ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/રામનારાયણ વિશ્વનાથ પાઠક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
(One intermediate revision by the same user not shown)
Line 27: Line 27:
</poem><br>
</poem><br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = રામલાલ ચુનીલાલ મોદીરામ
|previous = રામલાલ ચુનીલાલ મોદી
|next = મોહનરાય જસવંતરાય દેસાઈ
|next = રામમોહનરાય જસવંતરાય દેસાઈ
}}
}}

Latest revision as of 01:34, 11 September 2024


રામનારાયણ વિશ્વનાથ પાઠક

એઓ જાતે પ્રશ્નોરા નાગર છે; એમના પિતા વિશ્વનાથ સદારામ પાઠક શિક્ષક, અને નિવૃત્તિ પહેલાંનાં થોડાં વરસો પોરબંદર સ્ટેટના ડેપ્યુટી એજ્યુ. ઈન્સ્પેકટર હતા. એમણે પંચદશી, નચિકેતા કુસુમગુચ્છ, *ભગવદ્ગીતા–(શંકરાચાર્યના ભાષ્ય અને બીજી ટીકા સહિત) મહિમ્નસ્તોત્ર વગેરે ધર્મગ્રંથોના ગુજરાતીમાં અનુવાદ કરેલા છે, જે સુવાચ્ય અને પ્રાસાદિક થયેલા છે. એમનાં માતાનું નામ આદિતબાઈ કરસનજી મહેતા હતું. એમનો જન્મ તા. ૮મી એપ્રિલ ૧૮૮૭માં એમના મોસાળમાં ધોળકા તાલુકાના ગાણોલ ગામે થયો હતો. એમનું મૂળ વતન ભોળાદ (તા. ધોળકા) છે. એમણે સન ૧૯૦૮માં બી એ.,ની પરીક્ષા પહેલા વર્ગમાં ઐચ્છિક વિષય લૉજીક અને મોરલ ફીલસુફી લઈને પાસ કરી. તે પછી એક વરસ વિલસન કૉલેજમાં દક્ષિણા ફેલો તરીકે તેમણે સંસ્કૃતના અધ્યાપનનું કામ કર્યું. એલ એલ. બી. થયા પછી પ્રથમ અમદાવાદમાં તેમણે વકીલાત શરૂ કરી; પણ માંદા પડવાથી અને ગામડામાં જઈ રહેવાની ડૉકટરે ભલામણ કરવાથી તેઓ સાદરા, મહીકાંઠા એજન્સીમાં રહ્યા અને ત્યાં સાત વર્ષ વકીલાત કરી. પછી એઓ અહિં–અમદાવાદમાં આવી, ગુજરાત કેળવણી મંડળમાં સ્વયંસેવક તરીકે દાખલ થઈ, ન્યુ ઇંગ્લીશ સ્કુલમાં આચાર્ય તરીકે જોડાયલા; અને તેને છએક માસ થયા નહિ હોય એટલામાં મહાત્મા ગાંધીજીએ વકીલો, વિદ્યાર્થીઓ વગેરેને સરકાર સાથે અસહકાર કરવા માગણી કરી, ત્યારે તેમણે એ શાળા, જે ગ્રાન્ટ લેતી હતી તેને છોડી દીધી; અને ગુજરાત વિદ્યાપીઠમાં જઈ ભળ્યા.

શરૂઆતથી જ એમની મહેચ્છા ધંધામાંથી નિવૃત્ત થઈ સાહિત્ય અને સમાજસેવા કરવાની હતી અને એ ભાવનામાં એમનાં પત્ની પણ એમનાં સહચારી હતાં. પણ એ અમલમાં મૂકવાનો પ્રસંગ આવ્યો તે પહેલાં એઓ મૃત્યુ પામ્યાં. * આ કંઠોપનિષદનું એક આખ્યાયિકા રૂપે નિરૂપણ છે. તેમાં મૂળ પાઠનો અનુવાદ અક્ષરશઃ તરી આવે એવી રીતે આપેલ છે.

