અપિ ચ/વર્તુળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વર્તુળ| સુરેશ જોષી}} {{Poem2Open}} લાભશંકર એકાએક ઊભા રહી ગયા. એમણે ક...")
 
No edit summary
 
Line 12: Line 12:
લાભશંકર ક્ષણે ક્ષણે પોતાની ખુલ્લી પડતી જાતને સંતાડવા મથવા લાગ્યા. ધરતીની અંદર પોઢેલાં બીજનાં દ્વાર એઓ ઠેલી આવ્યા, ફૂટતી કૂંપળના વળાંકની ઓથે એઓ છૂપાવા મથ્યા, યુદ્ધક્ષેત્રની વચ્ચે છૂટતી ગોળીઓની સાથે ભળી જઈને કોઈના અસ્થિના મર્મની અંદર સંતાઈ જવાનો પણ એમણે પ્રયત્ન કર્યો, સૂરજના દૂઝતા રાતા વ્રણની અંદર કીડાની જેમ એઓ ભરાઈ જવા મથ્યા, છેદાઈ ગયેલા મસ્તકવાળા કાળના કબંધમાં પેસી જવાનો રસ્તો પણ એઓ ખોળી વળ્યા, આખરે પોતે પોતાને જ, પેલી ઇયળની જેમ, કોરીને અંદર ને અંદર ઊંડે ઊતરીને સંતાવાનું સ્થાન શોધવા લાગ્યા. ઊંડે ને ઊંડે ઊતરતાં જુગ પછી જુગ એમણે કોરી નાખ્યા, કોરાઈ ચૂકેલા ઈશ્વરનું પડી રહેલું ખોખું ઓઢીને એમણે લપાઈ જવાનો પ્રયત્ન કર્યો, પણ એ ખોખું તો અડતાંની સાથે જ ભાંગી પડ્યું. આખરે સંતાવાનો લોભ છોડીને, શૂન્યની સામે હામ ભીડીને ઊભા રહી પછડાવાનો એમણે સંકલ્પ કર્યો ને શૂન્ય અવકાશમાં પોતાની જાતને વીંઝી. વીંઝાતાની સાથે તણખો ખર્યો, અગ્નિ પ્રકટ્યો, નક્ષત્રો ઝબૂકી ઊઠ્યાં. સૂર્યે આંખ ખોલી, ચન્દ્રે શ્વાસ લીધો, સાગરમાં ભરતી આવી, પવન સળવળ્યો, અરણ્ય જાગ્યું, પંખી ટહુક્યાં, બાળક મલક્યાં.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[અપિ ચ/પ્રત્યાખ્યાન|પ્રત્યાખ્યાન]]
|next = [[અપિ ચ/પદભ્રષ્ટ|પદભ્રષ્ટ]]
}}

Latest revision as of 05:10, 16 September 2021

વર્તુળ

સુરેશ જોષી

લાભશંકર એકાએક ઊભા રહી ગયા. એમણે કાન સરવા કર્યા. કોઈ એમની પાછળ પાછળ આવી રહ્યું હોય એવું એમને લાગ્યું. એઓ બબડ્યા: ‘અરે, આ પગલાં તો જાણે ક્યાંક સાંભળ્યાં છે! કોનાં પગલાં?’ પોતાને પ્રશ્ન પૂછીને એઓ ઘડીભર ચૂપ રહીને ઉત્તરની રાહ જોવા લાગ્યા. સહેજ સરખો પણ અવાજ થાય તો રખેને ભીરુ સંકોચશીલ ઉત્તર ભાગી જાય એ બીકે એમણે એમના શ્વાસને પણ લગભગ થંભાવી દીધો. એ નિસ્તબ્ધતામાં પેલાં પગલાં એમની વધુ ને વધુ નજીક આવતાં લાગ્યાં. એમના શરીરમાંથી ભયનો કમ્પ દોડી ગયો. એમણે આંખો બંધ કરી દીધી, ને ડાબે હાથે એમના કપાળ પરની રસોળીને પંપાળવા લાગ્યા. આ એમની પુરાણી ટેવ હતી. એમનાં વહુ ઘણી વાર એમને કહેતાં પણ ખરાં: ‘તમે મને પરણ્યા જ શા સારું? મારાથી વધારે તો તમને આ રસોળી વહાલી છે. મને પંપાળતા નથી એટલું એને પંપાળો છો. એ જ તમારો કોટ કિલ્લો – કોઈ સહેજ સામું થાય કે એની અંદર ભરાઈ જાઓ છો. રસોળી પર હાથ મૂકો એટલે તમને જાણે કોઈ અડી શકે નહીં.’ વાતેય સાચી! આજે એમનાં વહુ નથી; રસોળી છે. ચણા જેવડી હતી તે ખાસ્સી ગણપતિ ચોથના લાડુ જેવી થઈ છે. જિન્દગીમાં એમની સામે મોઢું ફાડીને જેટલા રાક્ષસો ઊભા તે બધાયને એમણે અહીં પૂરી દીધા છે. કોઈ નવા રાક્ષસે ફરી પીછો પકડ્યો છે કે શું એવી ભીતિથી એઓ ફરી પોતાના કિલ્લામાં સુરક્ષિત સ્થાને પહોંચી ગયા. એમને કપાળે પરસેવો વળ્યો. એ પરસેવાનાં થોડાંક ટીપાં રસોળીના ઢાળ પર થઈને આંખનાં પોપચાં પર ઊતર્યાં. એના પોચા ભીના સ્પર્શથી એમણે સફાળી આંખો ખોલી દીધી. આંસુ લૂછતા હોય તેમ આંખો લૂછી નાખી, પણ દૃષ્ટિનું ધૂંધળાપણું ગયું નહીં. પેલાં પગલાં સાંભળવાને એમણે ફરી કાન માંડ્યા. પોતાના હૃદયના ધબકારા સિવાય એમને કશું સંભળાયું નહીં. ‘તો આ પગલાંવાળી વાત સાવ ખોટી જ છે ને!’ એવું એમના મનમાં થયું. પણ બીજી જ પળે એ પગલાં કોનાં હતાં, તે અણધાર્યાં જ પારખીને એઓ એકાએક બૂમ પાડી ઊઠ્યા: ‘રમણ! રમણ!’ ક્યાંયથી એમના અવાજનો પડઘો સરખો પડ્યો નહીં. એમની આંખો સામે વિસ્તરેલા ધૂંધળા મૃગજળમાં એક પરપોટો થઈને જાણે શમી ગયો. એમની પાછળ ક્યાંકથી કોઈનો નિ:શ્વાસ એમના ખભાને સ્પર્શી ગયો. થોડી વાર સુધી, એમ ને એમ, એઓ શૂન્યમાં તાકી રહ્યા. પછી બબડ્યા: ‘રમણ, મને તેડવા આવ્યો છે? ક્યાં છે તારી મા? બકુલ ક્યાં છે?’ મરી પરવારેલા બે દીકરા અને એમની માના ચહેરા પેલા મૃગજળમાં તરવરવા લાગ્યા, એ તરફ જવા એઓ ઊભા થયા, પણ એમનું શરીર એકાએક ભારે થઈને બેસી પડ્યું. એમની ખાંધે એકી સાથે ત્રણ ત્રણ જણનો ભાર ચંપાયો ન હોય! એમણે પોપચે બાઝેલાં પરસેવાનાં ટીપાં ફરીથી લૂછી નાખ્યાં, આંખો ચોળીને સાફ કરી, મૃગજળમાં દૂર એમને એક લાલ ટપકું દેખાયું. એમના જીવમાં જીવ આવ્યો: ‘હાશ, હવે ઘર દૂર નથી એ લાલ ટપકું તે ટપાલનું ડબલું. ત્યાંથી વળીને દસ ડગલાં ચાલ્યાં એટલે ઘર! એમનું શરીર ત્યાં ઢગલો થઈને પડી રહ્યું. પણ એમનું મન તો ત્યાં જ પહોંચી ગયું: એ કાટ ખાઈ ગયેલું તાળું, તૂટેલા કાચવાળી બારી – કાંઈ કેટલાંય વરસોથી એનો કાચ તૂટેલો છે. ત્યારે એઓ તરતમાં જ પરણેલા. એક દિવસે સાંજે ઘરે પાછા ફર્યા ને એ કાચની બારીમાંથી જોયું તો એમની જ રાહ જોતી જોતી થાકીને સહેજ આંખ બીડીને એમની પત્ની બેસી રહેલી, સહેજ કૌતુક કરવા એમણે એક કાંકરો લઈને કાચ પર માર્યો. કાચ તૂટી ગયો. પત્ની ભડકીને ચીસ પાડી ઊઠી. એમને સામે ઊભેલા જોઈને બાઝી પડી. ભયે પ્રેરેલો ગાઢ આશ્લેષ બીજી જ ક્ષણે પ્રેમના પરિરમ્ભણમાં ફેરવાઈ ગયો. શરીર એની સ્મૃતિથી સહેજ સળવળ્યું, પણ પેલો ભાર રજમાત્ર ઓછો થયો નહોતો. કચવાતું મન પાછું ફર્યું.

