વેળા વેળાની છાંયડી/૭. પંછી બન બોલે: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭. પંછી બન બોલે|}} {{Poem2Open}} શંભુ ગોરે જોઈ આપેલા શુભ ચોઘડિયે ચંપા-નરોત્તમના વેવિશાળનો વિધિ પતી ગયો. વાસ્તુપૂજનમાં તો દકુભાઈનું કુટુંબ ગેરહાજર રહેલું, પણ વેવિશાળ જેવા મંગલ પ્રસ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 163: | Line 163: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૬. કરો કંકુના | ||
|next = | |next = ૮. સાચાં સપનાં | ||
}} | }} |
Latest revision as of 12:53, 31 October 2022
શંભુ ગોરે જોઈ આપેલા શુભ ચોઘડિયે ચંપા-નરોત્તમના વેવિશાળનો વિધિ પતી ગયો.
વાસ્તુપૂજનમાં તો દકુભાઈનું કુટુંબ ગેરહાજર રહેલું, પણ વેવિશાળ જેવા મંગલ પ્રસંગે ભાઈભોજાઈને નિમંત્રણ આપવા ખુદ લાડકોર ગયેલી અને એમને રીઝવવા માફામાફી પણ કરી જોયેલી, છતાં જિદ્દી સ્વભાવની સમરથ જરાય પીગળેલી નહીં. સગી બહેનની આગ્રહભરી વિનવણીથી પ્રભાવિત થઈને દકુભાઈ તો એક વખત બનેવીને આંગણે જવા તૈયાર થઈ ગયેલો પણ સાક્ષાત્ કાળકામાતા જેવી સમરથની કરડાકીભરી નજ૨ જોઈને એ પત્નીને તાબે થઈ ગયેલો.
તરણોપાય તરીકે લાડકોરે કહેલું: ‘ન આવો તો તમને મારા સાત ખોટના છોકરા બટુકના સમ છે.’
બોલતાં બોલતાં લાડકોરના હોઠ ધ્રૂજી ઊઠેલા. અવાજ ગળગળો થઈ ગયેલો. હમણાં આંખમાંથી દડદડ કરતાં આંસ ખરી પડશે કે શું, એવું લાગતું હતું. તુરત દકુભાઈ ઉપર આ તરણોપાયની અસર થઈ, અને એ બોલી ઊઠ્યો:
‘હં… હં… બેન, આવા આકરા સમસાગરા ન દેવાય… સાત ખોટના બટુકને ભગવાન સો વરસનો કરે…’
સમ૨થે જોયું કે બાજી હાથથી ગઈ છે. લાડકોરે અખત્યાર કરેલું સોગંદનું શસ્ત્ર રામબાણ જેવું પુરવાર થયું હતું. દકુભાઈ તો ઊભો થઈને માથા પર પાઘડી વીંટવા લાગ્યો હતો અને બોલતો હતો:
‘હાલો, હું આગળ હાલીને તમારે ઘેર આવેલો અવસર ઉકેલી દઉં… બટુક તો એકમાંથી એકવીસ થાય ને એની આડીવાડી વધે ભગવાન એને ઝાઝી આવરદા આપે…’
પણ આમ બાજી હાથમાંથી જવા દે તો તો સમરથ શાની ? તુરત એણે લાડકોરના શસ્ત્રનો પૂરેપૂરો પ્રતિકાર કરી શકે એવું શસ્ત્ર પતિ ૫૨ અજમાવ્યું:
‘ઉંબરા બારણે પગ મેલો તો તમને તમારા સગા દીકરા બાલુના સમ છે !’
ઉંબરો ઓળંગી રહેલા દકુભાઈનો એક પગ ઉંબરામાં જ અટકી ગયો. સિંહણ જેવી સમરથે શસ્ત્ર તો અકસીર યોજ્યું હતું. એની અસ૨ તળે મેંઢા જેવો દકુભાઈ દબાઈ ગયો. એણે ઓસરીમાં નજર કરી તો જુવાનજોધ બાલુ આરસા સામે ઊભો ઊભો વાળ ઓળી રહ્યો હતો.
