મણિલાલ હ. પટેલનાં કાવ્યો/તમે આવો: Difference between revisions
(+1) |
m (Meghdhanu moved page મણિલાલ હ. પટેલ/તમે આવો to મણિલાલ હ. પટેલનાં કાવ્યો/તમે આવો without leaving a redirect: error fix) |
(No difference)
|
Latest revision as of 03:02, 14 February 2024
વૃક્ષોની હથેળીઓમાં વૈશાખી તડકો
હજી હમણાં જ ખોબો વાળતાં શીખેલાં –
કાંચનારને પાંદડે પાંદડે હેતની હેલી
આંગણામાં હંસો ઊતરી આવ્યા છે
જૂઈ જાઈ ને ચમેલી ઘેલી ઘેલી
રતુંબડી પીપળ કૂંપળ ચળક ચળક
પર્પલ પૃથ્વી પુષ્પિત પળ પળ
કોયલ વેલનાં વાદળી ફૂલમાં રમે
આસમાની આશાનું આકાશ.
તમે સાંભળો છો? તમે ત્યાં નથી –
જ્યાં તમે છો! તમે તો અહીં છો –
આ મ્હૉરી ઊઠેલી મોગરવેલની કળીઓમાં
ટગરીની વિસ્મયચકિત આંખોમાં
ગાંડાતૂર ડમરાની તોફાની સુગંધોમાં
કૂંપળે કૂંપળે પ્રસન્નતા વ્હેંચતી
સવારની ભૂરીભૂખરી પાંખોમાં... તમે –
આ આંગણામાં તડકોછાંયો કોમળ મુકુલ
ફરફરતું દુકુલ... રગરગમાં તરુવર તમે!
ગુલમ્હોરે કેસરિયાં કર્યાં છે
સ્વાગતમાં ઊભા છે મશાલચી સોનમ્હોર
બપોરી તડકાને હંફાવતા ગરમાળા
છાંયડાથી ભીંજાતી જાય છે સડકો
તમે આવો પુનઃ ને અડકો
જૌહર કરતી વેળાઓને કાંઠે –
જન્માંતરોથી બેઠો છું – હું એકલો...!