|
|
Line 197: |
Line 197: |
| <center>(પડદો)</center> | | <center>(પડદો)</center> |
| {{Right|(એકાંકી સંચય – ૨)}} | | {{Right|(એકાંકી સંચય – ૨)}} |
| | |
| | <br> |
| | {{HeaderNav2 |
| | |previous = મંદોદરી |
| | |next = ‘હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ’ |
| | }} |
Latest revision as of 12:36, 8 June 2022
શકુનિ
રવીન્દ્ર પારેખ
પાત્રો
શકુનિ
ગાંધારી
દાસીસખી
ભીષ્મ
(રંગપ્રસાદનું દૃશ્યઃ શકુનિ હાથમાંના પાસા ફરકાવતો ઘૂંટણિયે પડે. સામે અત્યંત સ્વરૂપવતી લજ્જાળુ ગાંધારી બેઠી છે, નવવધૂ શૃંગારમાં.)
શકુનિઃ
|
(પ્રસન્નચિત્તે પાસા રમાડતો) હે મારી અતીવ (અતિપ્રિય) ભગિની, ગાંધારની રાજકન્યા… આવી પહોંચ્યાં અંતે હસ્તિનાપુર! (ઊઠે. ખભા પરનો ખેસ ફરકાવતાં) આજથી તું રાજકન્યા મટીને રાજરાણી થઈશ. (ગાંધારી લજ્જાથી ચહેરો સંતાડે છે.) કુરુકુળની એકમાત્ર મહારાણી (ફરીને એની તરફ જુએ) કેમ ફરકી ગયું ને વદન પર ચંદ્રતેજ.
|
ગાંધારીઃ
|
બસ! (ચહેરો ઊંચકે) ભાઈ… બસ! હવે મને વધુ લજાવશો નહીં. (અટારીએ જોતી હોય તેમ) મારે ક્યાં… રાજરાણી થવું હતું કે –
|
શકુનિઃ
|
(ખડખડાટ હસતાં) જાણું છું… તારી અશ્રુસિક્ત આંખોને… ગાંધાર તારે છોડવું જ ક્યાં હતું… નીતર્યા જળ નીચે સરકતી બે રૂપેરી મત્સ્યકન્યા જેવી તારી આંખો… હું ભૂલ્યો નથી. હજી કેટલી સમજાવવી પડી હતી તને સખીઓએ… દાસીઓએ… ગાંધારના પરિત્યાગ અર્થે!
|
ગાંધારીઃ
|
અને છતાં ગાંઠ તો બંધાઈ જ હસ્તિનાપુર જોડે.
|
શકુનિઃ
|
કેટલાં પ્રલોભનો પછી, નહીં? રાજપ્રાસાદનાં ને ભેટસોગાદનાં… વસ્ત્રાલંકારનાં ને અંતઃપુરની રાજવિલાસિતાના… ત્યારે કંઈ મારી લાડલી બહેને… ભીનું હસીને હસ્તિનાપુરની દિશાઓને સમીપ ફરકવા દીધી. બાકી…
|
ગાંધારીઃ
|
(વ્યાકુળતાથી પ્રવેશ તરફ જોતાં) દાસી હજી આવી નહીં.
|
શકુનિઃ
|
(હસે) કોમલ ગાંધારની બનેલી મારી રાજસી બહેન… હવે તારે વધુ વાટ નહીં જોવી પડે, સ્વામિની…! દાસી, સખી આવતી જ હશે… મહારાજ ધૃતરાષ્ટ્રના સમાચાર લઈને રાજવીથિકાઓ પર થઈને દોડતાં એમનાં રથચક્રોનો કર્ણમંજુલ ધ્વનિ તારા કોમલ ગાંધાર જોડે એવી રીતે ભળી જશે, જેમ ભળી જાય છે હવામાં સુગંધ ચંદનપુષ્પની.
|
ગાંધારીઃ
|
(અકળાઈને બોલી ઊઠે) બંધુ શકુનિ…!
|
શકુનિઃ
|
(હસતાં) જોયું ને? શાંત સૂતેલ સરવર. સૂર્યપ્રભાએ અનેક રક્તકમળોથી ઉલ્લસિત થઈ ઊઠે, એમ તું તો પુલકિત થઈ ઊઠી! (એની નજીક આવીને) શ્વશુરગૃહની આ જ તો શોભા છે, એમાં પ્રવેશો કે મહિયર અને સહિયરનું તો વિસ્મરણ જ; (ગાંધારી કૃત્રિમ રોષથી જુએ, શકુનિ મુક્ત હાસ્ય વેરે) પ્રિય ભગિની… એમાં તારો અપરાધ નથી… નારીમાત્રને આ બને છે… સહજપણે અને તું લજ્જા અનુભવે કે વિરોધ કરે એટલે હું એમ માની લઈશ કે સ્વામીને મળવાની તને કોઈ ઉત્સુકતા જ નથી? (હસે) (ગાંધારી રંગપ્રસાદની બહાર જવા ધસે ત્યાં જ) હવે જ્યારે રંગપ્રાસાદમાં પ્રવેશી જ ચૂકી છો તો શરમાઈને પાછી કેમ વળે છે. ગાંધારી – તું મને નહીં છેતરી શકે બહેન! હું શું નથી સમજી શકતો તારા પાછળ હઠતા નુપૂર ઝંકારને… સૌરભની જેમ આગળ વધી જવાની કેટલી અધીરાઈ છે તે! સ્વામીનું નામ પડતાંમાં જ તારાં તેજસ્વી નેત્રો આતુર અધીર કર્ણપટલની ગરજ સારે છે… તે મારાથી અજ્ઞાત નથી.
|
ગાંધારીઃ
|
(કૃત્રિમ રોષથી) અસત્ય કેવળ અસત્ય!
