નારીસંપદા : ટૂંકી વાર્તા/કોઈ જુદો ગ્રહ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 32: Line 32:


{{HeaderNav2
{{HeaderNav2
|previous = શંપા
|previous = ખંડિત
|next =  મનગમતી કેદ
|next =  મનગમતી કેદ
}}
}}

Latest revision as of 01:18, 25 September 2024

કોઈ જુદો ગ્રહ

સુવર્ણા

હૉસ્પિટલ પાસે ગાડી ઊભી રહી ને તેમાંથી શિલ્પા અને નર્સ નીચે ઊતર્યાં. હૉસ્પિટલના દરવાજા પાસે તે ઊભી રહી ગઈ. એણે મનોમન પોતાને કહ્યું, ‘હવે જિંદગીમાં નવું પ્રકરણ શરૂ થાય છે.’ એને હૉસ્પિટલ છોડી દૂર ભાગી જવાનું મન થયું. પાછા ફરવાનું મન થયું, પણ ક્યાં જવું? જ્યાં એ રહેતી હતી ત્યાંની મકાન-માલિકણે પોતાથી હવે આ કેસ સંભાળાશે નહીં એવી ફરિયાદ લૉસ એન્જેલીઝ કાઉન્ટીની મેડિકલ ઑફિસને કરી હતી. મકાન-માલિકણ સિલ્વિયાની ફરિયાદ એ હતી કે શિલ્પાએ અન્નત્યાગ કરેલો. કાઉન્ટીના કાયદા પ્રમાણે અન્નત્યાગ એ ગુનો હતો. સિલ્વિયાએ શિલ્પાને આ વાત બે-ત્રણ વાર સમજાવેલી, પણ શિલ્પાએ ન ખાવાની પોતાની જીદ છોડી ન હતી. અન્નત્યાગ કૅલિફોર્નિયામાં ગુનો એટલા માટે ગણાતો કે તે મૃત્યુ તરફ લઈ જઈ શકે છે અને કૅલિફોર્નિયામાં બીજી ઘણી બધી જગ્યાઓની જેમ આત્મહત્યા મોટો ગુનો ગણાતો. આ જ કૅલિફોર્નિયામાં યુથેનેઝિયા એટલે કે મર્સી કિલિંગનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો. એમાં શરત એટલી હતી કે દર્દીની બીમારી અસાધ્ય હોવી જ જોઈએ. વળી મર્સી કિલિંગની પરવાનગી દર્દીનાં ત્રણ સગાં પાસેથી લેવી પડે. આ ત્રણે સગાંમાંથી કોઈને દર્દીની માલમિલકતમાં કોઈ જ રસ ન હોવો જોઈએ. આટલું ધ્યાનમાં રાખીને દર્દીને જે મશીન સાથે જોડ્યો હોય તે મશીનની સ્વિચ બંધ કરી દેવાની છૂટ હતી. કેમ કે અકારણ કોઈને પણ યાતના-પીડા વેઠવી પડે તે માનવતાની દૃષ્ટિએ બરાબર નહોતું ગણાતું. કૅલિફોર્નિયામાં એ પહેલી વાર આવી ત્યારે અવનવાં સપનાં લઈને આવેલી. એને કલ્પનાય નહોતી કે અંતે એને અહીંની કોઈ હૉસ્પિટલમાં આ રીતે ને પોતાની ઇચ્છા વિરુદ્ધ દાખલ થવાનો વારો આવશે. શિલ્પાએ પોતે ખાવાનો ત્યાગ શા માટે કર્યો હતો તેનું સ્પષ્ટ કારણ તો તેને આજ સુધી સમજાયું નહોતું. પણ જ્યારથી એણે ખાવાનું બંધ કર્યું, ત્યારથી મકાન-માલિકણ સિલ્વિયા સાથેના એના સંબંધ તંગ થઈ ગયા હતા. સિલ્વિયા દિલની બહુ સારી હતી, પણ હતી આખાબોલી. કંઈ ખોટું થતું હોય તો સામે ચાલીને એ જેને અન્યાય થયો હોય તેનો પક્ષ લઈ લેતી. શિલ્પાને પણ એણે ખૂબ પ્રેમથી રાખેલી અને શિલ્પાને એ કોઈ પણ રીતે કનડગત ન કરતી. શિલ્પા કમ્પ્યુટરની એક કંપનીમાં પાર્ટટાઇમ નોકરી કરતી હતી. તેની આવકના પ્રમાણમાં તેના રૂમનું ભાડું થોડું વધારે હતું. પણ એ જેમ તેમ કરીને બે છેડા સાંધી લેતી હતી. ભાડાની બાબતમાં સિલ્વિયા બિલકુલ બાંધછોડ ન કરતી. દર અઠવાડિયે શુક્રવાર આવતાં, વીક-એન્ડ પહેલાં એણે ભાડાનો ચેક સિલ્વિયાને આપી દેવો પડતો.

