યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/‘સર’ વિશે :: Difference between revisions
(+1) |
No edit summary |
||
Line 15: | Line 15: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ‘ગતિ’ વિશે... | |previous = ‘ગતિ’ વિશે... | ||
|next = ‘આસ્થા’ વિશે : | |next = ‘આસ્થા’ વિશે : | ||
}} | }} |
Latest revision as of 15:07, 9 August 2024
વીનેશ અંતાણી
એક જ વ્યક્તિના સંદર્ભે બે વ્યક્તિના અનુભવો જુદા જુદા હોઈ શકે અને તેને કારણે તે વ્યક્તિ વિશેના અભિપ્રાયમાં પણ તદ્દન બે છેડાની અંતિમની પણ શક્યતા રહેલી હોય છે. ‘સર’ વાર્તામાં સુમન એના પ્રોફેસર વિશે વર્ષો સુધી જે અભિપ્રાય ધરાવતી હતી તેનાથી જુદો જ અભિપ્રાય ઇલાબહેન ધરાવતાં હોય તેવી શક્યતાનો કસ કાઢવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિને પૂરેપૂરી ક્યારેય ઓળખી શકાતી નથી અને તેના વ્યક્તિત્વના ઘણા અંશો અંધારામાં રહી જાય છે તેવો સૂર પણ ‘સર' વાર્તામાંથી નીકળે છે.
વાર્તામાં પ્રત્યક્ષ રીતે તો બે જ સ્ત્રીપાત્રો આવે છે. તેમાંયે સક્રિય એવું પાત્ર તો સુમનનું છે. તેમ છતાં આખી વાર્તા પર સર છવાયેલા રહે છે. વાર્તાની શરૂઆત પણ નાટકની અંતિમ ક્ષણથી શરૂ થાય છે. એક નાટકના પ્રયોગ વખતે વર્ષો પછી અમેરિકાથી પાછી આવેલી સુમન ઇલાબહેનને જુએ છે. જે રીતે સુમન એક સમયે સરની નજીક હતી તે રીતે ઇલાબહેન પણ સર સાથે નજીકનો ઘરોબો ધરાવતાં હતાં. સર તો હવે મૃત્યુ પામ્યા છે પણ પોતાની જેમ સર જેમની પ્રિય વ્યક્તિ હતા તેવાં ઇલાબહેનને મળવા માટે સુમન આતુર બની જાય છે. વાર્તાના આરંભે નાટકમાં છેલ્લું દૃશ્ય ભજવાયા પછી અને છેલ્લો સંવાદ બોલાયા પછી બધાં પાત્રો સ્ટેચ્યુ જેવાં સ્થગિત થઈ જાય છે અને પરદો પડે છે. વાર્તાના અંતે પણ આ વાર્તાનાં પાત્રો સુમન-ઇલાબહેન અને સર પણ જાણે સ્થગિત થઈ જાય છે. ફરક માત્ર એટલો છે કે એક રહસ્ય પર પરદો પડતો નથી. એ અર્થમાં વાર્તાનું નાટક જાણે હંમેશ માટે ખુલ્લું જ રહે છે.
એ રહસ્ય છે સર વિશે ઇલાબહેનનાં સાવ તટસ્થ અને સકળ લાગે તેવાં વલણ અને વર્તન. ભૂતકાળમાં પૂરતો પરિચય હોવા છતાં ઇલાબહેન સુમનને ઓળખવાનું પણ ટાળે છે. બંને વચ્ચેના પરિચયની કડી હતા સર. ઇલાબહેન સર વિશે કશું જ યાદ કરવા માગતાં ન હોય તેથી સ્વાભાવિક રીતે તેમને કારણે પરિચયમાં આવેલી વ્યક્તિઓને પણ દૂર રાખવા મથે છે. સુમન ઊલટભેર ઇલાબહેનને મળે છે અને પોતાનો પરિચય આપતાં કહે છે: “કેમ! આપણે સ૨ના ઘરે કેટલીય વાર મળતાં!” ત્યારે ઇલાબહેન કોઈ વિસ્મૃતિમાં ધકેલાઈ ગયાં હોય તેમ પૂછે છે: “કોણ સર?”
