સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ/એઇ દિકે (આ બાજુ): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એઇ દિકે (આ બાજુ)|}} {{Poem2Open}} અમે ભમતા હતા, ભમતારામ, ચાર પાંચ જણા, વરાળના કોક વાદળા જેવા. આજે અહીં તો કાલે કયાંક. નહિ લક્ષ્ય, નહિ ઉદેશ્ય. ન કોઈ ઇચ્છા, ન કોઈ માગણી. ભમવું છે, ભટકવું છે. બસ એ...")
 
No edit summary
 
Line 91: Line 91:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ઊભી રહીશ
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = તારિણી
}}
}}

Latest revision as of 05:45, 6 September 2022

એઇ દિકે (આ બાજુ)

અમે ભમતા હતા, ભમતારામ, ચાર પાંચ જણા, વરાળના કોક વાદળા જેવા. આજે અહીં તો કાલે કયાંક. નહિ લક્ષ્ય, નહિ ઉદેશ્ય. ન કોઈ ઇચ્છા, ન કોઈ માગણી. ભમવું છે, ભટકવું છે. બસ એટલી જ વાત હતી. અને વાત પણ એમ જ હતી કે ભટકવા સિવાય હવે કાંઈ બાકી પણ રહ્યું ન હતું!

એક નાનકડા જીવનમાં, એક ટકડા જેવી જુવાનીમાં માણસ જેટલું કરી શકે તે બધું અમે કરી ચૂકયા હતા, બધાથી પરવારી ચૂક્યા હતા અને બધાનો સાર હવે આટલો જ હતો ભમો, ભમો, ભમતા રહો. બેસી નહોતું રહેવાતું, અને એટલે ભમતા હતા. જડ થઈ શકાતું નહોતું, અને એટલે ચંચળને માર્ગે ચાલી નીકળ્યા હતા.

