સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યજ્ઞેશ દવે/અશરીરીનાં અનેક રૂપ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વરસો પહેલાં દ્વારકા ગયો ત્યારે એક વિદ્વદ્જનની ખબર કાઢવા દરિયાકાંઠે આવેલી સરકારી હોસ્પિટલે ગયેલો. એક તો ઓખામંડળ પ્રદેશ છેવાડાનો ને અંતરિયાળ. સપાટ ખારોપાટ. દ્વારિકાધીશની દ્વારિકામાં પણ એક જાતના ખાલીપાનો અનુભવ થાય. ચિત્ત ‘મહાભારત’કાલીન સુવર્ણ દ્વારિકાની ઝંખના કરે ને આંખ સૂકી સોરાતી દ્વારિકા સામે ધરે. મહાભારતનું ભીષણ કરુણ યુદ્ધ, યાદવાસ્થળી, કૃષ્ણે લીલા સંકેલી લીધા પછી અસહાય અર્જુન સામે જ લૂંટાતી સ્ત્રીઓ, એક આખો વિષાદલોક સામે આવી જાય અને ચિત્ત વિષણ્ણ થઈ જાય. આવા મનોભાવ સાથે જ એ હોસ્પિટલની મુલાકાત. સુમસામ કોરિડોર, ભેજમાં કટાયેલી જાળીઓ, સળિયાઓ અને ઉપરથી કશોક અજંપાભર્યો, સૂનકારમાં સૂનકાર જગાવતો, સોરાતો હૂહૂહૂ કરતો પિશાચી પવન, ચિચવાતાં અથડાતાં બારણાંઓ. આજેય યાદ કરું છું ને લખલખું આવી જાય છે. ‘હોરર’ ફિલ્મોથી થોડો ડર લાગે ને છતાં જોવાની ઇચ્છા થાય તેમ, આજેય મોકો મળ્યે પવનનું એ ભયાવહ રૂપ માણવા દ્વારિકા જાઉં છું. | વરસો પહેલાં દ્વારકા ગયો ત્યારે એક વિદ્વદ્જનની ખબર કાઢવા દરિયાકાંઠે આવેલી સરકારી હોસ્પિટલે ગયેલો. એક તો ઓખામંડળ પ્રદેશ છેવાડાનો ને અંતરિયાળ. સપાટ ખારોપાટ. દ્વારિકાધીશની દ્વારિકામાં પણ એક જાતના ખાલીપાનો અનુભવ થાય. ચિત્ત ‘મહાભારત’કાલીન સુવર્ણ દ્વારિકાની ઝંખના કરે ને આંખ સૂકી સોરાતી દ્વારિકા સામે ધરે. મહાભારતનું ભીષણ કરુણ યુદ્ધ, યાદવાસ્થળી, કૃષ્ણે લીલા સંકેલી લીધા પછી અસહાય અર્જુન સામે જ લૂંટાતી સ્ત્રીઓ, એક આખો વિષાદલોક સામે આવી જાય અને ચિત્ત વિષણ્ણ થઈ જાય. આવા મનોભાવ સાથે જ એ હોસ્પિટલની મુલાકાત. સુમસામ કોરિડોર, ભેજમાં કટાયેલી જાળીઓ, સળિયાઓ અને ઉપરથી કશોક અજંપાભર્યો, સૂનકારમાં સૂનકાર જગાવતો, સોરાતો હૂહૂહૂ કરતો પિશાચી પવન, ચિચવાતાં અથડાતાં બારણાંઓ. આજેય યાદ કરું છું ને લખલખું આવી જાય છે. ‘હોરર’ ફિલ્મોથી થોડો ડર લાગે ને છતાં જોવાની ઇચ્છા થાય તેમ, આજેય મોકો મળ્યે પવનનું એ ભયાવહ રૂપ માણવા દ્વારિકા જાઉં છું. |