એમના હાથમાં શાકભાજીની થેલી હતી. તાજાં શાકભાજીની વાસ એમને બહુ ગમતી. ખાવાપીવામાં લાભશંકર ભારે વરણાગિયા. વહુ બિચારી મરતાં સુધી એમને મનભાવતી રસોઈ શીખી શકી નહીં. સ્વજનો વિનાના સૂના ઘરમાં વઘારની નાકમાં સળવળી ઊઠતી તીવ્ર વાસ, એનો છમકાર, લીલા ધાણા ને લીલા લસણની ચટણીની વાસ – આ જાણે એમનાં સંગાથી બની ગયાં હતાં. બહુ એકલવાયું લાગે ત્યારે સ્ટવ સળગાવતાંની સાથે જ બધી ગમગીની ચાલી જાય. ખાવાનું ગમતું એટલા માટે નહીં પણ સ્વાદની સોબત ખાતર એઓ જુદી જુદી વાની બનાવીને સ્વાદ ચાખતા. અડોશપડોશનાં છોકરાં ઘણી વાર વાસથી આકર્ષાઈને આવી ચઢતાં. લાભશંકર એમને રાજીખુશીથી ખવડાવતા. આજુબાજુથી બે ડોશીઓની પણ આવી વાસ આવતાં દાઢ સળકતી ને લાભશંકરનાં વખાણ કરીને લપકારા મારતી જીભે ભાવતાં ભોજન આરોગી જતી. લાભશંકરના સમવયસ્ક દલસુખરામ તો કહેતા પણ ખરા: ‘લાભશંકર જમ પણ તમને લેવા આવશે ત્યારે તમારા હાથની રસોઈ આરોગ્યા પછી જ તમને લઈ જશે.’ રસોઈની એકેએક ક્રિયામાં એમને રસ હતો. ચોખા ધોયેલા પાણીની વાસ, ચૂલાના સળગતા લાકડાનો ધુમાડો, તાજાં શાકભાજીની સોડમ, ગરમ ગરમ ભાતમાં નાખેલા ઘીની વાસ. એમની ઘ્રાણેન્દ્રિય જ કદાચ જીભના કરતાં સતેજ હતી. પોતાની જુવાન પત્નીના હાથના મસૃણ સ્પર્શથી આનન્દિત થઈને એમણે કહ્યું હતું: ‘તું કૂણી કાકડી જેવી છે.’

એ બધું યાદ આવતાં લાભશંકર જમીન પર હાથ ટેકવીને ઊભા થયા, ત્યાં એમના હાથ પર કશુંક ચઢતું હોય એવું લાગ્યું. એમણે ધૂંધળી બની ગયેલી દૃષ્ટિને સહેજ ઠેરવીને જોયું તો મૂળાનાં પાંદડાંમાંથી એક મોટી લીલી ઇયળ એમના કોટની બાંયની અંદર સરી જતી દેખાઈ. એને ખંખેરી નાંખવા એમણે હાથ ઊંચો કરવા પ્રયત્ન કર્યો, પણ એમને ઊપજેલી જુગુપ્સા પ્રત્યે એમનો હાથ સાવ ઉદાસીન રહ્યો, એમનો હાથ જાણે એમના શાસનમાંથી સાવ મુક્ત બનીને વર્તવા લાગ્યો. પેલી ઇયળની જેમ જ પેટ પર ચાલીને એમણે આગળ વધવાનો પ્રયત્ન કર્યો. એમને લાગ્યું કે એઓ આગળ જઈ રહ્યા છે. એમની આસપાસનું બધું જ જાણે એમની સાથે પેટે ચાલવા માંડ્યું છે – આકાશમાંનો સૂરજ સુધ્ધાં, એમની રસોળીમાં પુરાઈ રહેલા પેલા રાક્ષસો સુધ્ધાં, બધું જ ચાલતું હતું, માટે કશું જ ચાલતું નહોતું. ટપાલની પેટીનું લાલ ટપકું હવે ક્યાંય દેખાતું નહોતું, ચારે બાજુના મૃગજળમાં કાચબાની જેમ બધું ચાલી રહ્યું હતું. ચારે બાજુના અવાજો પણ જાણે પેટે ચાલતા એમની સાથે આગળ વધી રહ્યા હતા. મૃગજળના ધસમસતા પ્રવાહથી એમના