી ભાષા !!મેર ભાષા !! ગુજરાતી ભાષા !! મેર ભાષા
{{AddRow  |  ક્યાંથી | કાંથી | કાં  | કાંઈ }}
{{AddRow  |  શું | કાંવ | શીદ  | કાંવ કરવા }}
{{AddRow  |  શાની | કિવાની | છોડીને | છોડેને }}
{{AddRow  |  હતી | હુતી | બધું  | બાધું }}
{{AddRow  |  તો | તાં | નથી  | નેથ }}
{{AddRow  |  હવે | હેવ | છું  | છ }}
{{AddRow  |  જેવાં | જિવાં | એને  | ઇણે }}
{{AddRow  |  એમ | ઇં | કહું છું  | કાં છ }}
{{AddRow  |  ગયો | ગો |  |  }}
|}
<br>
{{HeaderNav2
|previous = 1. ચાંપરાજ વાળો
|next = 3. બાવા વાળો
}}
<br>

Latest revision as of 13:14, 23 May 2022

નાથો મોઢવાડિયો

[સન 1830ની આસપાસ]


[આ કથામાં આવતા મેર બોલીના પ્રયોગોની સમજ વાર્તાને અંતે પાઢ્ઢ 138 પર આપી છે.]

મી સાંજરે, ગોધૂલિને સમયે વાજોવાજ પોતાના ગોધલા હાંકતો એક ગાડાખેડુ બરડા મુલકના સીસલી નામે ગામડાના ઝાંપામાં દાખલ થયો. એનું નામ નાથો; મોઢવાડા ગામનો એ મેર હતો. ખેડ કરીને પેટ ભરતો. કદમાં બેઠી દડીનો, દેખાવે બુડથલ અને બોલાવે કુહાડા જેવી જીભવાળો હતો. ધણના ખૂંટડા નાથાના નનકૂડા ગોધલાને ધીંકે ચડાવ્યે જાય છે અને ખૂંટિયાના બરડા ઉપર પરોણાથી પ્રાછટ બોલાવતો નાથો ગાડું હેમખેમ બહાર કાઢી એક શેરીમાં વાળે છે. પહોળા ફળિયામાં ગાડું થંભાવીને નાથો ઠેક્યો અને હાથમાં રાશ હતી તે ગોધલાને માથે એમ ને એમ ઢળકતી મેલી દઈ ઓસરીએ ગયો. નાથાને દેખતાંની વાર જ ઘરમાંથી એક આધેડ મેરાણીએ બહાર આવીને ઓવારણાં લીધાં. “કાંઈ ફુઈ! કાંવ કરવા બોલાયો’તો મુને? ઘઉંના કોસ છોડેને મારે આવવું પડ્યું છે. કાલ થાહે તાં બધાય ક્યારા બળીને રાખ થે જાહે. એવડી તે તારે કિવાની ઉતાવળ હુતી?” “હા, ભા! તારે ઘઉંના વાવેતર ખોટી થાય છે, ને આંઈ મારાં છોકરાં પાવળું દૂધ વન્યા વિયાળુ કરે છે, અને ઈ બધુંય મારો નાથા જેવો જમદઢ ભત્રીજો બીઠે મારે ભોગવવું સરજેલ હશે ના! આજ મારો ભાઈ વાશિયાંગ હત ને તો ઈ પીટ્યાઓનાં પેટમાંથી છઠ્ઠીનાં ધાવણ સોત ઓકાવે આવત.” “પણ અવડાં બધાં મે’ણાં કિવાની દઈ રઈ છો? કાંવ થિયું ઈ તો મોંમાંથી ફાટ્ય!” “કાંવ ફાટાં? ફાટેંને કાંવ કરાં? પાંચ કૂંઢિયું, ને પાંચ નવચંદરિયું, દસેય દૂઝણી ભીંસુને પીટ્યાઓ હાંકે ગા.” “કાંથી?” “ડુંગરમાં ચરતી’તી ત્યાંથી.” “કુણ હાંકે ગા?” “જામનાં માણસું : ધંતૂરિયાના ફાટલ આયર.” “ઠીક, તી ઈમાં ઠાલી મોં કાંવ વારછ મારા બાપ વાશિયાંગનું? હું અબઘડી જેને લે આવાં.” એટલું કહીને હાથમાં પરોણો ઉપાડી નાથો ઓસરીએથી ઊતર્યો. ફુઈએ સાદ કર્યો : “નાથા! અટાણે અસુરો નથ જાવું. વિયાળુ કરેં ને ચંદરમા ઊગ્યે ચાલજે.” “ના, ના. વિયાળુ તો હવે ઈ દસ ભેંસ્યુંનાં દૂધ આવશે તે દી જ કરવાં છે.” એટલું કહીને પાછો પતંગિયા જેવો નાથો ગાડા માથે ઠેક્યો. ઢાંઢા તો ઘરમાં જ ઊભા હતા. જોતર છોડ્યાં કે ઢીલાં પણ નહોતાં કર્યાં. ગોધલાની પીઠ ઉપરથી ફુમતિયાળી રાશ ખેંચી લઈને નાથાએ ડચકારો કર્યો. ગોધલાની પીઠ ઉપર જરાક હાથ દીધા ત્યાં તો સમથળ પાણીની અંદર સામા પવનનું નાનું વહાણ વેગ કરે વેવી ચાલ્ય કાઢીને ગોધલા ઊપડ્યા. ધૂળની ડમરીઓ ચડાવતું ગાડું તોપના ગોળાની માફક ગડેડાટ કરતું જાય છે. થોડીક વારમાં તો જામનગરની સરહદના રાવલ ગામને પાદર આવીને નાથો અટક્યો. નાથો થાણામાં ગયો. જે મળે એને પૂછે છે : “ભાઈ, મારી ફુઈને દસ ભેંસું — પાંચ કૂંઢિયું ને પાંચ નવચંદરિયું…” એનું વેણ અધૂરું રહી જાય છે; ને જવાબ આપ્યા વગર થાણાના માણસો આંખ કાઢી સરી જાય છે. આખી રાત નાથો ભૂખ્યો ને તરસ્યો વાવડ કાઢતો રહ્યો. પોતાને રોટલો કે ગોધલાને કડબનું એક રાડું પણ નથી મળ્યું. બીજી વાતમાં એનું ચિત્ત જ નથી. સહુને ભેંસો વિશે પૂછે છે, સહુ એને ધક્કે ચડાવે છે. એમ કરતાં કરતાં નાથો મામલતદારના ઘરમાં પેઠો. “કોણ છો, એલા?” મામલતદાર તાડૂક્યા. “મારી ફુઈની ભેસું, પાંચ કૂંઢિયું, પાંચ…” “તારી ફુઈ જામનગરની પટરાણી તો નથી ને? પ્રભાતના પહોરમાં પારકા મકાનમાં પૂછ્યાગાછ્યા વગર પેસી જાછ તે કાંઈ ભાન છે કે નહિ? બહાર ઊભો રે’.” “પણ મારી ફુઈનાં છોકરાં વિયાળુ વગરનાં…” “અરે કમબખ્ત! બહાર નીકળ, મોટા રાવળ જામ!” “પણ મહેરબાન, તું ગાળ્યું કાંવ કાઢછ? હું તો તારી પાંસળ અરજે આવ્યો છ!” મેર હંમેશાં સહુને, રાયથી રંક તમામને, તુંકારે જ બોલાવે છે. પરંતુ એ તુંકારો કરતી વેળાએ તો ગરીબડો થઈને જ બોલે છે. આવી પ્રથાનું ભાન ન રાખનાર એ માલતદારનો પિત્તો ગયો. એણે ધક્કો મારીને નાથાને ઊંચી પરસાળ ઉપરથી નીચે પછાડ્યો. જે માણસો હાજર હતાં એ સહુ સાહેબની હોશિયારી અને નાથાની હીણપ જોઈને હસવા લાગ્યાં. પડી ગયેલો નાથો ઊભો થઈને ધૂળ ખંખેરવા લાગ્યો. “ઠીક સા’બ, રામ રામ!” કહીને નાથો ગાડે ચડી પાછો ચાલી નીકળ્યો. ગામનાં લોકોએ વાવડ દીધા કે દસેય ભેંસો હાંકીને આયરો રાણપરે લઈ ગયા છે. નાથાએ રાણપર ઉપર ગાડું રોડવી મેલ્યું. સીધેસીધો રાણપરાના થાણામાં ગયો. ત્યાં પણ અમલદારે બરછીના ઘા જેવો જવાબ દીધો કે “તારી ફુઈની ભેંસું ને? હા, જામ સાહેબે હમણાં નવો ગઢ બંધાવ્યો ને, એમાં તારી ફુઈની ભેંસુનાં શીંગ ચણાઈ ગયાં — ભૂલભૂલમાં હો! સમજ્યો ને, ભાઈ! હવે કાંઈ ચણેલો ગઢ તારી ભેંસ સાટુ પાડી થોડો નખાય છે?” “ના, સા’બ! ગઢ પાડજો મા. હવે બેવડો ચણાવજો. હું હવે મારો હિસાબ જામની સાથે સમજી લેશ .” “ઓય મારો બેટો…! તું શું બહારવટું કરીશ?” પડખેથી એક આયર બોલ્યો : “હા, હા સાહેબ, એનો દાદો કાંધો મેર બા’રવટે નીકળ્યો’તો અને એનો બાપ વાશિયાંગ પણ આપણા રાજની સામે બા’રવટું કરતો’તો. આસિયાવદરથી ખડનો ભર ભરીને લઈ જાતો’તો એટલે ઇજારદારે એનો ભર આંચકી લીધો’તો.” “તી મારે બાપે તો પડી જમીનમાંથી ખડ લીધું’તું, કાંઈ કોઈના ખેતરમાંથી નુતું લીધું,” ભોળો નાથો આજ પચાસ વર્ષે પોતાના બાપનો બચાવ કરવા લાગ્યો. “ઓહોહો! ત્યારે તો આ બીજી પેઢીનો પાકેલ શૂરવીર નગરના રાજને ઊંધુંચત્તું કરી મેલશે, હોં!” સાંભળીને નાથો ચાલ્યો, ભાણવડ ગયો. જામનગર ગયો. વધુ તો બોલતાં ન આવડે એટલે “મારી ફુઈની ભેંસું, પાંચ કૂંઢિયું, પાંચ નવચંદરિયું…” એવાં મેર-ભાષાનાં ભાંગ્યાંતૂટ્યાં વેણ બોલે છે. પણ નગરની દોમદોમ બાદશાહીમાં પોરબંદર તાબાના મોઢવાડા ગામના નાથા મેર નામે ખેડુને ઊભવાનું ઠેકાણું જ નહોતું. રંગમતીને કાંઠે ભૂખ્યા ગોધલાને રાત બધી ચારો કરાવી, રૂપમતીનાં પાણી પાઈ ગાડું પાછું હાંકી મેલ્યું. પણ હાંકતાં હાંકતા પાછું જોઈને જામના દરબારગઢના કાંગરા ઉપર કરડી નજર ફેરવતો ગયો. જાણે કેમ પોતાની દૃષ્ટિથી જ કાંગરાને તોડવા મથતો હોય એવા જોરથી નજર નોંધતો ગયો. કાળભર્યો આવ્યો પાછો રાણપરાની સીમમાં. બપોર તપે છે. સાંતીડાં છોડીને ખેડૂતો આડાઅવળા થયા છે. ફક્ત બે ગોવાળિયા ગામનું ખાડું ચારે છે. એકસો જેટલી હાથણી સમાન ભગરી ને કુંઢી ને નવચંદરી ભેંસોએ ગાડાની ધણેણાટી સાંભળી કાન માંડ્યા, ડોક ઊંચી કરી. ગોવાળિયા પોતાના ગોબા લઈને ઊભા થઈ ગયા. ત્યાં તો ગાડું હાંકીને ઠેઠ સુધી નાથો ધસી આવ્યો. આવીને પડકાર્યું : “એલા આયડુ, આ ક્યાંનો માલ!” “રાણપરાનો.” “મારી ફુઈનાં છોકરાં વિયાળુ વન્યા સૂવે છે ઈ ખબર છે ને?” “તે શું છે?” “અને મારેય ત્રણ દીથી વિયાળુ અગરાજ થયું છે. આ ભેંસુંને દૂધે આજ સીસલી જઈને વિયાળુ કરવું છે.” “ભેંસના મૂતરે વિયાળુ કર્ય, મૂતરે. જો ગગો જામસા’બની ભેંસુ દોવા આવ્યો છે.” “માલને છાનામાના મોઢા આગળ કરી દિયો છો કે હું જ હાંકે લાં?” “હવે હાલતો થા હાલતો, રૉંચા!” “કોઈ વાતે નથે સમજવું ના?” “લે જા જા, આ એક ગોબા ભેળી ખોપરી ઊડી પડશે.” “ઠીક ત્યારે, ઈ બે ગોબા મોટા, કે આ એક પરોણો મોટો એનું પારખું કરીએ.” એમ કહીને ગોધલાની પીઠ ઉપર રાશ ઉલાળીને ફક્ત એક પરોણાભાર નાથો નીચે ઠેક્યો. દોડીને પરોણાની પ્રાછટ બોલાવવા મંડ્યો. રબારીઓના હાથમાં ગોબા ઊપડે તે પહેલાં તો બંનેનાં જમણાં કાંડાં ખેડવી નાખ્યાં. ફડાફડી બોલાવીને બંને પહાડ જેવા પડછંદ ગોવાળોને ધરતી ઉપર ઢાળી દીધા. આખુંયે ખાડું ઘોળીને સીસલીના કેડા ઉપર વહેતું કર્યું. પાછળ ગોધલા હાંક્યા. દોટાવતો-દોટાવતો સોયે ભેંસોને ઉપાડી ગયો. ગોધૂલિ વખતે ગયો હતો ને ગોધૂલિને વખતે જ પાછો સીસલીના ઝાંપામાં પેઠો. એકસો ભેંસોની ધકમક ચાલી. સીસલીનાં માણસ જોઈ રહ્યાં. નાથાએ ડેલીએ જઈ સાદ કર્યો કે “ફુઈ! વાડો વાળ્ય.” ફુઈ બહાર નીકળી. વારણાં લઈને કહ્યું કે “ખમ્મા! ખમ્મા મારા વાશિયાંગના પૂતરને! પણ માડી! આ કવણિયું?” “ફુઈ, તારિયું તો ન મળિયું, પણ આમાંથી તારું મન માને ઈ દોવે લે.” “અરે, મારા બાપ! પણ આ તો સરપ બાંડો કર્યો! જામની સામું વેર માંડ્યું!” “તું તારે મોજ કર, જામને જવાબ દેનારો હું જીવતો બેઠો છ. અટાણે તું મુંને ઝટ વિયાળુ પીરસ્ય. ત્રણ દીનો ભૂખ્યો ડાંસ છું. લાવ્ય, ઝટ આ સો માંયલી એક નવચંદરીનું બોઘરું ભરીને મેલે દે મારા મોં આગળ : અને ઠાવકી ભાત્ય પાડીને ઊના ઊના રોટલા બે ટીપે નાખ્ય તાં! આજ જામને માથે બધીય દાઝ કાઢીને વિયાળુ કરેવું છે.” નાથાની ફુઈ હેબત ખાઈને ઊભી થઈ રહી છે. “અરે, મારા બાપ! તુંને ભો નથી? અબઘડી જામની ફોજનાં ભાલાં વરતાશે. માટે તું ઝટ નીકળી જા.” “એ ના ના, ખાધા વિના તો આજ નહિ નીકળું. તુંને જો તારા ઘરમાં ચોર સંઘરવાનો ભો હોય તો ભલે, હું ભૂખ્યોતરસ્યો ભાગે જાં.” રોટલા તૈયાર થયા. જામની ભેંસો દોવાઈ રહી. નાથાએ લીલવણી બાજરાના બે ધડસા જેવા રોટલા પટકાવ્યા. પછી ઓડકાર ખાઈને કહ્યું : “લે, ફુઈ, હું જાં છ, પણ ભેંસુને ખીલેય જો જામના માણસું અડવા આવે તો સંભળાવી દેજે કે વીણેવીણેને હું એનાં માથાં વાઢે લેશ.” નાથો ગોધલા હાંકીને બહાર નીકળ્યો. એટલે પાદરમાં સીસલી ગામના કોઠા ઉપર ચડીને ઊભેલા આદમીએ કહ્યું કે “ભાભા! વાર વહી આવે છે, અને તને ભેટ્યા વગર નહિ રહે.” ગાડા ઉપર ઊભા થઈને નાથાએ કોઠા તરફ હાથ લંબાવી કહ્યું : “ફકર નહિ, ભા, લાવજે તારી તરવાર, કાલ્ય પાછી દઈ મેલીશ. સાથે એક તરવાર જ બસ છે.” કોઠાવાળા આદમીએ તરવાર લાંબી કરી. લઈને નાથો ઊપડ્યો, સીમાડે પોતાનું ગાડું રોકી ઊભો રહ્યો, ત્યાં તો અસવારો ભાલે આભ ઉપાડતા આવી પહોંચ્યા. આઘેથી નાથાએ પડકાર્યું : “એ ઉતાવળા થાવ મા, ઘોડાને પેટપીડ ઊપડશે. અને હું તાં તમારી વાટ્ય જોઈને જ ઊભો છાં, નીકર કાંઈ તમને મારા આ ગોધલા આંબવા દિયે ખરા કે?” એક જ તરવાર લઈને નાથો ઊતર્યો. સાત અસવારને સોરી નાખ્યા. એટલે પછી બાકીની વાર પાછી વળી. વારમાંથી માણસો વાતો કરવા મંડ્યા કે “આ તો મારું બેટું કૌતુક જેવું.” “શું?” “અમે બરાબર એના અંગ ઉપર ઝાટકા માર્યા પણ એને એકેય ઘા ફૂટ્યો જ નહિ.” “ભાઈ, એને વરદાન છે આભપરાવાળા બુઢ્ઢા બાવાનું.” “શું?” “બુઢ્ઢો બાવો એક જોગંદર છે. નાનપણમાં નાથે એની ભારી ચાકરી કરી. તે બાવો પ્રસન્ન થયા, બે વાનાં આપ્યાં : એક શિયાળશીંગી, ને બીજી મોણવેલ : બેયને નાથે સાથળ ચીરીને શરીરમાં નાખી, ઉપર ટેભા લઈને સીવી લીધેલ છે. ત્યારથી એને તરવાર કે બંદૂકની ગલોલી, બેમાંથી એકેયનો ઘા નથી ફૂટતો.” “અને હવે કાલથી જ એ બા’રવટે નીકળશે અને આપણને ધમરોળી નાખશે.”