Latest revision as of 05:57, 27 September 2022
વરસો પહેલાં દ્વારકા ગયો ત્યારે એક વિદ્વદ્જનની ખબર કાઢવા દરિયાકાંઠે આવેલી સરકારી હોસ્પિટલે ગયેલો. એક તો ઓખામંડળ પ્રદેશ છેવાડાનો ને અંતરિયાળ. સપાટ ખારોપાટ. દ્વારિકાધીશની દ્વારિકામાં પણ એક જાતના ખાલીપાનો અનુભવ થાય. ચિત્ત ‘મહાભારત’કાલીન સુવર્ણ દ્વારિકાની ઝંખના કરે ને આંખ સૂકી સોરાતી દ્વારિકા સામે ધરે. મહાભારતનું ભીષણ કરુણ યુદ્ધ, યાદવાસ્થળી, કૃષ્ણે લીલા સંકેલી લીધા પછી અસહાય અર્જુન સામે જ લૂંટાતી સ્ત્રીઓ, એક આખો વિષાદલોક સામે આવી જાય અને ચિત્ત વિષણ્ણ થઈ જાય. આવા મનોભાવ સાથે જ એ હોસ્પિટલની મુલાકાત. સુમસામ કોરિડોર, ભેજમાં કટાયેલી જાળીઓ, સળિયાઓ અને ઉપરથી કશોક અજંપાભર્યો, સૂનકારમાં સૂનકાર જગાવતો, સોરાતો હૂહૂહૂ કરતો પિશાચી પવન, ચિચવાતાં અથડાતાં બારણાંઓ. આજેય યાદ કરું છું ને લખલખું આવી જાય છે. ‘હોરર’ ફિલ્મોથી થોડો ડર લાગે ને છતાં જોવાની ઇચ્છા થાય તેમ, આજેય મોકો મળ્યે પવનનું એ ભયાવહ રૂપ માણવા દ્વારિકા જાઉં છું. પવન આમ તો અશરીરી વિદેહી, છતાં તેનાં જ અનેક રૂપ. એકબીજાથી સાવ નોખાં નિરાળાં. શિયાળાની ઠંડીમાં તીક્ષ્ણ નહોરિયા ભરાવતો, ઉનાળામાં ધૂળ ઉડાડતો, મધ્યાહ્નની આહલેક જગાવતો, સાંજે હળુ હળુ વાતો, ચોમાસામાં વાછંટ ઝાપટાં સાથે આકાશમાં ધારાવસ્ત્ર લહેરાવતો, દરિયાકાંઠે સુસવાતો, સરૂવનમાં ઓરાતો, આકડાના ડોડાનું રૂ ઉડાડતો, રણની રેતમાં ઓકળિયાળી ભાત પાડતો, પીપળાનાં પાન ખખડાવતો, ખખડાવીને ગુમ થઈ જતો, બારીની તિરાડમાંથી ધારદાર બની સુસવાતો, બાળકની જેમ ઊડતાં વસ્ત્રોમાં લપેટાઈ બાઝી પડતો પવન... પવનનાં તો આવાં કેટલાંય રૂપ. બાળકની રંગબેરંગી ફરકડી, ફડફડતી લહેરાતી ધજા, ફુલાયેલો શઢ, ફરફરતો પાલવ, ફરફરતું સાફાનું છોગું, નમણા ચહેરા પર વહેતી શ્યામલ લટો, ઘેલી થઈ નાચતી લીમડાની ચમરીઓ, એક લહેરખીએ ગરનાળા નીચે વરસતો પીળી પાંખડીઓનો વરસાદ, દીવાની થરકતી જ્યોત, સામા પવને ઊડતો એક સાહસી કાગડો.,.. કેટકેટલુંય યાદ આવે. યાદ આવે છે ‘પથરે પાંચાલી’નું એક દૃશ્ય. બિભૂતિભૂષણે લખેલું નહીં, સત્યજીત