શરીરના કાંઠા ખોદાઈને જાણે ધસી પડતા હતા. એનાં ચોસલાં ને ચોસલાં પોતાનાથી છૂટા પડીને ઘડીક મૃગજળમાં ઘૂમરી ખાઈ તળિયે બેસી જતાં હતાં. આથી ગભરાઈને લાભશંકર પોતાના કપાળ પરની રસોળીના ખડકને બાઝી પડ્યા હતા. રસોળીની અંદર પૂરેલા રાક્ષસોની આખી સેનાને એમણે આ મૃગજળના ઊભરાયેલા ઘોડાપૂરને ખાળવા ખડી કરી દીધી હતી. આજુબાજુના નાના અવાજો હાથ પર ચઢતી પેલી ઇયળની જેમ એમના શરીર પર ચારે બાજુથી ચઢવા મથી રહ્યા હતા. એમના અનેક નાના નાના પગ એમના શરીર પર ભયના માર્યા સળવળ કરતા. એ અવાજોને એમણે છૂટા પાડીને ઓળખવાનો પ્રયત્ન કર્યો. કેટલાક અવાજોની તો બિચારાની આંખ સુધ્ધાં ખૂલી નહોતી. આંગળીને ટેરવે એમને ઉપર લઈ લેવા એઓ મથ્યા. કેટલાક અવાજનું દાંત વગરનું બોખું મોઢું કશોક અસ્પષ્ટ ઉદ્ગાર કાઢતું હતું, ને પછી મોંની દાબડીને ફટાક દઈને વાસી દઈ સ્થિર આંખે એ અવાજો એમની સામે તાકી રહેતા હતા. બાળપણમાં એમણે પગમાં પહેરેલાં ઝાંઝરનો અવાજ, દાદાએ ગાલમાં થડ દઈને લગાવી દીધેલા તમાચાનો અવાજ, દોસ્તો પાસેથી પહેલી વાર ગંદી ગાળ શીખીને ખાનગીમાં એને બોલી જોઈ હતી તેનો અવાજ, નિશાળમાંથી છૂટેલાં છોકરીઓનાં ટોળાંને ગભરાવી મૂકવા પોતે કાઢેલો વાઘનો અવાજ, પેલી રમુડીના પાછળથી કાન આમળતાં એણે પાડેલી ચીસનો અવાજ, પોતાની ઘાંટી ફૂટતા ઘોઘરો થયેલો, પોતાનો જ છતાં બીજાનો લાગતો અવાજ, કશા કારણ વિના એક નિસ્તબ્ધ બપોરે નિર્જન ઘરમાં, કોણ જાણે કોને માટે, હિઝરાઈને ભરેલાં હીબકાંનો અવાજ, દાદાની ભડભડ બળતી ચિતાનો અવાજ, વિધવા થયેલી ફોઈનાં તૂટતાં કંકણનો અવાજ, અંધારામાં એકાએક પાછળથી ફૂટી નીકળીને કાનમાં પ્રેમનો પહેલો મન્ત્ર ફૂંકી જનારો પેલી કિશોરીનો અવાજ, સૂના ઘરમાં તાવની અસ્વસ્થતાભરી ગરમીથી એકલા એકલા કરેલા પ્રલાપનો અવાજ, શ્રાવણની એ સાંજે શરીરની શિરાએ શિરાએ ગૂઢફણા સહસ્ર સર્પો સફાળા જાગી ઊઠ્યા તેના ફૂંફાડાનો અવાજ, ચોર પગે પાંચ પાંચ વરસ સુધી ઘરમાં છાયાની જેમ ફરતા ધૂર્ત મૃત્યુનો અવાજ, લાજાહોમના ધુમાડાથી રાતી સજળ બનેલી વિવશ આંખોનો અવાજ; ખભે ઢળેલા અજાણ્યા ભારથી ચીંચવાતાં હાડકાંનો અવાજ; મધરાતે એકાએક પોતાના આગમનની જાણ કરતાં પ્રથમ પુત્રના રડવાનો અવાજ; મોડી રાત સુધી પોતે વાંચતા બેસી રહેલા ત્યારે પાછળથી દીવો હોલવી નાખવાને એમની વહુએ મારેલી ઝાપટનો અવાજ; નિસ્તબ્ધ નિદ્રાહીણી રાતે છાતી પર ખડકાયે જતા અજાણ્યા ભારનો અવાજ; પ્રથમ પુત્રને ચોરની જેમ લઈને