સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઈશ્વર પેટલીકર/સબધો પાડોશી: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} અભરામનું ઘરભાડું અઢી વર્ષનું બાકી હતું છતાં, છેલ્લાં ચાલ...") |
No edit summary |
||
Line 42: | Line 42: | ||
બારણાને સાંકળ વાસતાં મારા હાથ કંપી ઊઠ્યા. ચાલીસ વર્ષનો અભરામ સાથેનો સંબંધ પૂરો થયો — કેવી કરુણ રીતે પૂરો થયો! કદાચ એ પાછો આવે તે આશામાં એ ઘર મેં અકબંધ રાખ્યું છે. ઊંઘમાં અવારનવાર ભણકારાય સંભળાય છે — કે અભરામ ડોસાએ બૂમ પાડી : “મોટા ભાઈ! તમારી દયાએ હેમખેમ આવી પૂગ્યો છું.” | બારણાને સાંકળ વાસતાં મારા હાથ કંપી ઊઠ્યા. ચાલીસ વર્ષનો અભરામ સાથેનો સંબંધ પૂરો થયો — કેવી કરુણ રીતે પૂરો થયો! કદાચ એ પાછો આવે તે આશામાં એ ઘર મેં અકબંધ રાખ્યું છે. ઊંઘમાં અવારનવાર ભણકારાય સંભળાય છે — કે અભરામ ડોસાએ બૂમ પાડી : “મોટા ભાઈ! તમારી દયાએ હેમખેમ આવી પૂગ્યો છું.” | ||
પરંતુ આજે એક વરસ ને એક માસ પૂરો થયો : મારી આશા ભણકારાથી આગળ વધી નથી! | પરંતુ આજે એક વરસ ને એક માસ પૂરો થયો : મારી આશા ભણકારાથી આગળ વધી નથી! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 06:12, 26 May 2021
અભરામનું ઘરભાડું અઢી વર્ષનું બાકી હતું છતાં, છેલ્લાં ચાલીસ વર્ષથી એ અમારો ભાડવાત છે એટલે, ઘર ખાલી કરવાનું કહેતાં મારી જીભ ઊપડતી ન હતી. મારા દાદા પાસે એણે ઘર ભાડે રાખેલું, અને તરત એ પહેલા મહાયુદ્ધમાં ભરતી થઈને એબીસીનીઆના મોરચે ગયો હતો. બે વરસે યુદ્ધ બંધ થતાં એ પાછો આવ્યો ત્યાં સુધી એની વીશ વર્ષની જુવાન વહુ ધાવણા બાળક સાથે એ ઘરમાં રહી હતી. આ, અને પછી કરેલી બીજી — એમ એની બે પત્ની એ ઘરમાં ગુજરી ગઈ. અને હાલ હયાત છે તે અમીના સાથે એ નિકાહ પઢી આવ્યો ત્યારે મારા પિતાએ એને ઠપકો આપવામાં બાકી રાખ્યો ન હતો. અમીના તે વખતે ૧૪ વરસની હતી, અને અભરામ ૪૫ વર્ષનો. આજે અમીના ૩૪-૩૫ વર્ષની છે. ચાર બાળકો હયાત છે, બે ગુજરી ગયાં છે; મોટી દીકરી ૧૨ વર્ષની છે, અને સૌથી નાની વરસેકની હશે. આજે મને પિસ્તાળીસ વર્ષ થયાં છે, એટલે નાનપણની મારી સ્મૃતિ જાગે છે ત્યારથી અભરામને મારા ઘરની સામે રહેતો જોયાનું ચિત્ર દેખાય છે. એ લડાઈમાં ગયો, અને તેની પ્રથમ પત્ની ફાતીમા એકલી રહેતી, તે સ્મરણ તો મને તાદ્રશ ખડું થાય છે. ફાતીમા કૂવે જાય કે તળાવે જાય, મને એના ધાવણા દીકરા ગનીની ભાળવણી કરી જતી. આમ તો ગનીને ઘોડિયામાં ઊંઘાડીને જ એ કામે જતી; પણ માનો જીવ : રખેને દીકરો જાગી ઊઠે, અને