સાહિત્ય અને ફિલસુફી એમના પ્રિય વિષયો છે. લેખનકાર્ય એમણે બહુ મોડું આરંભેલું. એમનો પ્રથમ લેખ સંવત ૧૯૭૮માં ‘સાબરમતી’ માસિકમાં “કવિ બાલાશંકર ઉલ્લાસરામ કંથારીઆનાં કાવ્યો” વિષે લખાયો હતો. તે પછી એમની સાહિત્ય પ્રવૃત્તિ બહુ ફુલીફાલી છે. ગુજરાત વિદ્યાપીઠમાં હતા તે દરમિયાન (સં. ૧૯૭૮માં) એમણે ‘પ્રમાણશાસ્ત્ર પ્રવેશિકા’ એ નામનો એક સ્વતંત્ર ગ્રંથ તર્કશાસ્ત્ર પર લખ્યો હતો; અને ‘કાવ્ય સમુચ્ચય’ નામનું આધુનિક કવિઓની કૃતિઓમાંથી સારાં કાવ્યો ચૂંટી કાઢેલું પુસ્તક, બે ભાગમાં સં. ૧૯૮૦માં બહાર પાડ્યું હતું. તેમાં આધુનિક કાવ્યસાહિત્ય વિષેનો ઊપોદ્ઘાત મૌલિક છે અને એ કાવ્યોની પસંદગીમાં અને પરીક્ષામાં જે ઉંચું ધોરણ, રસ અને કવિત્વનું દાખવ્યું હતું, તેના કારણે એ સંગ્રહની ખૂબ પ્રશંસા થયલી છે; અને પાલ્ગ્રેવની ગોલ્ડન ટ્રેઝરીની પેઠે તેણે ચિરસ્થાયી સ્થાન પ્રાપ્ત કર્યું છે.

‘યુગધર્મ’ માસિક ઉભું કરવામાં અને તેને ચાલુ રાખવામાં તેઓ શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકના સહકારી હતા. તે બંધ પડ્યા પછી, એવા એક સારા માસિકની ઉણપ રહ્યા કરતી હતી, તે ‘પ્રસ્થાને’ પુરી પાડી છે અને અત્યારે ગુજરાતી માસિકોમાં તે પ્રથમ સ્થાને છે, એમ કહેવામાં અતિશયોક્તિ થતી નથી. તેમાંય એમની નોંધ સ્વૈરવિહારીની સંજ્ઞાથી લખાતી સારૂં ધ્યાન ખેંચે છે. વળી એમની વાર્ત્તાઓ અને મનન પણ એટલાંજ આકર્ષક નિવડ્યાં છે. એ સેવાકાર્ય એમણે ગુજરાત વિદ્યાપીઠના ચાલુ કાર્યનો ભાર માથે હતો ત્યારે હાથ ધરેલું અને અત્યારે બધો સમય એની પાછળ ગાળે છે.

ગુજરાત વિદ્યાપીઠ અથવા તો મહાત્માજીએ જે અનેક કિંમતી રત્નો ગુજરાતને આપ્યાં છે, તેમાં શ્રીયુત પાઠકની ગણના થયલી છે; અને એમણે એમની વિદ્વત્તા અને જ્ઞાનથી, ચારિત્ર અને વર્ત્તનથી એકલા વિદ્યાર્થીસમૂહનોજ નહિ પણ એમના પરિચયમાં આવનારનો તેમજ ‘પ્રસ્થાન’ દ્વારા એના વાચકવર્ગ સૌનો ચાહ મેળવ્યો છે; અને તેની ખાત્રી, નડિયાદમાં નવમી સાહિત્ય પરિષદમાં સાહિત્ય વિભાગના અધ્યક્ષ તરીકે એમની ચૂંટણી થઈ હતી, તે પરથી થશે. તે પ્રસંગે આપેલું એમનું “કાવ્યશક્તિ” વિષેનું વ્યાખ્યાન મનનીય વિચારો રજુ કરે છે.

એમનાં પોતાનાં તેમજ બીજાની સહાયતા લઈને લખેલાં પુસ્તકોની યાદી નીચે મુજબ છેઃ

૧ પ્રમાણશાસ્ત્ર પ્રવેશિકા સંવત ૧૯૭૮
૨ કાવ્ય સમુચ્ચય ભા. ૧ અને ૨ ૧૯૮૦
૩ ગોવિંદ ગમનનું સંપાદન ૧૯૮૦
૪ કાવ્યપ્રકાશ (ઉલ્લાસ ૧થી૬) ૧૯૮૦
૫ ધમ્મપદ ૧૯૮૧
૬ દ્વિરેફની વાતો ૧૯૮૫
૭ કાવ્ય પરિચય ભા. ૧–૨ ૧૯૮૫