“બેટા માલદે! આ લે, આ ગોધલ્યાની રાશ અને તારી માની લાજ તારા હાથમાં સુંપેને હું જાછ. મારી વાટ્ય જોજો મા. મારે તો જામને માપી જોવો છે, એટલે હવે રામરામ છે. અને મોઢવાડિયા ભાઈયું! આખા બરડાના મેરુને કહી દેજો કે મને પોલેપાણે રોજેરોજનાં ભાત પોગાડે. અને હું એટલે કેટલા માણસો ખબર છે ને? બસો મકરાણી ને એક હું; એમ બસો ને એકનાં ભાત : દીમાં ત્રણ ટાણાં પોગાડજો. નીકર મેરનાં માથાંનું ખળું કરીશ.” એમ બસો મકરાણીને ત્રીસ-ત્રીસ કોરીને પગારે રાખી લઈને બહારવટાના નેજા સાથે નાથો બરડા ડુંગર ઉપર ચડી ગયો અને પોલેપાણે પોતે ટચલી આંગળીના લોહીથી ત્રિશૂળ તાણીને વાસ્તુ લીધું. પોલોપાણો નામની એક ગુફા છે. જાણે બહારવટિયાને ઓથ લેવા માટે જ કુદરતે બાંધી હોય એવી જ જગ્યા બરડા ડુંગરમાં છે. રાણાવાવ ગામને સીમાડેથી ઊપડેલો આ બરડો હાલતો-હાલતો, ધરતી માતાના બરડાની કરોડ સરખો, અને કોઈકોઈ વાર પરોઢિયે તો જાણે સોડ્ય તાણીને સૂતેલા ઘોર મહાકાળ સરખો દેખાવ ધારણ કરતો પોતાની મહાકાયા લંબાવીને પોરબંદર અને નગર, બંને રાજની હદમાં પડ્યો છે. પ્રેમ અને શૂરાતનની અલૌકિક વાતો હજુ પણ આભને કહી રહેલો આભપરો ડુંગર પણ ત્યાં જ ઊભો છે. ઘૂમલીનાં દેવતાઈ ખંડેરો પણ હજી ત્યાં પડ્યાં-પાથર્યાં દેખાય છે. હલામણની સોનનાં આંસુડાં ત્યાં જ છંટાણાં છે. સોન કંસારી નામની વીર રાખાયશ બાબરિયાની અખંડ કુમારી પ્રિયતમાને જેઠવા રાજાના કામાગ્નિમાંથી ઉગારવા માટે કતલ થઈ જઈને સવા શેર જનોઈના ત્રાગડા ઉતારી દેનાર થાનકી બ્રાહ્મણો પણ પૂર્વે ત્યાં જ પોઢ્યા છે. પ્રથમ તો એ આખોય દેવતાઈ પહાડ જેઠવાને આંગણે હતો, પણ કહેવાય છે કે ડુંગરમાં કોઈક ગોરાનાં ખૂન થયાં, જેઠવા રાજાને માથે ગોરી સરકારનું દબાણ આવ્યું, જેઠવા રાજાએ ઢીલાપોચા કારભારીની સલાહને વશ થઈ જવાબ દીધો કે “જ્યાં ખૂન થયાં તે સીમાડો મારો નહિ, નગરનો.” નગરનો જામ છાતીવાળો હતો. એણે જોખમ માથે લઈને કબૂલી લીધું કે “હા હા, એ ડુંગર મારો છે.” ત્યારથી બરડાનો અમુલખ ભાગ નગરને ઘેર ગયો. પોરબંદરના હાથમાં નાનકડી પાંખ રહી. એ પાંખ ઉપર, થોડાં થોડાં ઝાડવાંની ઘટા વચ્ચે, બહુ ઊંચેરો નહીં, કે બહુ નીચેરો પણ નહીં એમ પોલોપાણો આવેલ છે. બત્રીસ ફૂટ લાંબું ને સોળ ફૂટ પહોળું એ પોલાણ છે. બેઠકથી સાડા ત્રણ ફૂટ ઊંચે છજાવાળી જબરદસ્ત શિલા છે, પણ નાથા બહારવટિયાની ઘોડીને ઊભી રાખવા માટે વચ્ચોવચ એ શિલા થોડાક ભાગમાં કોરી કાઢી છે. છાપરાની શિલા ઉપર, બરાબર ઓથ લઈને માણસ બેસી શકે એવી ચાડિકાની બેઠક છે. એ બેઠકમાં આખો દિવસ અક્કેક આદમી ચોકી કરતો અને અંદર પોલાણમાં નાથા ભાભાનો ડાયરો મળતો. પડખે ઘોડાને પાણી પાવાની તળાવડી પણ અત્યારે નાથાતળાવડી નામે ઓળખાય છે. ત્યાર પછીના વાઘેર બહારવટિયા જ્યાં રહીને દાંડિયારાસ લેતા તે માણેકચોક નામની જગ્યા પણ પોલાપાણાથી ઝાઝી દૂર નથી. પોલાપાણાને ડોકામરડો પણ કહે છે.[1] દુશ્મનની મોટી ફોજોની પણ કારી ન ફાવે એવી આ વંકી જગ્યાનો ઓથ લઈને નાથો મેર જામના બારાડી પરગણાનાં ગામડાં ભાંગવા મંડ્યો. ગુંદું ભાંગ્યું. આસિયાવદર ભાંગ્યું અને જામશાહી કોરીઓના ખણખણાટથી પોલોપાણો રણકાર દેવા લાગ્યો. પછી તો રાવણહથ્થાના તાર ઉપર નાથાના રાસડા ચડી ગયા. આસપાસ મેરોનાં ગામનો જબ્બર વસીલો નાથાના સાથમાં હતો અને રૂડાંરૂડાં રૂપવાળી મેરાણીઓ ઓઢણાં ચારેય છેડે મોકળાં મેલી, ઝૂલ્યોથી શોભતી હાથણીઓ જેવી, રાત પડતાં પોતાની પાતળી જીભે ગામડે ગામડે નાથા ભગતના વીરત્વના રાસડા લેવા લાગી, તેમ તેમ નાથાની નસોમાં શૂરાતન છલકાઈ જવા લાગ્યું. અને સોરઠમાં અમરેલી સુધી નાથા મેરનું નામ ગાજતું થયું. બહારવટિયો હતો છતાં ‘ભગત’ નામની એની છાપ ભૂંસાઈ નહોતી.

એક દિવસે આથમતે પહોરે ચાડિકાની નજર ચુકાવીને પાછળની કેડીઓમાંથી એક ઘોડેસવાર ચડી આવ્યો, અને ઠેઠ પોલેપાણે પહોંચ્યો. રાંગમાં રૂમઝૂમતી ઘોડી છે. હાથમાં ભાલો, કેડે તરવાર, ખભે ઢાલ, મોંએ દાઢીમૂછનો ભરાવ અને કરડી આંખો છે. આવીને આખો દાયરો બેઠો હતો તેને ઘોડી ઉપર બેઠાંબેઠાં કહ્યું કે “એ બા, રામ રામ!” સો જણાએ સામા કહ્યું : “રામ!” “આમાં નાથો ભગત કોણ?” “ન ઓળખ્યો, આપા? તેં રામ રામ કર્યા ને?” “એ તો અજાણમાં સહુને હાર્યે રામ રામ કર્યા.” સાવજ જેવું ગળું ગૂંજી ઊઠ્યું કે “હું નાથો, હું. લે ભા, હવે કર ફરી વાર રામ રામ, અને ઊતર હેઠો.” “ના ના, હવે તો પ્રથમ વેણ દે, ત્યાર પછી ઉતરાય એમ છે.” “અરે ભલા આદમી, ચડ્યે ઘોડે કાંઈ વેણ લેવાતાં હશે? કાંઈ વાત, કાંઈ વગત્ય!” “વાત ને વગત્ય બધુંય પછી. કાં તો નાથો ભગત કોલ આપે ને કાં રજા આપે.” “રજા તો, ભાઈ, હેતુમિત્રુંનેય નથી મળતી કે શત્રુનેય નથી મળતી. બેય એક વાર પોલેપાણે આવ્યા પછી ઠાલે હાથે પાછા વળતા નથી. આ લે, જા, વચન છે.” ચારે પલ્લા ઝાટકીને ભગત ઊભો થયો. અસવારનો હાથ ઝાલીને એણે તાળી દીધી. ઘોર અવાજે પોલાપાણાએ પણ જાણે એ કોલમાં સાક્ષી પૂરી. બાવડું ઝાલીને અસવારને હેઠો ઉતાર્યો. બેય જણા ભેટ્યા. ને પછી નાથાએ પૂછ્યું : “કોણ તું?” “હું ચાંપરાજ વાળો, ચરખાનો.” “અરે! તું પોતે જ ચાંપરાજ વાળો!

ઘોડાને પાખર ઘૂઘરા, સાવ સોનેરી સાજ,
લાલ કસુંબલ લૂગડે, ચરખાનો ચાંપરાજ.

ઈ પોતે જ તું? ગાયકવાડનો કાળ તું? આવ, ભા, આવ. પોલોપાણો આજ પોરસથી અરધો તસુ ફૂલશે. ભાઈ ચાંપરાજ! બોલ, તારે શું કહેવું છે? આંહીં સુધી શીદ આંટો ખાધો?” “નાથા ભગત! અમરેલી ભાંગવાના કોડ પૂરા થયા નથી. એ પૂરા કરનાર તો તું એક જ દેખાછ. માટે તુંને તેડવા આવ્યો છું.” “હાલ્ય, હમણાં જ નીકળીએ. એમાં શું? મલકમાં મિત્રમિત્રની મોજું રહી જવાની છે. આ કાયાને તો ક્યાં અમરપટો લખી દીધો છે? હાલ્ય, પણ બે દી આ પહાડની બાદશાહી માણી લે, ચાંપરાજ વાળા! બરડાના ઠાઠ વરે કે દુ જોવા આવીશ?” ચાંપરાજ વાળાને થોડા દિવસ રોક્યો. હિલોળા કરાવ્યા. પછી બંને જણા અમરેલી ઉપર ચડ્યા. અમરેલી ભાંગ્યું. ભાંગીને ચાંપરાજ વાળાની સાથે નાથાએ સોરઠી ગીરની સાહેબી દીઠી, પછી પોલેપાણે આવ્યો.