દકુભાઈની સ્થિતિ વિષમ થઈ પડી. એક તરફ બહેન ઊભી હતી, બીજી તરફ પત્ની ઊભી હતી. એક તરફથી ભાણેજના સોગન દેવાયા હતા, બીજી તરફથી સગા દીકરાની આણ આપવામાં આવી હતી. એક બાજુ માની જણી બહેનની પ્રેમાળ આંખોમાં યાચના હતી: ‘આવો મારે આંગણે આવો,’ બીજી બાજુ કુપિત પત્નીની આગઝરતી આંખોમાંથી આદેશ વંચાતો હતો: ‘ખબરદાર, ઉંબરાની બહાર પગ મૂક્યો છે તો !’ એક ત૨ફ લોહીની સગાઈનું ખેંચાણ હતું, બીજી તરફ પ્રેમસગાઈનું આકર્ષણ હતું.
આવી કપ૨ી દ્વિધામાંથી મુક્ત થઈને સ્વતંત્રપણે નિર્ણય કરવાનું કામ દકુભાઈના ગજા બહારનું હતું. પારકે મોટે પાણી પીનારો એ ૫૨મતિલો અને પરવશ પતિ ઘરના ઉંબરામાં જ ઢીલોઢફ થઈને બેસી ગયો. લાડકોરને એણે સાવ ઢીલે ને વીલે અવાજે સંભળાવી દીધું:
‘બેન મારી, તું તારે ઘે૨ જા. આ અભાગિયા ભાઈના ઓરતા હવે છોડી દે. આપણી વચ્ચે હવે લેણાદેણી પૂરી થઈ ગઈ લાગે છે… મનમાં જરાય ઓછું આણજે મા… તારી આંતરડી દુભાવીને હું સાત ભવેય નહીં છૂટું…’
લાડકોરે પાંપણમાં પ્રયત્નપૂર્વક ખાળી રાખેલાં આંસુ સગા ભાઈની આવી આર્તવાણી સાંભળીને દડદડ કરતાં સરી પડ્યાં. સમ૨થે એમાં પોતાનો વિજય વાંચ્યો.
લાડકોરને રડતી જોઈને દકુભાઈ પણ ગળગળો થઈ ગયો. એણે કહ્યું:
‘બેન, કોચવા મા, હવે બવ કોચવા મા. આપણાં અંજળપાણી ખૂટી ગયાં લાગે છે. બધી લેણદેણની વાત છે. જા બેન, ઘે૨ જા.’
પળે પળે વધતી જતી પતિની આ લાચારી જોઈને સમરથનો વિજયોન્માદ પણ વધતો જતો હતો. આખરે એણે પરાજિત લાડકોર તરફ અસીમ તુચ્છકારથી હાથનો અંગૂઠો બતાવ્યો.
અને તુરત તલવારની ધાર જેવી તેજીલી લાડકોરનો પુણ્યપ્રકોપ પ્રજ્વળી ઊઠ્યો:
‘હં… અ… ને, તું ત્રણ ટકાની તરકડી જેવી ઊઠીને મને અંગૂઠો બતાવવા નીકળી છો ? તારા ઉપર આટઆટલા ગણ કર્યા એનો સામેથી આવો અવગણ ? સગી ભોજાઈનું ઘર ગણીને હું ભાઈબાપા કરતી આવી એનો મને આવો સ૨પા આપે છે ? મારા સાત ખોટના દીકરાના સમ દીધા એનીય તને કાંઈ શરમ ન આવી ?’
શ્વાસભેર આટલું બોલી જઈને લાડકોરે પોતાનો આખરી નિર્ણય સંભળાવી દીધો:
‘તો જાવ, આજથી મારેય તમા૨ા ગોળાનું પાણી ન ખપે. તમા૨ા ઘ૨નો દાણો મારે મન ગાયની માટી સમજજો. મારી જનેતાએ ભાઈને જણ્યો જ નહોતો એમ હું આજથી સમજી લઈશ.’