|
શકુનિઃ
|
(સ્નેહથી ગાંધારીના ચહેરે હાથ ફેરવતાં) હૃદયના ભાવો તું ગમે એટલા સંતાડ. પરંતુ તારા સુંદર નેત્રો એટલાં તો વાચાળ છે કે… હૃદયના દરેક ભાવને શબ્દ અર્પે છે… સાવ તાજો, વણસ્પર્શ્યો, સર્વ પ્રથમ શબ્દ!
|
ગાંધારીઃ
|
ભ્રાતા… શકુનિ જાણું છું આટલી ખુશામત કેમ થાય છે તે. એ તો સર્વવિદિત છે કે મારા સ્નેહને વશ મારા વિરહમાં ગાંધાર પાછા ફરવાનું કેવળ અશક્ય છે… તમે ઇચ્છો છો કે… મારા સ્વામીને કહીને હું, તમે અહીં જ વસી જાઓ એની વિનંતી કરું… જેથી તમને ખૂબ ગમતાં મારાં નેત્રો જોયાં કરવાનું સહજ થઈ પડે… પણ…
|
શકુનિઃ
|
(વ્યથિત) સત્ય કહે છે તું! તારાં સુકોમળ તેજસ્વી નેત્રોનું આકર્ષણ છે કે… થાય છે કે અહીં જ રહેવાનું બને તો… મારા જેવું સદ્ભાગી બીજું કોણ હોય! પણ.. જાણું છું કે ગમે તેટલું ઇચ્છવા છતાં ભાઈ… ભગિનીના શ્વશુર ગૃહે રહી શકતો નથી. એ તો અતિથિરૂપે જ સ્વીકાર્ય, (ભાવ બદલતાં) પણ એથી હું કેવળ મિથ્યા પ્રશસ્તિમાં રાચું છું એ વાત સ્વીકાર્ય નથી મને. મારે ક્યાં અહીં આયુષ્ય વિતાવવું છે તે… એવું કરું? આ તો તારો મીઠો ઉપાલંભ હતો એટલે… (હસે) જોયું લજ્જા કેવી ઊડી ગઈ તે! ભૂલી ગઈ ને નવવિવાહિતા છે તે!
|
ગાંધારીઃ
|
તમે વિષય નહીં બદલો તો હું વાત નહીં કરું.
|
શકુનિઃ
|
એમ રિસાવાની જરૂર નથી… સારું આવ… અહીં આવ. (એ આગળ વધે) જો, કે આ ગવાક્ષમાંથી દેખાતું હસ્તિનાપુર કોઈ નક્ષત્રની જેમ કેવું ઝગમગે છે… સૂર્ય પ્રકાશનાં કોમલ રક્તિમ કિરણોમાં!
|
ગાંધારીઃ
|
(જોઈને) સાચે જ… હસ્તિનાપુર કોઈ તૂટી પડેલા નૂપુરની જેમ ઝગે છે, નહીં…! ને… દૃષ્ટિ ફેલાય ત્યાં સુધી દોડતી યમુનાના તટ પરનાં વિસ્તીર્ણ અરણ્યોની શોભા તો અવર્ણનીય જ!
|
શકુનિઃ
|
ખરે જ! તારાં આ સુકોમલ નેત્રોને તો રમણીય દૃશ્ય, રમણીયથીયે વધુ રમણીય લાગવાનું.
|
(કોઈનો પગરવ સાંભળે, એ દિશાએ જુએ. પ્રવેશદ્વારમાં દાસીસખી)
લે… આ આવી પહોંચી દાસીસખી! આજે વળી લઈ આવી હશે એ તારા શ્વશુર પક્ષના વૈભવની કોઈ નવી જ વાત!
ગાંધારીઃ
|
આવ સખી… આટલો વિલંબ?
|
(દાસીસખી પ્રવેશે ધીમાં, વિલંબિત પગલે. એના ચહેરા પર શોકની છાયાઓ છે.)
શકુનિઃ
|
રોજ તો અનિલની જેમ દોડતી આવતી હતી તારી સખી…! આજ, એનાં પગલાં આટલાં ધીમાં કેમ?
|
ગાંધારીઃ
|
(દાસી પાસે જતાં) શું છે… સખી! તારી ગતિ આટલી અવરોધાયેલી? ને તારા ચહેરા પરની ભીનાશ ચાડી ખાય છે કે તું…
|
શકુનિઃ
|
અશ્રુ સારીને આવી છે. (દાસી ડૂસકું મૂકે, શકુનિ ચોંકે) આટલી હતપ્રભ કેમ, દાસી? શી વાત છે? (ગાંધારીને) તું જ પૂછ ને… એને! (ગાંધારી શરમાઈ ઊઠે, શકુનિ હસે) તું તો પૂછે જ શાની? સ્વામીની વાત? ઠીક ત્યારે… હું જ પૂછું છું… (દાસીને) શું થયું છે તને? (દાસી ચૂપ) તારી ચંચળતા કોઈ દોડતી હરણીએ છીનવી લીધી કે શું? (હસે) કે તારું હાસ્ય લૂંટી લીધું રાજઉદ્યાનનાં પેલાં નારંગી પુષ્પોએ? (દાસી રડે) કેમ બોલતી નથી તું? જાણું છું તું ગંભીર થઈને મજાક કરે છે તે! પણ આ સમય વિનોદનો નથી. જો… જો… તારી રાજરાણીને…! મહારાજ ધૃતરાષ્ટ્રના સમાચાર જાણવા એ કેટલી ઉત્સુક છે તે, જો. (દાસી ચહેરો ઊંચકીને એ તરફ જુએ) તારું વદન સાવ નિસ્તેજ કેમ, દાસી? શી વાત છે? તું રડવાનું બંધ નહીં કરે તો તને તારી અત્યંત પ્રિય સખી ગાંધારીની આણ છે.
|
દાસીસખીઃ
|
(ચીસ પાડી ઊઠતાં) નહીં… મહારાજ… આણ ન દેશો… હું નહીં કહી શકું.
|
(રડી ઊઠે છે.)