ચલાળું ધારી ચૂંથિયાં, લીધી હાકમરી લાજ,
ચાંપે દળ ચલાવિયાં, (તે દી) નર મોઢો નથરાજ.

“ભગત! માધવપર ઉપર હાથ મારવા જેવું છે હો! આવું તરતું ગામ બીજું નહિ મળે.” “પણ ઈ ગામ તો ‘પોર’નું : ‘પોર’નો રાણો તો આપણા માથાનો મુગટ. એના ગામ માથે જાવું ઈ તો બેઠાની ડાળ્ય ભાંગવા જેવું કહેવાય.” પોરબંદરને મેરો ‘પોર’ કહે છે. એમ વાતો કરતો બહારવટિયો નાથો પોરબંદર તાબાનાં મેરિયાં ગામોમાં આંટો દેવા જાય છે. માધવપરની રસાળી સીમમાં ઊંટ ઓરાઈ જાય એવી જુવાર ઊભી છે. રસ્તે આવતાં કેડાને કાંઠેથી જુવારના જૂથની ઓથે નાથાએ હાકલા-પડકારા સાંભળ્યા. કોઈ અમલદારની દમદાટીનો અવાજ લાગતાં જ નાથાએ લગામ ખેંચીને ઘોડીને રોકી. એક ખેડૂત શેઢે વાછરડાં ચારતો હતો, એને પૂછ્યું : “એલા, આમ ફાટતે મોઢે ઈ કુણ બોલે છે?” “અમારો કાળ બોલે છે, ભાઈ! કરપારામ મહેતો.” “શું કરે છે?” “બીજું શું કરે? જુલમ. હજી આ જાર ઊભી છે, ત્યાં જ ઈ અમારી પાસેથી વસૂલાત કઢાવશે, વેપારીને અમારે પાણીને મૂલે મોલ માંડી દેવા પડશે. રાણાના રાજમાં તો હવે ગળાફાંસો ખાવાના દી આવ્યા છે, ભાઈ!” “જઈને જરા એને કાનમાં કહી દે, ભાઈ, કે નાથે મોઢવાડિયે ચેતવણી મોકલી છે. ભલો થઈને ખેડૂતને સંતાપવા રે’વા દે, કહીએ.” “અરે બાપા! નાથાનો તો શું, ઈને ભગવાનનોયે ભો નથી. નાથાને તો પકડવાના પડકારા કરે છે.” “ઇં છે? તાર તાં આપણે એને મળીએ.” બહારવટિયાએ ઘોડી ચડાવી. જુવાર વીંધીને સામી બાજુ નીકળ્યો. ત્યાં મૂછના આંકડા ચડાવીને મોંમાંથી બબ્બે કટકા ગાળો કાઢતો મહેતો કૃપારામ ઢોલિયો ઢાળીને બેઠો છે. બાજરાનો પોંક પાડી રહ્યો છે. ઊનાઊના પોંકને ખાંડમાં ભેળવીને ખાતો ખાતો કૃપારામ ગલોફાં હલાવે છે. નાથાએ છેટેથી કૃપારામને હાકલ દીધી : “પોતડીદાસ! ઊભો થા, માટી થઈ જા. આ લે તરવાર.” “કોણ છો તું?” કૃપારામ ઢીલો થઈ ગયો. “હું નાથો. તું જેની વાટ્ય જોતો’તો ઈ. ખેડૂતનાં લોહી ઘણા દી પીધાં. માટી થા હવે.” આટલું કહીને નાથાએ કૃપારામને પકડ્યો, માણસોને હુકમ કર્યો કે “દોડો ઝટ, ચમારવાડેથી કોઈ ઢોરનું આળું ચામડું લઈ આવો.” ચામડું આવ્યું. “હવે ઈ આળા ચામડાના ઢીંઢામાં આને જીવતો ને જીવતો સીવી લ્યો.” સીવી લઈને મહેતાને જીવતો ગૂંગળાવી મારી નાખ્યો.

મે’તો માધવપર તણો, ગજરે ખાતો ગામ,
કુંદે કરપારામ, નેતર કીધો નાથિયા!

આવું મૉત સાંભળીને મહાલેમહાલના મહેતાઓને શરીરે થરેરાટી વછૂટી ગઈ. ખેડૂતોના સંતાપ આપોઆપ ઓછા થઈ ગયા.

મોઢવાડા ગામમાં મૂળુ મેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાની હડ્ય રહેતી. ભલભલાના પગ એ વણગા પટેલની હડ્યમાં કેદ બનતા. વણગો તો રાણાની મૂછનો બાલ લેખાતો. એક દિવસ વણગાને ઘેર છત્રાવા ગામનો રાણો ખૂંટી નામનો મેર એકસો માણસને લઈને દ્વારિકાની જાત્રાએ જતાં જતાં માર્ગે રાત રોકાયો છે. વાળુ કરીને રાતે ચંદ્રમાને અજવાળે મહેમાનો ખાટલા ઢાળીને બેઠા છે. નાથા ભાભાની વાત નીકળી છે. એમાં રાણાએ વાત ઉચ્ચારી : “વણગા પટેલ, સાંભળ્યું છે કે તમારા ગામનો બારોટ નાથા ભાભાના દુહા બોલે છે.” “કોણ? રાજો બારોટ?” “હા, રાજો, તેડાવને ઈંણે; દુહા તાં સાંભળીએ!” “રાણા, ઈ બારોટ જરાક બટકબોલો છે. તું એને બોલ્યે કાંવ ધોખો તો નહિ ધર ને?” “ના, ના, દુહા સાંભળવામાં ધોખો વળી કિવાનો? ઈ તો જિવાં કામાં ઈવાં નામાં.” રાજા બારોટને તેડાવવામાં આવ્યો. “કાં બારોટ! નાથા ભાભાની દુહાની તેં ઓલી ‘વીશી’ બનાવી છે, ઈ અમારા મહેમાનને સાંભળવાનું મન છે. સંભળાવીશ ને?” “પણ બાપ, કોઈને વધુઘટુ લાગે તો ઠાલો દખધોખો થાય, માટે મારી જીભને આળ આવે એવું શીદ કરાવો છો?” “ના, ના, તું તારે મન મોકળું મેલેને બોલ. શૂરવીરની તારીફ નહિ સાંભળીએ તો બીજું સાંભળશું કાંવ?” “ઠીક ત્યારે, લ્યો બાપ.” એમ કહીને રાજા બારોટે હોકો પડતો મૂકીને નાથા બહારવટિયાની ‘વીશી’ બુલંદ અવાજે શરૂ કરી :

એકે તેં ઉથાપિયા, ટીંબા જામ તણા,
(તેનિયું) સુણિયું સીસોદરા, નવખંડ વાતું, નાથિયા!

[હે સિસોદિયા રજપૂતના વંશમાંથી ઊતરેલા નાથા મેર! પ્રથમ તો તેં જામ રાજાનાં કંઈક ગામડાં ઉજ્જડ કર્યાં, તેની કીર્તિની વાતો ચોમેર પ્રસરી ગઈ છે.]

બીજે નાનાં બાળ, રોતાં પણ છાનાં રહે,
પંચમુખ ને પ્રોંચાળ, નાખછ ગડકું, નાથિયા!

[તારી ખ્યાતિ તો એવી છે કે તું સાવજ સરીખો એવી તો ગર્જના કરે છે કે રોતાં છોકરાં પણ એ ત્રાડ સાંભળીને ચૂપ થઈ જાય છે. પંચમુખો, પ્રોંચાળો, એ સિંહનાં લોક-નામો છે.]

ત્રીજે જાડેજા તણું, મોઢા છોડાવ્યું માણ,
ખંડ રમિયો ખુમાણ, તું નવતેરી, નાથિયા!

[ત્રીજી વાત : તેં જાડેજા વંશના જામ રાજાનું માન મુકાવ્યું છે. ભીમ જેમ એક હાથમાં નવ અને બીજા હાથમાં તેર હાથી લઈને નવતેરી નામની રમત રમતો હતો, તેમ તું પણ એકસામટાં શત્રુદળને રમાડતો યુદ્ધની રમતો રમ્યો છે.]

ચારે દાઢે ચાવ, બારાડી લીધી બધી,
હવ્ય લેવા હાલાર, નાખછ ધાડાં, નાથિયા!

[ચોથું : તેં તો જામનો બારાડી નામનો આખે પ્રદેશ દાઢમાં લઈને ચાવી નાખ્યો, અને હવે તો તું એની હાલારની ધરતી હાથ કરવા હલ્લા લઈ જાય છે.]

પાંચે તું પડતાલ, કછિયુંને કીધા કડે,
મોઢા ડુંગર મુવાડ, નત ગોકીરા, નાથિયા!

[પાંચમું : તેં કચ્છી જાડેજા લોકોને પણ સપાટામાં લઈ કબજે કર્યા છે. અને હે મોઢવાડિયા! ડુંગરની ગાળીમાં તારા નાદ નિરંતર થયા જ કરે છે.]

છઠ્ઠે બીજા ચોટ, (કોઈ) નાથાની ઝાલે નહિ,
કરમી ભેળ્યો કોટ, તરત જ દેવળિયા તણો.