અને લાડકોર ઝડપભેર પીઠ ફેરવી ગઈ.
પચ્છમબુદ્ધિ દકુભાઈ અચાનક આવેશમાં આવી જઈને પોકારી ઊઠ્યો: ‘બેન ! બેન !’
પણ લાડકોર તો ડેલીને ઉંબરે પહોંચી ગઈ હતી.
દકુભાઈએ બૂમ પાડી: ‘બેન, મારું સાંભળ તો ખરી !…’
પણ શેરીમાં પહોંચી ગયેલી લાડકોર કશું સાંભળવા જ નહોતી માંગતી.
સમરથે ક૨ડાકીભર્યા અવાજે પતિને સંભળાવ્યું:
‘બેન બેન કરતાં હવે મૂંગા બેસો ને ! જાણે બેનના ભાઈ ના જોયા હોય !’
પત્નીની આજ્ઞાને શિરસાવંદ્ય ગણીને દયામણો દકુભાઈ સાચે જ મૂંગો બેસી ગયેલો !
મનમાં સમસમી રહેલી લાડકોરે ઘેર આવીને પતિને કહેલું: ‘આજથી મારો દકુભાઈ મરી ગયો છે એમ જ જાણજો.’
‘કેમ ભલા ?’ એમ ઓતમચંદે પૂછેલું ત્યારે આંખમાંથી દડદડ આંસુ પાડતાં લાડકોરે કહેલું:
‘આજથી છતે ભાઈએ હું નભાઈ થઈ એમ ગણજો… આજથી મારે માવતરના ઘરની દશ્ય દેવાઈ ગઈ એમ સમજજો… મારી પિયરવાટ બંધ…’
ઓતમચંદ કશું બોલી શકેલો નહીં પણ મનમાં તો એણે પણ અપાર વેદના અનુભવેલી.
આ અણધારી આપત્તિથી વ્યથિત બનેલાં દંપતીએ મોઢા ઉપર મુસ્કરાહટ રાખીને નરોત્તમનો વેવિશાળવિધિ પતાવેલો. આખા પ્રસંગ દરમિયાન ઓતમચંદને હોઠે તો એક જ વાક્ય હતું: ‘જેવી હરિની ઇચ્છા…’
પોતે મેડી ચણાવી ને વાસ્તુવિધિ કર્યો એમાં ઓતમચંદને હરિની ઇચ્છા જણાઈ હતી. નરોત્તમ અને ચંપાનો વાગ્દાનવિધિ થયો એમાં પણ ઓતમચંદે હરિની ઈચ્છાથી થયેલો ઈશ્વરી સંકેત વાંચ્યો હતો. અને આ બંને ઉત્સવોમાં અસહકાર કરીને દકુભાઈએ રંગમાં ભંગ પાડ્યો એમાં પણ એણે ‘જેવી હરિની ઈચ્છા’ જેવું સમાધાન મેળવ્યું હતું.
અને ફરી એક વાર વાઘણિયાની સીમમાં ઘોડાગાડીના ઘૂઘરા ઘમકી ઊઠ્યા.
વેવાઈને વિદાય કરવા માટે ઓતમચંદે વહેલી સવારમાં ગાડી જોડાવી હતી. આ વખતે પણ લાડકોરે મહેમાનોને અમરગઢ સ્ટેશને પહોંચતા કરવાની મીઠી ફ૨જ નરોત્તમ ઉપર જ નાખી હતી. અલબત્ત, આ વખતે નરોત્તમની ‘પરિસ્થિતિ’ તેમજ પદવી પણ પલટાઈ ગઈ હોવાથી નાજુકાઈભરી સ્થિતિમાં એણે પ્રથમ તો વોળાવિયા તરીકે જવાની શ૨માતાં શ૨માતાં ભાભીને મોઢે ના કહેલી. પણ આખાબોલી લાડકોરે સુરત દિયરજીને દબડાવેલા: ‘મનમાં ભાવે છે ને મુંડો હલાવે છે ?’ નરોત્તમ મનમાં જ હસતો હસતો, આ મનગમતી ફ૨જની બજવણી માટે ગાડીમાં ચડી બેઠેલો.