ભાગી જતા મરણની પાછળ દોડતી માતાની ચીસનો અવાજ; અંધારી રાતે કપાળ પરની રસોળીના વધ્યે જવાનો અવાજ; બીજા દીકરાની દસ આંગળીઓ છેલ્લી પળે પોતાના હાથને સુકાયેલા ઝાડનાં મૂળિયાંની જેમ બાઝી પડી તેનો અવાજ; સૂના ઘરમાં પોતાની સાથે પ્રવેશતા વિધુર પવનનો અવાજ; દીવો પ્રકટાવ્યા વિનાની સાંજે પોતાની આંગળીઓ વચ્ચેથી સર્યે જતા રુદ્રાક્ષના મણકાઓનો અવાજ; કોઈ રાતે સફાળા જાગી ઊઠીને જોયેલા દીવાલ પર નાચી રહેલા દીવાની જ્યોતિના પડછાયાઓનો અવાજ; ઘરમાં બેઠેલા મૌનના શ્વાસોચ્છ્વાસનો અવાજ; પોતાની સાથે દૃષ્ટોદૃષ્ટ મેળવીને રાતભર બેસી રહેનાર દુ:ખના શ્વાસોચ્છ્વાસનો અવાજ; નમતી સાંજે બંધ બારણાની તરડમાંથી અંદર સરી આવવા મથતા મરણનો અવાજ; સાંજ વેળાએ દીવો પ્રકટાવતાં દીવાલ પરની છબિઓના એકાએક સળગી ઊઠતા ચહેરાઓનો આછોતરો સિસકાર, વહેલી સવારે બંધ બારણા સાથે માથું પછાડીને નાસી છૂટવા મથતા કોઈ પ્રેતના મૂક નિ:શ્વાસનો અવાજ; અન્ધકારમાં સૂર્યને કાલવવાનો અવાજ; અન્ધકારનાં જળમાં ડૂબીને તરી નીકળેલા ઊબઈ ઊઠેલા શબ જેવા ચન્દ્રનો તણાયે જવાનો એકધારો અવાજ; આ બધા અવાજને તરાપ મારીને પોતાના પંજામાં ઝડપી લેવાને પેંતરા ભરતા કોઈ વિકરાળ પશુનો અવાજ – લાભશંકર આ બધા અવાજોના ગૂંછળાને ચારેબાજુથી ઊભરાઈ ઊભરાઈને પોતાની આજુબાજુ વીંટળાતાં જોઈ રહ્યા. જૂના ખણ્ડેરને બાઝી વળતી લીલની જેમ એ અવાજો એમના ઉપર એમના નાના નાના પગ ભરાવીને બાઝ્યે જ ગયા ને પેલી લીલી ઇયળ મૂળાનું પાંદડું કોરે તેમ અણુએ અણુમાં ભરાઈને બધું કોરવા લાગ્યા. એમણે ફરી વાર એ બધા અવાજોને ખંખેરી નાખવાનો પ્રયત્ન કર્યો. બળી ગયેલી ધૂપસળી પરથી રાખ ખંખેરાઈ પડે તેમ જાણે એઓ પોતે પોતા ઉપરથી જ ખંખેરાઈ પડ્યા. એમણે પોતાને ફંફોસી જોયા, રાખના ઢગલા જેવી રસોળીની અંદર કજળી જવા આવેલા અંગારાની જેમ પોતે સંતાઈ જવા મથ્યા. પોતાના જ ઉચ્છ્વાસથી કે પછી ચારેબાજુ ચાલી રહેલી પેલી અવાજોની ગુસપુસનાં હવામાં પ્રસરતાં આન્દોલનોના થડકારથી પોતાના પર વળેલી એ રાખ પણ હમણાં ઊડી જશે ને પોતે સાવ ઉઘાડા પડી જશે એવી ભીતિ એમને લાગવા માંડી. એમણે સંતાવાને ઓથ શોધવા માંડી. પોતાની વહુના કપાળમાંના સૌભાગ્યતિલકની પાછળ સંતાઈ શકાતું હોય તો? ઘરના છાપરાની વળીઓમાં પેઢી દર પેઢીથી વસેલા અન્ધકારના કુટુમ્બ વચ્ચે લપાઈ જવાતું હોય તો? બંધ થતા તાળાની અંદર વસાઈને રહેવાનું હોય તો? કે પછી ફરીથી કોઈ ગર્ભમાં પુરાઈને સંતાઈ જવાતું હોય તો?