[નાથા બહારવટિયાની ચોટ કોઈ ખમી શકતા નથી. દેવળિયાનો કોટ તો તેં, હે ભાગ્યવંત! ઘડી વારમાં તોડી નાખ્યો.]

સાતે તું ડણકછ સુવણ, મોઢા ડુંગર માંય,
(ત્યાં તો) થરથર જાંગું થાય, રજપૂતાંને રાત દી.

[હે મોઢવાડિયા! તું સિંહ સરીખો ડુંગરમાં ત્રાડો દઈ રહ્યો છે, તેથી દિવસ અને રાત રજપૂતોનાં પગની જાંઘો થરથર કાંપે છે.]

આઠે વાળું જે કરે, વેડા મૂકે વાણ,
તણ નગરે ગરજાણ, નાખે મૂતર, નાથિયા!
નવે સારીતો નહિ, હાકમને હંસરાજ,
વશ તેં કીધો વંકડા, રંગ મૂછે નથરાજ!

[અમરેલીનો સૂબો હંસરાજ, મોટા રાજાઓને પણ ન ગાંઠતો તેને, હે નાથા, તેં વશ કર્યો. તારી મૂછોને રંગ છે.]

દસમે એક દહીવાણ, દરંગો આછાણી દલી,
(તેમ) ખંડ બરડે ખુમાણ, નર તું બીજો, નાથિયા!

[જેમ દિલ્હી પર આક્રમણ કરનાર વીર દુર્ગાદાસજી રજપૂતાનામાં પાક્યા હતા, તેવો બીજો મર્દ તું બરડામાં નીવડ્યો.]

અગિયારે મેર અભંગ, લોકુંમાં લેખાત,
નાથા જલમ ન થાત, (જો) વંશમાં, વાશિયાંગરાઉત!

[અને હે નાથા! જો તારો જન્મ મેરોના વંશમાં ન થયો હોત તો સાચેસાચ આખી મેર જાતિ લોક જેવી એટલે કે ખેડુ જેવી અથવા શૂદ્ર જેવી લેખાત, હે વાશિયાંગના પુત્ર!] “બારોટ, ઈ દુહો જરા ફરી વાર બોલજો તાં!” રાણા ખૂંટીએ વચ્ચે બોલીને વેગમાં ચડેલા બારોટને થંભાવી દીધો. “હા, લ્યો બાપ!”

અગિયારે મેર અભંગ, લોકુંમાં લેખાત,
નાથા જલમ ન થાત, (જો) વંશમાં, વાશિયાંગરાઉત!

“હં, હજી ફરી એક વાર કહો તો!” ફરી વાર બારોટે દુહો ગાયો. પછી આગળ ચલાવ્યું:

બારે બીલેસર તણું, ઉપર મોઢા એક,
ત્રેપરજાંની ટેક, નાથા, તેં રાખી નધ્રુ!
તેરે તેં તરવાર, કછિયુંસું બાંધી કડ્યો,
હવ્ય લેવા હાલાર, નાખછ ધાડાં, નાથિયા!

[અત્યાર સુધી તો તેં આ કચ્છમાં આવેલા જામને માટે કમ્મરે તરવાર બાંધી હતી. પણ હવે તો આખો હાલાર લેવા તું હલ્લા કરી રહ્યો છે.]

ચૌદે ધર લેવા ચડે, ખુમારા ખરસાણ,
(એને) ભારે પડે ભગાણ, નગર લગણ નાથિયા!

[દુશ્મનોની સેના તારા ઉપર ચડાઈ કરે છે, પણ પાછું એને જામનગર સુધી નાસી જવાનું પણ મુશ્કેલ પડે છે.]

પંદરે તુંને પાળ, ભડ મોટા આવીને ભરે,
ખત્રી હવ્ય ખાંધાળ, ન કરે તારી, નાથિયા!

[મોટા મોટા સમર્થ ગામધણીઓ પોતાનાં ગામોના રક્ષણ બદલ તને પૈસા ભરે છે. તારી છેડ હવે કોઈ ક્ષત્રિય કરતો નથી.

સોળે નવસરઠું તણા, બળિયા દંઢછ ખાન,
કછિયું તોથી કાન, નો રે ઝાલ્યા, નાથિયા!

[આખા સોરઠના મોટામોટા માણસોને કેદ પકડીને તું દંડ વસૂલ કરે છે.]

સતરે શૂરાતન તણો, આંટો વળ્યો અછે,
બાબી ને જાડો બે, (તેને) તેં નમાવ્યા, નાથિયા!

[શૂરાતન એવું તો તને આંટો લઈ ગયું છે, કે તેં જૂનાગઢના નવાબ બાબીને તથા નગરના જામ જાડેજાને, બંનેને તોબા પોકરાવી છે.]

અઢારે ઇડર તણો, નકળંક ભેરે નાથ,
હાકમ પેટે હાથ, તેં નખાવ્યા, નાથિયા!

[તારી સહાયમાં તો ઇડરનો ગોરખનાથજી અવધૂત ઊભો છે. તેથી જ તું મોટા રાજાઓને લાચાર બનાવી રહ્યો છે.]

ઓગણીસે ઓસરિયા, જાડો ને બાબી જે,
કેસવ ભૂપત કે’, લુંને નમિયા પખેણો, નાથિયા!

[જાડેજા અને બાબી જેવાને તેં નમાવ્યા, માત્ર કૃષ્ણ પ્રભુ તને નમ્યા વિનાનો રહ્યો છે.]

વીસે તું સામા વડીંગ, ધરપત થાકા ધ્રોડ,
ચાડ્યાું ગઢ ચિત્રોડ, નર તેં પાણી, નાથિયા!

[તારી સામે ઘોડા દોડાવીને રાજાઓ હવે થાક્યા છે. તેં તો તારા અસલના પૂર્વજ સિસોદિયાઓના ધામ ચિતોડને પાણી ચડાવ્યું.]

“લ્યો બાપ! આ નાથા ભાભાની ‘વીશી’,” એમ કહીને રાજા બારોટે ફરી વાર હોકો હાથમાં લીધો. એની મુખમુદ્રા પર લાલ ચુમકીઓ ઊપડી ગઈ. “વાહ બારોટ! વાહ!” એમ સહુ માણસોએ ધન્યવાદ દીધા. “હું તો બાપ, મારા પાલણહારની કાલીઘેલી આવડી તેવી કાવ્ય કરું છું. હું કાંઈ મોટો કવેસર નથી.” જ્યારે બહુ વાહવાહ બોલાઈ, ત્યારે રાણો ખૂંટી મર્મમાં હસવા લાગ્યો. “કેમ બાપ, હસવું આવ્યું?” રાજા બારોટે પૂછ્યું. “હસવું તો આવે જ ના, બારોટ! અટાણે તો નાથો ભાભો આખી મેર ભોમનો શિરોમણિ છે ને તમે એના આશ્રિત છો, એટલે તમે એને સોને મઢો, હીરેય મઢો, રાજા કહો, કે ભગવાન કહો, પણ ઓલ્યા અગિયારમા દુહામાં જરાક હદ છાંડી જવાણું છે, બારોટ!” “શું બાપ?” “નાથો ન જન્મ્યો હોત તો મેર તમામ લોકુંમાં લેખાત! બસ! એક નાથો જ કાંવ શેર લોઢું બાંધી જાણે છે? બીજા બધા કાંવ રાંડીરાંડના દીકરા છે?” બીજા બે-ચાર મેરો પણ બોલી ઊઠ્યા : “હા સાચું, બારોટે ઈ જગ્યાએ બહુ વધુ પડતું કે’ નાખ્યું છે. કેમ કે એમાં બીજા સૌ મેરુંને રેહ દીધો છે.” “તો વળી એની ખળે ખબર્યું પડશે, બાપ!” એટલું બોલીને બારોટ ચૂપ રહ્યો. પણ પોતાને ભોંઠામણ બહુ જ લાગી ગયું. બીજે દિવસે પ્રભાતે ઊઠીને રાણા ખૂંટી તો પોતાના એકસો સંગાથીનો સંઘ લઈને દ્વારકાજીને પંથે પડી ગયો. થોડા દિવસ પછી સંઘ પાછો વળ્યો. અને એણે વળતાં પણ મોઢવાડામાં જ વણગા પટેલને ઘેઢ ઉતારો કર્યો. રાજો બારોટ તો તે દિવસના ભોંઠામણને લીધે મહેમાનને મળવા નહોતો ગયો, પણ મોડી રાતે વણગા પટેલની ડેલીએથી ડાયરો વીંખાયો ત્યારે કોઈકે આવીને રાજા બારોટને ખબર દીધા : “બારોટ! રાણો ખૂંટી જાત્રાએ ગયો ત્યાં એને દાણ ભરવું પડ્યું.” “કોણે દાણ લીધું?” “જામનગરના ચીલાવાળાએ ભોગાત ગામને પાદર દાણ પડાવ્યું. કહે કે તે વિના જાત્રાએ જાવા જ ન દઈએ.” “કેટલું દાણ?” “ત્રણસો કોરી રોકડી.” “અરરર! ગજબ કે’વાય. મારો સાવજ નાથો જીવતો હોય, ને જામના ચાકર મેરોની પાસેથી દાણ મેલાવે?” સૂતો હતો ત્યાંથી રાજો બારોટ ઊઠ્યો. માથા પરથી પાઘડી કાઢી નાખીને સોગિયું લાઠિયું બાંધ્યું. સાબદો થઈને અધરાતે ઊપડ્યો. વણગા પટેલની ડેલી પાસે થઈને નીકળ્યો. ટૌકો કર્યો : “વણગા ભાભા!” “હો! કોણ ઈ? બારોટ?” “હા!” “કેમ અસૂરા?” “મારે અટાણે ગામતરે જવું પડે છે. પણ મારા આવતાં પહેલાં મે’માનને હાલવા દેશો મા. સવારને પહોર મારે મે’માનને કસુંબો પાવો છે. જોગમાયાની દુવાઈ દઉં છું, હો કે?” “એ… ઠીક.” રાજો બારોટ ઊપડ્યો. પગપાળો પંથ કાપવા મંડ્યો. અંધારામાં ગોથાં ખાતોખાતો રાતોરાત પોલેપાણે પહોંચ્યો. પરોઢિયે મોંસૂઝણું થતાં નાથા બહારવટિયાએ પથારીમાંથી ઊઠતાં જ બારોટને દીઠો. “ઓહોહો! બારોટ! તું અટાણે કીવો? અને આ માથે લાઠિયું કીં બાંધ્યું? કાંઈ માઠા સમાચાર લાવ્યો છ?” “હા બાપ, બહુ જ માઠા!” “કુણ પાછું થિયું?” “નાથો ભાભો પંડ્યે જ પાછો થિયો, બાપ!” “કેમ બારોટ, અવળાં વેણ?” “અવળાં નથી. સાચે જ નાથો મેર મરી ગયો. નીકર દ્વારકાની જાત્રાએ જાતાં મેરની પાસેથી જામના ચાકર ત્રણસો કોરીનું દાણ કઢાવે? પણ આજ મારો નાથિયો સાવજ મરી ગિયો!” નાથાએ રાજા બારોટ પાસેથી બધી વાત સાંભળી. એની છાતીમાં પણ ઘા પડ્યો. એણે માણસને કહ્યું : “ભાઈ, કોક દોત કલમ લાવજો તાં!” ખડિયો, કલમ ને કાગળની ચબરખી રાજાની પાસે મેલીને કહ્યું : “લે બારોટ, હું લખાવાં ઈં તું લખ : લખ કે ‘ભોગાતના દાણ લેવાવાળાઓ! છત્રાવાના મેર રાણા ખૂંટી પાસેથી તમે જે ત્રણસો કોરીનું દાણ લીધું છે, તેમાં ત્રણસો કોરી દંડની ભેળવીને કુલ છસો કોરી તમારા જ ગામોટની સાથે પરબારા મોઢવાડે પાછી મોકલી દેજો. નીકર નાથા મોઢવાડિયાનું સામૈયું કરવાની સાબદાઈમાં રે’જો.’ ” ચબરખી આપીને એક સાંઢિયા-સવારને ભોગાત રવાના કર્યો. અને રાજા બારોટને કહ્યું : “તું તારે જા. પરબારી કોરિયું મોઢવાડે આજ બપોર સુધીમાં પોગે નહિ તો પછી ખુશીથી માથે ફાળિયું ઓઢેને મારું સનાન કરે નાખજે.”

