સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/રવીન્દ્રનાથની ચિંતન-કણિકાઓ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 42: Line 42:
પૃથ્વી પર સૌથી મોટી જે વસ્તુઓ આપણને મળે છે તે વગર કિંમતે જ મળતી હોય છે. પણ આપણે કિંમત ચૂકવવી પડતી નથી માટે તે વસ્તુનું મૂલ્ય આપણે પૂરેપૂરું સમજી શકતા નથી. મૂલ્યવાન વસ્તુની પ્રાપ્તિ ત્યારે જ સૌભાગ્ય ગણાય, જ્યારે તેનું મૂલ્ય સમજવાની થોડીઘણી શક્તિ આપણામાં આવી હોય. કોઈ વસ્તુની ખોટનો સાચો અનુભવ થયા પહેલાં જ જો તે આપણને મળી જાય, તો પામવાનો આનંદ અને સફળતા બંનેથી આપણે વંચિત રહીએ છીએ.
પૃથ્વી પર સૌથી મોટી જે વસ્તુઓ આપણને મળે છે તે વગર કિંમતે જ મળતી હોય છે. પણ આપણે કિંમત ચૂકવવી પડતી નથી માટે તે વસ્તુનું મૂલ્ય આપણે પૂરેપૂરું સમજી શકતા નથી. મૂલ્યવાન વસ્તુની પ્રાપ્તિ ત્યારે જ સૌભાગ્ય ગણાય, જ્યારે તેનું મૂલ્ય સમજવાની થોડીઘણી શક્તિ આપણામાં આવી હોય. કોઈ વસ્તુની ખોટનો સાચો અનુભવ થયા પહેલાં જ જો તે આપણને મળી જાય, તો પામવાનો આનંદ અને સફળતા બંનેથી આપણે વંચિત રહીએ છીએ.
{{Right|(અનુ. નગીનદાસ પારેખ)}}
{{Right|(અનુ. નગીનદાસ પારેખ)}}
<br>
{{Right|[‘શાંતિનિકેતન’ : પુસ્તક]}}
{{Right|[‘શાંતિનિકેતન’ : પુસ્તક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 11:34, 27 September 2022


સવારના પહોરમાં તો, પ્રભાતનો પ્રકાશ પોતે જ આવીને આપણી ઊંઘ ઉડાડી દે છે. પરંતુ સંધ્યા સમયની આપણી મૂર્ચ્છા કોણ ઉતારશે?

*

આપણા ઉપાસનાના મંત્રામાં આવે છે : સુખકરને નમસ્કાર, કલ્યાણકરને નમસ્કાર. પણ આપણે તો સુખકરને જ નમસ્કાર કરીએ છીએ, કલ્યાણકરને હંમેશાં નમસ્કાર કરી શકતા નથી. કલ્યાણકર તે કંઈ કેવળ સુખકર જ નથી હોતું, તે દુઃખકર પણ હોય છે.

*

ધની વિલાસી લોકો પોતાની બધી મહેનત બચાવીને કેવળ આરામમાં જ મગ્ન રહે છે. એથી તેઓ પોતાને પાંગળા બનાવી મૂકે છે. જે બધી શક્તિઓ લઈને તેઓ જન્મ્યા હોય છે, તે ઉપયોગને અભાવે પૂરો વિકાસ પામી શકતી નથી, ચીમળાઈ જાય છે, વિકૃત થઈ જાય છે.

*

આ પૃથ્વી પર આવીને જે મનુષ્યે દુઃખ ન જોયું, તેને ઈશ્વર તરફથી તેનો પૂરો હિસ્સો ન મળ્યો, તેનું ભાથું ઊણું રહી ગયું સમજવું.

*

જગતમાં આપણો આ દુઃખનો હિસ્સો સંપૂર્ણ ન્યાયસંગત હોય જ, એવું બનતું નથી. જેને આપણે અન્યાય ગણીએ, તેનો પણ યોગ્ય રીતે સ્વીકાર કરી શકીએ, એવું આપણામાં સામર્થ્ય હોવું જોઈએ.