*

નર્સે કહ્યું, ‘અંદર ચાલો.’ નર્સ એને એલ.એ. કાઉન્ટી મેડિકલ સેન્ટરની ઍમ્બ્યુલન્સ ગાડીમાં રોઝમીડ સિટી જ્યાં શિલ્પા રહેતી હતી ત્યાં લેવા આવી હતી. જે દિવસે સિલ્વિયાએ શિલ્પા વિરુદ્ધ કાઉન્ટીમાં ફરિયાદ નોંધાવી હતી તે દિવસે કાઉન્ટીમાંથી શિલ્પા ઉપર ફોન હતો. હૉસ્પિટલના સુપરિટેન્ડેન્ટે શિલ્પાને ખાવા માટે મનાવવાની ખૂબ કોશિશ કરી. એ પછી બેત્રણ દિવસ રાહ જોઈ. પણ પ્રયત્ન કરવા છતાં શિલ્પા જમી ન શકી. નવાઈની વાત એ હતી કે શિલ્પાને ભૂખ ન લાગતી એવું નહોતું. એટલું જ નહિ, ભૂખ્યા પેટે ટી.વી.માં જાતજાતના ફૂડની ને રેસ્ટોરન્ટની ડિશોની ભાતભાતની કમર્શિયલ આવતી તે જોઈને શિલ્પાને એકદમ ખાવાનું મન થઈ જતું. છતાં જ્યારે એની સામે ખાવાનું આવતું ત્યારે એ ખાઈ જ ન શકતી. સુપરિટેન્ડેન્ટે શિલ્પાને બે દિવસની મુદત આપી હતી. એ દરમિયાન એ ખાઈ લે તો ભલે, નહિ તો એને હૉસ્પિટલમાં દાખલ કરવાની હતી. આવી સ્પષ્ટ ચેતવણી છતાં શિલ્પા બે દિવસ સુધી ખાઈ ન શકી. ને એ પછી કાઉન્ટીની નર્સ રોઝમીડના એના રહેઠાણ પર આવી ને એને બિલકુલ જવું નહોતું છતાં હૉસ્પિટલમાં લઈ ગઈ. હૉસ્પિટલમાં જતાંવેંત શિલ્પાને એક મોટા ખંડમાં લઈ ગયા. ત્યાં એક ડૉક્ટર અને એક સમાજસેવિકા બહેન બેઠાં હતાં. નર્સે ઓળખાણ કરાવી, ‘ડૉ. પીટરસન ને રોબેર્ટા સ્કૉટ.’ ડૉક્ટર ને રોબેર્ટા પ્રેમથી એની સામે હસ્યાં. ડૉક્ટર બોલ્યા, ‘તમને અહીં કેમ લાવ્યા છે ખબર છે, ને !’ પણ શિલ્પા કંઈ બોલી નહિ, એણે માત્ર માથું ધુણાવ્યું. નર્સે એનું બ્લડ પ્રેશર લીધું, તાવ માપ્યો, વજન કર્યું. વજન ખૂબ ઓછું થઈ ગયેલું, માત્ર ૬૬ પાઉન્ડ ! એક ક્ષણ તો એ પોતેય ચમકી. ને બ્લડ પ્રેશર લો આવ્યું, એથી પણ એ ચમકી. ડૉક્ટરે પૂછ્યું, ‘આ પહેલાં ક્યારેય તમને બ્લડ પ્રેશર રહ્યું છે?’ એણે ના કહી. ડૉક્ટરે કહ્યું, ‘આ લો પ્રેશર વજન ઘટી જવાને કારણે છે, વજન નોર્મલ થઈ જતાં પ્રેશર પણ નોર્મલ થઈ જશે.’ પછી એ કંઈ બોલી નહિ. સમાજસેવિકા રોબેર્ટાએ ફરી પોતાની ઓળખાણ આપી, ‘મારું નામ રોબેર્ટા છે. હું રોજ તમને મળવા આવીશ. તમારી સાથે વાતો કરીશ ને તમને જરૂર હશે તે ટ્રીટમેન્ટ માટે ડૉક્ટરને ભલામણ કરીશ.’ તે પછી ડૉ. પીટરસને એને પૂછ્યું, ‘તમે જમતાં કેમ નથી?’ એ બોલી, ‘મને ખબર નથી.’ ડૉક્ટર પીટરસને રોબેર્ટા સામે જોયું. રોબેર્ટા બોલી, ‘એવી કોઈ વાત છે જે તમે મને એકાંતમાં કહેવા માંગતા હો?’ શિલ્પા બોલી, ‘ના.’ શિલ્પાનું જીવન એકદમ સરળ હતું. છુપાવવા જેવી કોઈ વાત તાજેતરના સમયમાં તો બની જ નહોતી. એ પોતે ખરેખર જ જાણતી નહોતી કે એણે ખાવાપીવાનું બંધ કેમ કર્યું હતું. ડૉક્ટર પીટરસને એને સમજાવ્યું, ‘અહીં સાઇકિક પેશન્ટ તરીકે તમારી બધી ટ્રીટમેન્ટ થશે.’ ડૉક્ટર ખૂબ સદ̖ભાવ અને સહાનુભૂતિ સાથે બોલેલા. પણ સાઇકિક પેશન્ટ શબ્દો સાંભળીને શિલ્પા ચોંકી ઊઠી. એ મનોમન બોલી ઊઠી, ‘હું? સાઇકિક પેશન્ટ? મેં એવું તો કંઈ ઍબનોર્મલ કર્યું નથી કે મને માનસિક રોગના દર્દીનું લેબલ લાગી શકે.’ શિલ્પાને ખૂબ કમજોરી લાગતી હતી છતાં હતી તેટલી શક્તિ અને સ્વસ્થતા ભેગાં કરી એ બોલી, ‘ડૉક્ટર, મેં એવું શું કર્યું છે કે મને મેન્ટલ વૉર્ડમાં લઈ આવ્યા છે?’ ડૉક્ટરે કહ્યું, ‘તમને ઇટિંગ ડિસઑર્ડરનો રોગ છે. આ રોગની પાછળ મુખ્યત્વે માનસિક કારણો જવાબદાર હોય છે તેથી જ તમને અહીં લાવ્યાં છે. તમારા પર તમારી મકાન-માલિકણે પોલીસ કેસ નથી કર્યો કેમ કે તમે હૉસ્પિટલમાં આવવા માટે વાંધો નથી લીધો.’ ‘પણ ડૉક્ટર, હું મારી ઇચ્છા વિરુદ્ધ અહીં આવી છું.’ ‘એમ હશે. પણ તમે બીજા કેટલાક દર્દીઓની જેમ શારીરિક વિરોધ નથી કર્યો. નહિ તો તમે મુશ્કેલીમાં મુકાઈ જાત.’ હૉસ્પિટલમાં ત્રણ પ્રકારના દર્દીઓ હતા. પહેલા પ્રકારમાં લગભગ પાગલ થવા પર હોય તેવા. આ દર્દીઓ વારંવાર હિંસક બની જતા, જમવાના ટેબલ પર થાળીને ધક્કો મારી ફેંકી દેતા, અથવા કોઈની સાથે બોલાચાલી કરી મારપીટ પણ કરતા. તેમને કોઈ વાર ખુરસી સાથે બાંધી દેવામાં આવતા. બીજા પ્રકારના દર્દીઓ પાગલ તો નહોતા જ કે પાગલ થવાની અણી ઉપર પણ નહોતા. પરંતુ તેઓ સિવિયર ડિપ્રેશનથી પીડાતા. તેઓ હિંસક ન થતા પણ હૉસ્પિટલની જુદી જુદી પ્રવૃત્તિઓમાં રસ ન લેતા. આકાશમાં કંઈ શોધતા હોય તેમ એકીટશે પોતાની ખુરશી પર કે પથારીમાં બેસી રહેતા. ત્રીજા પ્રકારના દર્દીઓ સૌથી વધુ ડાહ્યા ગણાતા. એ લોકો હૉસ્પિટલમાં બધા સાથે સારી રીતે વર્તતા. એમને હૉસ્પિટલમાં લાવવા માટે કોઈ મુશ્કેલી ન પડતી. એ લોકો હૉસ્પિટલની બધી પ્રવૃત્તિઓમાં રસ લેવાનો સભાન પ્રયાસ કરતા. ઓછામાં ઓછું હાજર તો રહેતા જ. એમના ડિપ્રેશનનો પ્રકાર થોડો જુદો હતો. કશાક ભય કે માલ એડજસ્ટમેન્ટને લીધે એ લોકો પરિસ્થિતિનો અને વાસ્તવિક દુનિયાનો સામનો કરવામાં પાછળ પડતા. પણ તે સિવાય એ લોકો બીજા બધા નોર્મલ લોકો જેવા જ લાગતા. ને કેટલાક કિસ્સામાં તો તેઓ એવા વ્યવસ્થિત લાગતા કે કોઈને કલ્પનાય ન આવે કે તેઓ માનસિક તાણ નીચે છે. શિલ્પાને આખા દિવસ સુધી સતત કોઈ ને કોઈ ડૉક્ટર, થેરાપિસ્ટ કે સમાજસેવિકાની હાજરીમાં રહેવું પડેલું. બધાએ એને જાતજાતના સવાલો પૂછેલા, જેના શિલ્પાએ ઠીક ઠીક વ્યવસ્થિત જવાબ આપેલા. સહકારને જોતાં એના વર્તાવમાં વાંધાજનક કંઈ નહોતું તેથી એને ત્રીજા પ્રકારના દર્દીમાં મૂકવામાં આવી હતી. ‘ત્રીજા પ્રકારના એટલે?’ શિલ્પા સહેજ ચોંકી હતી. એ છેલ્લી કૅટેગરી હશે? પણ એવું નહોતું તે તેણે રોબેર્ટાએ એને વિગતવાર બધા પ્રકારની વાત ઉપર પ્રમાણે સમજાવી ત્યારે જાણ્યું. એને એમ પણ જાણવા મળ્યું કે ત્રીજા પ્રકારના દર્દી ઇઝીલી ક્યૉરેબલ હોય છે. સૌથી વધુ અગત્યની વાત એમણે નિયમિત ભોજન કરવાનું હોય છે. હૉસ્પિટલ આમ તો ઘણી મોટી હતી પણ મુખ્ય પ્રવેશદ્વારની ડાબી બાજુના ચાર માળ મેન્ટલ વૉર્ડ તરીકે અલાયદા રાખવામાં આવ્યા હતા. શિલ્પાનો નંબર ત્રીજા માળમાં લાગેલો. શિલ્પાને રીતસર મેન્ટલ વૉર્ડમાં દાખલ કરતાં પહેલાં એક સમાજસેવિકાએ કહેલું કે, ‘કયા વૉર્ડના કયા રૂમમાં પલંગ ખાલી છે એ પ્રમાણે તમને વૉર્ડ મળશે.’ શિલ્પાને ત્રીજો માળ હોય કે બીજો, શો ફેર પડવાનો હતો? જ્યાં સુધી આખો દિવસ ડૉક્ટર, થેરાપિસ્ટ ને નર્સ – સમાજસેવિકા સાથે વાતોમાં ગયો ત્યાં સુધી હજુ શિલ્પાને એમ જ લાગતું કે એ બહાર જ છે. વળી ડૉક્ટર ને બધાં એટલી ભલાઈ, સમભાવ ને સદ̖ભાવના સાથે વાતો કરતાં હતાં કે શિલ્પાને થયું આ બધાં મારાં મિત્રો છે. પણ જ્યારે શિલ્પાને સાંજે લોઢાના સરકતા દરવાજાની પેલી બાજુ લઈ જવામાં આવી ને જ્યારે એણે એને ચકળવકળ જોયા કરતી બેત્રણ બહેનોને જોઈ કે તરત એને લાગ્યું કે પોતે કાંઈક જૂદી જ દુનિયામાં આવી પહોંચી છે. રોબેર્ટા એને વૉર્ડમાં મૂકવા આવ્યાં હતાં. એમની પાસે દરવાજાની ચાવી હતી. એમણે તાળું ખોલ્યું, દરવાજો સરકાવીને ખોલ્યો, બંને અંદર પ્રવેશ્યાં ને પછી રોબેર્ટાએ દરવાજાને તાળું મારી દીધું. એ દરવાજો રાતદિવસ બંધ રહેતો હતો. એ જ વખતે બેત્રણ સ્ત્રીઓ એના સામું જોઈ રહી હતી. એ લોકોના ચહેરા પર કેવા ભાવ હતા તે શિલ્પા કળી શકી નહિ. એણે પહેલાં ક્યારેય ન જોયા હોય તેવા ભાવ હતા એટલું એને લાગ્યું. રોબેર્ટાએ એક હેલ્પરને પૂછ્યું, ‘ખાલી પલંગ કયા રૂમમાં છે?’ ‘જમણી બાજુના રૂમમાં.’ હેલ્પરે કહ્યું ને બધાં એ રૂમમાં ગયાં. સામેના ખૂણામાં પલંગ ખાલી હતો. એ પલંગ સવારે જ ખાલી થયેલો ને એના પર ધોયેલી સાફસૂથરી સફેદ ચાદર પાથરેલી હતી, બે ઓશિકાં હતાં ને ઓઢવા માટે પાતળો બ્લેન્કેટ હતો. હેલ્પરે શિલ્પા સામે જોઈ પલંગ પર નિશાની કરી કહ્યું, ‘આ પલંગ ખાલી છે.’ પલંગ પાસે મૂકવા માટે શિલ્પા પાસે કોઈ સામાન ન હતો. એની પર્સ, એનાં અગત્યનાં કાર્ડ જેવાં કે ગ્રીન કાર્ડ, વીઝા માસ્ટર કાર્ડ, ડિસ્કવર, ડ્રાઇવર્સ લાઇસન્સ, સોશિયલ સિક્યોરિટી કાર્ડ વગેરે બધું એણે કાઉન્ટર પર જમા કરાવવું પડેલું. એક પછી એક એમ બધાં કાર્ડ આપી દેતી વખતે એને લાગેલું કે એ પોતાની ઓળખાણથી છૂટી પડી રહી હતી. ત્યાં જ કાઉન્ટર પર એની પાસે જેટલા પૈસા હતા તેય લઈ લેવાયેલા.એ બધું જમા કરાવ્યાની પહોંચ એને મળી હતી. એ પણ એણે વૉર્ડના સેકેટરીને આપી દેવી પડેલી. એ પછી એક બીજી હેલ્પર જેનું નામ નતાશા હતું તે એને માટે એક ગાઉન લઈ આવી, ને બોલી, ‘તમારાં કપડાં આપી દો, અહીં તમારે અહીંનાં કપડાં પહેરવાં પડશે.’ અહીંનાં કપડાં એટલે કે ગાઉન ! ગાઉન સફેદ રંગનો હતો ને તેના પર બ્લુ રંગના મોટા પોલકા ડૉટ હતા. બધા દર્દીઓએ – સ્ત્રી અને પુરુષ – સરખા ગાઉન જ પહેરેલા. બાજુના બાથરૂમમાં જઈ એ ગાઉન પહેરી આવી. પોતે પહેરેલાં કપડાં ક્યાં મૂકે તેમ પૂછતાં નતાશાએ કહ્યું, ‘મને આપો.’ ને એનાં કપડાં વૉશિંગ મશીનમાં ધોવા માટે લઈ જવાયાં. હવે એનો એક રૂમ હતો, એટલે કે રૂમમાંનો એક ખૂણો, એ ખૂણામાંનો એક પલંગ, ને એણે પહેરેલો તે ગાઉન, એ સિવાય હવે એની પાસે પોતાનું કહેવાય એવું બીજું કંઈ રહ્યું નહોતું. એને થયું, અહીં કેવી રીતે રહેવાય? શિલ્પા પોતાના પલંગ પર આડી પડી. સાંજના સાડા છનો સમય હશે. એક શ્યામ હેલ્પરે આવીને બારણું ખખડાવ્યું, ‘ડિનર ટાઇમ.’ એના રૂમમાં બીજાં ત્રણ જણાં હતાં. ત્રણે દર્દીઓનાં નામ જાણવાનાં બાકી હતાં. ‘ડિનર ટાઇમ’ની જાહેરાત કરી, હેલ્પર પાછી ચાલી ગઈ. એને થયું, ‘હું જમી શકીશ?’ એને યાદ આવ્યું સવારે એક સમાજસેવિકાએ એને કહેલું, ‘ઇફ યુ ડોન્ટ ઈટ, વી વિલ ફોર્સ યુ ટુ ઈટ.’ વળી ત્રીજી કેટેગરીના દર્દી તરીકે એણે જલ્દી સાજું થવું હોય, અહીંથી બહાર નીકળવું હોય તો એકમાત્ર આ જ વાતનું ધ્યાન રાખવાનું હતું : સારી રીતે જમવું. આખી વાતની વક્રતા એ હતી કે એને ભૂખ લાગી હતી. એ પહેલાંય સિલ્વિયાને ઘેર હતી ત્યારેય એને ભૂખ તો લાગતી જ. પણ જેવું જમવાનું નજર સામે આવે કે એને ખાવા પર વીતરાગ છૂટતો. ‘અહીં કેવી રીતે રહેવાય?' એ વિચારે શિલ્પા ખિન્ન થઈ ગઈ હતી. પોતાની પાછળ લોખંડના દરવાજાને તાળું મરાયું ત્યારે એને પોતે કોઈ જુદા પ્રકારની જેલમાં આવી પહોંચી હોય તેવું લાગ્યું હતું. હજુ તો આ પહેલો જ દિવસ હતો ને એને થયું, મારે જલદીમાં જલદી અહીંથી બહાર નીકળવું છે. પણ બહાર નીકળીને જવુંય ક્યાં એય એક મોટો પ્રશ્ન હતો. પોતાનું વજન ઘટયું એની એને કોઈ ચિંતા નહોતી. પણ બ્લડ પ્રેશર લો આવ્યું તે એને ન ગમ્યું. આ પહેલાં એણે અમેરિકામાં ને બીજે બધેય જ્યાં જ્યાં બ્લડ પ્રેશર મપાવ્યાં હતાં તે હંમેશાં નોર્મલ આવ્યાં હતાં. કૅલિફોર્નિયામાં પહેલી વાર એ મૉંત્રે પાર્ક સિટીના હેલ્થ સેન્ટરમાં ગઈ હતી. ત્યારે એનો યુરિન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, છાતીના એક્સ-રે, થાઈરોઈડનો ચેક અપ બધું લેવાયેલું. એનું પ્રેશર પણ મપાયેલું જે નોર્મલ હતું ને લેડી ડૉક્ટર લૉસને કહેલું કે 'યુ આર અ સ્પેસીમૅન ઑફ હેલ્થ' એને એ સાંભળવું ખૂબ ગમેલું. એને વજનની ચિંતા ભલે ન હતી, પણ વજન વધાર્યા વગર પ્રેશર નોર્મલ થવાનું નહોતું. તેથી એણે ખાવાનો પ્રયત્ન કરવો જ જોઈશે. એને એમ પણ લાગ્યું કે પોતે ત્રીજા પ્રકારના ક્યૉરેબલ દર્દીઓમાં મુકાઈ ગઈ છે, પણ જો તે ખાશે નહીં તો એને ઊતરતી કૅટેગરીમાં પણ મૂકી દેવામાં આવે ને તો પછી એની હૉસ્પિટલમાંથી મુક્તિ પણ મોડી થાય. એ વિચારે ફરી ચિંતિત થઈ ગઈ હતી. એણે મનોમન પોતાને કહ્યું, 'સારી રીતે જમજે.' એણે પગમાં સ્લીપર પહેરી, બસ એક સ્લીપર પોતાની હતી તે એને ધ્યાનમાં આવ્યું. એની ઘડિયાળ પણ લઈ લેવામાં આવેલી. વોર્ડમાં ચોરીઓ પણ ખૂબ થતી. તેથી કોઈ પણ દરદીને પોતા પાસે કંઈ પણ રાખવાની છૂટ નહોતી. એને માત્ર ગાઉન પહેરી જાહેરમાં જવાનો થોડો સંકોચ થયો, પણ બાકીની ત્રણે