બપોરે મોઢવાડામાં વણગા પટેલની ડેલીએ સહુ દાયરો બેઠેલ છે એવે વખતે એક ખેભર્યો સાંઢિયો સામે આવીને ઝૂકી પડ્યો. સાંઢિયાના અસવારે આવીને કોરીઓની પોટલી રાણા ખૂંટીની સન્મુખ ધરી દીધી. “આ શું છે, ભાઈ!” “આ ત્રણસો કોરી તમારા દાણની ને બીજી ત્રણસો નાથા ભાભાએ નગર પાસેથી લીધેલ દંડની. સંભાળી લ્યો.” “પણ ક્યાંથી?” “ભોગાતથી, જામના ચીલાવાળા પાસેથી.” રાણા ખૂંટીને ભરદાયરા વચ્ચે આખી વાતની જાણ થઈ. રાણો નીચું જોઈ ગયો. આખીયે પોટલી રાજા બારોટની સામે ધરીને હાથ જોડ્યા, “આ લે, દેવ! આ તુંને સમરપણ છે.” “ઈ કોરિયુંની વાત પછી; પ્રથમ તો મને કહી દે કે હવે અગિયારમો દુહો બોલવાની રજા છે, બાપ?” “ભલે ભાઈ, તારી મરજી! સો વાર કબૂલ છે.” તરત જ બારોટે ગોઠણભેર થઈને, બરડા ડુંગર તરફ બંને હાથ લંબાવી વારણાં લેતાંલેતાં દુહો લલકાર્યો :

અગિયારે મેર અભંગ, લોકુંમાં લેખાત,
(જો) નાથા જલમ ન થાત, વંશમાં વાશિયાંગરાઉત!

“નાથા ભાભા! રામ રામ!” “રામ. આવો આવો, લીલા જોશી, ને પૂંજા ચાંઉ! આજે પોલેપાણે તમે ક્યાંથી ભૂલા પડ્યા?” “આ તમારાં રાજસિંહાસન ને તમારા રાજવૈભવ જોવા, નાથા ભાભા! બાકી તમારું કામ આજ મોટા ચમરબંધીનેય ભારે પડે એવું ખરું ને? લ્યો. આ રૂપાળીબાએ એના ધરમના માનેલ વીરને રાખડી દઈ મોકલી છે.” એટલું કહીને બે પરોણાઓએ સોનાની મૂઠવાળી એક તરવાર, ખભે પહેરવાની સોનાની હમેલ અને સાચો કિનખાબનો પોશાક થાળમાં ભરીને બહારવટિયાની સમક્ષ ધરી દીધો. “વાહ વાહ! જેઠવાની જનેતાને એમ જ શોભે ને, ભાઈ! રાજમાતા તો રાજમાતા જ છે. એની કાંવ વાત? મારે માથે ઘણાંઘણાં હેતપ્રીત રાખે છે. રૂપાળીબા તો પેટ અવતાર લીધ્યે પાપ ટળે એવી જોગમાયા છે, ભાઈ!” નાથો બોલતો ગયો ને બંને પરોણા એને રૂપાળીબાના મોકલેલા પોશાક પહેરાવતા ગયા. રાજભક્તિના પોરસ વડે નાથાની છાતી ફુલાઈને દોઢી બની ગઈ. ઉમળકો આણીને તેણે પૂછ્યું : “માને કે’જો મારા સરખું કામ સુંપતાં રહે. મા તો આપણાં હાડચામડીનાં ખાળું કહેવાય.” “નાથા ભાભા, માનાં દુઃખની વાત એક મા જાણે છે ને બીજા જાણે છે બજરંગ! બાકી માને માથે તો ગુજારવી બાકી નથી રાખી!” “કુણે?” “કામદારે : ઓતા ગાંધીએ. બીજા કોણ! મલકમાં બીજા કોની મૂછે બબ્બે લીંબુ લટકે છે, ભાઈ?” “પણ વાત તો કરો, ભાઈ, શી શી વાતું બની ગઈ છે?” “વાત શું! જે દીનું મોટા રાણાનું ગામતરું થિયું, ને કુંવર ભોજરાજજી ઘોડિયે હતા, તે દીનો ઓતો ગાંધી માને સારતો નથી. રાજમાં પોતાનું ધાર્યું જ કરતો આવે છે. માનો તો વકર જ કાઢી નાખ્યો. માને ખાસડા બરોબર કરી મેલ્યાં. માને લાગી ભે’ કે ઓતો ગાંધી ક્યાંક કુંવરને મારી દેશે, એટલે માએ અમારો ઓથ લીધો. અમે માને અને કુંવરને ભાણવડ લઈ ગયા. આજ એ વાતને બાર વરસ વીત્યાં. હવે તો એજન્સીમાં પણ ઓતા ગાંધીને મૂતરે જ દીવા બળે છે. એટલે રાણો તો ગાદીએ આવે ત્યારે ખરા! કોને ખબર, દેશવટે જ મા-દીકરાની આવરદા પૂરી થશે, કેમ કે જેઠવાના ભાયાતો પણ એ વાણિયાની ભેરે થઈ ગયા છે, ભાઈ!” “ઠીક લીલા જોશી, અને પૂંજા ચાંઉ, ઝાઝી વાતુંનાં ગાડાં ભરાય. માને જઈને સાબદાં કરો. કુંવરને પણ તૈયાર રાખો. બેનની રાખડીના બદલામાં સાથીઓનો કોલ છે કે જો મોઢવાડિયાના પેટનો જ સાચેસાચ પાક્યો હોઉં તો તો આજથી એક મહિને ઓલા ગાંધીનાં હાંડલાં અભડાવે દઈને, અને ભાયાતુંને મોઢે ચૂનાના પાવરા ચડાવેને પોરબંદરના તખતને માથે આપણા બાળા રાણાને મારે સગે હાથે ટિલાવું છું. નીકર પછી નાથિયાને બે બાપ જાણજો.” બંને રાજદૂતોએ બહારવટિયાના અંગનાં રૂંવેરૂંવે પોતાની બાજીની મનધારી અસર નજરોનજર દીઠી ને બંને જણા બરડા ઉપરથી ઊતરી ભાણવડ પહોંચી ગયા. આ બાજુ નાથાએ સોરઠમાંથી વીણીવીણીને એક હજાર મકરાણીઓને ભેળા કર્યા. અને ઓતા ગાંધીને સંદેશો મોકલ્યો કે “રાજકુંવર અને રાજમાતાને સંતાપતો આળસી જઈને રાાણાને ગાદીએ બેસારજે. નીકર દીઠો ની મેલાં.”