*

દુનિયામાં આપણે ભાગે જે સુખ આવે છે, તે પણ શું બરાબર હિસાબસર આવે છે? ઘણી વાર આપણે ગાંઠથી જે દામ ચૂકવીએ છીએ તેના કરતાં વધારે ખરીદ કરી બેસતા નથી? પણ ત્યારે તો આપણે કદી એવો વિચાર કરવા નથી બેસતા કે આપણે એને લાયક છીએ કે નહીં. તો ન્યાય-અન્યાયનો વિચાર શું માત્રા દુઃખને વખતે જ મેળવવાનો? બરાબર હિસાબસર તો જીવનમાં કોઈ જ વસ્તુ આપણને મળતી હોતી નથી.

*

ગ્રહણ અને વર્જનની મારફતે જ આપણા આ પ્રાણની ક્રિયા ચાલતી હોય છે. આપણી બુદ્ધિનો, આપણા સૌંદર્યબોધનો, ખરું જોતાં આપણી સમસ્ત શ્રેષ્ઠતાનો મૂળ ધર્મ જ એ છે કે તે માત્રા લેશે જ નહીં, ત્યાગ પણ કરશે.

*

જીવનમાં ન્યાયની સાથે અન્યાય પણ ભળેલો હોય, એ આપણા ચારિત્રયને માટે અત્યંત આવશ્યક છે. નિશ્વાસ-પ્રશ્વાસની ક્રિયાની પેઠે આપણા ચારિત્રયમાં એવી એક સ્વાભાવિક શક્તિ હોવી જોઈએ, જેથી આપણું જે હોય તેટલું અનાયાસે આપણે ગ્રહણ કરીએ, અને જેટલું ત્યાજ્ય હોય તેટલું વિના ક્ષોભે ત્યાગી શકીએ.

*

રોજ આપણે જે ઉપાસના કરીએ છીએ, તેની મદદથી દરરોજ આપણે ત્યાગ માટે થોડા થોડા તૈયાર થતા રહીએ છીએ. તૈયાર થયા વગર છૂટકો જ નથી, કારણ સંસારમાં એક ત્યાગનો ધર્મ છે તે આપણને ક્યાંય ઊભા રહેવા દેવા માગતો નથી. તે કહે છે, સતત છોડવું પડશે અને આગળ વધવું પડશે.

*

આપણે એવી રીતે ચાલવું જોઈએ કે સંસાર કોઈ વાર એવું ન કહેવા પામે કે, તારી પાસેથી છીનવી લઈશ; પણ આપણે જ કહી શકીએ કે હું ત્યાગ કરીશ. એ ત્યાગ દ્વારા આપણે દરિદ્ર થઈ જઈશું, એવું માનવાનું નથી. પૂર્ણતર રીતે પામવાને માટે જ આપણો એ ત્યાગ હોય છે. આપણે જગતમાં બદ્ધ હોઈએ છીએ ત્યારે જગતને જોઈ શકતા નથી, જે મુક્ત થયો છે તે જ જગતને જાણે છે, જગતને પામે છે.

*

ત્યાગ એ શૂન્યતા નથી — અધિકારની પૂર્ણતા છે. સગીર જ્યારે સંપત્તિનો પૂરો અધિકારી નથી હોતો, ત્યારે તે દાન કે વેચાણ કરી શકતો નથી. તે વખતે તેને માત્રા ભોગનો ક્ષુદ્ર અધિકાર હોય છે — ત્યાગનો મહાન અધિકાર હોતો નથી.

*

કર્મના ક્ષેત્રામાં ત્યાગ અને લાભ વિરુદ્ધ કોટિનાં ગણાય છે. પણ પ્રેમમાં તો ત્યાગ અને લાભ એક જ હોય છે. જેના ઉપર આપણે પ્રેમ રાખીએ છીએ, તેને આપીએ તે જ આપણો લાભ. તેમાં આપવું અને પામવું એક જ છે.

*

પ્રેમ જ સંપૂર્ણ સ્વાધીન છે, અને પ્રેમ જ સંપૂર્ણ અધીન છે. આપણે કેવળ સ્વાધીનતા જ ઇચ્છીએ છીએ, એવું નથી. અધીનતા પણ આપણે ઇચ્છીએ છીએ. પ્રેમ જેટલો સ્વાધીન છે, તેટલું સ્વાધીન બીજું કશું નથી. વળી, પ્રેમની જે અધીનતા છે, તેના જેવી મોટી અધીનતા જગતમાં ક્યાં છે?