રડી મરે, એ બીકે ફાતીમા મને કહેતી : “ચંદરભાઈ, મારો ગની જાગેને, તો એને જરા હીંચકો નાખજોને, ભઈલા! હું તને સેવમમરા લેવા પૈસા આલીશ.” અને ગની ઊઠ્યો ન હોય, મેં હીંચકો ન નાખ્યો હોય, છતાં, એ જાગી ઊઠે તેની કાળજી રાખવા પૂરતો હું બેસી રહ્યો હોઉં તે પૂરતું ગણી, મને એ પૈસો — કોઈ વખતે બે પૈસા પણ આપતી. અને મને પાનનો શોખ લાગેલો એટલે, તે વખતે એક પૈસાનાં બે પાન મળતાં તે સામટાં બે હું મોઢામાં મારતો! ફાતીમા ગઈ, મરિયમ ગઈ, અને ૧૪ વર્ષની હસમુખી ને નમણી અમીના એ ઘરમાં આવી એ વખતે તો હું પચીસ વર્ષનો હતો. અસહકારની ચળવળને લીધે કૉલેજ છોડી જેલમાં ગયો હતો. પિતાએ તો મારી ભાવિ કારકિર્દીનાં કેવાંય સ્વપ્ન સેવ્યાં હતાં, એટલે એ ધૂળમાં મળતાં જોઈ એમણે ઓછાં રોષ અને દુઃખ અનુભવ્યાં ન હતાં. પરંતુ સ્વરાજ્યની ધૂનમાં ચડી ગયેલો હું જેલમાંથી છૂટીનેય કૉલેજમાં દાખલ ન થયો અને કોંગ્રેસની ચળવળમાં ચાલુ રહ્યો હતો; એટલે અમીના જેવી નાજુક, હસમુખી, કુમળી, કળીને કચડી નાખવાનો જરઠ અભરામને શો અધિકાર છે — માની મેં પિતાને કહેલું કે, આવા જંગલીને આપણા ઘરમાં રાખવો ન જોઈએ! એ ધૂનમાં ને ધૂનમાં મેં અમીનાને ઉશ્કેરવા પણ પ્રયત્ન કર્યો હતો : તું આ આધેડને પરણી શું કામ? તેં વિરોધ કેમ ન કર્યો? મુસલમાનોમાં તો તલ્લાક લેવાય છે; શું કામ તલ્લાક લઈ કોઈ નવજુવાનને ન પરણે? છેલ્લાં વીશ વર્ષથી હું અમીનાના જીવનનો સાક્ષી છું. એ બિચારી પરણીને આવી ત્યારથી અભરામની પડતી શરૂ થઈ હોય તેમ એ દુઃખી ને દુઃખી થતી ગઈ છે. છતાં એના મોં ઉપરથી પહેલાંનાં જેવું અમી-ઝરતું હાસ્ય અલોપ થયું નથી. ચાર બાળકો અને એ પોતે — એમ પાંચ જણનું એ શી રીતે રોડવતી હશે, તેની કલ્પના કરતાં હું ધ્રૂજી જાઉં છું. અભરામ રેલવે-ટ્રેનના સોડા-કમ્પાર્ટમેન્ટમાં નોકરી કરે છે, એટલે ઘેર આવતા નથી. બપોરે એક વખત એની મોટી દીકરી સ્ટેશને એને ભાતું આપવા જતી મારા જોવામાં અવારનવાર આવે છે. અભરામે એનું ચાલ્યું ત્યાં સુધી ભાડું ચડવા દીધું નથી; છતાં અઢી વરસથી બાકી ખેંચાયા કરે છે, એટલે ઘર કેમ ચાલતું હશે તેની પ્રતીતિ મનોમન થતી હતી. એમાં કોઈ કોઈ વખત મારી પત્ની સાહેદી પૂરતી : અમીનાનાં છોકરાં આજે બિલકુલ ભૂખ્યાં હતાં; મેં સાંજે જાણ્યું ત્યારે એને ઠપકો આપ્યો; ચોખા આપ્યા, લોટ આપ્યો અને રાંધેલું આપ્યું. હું યાદ દેવડાવતો : છોકરાંને કપડાં પણ આપવાં. પત્ની મારી બાઘાઈ ઉપર હસીને કહેતી : તમે શું જુઓ છો ત્યારે? એનાં છોકરાં આપણાં કપડાં જ પહેરે છે. ચડ્ડી-ખમીસ ખાદીનાં હોય છે તે