અને સહેલગાહના શોખીન બટુકને તો આવી બાબતમાં કહેવું પડે એમ જ ક્યાં હતું ? એ તો ઘોડાગાડીનું નામ સાંભળીને ઘરમાં સહુથી વહેલેરો ઊઠીને અંધારામાં જ વશરામની બેઠક ઉપર ગોઠવાઈ ગયો હતો.
વહેલી પરોઢના અંધકારમાં જ બંને વેવાઈઓ વચ્ચે ‘આવજો… આવજો’નો ઉપચારવિધિ થઈ ગયો અને વશરામે ૫૨ભાતિયું ઉપાડ્યું ને ગાડી પણ અમરગઢને મારગે ઊપડી.
ગાડીની બહારના તેમજ અંદ૨ના વાતાવરણમાં ખુશનુમા તાજગી હતી, હજી ચાર દિવસ પહેલાં અમરગઢથી વાઘણિયે આવતી વેળાએ જ ગાડીમાં સંકોચ, ક્ષોભ અને વધારે પડતા શિષ્ટાચારનું જે ભારઝલ્લું વાતાવરણ જામેલું એ આ વળતી ખેપમાં દૂર થઈ ગયું હતું. એની જગ્યાએ નિકટતા, નિખાલસતા અને નર્યા ઉલ્લાસની હવા જામી હતી. પહેલી ખેપ વેળા ચંપા અને નરોત્તમ એકમેકની નજીક બેઠાં હોવા છતાં બંનેની વચ્ચે જાણે કે જોજનનું અંતર હતું. આ વખતે બંને હૃદયો અજબ સામીપ્ય અનુભવી રહ્યાં હતાં.
ગાડીવાન વશરામ હલકાભે૨ ૫૨ભાતિયું ગાતો હતો:
જાગિયે રઘુનાથ કુંવર… પંછી બન બોલે…
સંતોકબા કે કપૂરશેઠને આવા ‘ગીતડા’માં જરાય રસ નહોતો પણ ચંપા અને નરોત્તમ તો ‘પંછી બન બોલે…’ની તૂક સાંભળીને અજબ આહ્લાદ અનુભવી રહ્યાં હતાં.
મારગની બેય બાજુએ ઊભેલી વનરાજીમાં પંખીઓ જાગી ઊઠ્યાં હતાં. વૃક્ષોનાં પાંદડાં વચ્ચે પાંખનો ફફડાટ સંભળાતો હતો. રાત આખી ચાંચમાં ચાંચ પરોવીને એકબીજાની ગોદમાં પડી રહેલાં પક્ષી યુગલો પોતાના કંઠમાંથી પ્રભાતનું મંગલ ગાન છેડી રહ્યાં હતાં. ગાડીમાં બેઠેલું એક હૃદયયુગ્મ પણ એવા જ અનુભવમાંથી પસાર થઈ રહ્યું હતું. અલબત્ત, વડીલોની હાજરીમાં એમની જીભ સિવાઈ ગઈ હતી, પણ ઊડું ઊડું થવા મથતી એમની પાંખોમાં ફફડાટ અછતો નહોતો રહેતો. એમના મૂંગા કંઠમાં પણ નવજીવનના પરોઢનું નિઃશબ્દ ગાન નીકળવા મથી રહ્યું હતું. સૃષ્ટિનું એ સનાતન ગાન બંને જણાંને ઓઠે આવીને અટકી જતાં આખરે આંખો વાટે છલકાઈ રહ્યું હતું.
પ્રથમ પ્રવાસ વખતે નરોત્તમ અને ચંપાનાં તારામૈત્રકો પકડી પાડીને મોટી બહેનને હેરાનપરેશાન કરી મૂકનાર નખરાળી જસી પણ અત્યારે બહેન-બનેવી વચ્ચે રચાતાં દૃષ્ટિસંધાનની પવિત્ર અદબ જાળવીને મૂંગી બેઠી રહી હતી. અરે, આમ આડે દિવસે તો ‘કાકા, આનું નામ શું ?’ ને ‘પેલાને શું કહેવાય ?’ એવા બાલિશ પ્રશ્નો પૂછી પૂછીને નરોત્તમનો જીવ ખાઈ જનાર બટુક પણ કોઈ અંતઃસ્ફુરણાને વશ થઈને સાવ મૂંગો બેસી રહ્યો હતો.