ખબર નથી, કોનો વાંક હતો, દુનિયાનો કે અમારો. ક્યાંય ઠરવાનું કામ મળતું નહોતું. કયાંક પણ ઠરવાનો પ્રયત્ન કરતા, સ્થિર થવા માગતા, ત્યાં તો તરત ત્યાંથી ફટ ઊઠી જવાનું થતું, ચાલી નીકળવાનું બનતું, ચાલી જવું પડતું. અને એમ અમે ભમતા હતા, ભટકતા હતા. ભટકાઉ તો અમે હતા જ. રખડુ, ભામટા, ભટકતા, ઘૂમતા, પરિવ્રજતા. જુઓ ને, આ અમારામાંનો એક તો સંન્યાસી થઈ ચાલ્યો ગયેલો, અમને પડતા મૂકીને, ‘જગત મિથ્યા'નો ચીપિયો પછાડીને. અને છ વરસે એ પાછો આવી ગયો. કેમ ભાઈ, શું થયું તે પાછા પધાર્યા? કહે, શું કરું? હું કાંઈ થોડો જડ પથ્થર છું કે પડ્યો હોઉં ત્યાં પડ્યો જ રહું? સંન્યાસ બિચારો હવે આગળ ચાલતાં અટકી ગયો. એટલે પછી મેં જ કહી દીધું, ભલે ભાઈ, તો પછી અમે જ ચાલીએ છીએ ત્યારે. અને આ અમારા બીજા બંધુની કથા તો તમે સાંભળી છે જ કયાં? પ્રેમનો પુકાર ઝીલી એણે પ્રિયતમા સાથે પરિણય કર્યો. ત્યારે અમને થયેલું કે આ પગે ભમરાવાળાનું હવે કાંઈ ઠેકાણું પડશે. પણ એમ ઠેકાણું ના જ પડ્યું. અને કયાંથી પડે? હા, પગ ભાંગી ગયા હોય, આંખ ફૂટી ગઈ હોય તો જુદી વાત. ભાઈબંધે આવીને આ મહામૂલું જ્ઞાન અમને એક પ્રભાતે સુણાવી દીધું. હવે કાંઈ પોતે પ્રેમના મંદિરમાં પાછો જવાનો નથી. એ ખાડાનો પ્રેમી ન હતો. એને તો દોડવા માટે ખુલ્લું મેદાન જોઈતું હતું. અને એમ અમે ભમીએ છીએ, જગતમાં મેદાનોમાં, ઘાસનાં બીડોમાં, રેતીનાં રણોમાં. આ અમારા ત્રીજા મિત્ર, ચોથા મિત્ર અને અમારામાંનો આ પાંચમો નંબર સેવક પોતે–એમ બધાયે પોતપોતાના ઠેકાણાં મુકીને પાછા ભેગા થઈ ગયા છીએ. પેલા પ્રિય મિત્રે ધનનો મહા ઢગ કર્યો અને પછી એને દેખાયું કે આ ડુંગર પર બેસી રહીશ તો ઝાડ બની જઈશ. આ હાથપગ સાજા છે ત્યાં લગી કાંઈ ન કરી લીધું તો પછી નકામો થઈ જઈશ. અને બીજા પ્રિય બંધુએ ઉચ્ચાર્યું, મારી આ તમામ વિદ્યાએ મને ચંદ્રકો તો બહુ બતલાવ્યા પણ એ બિચારી મને સૂરજ બતાવી શકતી નથી, અને જેને આપણે પ્રકાશ ગણીએ છીએ તેમાંનું અંધારું જ્યારે દેખાઈ જાય છે ત્યારે તો કહેવું જ પડે કે આ પ્રકાશને છોડી ચાલો શુદ્ધ અંધકારમાં જ ચાલી જઈએ. ત્યાં એ ભ્રાંતિ તો નહિ જ રહેશે કે અજવાળામાં છીએ. અને હું?– જગતનો ઘણો ડાહ્યો માણસ. પૂરો સંસારી, ડાહ્યોડમરો, શાણો, બધી રીતે આદર્શ માણસ, પત્નીનો પ્રેમી, બાળકોનો ભક્ત, માલિકનો વફાદાર સેવક, પ્રાણીમાત્રનો મિત્ર – મને જ્યારે આ વાત જણાઈ ગઈ કે આખા જીવનના સારમાં માત્ર આટલું જ છે ત્યારે હું મૂઢ થઈ ગયો. ખરેખર, આમ જ હોય તો તો પછી જીવનને પડતું મૂકી મૃત્યુની શોધખોળ કરવામાં કશી જ હાનિ નથી થવાની. અને કહો, આવો મારા જેવો તમે કોઈ જોયો છે–પોતાની હર ચીજ ઉડાવી દેનાર, દુનિયાદારીના ડહાપણનો તંબૂ તોડીફોડીને તેના ચીરચીરા કરી મૂકનાર – મૂર્ખાનો મૂર્ખશિરોમણિ? આવી પાગલોની ટોળી ભટકતી હતી, ભમતી હતી, પણ સંસારના આકાશમાં, જાણે કે એક વરાળનું વાદળ, ધૂળની આંધી. આજે અહીં તો કાલે ક્યાંક. ન કોઈને કાંઈ પૂછતા હતા, ન સલાહ લેતા હતા, ન આદેશ માગતા હતા, ન કોઈનાં ચરણ છૂતા હતા. ન લાજ ન શરમ, ન રોક ન ટોક, ના કશું ઠેકાણું, ન ગાણું ન ઉખાણું. એમ જ, ઉઘાડે પગે, ઉઘાડે અંગે, ખુલ્લે માથે, ખુલ્લે દિમાગે, ખુલ્લે દિલે, ખુલ્લે ખુલ્લા પાગલ.

અને એમ ભમતી ભમતી અમારી વરાળની આંધી, ધૂળનું વાદળ એક જગાએ આવી પહોચ્યું. અને વરાળ વરસી ગઈ, ધૂળ ખુશબૂ થઈ ગઈ. અમે એ સ્થળની ધૂળને માથે ચડાવી, એ મહામેઘની વર્ષાને હૃદયમાં ધરાવી.

એ શું હતું? શું હશે? ન તો એ મહેલ હતો, ન તો મકાન હતું. ન બાગ હતો, ન ફૂલ હતું. ન પહાડ હતો, ન ઝાડ હતું. ન મંદિર હતું, ન દેવ હતા, ન સ્વર્ગ હતું, ન ભૂમિ હતી. અમે પહોંચ્યા ત્યારે ન હતો દિવસ, ન હતી રાત, ન સાંજ હતી, ન સવાર હતી. ન કોઈ બોલાવનાર હતું, ન કોઈ પિછાણનાર હતું. એમ જ, અમે જઈને ત્યાં ખડા થઈ ગયા. અને એ, એ તો ત્યાં જ હતા. એ કોણ હતું? કોણ હતા?

અને પછી અમે જોયું એ કોણ હતું, કોણ હતા.

જાણે કે આખું જગત મટી ગયું હતું અને તોપણ એક જગત ત્યાં હતું. અને એ નવા જગતમાં અમે ગામડિયા જેવા હતા. અમારી આજ સુધીની વિદ્યા. અમારો અનુભવ, બુદ્ધિ, કશું કામનું ન હતું. જાણે કે અમે ફરી પાછા બાળક બની ગયા છીએ. અમારા જીવનનો આખોયે ભાર જાણે કે મન પરથી ઉઠાવી લેવાયો હતો. અને બાળક જેવા અમે નીકળી પડ્યા. નીકળ્યા અને જોઈએ છીએ તો બધા જ રસ્તા એકસરખા છે. ન ક્યાંય વળાંક છે, ન કયાંય ગલીકુંચી છે. રસ્તામાં નથી ઝાઝી સંકડાશ, નથી ઝાઝી મોકળાશ, એક સીધી લીટી ચાલી જાય છે. લીટીઓ જ લીટીઓ. એકબીજીને મળતી, કાપતી, ઓળંગતી ચાલી જાય છે. અને અમે ઊભા રહી ગયા. આ શું કોઈ સંકેત છે? કે માત્ર સંયોગ જ છે? આવું શહેર કેમ બનાવ્યું હશે? એકે જૂની રીતરસમ રહી નથી. ક્યાંય ભૂલા પડવાનો ભય નથી, કયાંય ગુમ થવાનો હવે ડર નથી. સીધા રસ્તે ચાલ્યા જાઓ, નથી કોઈ અંધારગલી. નથી કોઈ ઊંડા ખાડા. નથી ક્યાંય ઊંચા ઢાળ, ન નીચાં ઉતરાણ. બધા જ માર્ગ સૂર્યના ખુલ્લા પ્રકાશમાં ચોખેચોખ્ખા પડેલા છે. ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ. હવે યાત્રા બહુ સહેલી બની ગઈ છે. સરળ બની ગઈ છે. અને આ સરળતાએ જ અમને મૂંઝવી દીધા. ગલી કૂંચીઓથી ટેવાયેલાને માટે આ સીધા માર્ગ વસમા નીવડ્યા. આ તો બધું જ સરખું લાગે છે. જવું છે ત્યાં કઈ રીતે જવાશે? મૂંઝાઈને અમે એક મકાનના ખૂણા આગળ અટકી ગયા. કોઈ આવતું ન હતું, જતું ન હતું. શું જનારા બધા જતા રહ્યા હશે? અમે મોડા પડ્યા છીએ? રામ રામ! અને એટલામાં જ ખૂણા પાછળથી એક સ્ત્રી નીકળી. અમે પૂછીએ ન પૂછીએ એ પહેલાં તો એ બોલી ઊઠી ‘એઇ દિકે!' એ શું બોલી તે અમને કાંઈ સમજાયું નહિ. કાંઈ બોલ્યા વિના એની પાછળ પાછળ અમે ચાલવા લાગ્યા. વગર પૂજ્યે જ અમને થઈ ગયું હતું કે એ જ્યાં જાય છે ત્યાં જ અમારે જવાનું છે. અને એને જોતાં જોતાં, એનો વિચાર કરતાં અમે ચાલવા લાગ્યા. એ શું બોલી હતી? એ કઈ ભાષા હતી? એ કોણ હતી? ક્યાંની રહેનારી હતી? કાંઈ સમજાયું નહોતું. તોય એની પાછળ પાછળ અમે જઈ રહ્યા હતા. કોઈ ઊંડો સાદ કહેતો હતો, ચાલ્યા આવો. અને અમે ચાલવા લાગ્યા હતા. અને એ અમારી આગળ આગળ ચાલતી હતી. હાથમાં સફેદ ફૂલોનો એક હાર લટકતો હતો અને એ જતી જતી પાછળ ચમેલીની મીઠી લહર મૂકતી જતી હતી. એ ચાલ્યે ગઈ, ચાલ્યું જ ગઈ. એક રસ્તો મૂક્યો, બીજો મૂક્યો, ત્રીજો મળ્યો. અરે ક્યાં સુધી, ક્યાં સુધી? અને એકાએક ઓચિંતી તે રસ્તાના એક ખૂણા પાછળ વળી ગઈ. અને વળતાં વળતાં એણે પાછળ એક નજર નાખી. ઘડીક અટકી અને અમારા ભણી જોઈને બોલી ‘આશુન, એઈ દિકે.’ અને અમે કાંઈ વિચારીએ તે પહેલાં તો તે અલોપ થઈ ગઈ. દિઙ્‌મૂઢ થઈ અમે અટકી પડ્યા. હવે? બેચાર ક્ષણ ઉદાસ જેવા ઊભા રહ્યા. બેચાર ક્ષણ પછી ચાલવા લાગ્યા. અને જોયું તો ત્યાં ખૂણાની પાસે જ દરવાજો હતો. દરવાજામાં અમે પેઠા ને તરત જ તે બંધ થઈ ગયો. આવનાર બધા આવી ગયા હતા. અમે પણ આવી ગયા હતા. દરવાજો બંધ થયો અને એક નવી જ સૃષ્ટિ અંદર શરૂ થઈ.