પોરબંદરનું જેના હાથમાં કડેધડે કારભારું અને જેની અણિશુદ્ધ નીતિની એજન્સીમાં પણ છાપ, એવા ઓતા ગાંધીને તો નાથિયા જેવા બરડા ડુંગરના કાકીડાની શી ધાસ્તી? ઓતો ગાંધી ગફલતમાં રહ્યા અને નાથો પોરબંદરના દરવાજા ભાંગી, ચોકીદારોને ઠાર મારી શહેરમાં આગળ વધ્યો. તોપખાને જઈ હાકલ દીધી કે “રાણાની આજ્ઞા સંભળાવાં છ કે? આ ઘડીએ જ ઓતા કામદારના મકાન સામે તોપું માંડી દ્યો. નીકર હમણાં મારા એક હજાર મકરાણી તમારા શરીરનાં શાક રાંધેને જમી જાશે.” ઓતા ગાંધીની મેડી સામે તોપોના મોરચા મંડાઈ ગયા, કામદાર પોતાના ઘરમાં કેદી બન્યા. રાજકચેરીમાં દરબાર ભરીને નાથાએ રાણા વિક્રમાજિત (ભોજરાજ)ને ટિલાવ્યા અને જેટલા જેઠવા ભાયાતો રાજની ચાકરીમાં રહીને રાણાને કનડગત કરતા હતા તેને ચૂનાના પાવરા ચડાવ્યા. પોરબંદરમાં તો ઊડતાં પંખીડાં થંભી જાય એવી ધાક બેસી ગઈ. ઓતા ગાંધીને પોરબંદર છોડવું પડ્યું એમ પણ કહેવાય છે. રાણાનો સાચો મામો બનીને બહારવટિયો પાછો પોલેપાણે ચાલ્યો ગયો.[2]

“ભગત! આજ તો તેં કાળો કામો કર્યો. મલક આખામાંથી ઘોડાં શું મરી ગયાં હતાં કે તેં શીંગડાની દેવતાઈ જગ્યામાંથી મહંતની બે શિંગાળિયું કાઢી?” “હવે રાખ્ય રાખ્ય, મેરાણી! બા’રવટાં શું ઘોડાં વગર થાતાં હશે? અને ત્યાં જગ્યામાં કાં ઘોડીની ખોટ્ય છે? પડ્યાંપડ્યાં ખાતાં’તાં તે કરતાં કાં વાપરાં ની?” “અરે પુરુષ! તે દી જામની ફોજ વાંસે થઈ’તી ને તું ભાગીને હરજી ભુટાણી મા ’રાજના પગુંમાં પડી ગિયો’તો, તે વેળાનાં વેણ સંભાર, સંભાર! એણે તને વચને બાંધ્યો’તો, કે જોજે હો, શીંગડા માથે ગજબ કરતો નીં; અને બીજું કહ્યું’તું કે મોઢવાડા માથે હાથ કરતો નીં! પણ તેં તો આપણા જમલભોમનીયે એબ ઉઘાડી કરી! લુવાણાના છોકરાને બાન પકડીને ચાર હજાર કોરિયું પડાવી! ભગત! બા’રવટું આથમવાનું ટાણું થે ગું લાગે છે.” “વાંધો નહિ. ઈવાં તી વેણ કાંઈ પળાતાં હશે? ધરમની ને દેવસ્થાનાંની વાતું કરવા બેસીએ તો માળા લઈને બેસી જવું પડે. જોતી નથી, આજ હું જામની સામે ઝૂઝી રહ્યો છું?” “અધરમને માર્ગે કોઈનાં બા’રવટાં ઊગ્યાં નથી ને તેં મોટી ખોટ્ય ખાધી છે. હજે કાંછ કે શીંગડે જઈને જગ્યામાં શિંગાળિયું પાછી મેલે આવ ને આપણા ગામના ઈ લુવાણાની ચાર હજાર કોરિયું પાછી ચૂકવી દે. નીકર મારી નજરુંમાં આજ પોલોપાણો ડોલતો દેખાય છે, હો ભગત!” “મેરાણી! તું ગાંડુડી થે ગી લાગ છ!” મોઢવાડે પોતાના કુટુંબને મળવા ગયેલો નાથો પોતાની સ્ત્રી સાથે આટલો કલહ કરીને સ્ત્રીના અબોલા દેખી મધરાતે બહાર નીકળી ગયો અને કાળભર્યો પોલેપાણે ચડ્યો. તે વખતે જ આભમાંથી એક તારો ખર્યો. મોટી કોઈ જ્યોત જાણે ઓલવાઈ ગઈ. એનું મૉત ઢૂકડે આવ્યું હતું. પોતાની બાયડીએ ઉપર વર્ણવેલ બે વિશ્વાસઘાતો કરવાથી એના ભગત નામને લાંછન લાગ્યું હતું. બહારવટે બહુ ફાવ્યો તેથી તેની બુદ્ધિ બગડી ચૂકી હતી. બેફિકર બનીને એણે ઊંઘ કરી. સવાર પડ્યું. હજુ તો નાથાના હાથમાં દાતણ છે ત્યાં માર્ગે મેરોનું એક જૂથ આવતું દેખાયું. આવીને એણે નાથાને કહ્યું : “ભાભા! ભોમ ભેળી થઈ છે. તમને બોલાવે છે.” “ક્યાં, ભાઈ?” “રિણાવાડાને પાદર.” “બહુ સારું, હાલો.” રિણાવાડા ગામને પાદર, મેરોનાં સોળ ગામોમાંથી ઓડદરા, કેશવાળા, મોઢવાડિયા, રાજસખા એમ ચાર વંશના, પાઘડીનો આંટો લઈ જાણનાર તમામ, મેર ભેળા થયા છે. નાથો પરબારો ગામમાં જઈને એક ગુપ્ત મેડીમાં સંતાયો. મેર કોમના થોડાએક આગેવાનોએ મેડી ઉપર બેસીને નાથા પાસે વાત મૂકી : “ભાભા! તારે એકને કારણે અટાણે રાણાએ આખી નાતને ભરડો લીધો છે.” “કેવી રીતે?” “નગર થાક્યું, સરકાર ખિજાણી, અને રાણાને માથે દબાણ થાય છે કે કાં તો બહારવટિયાને પકડી લ્યો, નીકર રાજપાટ મેલી દ્યો.” “પછી?” “પછી કાંવ? આપણી ભોમ ભેળી કરીને રૂપાળીબાએ કહ્યું છે કે નાથાને સુંપી દ્યો. નીકર અમારી ગાદી જાશે.” “ને રાણે કાંવ કહ્યું?” “કહ્યું કે નાથાને જીવતો ઝાલી દ્યો, તો જ મારાં પરિયાં (પૂર્વજ) પાણી પીએ.” “પછી તમે કાંવ જવાબ દીધો છે?” “અમે તો આઠ દીની અવધ દઈને આવ્યા છ.” “તો ભલે! આખી નાતને સંતાપ થાતો હોય તો હું સુંપાઈ જવા રાજી છ. આજથી ચોથે જમણે તમે આવો. હું મારું કામ આટોપે લેને ખુશીથી તમ સાથે ચાલી નીકળાં.” “ઠીક ત્યારે, અમે ચોથે દીએ આવીએ છ.” મેરનું મંડળ ચાલી નીકળ્યું. અર્ધોએક ખેતરવા ગયા, ત્યાં તો પરબત કુંછડિયો નામે મેર એકદમ ઊભો થઈ રહ્યો. સહુએ ચમકીને પૂછ્યું : “કાંઈ બા?” “કાંવ કાંઈ? તમે બધા દાઢીમૂછના ધણી થઈને હાથે કરીને નાથાને સુંપે દેવા હાલ્યા છ? અંતરમાં કાંઈ લાજશરમ ઊઠતી નથી? મેરાણીને પેટ પાક્યા છો?” “તી કાંવ કરવું!” “તમારે કરવું હોય તી કરજો. હું તાં તમારી નામર્દાઈમાં નહિ ભળું,” એટલું બોલીને પરબત નોખો તર્યો. પાછો મરડાઈને નાથા પાસે ગયો. કહ્યું કે “ભાભા! અમારા સહુનો મત નથી મળતો માટે તું તારે કરતો હોય તી કરજે.” એટલું કહી પાછા વળીને પરબતે બધા વિષ્ટિવાળા મેરોની મંડળીને આંબી લીધી. સહુને છૂટા પડવાનું ટાણું થયું. તે વખતે આખા મંડળમાંથી પાજી પૂંડો ખસ્તરિયો બોલ્યો કે “ભાઈ! હાલો, રાણાને જેવા હોય તેવા જવાબ તો દે આવીએ!” “હાલો. કાં રાણાની બીક લાગે છ?” પોરબંદર જઈને પૂંજા ખસ્તરિયાએ રાજમાતાની અને રાણાની પાસે ખાનગી વાત ફોડી : “માડી! તમે જે પરબતને ભાઈ કહેલો છે, એણે જ જઈને નાથાને ચડાવ્યો છે. અમારી વષ્ટિ એણે ધૂળ મેળવી છે. એની સાથે લાધવો, રાણો, છોડવો વગેરે સાત જણ પણ ભળે ગા છ. માથે રે’ને નાથાને લૂંટ કરાવનારા એ સાત જણા જ છે. હવે તો ઈ જાણે ને તમે જાણો.” રૂપાળીબાએ એ સાતેયના હાથમાં હાથકડી જડાવી દીધી. સાતેય કેદીઓ દરબારગઢના ચોકમાં ઊભા છે. સાતમાંથી સિંહ સરખા જોરાવર લાધવાએ હાથકડી મરડીને તોડી નાખી. “આ લે તારી ચૂડલિયું!” એમ કહીને ચોકીપહેરા વચ્ચેથી વકરેલ પાડા જેવો એ વછૂટ્યો. વછૂટીને દોડ્યો દરબારગઢની મેડી માથે. દિલમાં હતું કે પારણે હીંચતા કુંવરને મારા ખોળામાં લઈ લઉં : તો જ મને કુંવરના જીવના જોખમ ખાતર જીવતદાન દેશે! પણ ઠેકીને મેડીએ ચડવા જાય ત્યાં તો દોટ કાઢીને પૂંજા ખસ્તરિયાએ એના પગ ઝાલી લીધા. આરબે આવીને લાધવાને જમૈયો માર્યો, બીજા છયેને તોપે ઉડાવ્યા. મરતાં મરતાં છયે જણ બોલ્યા કે “ફકર નહિ. નાથા ભગત સામે ખૂટલાઈ કરીને જીવવા કરતાં તોપને મોઢે મરવું કાંવ ખોટું છે?” રમતા રમતા છયે જણા તોપને મોઢે બંધાઈ ગયા. પોરબંદરમાં વીરડીને નાકે એ તમામની ખાંભીઓ છે.