આ સાર્વત્રિક મૌનનો ચેપ જાણે કે સંતોકબા અને કપૂરશેઠને પણ લાગુ પડેલો, તેથી તેઓ મનમાં ને મનમાં લગનની તૈયારીઓની યોજના ઘડી રહ્યાં હતાં. એમ પણ વિચારતાં હતાં કે ચંપા ઠેકાણે પડી એટલે હવે નાનકડી જસી માટે પણ મનગમતો મુરતિયો મળી જાય તો બેય બહેનોનાં લગન એકસાથે જ ઉકેલી નાખીએ.
‘લ્યો, આ ઠેસન તો કળાણું !’ પરભાતિયાં ગાઈ ગાઈને થાક્યા પછી વશરામે કોઈને ઉદ્દેશ્યા વિના જ જાહેર નિવેદન કર્યું.
છતાં વશરામના આ નિવેદનમાં હા-હોંકારો ભણવાનું કોઈને ન સૂછ્યું, પોતપોતાનાં દિવાસ્વપ્નોમાં વિહરી રહેલાં આ પ્રવાસીઓ હજી પણ મૂંગાં જ રહેવા માગતાં હતાં.
પણ વાતોડિયા વશરામ માટે આ મૌન અસહ્ય હતું. એણે તો પછવાડે જોઈને પૂછ્યું: ‘કેમ બટુકભાઈ, કાંઈ બોલતા નથી ?’
કાચી ઊંઘમાંથી ઊઠીને ગાડીમાં ચડી બેઠેલો બટુક, સવારના પહોરની શીતળ લહે૨ીઓની અસર થતાં ચંપાના ખોળામાં જ ઊંઘી ગયેલો તે વશરામના આ પડકારનો પરિચિત અવાજ કાને પડતાં ઝબકીને જાગી ગયો.
ગાડીમાંથી કોઈ પણ માણસ અત્યારે મારી સાથે વાતચીત કરવાના ‘મૂડ’માં નથી એમ સમજાતાં વશરામે બટુકને જ પૂછ્યું: ‘કોના ખોળામાં ઊંઘી ગ્યા’તા, હેં બટુકભાઈ ?’
‘કહો કે કાકીના ખોળામાં —’
પ્રભાતના રમ્ય વાતાવરણમાં પહેલી જ વાર રૂપાની ઘંટડી રણકી ઊઠી.
ચંપા આ વાક્ય બોલતાં તો બોલી ગઈ, પણ ગજબની શરમાઈ ગઈ.
બટુકે તો એથીયે અદકા મધુર અવાજે કાલી કાલી ભાષામાં એ વાક્યનું પુનરુચ્ચારણ કર્યું: ‘કાકીના ખોળામાં.’
ગાડીમાં પહેલી જ વા૨ સહુને મોકળે મને હસવાનું મળતાં વાતાવરણનો ભાર થોડો હળવો થયો.
હવે તો ઓછાબોલાં સંતોકબાને પણ આ સંવાદોમાં રસ પડતાં એમણે પૂછ્યું:
‘કાકી ભેળું મેંગણી આવવું છે, બટુકભાઈ ?’
‘મોટો થાઈશ ને, પછી આવીશ.’ બટુક બોલ્યો.
‘બટુકભાઈ, કહોને કે કાકીને તેડવા આવીશ—’ વશરામે પાઠ પઢાવ્યો.
‘કાકીને તેલવા આવીશ—’
‘ઘોડાગાડી લઈને તેડવા આવીશ—’ વશરામે વધારે વિગતો આપી.