નવી સૃષ્ટિ. જૂની સુષ્ટિની બધી વસ્તુઓ અહી હતી, તોપણ આ નવી સૃષ્ટિ હતી. અહીં પણ માણસો હતાં, વસ્ત્રો હતાં, આભૂષણ હતાં, હાસ્ય હતું, ફૂલ હતાં, ગગંધ હતી, હવાની લહરી હતી, પ્રકાશની વર્ષા હતી, આકાશની ગભીરતા હતી, આંખોની આતુરતા હતી, હૃદયની જવાલા હતી. અને છતાં અહીં કોઈ નવી ચીજ હતી. માણસો હતાં પણ તે નવાં માણો હતાં, વસ્ત્ર નવાં હતાં, ફૂલ નવાં હતાં, સુગંધ નવી હતી. હવા નવી હતી, નવી આતુરતા અને નવી જવાલા હતી. લોકોનો એક પ્રવાહ એક મહા ગાંભીર્યથી ચાલતો હતો. અમે પણ એમાં પ્રવેશ્યા, ચાલવા માંડ્યા, વહેવા માંડ્યા. આ બધા ક્યાં જાય છે? ન કોઈ બોલે છે, ન કોઈ પૂછે છે. બધા જાણે કે પોતે ક્યાં જાય છે. ક્યાં, ક્યાં? અહીં તો કોઈ મંદિર નથી, દેવ નથી, પૂજા નથી, આરતી નથી. નથી પ્રવચન, નથી ઉપદેશ. નથી, ભજન, નથી કીર્તન. નથી તપ, નથી જ૫. નથી મંત્ર, નથી તંત્ર. અહીં કેવલ એ જ છે... કેવલ એ જ છે...