*

રોજ-રોજ આપણી ઉપાસનામાંથી આપણે માગી હતી શાંતિ. પરંતુ શાંતિ માગીએ એટલે શાંતિ મળી જતી નથી. તેના કરતાં બીજું ઘણું વિશેષ ન માગીએ, તો શાંતિની પ્રાર્થના પણ વિફળ જાય છે. દર્દી જો શાંતિ જ માગે — સ્વાસ્થ્ય ન માગે, તો શાંતિ પણ પામતો નથી, સ્વાસ્થ્ય પણ પામતો નથી. આપણને પણ એકલી શાંતિથી નહિ ચાલે, પ્રેમ જોઈશે.

*

આપણો સ્વાર્થ ભીતર તરફ ખેંચે છે, અહંકાર ભીતર તરફ ખેંચે છે — એટલા માટે જ બધી વસ્તુઓ અત્યંત ભારે લાગે છે. એ બોજ ઓછો ક્યારે થાય? પ્રેમ પ્રગટે ત્યારે. જ્યાં સુધી પ્રેમનું ખેંચાણ ન લાગે, ત્યાં સુધી શાંતિ કશા કામની નથી — ત્યાં સુધી તો અશાંતિનો અનુભવ થતો રહે, એ જ સારું છે. ત્યાં સુધી રોજ રાતે વેદના સાથે જ સૂઈએ, અને વેદના સાથે જ સવારે ઊઠીએ, તે સારું છે.

*

જ્યારે પ્રેમ નથી હોતો ત્યારે જ, હે સખા, અમે શાંતિને માટે પ્રાર્થના કરીએ છીએ. પરંતુ જ્યારે પ્રેમનો અભ્યુદય થાય છે ત્યારે જે દુઃખમાં, જે અશાંતિમાં તે પ્રેમની કસોટી થાય તે દુઃખને, તે અશાંતિને પણ માથે ચડાવી શકીએ છીએ. સુખનો દિવસ હોય કે આપત્તિનો, તારી સાથે મારું મિલન થયું — બસ, હવે મને કશી ચિંતા નથી; હવે હું બધું જ સહી શકીશ.

*

મારું મન કોઈ એવી વસ્તુ ઝંખે છે — જે મળતાં એ કહી શકે કે, આ મારું જીવનભરનું ભાથું મળી ગયું; હવે બીજા કશાની મારે જરૂર નથી. આ મૃત્યુલોકમાં એ અમૃતને આપણે ક્યાં પામીએ છીએ? જ્યાં આપણો પ્રેમ હોય છે ત્યાં.

*

પ્રેમની સાધના કરતાં જો રસના પ્રલોભનમાં ફસાઈ ગયા, તો પછી કેવળ રસસંભોગને જ આપણે સાધનાની ચરમ સિદ્ધિ માની બેસીએ. પછી એ નશાને જ રાતદિવસ જાગતો રાખીને આપણે કર્મને ભૂલી જઈએ છીએ, જ્ઞાનનો અનાદર કરીએ છીએ. એ રીતે તો આપણે આખા ઝાડને કાપી નાખીને ફૂલ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ.

*

જ્ઞાન, પ્રેમ અને શક્તિનું આપણામાં જેટલા પ્રમાણમાં પૂર્ણ મિલન થાય, તેટલા પ્રમાણમાં જ આપણે પૂર્ણ આનંદ અનુભવી શકીએ.

*

પૃથ્વી પર સૌથી મોટી જે વસ્તુઓ આપણને મળે છે તે વગર કિંમતે જ મળતી હોય છે. પણ આપણે કિંમત ચૂકવવી પડતી નથી માટે તે વસ્તુનું મૂલ્ય આપણે પૂરેપૂરું સમજી શકતા નથી. મૂલ્યવાન વસ્તુની પ્રાપ્તિ ત્યારે જ સૌભાગ્ય ગણાય, જ્યારે તેનું મૂલ્ય સમજવાની થોડીઘણી શક્તિ આપણામાં આવી હોય. કોઈ વસ્તુની ખોટનો સાચો અનુભવ થયા પહેલાં જ જો તે આપણને મળી જાય, તો પામવાનો આનંદ અને સફળતા બંનેથી આપણે વંચિત રહીએ છીએ. (અનુ. નગીનદાસ પારેખ)
[‘શાંતિનિકેતન’ : પુસ્તક]