ઉપરથી પણ નથી ઓળખી શકતા! છેલ્લે અમીનાને મેં ચારનો ભારો લઈને આવતી રસ્તામાં જોઈ ત્યારે શરમના માર્યા મેં મોં ફેરવી લીધું. મજૂરી કરતાં તો અગાઉ પણ મેં અમીનાને જોઈ હતી. આ લડાઈ પછી મજૂર મોંઘાં થયાં હતાં, એટલે ખેતરમાંથી ચારનો ભારો કાપી લાવ્યાની મજૂરી સારી મળતી હતી; એ કામ અમીના કરતી પણ ખરી — એને મજૂરી કરવામાં શરમ પણ ન હોવી જોઈએ. પરંતુ અમીના છઠ્ઠી સુવાવડમાંથી મહિના-દોઢ-મહિના ઉપર જ ઊઠી હતી. અકાળે વૃદ્ધ થઈ ગઈ હોય તેમ એનું શરીર ખખડી ગયું હતું. સુવાવડ વખતે મેં દવાખાનામાં દાખલ ન કરાવી હોત તો એ કદાચ આ વખતે બચત પણ નહિ. નવી સુવાવડની ઝંઝટમાં એને ફસાવું ન પડે માટે પ્રસૂતિ પછી ડૉક્ટરે ઓપરેશન કરી નાખ્યું હતું. મારો આભાર માનતાં મારી પત્નીને એ કહેતી : “મોટા ભાઈની દયાથી જ આ ફેરા બચી છું.” આવા શરીરે ચાર વહેવા જેવી કપરી મજૂરી અમીના કરે, એ જ બતાવતું હતું કે ઘરમાં ધાનનાં સાંસાં હોવાં જોઈએ. મેં તે સાંજે અમીનાને ટોકી; કહ્યું : “શું કામ તું શરમ રાખે છે? મને કહેતાં તને સંકોચ થાય, પણ ઘરમાં મોટી બહેનને કહેતાં તારે શું કામ શરમાવું જોઈએ?” અમીના : “અમારે તો દુઃખ આખી જિંદગીનું રહ્યું. તમે તો છેડો ઝાલતા આવ્યા છો — અને ઝાલો; પણ કાયમ દુઃખ રડતાં મારી જીભ કેમ કરી ઊપડે?” મને અભરામ ઉપર ચીડ ચડી : એ અક્કર્મીએ પાછલી ઉંમરે લગ્ન કર્યું ન હોત તો આ દુઃખ આવત? ફાતીમાનો દીકરો ગની લારી લઈને કેળાં વેચવાનો ધંધો કરી એનું ઘર ચલાવતો હતો, તે બાપને પણ નિભાવી લેત. મરિયમની બે દીકરીઓ સાસરે હતી, એટલે એ બોજો ન હતો. પાંસઠ વર્ષની ઉંમરે અભરામમાં નોકરી કરવા જેવી શક્તિ પણ નહોતી રહી છતાં સોડા-કમ્પાર્ટમેન્ટમાં એની નોકરી ચાલુ હતી; તો પછી છોકરાંને ખાવાનાં સાંસાં શું કામ હોવાં જોઈએ? અભરામ કોઈ વખત ઘેર આવતો ત્યારે મારે ભેટો થતો નહિ, એટલે મેં એક વખત ગાડીમાં પકડયો; ઠપકો આપ્યો. એણે કહ્યું : “મારો પગાર અહીં પાંચ મહિનાથી ચડયો છે.” મેં સલાહ આપતાં કહ્યું : “તો નોકરી શું કામ છોડી દેતો નથી?” અભરામ : “નોકરી છોડીને શું કરું? આ ઉંમરે કોણ નોકરીમાં રાખે મને? હું થાકીને નોકરી છોડી દઉં તે માટે તો શેઠ પગાર આપ્યા વગર ટીંગાવે છે. એય છક્કાપંજામાં ગુમાવે છે, એટલે પગાર આપવાના પૈસા હોતા નથી.” મારી પાસે એનો ઉકેલ ન હોય તેમ મેં કહ્યું : “ખાલી હાથે પણ ઘેર આવે તો અમીનાને કેટલું આશ્વાસન મળે? એને દુઃખનો બળાપો હોય, અને તમે ખબર પણ ન કાઢો…’ અભરામે મારી સામેથી મોં ફેરવી લીધું. એની આંખમાં આંસુ આવી ગયાં તે મારી નજર બહાર ન