શકુનિઃ
|
ગાંધારીના સોગંદ દઈને તને પૂછે છે ગાંધારનો રાજપુત્ર શકુનિ… કે વાત શી છે? (ક્રોધ) અને આ રાજઆજ્ઞાનું અપમાન થશે તો… મસ્તક ધડ ઉપર નહીં રહે દાસી…
|
(તલવાર ખેંચે)
ગાંધારીઃ
|
કહી દે… સખી… જે હોય તે કહી દે. નહીંતર શકુનિનો ક્રોધ નષ્ટભ્રષ્ટ કરી દેશે તને.
|
દાસીસખીઃ
|
(ડરતાં ડરતાં) અભયવચન દો મહારાજ.
|
શકુનિઃ
|
(આશ્ચર્યથી) અભયવચન?
|
દાસીસખીઃ
|
મારા પ્રાણ બક્ષો તો જ હું કહી શકીશ કંઈક.
|
શકુનિઃ
|
તને અસ્ત્રશસ્ત્ર કશું જ નહીં સ્પર્શે… જા. મારું અભયવચન છે તને… પણ તું… બોલ.
|
(દાસીસખી ત્વરાથી શકુનિની પાસે એના કાનમાં કહેવાનો અભિનય. શકુનિ થોડી વાર સાંભળી રહે. એના મુખની રેખાઓ તંગ બનતી જાય અને કાન પર હાથ દાબી ચિત્કારી ઊઠી.)
નહીં… નહીં… આ, આ, અસત્ય છે… મિથ્યા છે… (એકદમ દાસીને ગળે પંજા મૂકી દેતાં) નીચ… હલકટ દાસી… તેં… તારા કાળને નિમંત્રણ આપ્યું છે.
દાસીસખીઃ
|
(ગૂંગળાતા સાદે) નહીં… ન…હીં, મહારાજ, હું જૂઠું નથી…
|
શકુનિઃ
|
અસત્ય! કેવળ અસત્ય. હું તને જીવતી નહીં છોડું.
|
દાસીસખીઃ
|
મહારાજ મારા પ્રાણની રક્ષા…
|
શકુનિઃ
|
સાચું કહે… કોણે કહ્યું તને આવ્યું અસત્ય વચન કહેવાનું? (ગળું જોરથી દબાવે)
|
ગાંધારીઃ
|
બંધુ… શકુનિ… એના પ્રાણની રક્ષાનું વચન…
|
શકુનિઃ
|
એના પ્રાણ નહીં બચે…! જાણે છે, ગાંધારી… એ કેવું ભયાનક અસત્ય ઉચ્ચારે છે તે? એણે કેવી રીતે ધારી લીધું કે… અમે ગાંધાર રાજાઓ… આટલી સહેલાઈથી કોઈના ષડ્યંત્રનો ભોગ બની જઈશું? (દાસીને) સાચું કહે… કોણે કહ્યું છે તને… આવું અસત્ય વચન!
|
દાસીસખીઃ
|
(ગૂંગળાતા સાદે) મહારાજ… એ સાચું છે કે મહારાજ ધૃતરાષ્ટ્ર…
|
ગાંધારીઃ
|
શું છે… મહારાજનું?
|
દાસીસખીઃ
|
એ જ કે… મહારાજ ધૃતરાષ્ટ્ર… (અચકાય)
|
શકુનિઃ
|
મૂંગી રહે. એક શબ્દ નહીં, એ અસત્ય છે.
|
દાસીસખીઃ
|
પ્રિય રાણી… મને બચાવો, બચાવો, મને.
|
ગાંધારીઃ
|
પહેલાં એ કહે કે… મહારાજ ધૃતરાષ્ટ્ર…
|
શકુનિઃ
|
એની વાત અસત્ય છે. સ્વીકારી શકાય એમ જ નથી.
|
શકુનિઃ
|
જે અસત્ય જ છે તેનાથી અજ્ઞાત રહેવામાં જ કલ્યાણ છે.
|
ગાંધારીઃ
|
એ અસત્ય હોય તો પણ મારે જાણવું છે.
|
શકુનિઃ
|
એનાથી કેવળ યાતના જ મળશે.
|
ગાંધારીઃ
|
ન જાણીને યે ઓછી વ્યથા નહીં થાય, ભાઈ, (દાસીને) બોલ, મહારાજ ધૃતરાષ્ટ્ર…
|
દાસીસખીઃ
|
પહેલાં મારા પ્રાણની રક્ષા કરો.
|
ગાંધારીઃ
|
તું મુક્ત છે. તને કશું જ નહીં થાય. કહે… મહારાજ ધૃતરાષ્ટ્ર…
|
દાસીસખીઃ
|
(રડી ઊઠતાં) જન્માંધ છે… ગાંધારી… જન્માંધ છે.
|
શકુનિઃ
|
(એની તરફ ધસી જતાં) નહીં… આ… આ… અસત્ય છે… મિથ્યા છે. (દાસીસખી પર તૂટી પડતાં) હું તને જીવતી નહીં રહેવા દઉં આ અવનિ પર (ગાંધારી વીજળી પડી હોય તેમ ચક્કર ખાઈને પડે. મૂર્છિત, ગાંધારીને પડતી જોતાં) અરે… ભગિની… આ… પછડાટ નહીં… નહીં… (દાસીને ધકેલીને એની તરફ ધસતાં) અરે… તું તો… મૂર્છિત થઈ ગઈ.
|
(દાસીસખી જીવ બચ્યો એથી ગ્રીવા સરખી કરતી ઊઠે, ગાંધારીને પોતાના ખોળામાં સુવડાવે, દાસીસખી એને ઉઠાડવાના પ્રયત્નો કરે, પણ વ્યર્થ.)