બહેનો એવી જ વેશભૂષામાં હતી તે નજરમાં આવતાં એ સંકોચ ઓછો કરી બારણા બહાર નીકળી. એમના ચારેયના બહાર નીકળ્યા પછી હેલ્પર નતાશાએ આવીને રૂમને તાળું મારી દીધું. બધાને ફરજિયાત જમવાનું હતું. જો રૂમ ખુલ્લા રાખે તો કેટલાક ઇન્મેટો રૂમમાં જ ભરાઈ રહેતા. કૉરિડૉરમાં ચાલીને તે ડાઇનિંગ હૉલ પાસે પહોંચી. ત્યાં ફૂડની ટ્રક આવી હતી ને ત્રણેક હેલ્પરો બધાની ડિશ તૈયાર કરતા હતા. એ પણ લાઇનમાં જઈને ઊભી રહી. એણે પોતાની રૂમના બાકીના ત્રણ દર્દીઓનાં નામ કૉરિડૉરમાં ચાલતાં ચાલતાં જાણી લીધાં હતાં : જેની, મેરી અને ટૉની. ખૂબ યંત્રવત્ ઓળખાણવિધિ થઈ હતી. ટૉનીને ડાયાબિટીસ હતો તેથી એને ઓછી કૅલેરીવાળી પ્લેટ મળવાની હતી. જેની ને મેરી શિલ્પાની સાથે ઊભાં રહ્યાં. ટૉની બાજુની જુદી કતારમાં જઈને ઊભી રહી. ડાયાબિટીસવાળી કતારમાં નવેક દર્દીઓ હતા. તેમને ઓછી કૅલેરીવાળી પ્લેટ મળવાની હતી તેથી તેઓ નારાજ હતા તેવું જેનીએ શિલ્પાને કહેલું. સામાન્ય દર્દીને બેડ કે બન સાથે માખણ મળતું, જ્યારે ડાયાબિટિક દર્દીઓને માખણ વગર બ્રેડ ખાવી પડતી. સામાન્ય દર્દીઓને જામ મળતો એ પણ પેલા લોકોને ન મળતો. ચીઝમાં પણ બધાને લો કૅલરીવાળું કૉટેજ ચીઝ ઉપરાંત અમેરિકન કે સ્વિસ ચીઝ મળતું. જ્યારે ડાયાબિટીસવાળાઓને માત્ર કૉટેજ ચીઝ જ મળતું. શિલ્પાને કૉટેજ ચીઝ ખૂબ ભાવતું. એ ફાડેલા દૂધ જેવું દેખાતું, ધોળું ધાપ ને ખાવામાં આછી ખટાશ લાગતી. શિલ્પાની નજર પ્લેટ આપનારા હેલ્પરો તરફ પડી. તેઓ જુદા જુદા ડબ્બાઓમાંથી ફટાફટ જુદી જુદી ખાદ્યસામગ્રીઓ કાઢીને પ્લેટ પર ગોઠવતા હતા. પ્લેટ સફેદ ટૉફનેલની હતી. તેમાં જાડા કાગળનાં વાડકા-રકાબી હતાં. ગોઠવાયેલી પ્લેટોમાં એક તરફ બન હતું. તેની સાથે માખણનો ક્યૂબ હતો. કૉટેજ ચીઝ કાગળના વાડકામાં હતું. તે સાથે દૂધનું નાનું કાર્ટન હતું ને બીજા એક વાડકામાં બૉઇલ્ડ વેજિટેબલ્સ હતા. પ્લેટો ખીચોખીચ ભરેલી હતી. શિલ્પાને થયું, 'આટલું બધું કેવી રીતે ખવાશે?' ત્યાં જ એક સુપરવાઈઝર જે બધા પર ધ્યાન રાખતા હતા, તેમણે શિલ્પાને કહ્યું, ‘પ્લેટમાં હોય તે બધું જ ખાઈ જજો. હું થોડીવારમાં નોંધવા આવું છું કે કોણે કેટલું ખાધું.' શિલ્પાને ફરી ચિંતા થઈ કે 'આટલું બધું એકદમ ખવાશે? બધું શું, થોડું પણ ખવાશે ખરું?’ કૅલિફોર્નિયા ગયા પછી શિલ્પાને એક વાર એક લેડી ડૉક્ટરને મળવાનું થયેલું. અંગીરા. અંગીરા એક બાહોશ ને પ્રતિભાસંપન્ન ડૉક્ટર હતી. એણે શિલ્પાને કહેલું : ‘મારે દર અઠવાડિયે થેરાપિસ્ટ પાસે જવું પડે છે.’ એ જાણીને શિલ્પાને ખૂબ આશ્ચર્ય થયું હતું. એ પછી તો શિલ્પા બીજા ઘણા લોકોને જાણતી થઈ હતી જે લોકો થેરાપિસ્ટ પાસે જતા હોય. એ લોકો વિશે વિચાર કરતી વખતે શિલ્પા પોતાને કહેતી, ‘મારે કદીય એવી સ્થિતિમાં મુકાવું નથી કે થેરાપિસ્ટ પાસે જવું પડે.’ થેરાપિસ્ટ પાસે જતા લોકો વિશે એણે જાતજાતની વાતો સાંભળેલી-વાંચેલી. એમાંના ઘણાખરા ડિપ્રેશનનો ભોગ હતા. ડિપ્રેશન ! આ શબ્દ કૅલિફોર્નિયા ગયા પછી બહુ જ સાંભળવા મળતો. ડિપ્રેશન વિશે અંગીરાએ એવું કહેલું કે એ વધારે પડતા સંવેદનશીલ લોકોનો રોગ છે. ડિપ્રેશનનો ભોગ બનતા લોકો મોટે ભાગે ખૂબ જ બુદ્ધિપ્રતિભાવાળા હોય છે. તેઓ માણસ તરીકે પણ ખૂબ સારા હોય છે. પણ ક્યાંક, ક્યારેક એવો મોહભંગ કે માલ ઍડ્જસ્ટમેન્ટ થઈ જાય કે એ લોકો વાસ્તવિકતાનો સામનો કરવામાં નાકામિયાબ નીવડે છે ને ડિપ્રેશનનો ભોગ બની જાય છે. ડિપ્રેસ્ડ લોકો વિશે એણે એવુંય સાંભળેલું કે એ લોકોમાંના કેટલાક અંગત ને બિનઅંગત દુઃખો વચ્ચેની ભેદરેખા ભૂલી જાય છે. સૌના દુઃખમાં એ પોતાનું દુઃખ જુએ ને પોતાના દુ:ખમાં સૌનું. શિલ્પા બેઘર લોકોનું કામ કરતાં એક બહેન પેટ જેરાલ્ડને ક્યારેક મળતી. એમણે વળી એવી વાત કરેલી કે ક્યારેક ખૂબ ઊંચા આદર્શો ધરાવતી વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બની જાય છે. પેટની સહકાર્યકર્તા યુનિસનો કિસ્સો વળી એકદમ વિચિત્ર હતો. યુનિસ ફિલિપાઇન્સથી આવી કૅલિફોર્નિયામાં સ્થાયી થઈ હતી. તે અગ્નિ એશિયાના (જેમાં યુનિસનો પોતાનો દેશ ફિલિપાઇન્સ પણ આવી જતો હતો.) વિસ્થાપિત લોકો, બોટ પીપલ અને બીજા રાજ્યવિહીન લોકોની યંત્રણા-પીડા સાથે પોતાને એટલું બધું આઇડેન્ટીફાઈ કરવા લાગી કે કૅલિફોર્નિયામાં પોતે સાધનસંપત્તિની દૃષ્ટિએ ખૂબ સુખી- વ્યવસ્થિત હોવા છતાં પોતાનું સુખ બહુ ભોગવી ન શકી. રાતદિવસ એ ઠંડીમાં ધ્રૂજતા, વરસાદમાં પલળતા, રાત્રે સાન્તા મોનિકા ગાર્ડનમાં દરિયાકિનારે ફાટેલાં કપડાં પહેરી પડી રહેતા બેઘરોના વિચારમાં દુઃખી રહેતી. યુનિસ પોતે એ લોકોનું થોડુઘણું કામ કરતી પણ એટલાથી એને સંતોષ ન થતો. આવે વખતે વ્યક્તિગત જીવનમાં થોડીક કટોકટી ઊભી થાય ત્યારે આવા લોકો વૈશ્વિક પીડા, જેને માનસશાસ્ત્રીઓ કૉસ્મિક ઍગની કહે છે, તેનો ભોગ બની જાય છે. બેઘરોના સતત વિચાર કરી પોતાનેય બેઘર અનુભવે છે અને ક્યારેક બેઘર થઈ પણ જાય છે. પતિ સાથે એકવાર જરા વધુ ઝઘડો થઈ ગયો ને બીજી બેત્રણ નાની સમસ્યાઓ આવી ગઈ તેને યુનિસ હેન્ડલ ન કરી શકી ને એણે ઘર છોડી દીધું ! યુનિસને પછી પેટ તથા બીજા મિત્રો થેરાપિસ્ટ પાસે લઈ ગયા ત્યારે થેરાપિસ્ટે કહેલું કે ‘યુનિસ નિજી ને સાર્વજનિક વચ્ચેનો ભેદ ભુલાઈ જવાથી થતી બીમારીનો ભોગ બની છે. બાકી તે ખરેખર પોતાના પતિને ચાહે છે, એને વફાદાર છે. એટલું જ નહિ એને પોતાના પતિ માટે માન પણ છે : છતાં એ અધોચેતનમાં બીજા બધા બેઘરની જેમ પોતે બેઘર થઈ જઈને જ પોતાના આદર્શને વફાદાર રહેવાય તેવું માનતી થઈ ગઈ હતી ને તેથી એણે પોતાના ઘરના આરામ, પ્રમોદ, સુખ ને સલામતી બધું છોડી દીધું !’ આ કિસ્સો સાંભળ્યા પછી શિલ્પા ઘણી ક્ષુબ્ધ થઈ ગઈ હતી ને સતત પોતાને કહેતી કે ગમે તે થાય હું આવી સ્થિતિમાં નહિ મુકાઉં.