હતું. આંસુ લૂછી નાખી મારા સામું જોતાં એ દર્દભર્યા અવાજે બોલ્યો : “મોટા ભાઈ! મને બૈરી-છોકરાં વહાલાં નથી એમ ન માનતા…” હું વચ્ચે જ બોલી ઊઠ્યો : “હું તમને નાનપણથી ઓળખું છું : તમે હેતાળ છો. છતાં હમણાં હમણાંના બેદરકાર બન્યા છો, માટે તો ઠપકો આપવાનો વિચાર આવ્યો.” અભરામે આ વખતે આંખમાં આંસુ આવ્યાં છતાં મોં ફેરવી ન લીધું; આંસુ લૂછ્યાં પણ નહિ. એણે ભારે સાદે કહ્યું : “મોટા ભાઈ! હું તમને બેદરકાર લાગતો હોઈશ; બીજાંને પણ લાગતો હોઈશ. પણ હું પહેલાં જેટલો જ હેતાળ છું. ઘરડો થયો છું, પહેલાં જેટલું જોમ નથી રહ્યું. એટલે કાયર થયો છું. બૈરા-છોકરાંનું દુઃખ જોયું જતું નથી, એટલે ‘ના દેખવું અને ના દાઝવું’ એમ મન મનાવું છું.” અને એણે મન મૂકીને મારી સમક્ષ રડી લીધું — હૈયું હળવું કરી લીધું. આ સ્થિતિમાં, અભરામ પાસે અઢી વર્ષનું ભાડું ચડયું હોય છતાં હું કડક થઈને ઉઘરાણી શી રીતે કરી શકું? ઘર ખાલી કરવાનું કહેતાં મારી જીભ પણ શી રીતે ઊપડે! જો કે ઘણાંએ સીધી યા આડકતરી રીતે અભરામને ખાલી કરાવવાનું સૂચન કરેલું છે. ભાડાની દૃષ્ટિએ નહીં — પણ વાણિયાના ઘર સામે મુસલમાન રહે તે કેવું બેહૂદું કહેવાય! સગાંસાગવાંમાં પણ કેવું નાલેશીભર્યું લાગે? શુભ પ્રસંગે સામે બારણે મુસલમાન શોભેય શી રીતે? મારા દાદાએ મુસલમાનને સામે બારણે ઘર ભાડે આપ્યું એ મોટી ભૂલ કરી હતી, એમ પણ કોઈ કોઈ કહેતું. એના જવાબમાં બા તે દિવસની સ્થિતિનો ખ્યાલ આપતાં કહેતી : દાદા કંઈ ગાંડા ન હતા. તે દિવસોમાં ગામને છેવાડે ઉજળિયાત વરણનું કોણ રહેવા આવતું હતું? આજે વસ્તી વધી, અને ઘરોની તંગી ઊભી થઈ; બાકી તે દિવસે ફળિયું એવું ઉજ્જડ લાગતું કે ધોળે દિવસે બીક લાગતી. અભરામ પડછંદ જુવાન હતો, એટલે ભીડને વખતે લાકડી લઈને નીકળે — એ ગણતરીએ દાદાએ એને સંઘર્યો હતો. વ્યાજવટાવનો ધંધો, એટલે ચોરી-ધાડની બીક પણ ખરી. સ્ટેશનથી આવતાં રસ્તામાં ધોળે દિવસે લૂંટી લેતા, તે દિવસોમાં અભરામને રાખી ડહાપણ કર્યું તેમ સૌ માનતાં. મેં અભરામને ઘર ખાલી કરવાનું કહ્યું ન હતું એ ખરું; પણ એણે જો ખાલી કર્યું હોત તો મને આનંદ થાત, એ ભાવ છુપાવું તો આત્મવંચના કરું છું એમ જ કહેવાય. મુસલમાન તરીકે એના પ્રત્યે મને સૂગ ન હતી. વળી એને માંસાહાર વર્જ્ય નહોતો, છતાં એણે અમારી લાગણી સમજીને ઘરે કોઈ દિવસ એ પકાવ્યું ન હતું. પરંતુ સામે બારણે એની ગરીબાઈ જોવી પડતી એ કાયરતામાંથી છૂટવા, અને એનાં અસંસ્કારી બાળકોનો મારાં બાળકોને પાસ ન બેસે તે સૂગે, હું મનથી ઇચ્છતો કે એ ખાલી કરી જાય