શકુનિઃ
|
(અત્યંત વ્યથાપૂર્ણ સ્વરે) તું ચિંતિત ના થઈશ બહેન, હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. આ લગ્નને મિથ્યા સિદ્ધ કરીશ… પણ તને નરકાગારમાં નહીં ધકેલું… તું આંખો ખોલ બહેન… આંખો ખોલ… (હૃદયદ્રાવક સ્વરે) અરે! તારી આંખો બંધ થશે તો… આ પૃથ્વી પરથી સૂર્ય ખરી પડશે… પછી અવતરશે અંતહીન અંધકાર!
|
(દોડીને જળપાત્ર લઈ આવે. એમાંથી હળવે હળવે જળનો છંટકાવ કરે ગાંધારી પર)
મારી પ્રાણપ્રિય ભગિની ઊઠ… સૂઈ રહેવાનો કાળ વહી ગયો છે હવે, ગાંધારકન્યા… રાજરાણી બનવાનું તારા પ્રારબ્ધમાં નથી! ઊઠ… બહેન… ઊઠ… આપણે ભયાનક છળનો ભોગ બન્યાં છીએ… બહેન, આપણને હણવામાં આવ્યાં છે. છળવામાં આવ્યાં છે… ને એવે સમયે મૂર્છિત થયે કેમ ચાલશે? (દાસીને) દાસી… ઉઠાડ ને તારી… સખીને… એની મૂર્છા અસહ્ય છે હવે… ઉઠાડ એને કોઈ પણ ઉપાયે… ઉઠાડ એને.
દાસીસખીઃ
|
મહારાજ… ઔષધશાળામાંથી કોઈ રાજવૈદ્યને તેડાવો… મહારાણી…
|
શકુનિઃ
|
સાવધાન… એને રાણી કહી છે તો! એ રાણી નથી. એ હજી રાજકન્યા છે, ગાંધારની રાજકન્યા.
|
દાસીસખીઃ
|
ક્ષમાપ્રાર્થી છું, મહારાજ… પણ રાજવૈદ્યને લઈને આવો… જેથી આઘાત ઓછો થાય. એને કળ વળે… એવું કંઈક કરો.
|
(એટલામાં ચેતન આવ્યું હોય તેમ… ગાંધારી સળવળે, શકુનિના ચહેરા પર શાંતિ છવાય, દાસીસખી હરખથી અશ્રુ સારે, કોઈકના આગમનનો અણસાર વર્તાય, પ્રવેશદ્વાર પર ભીષ્મ. શકુનિ પાછળ વળીને જુએ. ઊઠે, એની તરફ ફરતાં ક્રોધને સંયમિત રાખવાનો પરાણે પ્રયત્ન.)
શકુનિઃ
|
કોણ? મહાપ્રતાપી પિતા ભીષ્મ? પધારો, પધારો ભીષ્મરાજ, આપનાં પગલાં તો હું મૂકબધિર કે અંધ બનું ને તોયે પારખી શકું.
|
ભીષ્મઃ
|
(પ્રવેશતાં) કલ્યાણ હો, પ્રિય શકુનિ, તમારાં પ્રશસ્તિ વચનોથી હું પ્રસન્ન થયો છું. આ રંગપ્રાસાદમાં કોઈ કષ્ટ તો… નથી ને?
|
શકુનિઃ
|
કષ્ટ? અમારાં કષ્ટની આટલી ચિંતા? (મોં મચકોડે)
|
ભીષ્મઃ
|
કુરુકુળના મોભીને નાતે મારું કર્તવ્ય છે કે…
|
શકુનિઃ
|
કર્તવ્ય તો આપે બજાવ્યું જ. આપની કર્તવ્યનિષ્ઠા તો જગવિખ્યાત છે.
|
ભીષ્મઃ
|
પ્રશંસાથી વળી પ્રભાવિત થયો છું.
|
શકુનિઃ
|
પ્રશસ્તિ તો નથી જ આ. હું એક અજ્ઞાની ગાંધારપુત્ર આપની તે શી પ્રશસ્તિ કરી શકું? (ગાંધારી બેઠી થઈ છે અને ભીષ્મની એણે વડીલ હોવાને નાતે લાજ કાઢી છે.) આપ… આ રાજકન્યાને તો જોઈ રહ્યા છો ને? (ભીષ્મનું ધ્યાન જતાં એ નીચું જુએ) જોઈ રહ્યા છો ને આ રાજકન્યાને? હં! હં! જોઈ રહ્યા છો ને? કે પછી આખું કુરુકુળ જ હૃદયહીન અને નેત્રહીન છે?
|
શકુનિઃ
|
હં-હં… એમ ક્રોધાયમાન ન થશો પિતા ભીષ્મ! ભૂલ્યો, હૃદયહીન તમને તો કેમ કહેવાય? મિથ્યા આરોપ બદલ ક્ષમાપ્રાર્થી છું – તમને હૃદયહીન તો કહેવાય જ કેમ? તમે તો પિતા અને ભ્રાતા માટે પત્નીઓનું અપહરણ કરનારા.
|
શકુનિઃ
|
એ પત્નીઓનું પછી શું થયું તે તો નથી ખબર… પણ… પિતા અને બંધુના કલ્યાણ માટે અપહરણ કરતી વખતે નારીની વ્યથાની તો ચિંતા જ ક્યાંથી થાય? એટલો અવકાશ જ ક્યાંથી રહે? ને આમેય નારી… તમારે તો વર્જ્ય જ? ઇચ્છા પ્રમાણે મરી શકાય એટલે તમે તો આજન્મ બ્રહ્મચર્ય સ્વીકાર્યું (હસે, ખડખડાટ) લોકો… જીવવા માટે વ્રત, જપ, તપ કરે… જ્યારે તમે? મરવા માટે બ્રહ્મચર્ય સ્વીકાર્યું. (હસે)
|
(ગાંધારી દાસી જવાનો ઇશારો કરે.)