*

અને હવે ખરેખર એવી સ્થિતિ આવી ગઈ કે પોતે અમેરિકાના એક અતિપ્રગતિશીલ રાજ્ય કેલિફોર્નિયાના લોસ એન્જેલીઝ નગરના મધ્યમાં આવેલી એક મેન્ટલ હૉસ્પિટલમાં સારવાર માટે લવાઈ છે ને અત્યારે એ ડિનરની લાઇનમાં ઊભી છે. વચ્ચે એવું તે શું થઈ ગયું? પોતેય નિજી ને સાર્વજનિક વચ્ચેની ભેદરેખા ભૂલી ગઈ હતી? તો એવું કેમ બન્યું? એને કંઈ જ સૂઝતું નહોતું. એ વિચારે એ ધ્રૂજી ગઈ કે પોતે ખાવાનું બંધ કર્યું તે સ્ટીવે કરેલું તેવા કોઈ ભાર નીચે તો નહીં હોય? ‘ના, ના, મારે એવી રુગ્ણતા પોષવી નથી. હું જમીશ, હું ચોક્કસ જમીશ.' એમ શિલ્પા પોતાને કહ્યા કરતી હતી. મનના એક બીજા ખૂણામાં તોય એને ચિંતા હતી કે એનુંય સ્ટીવ જેવું કંઈ થશે? સ્ટીવનો કેસ પણ થોડો યુનિસ જેવો હતો. સ્ટીવ વર્લ્ડ હંગરના એક એવા મંડળમાં કામ કરતા હતા જેનું લક્ષ્ય હતું કે ૨૦૦૦ની સાલ સુધીમાં આખી દુનિયામાંથી ભૂખમરો દૂર કરવો. સ્ટીવે એક વખત એક સેનેટર સામેના વિરોધમાં થોડા દિવસ અનશન પણ કરેલું. પણ તે પછી ડૉક્ટરે એમને નિયમિત ભોજન લેવાની સલાહ આપેલી અને એમ પણ કહેલું કે 'તમે જેટલો બીજાનો વિચાર કરો છો એટલો પોતાનો નથી કરતા અને એ હેલ્ધી વાત નથી.' થોડા દિવસ સ્ટીવે નિયમિત ભોજન કર્યું ને અચાનક એક દિવસ એણે ખાવાનો સંપૂર્ણ ત્યાગ કર્યો અને એનેય ઇટિંગ ડિસઑર્ડર હેઠળ માનસિક સારવાર લેવી પડી હતી. અમેરિકામાં ઇટિંગ ડિસઑર્ડરના લાખો કિસ્સા બનતા. ને બધામાં થેરાપિસ્ટો કંઈ માનસિક તનાવને ડિપ્રેશનનું કારણ માનતા. ઇટિંગ ડિસઑર્ડર બે પ્રકારના હતા : બ્યૂલિમિયા ને નરવોસા અનેરોક્સિયા. બ્યૂલિમિયામાં દર્દીઓ ખાધા જ કરતા ને વધુ ખાવા માટે પહેલાં ખાધેલાની ગળામાં આંગળીઓ નાખી નાખીને ઊલટી કર્યા કરતા ! ને એનેરોક્સિયામાં ખાવાનું સદંતર બંધ કરી દેતા. શિલ્પા ડિનરની લાઇનમાં ઊભી હતી. એણે પાછળથી આવેલા બીજા ચાર-પાંચ જણને પોતાની આગળ ઊભા રહેવાની જગા કરી આપી હતી. જાતજાતનાં સરસ ખાવાનાથી દરેકની ડિશ સજાવાતી હતી. થોડીવારમાં એનો વારો આવશે. પોતેય સજાવેલી ડિશ લેશે. પણ પછી ખાઈ શકશે? પણ એ કોઈ પણ સંજોગોમાં હૉસ્પિટલમાં વધુ રહેવા નહોતી માગતી. પણ જો એ બરાબર જમશે નહિ તો એને હૉસ્પિટલમાંથી છુટ્ટી મળશે નહિ. એ મનોમન પોતાને કહેતી હતી, 'ના, હું રુગ્ણ નથી. મારી આજુબાજુ શું થાય છે મને ખબર પડે છે. હું દર્દી નથી. મને ખાવાનું મન થાય છે. હું રોજરોજ સવાર-બપોર-સાંજ ને રાત એમ બધાં જ ખાણાં નિયમિત ખાઈશ, જલદી જલદી વજન વધારીશ ને સાજી થઈ જઈશ. પછી મુક્ત હવામાં બહાર નીકળી જઈશ. મનગમતા અહીંના સુંદર-હરિયાળા રસ્તાઓ પર દોડીશ, નાચીશ, કૂદીશ. પણ આ ગૂંગળાવતા વાતાવરણથી દૂર ભાગી છૂટીશ. શિલ્પાને વિશ્વાસ બેઠો કે પોતે હજુ સ્વસ્થ જ છે. સામાન્ય લોકો જેવી જ છે. પોતે જરૂર વજન વધારશે, લો બ્લડ પ્રેશરને નોર્મલ કરશે ને વધારે સ્વસ્થ બની થોડા જ દિવસમાં હૉસ્પિટલની બહાર જશે. આટલું છતાં મનમાં ઊંડે ઊંડે એને ભીતિ થતી હતી કે ખરેખર જ્યારે ડિશ નજર સામે આવશે ત્યારે શું થશે? પોતે ખાઈ શકશે? એથીય વધુ ચિંતાજનક બીજો વિચાર આવતાં શિલ્પા જડ જેવી થઈ ગઈ. હૉસ્પિટલમાંથી સાજા થઈ બહાર નીકળવાનીય એક વિધિ હતી. ખાસ તો કોઈકે આવીને હૉસ્પિટલના સત્તાવાળાઓને બાંયધરી આપવી પડે કે તે એને પોતાને ત્યાં રાખવા તૈયાર છે. શિલ્પાને પ્રશ્ન થયો : એને માટે કોઈ બાંયધરી આપશે? કોણ? ને હવે તો એના પર માનસિક દર્દીનું લેબલ લાગી ગયું છે. પછી કોણ એની જવાબદારી લેવા તૈયાર થાય? ત્યારે શિલ્પાનો વારો આવી ગયો હતો. બીજા બેત્રણ જણા એની લાઇન તરફ આવતા હતા, ડાયાબિટીસવાળાની લાઇનમાંથી બધાને ડિશ મળી ગઈ હતી. બીજા નવા આવનારાઓને પોતાની આગળ ઊભા રહેવા દઈ શિલ્પા સૌની છેલ્લે ઊભી રહી ગઈ.

વાર્તા અને વાર્તાકાર :

સુવર્ણા (૧૬-૧૦-૧૯૪૨)

એક વાર્તાસંગ્રહ :

1. એક હતી દુનિયા : 27 વાર્તા