‘ઘોડાગાડી લઈને તેલવા આવીશ—’
‘ભલે, ભલે, જરૂ૨ આવજો હો !’ હવે તો કપૂરશેઠે પણ વિવેક કર્યો.
‘લ્યો, આ ઠેસન આવી પૂગ્યું,’ વશરામે હાકલ કરી.
ગાડી ઊભી રહેતાં, રાબેતા મુજબ અનેક આશરાગતિયાં માણસોનું ટોળું જમા થઈ ગયું. પણ આજે એ લોકોને દાદ આપવાની નરોત્તમને ફુરસદ જ ક્યાં હતી ? આગલે સ્ટેશને ગાડી છૂટી ગઈ હોવાથી સહુ ઝડપભેર પ્લૅટફૉર્મ ૫૨ પહોંચી ગયાં.
કપૂરશેઠ અને સંતોકબા દૂરંદેશીથી કે પછી સાહજિક રીતે જ કોઈક કામને વિશે જરા આઘેરાં નીકળી ગયાં અને નરોત્તમ તથા ચંપા-જસીને થોડી વાર એકલાં પડવા દીધાં. આ તકનો લાભ લઈને નરોત્તમે થોડી ધીમી ગુફ્તેગો કરી. જોકે વચ્ચે વચ્ચે ‘કાકા, શું કિયો છો ? મને કિયો, મને કિયો’ની બટુકની બાલિશ ખલેલ તો ચાલુ જ હતી, પણ આ બંને જુવાન હૈયાં અત્યારે બટુકની હાજરી સાવ ભૂલી જ ગયાં હતાં.
થોડી જ વા૨માં ભખ ભખ કરતું એંજિન આવી પહોંચ્યું અને બટુકે ચીસ પાડી: ‘ગાડી આવી’ અને બંને જણાંની પ્રણયગોષ્ઠી અધૂરી રહી.
‘આવજો, આવજો !’ના અવાજો વચ્ચે ગાડી ઊપડી અને નરોત્તમ એ ઝડપભેર જતી ટ્રેનની પાછળ તાકી રહ્યો — અનિમિષ આંખે તાકી જ રહ્યો.
અને એ મુગ્ધ નજ૨ સામે, થોડે દૂર ઊભેલો વશરામ મનમાં મલકાતો તાકી રહ્યો.
આમ ને આમ સારી વાર થઈ ગઈ, ટ્રેન દેખાતી પણ બંધ થઈ ગઈ છતાં બે ચકચકતા પાટાની અનંત લંબાઈ તરફ તાકી રહેલા નરોત્તમે પોતાની દૃષ્ટિ પાછી વાળી જ નહીં ત્યારે તો વહેવારડાહ્યો વશરામ વધારે મલકાયો. પણ માદક સ્વપ્નોના ઘેનમાં પડેલા નાનાશેઠે રેલવેના પાટા ઉ૫૨ જે દૃષ્ટિ પરોવી હતી એને પાછી વાળવા કહેવાનું વશરામને ઉચિત ન લાગ્યું. એ કામગીરી તો આખરે બટુક જ બજાવવાનો હતો.
ફરી પાછા ઘોડાગાડીમાં બેસવા માટે અધીરા થઈ ગયેલા આ બાળકે કાકાને એમની સ્વપ્નાવસ્થામાંથી જાગ્રત કર્યા વિના છૂટકો જ નહોતો. એણે નરોત્તમનો હાથ ખેંચીને જોરથી હલબલાવ્યો: ‘કાકા, હાલોની ઝટ, ગાડી તો ગઈ !’
‘હેં ?’ નરોત્તમ સાચે જ ઝબકીને જાગ્યો. પછી બટુકને સંભળાવવા કરતાં વધારે તો પોતાની જાતને જ સંભળાવ્યું:
‘હા, ગાડી તો ગઈ !… ગઈ જ !’
નરોત્તમ ગાડીમાં ગોઠવાયો. એના કાનમાં — અને હૃદયમાં પણ — હજી વશરામે ગાયેલા પરભાતિયાની તૂક ગુંજતી હતી: ‘પંછી બન બોલે…’