ભીષ્મઃ
|
શકુનિ… તમે જો સંબંધી ન હોત તો…
|
શકુનિઃ
|
સંબંધ? કેવો સંબંધ? આને તમે સંબંધ કહો છો? સોદાને સંબંધ કહો છો તમે?
|
ભીષ્મઃ
|
તમારો ક્રોધ સમજી શકાય છે. શકુનિ… પણ જરા વિચારો કે… તમારી ભગિની…
|
શકુનિઃ
|
(ચીડથી) આ બધામાં મારી પુષ્પિતરાજ ભગિની ગાંધારીનો શો વાંક હતો એ કહેશો? (ભીષ્મ ચૂપ) એ કહેશો કે એના કયા અપરાધ બદલ એના લલાટે કાજળઘેરા અંધારાના અમીટ લેખ લખી દીધા?
|
(ગાંધારી ડૂસકાય)
ભીષ્મઃ
|
એનું કલ્યાણ જ ઇચ્છ્યું છે, રાજપુત્ર શકુનિ!
|
શકુનિઃ
|
(હસે, ભયંકર રીતે) કલ્યાણ? કલ્યાણ ઇચ્છ્યું તમે? ને તે છળથી?
|
શકુનિઃ
|
એનો સ્વામી જન્માંધ છે તે સાંતાડ્યું તમે, એ છળ નથી?
|
શકુનિઃ
|
(આશ્ચર્યચકિત) રાજકારણ?
|
ભીષ્મઃ
|
હા, રાજકારણ. રાજરમત.
|
શકુનિઃ
|
એને માટે નિર્દોષનો ભોગ લેવાનો?
|
ભીષ્મઃ
|
એ નારી છે. અબળા છે. એના કલ્યાણનો માર્ગ.
|
શકુનિઃ
|
આ માર્ગ તો ન જ હોય, પિતા ભીષ્મ! અને નારીના કલ્યાણની વાત તમે કરો છો? જેણે નારી કેવળ અપહરણની એક વસ્તુ ગણી છે, જેને નારીથી દૂર રહેવાનું વ્રત ધર્યું છે, દૂર રહીને કલ્યાણ કરવાનો આ પ્રયત્ન કઈ પ્રશસ્તિને યોગ્ય છે એ કહેશો?
|
ભીષ્મઃ
|
શાંત થાઓ શકુનિ. શાંત થાઓ. શાંત ચિત્તે વિચારો જરા કે, તમારી ભગિની ગાંધારીના ભાગ્યમાં કેવા મોટા કુટુંબની રાજરાણી બનવાનું લખાયું છે તે, કેવા મોટા ઐશ્વર્યની સામ્રાજ્ઞી બનશે એ વિચાર્યું છે?
|
શકુનિઃ
|
કયા ઐશ્વર્યની વાત કરો છો તમે? હું નથી જાણતો… રાણીનો કયો અર્થ કરો છો તમે તે? રાણી એટલે રખેવાળ. બધાંની ભાગીદાર. પણ સુખથી વંચિત, અને કેવળ ઐશ્વર્યના લોભે લગ્ન કરવાનું કુરુકુળને શોભે. અમારો ગાંધાર દેશ એનાથી હજી વંચિત છે એ જણાવવાની રજા લઉં?
|
ભીષ્મઃ
|
વત્સ. હવે તો કશું થઈ શકે એમ નથી. જ્યાં રાજલગ્ન સંપન્ન થઈ જ ચૂક્યાં છે ત્યાં–
|
શકુનિઃ
|
એ મિથ્યા પણ થઈ શકે, પિતા ભીષ્મ!
|
(ગાંધારી નકારમાં કશુંક અટકાવવા જાય. અટકે.)
ભીષ્મઃ
|
રાજપુત્ર… આ વાણીવિલાસ છે. શાંત પડશો એટલે સત્ય સમજાશે કે નારીનાં એક વખત લગ્ન થયાં પછી એ મૃત્યુપર્યંત મિથ્યા થઈ શકતાં નથી…
|
શકુનિઃ
|
એ પ્રણાલી છે. એને તોડી જ ન શકાય એવું નથી.
|
ભીષ્મઃ
|
એવો અવિચાર સમગ્ર રાજ્યતંત્રને ડહોળી નાખશે એ ન ભૂલો, શકુનિ. અને પતિ અંધ છે તો શું થયું? રાજકારભારનું કેવું મોટું ઉત્તરદાયિત્વ ઉઠાવવાનું કેવળ ગાંધારીને પ્રાપ્ત છે તે કેમ ભૂલી જાઓ છો?
|
શકુનિઃ
|
(હસે–કટાક્ષથી) તમને શું? એમ હતું કે, આખું હસ્તિનાપુર એક જન્માંધની ફરતે વીંટીને મારી બહેન તરફ ધકેલશો એટલે એ પણ તમારી જેમ જ અંધ થઈને મૂગી મરી રહેશે?
|
ભીષ્મઃ
|
એ દેખતાંની રાણી થઈ હોત તો યે એમ જ બન્યું હોત ને?