તો સારું. પરંતુ કંઈક દયાથી અને કંઈક કાયરતાથી હું ક્યારેય એ ઇચ્છા વ્યક્ત કરી શક્યો ન હતો. તેમાંય અમીનાનું ગરીબ અને હસમુખું મોં નજરે પડતું ત્યારે થતું કે, જિંદગી સાથે હસીને લડી રહેલી બાઈને અસંસ્કારી શી રીતે કહેવી? …કે પડ્યા ઉપર પાટુ મારીને ઘર ખાલી કરવાનું શી રીતે કહેવાય? છતાં ઇન્કમટેક્સ ઑફિસર ઉપરનો રોષ હું અમીના ઉપર ઉતારી બેઠો. ઑફિસરે મારી સાચી આવકને માન્ય ન કરીને કેટલોય ખોટો આવક-વધારો કર્યો હતો. અભરામના ઘરના ભાડાની રકમનો પણ ઊભો થયો હતો. ઑફિસરે કહ્યું કે, તમને ભાડું ન મળ્યું હોય તો દાવો કરો; દાવો કર્યા પછી વસૂલ કરવાના પ્રયત્નો કર્યા છતાં ભાડું ઘલાત પડ્યું હોય તો જ આવકમાં મજરે મળે. આવો કોઈ પ્રયત્ન તમે કર્યો નથી, એટલે ઘલાત ભાડાની રકમ આવકમાં ગણાશે. અને એણે પાછલા અઢીય વરસનું ભાડું ચાલુ આવકમાં ગણી લીધું હતું. તે સિવાય પણ એણે બીજી મોટી આવક ગણી હતી, એટલે ‘અપીલ’માં જવાનું જ હતું. પરંતુ એના ઉપરનો રોષ અમીના ઉપર ઉતારતાં મેં ઘેર આવતાં અમીનાને કહ્યું : “હવે તમે ઘર ખાલી કરો. એક તો ભાડું ન મળે, અને ઉપરથી ઇન્કમટેક્સ ભરવો પડે. ડોબું ખોઈને ડફોળ બનવાનું કેમ પોસાય?” અમીના કંઈ જવાબ આપ્યા વિના મારા સામે તાકી જ રહી. જાણે હું બોલી રહ્યો હતો કે મારામાં પ્રવેશેલું કોઈ પ્રેત બોલી રહ્યું હતું — તેમ ઘડીભર એ વિમાસણમાં પડી ગઈ હશે. પરંતુ ઘરમાં દાખલ થઈ મેં કોટ ઉતાર્યો, એટલે મને બોલતો સાંભળી ગઈ હોય તેમ પાણી આપતાં દશ વર્ષની મારી દીકરી સુધાએ પૂછ્યું : “મોટા ભાઈ, અમીનામાસીને તમે શું કહેતા હતા?” મારું મગજ ઠેકાણે આવી ગયું હોય તેમ મેં મારી શરમ ટાળવા કહ્યું : “કંઈ નહિ, બેટા!” સુધા અમારા ઘરમાં ઘણી લાડકી છે; ચબરાક છે. મને પકડી પાડતાં એણે કહ્યું : “હું સાંભળી ગઈ છું. અમીનામાસી ઘર ખાલી કરીને ક્યાં જાય? અભરામકાકાની જેમ તમે ઘેર આવતા ના હો, અને બાને કોઈ કહે કે, તમે ઘર ખાલી કરીને જાવ, તો બા ક્યાં જાય?” મારી શરમ ઢાંકવા બીજા કામનો ઢોંગ કરી હું મોં ફેરવી ગયો. પાણીનો ખાલી પ્યાલો લઈને વિદાય થતાં સુધાએ મને પડકાર કર્યો : “મોટા ભાઈ, ફરીથી જો અમીનામાસીને એવું કહ્યું છે, તો હું અપવાસ કરીશ!” એના એ શબ્દો મારે કાને પડ્યા ત્યારે હું મેડે ચડી ગયો હતો. ગાંધીજીના ભીંતે ટિંગાયેલા ફોટા સામે નજર જતાં મારી આંખમાંથી, મોતીની સેર તૂટી પડે તેમ, આંસુ ટપકી પડ્યાં. એ પ્રસંગ બન્યા પછી હું અમીનાનો ગુનેગાર હોઉં તેમ બે દિવસ સુધી એના બારણા ભણી નજર કરવાની મારી હિંમત ન ચાલી. પરંતુ અઠવાડિયું