ઇલાબહેનનું આવું અકળ વલણ સુમનને આઘાત આપે છે. ઇલાબહેન અને સરની નિકટતાની તો એ પોતે સાક્ષી રહી ચૂકી છે. તેથી ઇલાબહેનનો પ્રતિભાવ તેને સમજાતો નથી. એ આખી વાતનો તાગ લેવા મથે છે અને તે જ પ્રયત્ન વાર્તાની ગતિ બને છે. આ રહસ્યશોધની સમાંતરે સ૨ સાથેના સુમનના અને ઇલાબહેનના સંબંધોની ઘનિષ્ઠતા દર્શાવતા પ્રસંગો પણ ઊખળતા આવે છે. વાચકને સમજાય છે કે વિદ્યાર્થિની સુમન એના સ૨ની પ્રતિભાથી અંજાયેલી હતી. ઇલાબહેન અને સર વચ્ચે પણ આત્મીય સંબંધો હોવાની સાબિતીઓ સુમન પાસે હતી. એ પછી તો સુમન અમેરિકા ચાલી ગઈ. તે દરમિયાન સરનું અવસાન થઈ ગયું અને એ પાછી ફરી ત્યારે ઇલાબહેનના વર્તનમાં સ૨ પ્રત્યે તિરસ્કાર જેવું દેખાયું.
શું બન્યું હશે? ઇલાબહેન અને સર વચ્ચે એવું તે શું બન્યું કે સ૨નો એક જુદો જ ચહેરો સુમન સામે રહસ્ય બનીને તાકી રહ્યો છે? સુમન કોઈ પણ હિસાબે કારણ જાણવા માગે છે. એ ઇલાબહેનનું સરનામું શોધીને એમના ઘેર મળવા જાય છે. એ સર વિશે પૂછવા જાય છે ત્યારે ઇલાબહેન કહે છે, ‘સરનું નામ ન લેશો મારી આગળ.” પણ સુમન તો એટલું જ જાણવા માગે છે કે “સર માટે તમને આટલી નફરત કેમ છે?” તેના જવાબમાં ઇલાબહેન સુમનને તમાચો મારી દે છે. આ તમાચો ઇલાબહેનનો જવાબ છે, તો સ૨ પ્રત્યેનો તેમનો અભિપ્રાય પણ છે અને સર તથા તેમના વચ્ચે બનેલી કોઈ આઘાતજનક ઘટનાનો સંકેત પણ છે. વાર્તાના અંતે સુમનની જેમ વાચક પણ ખોડાઈ જાય છે.
આખી વાર્તાનું નિમિત્ત છે ઇલાબહેન અને સર વચ્ચે બનેલા કોઈ બનાવના રહસ્યની શોધ પણ મઝાની વાત એ છે કે તે વાર્તાના અંતે પણ રહસ્યમય જ રહે છે. સુમનની જેમ વાચક પણ સરના વ્યક્તિત્વની બીજી કોઈ બાજુ – જે ઇલાબહેન સામે પ્રગટ થઈ હતી – તે જાણી શકતો નથી. તેમ છતાં અનુમાન તો કરી જ શકાય છે. લેખકે તે રહસ્ય ખુલ્લું ન કરીને વાર્તાને સામાન્ય બનવા દીધી નથી. સાથે સાથે એ વાત પણ સમજાય છે કે આવા કોઈ રહસ્યનું ઉદ્ઘાટન વાર્તાકારનો હેતુ નહોતો. એ તો આવી નાટ્યાત્મક પરિસ્થિતિ સરજીને સર, ઇલાબહેન અને સુમનનાં પાત્રો દ્વારા માનવમનના અકળ ખૂણાઓને જ તાગવા મથે છે. સર જે રીતે સુમન સામે પ્રગટ થયા હતા તેનાથી જુદી જ રીતે ઇલાબહેન સામે પ્રગટ થયા હશે. ઇલાબહેનના બદલાયેલા વલણમાં સુમનને સ૨નું અપમાન પણ લાગતું હશે અને તે રીતે સર પ્રત્યેના પોતાના ભાવો વિશે પણ આઘાત લાગ્યો હશે. સુમનનો સ૨ વિશેનો પક્ષપાત ઇલાબહેનની સર તરફની નફરતની જેમ છાનો રહેતો નથી.
(‘ગુજરાતી નવલિકાચયન: ‘૧૯૯૪-૧૯૯૫’
પ્ર. આ. ૧૯૯૮માંથી)