શાંત પ્રશાંત, ગભીર સુગભીર, પ્રસન્ન સુપ્રસન્ન એ માનવ-સરિતાના પ્રવાહમાં અમે પણ ચાલતા હતા, વહેતા હતા. સૌના હાથમાં હાર હતા. ફૂલ હતાં. જાણે કે એક ફૂલોની, રંગોની નદી વહી રહી છે અને એ નદીમાં દૂર દૂર આગળ એ પણ હતી, પેલી ચમેલીની લહરવાળી. સફેદ ફૂલની માલા એના હાથમાં ઝૂલતી હતી. એણે મોઢું ફેરવ્યું. અમને જોયા, ઓળખ્યા અને આંખો ઝુકાવી લીધી, એવી કે જાણે અમને કદી જોયા જ નથી. અને એ પણ ચાલવા લાગી. એની પોતાની લગનીમાં... અને સૌ કોઈ પોતાની લગનીમાં, પોતાની લગનમાં મગન હતું. પાસેનું પાસેનાને જોતું ન હતું. સૌ કોઈ બીજાને જ જતાં હતાં.

અને અમે પણ એ ‘કોઈ બીજા’ને જોયા... અને અમે જોયું કે અમારી વરાળ વર્ષની ધારા બની તેમનાં ચરણોમાં ધસી રહી છે, અમારી આંધીની ધૂળ ફૂલોની સુગંધ બની છવાઈ રહી છે. ફેલાઈ રહી છે, ઊડી રહી છે. અને હવે અમે જોયું, જાણ્યું કે અમારા સંન્યાસી મિત્રે સંન્યાસનો ન્યાસ શા માટે કરી લીધો હતો, અમારા પ્રેમી મિત્રે શા માટે પ્રિયાનો પરિહાર કર્યો હતો, શા માટે અમારો ધનવાન મિત્ર ધનથી ભાગી નિર્ધન બની ગયો હતો. શા માટે હું ડાહ્યો માણસ પાગલપણાનું ગાન ગાતો હતો... અમારો અપૂર્ણ કુંભ હવે અમૃતથી ભરાઈ રહ્યો હતો... અમારા સંન્યાસના વિરાગને એક મહા અનુરાગ ભરી દીધો હતો. અમારા પ્રકાશના અંધકારને એક પરમ પ્રકાશ સળગાવી દીધો હતો. અમારા ધનની દરિદ્રતાને એક મહાલક્ષ્મીએ ફિટાવી દીધી હતી. અમારા પ્રેમની પામરતાને એક મહા પ્રેમિકાએ પલટાવી દીધી હતી. અમારા જીવનની નિષ્ઠુરતાને એક કરુણામયીએ ઓગાળી નાખી હતી. ત્યાં હતી એક જગને જગાવનારી જ્યોતિ, સૃષ્ટિને સજાવનારી લક્ષ્મી, અંધકારને ઓગાળનારી આગ. ત્યાં એક નવી સૃષ્ટિ હતી, અને એ સૃષ્ટિના સરજનહાર બ્રહ્મા હતા.

અને અમે એ જ રસ્તા ઉપર પાછા ચાલતા હતા. પણ હવે અમે એકલા ન હતા. અનેક હતા. અને એ અનેકોમાં પેલી પણ હતી, ચમેલીવાળી. અમને જોઈ તે ચમેલી જેમ હસી અને બોલી ‘ક્યોં બાબૂજી, અપને મકાનકા રાસ્તા અબ તો મિલેગા ન?’ ‘હાં, મિલેગા.’ અમે જવાબ આપ્યો અને જ્યાંથી સૌ કોઈ આવી રહ્યું હતું તે દિશા તરફ હાથ બતાવીને અમે બોલ્યા. હસતા હસતા ‘એઈ દિકે?' અને એ પણ હસી, અને બોલી ‘સેઇ દિકે...' [‘તારિણી']