વીતી ગયું ત્યારે મારું ધ્યાન ખેંચાયું કે એ હમણાંની બહાર દેખાતી ન હતી. પેલો પ્રસંગ ન બની ગયો હોત તો મેં સુધાને જ પૂછ્યું હોત. પરંતુ એને પૂછવાની હિંમત ન ચાલી એટલું જ નહીં, પણ એની ગેરહાજરીમાં મેં પત્નીને પૂછ્યું. એણે કહ્યું કે એ બીમાર છે, ત્યારે હું ખિજાઈ ઊઠ્યો : “તમે લોકો કેવાં જંગલી છો! હું પૂછું છું ત્યાં સુધી કોઈ કહેતું નથી. કંઈ દવા-સારવાર…” એમ બોલતો હું એને ઘેર દોડી ગયો. એની દીકરીએ કહ્યું કે, મોટાભાઈ આવ્યા છે, એટલે એ ખાટલામાં બેઠી થઈ ગઈ. મેં ઠપકો આપતાં કહ્યું : “પગે-મોંએ આટલા સોજા આવ્યા છે, તો મને કહેવું જોઈએ ને?” અમીના ધીમે સાદે બોલી : “મોટી બહેને કહ્યું હતું; પણ મેં જ ના પાડી. જીવવાની મારામાં હવે હામ રહી નથી. દવા મને જિવાડે એમ રહ્યું નથી; પછી તમને શું કામ હેરાન કરું?” તરત જ મેં ઘોડાગાડીમાં એને દવાખાને લીધી. મને ના તો ના કહેવાઈ, પણ મારી પત્ની દવાખાને ખબર કાઢવા ગઈ ત્યારે એણે કહ્યું : “મોટા ભાઈએ અહીં મોકલી છે તો સુખેથી મરીશ એટલું જ; જીવવાનું તો મન જ નથી.” મેં ડૉક્ટરને એની સ્થિતિ વિશે પૂછ્યું ત્યારે એમણે પણ એ જ કહ્યું : “દરદીને કહો કે જીવવા પ્રયત્ન કરે. લોહી ઓછું હતું એટલે તે તો આપ્યું છે; પણ દરદીની ઇચ્છા વિના ધાર્યું પરિણામ લાવવું મુશ્કેલ છે.” મેં અમીનાને ઠપકો આપતાં કહ્યું : “છોકરાંનો બાપ કાયર થઈને ભાગી છૂટે, પણ માથી ભાગી છુટાતું હશે?” અમીના : “બાપથી ભૂખ્યાં છોકરાંનું મોં ના જોવાતું હોય, તો મારાથી મા થઈને શી રીતે જોવાય?” હું : “છોકરાંનું ભૂખ્યું મોં તારે નહિ જોવું પડે તેની ખાતરી આપું છું.” અમીના : “મોટા ભાઈ, તમારો ગણ તો કબરમાંય નહિ ભૂલું; પણ દયાનો બોજોય વેઠવો ભારે હોય છે. વેઠાયો ત્યાં લગી જીવી; હવે જીવવાનું જોર જ નથી રહ્યું!” મારાથી વિશેષ દલીલ કરવાની હિંમત ન ચાલી. ડૉક્ટરને બનતું કરી છૂટવાની ભલામણ કરી મેં ગુનેગારની જેમ દબાતા પગલે દવાખાનું છોડ્યું. એ રાત્રે કામ અંગે હું મુંબઈ ગયો; અને પાંચમે દિવસે આવ્યો ત્યારે સ્ટેશન ઉપર જ ઘોડાગાડીમાં બેસતાં ગાડીવાળા નૂરમહંમદે તાજા સમાચાર કહ્યા : “કાકા, અમીના ગુજરી ગઈ. હમણાં જ મારા બાપા એની મૈયતમાં ગયા.” અમીનાનાં છેલ્લાં દર્શન વખતે જ મને ભીતિ પેસી ગઈ હતી કે, એ લાંબું ખેંચશે નહિ; એટલે એ સમાચારથી આશ્ચર્ય ન થયું, પણ આઘાતનું મોજું તો આવી જ ગયું. ગાડીમાંથી ઊતરી હું ફળિયામાં દાખલ થયો, અને ઘરઆંગણે આવ્યો ત્યાં અત્તરની મહેક ફોરી રહી. તીવ્ર સુગંધીદાર મોગરાનું અત્તર હતું, છતાં મને ઊલટી