રાયે આલેખેલું. બાળ અપુ અને તેની કિશોરી બહેન સીમમાં રમવા જાય છે. વર્ષાઋતુના દિવસો. માથોડાં ઊચાં કાશફૂલોના રેશમી ગુચ્છો લહેરાઈ રહ્યા છે. ધુમાડાનો લિસોટો આંકતી એક ટ્રેન પસાર થઈ જાય છે. એ આખું દૃશ્ય અને તેમાં પવનમાં ડોલતા ધવલ કાશગુચ્છોનું શ્વેત શ્યામ આયોજન કથાપ્રવાહની સાથે જ અંકિત થઈ ગયું છે. પવનનાં અનેક રૂપો જાપાની હાઈકુમાં ડોકાય—સૂક્ષ્મથી માંડી રૌદ્ર સુધી. એ પવન પાર્વતી નદીના ધસમસતા પ્રવાહમાં તરાપામાં વહેતા સાહસવીરો પર ચેરી પાંખડીઓનો અભિષેક કરતો હોય, કોઈક દુકાનમાં પેપરવેઇટ નીચે દબાયેલી રંગીન ચોપડીનાં પાનાં ઉત્સુકતાથી ઉથલાવતો હોય, પૂર્વમાંથી વળી ખરેલાં પાંદડાંરૂપે પશ્ચિમમાં પૂંજીભૂત થતો હોય, સાવ આછી ફરકતી પ્રભાતી લહેરખીરૂપે કોશેટા ઈયળની સૂક્ષ્મ રોમાવલિ ફરકાવતો હોય કે ક્યાં ક્યાંથી રમીને આવતું બાળક દોડતું આવી માના ખોળામાં પડતું મૂકી ઢબુરાઈ જાય તેમ દોડતો આવી કિમોનોની બાંયમાં લપાઈ સૂઈ જતો હોય. જાપાનના પવિત્ર પર્વત ફ્યુજિયામાની યાત્રાએ ગયેલા કવિ બાશોને એ યાત્રાની સ્મૃતિરૂપે કશુંક લઈ જવા જેવું લાગ્યું તો એ લહેરખીઓને. તેને થયું કાશ, આ લહેરખીઓને વીંટાળી ઘરે લઈ જઈ શકાત! બે વરસ પહેલાં કચ્છની નાનકડી યાત્રા થઈ હતી. વાંકાચૂંકા ડુંગરાળ રસ્તે કાર છેક પહોંચી કાળા ડુંગર પર. એક તરફ ભૂખરા ડુંગર ને બીજી તરફ સફેદ રણ. એ દૃશ્ય સાથે જ જોડાઈ ગયો છે ત્યાંનો નિરંતર વાતો ફફડતો પવન. ઘેલો ઉતાવળો એવો કે અમે જતા રહેશું એ આશંકાએ વળગી વળગીને કાનમાં કશુંક કહ્યા જ કરે. તમે ધ્યાન દો, ન દો; તે તો કાનમાં કશુંક કહ્યા જ કરવાનો. ત્યારે મનેય બાશોની જેમ થયું, કાશ, એ પવન અહીં લાવી શકાત! પવનના દૃશ્યરૂપ જેવું જ અપાર વિવિધતા ભરેલું પવનનું ગંધરૂપ. પારિજાતની માદક ગંધ હોય, દૂર ક્યાંક પડેલા વરસાદની માટીની ગંધ હોય કે લોબાનનો ઘેઘૂર ધૂપ, પવન બધે વહેંચવા નીકળવાનો. મોગરાની સુગંધની પાલખી લઈ ફરનારો પવન, રસ્તા પર મરેલા કૂતરાની સડતી ગંધ, ઊભરાતા જાજરૂની ગંધ કે સુકાતી માછલીની ગંધને એમ ન કહે, ‘આ સવારી તારા માટે નથી.’ પવન તો તે ગંધનેય પીઠ પર બેસાડી તેને સહેલ સફર કરાવે. માનવ શ્વાસ એય પવનનું જ રૂપ. યાદ આવી ગયું એક ભજન ‘કિસને બનાયા પવન ચરખા’. માનવદેહ હવાની અદૃશ્ય પૂણીમાંથી શ્વાસ-ઉચ્છ્વાસના તાર અહર્નિશ કાંત્યા કરે. એ શ્વાસના તાંતણે જીવન ટકી રહ્યું હોય. એ તાંતણો તૂટ્યો કે ખલાસ. ગમે તેવું પહાડ જેવું શરીર પણ ઢગલો થઈ જાય. શ્વાસની વાત નીકળી છે તો પૂછી લઉં. નાનું બાળક સૂતું હોય ત્યારે તેના નાનકડા નાકના ફોયણામાંથી શ્વાસની હળવી આવન-જાવન તેની છાતી પાસે હળવેકથી માથું રાખી સાંભળી છે? પવનની બીજી ભેટ નાદની. કંઈ કેટલાય કંપ, અનુકંપ, રણન અનુરણન, ગીતસંગીત પવન વહી લાવે. મોડી રાતે અગાશીમાં વાંચતાં વાંચતાં દૂર ક્યાંકથી આવતો ભજનમંડળીનો સૂર સંભળાય છે. એ સૂર કોઈક અસ્ફુટ અધ્યાત્મ ભાવમાં ડુબાડી દે છે. પવનની દિશા બદલાતાં એ સૂર સંભળાતા બંધ થઈ જાય છે. પણ ચિત્ત ક્યાંય સુધી એ ભાવમાં લીન રહે છે. ક્યારેક મોડી રાતે દૂરથી રેડિયો પરથી કોઈ ગીત પવન વહી લાવે છે. એની પરિચિત ધૂન વચ્ચે વચ્ચે પરખાતા પરિચિત શબ્દો... ને પવન તે ગીતને કોઈ બીજા ઘાયલ માટે લઈ જાય છે. ગીતનું મુખડું જોયું ને અંતરા અંતર્ધાન—ચિત્ત એ અંતરાને શોધ્યા કરે છે. પવનને કેટકેટલું કહેવું હોય છે? દૂર દૂરથી ઊડેલો ક્લાંત પવન જરા વિસામો લે છે પીપર, પીપળા, આંબલી, જાંબુ કે રાયણની ટગડાળે. ત્યાં બેસી નિરાંતે તેનાં પીંછાં પસવારે છે ને તેનાં પીંછાંમાંથી ખરે છે તેના ભ્રમણદેશોની ગંધ. બાળગોઠિયા પવને દાદા બનીને પોરબંદર દરિયાકિનારે મારા એકાંતઘેર્યા કલાકોમાં કાનમાં કેટકેટલીય વાતો કહી છે: અરેબિયન નાઇટ્સ, હારૂન અલ રશીદ, સિંદબાદ, આફ્રિકા, ઘન જંગલ, નાઇલ, ઇજિપ્ત, પિરામિડ અને સહરાની. આજેય ક્યારેક મારા ગોઠિયા એ પવનનો અહાંગળો લાગે છે ત્યારે શહેરથી દૂર કોઈ નાનકડી ટેકરી પર જઈને બેસું છું. ત્યારે ટેકરી પરના ઘાસની ફણગીઓ ડોલાવતો પવન મારી કાનની બૂટ પાસે ફરફરતો કંઈ કેટલુંય કહ્યા કરે છે. એ વાતો હું ધરાઈને સાંભળું છું. હુંય તેની યાત્રાથી સંચિત થાઉં છું ને મારા એક અંશને તેની સાથે વહાવી દઉં છું. પાછો આવું છું ત્યારે હુંય પવનની જેમ હળુ હળુ હલકો વાતો હોઉં છું. [‘રૂપલબ્ધિ’ પુસ્તક: ૨૦૦૪]