|
શકુનિઃ
|
મૂંગા રહો. ત્યાં જ તમારી ભૂલ થાય છે, પિતા ભીષ્મ. સાંભળી લો કે મારી અત્યંત તેજસ્વી નેત્રોવાળી ગાંધારી આંધળાની લાઠી નહીં થાય.
|
ભીષ્મઃ
|
આ અવસર છે. અને એ વારંવાર નહીં આવે, વત્સ.
|
શકુનિઃ
|
મારી બહેન કંઈ ઘાસચારો નથી કે એને એક જન્માંધને મોંએ નાખી દેવાય.
|
ભીષ્મઃ
|
ગાંધારીને નથી એવું એણે કહ્યું નથી… હજી.
|
શકુનિઃ
|
(એકદમ ગાંધારી સમક્ષ ધસી જઈને) બહેન, કહી દે કે તને રાજરાણી થવાનો લોભ નથી. (ગાંધારી ચૂપ) કહી દે પિતા ભીષ્મને કે તેં રાજરાણી થવાને લોભે લગ્ન નથી કર્યાં!
|
ગાંધારીઃ
|
પણ મેં લગ્ન તો કર્યાં જ છે, ભાઈ.
|
ગાંધારીઃ
|
આર્યનારીને લગ્ન જ હોય છે. એ મિથ્યા કે સત્ય એવું કશું હોતું જ નથી.
|
શકુનિઃ
|
તું ઇચ્છે તો એ ફોક ઠેરવી શકે.
|
ગાંધારીઃ
|
એ લગ્ન પહેલાં તમારે સૌએ વિચારવાનું હતું. આપણે ત્યાં તો રાજકન્યા કે દાસી, બંને સરખાં છે. બંનેને પૂછ્યા વિના જ શ્વશુરગૃહે ધકેલાય છે. હવે જ્યારે ધકેલી જ દીધી છે તો વિવાદ કરે શું વળશે?
|
ભીષ્મઃ
|
હું પણ એ જ કહું છું કે લગ્ન થઈ ગયાં છે તો… વિવાદથી કોઈનું ય કલ્યાણ નહીં થાય, શકુનિ.
|
શકુનિઃ
|
એ વિના અમારું કલ્યાણ તો શક્ય જ નથી, પિતા ભીષ્મ!
|
ભીષ્મઃ
|
તમને જાણ નહીં હોય, પણ રાજકુટુંબમાં લગ્ન કરવાના રાજકન્યાને ભારે કોડ હોય છે… અને તમારી ભગિની તો હસ્તિનાપુરની રાજરાણી…
|
શકુનિઃ
|
(એકદમ વ્યગ્ર) હસ્તિનાપુર નથી. આ… તો છે કપટીનાપુર! સાંભળ્યું તમે? કપટીનાપુર! અહીં રમાય છે કપટ. અહીં થાય છે છળ! અહીં જીવિત રહેવા દઈને થાય છે નિર્દોષોની હત્યા.
|
ભીષ્મઃ
|
હવે વિવાદ કરવો નકામો છે, શકુનિ. સ્વયં રાજલક્ષ્મી ગાંધારીએ રાજા ધૃતરાષ્ટ્રની અર્ધાંગિની થવાનું સ્વીકાર્યું છે, ત્યાં વિવાદ વધારને કટુતા વધારવાનો શો અર્થ? જાઉં છું. શાંતિથી વિચારજો… ગાંધારીને તમે માનો છો એટલો મોટો અન્યાય નથી થયો. (જવા લાગે)
|
શકુનિઃ
|
જાઓ છો? જાઓ, જાઓ પિતા ભીષ્મ! ન્યાય-અન્યાય વિશે તમે થોડું વહેલું જ મંતવ્ય આપો છો… વળી તમો તો મૃત્યુને જીતનારા… તમે અન્યનાં જીવનનું મૂલ્ય આંકશો? જાઓ, જાઓ. (ભીષ્મ સમસમીને જોઈ રહે. પછી સડસડાટ નીકળી જાય. શકુનિ ગાંધારી તરફ ફરે.) મહાપાપી… કપટી… નીચ! મલિન થઈ આ ભૂમિ! એ દુષ્ટનાં પગલાંથી. (એકદમ ગાંધારી તરફ ધસી જતાં) અને… હું પૂછું છું કે… રાજરાણી થવાનો આટલો હર્ષ ક્યાંથી છલકાઈ પડ્યો… તને? કે પછી તને ય રાજસત્તાનો લોભ જાગ્યો છે?
|
ગાંધારીઃ
|
(ન સાંભળ્યું હોય તેમ વિચારમાં અન્યમનસ્ક) કહો તો ભાઈ… મારાં નેત્રો તમને કેવાં લાગે છે?
|
શકુનિઃ
|
હું પૂછું છું તું આ લગ્ન મિથ્યા ગણે છે કે નહીં?
|
ગાંધારીઃ
|
કહો ને… મારાં નેત્ર… કેવાં છે?
|
શકુનિઃ
|
એ નેત્રપ્રકાશ છે અને હું એને અંધકારમાં ભળવા નથી દેનાર.
|
ગાંધારીઃ
|
હું છું હવે સૌભાગ્યવતી.
|
શકુનિઃ
|
ભાગ્ય જ નથી બચ્યું ત્યાં સૌભાગ્યવતીની શી વાત? (તાળી પાડતાં) દાસીસખી… આપણે સત્વરે ગાંધાર પ્રયાણ કરીએ છીએ.
|
ગાંધારીઃ
|
હું કેવળ પતિની આજ્ઞાને પાળવા બંધાયેલી છું.
|
શકુનિઃ
|
(સમજાવતો હોય તેમ) મારી વાત માન બહેન. એક અંધ જોડે જીવન નહીં જાય. અને તારા કોઈ પણ અપરાધ વિના તારે શું કામ આ બધું વેઠવું પડે! ગાંધારની રાજકન્યા તું… રાજ કરીશ… ગાંધારમાં…
|
ગાંધારીઃ
|
મારો સંગ્રહ તો હવે ત્યાં પણ નહીં થાય.