રૂપાળીબાએ પૂંજા ખસ્તરિયાને બોલાવી પૂછ્યું : “પૂંજાભાઈ! હવે નાથાનું શું કરશું? એજન્સી બહુ અકળાઈ છે અને આપણા રાજને જફા લાગશે.” “માડી! મને રાજનું ઊંચા માયલું ઝેર આપો, એટલે હમણાં નાથાનું મડું લે આવેને હાજર કરાં. બાકી તમારી ફોજના તો એ ફાકડા જ કરે જાશે, મરને વલ્યાતમાંથી તોપું ઊતરે!” “એનું શું કારણ?” “માડી! ઈના સાથળની માલીકોર શિયાળશિંગી ને મોણવેલ ભરી છે. એના અંગ માથે તોપનોય કાર ન ફાવે, હથિયારે તો એ મરે રિયો, માટે લાવો ઝેર. હમણાં ઈનો ઘડોલાડવો કરે નાખાં.” ઊંચી જાતનું ઝેર રૂપાળીબાઈના ગુપ્તમાં ગુપ્ત ડાબલામાંથી મેળવીને પૂંજો ચાલતો થઈ ગયો.

આડે ડુંગરથી ઊતર્યો નાથો, માઠાં શકન થાય,
ડાબી તે ભેરવ કળકળે, નાથા, જમણાં જાંગર જાય;
મોઢાને મારવો નો’તો!
ભગત તો સાગનો સોટો!
કેડ્યો કટારાં વાંકડાં નાથા, ગળે ગેંડાની ઢાલ,
માથે મેવાડાં મોળિયાં નાથા, ખભે ખાંતીલી તરવાર,
મોઢાને મારવો નો’તો,
ભગત તો સાગનો સોટો.

“ભગત! આજ એક વાર ભાઈબંધોનું કહેવું માન્ય. માઠાં શકન થાય છે, અને આજ ભલો થઈને ઘોડી પાછી વાળ્ય.” “અરે ભાઈ! બેનને ઘેર જાવામાં કાંવ બીક હુતી? અને શકન-અપશકન કોઈ દી નથી જોયાં તો આજ કાંવ જોવાં?” “ભગત, અમારું હૈયું તો આજ કબૂલતું નથી.” “તો તમારે વળવું હોય તો વળે જાવ. બાકી મારે તો આજ હાથલે પોગીને હરજી ગોરને ઘેર ખાધા વિના છૂટકો નેથ. મને રોટલા ખાવાનું નોતરું છે. અપશુકન ભાળીને નાથો પાછો વળ્યો, ઈ વાત જો બેનને કાને જાય તો બચાડી દખ લગાડે. માટે તમને ભરોસો ન હોય તો ખુશીથી વળે જાવ.” બે જણા પાછા વળ્યા. બાકીનાને લઈ બહારવટિયાએ બહેનને ઘેર જમવાના ઉલ્લાસમાં બરડાની ગાળીમાંથી ઘોડીને ઉતારી. હાથલા ગામમાં હરજી થાનકી નામે મેરનો ગોર હતો, તેને ઘેર જે બાઈ હતી (બનતાં સુધી તો દીકરાની વહુ હતી) તેને બહારવટિયાએ ધર્મની બહેન કરી હતી. હરજી થાનકીના ઘરમાં નાથાએ થોકેથોક લૂંટની કમાણી ભરી દીધી હતી. આજ એના ઘરમાં જ પૂંજાએ ઝેર ભેળવેલી રસોઈ કરાવીને તૈયાર રખાવી છે. નાથાની વાટ જોવાય છે. જ્યાં નાથો હાથલા ગામના નેરામાં આવ્યો, ત્યાં આડો કાળો એરુ ઊતર્યો. સાથીઓએ ફરી ચેતવ્યો કે “ભગત, આ બીજી વાર માઠું ભળાય છે. હજી કોઈ રીતે વળવું છે?” “જો વળું તો તો મારો જન્મારો લાજે. અને જગદંબા જેવી બહેન વહેમમાં પડે.” ચાલ્યો. ઘોડીએ હરજી મહારાજની ડેલીએ આવીને હેતની હાવળ નાખી. છેવાડા ઘરની ઓસરીની થાંભલીએ પોતાની ધર્મની બહેન ઊભી છે, એના મોં ઉપર મશ ઢળી ગઈ છે. નાથાએ સાદ કર્યો : “કાં બે’ન, પોગ્યા છીએ, હો કે!” બાઈએ હાથની ઇશારત કરીને હળવેથી કહ્યું : “ભાઈ! આંહીં જરીક આવી જજો!” “અબઘડી ઉતારો કરેને આવીએ છીએ, બાપા!” “પછી તો આવી રહ્યા, મારા વીર!” એ વેણ બોલાયું, પણ બહારવટિયાને કાને પહોંચ્યું જ નહિ. નાથો મહેમાનોને ઓરડે ઉતારો કરવા ગયો. પરબારા હરજી થાનકીએ પરોણાને થાળી ઉપર બેસાર્યા. રંગભરી વાતો કરતાં કરતાં ગોરે મીઠી રસોઈ જમાડી. ચાર-ચાર કોળિયા ખાધા ત્યાં તો ચારેયની રગેરગમાં ઝેર ચડી ગયું. નાથાની જીભ ઝલાવા લાગી. થાળીને બે હાથ જોડી નાથો પગે લાગ્યો, એટલું જ બોલ્યો : “હરજી ગોર! બસ! આવડું જ પેટ હુતું? બીજું કાંઈ નહિ, પણ મને ઝેર દઈ નુતો મારવો. મારે હથિયારે મરવું હુતું!” ત્યાં તો નાથો ઢળી પડ્યો. પૂંજો ખસ્તરિયો વગેરે ચાર જણાઓએ દોડીને એના મરતા દેહ ઉપર એક સામટી બંદૂકો વછોડી, પણ ગોળીઓ કોઈ પણ રીતે લાગી જ નહિ, ત્યારે અવાચક બનેલા નાથાએ પોતાના સાથળ સામે આંગળી ચીંધાડી અને લોચા વાળતી જીભે મહેનત કરીને સમસ્યામાં સમજાવ્યું. “હાં! હાં! શિયાળશિંગી ને મોણવેલ ત્યાં સંતાડ્યાં છે, ખરું ને!” મરતાં મરતાં બહારવટિયાએ હા કહેવા માટે ડોકું ધુણાવ્યું. હત્યારાએ એનો સાથળ ચીરીને બંને ચીજો બહાર કાઢી ફેંકી દીધી. તરત જ નાથાનું શરીર લીલું કાચ સરીખું બની ગયું. જીવ ચાલ્યો ગયા પછી એના નિર્જીવ શરીરને ઘસડીને દુશ્મનો દૂર લઈ ગયા. એનું માથું કાપ્યું. પૂંજો એ માથું ઉપાડીને પોરબંદર ઈનામ લેવા પહોંચ્યો. સરકારે નાથાનું માથું લાવનાર માટે ઇનામ કાઢ્યું હતું. એજન્સીનો ગોરો સાહેબ ત્યાં હાજર હતો. એને તો નજર કરીને જ સમજી લીધું કે જવાંમર્દીથી નહિ, પણ ઝેરથી આ બહારવટિયાને માર્યો છે. પૂંજાને ઇનામ ન મળ્યું, રાજ્યોએ એ રીતે નાથાના પ્રાણ લેવરાવ્યા. મેરાણીઓ આજે પણ ગામેગામ ગાય છે :

મોઢાને મારવો નો’તો,
ભગત તો સાગનો સોટો.

આ કથામાં મેર લોકોની બોલીના પ્રયોગો કરવામાં આવ્યા છે એની સમજ :

ગુજરાતી ભાષા મેર ભાષા ગુજરાતી ભાષા મેર ભાષા
ક્યાંથી કાંથી કાં કાંઈ
શું કાંવ શીદ કાંવ કરવા
શાની કિવાની છોડીને છોડેને
હતી હુતી બધું બાધું
તો તાં નથી નેથ
હવે હેવ છું
જેવાં જિવાં એને ઇણે
એમ ઇં કહું છું કાં છ
ગયો ગો




  1. લેખકે જાતે જઈને પોલોપાણો જોયેલ છે.
  2. એવો પણ મત છે કે આ કામ નાથાએ નહિ પણ એના મૃત્યુ પછી બહારવટે ચડ ેલા એના ભાણેજ હરભમે કરેલું.