થાય તેવો ઊબકો આવ્યો. જીવતાં એ ધુપેલ ન પામી, અને મર્યા પછી એના ઉપર અત્તરનો છંટકાવ! અભરામની અગાઉની બે પત્નીઓ ગુજરી ગઈ ત્યારે હું કબ્રસ્તાનમાં ગયો ન હતો; કોઈ હિંદુ નહોતું જતું — હિંદુમાં મુસલમાન પણ નથી જતું. મને અગાઉના પ્રસંગે તો વિચાર નહોતો આવ્યો, પણ અમીના સાથે વીસ વર્ષની પડોશી તરીકે માયા હતી. એ હિંદુ હોત તો હું ન ગયો હોત? તરત જ મેં કબ્રસ્તાનનો રસ્તો લીધો. મને જોઈને સૌને આશ્ચર્ય થયું. અભરામ ડોસા બાળકની માફક રડી પડ્યા. મેં એમને હિંમત ન હારવા આશ્વાસન આપ્યું. બીજાએ પણ મારી વાતમાં ટેકો પુરાવ્યો : “ચંદ્રકાન્તભાઈ જેવા સબધા અને કમળાબહેન જેવાં પરગજુ પાડોસી તમારે છે, મકાનમાલિક છે, પછી હામ હારવાની ના હોય.” અભરામ ડોસાએ પણ બિચારાએ આ દુઃખમાંય મારા ઉપકાર ગણાવી બતાવ્યા, છતાં ‘સબધા પાડોશી’ શબ્દ-પ્રયોગથી મને જે માનસિક આઘાત લાગ્યો હતો તેની કળ ન વળી. ચાલીસ વર્ષથી મારી પાડોશમાં રહેવા છતાં — મારા ઘરમાં રહેવા છતાં — હું એનું દળદર ફેડવામાં ભાગીદાર ન બન્યો, તે ‘સબધો પાડોસી’ કહેવડાવાને લાયક ખરો? કદાચ અભરામને એના જેવો ગરીબ પાડોશી મળ્યો હોત, અમીનાને એવી જ સમદુઃખિયણ પાડોસણ મળી હોત, તો બંનેને દુઃખ સહન કરવાનું વધુ બળ ન મળ્યું હોત? મારા સુખે એમને ઢીલાં નહિ પાડયાં હોય? મારી દયાનો બોજ અમીનાથી ન વેઠી શકાયો ને જીવવાની ઇચ્છા જ ગુમાવી બેઠી, તે શું બતાવતું હતું? અને ‘સબધા પાડોશી’ થવાની ફરજ મારામાં સાચોસાચ જાગી ત્યારે અભરામની ધીરજ થાકી ગઈ હતી. મેં એને કહ્યું કે હવે ઘડપણમાં તારે બહાર નોકરી શોધવાની કંઈ જરૂર નથી; મારા કામમાં ફેરોફાંટો ખાજે, અને આંગણે બેસી રહેજે. પરંતુ મારી આ દયા લાંબો વખત નહિ ટકે એમ સમજી, અમીનાની કબર ઉપર પંદરમે દહાડે ફૂલ ચડાવી, રાત્રે છાનામાના એણે છોકરાં સાથે ઘરની વિદાય લીધી. સવારમાં મેં એ દુઃખદ સમાચાર જાણ્યા ત્યારે અમીનાના મૃત્યુ કરતાંય વિશેષ આઘાત લાગ્યો! આ ઉંમરે ડોસો ક્યાં જશે? છોકરાંનું શું થશે? ખાશે શું? ઘર ખોલીને જોયું તો ઘરવખરી અકબંધ પડી હતી. એમાં એવું કંઈ કીમતી ન હતું કે લઈ જવાની લાલસા થાય! બારણાને સાંકળ વાસતાં મારા હાથ કંપી ઊઠ્યા. ચાલીસ વર્ષનો અભરામ સાથેનો સંબંધ પૂરો થયો — કેવી કરુણ રીતે પૂરો થયો! કદાચ એ પાછો આવે તે આશામાં એ ઘર મેં અકબંધ રાખ્યું છે. ઊંઘમાં અવારનવાર ભણકારાય સંભળાય છે — કે અભરામ ડોસાએ બૂમ પાડી : “મોટા ભાઈ! તમારી દયાએ હેમખેમ આવી પૂગ્યો છું.” પરંતુ આજે એક વરસ ને એક માસ પૂરો થયો : મારી આશા ભણકારાથી આગળ વધી નથી!