|
શકુનિઃ
|
હું છું… પછી પણ તું આ ચિંતા કરે છે?
|
ગાંધારીઃ
|
હું આર્ય નારી છું. પરિણીત છું, એટલે શ્વશુરગૃહે જ…
|
શકુનિઃ
|
આ શ્વશુરગૃહ નથી, - અસુરગૃહ છે.
|
ગાંધારીઃ
|
મારા શ્વશુરપક્ષ વિશે હું કોઈની ટીકા સાંખીશ નહીં.
|
શકુનિઃ
|
તો આ તારો નિર્ણય છે?
|
શકુનિઃ
|
હસ્તિનાપુરનો વૈભવ મેળવવાની આટલી બધી લાલસા!
|
ગાંધારીઃ
|
મારાં આટલાં સુંદર નેત્રો…
|
શકુનિઃ
|
એક અંધના આધારથી વિશેષ કાંઈ જ નથી.
|
ગાંધારીઃ
|
આધાર હું નહીં બનું (એકદમ સાડીનો છેડો ફાડે) આધાર મને જોઈશે, હું લઈશ આધાર!
|
ગાંધારીઃ
|
મારાં નેત્રો તમને ખૂબ ગમે છે ને!
|
શકુનિઃ
|
(ન સમજતાં) એને માટે તો અહીં સુધી આવ્યો છું.
|
ગાંધારીઃ
|
એ નેત્રો જોઈ લો ધરાઈને, ભાઈ!
|
ગાંધારીઃ
|
આ ક્ષણથી આ જગત જોવાનું હવે વર્જ્ય છે મને…
|
શકુનિઃ
|
(ચિલ્લાઈને) ગાંધારી! નહીં… નહીં… એ નહીં બને કદી.
|
ગાંધારીઃ
|
મારા પતિ જો જગતને જોઈ ન શકતા હોય તો મારે આ પૃથ્વીને જોઈને શું કરવું છે?
|
(આંખે પાટો બાંધવા મથે.)
શકુનિઃ
|
(એને અટકાવે) આ મહાઅનર્થ છે.
|
ગાંધારીઃ
|
જીવતરથી મોટો અનર્થ તો નથી ભાઈ.
|
શકુનિઃ
|
તું દૃષ્ટિ ખુલ્લી નહીં રાખે તો સમગ્ર રાજ્યની ધુરા કોણ સંભાળશે? એટલા કાજે પણ તારે…
|
ગાંધારીઃ
|
મારા પતિને આંખો નથી.
|
ગાંધારીઃ
|
એ નથી એમ માનીને જીવીશ હું.
|
શકુનિઃ
|
એ નરી મૂર્ખતા સિદ્ધ થશે. એક અંધ માટે આટલી ભક્તિ…
|
ગાંધારીઃ
|
અંધ માટેની ભક્તિ તો અંધ જ હોય ને!
|
(પાટો બાંધી દે છે.)
શકુનિઃ
|
(હૃદયદ્રાવક સૂરે) મારા જીવતા જીવત તું આ જગત જોવાનું બંધ કરી દેશે? તને ખબર છે… તારી આંખો જોવાના લોભમાં તો હું… આવ્યો છું આ હસ્તિનાપુર અને તું સ્વયં હણી નાખશે તારું નૂર?
|
ગાંધારીઃ
|
એ મારી પ્રતિજ્ઞા છે.
|
શકુનિઃ
|
એ અર્થહીન અને કઠોર છે અને મને એ કહીશ કે એક કપટી કુળ માટે આ સતીત્વનો અર્થ શો છે? (તિરસ્કારથી) તારો સ્વામી તો જન્માંધ છે જ… એણે જન્મ્યા પહેલાં ને જન્મ્યા પછી પણ અંધકાર જ દીઠો છે… પણ તું… તું કેમ જીવીશ સૂર્યના ઝળહળાટ વિના? તું તો કુરૂપનેય સુંદર જોઈ શકે છે.
|
ગાંધારીઃ
|
(મમતાથી) જોઈ શકું છું ને…! તો અંધકારને સૌન્દયવંતો નહીં બનાવી શકું એવું લાગે છે?
|
શકુનિઃ
|
દૃષ્ટિ વિના? ધૃતરાષ્ટ્રને તો દૃષ્ટિ જ નથી ને તને તો છે, પછી જન્મભરની અમાવાસ્યા ઉગાડવાનો શો અર્થ? યાદ રહે કે અંધના અંધત્વ કરતાં દેખતાનું અંધત્વ વધુ ઘાતક હોય છે, ગાંધારી!
|
શકુનિઃ
|
તો એક પ્રતિજ્ઞા હું પણ આજે કરું છું કે, ગમે એટલો અપમાનિત કેમ ન થાઉં… પણ આજથી હું રહીશ હસ્તિનાપુરમાં, તારા રક્ષણ કાજે.
|
ગાંધારીઃ
|
અશક્ય… બહેનના શ્વશુરગૃહે આતિથ્ય જ હોય ભાઈ, માટે… કાયમી નિવાસ નહીં.
|
શકુનિઃ
|
હું રહીશ આયુષ્યભર! એક પ્રણાલી તો તોડું. હું ગાંધારનો રાજપુત્ર શપથ લઉં છું કે, પૃથ્વી રસાતાળ જાય તો યે હસ્તિનાપુર હું નહીં છોડું.
|
ગાંધારીઃ
|
પણ હું છોડીશ તમને.
|
શકુનિઃ
|
(હસતાં) એથી મારો નિર્ણય નહીં છૂટે. હું રહીશ મૃત્યુપર્યંત હસ્તિનાપુર… કોઈ ભાઈ ના રહ્યો હોય… પણ હું રહીશ તારી શ્વશુરનગરીમાં… ને આખાય કુરુકુળને અને એની આવનારી પેઢીને આપતો રહીશ મૃત્યુનું પુષ્પ… જીવનનાં પત્રો વીંટી વીંટીને.
|
ગાંધારીઃ
|
એમાં બહેનનું કલ્યાણ નથી.
|
શકુનિઃ
|
બહેનને કલ્યાણ ખપતું જ નથી તો બીજું થાય પણ શું?
|
શકુનિઃ
|
તમારું કોઈ કપટ હું કુરુકુળની મહારાણી તરીકે નહીં નિભાવું તે યાદ રહે!
|
શકુનિઃ
|
રાજરમત કેવળ કુરુકુળનો જ અધિકાર નથી.
|
ગાંધારીઃ
|
આજથી આપણી વચ્ચેનો વાણીવ્યવહાર સમાપ્ત થયો જાણવો.
|
શકુનિઃ
|
ભલે થતો, તું જેટલી દૂર મારાથી… એટલું મને વધુ લાભદાયી.
|
ગાંધારીઃ
|
હું હવે કશું સાંભળવા પણ ઇચ્છતી નથી.
|
શકુનિઃ
|
પણ હું તો કહીશ જ. સાંભળ કે આજથી કુરુકુળનો સર્વનાશ એ જ મારો જીવનમંત્ર!
|
ગાંધારીઃ
|
(અથડાતી કુટાતી જાય, જતાં જતાં) હવે મને મોઢું ન બતાવશો. શકુનિ.
|
શકુનિઃ
|
બતાવવાનો પ્રશ્ન જ નથી. જોવાનું તો તેં જ બંધ કર્યું છે.
|
(ગાંધારી જાય. એને પડતી જોતાં થડકો ચૂકી જાય. શકુનિ એને મદદ કરવા જવાનું વિચારે, અટકે. ગાંધારી જાય. આર્તનાદ)
ગઈ.. તું પણ ચાલી ગઈ… ગાંધારી! (રડમસ) દૃષ્ટિ ગઈ ને અંધકાર પથરાયો અવનિ પર (ત્રાડ નાખતો હોય તેમ) હે પિતા ભીષ્મ… સાંભળો છો તમે? સાંભળી લો આ કાળવાણી… (પ્રલયંકારી સ્વરે) આજથી નક્ષત્રોની દિશા બદલીશ હું! કુરુકુળનો વંશ… હા… કેવળ વંશ ચાલુ રાખવા જે અધમાધમ કૃત્યુ કર્યું તમે, એ વંશ પ્રગટ્યા પછી ય નિર્મૂળ કેમ થાય તે હું જોઈશ, હું…! (નિરાશ) કેવો વિપર્યાસ? આજે એક અંધકારનું બીજા અંધકાર સાથે મિલન થશે ને એ ક્ષણથી જ ફેલાશે આ પૃથ્વી પર અંતહીન અંધકારનું સામ્રાજ્ય! હસ્તિનાપુરની કૂખે હવે માનવીઓ નહીં અવતરે… છાયાઓ અવતરશે! છાયાઓ! ને સેંકડો પડછાયાઓનું પૂર બનશે આ હસ્તિનાપુર! અંધકારનું સંતાન તો પડછાયા જ હોય ને! (હસે, રાક્ષસી રીતે) લખી રાખો સુવર્ણ અક્ષરે પિતા ભિષ્મ… કે… એમને જીવ હશે… પણ જીવન નહીં હોય… અને હોય તો યે એનું અતિભવ્ય પ્રકાશપુંજ વડે નિકંદન કેમ નીકળે તે હું જોઈશ (ત્રાડ નાખતો હોય તેમ) આ… આ અવતરનારી આખીય કુરુ પેઢીના સર્વનાશનું નિમિત્ત થવાનું ભાગ્ય મને મળો! હે જગતનિયંતા, મને મળો! ભીષ્મની મૃત્યુશય્યા માટેનું એક એક બાણ શોધવાનું તેજ મને પ્રાપ્ત થાઓ, પ્રભુ. (એકદમ એની દૃષ્ટિએ નીચે પડેલા પાસા ચડે) ભીષ્મની ભસ્મનું બીજ… આ… આ રહ્યું! (પાસા ઉપાડે, ફરકાવે કુટિલતાથી) હે મારા પરમપ્રિય સાથીઓ… તમારે હવે ફરકતા જ રહેવાનું છે, જ્યાં સુધી ગાંધારીની અંધારશય્યા ભીષ્મની બાણશય્યા ન બને ત્યાં સુધી! (ફરકાવે ઝનૂનથી) આજથી તમે જ તો છો મારા સાથી. સંગાથી મારું જીવવું તમારા હાથમાં ને તમારામાં પ્રાણ પૂરીશ હું. હું ઉછેરીશ તમને… પાળીશ તમને… એક એવા ભયંકર દ્યૂત માટે જે હવે પછી અવતરનારી કૌરવપેઢીના મહાભયાનક વિનાશનું કારણ બને. (વદન પર ક્રૂર નિશ્ચયતાત્મક ભાવ ને કુટિલ હાસ્ય) અઢારે અઢાર અક્ષૌહિણી સેનાના સર્વનાશનાં બીજ, ફરકવા માંડો… ફરકવા માંડો…
(ફરકાવ્યા કરે ને મહાભયંકર વિનાશ જોતો હોય તેમ બિહામણું હસે. એ જ મુદ્રામાં સ્થિર)
(પડદો)
(એકાંકી સંચય – ૨)